January 4, 2025 at 11:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.
લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.
એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.
શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..
ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.
– ભરત વિંઝુડા
લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.
વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.
લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…
નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..
– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)
એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…
કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.
*
।। और नदी बहती रही ।।
नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।
પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.
આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી.
આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.
યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.
વ્હાલ તમનેય જો હો અમારા ઉપર,
અમને પણ લઈને ચાલો તમારે નગર.
– મુકુલ ચોક્સી
કોઈપણ કવિના જન્મદિવસને વધાવવા માટે એમની કવિતા વાંચવા-સહિયારવાથી વિશેષ ઉત્તમ ઉપક્રમ બીજો કોઈ હોઈ શકે ખરો? આજે કવિશ્રી મુકુલ ચોક્સીને એમના પ્રાકટ્યપર્વ ઉપર અઢળક મબલખ વધાઈ આપવા સાથે એમની એક મજાની ગીતરચના માણીએ…
લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ આપણે ‘પિતૃવિશેષ’ શ્રેણી માણી… આજે એક હળવુંફૂલ ગીત માણીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પ્રિય પપ્પા’ નાટક માટે મુકુલભાઈએ આ ગીત લખ્યું હતું. કોઈપણ ભારઝલ્લી વાત, અઘરા રૂપકો, ઝળાંહળાં કરી દે એવાં વિશેષણો કે પિતાનું સૌને કોઠે પડી ગયેલ માહાત્મ્ય વિના દીકરી ફક્ત પોતાના હૈયાની વાત જ ગીતસ્વરૂપે આપણી સાથે સહિયારે છે… અને એટલે જ ગીત વાંચતાવેંત આંખોના ખૂણે ભેજ તરવરી ઊઠે છે…
ગામના મોઢે ગળણું ન બંધાય એ કહેવત પહેલાં જેટલી સાચી હતી એથી અનેકગણી વધારે પ્રસ્તુત આજે સૉશ્યલ મિડિયાના જમાનામાં લાગે છે. કોણે, ક્યારે અને શું બોલવું એ વિવેક સાવ જ વિસારે પાડી દેવાયો છે. વચનવિવેક જ સાચો એવી કવિની ટકોર આજે જેટલી સાચી અને માર્મિક જણાય છે, એટલી કદાચિત ક્યારેય નહોતી. બોલવામાં વિવેક ન જળવાવાથી જ પીડા આડેધડ ઊગી નીકળે છે. વીણાજેવા મધુર અને ઝાકળ જેવા ભીનપવાળા શબ્દો માનવહૈયાને છેક તળિયે જઈને સ્પર્શે છે. સાથે જ કવિ નાનકડી પણ આવશ્યક ચીમકી પણ આપે છે. કવિ કહે છે કે ભલે ને રોજેરોજ મીઠા ને તાજા વેણ જ કહો, પણ જરૂર પડ્યે મૌનનાં બધાં જ તાળાં ખોલી નાંખીને જે વાત હાસ્યની તાજગી પાછળ સંતાડી રાખી છે, એ કહી દેવાની તૈયારી પણ રાખજો જ. ક્યારેક વચનવિવેક વળોટવો પણ રહ્યો. કેમ કે આખરે તો સત્યની મહેક જ કાળાતીત છે…
December 19, 2024 at 11:55 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ
આંખને દીવો મળે એવું મળ્યાં!
રાતને ચાંદો મળે એવું મળ્યાં!
રમ્ય તારા દેશમાં દાખલ થતા
પંથને પગલી મળે એવું મળ્યાં!
તેજના રોમાંચમાં કો લ્હેરતા
વૃક્ષને પંખી મળે એવું મળ્યાં!
નયનના નક્ષત્રમાં નમણી કથા!
છીપને મોતી મળે એવું મળ્યાં!
આડ અથવા વાડ ના મૂંઝવે કશું,
ઝાંઝરી જલને મળે એવું મળ્યાં!
જિંદગી તો ગીત ગાયું સાથમાં!
કંઠને કોયલ મળે એવું મળ્યાં!
હાથની સાથે જ હૈયું મોકળું!
ભાવને ભાષા મળે એવું મળ્યાં!
– ચંદ્રકાન્ત શેઠ
બાલાશંકર અને કલાપીના સમયની વાત અલગ હતી. એ સમયે ગઝલ ગુજરાતી કવિતા માટે નવ્ય કાવ્યપ્રકાર હતી અને સ્વરૂપ બાબતે પૂરતા સજાગ કે સજ્જ ન હોય એવા કવિઓએ પોતાની અધકચરી સમજના આધારે બાહ્યસ્વરૂપથી લઈને શેરિયત સુધીની સમસ્યાઓવાળી ગઝલો લખી હતી. એ સમય ગુજરાતી ગઝલના વિકાસના તબક્કાનો સમય હતો એટલે એ રચનાઓનું ઐતિહાસિક મૂલ્ય ગણાય, પણ જે સમયે ગઝલનો સૂર્ય સોળે કળાએ પ્રકાશી રહ્યો હોય એવા સમયે કોઈ સમર્થ સર્જક અપૂરતી સજાગતા કે સજ્જતાના કારણે ગઝલ નામના કાવ્યપ્રકારને યથોચિત ન્યાય ન આપી શકે એના વિશે શું કહી શકાય? ગઝલની ગળચટ્ટી જમીન પર ન ચાલવાનો નિર્ણય બહુ ઓછા સાહિત્યકારો લઈ શક્યા છે. ઉશનસ અને જયન્ત પાઠક જેવા દિગ્ગજ કવિઓ પણ ગઝલની લોકપ્રિયતાથી આકર્ષાઈ ગઝલ લખવા પ્રેરાયા હતા. એમની પાસેથી ઉત્તમ ગઝલો મળી છે એ વાતના સ્વીકાર સાથે એ પણ સ્વીકારવું પડે કે ગઝલના બાહ્યસ્વરૂપ બાબતની શિથિલતા એમના સર્જનમાં અછતી રહી શકી નથી. ઉત્તમ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ પાસેથી પણ આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલોની સાથોસાથ ગઝલ સ્વરૂપને અન્યાય કરતી રચનાઓ સાંપડી છે. પ્રસ્તુત ગઝલના સાતેસાત શેર શેરિયતની બાબતમાં તો ઉમદા છે, પણ ગઝલ સાથે અવિનાભાવી સંબંધ ધરાવતા કાફિયા જ અહીં જોવા મળતા નથી. તેર કે પંદર પંક્તિના સૉનેટને સૉનેટ ન કહી શકાય, એ રીતે કાફિયા કે રદીફ વિનાની ગઝલને ગઝલ કહી શકાય ખરું?
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.
આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.
– ભગવતીકુમાર શર્મા
સૉનેટદ્વયમાંનું પ્રથમ સૉનેટ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું સૉનેટ પ્રારંભાય છે. પિતાને એક વ્યક્તિ તરીકે ખૂબ પ્રેમ કરતો પુત્ર પિતાના જ્ઞાનવારસાને જાળવવાની બાબતમાં ઊણો ઉતર્યો છે. પિતાના ક6ઠે જે ઋચાઓ સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મે ઘડેલી હોવાનું પ્રતીત થતી હતી, એ બંધ પેટીમાં પીળી પડી ગયેલ પોથીઓમાં એમનું આયુષ્ય વ્યર્થ જ ગાળી રહી છે. પિતાને વારસ મળ્યો, પણ પિતાની વિદ્યા નિઃસંતાન જ રહી. નિયોન લાઇટના પ્રકાશમાં પણ પુત્રને પિતાના જ્ઞાનનું અજવાળું લાધી શકે એમ નથી. પુત્ર તોય નીંદનીય તો નથી જ. કમસેકમ એને આ વિદ્યાના વારસદાર હોવા બાબતે પોતાની અસમર્થતાની જાણકારી છે એય ઓછું નથી.એતલે જ પિતાની લાકડાની એ પેટીએ અન્ય કોઈકને આપે છે ત્યારે કઠણ કાળજું કરીને આપે છે. અને એ પેટી અન્યના હાથમાં જતાં પોતે પિતાને ફરી એકવાર અગ્નિદાહ આપતો હોવાની લાગણી થતાં એની આંખો ભીની થઈ જાય છે. પિતાનો જ્ઞાનવારસો સંતાન સચવી જ શકે એ જરૂરી નથી, પણ પોતાની ગેરલાયકાત અંગે જાણકારી હોવી અને એ વારસાની કિંમત સમજી શકવી એય સાચું પિતૃતર્પણ ગણાય!
લયસ્તરોની બે દાયકાની અણનમ કાવ્યયાત્રાની ઉજવણી નિમિત્તે આદરેલ પિતૃવિશેષ શૃંખલા આ સાથે અહીં સમાપ્ત કરીએ છીએ. પિતા વિશેની આ સિવાય પણ અનેક કવિતાઓ આપણી પાસે છે જ. સમયાંતરે એ પણ પ્રગટ કરતા રહીશું. અસ્તુ!
થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.
– ભગવતીકુમાર શર્મા
પિતાજીના અવસાન બાદ વરસો પછી પુત્ર પિતાજીની લાકડાની ભૂખરી પડી ગયેલ જૂની પેટી ઊઘાડે છે. થોડા ચર-ચર અવાજ સાથે પેટી ખૂલતાવેંત જ સૂકી હવડ ગંધ વાતાવરણમાં પ્રસરી ઊઠે છે. પિતાજીએ સાચવીને મૂકેલ પોથીઓનાં પીળાં પાનાંઓ તૂટું-તૂટું થઈ રહ્યાં છે. આછા પડતા જતા રંગવાળું એક મોરપિચ્છ, પોથીમાં સાચવીને રાખેલ પણ હવે જાળીજાળી થઈ ગયેલ પીપળાનું પાન, કુસુમ-કણિકા, કંકુના છાંટા અને પિતાજીના સ્પર્શની સાહેદી પૂરાવતા આંગળીઓના ડાઘ વગેરે વહી ગયેલા સમયનો લાંબો પટ ભેદીને સ્મૃતિઓને તાજી કરી દે છે. મૃત્યુના થોર જેવા કાંટાળા સ્પર્શે જે સામવેદી સ્વરોની ઋચાઓ સંકોરાઈ ગઈ હતી, એ તમામ ઋચાઓ પુત્રને ફરીથી ગૂંજી ઊઠતી સંભળાય છે. નિર્જીવ વસ્તુઓ જીવન-મૃત્યુના અલગ-અલગ કાંઠે પહોંચી ગયેલ બે જીવ વચ્ચે કેવો સજીવ સેતુ બાંધી આપે છે!
વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક
મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!
વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્રોત્ર’ જેવી ભાસતી કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે… જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!
ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.
પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું!
પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું,
ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
પપ્પાની એ કરડી આંખે
થરથરથર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.
-હિરેન મહેતા
આ ગીત જ્યારે પ્રથમવાર વાંચ્યું ત્યારે લાગ્યું કે આ તો મારા પપ્પા માટે જ લખાયું છે. અનુભૂતિથી કહું તો પપ્પા બિલકુલ નાળિયેર જેવા હોય છે. બહારથી પાણા જેવા ભાસતા પપ્પા અંદરથી સાવ ભીના અને હૂંફાળા હોય છે. હું નાની હતી ત્યારે ઘરનાં મોંઘેરા મોભ જેવા મારા પપ્પાથી લગભગ કુટુંબનાં બધા જ સભ્યો ડરતા હતા, કારણકે ગુસ્સો એમના નાક પર જ રહેતો. પરિણામે પપ્પાના કડક સ્વભાવની ખોખલી દીવાલની બીજી તરફ ફૂંકાતું હેતનું વાવાઝોડું જાણબહાર રહી જતુ. સાચું કહું તો પપ્પાની હાજરી જ એક સૂરજ જેવી હતી, જેની હાજરીથી વાતાવરણ ગરમ તો રહેતું, પણ એ ના હોય ત્યારે અંધારું છવાઈ જતું. જેઓ એમની ગેરહાજરીના અંધારાને અનુભવી શકતા, એમને માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હતા. નરી આંખે નજરે ન પડતા પ્રેમ, સમર્પણ અને ત્યાગથી પપ્પાને મેં સાચ્ચે જ એમના નાના ભાઈભાંડુઓનાં આયખાને અજવાળતા જોયા છે. જેમ દરેક પુત્રના પ્રથમ સુપર હીરો એના પપ્પા જ હોય છે, એમ દરેક દીકરીનો પ્રથમ પ્રેમ પણ એના પપ્પા જ હોય છે. મારા પપ્પા એટલે સાચે જ મારા આયખાનું ઝગમગતું અજવાળું… ભગવાન કરે એ લાંબા સમય સુધી ઝગમગતું અને ઝળહળતું રહે!
ન જાણે કંઈ કેટકેટલીવાર કોશિશ કરવા છતાંય હું કેમે કરીને મારા પિતાને
રોકી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા
અને અહીંથી જ વાંકા વળીને હું એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કરું છું,
પણ કંઈ ખાસ જોઈ શકાતું નથી. હૉલમાં અંધારું છે
અને બધા ઊંઘી રહ્યા છે. આ એ ભૂતકાળ છે
જ્યાં બધું પહેલેથી જ પરિપૂર્ણ છે અને કશું જ બદલાતું નથી,
જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ફર્શ પર પડે છે
અને તૂટતા પહેલાં એકવાર ઊછળે છે.
કશું જ નથી. પડખું બદલતી વેળા મારી બહેન કાઢે છે
એ નાનો અવાજ પણ નહીં, કૂતરાની પૂંછડીનો ધીમો અવાજ પણ નહીં
જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એમને નશામાં ચૂર,
થોડા મૂંઝાયેલા, લડખડાતા પોતાની પથારી તરફ પરત ફરતા.
આ બિલકુલ એવું જ છે જેવું હું જાણતી હતી કે થશે.
અને હું તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,
જે હું વરસોથી કરતી આવી છું, અને કૂતરો પણ
ચોંકે જ છે અને ઘુરકેય છે જ્યાં સુધી એ જોતો નથી
કે એ તો અમારા પિતા જ છે,અને હજીય દરવાજો ખૂલે છે, અને તેણી
પેલો નાનો ઊંહકારો ભરે છે, પાસું બદલતાં બદલતાં.
– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)
પિતૃવિશેષ શૃંખલામાં આજે સંવેદનતંત્રમાં હડકંપ સર્જે અને ગળેથી ઉતારતા પારાવાર તકલીફ થાય એવી એક કવિતા જોઈએ. આપણે ગુજરાતીઓને સુષ્ઠુ સુષ્ઠુ રચનાઓ વાંચવાની આદત પડી ગઈ છે, પણ દુનિયા ગુલાબની પથારી ઓછી અને કાંટાની સેજ વધારે છે. સાવકા બાપ દીકરી સાથે યૌન સંબંધ બાંધે એવા સમાચારોની વચ્ચે ઘણીવાર સગો બાપ વર્ષો સુધી સગે દીકરીનું યૌનશોષણ કરી એને ગર્ભવતી બનાવે એવા ચોંકાવી દેતા સમાચારો પણ ગુજરાતી અખબારોમાં આવે જ છે.
પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.
આ રચનામાં પણ એક સગો બાપ ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય ત્યારે દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. આ ઘરેલુ હિંસા વર્ષોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી નહીં, બાથરૂમની ફર્શ પર પડીને તૂટતાં પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ બનીને રહી ગઈ છે. નાની બહેન લાખ કોશિશો કરવા છતાંય રોજ રાતે આંખો સામે થતા આ દુરાચારને અટકાવી શકતી નથી. ઘરનો વફાદાર કૂતરો પણ રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો ઈસમ ઘરનો માલિક જ છે એ જોઈને સહેજ ઘર્રાઈને, સહેજ પૂંછડી થપકારીને ચૂપ રહે છે.
How Many Times
No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room
and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall
and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,
where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.
Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail
when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.
This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,
I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees
it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.
અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવોઃ
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા;
અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠયો
-પિતાજીની ટેવે! -અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!
– ઉશનસ્
લયસ્તરોની બે દશકની કાવ્યયાત્રા નિમિત્તે આદરેલ પિતૃવિશેષનું આજે આ ત્રીજું ચરણ.
પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)
પિતાના મૃત્યુ પછી પિતા વગરના ઘરમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે પુત્રને જે નવો અને અદભુત અનુભવ થાય છે એને કવિએ ચૌદ પંક્તિઓમાં સંયત ભાષામાં આલેખ્યો છે. જે ઘરમાં પોતે જન્મ લઈ મોટો થયો હશે, એ જ ઘર આજે પુત્રને મોટા હવડ અવકાશ જેવું ખાલી અને અવાવરું ભાસે છે. ઘરમાં ઉપસ્થિત ચિરપરિચિત વસ્તુઓ-ફર્નિચર વગેરે સાથે કવિને વર્તમાન નહીં, પણ અન્ય કોઈ જનમનો પરિચય હોવાનું પ્રતીત થવાથી થોડા કૌતુક સાથે, થોડા અપરિચય સાથે એ જોઈ રહે છે. ઘરની વળગણી ઉપર સૂકવવા મૂકેલ પિતાજીનું પંચિયું હજીય ત્યાં જ લટકતું હતું. પંચિયું એટલે નહાવા જતી વખતે પહેરવાનું નાનું ધોતિયું. પ્રવાસ દરમિયાન પહેરેલ કપડાં કાઢીને દીકરો પિતાજીનું પંચિયું પહેરી સ્નાન કરે છે અને પછી દેવપૂજા કરવા માટે શણિયું પહેરે છે. શણિયું એટલે સ્નાન કર્યા પછી પહેરવાનું લૂગડું. પૂજા કરતાં પૂર્વે પિતાજી કપાળ પર ત્રણ આંગળીથી સુખડની ત્રિવલ્લી બનાવી ભસ્મ લગાડતા હતા એનું જ અનુસરણ દીકરો પણ અજાણતાં કરી બેસે છે પણ પછી અરીસામાં સ્વયંને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. દીકરાને અરીસામાં પોતાના સ્થાને પિતા નજરે ચડે છે. પિતાજીની જેમ જ બપોરે એક ઊંઘ ખેંચી ઊઠ્યા બાદ કોઈ ટપાલ આવી છે કે નહીં એની તપાસ પણ દીકરો કરે છે. રાત્રે પિતા સૂતા હતા એ જ પથારીમાં એ ઓઢતા હતા એ જ ગોદડું ઓઢીને દીકરો સૂઈ પણ જાય છે. નાનપણથી પિતાજીની દિનચર્યા જોઈ જોઈને જે સંસ્કારો ઘડાયા હશે, એ સંસ્કારવશ પુત્ર એ હદે પિતાજીની દિનચર્યાનું અનુકરણ કરે છે કે પુત્રને પોતે જ પિતા હોવાનું ભાન થાય છે. એટલે જ પુત્રને પોતાની નનામી, અને ચિતા પર બળતું પોતાનું શબ પણ નજરે ચડે છે. સંતાનને પોતે જ પોતાનો પિતા હોવાનું સત્ય સમજાય છે એટ્લે કે પોતાના પિતા પોતાનામાં હજી પણ જીવતા હોવાની પ્રતીતિ થાય છે, કારણ કે પુત્ર જીવતો રહે ત્યાં સુધી પિતા મૃત્યુ પામી જ ન શકે. પુત્રના સ્મરણમાં એના પિતા પુત્ર જીવતો રહે ત્યાં સુધી જીવતા જ રહેવાના. વિલિયમ વર્ડ્સવર્થનું બખુખ્યાત વિધાન પણ આ તબક્કે યાદ આવે: ‘the child is father of the man.’
અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં, ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને, અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.
અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.
ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં, અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા પ્રવાહે સ્વર્ગંગાજલ થકી શકે તારક વીણ્યા!
વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું, ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…
– ઉમાશંકર જોશી
“પિતૃવિશેષ”નું બીજું પગલું ઉમાશંકરની કલમે. જે પિતા તમારી જવાબદારી આખી જિંદગી પોતાના ખભે રાખી હોય એ જ પિતાને આખરે એક દિવસ ખભે ઊંચકીને લઇ જવાનો વારો આવે છે. અંતિમસંસ્કાર પછી અસ્થિના ફૂલમાં કવિને વિશ્વક્રમના દર્શન થાય છે. પિતાએ એમના પિતાને આ જ રીતે વિદાય આપી હશે અને એક દિવસ મારો પુત્ર પણ મને આ જ રીતે વિદાય આપશે. આ ક્રમ સમજાતા મૃત્યુનો શોક શમી જાય છે. આમ પિતા પોતાના અસ્થિ દ્વારા પણ પુત્રને એક આખરી સમજ આપતા જાય છે.
આ કવિતામાં મનને શાતા આપવાની અદભુત શક્તિ છે.
મારા પોતાના માટે આ કવિતા બહુ ખાસ છે. મારા દાદા જ્યારે ગયા ત્યારે પપ્પાએ મારી સાથે બેસી આ કવિતા વાંચી સમજાવેલી. ગયા વર્ષે જયારે મારા પપ્પા ગયા ત્યારે મેં મારા દીકરા સાથે બેસીને ફરી આ જ કવિતા વાંચેલી. એવી આશા કરું છું કે એક દિવસ જ્યારે મારે જવાનું થાય ત્યારે અમેરિકા દેશમાં ઢચુપચુ ગુજરાતી સમજતો મારો દીકરો એનાથી ય ઓછું ગુજરાતી સમજતા એના દીકરાને આ કવિતાની મદદથી વિશ્વક્રમની ઓળખાણ કરાવશે.
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન) સંખ્યાબંધ લોકોની આંખ સામે ધોળે દહાડે ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે મરવાનું અંગત કાર્ય કરી ગયો એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે હું એને અંજલી આપું; એની કરુણભવ્ય ગાથા રચું; જેથી કેટલાક વધુ માણસો જાણે કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો. ભડનો દીકરો હતો એ, તડ ને ફડ હતો એ, મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે મથુરાદાસને ધરતીનો લગાવ હતો. એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો, મન મૂકીને ખડખડ હસતો, તક મળ્યે બહારગામ જઈ રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો, ઝનૂની ઘોડાઓ પલાણતો, અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો. એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં. ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે. દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા ખાઈને પડી રે’વું. કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ, ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા. બધે અજવાળું વિખેરાતું હતું, જાણે. – મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ. કદાચ તમારી ઓફિસનો બોસ સાવ સામાન્ય ગુમાસ્તામાંથી આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય. તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય. મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે પાછલાં વરસોમાં મથુરાદાસ સામે અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું એના શરીરે. તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં. વગડાઉં કાગડાનો પગ તૂટી જાય, પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે, ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન, એવી કપરી સ્થિતિ એની થઈ હતી. પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો. આ મોત સાથેનો પ્રવાસ હતો, અને હંમેશા તેણે એ સહપ્રવાસીની ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે. કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે. ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ, હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી. વાતચીત કે વર્ણનોથી હું એક્કેય વાઙમયમંદિર ચણી શકતો નથી, કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી તારા સંદર્ભના નગ્ન ડિલ પર. એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી, ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
– ઉદયન ઠક્કર
“પિતૃવિશેષ”ના પહેલા પગલે ઉદયન ઠક્કરની રચના થકી પિતા નામની ઘટનાને સલામ કરીએ. આ કવિતા બહુ વર્ષોથી વાંચું છું. દર વખતે થોડી થોડી વધારે સમજાય છે. કવિતા વાંચીને કોઇક વાર રડી નાખું છું અને કોઈક વાર છાની સલામ કરી લઉં છું. એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે. એ ઘટના જ એટલી વિશાળ છે કે એનું મુલ્ય સમજાતા બહુ વાર લાગી જાય છે. અહીં કવિ કહે છે એમ ‘પ્રામાણિક વેદના’ સિવાય બહુધા આપણે એને ખાસ કશું આપી શકતા નથી. અને એટલું ય આપી શકીએ તો ઘણું.
૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકાથી ધવલ શાહે આ કાવ્યયાત્રાની શરૂઆત કરી હતી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ દિવસ પણ આવશે… આજે વીસ-વીસ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં હોઆ છતાં આ મુસાફરી હજી ખતમ નથી થઈ એના પાયામાં મિત્રોને અમારી કટિબદ્ધતા કે પ્રતિબદ્ધતા નજરે ચડે છે, પણ અમને ખબર છે કે આ સફર કદી અમારા એકલાની કે અમારા નિર્ધાર યા સમર્પણની હતી જ નહીં, આ યાત્રા તો પ્રારંભથી જ આપ સહુના સાથ-સંગાથ અને સ્નેહ-આશીર્વાદની યાત્રા હતી… લયસ્તરોની આ મજલ આપ જેવા સંનિષ્ઠ ભાવકમિત્રો વિના એક ડગલું પણ કાપી શકાય એમ નહોતી…
૨૦ વરસ ૧૨૦૦ થી વધુ કવિઓ ૫૬૦૦ થી વધુ પોસ્ટ્સ ૪૨૦૦૦ થી વધુ પ્રતિભાવો ૫૦ લાખથી વધુ મુલાકાત વીસ વરસમાં (પ્રતિદિન ૭૦૦ થી વધુ મુલાકાતી) એક કરોડથી વધુ વ્યૂઝ (પ્રતિદિન ૧૫૦૦ થી વધુ વ્યૂઝ)
એક તરફ સૉશ્યલ મિડિયાનું અતિક્રમણ અને બીજી તરફ કવિતા નામનો પ્રાણવાયુ… ગુજરાતી કાવ્યસાહિત્યના મહાસાગરમાંથી અમારી સમજ મુજબના રત્નો શોધી શોધીને અમે આપની તાસક ઉપર ધરતા આવ્યા છીએ, ધરતા રહીશું… વ્યક્તિગત અને માનવસહજ મર્યાદાઓને કારણે તમામ સર્જકો અને તમામ સર્જન સુધી પહોંચવું તો કદીય સંભવ નથી જ બનવાનું. અહીં જે છે એ બધું ઉત્તમ જ છે અને અહીં જે નથી એ ઉત્તમ નથી એવો અમારો કોઈ દાવો નથી. ઘણા ઉત્તમ સર્જકો અને અસંખ્ય ઉત્તમ કવિતાઓ અમારી પહોંચ બહાર રહી હોવાના ક્ષતિસ્વીકાર સાથે અમે અમારી પહોંચ બહાર રહી ગયેલ એ તમામ સર્જકો અને સર્જનની ક્ષમા માંગીએ છીએ…
જીવે કવિતા! જીવે ગુજરાતી!
સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક અભાર…
ધવલ – તીર્થેશ – મોના –વિવેક ટીમ લયસ્તરો
દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અલગ પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે – પિતૃવિશેષ! જગતભરના કવિઓએ માતાનો મહિમા કરીને એને ભગવાનની સમકક્ષ ઊભી રાખી છે, પણ સમગ્ર પરિવારનો બોજો મૂંગા મોઢે વેંઢારતા રહેતા પિતા વિશે બહુ ઓછા કવિઓ બહુ ઓછું બોલ્યા છે. લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે પિતાજીને કેંદ્રસ્થાનમાં રાખીને કહેવાયેલી કવિતાઓ રજૂ કરીશું… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.
લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:
November 29, 2024 at 12:30 AM by વિવેક · Filed under અર્પણ ક્રિસ્ટી, ગીત
છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ત્યાં છોકરાને ફૂટી ગઈ પાંખો,
છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો.
આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઈ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો.
છોકરીની નજરોએ કર્યું…….
છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે ‘હું રાજા’,
અંગોમાં છોકરીનાં ઊગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજાં.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….
-અર્પણ ક્રિસ્ટી
છોકરા-છોકરીનાં ગીત કાને પડતાવેંત ર.પા.ની યાદ આવે. પણ ખરી મજા તો ત્યારે આવે, જ્યારે ર.પા. જેવા પૂર્વસૂરીના ખભે ઊભો હોવા છતાં સર્જક પોતાની વાત પોતાની રીતે કહી શકે. પ્રસ્તુત રચના આ વિશેષતા તુર્ત જ અનુભવાય છે. ગીત કોઈ પ્રકારની ટિપ્પણીનું મહોતાજ નથી. સહજસાજ ભાષામાં કવિએ છોકરા-છોકરીની દ્વિપક્ષી પ્રણયકથાને પ્રવાહી લયના તાંતણે બખૂબી વણી લીધી હોવાથી ગીત સાચા અર્થમાં મનનીય થયું છે.
ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી છલકાઈ ઊઠી છે
અને તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ એમાં
ફરી પાછું
કશુંક સળવળવા માંડયું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!
– ધીરેન્દ્ર મહેતા
નગરકાવ્યો આપણી સાહિત્યસમૃદ્ધિનું અગત્યનું પાસું છે. પ્રસ્તુત રચનામાં ભુજ કેન્દ્રસ્થાને છે. ભુજમાં પ્રચંડ ભૂકંપ આવ્યો એના પંદર-સોળ વર્ષ પહેલાં લગભગ ૧૯૮૫ની આસપાસમાં આ રચના લખાઈ છે, પણ ચાળીસેક વર્ષ પૂર્વે શહેરીકરણનો રાક્ષસ જેટલો પ્રભાવી અને વિકરાળ જણાતો હતો એટલો જ આજે પણ લાગતો હોવાથી રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે. બંધ મુઠ્ઠી ખૂલે અને આંગળીઓના પ્રસારને લઈને પંજાનો વિસ્તાર વધતો જાય એ રીતે ભુજ પણ વિસ્તરી રહ્યું છે. નગરમધ્યે વિરાજમાન ભુજિયો ડુંગર ભુજની એકમાત્ર શોભા નથી રહ્યો પણ શહેરમાં ફૂલીફાલી રહેલી સોસાયટીઓ વીંટીના નંગ સમી શોભી રહી છે એમ કહીને કવિએ વેધક કટાક્ષ કર્યો છે. પ્રદૂષણનો કાળોતરો આખા ભુજને ગળી જશે એવી ભીતિના કાળાં વાદળોમાં કવિને ફરી એકવાર છલકાવા લાગેલ હમીરસર તળાવ નામની સોનેરી કોર નજરે ચડે છે. પાંખા વરસાદવાળા વિસ્તારની સમૃદ્ધિ સ્વાભાવિકપણે જળની આવને આભારી જ હોવાની. હમીરસર તળાવના ભરાવાથી નગરનાં સ્વપ્નોને વૃક્ષ બની મહોરવાની તક સાંપડી છે. ઔદ્યોગિકીકરણનો રાક્ષસ નગરને ભરખી જાય, એ પૂર્વે જીવી લેવાના આહ્વાન સાથે કવિ વાત પૂરી કરે છે ત્યારે આપણી ચેતનામાં સળવળાટ શરૂ થાય છે…
જ્યાં નશામાં જીતના ફરતો રહ્યો,
તેં હરાવ્યો સાતમા કોઠે મને.
વ્યક્ત કરવો છે મને- પણ કઈ રીતે?
છેતર્યો તેં શબ્દના ઓઠે મને.
– નયન હ. દેસાઈ
એક જમાનો હતો જ્યારે વારાંગનાઓના કોઠા સમાજનો અગત્યનો હિસ્સો ગણાતા હતા. સભ્ય સમાજના લોકો ચાલચલગત શીખવા માટે તરવરિયા યુવાનોને કોઠા પર મોકલતા હતા. પાકીઝા, ઉમરાવ જાન, સાહેબ બીબી ઔર ગુલામ, દેવદાસ જેવી અસંખ્ય ફિલ્મોએ આ કોઠાઓના વૈભવને ખૂબ મહિમાન્વિત પણ કર્યો છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સ્વાભાવિકપણે એ સમયના સંસ્કારોની નીપજ છે. સાંજ પડતાવેંત જીવને અસુખ અનુભવાવા માંડે એવા સમયે નખશિખ સજ્જન કવિને પણ કોઠો યાદ આવે છે, કેમ જાણે જિંદગીના તમામ અસુખોનો ઈલાજ ત્યાં જ ન હોય! આ તો થઈ મત્લાની વાત, પણ સરવાળે તો આખી ગઝલ જ સંતર્પક થઈ છે… નિભાવવી કઠિન થઈ પડે એવી રદીફ સાથે બખૂબી કામ પાર પાડીને કવિએ આપણને સાદ્યંત સુંદર ગઝલ આપી છે. નવા ગઝલકારો માટે સારું-નરસું નક્કી કરવું દોહ્યલું બની જાય એ હદે ચારેતરફ ગઝલોનો મહાસાગર ઉછાળા મારી રહ્યો છે, પણ સાચા અર્થમાં સારા ગઝલકારો શા માટે સારા ગણાયા એ સમજવું હોય તો આવી ગઝલો તરફ આપણી ધ્યાનની નૈયાનું સુકાન ફેરવવું પડે…
ખળખળ્યાં, ઉછળ્યાં ઝરણ થઈ, પણ હવે
ચાલ વહીએ, ધીરગંભીર થઈ નદી.
બે હલેસાં- એક તું, ને એક હું,
આપણે તો પાર કરવી છે સદી.
– જે. કે.
કવિતા એટલે ખરા અર્થમાં દિલથી દિલને જોડતી કડી… જે વાત કવિના હૃદયમાંથી નીકળી ન હોય અને/અથવા ભાવકના હૃદય સુધી પહોંચી ન શકે એ ગમે એટલી અલંકારિક કે વિદ્વત્તાસભર કેમ ન હોય, એ કવિતા તો નથી જ. વીરપુર નજીક જેતપુર ગામમાં એમડી ફિઝિશ્યન તરીકે વર્ષોથી સેવા બજાવતા તબીબ-કવિ-ગાયક જે. કે. નાણાવટીના દિલમાંથી એમના લગ્નજીવનના ચાર દસકા પૂરા થવાનાનિમિત્તે જે વાત નીકળી એ સીધી આપણા દિલને અડી જાય એવી છે. પાંચેય શેર સરળ હૃદયંગમ બાનીમાં લખાયા છે. જેમ જેમ ગઝલ આગળ વધતી જાય છે, એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. છેલ્લો શેર તો, ભઈ વાહ!
ગુંગળાઉં છું, રિબાઉં છું ઓથાર હેઠ હું,
લઈ જાવ જ્યાં ન ધૂમ્ર હો વાતાવરણ ઉપર.
આ કાળમીંઢ ભીંત અને મ્લાન દર્પણો,
ચહેરા તળે છે આવરણ, કૈં આવરણ ઉપર.
તૂટે પીઠિકા થાકથી, ભીંસાય પાંસળી,
ખડકી છે કોણે કૈંક સદી એક ક્ષણ ઉપર?
એવો મળ્યો છે એક દિલાસો મરૂસ્થળે,
જોયા કરું છું ઊંટનો આકાર રણ ઉપર.
નિષ્પર્ણ વૃક્ષને અઢેલી આથમી ગયો,
‘પંથી’ જીવે તો કેટલું કોઈ સ્મરણ ઉપર?
– પંથી પાલનપુરી
ગઝલના મત્લા અને મક્તા વાંચતાવેંત મોહી પડાય એવા મજાના થયા છે. મત્લામાં નિસર્ગની ચાહના એના ચરમ શિખરે નજરે પડે છે તો મક્તામાં પ્રણયની નિરાશાની ચરમસીમા સિદ્ધ થઈ છે. બીજા શેરમાંના એક છંદદોષ અને વાતાવરણવાળા ચોથા શેરમાં કાફિયા-રદીફની અનિવાર્યતાને કારણે સર્જાતા ભાષાદોષ (વાતાવરણમાં-સાચું)ને અવગણીએ તો બાકીની આખી ગઝલ પણ આસ્વાદ્ય થઈ છે.
સંગ્રહમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવાનું કામ બહુ અઘરું હતું. જે ગઝલ પસંદ પડે, એ તો લયસ્તરો પર હોય જ. એક અનૂઠી રદીફવાળી ગઝલ અત્રે રજૂ કરું છું. વર્ગમાં શિક્ષક ભણાવતાં હોય કે મિત્રો ભેગાં મળીને વાતચીત કરતાં હોય, મા-બાપ કોઈ બાબતે ઠપકો આપતાં હોય કે બાલ્કનીમાં ખુરશી ઢાળીને આપણે એકલા બેઠા હોઈએ, આપણા સહુનો અનુભવ છે કે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં કદીયે સોએ સો ટકા હાજર રહી શકતાં જ નથી. આવી અધકચરી અધૂરી ઉપસ્થિતિ લઈને જ આપણે દુનિયામાંથી પસાર પણ થઈ જઈએ છીએ. આવી જરા હોવાની અને જરા ન હોવાની આંશિકતાતો તંત ઝાલીને પડકારરૂપ રદીફ પ્રયોજીને કવિએ કેવી મજાની સપ્તરંગી ગઝલ આપી છે!
કવિ સમાજનો ખરો પ્રહરી અને કવિતા ખરો આયનો છે. જે તે સમય અને પ્રદેશની કવિતાઓમાંથી જે તે સમયની સભ્યતાનો સાચુકલો ક્યાસ કાઢી શકાય છે. ઇતિહાસ તો રાજકારણીઓ અને વિજેતાઓ લખે, એને તથ્ય સાથે સંબંધ હોય જ એ જરૂરી નથી. જુગારમાં ભાઈઓ અને પત્નીને હારી જાય અને પત્નીના જાહેરસભામાં ચીરહરણ સમયે આંખો બંધ કરી બેસી રહે એને આપણે ધર્મરાજ કહીએ કારણ એ વિજેતા થયા. દુર્યોધનની જેમ હારેલાઓએ લખેલો ઇતિહાસ જોવામાં આવતો નથી. પણ સાહિત્યકાર રાજકારણ અને હારજીતના ભાવથી મુક્ત હોવાથી સમાજનું સાચું અને પ્રામાણિક આલેખન જોવું હોય તો એ ઇતિહાસ કરતાં વધારે સાહિત્યમાં જ જોવા મળશે. પ્રસ્તુત રચના એનું એક નાનકડું ઉદાહરણ છે. કવિએ ઝાલાવાડનો મિજાજ કેવો સુપેરે પકડી બતાવ્યો છે એ જુઓ. કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જળવાઈ રહેતી સૌરાષ્ટ્રવાસીઓની દરિયાદિલી કવિએ બખૂબી ઝીલી છે.
જોત રે જોતામાં આમ વીતી જશે
આ આયખાની લીલીછમ ક્ષણો,
આવતી કાલ કોણે દીઠી છે દુનિયામાં?
આજની ફસલ આજ લણો!
તમે કાળઝાળ સૂસવતી લૂની જેવા અને લહેરખી છીએ અમે ફાગણી!
તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી.
– લાલજી કાનપરિયા
તમે-અમેની હુંસાતુંસી કે સરખામણીની ઘણી રચનાઓ આપણા ગીતસાહિત્યમાં જડી આવે છે. પ્રસ્તુત રચનામાં પણ નાયિકા પોતાની ભીનીછમ્મ લાગણીનો કોરોકટ પ્રતિસાદ આપતા મનના માણીગરને પ્રેમથી ઠમઠોરે છે. પ્રેમની હેલીની પ્રતીક્ષામાં અત્યાર સુધીનું જીવન કોરું ગયું હોવાથી એ વર્તમાન વિશે આશંકા સેવી રહી છે. બે કાંઠે છલકાતી જાતમાં પ્રિયતમ નહાશે કે કેમ એ મોટો સવાલ છે. પ્રથમ બંધની સરખામણીમાં બીજો બંધ પ્રમાણમાં સપાટ થયો હોવા છતાં ગીતનો મિજાજ સરવાળે જળવાઈ રહે છે, પરિણામે રચના આસ્વાદ્ય બની છે…
લયસ્તરો પર આજે એક રમતિયાળ ગીત સાથે યુવાકવિ ગોપાલ ધકાણના ગીતસંગ્રહ ‘અજવાળું દીઠ્યું મધરાતે’નું સહૃદય સ્વાગત કરીએ.
જતી વયે પીપળાને મેકઓવર કરાવીને ફેર જુવાન થવાના ઓરતા જાગ્યા હોવાના કલ્પનને કવિએ બખૂબી રમાડ્યું છે. વાયરો વાત વહે એ વાતને ખપમાં લઈને પીપળો પોતાના મનની વાત વાયરાના કાનમાં કહે છે, જેથીમહેંદી, કેતકી અને માલતી સુધી સંદેશો બરાબર પહોંચી જાય. ગીતનું મુખડું અને પ્રથમ બંધ બંનેમજાનાથયા છે, પણ ખરી મજા તો બીજા બંધમાં છે. એક તરફ પીપળો ડાયેટિંગ કરીને વજન ઘટાડવા માંગે છે તો બીજી તરફ બારમાસી સાથેના અફેરને છૂપાવેલો પણ રાખવા માંગે છે. હૈયું પ્રેમમાં તરબતર છે અને કાયા ભડભડ બળી રહી છે… પુરુષસહજ વાર્ધક્યવૃત્તિને કવિએ પીપળાના પ્રતીકથી કેવી ખીલવી-ખેલવી છે, નહીં!
એ કશું મનમાં વિચારીને લજાયાં,
હુંય થાતો પાણીપાણી એ વિચારે.
દર વખતની જેમ હું ચુપચાપ બેઠો,
એમણે વાતો કરી વળતી ઈશારે.
એકટશ જોયા કરે છે પંખીડાં બે,
જેમ શંકર-પોઠિયો બેઠા શિવાલે.
વેદનાનું વિસ્મરણ કરવું જ છે તો,
કેમ ઉતારે છે ગઝલમાં છાશવારે?
માર્ગ નહીં પણ સત્યમાર્ગે ચાલતા રહી-
થાય જે કડવા અનુભવ, એ મઠારે.
– અમિત ટેલર
ईद का दिन है गले आज तो मिल ले ज़ालिम,
रस्म-ए-दुनिया भी है मौक़ा भी है दस्तूर भी है।
– કમર બદાયૂનીએ જે વાત અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ વધીને કવિ આલિંગન પૂર્ણ કરે છે. સ્ત્રીસહજ લાજ, બદનામીનો ભય, નાયિકાના વર્તાવ અંગે નાયકના મનમાં રહેલી શંકા અને ઈદ કે દિવાળી જેવા કોઈક તહેવારોનો રિવાજો -ચાર અલગ અલગ પરિમાણોની વચ્ચે પ્રિયજન ભરવચાળે નાયકને બહુપરિમાણીય આલિંગન આપે છે એની મોજ એવી સ-રસ છે કે ભાવક પણ આ દુર્નિવાર્ય ભાવાલિંગનથી પરે રહી શકતો નથી. (ત્રીજા શેરમાં છે એ માનાર્થસૂચક અનુસ્વારની મત્લામાં અનુપસ્થિતિ જો કે થોડી ખટકે છે.) છેલ્લા બંને શેર નિવારી શકાયા હોત તો રચના સાદ્યંત આસ્વાદ્ય બની હોત. છઠ્ઠો શેર ગઝલના મિજાજથી થોડો વેગળો પડી જાય છે અને આખરી શેર તો સાવ આગંતુક જણાય છે. પરંતુ એટલું બાદ કરતાં પહેલા પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે.
સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં કવિસંવેદનને વ્યક્ત કરી ભાવક સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકે. પ્રસ્તુત ગીત જુઓ. આનાથી નાની ઇબારતના ગીત આપણી ભાષામાં જૂજ જ જડશે. ગીતની ભાષા પણ એકદમ સહજ અને સરળ છે. પંડિતાઈનું લેશમાત્ર પણ પ્રદર્શન કર્યા વિના કવિ અદભુત કરકસર સાથે દિલની વાત આપણી સમક્ષ યથાતથ મૂકી શક્યા છે. કવિહૃદયની ભીતર છોળ ઉછળી રહી છે. શેની છોળ અને કેમ એ વિશે ફોડ પાડ્યા વિના કવિએ એને કોણ ઝીલશે એ પ્રાણપ્રશ્ન રજૂ કર્યો છે. મુખડાના આરંભે અને અંતે ‘કોણ ઝીલે?’નો સવાલદોહરાવીને કવિએ એ વાત અધોરેખિત કરી છે, કે ભીતર છોળ ઉછળે છે એના કરતાંવધારે અગત્યની વાત એને ઝીલવાની છે. જીવનના અલગ અલગ તબક્કે આપણે સહુ અલગ અલગ પ્રકારની લાગણીઓના ફુવારા ભીતર ફૂટતા અનુભવીએ જ છીએ, પણ વધુ અગત્યનું એ છે કે એ ફુવારા તરફ આપણે કેટલા સચેત રહીએ છીએ અને એમાં ભીંજાવાનો લહાવો લૂંટીએ છીએ કે એને નજરઅંદાજ કરીને ઘાણીના બળદની જેમ કાયમના ચકરાવાઓમાં જ રત રહીએ છીએ! વાત સ્વયંની ભીતર ઉતરવાની છે,પણ સીડીના સહારે નહીં. સીધો ધુબાકો જ મારવાનો છે. અને પછી છબ્બાક કરતાંકને જે જળ ઉછળે એને ઝીલવાનાં છે. સ્વયંને ખીલવવાનું છે, પણ એય ખટ્ટાક કરીને… મતલબ અનાયાસ… પ્રયત્નપૂર્વક નહીં… અને પછી ફટ્ટાક કરતી જે ફોરમ ફૂટે એને પીવાની છે… આખા ગીતમાં ધ્રુવપંક્તિના ‘કોણ?’નો સવાલ ગૂંજ્યા કરે છે… આ કોણનો જવાબ મળી જાય તો જીવન સાર્થક થઈ જાય, ખરું ને?
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
. સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
– ઉમાશંકર જોશી
(લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૧૯૪૮)
અમેરેલી જઈએ અને ર.પા.ને યાદ ન કરીએ એ જેમ ન બને એ જ રીતે લાઠી ગયા હોઈએ અને કલાપી યાદ ન આવે એ કેમ બને? લાઠીના રેલવે સ્ટેશન પર સ્વાભાવિકપણે જ ઉ.જો.ને કલાપી યાદ આવ્યા હશે. એકબીજા સાથે જોડાયેલ બે હૃદયોની સ્નેહગીતાને નસીબનો શાપ મળ્યો હોવા છતાં જેણે આલાપી હતી એ કલાપીને એમના નગરના જ રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા ઉમાશંકરે ચિરસ્મરણીય કાવ્યાંજલિ આપી છે. મંદાક્રાન્તા છંદના પ્રથમ ચાર ગુરુને બે પંક્તિઓમાં બેવડાવીને ખંડા મંદાક્રાન્તા છંદમાં ગુજરાતી કવિતાના એક શિખરે ગુજરાતી કવિતાના એક અગત્યના માઇલસ્ટોનને કેવી સ-રસ રીતે બિરદાવ્યો છે!
October 27, 2024 at 11:30 AM by વિવેક · Filed under અછાંદસ, કાનજી પટેલ
સાંજના ગાડામાં
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું.
સૂરજ કાળા ઘડામાં પુરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.
– કાનજી પટેલ
શિયાળો ઋતુઓના દરવાજે આગળિયો ખૂલવાની રાહ જોતો ઊભો હોય એ સમયે આવી રચનાની હૂંફ મેળવવાથી ચડિયાતો ઉપક્રમ બીજો કયો હોઈ શકે? શિયાળાની સાંજે સૂર્યાસ્ત પણ વહેલો થાય અને ભારી હવાના કારણે વાતાવરણ પણ થોડું વધારે બોઝિલ લાગે.રોજિંદો રચનાક્રમ અને રોજિંદુ અંતર જ કાપવાનું હોવા છતાં શિયાળો નિર્ધારિત મજલનેય લાંબી બનાવી દે છે. શિયાળો સીમની કરોડ પર ચાલતા સાંજના ગાડામાં બેસીને આવ્યો હોવાના અનૂઠા કલ્પના સાથે કાવ્યનો ઉઘાડ થાય છે. આથમતા સૂર્યના કિરણો શિયાળામાં વધુ સોનેરી હોવાથી હવામાં ઊડતી ધૂળા સોનામાં પરિવર્તિત થતી દેખાય છે. નાના નાના વાક્યોમાં કવિએ નવ્યકલ્પનો એ રીતે જમા કર્યા છે,જાણે કોઈએ તાપણું પેટાવવા સાંઠીકડા ભેગાં ન કર્યાં હોય! સાંજના ગાડામાં બેસીને આવતા શિયાળાનું દૃશ્યચિત્ર અને બદલાતા વાતાવરણના કારણે માનવહૈયામાં થતી ઉથલપાથલ કવિએ બહુ ઓછા શબ્દોમાં બહુ અસરદાર રીતે ઉપસાવી છે. ધારવા કરતાં વહેલી ઉતરી આવતી રાતના અંધારામાં ઘરે પરત ફરતા કોઈક ખેડૂતની છાતીમાં ડચૂરો ભરાય છે. ડચૂરો ભરાવા પાછળનું કોઈ દેખીતું કારણ કવિએ આપ્યું ન હોવા છતાં ભાવક પણ એની અનુભૂતિથી બચી શકતો નથી એ કવિ અને કવિતા ઉભયની ઉપલબ્ધિ ગણાય.
શબ્દના ઓછામાં ઓછા લસરકા વડે ચિત્ર નીપજાવવાની કળા એટલે હાઈકુ. ગુજરાતીમાં હાઈકુ પ્રમાણમાં ઓછો લોકપ્રિય કાવ્યપ્રકાર બનીને રહ્યો છે. એનું પ્રમુખ કારણ કદાચ મોટાભાગના સર્જકો ૫-૭-૫ ગોઠવણીવાળી સત્તર અક્ષરની લીલાથી આગળ વધી શક્યા જ નથી એ હોઈ શકે. લયસ્તરોના ભાવકો માટે આજે પાંચ હાઈકુ રજૂ કરીએ છીએ. પાંચેયમાં પહેલું હાઈકુ મને સવિશેષ ગમી ગયું.
ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ
. માંયલીન ચ્યમ કરી હોંધવી!
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી
. ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી!!
તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ
. જો થોડા ઘણા ફેર કાંય થાય
(પણ) એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ,
. મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો
. અવ તનજ લાજ જોઈય આવવી.
હૌના તો લેખ તમે લખો લલાટે
. પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા
. ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં
. એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.
હારી થાચીન મીં તો મનનું મનાયું
. ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી
. પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી
. તોય દેખાય તો ચ્યમની હંતાડવી?
. ભેંત્યની તેડ્ય તો…
– પ્રશાંત કેદાર જાદવ
કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને આપણે સહુ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…’, ‘જોડે રહેજો રાજ’, ‘સાજણ તારા સંભારણાં’ જેવા અનેક લોકપ્રિય ફિલ્મી ગીતો તથા ‘કુમકુમનાં પગલા પડ્યાં, માડીના હેત ઢળ્યા’, ‘કુમકુમ પગલે માડી પધારો રે’, ‘સનેડો’, ‘મેં તો થોડો પીધો ને’, ‘હમ્બો હમ્બો વિંછુડો’ તથા’વણઝારા તુ વહેલો આવજે’ જેવા અનેક ગરબાઓથી ઓળખીએ છીએ. ‘જેનું ધાવણું છોકરું રૂએ તોપણ સૂરમાં રૂએ’ એવી મનોરંજન કરાવનારી તુરી જાતિના ફરજંદ, વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિની આ રચનાઓ સિવાય એક અલગ ઓળખ પણ છે. આજની રચનાની મદદથી આ ઓળખ સાથે આજે મુખામુખ થઈએ.
કવિતાનું ઉપાદાન ભાષા છે, પણ ભાષાની તો લીલા જ ન્યારી. મા એક પણ દીકરા હજાર. ભાષા તો એક જ, પણ બોલી તો બાર ગાઉએ બદલાય. પ્રશિષ્ટ ભાષા અને તળપદી બોલીની રચનાઓના સેંકડો દાગીનાઓથી આપણો કાવ્યખજાનો સમૃદ્ધ છે, પણ બહુ ઓછા કવિઓ લોકબોલીનો વિનિયોગ કવિતાને ઉપકારક નીવડે એ રીતે કરી શકે છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિવેદનાને વાચા આપવા માટે ઉત્તર ગુજરાતની તળપદી બોલીને એ રીતે કામે લગાડી છે કે આની આ વાત શિષ્ટ ભાષામાં રજૂ થઈ હોત તો કવિતાનું પોત જ ખતમ થઈ ગયું હોત… બોલી અહીં મુખ્યનાયકની ભૂમિકામાં છે.
કવિતા સ્વયંસ્પષ્ટ હોવાથી આજે માત્ર બોલીનું સરળીકરણ જ કરીએ. ભીંતની તિરાડ તો માટીથી સાંધી શકાય, પણ માંહ્યલાને કઈ રીતે સાંધવો એ અવઢવ કવિને પીડી રહી છે. પગ કરતાં ચાદર ટૂંકી હોય એવા ટાંચા સંજોગોમાં જીવન કેમ કરી પસાર કરવું? હજી તો કવિ આ બાબતે કંઈક ઉપાય કરવાનું વિચારી રહ્યા છે, એટલામાં તડ બાકોરું બની ગઈ. શું નાંખીએ તો આ બાકોરું ભરાય એ જ પ્રાણપ્રશ્ન છે. દુનિયાના કહેવાથી જેનો ભરોસો રાખીને બેઠા હતા, એ ભગવાનને આ બદલ લાજ ન આવવી જોઈએ? સૌના લેખ એણે લલાટે લખ્યા, પણ ગરીબોના લેખ આંખોમાં લખ્યા. અને રેખાય એવી પાડી કે નસીબે બારેમાસ રડવાનું જ રહે. રડી રડીને સૂકાઈ ગયેલી આંખોનાં પાણી પાતાળે ઉતરી ગયાં છે, એને ખેંચીને બહાર આણી શકે એવું દોરડું ક્યાંથી લાવવું એ વિમાસણ કવિને સતાવે છે. અંતે હારી થાકીને કવિ મનને મનાવે છે કે કોઈ આપણું કશું કરનાર નથી, આપણે જાતે જ જાતનું ફોડી લેવું પડશે, પણ આ બધું જ્ઞાન તો ઘડી બે ઘડીભર સાંત્વના આપી શકે, રોજેરોજનું શું? ભીતરની પીડાને કવિએ કાઠા થઈ ભોંયમાં ભંડારી તો ખરી, પણ તોય એ દેખાઈ જાય તો પછી એને કઈ રીતે સંતાડવી?
આપણી સંવેદના બધિર થઈ જાય એવો કઠોર વજ્રાઘાત કરતી આવી વેદનાસિક્ત રચનાઓ સાચા અર્થમાં આપણી ભાષાનાં મહામૂલાં ઘરેણાં છે.
October 17, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે,
એ બહુ દૂર નીકળી ગઈ છે.
માત્ર વીંટીનો પ્રશ્ન ક્યાં છે અહીં?
હાથની એક આંગળી ગઈ છે.
નીકળી ગઈ છે ચિત્રમાંથી એ-
વ્યક્તિ બીજી તરફ વળી ગઈ છે.
એ જ દેખાય છે બધી બાજુ,
લાગે છે પ્રાર્થના ફળી ગઈ છે!
એકધારો પ્રવાસ કરવાની,
ઝંખના જિંદગી કળી ગઈ છે.
શોધતાં હાથ લાગી એકલતા,
એ પછી સાંત્વના મળી ગઈ છે.
– શૈલેશ ગઢવી
આમ તો આખી ગઝલ બહુ મજાની થઈ છે, પણ હું તો માત્ર મત્લા પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠો… પ્રિયતમના પહોંચ બહાર ચાલ્યા જવાની વાતને સાંજના ઢળવા સાથે સાંકળીને કવિએ જે કમાલ કરી છે, એ દીર્ઘકાળ સુધી સ્મૃતિપટલ પરથી દૂર થઈ શકનાર નથી… ઓછામાં ઓછા શબ્દોમાં અને સાવ સરળતમ સહજ ભાષામાં કવિએ સાચે જ જાદુ કરી દેખાડ્યો છે…
અનાદિકાળથી મનુષ્યને જેટલી કવિતા આકર્ષતી રહી છે, એટલું જ આકર્ષણ કવિતાના ઉપાદાનોનુંય રહ્યું છે. કવિતા વિશે, કવિતાના સર્જન વિશે જેટલી રચનાઓ જડશે એટલી રચનાઓ કદાચ કલમ-કાગળ અને શાહી વિશે પણ મળી આવશે. પ્રસ્તુત ગઝલમાં કવિનો કેમેરા કાગળ ઉપર કેન્દ્રિત થયો છે. કાગળના રૂપકની મદદથી કવિએ નિજ ષડ્દર્શન પ્રગટ કર્યું છે. કોરો કાગળ હકીકતે તો ચિંતનની નાવ તરતી કે ડૂબતી મૂકી શકાય એવા છલોછલ તળાવ સમો છે. સાત સાગર તરી જનારો પણ સ્વયંને વ્યક્ત કરવા માટે તો કાગળમાં જ ડૂબે છે. આપણા તમામ ભાવ અને અભાવ કાગળ આગળ ખુલ્લા પડી જાય છે. મનુષ્ય દુનિયાની આગળ ગમે એવો અભિનય કેમ ન કરે, કાગળ અરીસાની જેમ એના એકેક હાવભાવને હૂબહૂ પકડી પાડે છે. (હા, કાગળ ઉપર જાત રેડવાની આ પ્રક્રિયા દુનિયાને બતાવવા માટેની કૃતક જહેમત ન હોય તો!) સ્વયંને વ્યક્ત કરવાનું સ્વપ્ન હોય તો કાગળ એને સાકાર કરનાર ભૂમિ છે.
એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.
October 10, 2024 at 12:30 AM by વિવેક · Filed under અગન રાજ્યગુરુ, ગઝલ
આગળ વધી કે વાત હજી ત્યાં ને ત્યાં જ છે?
આવ્યો નથી જવાબ, હજી ત્યાં ને ત્યાં જ છે.
પાછળ ફરીને જોયું મેં પ્રસ્થાન સ્થાન પર,
મારી બધી નિરાંત હજી ત્યાં ને ત્યાં જ છે.
વૃક્ષો નવાં તો ખૂબ ઉગાડ્યાં છે શહેરમાં,
સુનકાર એ છતાંય હજી ત્યાં ને ત્યાં જ છે.
એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?
અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો,
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે.
નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી,
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે.
એનો અમલ જો થાય તો દુનિયા મળે ‘અગન’
કિંતુ બધાંય ખ્વાબ હજી ત્યાં ને ત્યાં જ છે.
– અગન રાજ્યગુરુ
ગઝલમાં સુનિશ્ચિત અર્થ ધરાવતી મધ્યમ કે લાંબી રદીફ વાપરવી એ દોરડા પર ચાલવા જેવું કામ છે. સહેજ્સાજ પણ ધ્યાનચૂક થાય તો સીધું ધબાય નમઃ જ થાય. પ્રસ્તુત ગઝલમાં કવિએ “હજી ત્યાંની ત્યાં જ છે” જેવી વિશિષ્ટ રદીફની લાકડી હાથમાં ઝાલીને સુપેરે રોપવૉક કરી બતાવ્યું છે. ગઝલમાં પ્રમાણમાં ઓછા માન્ય ગણાતા અકારાંત કાફિયા સાથે અનૂઠી રદીફ સાંકળીને કવિએ સાત રંગનું મજાનું મેઘધનુષ સર્જ્યું છે. બધા જ શેર સ-રસ થયા છે પણ રદીફ ઉપર વિશેષ ધ્યાન આપીને વાંચીએ તો દરેક શેર વધારે સ-રસ લાગશે.
રમતિયાળ લયગૂંથ્યું રમતિયાળ ગીત! હૈયાના ચોરને નઠારો કહેવાની પ્રેમોક્તિ નવી નથી, પણ વાત જે મજાથી રજૂ થઈ છે, એની જ અહીં ખરી મજા છે. નાયિકાનું હૃદય આવા ‘નઠારા’ સંગ લાગી ગયું છે. ધ્રાંગધ્રાની ફલકુ નદીમાંથી પાણી ભરી એ પરત ફરતી હતી એ સમે નાયકે એનો માર્ગ આંતર્યો. કાવ્યારંભે જે નઠારો હતો એ આટલીવારમાં તો રૂપાળો લાગવા માંડ્યો છે. ગાય-ભેંસ ને વધુ દૂર જતાં રોકવા બે પગ વચ્ચે જે દોરી બાંધવામાં આવે એને દામણ કહે છે, અને દહીં વલોવવા માટે વપરાતી દોરીને નેતરું. નાયિકાનો આરોપ છે કે નાયકે વાતોમાં ભોળવીને પોતાને છેતરી છે અને દામણ દઈને એની ગતિ મર્યાદિત કરી દીધી છે, અથવા નેતરી દઈને (પ્રેમના) ધંધે વળગાડી દીધી છે. જે કર્યું હોય એ, પણ નાયકે નાયિકાને ચોતરફથી વેતરીને પોતાના માપની કરી દીધી છે. નાયકના ટેરવાના ટેભે નાયિકા એ રીતે સીવાતી ગઈ છે કે હવે એનો પોતાનો છેડોય જડ્યો જડે એમ નથી. ભોળી ન હોવા છતાં કથકના નેણઉલાળે એ વશ થઈ છે ને એને એનો ટેસડો લાગી ગયો છે. પાંપણ ભારી થઈ જવા છતાં રાતના ઉજાગરાભર્યાં અંધારા મધમીઠા લાગે છે, ને સવારે પ્રિયતમની મહેંકથી મેડો મઘમઘતો થઈ ગયેલો અનુભવાય છે…
October 4, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
કોઈ પૃથ્વી, જળ, ગગન, વાયુ, અનલમાં ઓગળે છે,
કોઈ એવી રીતથી જાણે સકલમાં ઓગળે છે.
કોઈ કેવળ સાત રંગોની રમત જોયા કરે છે,
કોઈ બહુ સમજી-વિચારીને ધવલમાં ઓગળે છે.
કોઈ કુંતલના તિમિરથી તરબતર થઈ સૂઈ ગયું છે,
કોઈનું હોવાપણું ત્યાં એક તલમાં ઓગળે છે.
કોઈ ત્યાં તટ પર સરોવરની હવા શ્વસતું રહે છે,
કોઈના સહુ શ્વાસ સૌરભમય કમલમાં ઓગળે છે.
કોઈમાં એની ગઝલ અમથી જ ઓગળતી રહે છે,
કોઈ બસ અમથું જ પાછું એ ગઝલમાં ઓગળે છે.
– જાતુષ જોશી
ગઝલના પાંચેય શેરના દસેદસ મિસરાનો પ્રારંભ “કોઈ”થી થાય છે. આ કોઈ કોઈપણ હોઈ શકે, હું, આપ કે અન્ય કોઈ પણ. એ અર્થમાં આ ગઝલ સૌની ગઝલ બની રહે છે. દરેક મિસરાનો અંત પણ ‘છે’થી થાય છે. ગઝલમાં રદીફ અથવા રદીફનો અંશ ઉલા મિસરામાં વાપરી ન શકાય, એટલે ગઝલની પરિભાષામાં જોઈએ તો મત્લા પછીના દરેક શેરમાં તકાબીલ રદીફ દોષ થયો ગણાય. પણ કવિએ દસેય પંક્તિઓમાં આદ્યંતે સમાન શબ્દ વાપરવાની રચનાનીતિ અપનાવી હોવાથી પ્રયોગના ધોરણે આ નિર્વાહ્ય જણાય છે.
પંચમહાભૂતોથી બનેલ દેહ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. દરેક સજીવ પંચમહાભૂતોથી જ બન્યો હોવા છતાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ તરી આવે છે. માટી એક જ હોવા છતાં સૌના ઘાટ અલગ છે, પણ કોઈ કોઈ એવાય હોય છે, જે સૌમાં સમરસ થઈ સૌ સાથે સમભાવથી રહેતાં હોય છે. આ જ વાત બીજા શેરમાં સાત રંગોના સંમિશ્રણથી સફેદ રંગ બને છે એ વૈજ્ઞાનિક હકીકતનો આધાર લઈ કવિએ રજૂ કરી છે. કુંતલ એટલે વાળની લટ. એય શ્યામ અને તલ પણ શ્યામ. કુંતલ અને તલ વચ્ચેની વર્ણસગાઈ અને રંગસગાઈનો સમુચિત ઉપયોગ કરીને કવિએ કેવો મજાનો શેર સર્જ્યો છે! શેખાદમનો અમર શેર પણ યાદ આવે:
ભેલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું.
કોક દી તો એ ગગન અહીં આવશે,
આંગણામાં પંખીઓ બસ, પાળીએ.
આપણામાં જ્યોત ને જ્વાળા ઊઠે,
બાળવા જેવું બધુંયે બાળીએ.
– ચંદ્રકાન્ત શેઠ
ઉજાગરાના કારણ તો હજાર હોય, પણ કવિ પાસે જે કારણ છે એ તો સાવ અલગ જ છે, અને ઉજાગરો કરવા માટેની એમની પદ્ધતિ પણ નોખી છે. રાતના તારા કવિને એ હદે ગમી ગયા છે કે એ દિવસે ઊંઘી જવાનું પસંદ કરે છે, જેથી કરીને રાત આખી તારાઓના સૌંદર્યનું આકંઠ પાન કરી શકાય. ત્રીજો શેર વાંચતાવેંત શૂન્ય પાલનપુરીની યાદ આવે- મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા, કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં. છેલ્લા ત્રણ શેર તો સાત સમંદરની રેતી ચાળીને હાંસિલ કરેલ મોતી જેવા મૂલ્યવાન થયા છે…
September 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રાજેશ પંડ્યા
આ રસ્તો
મારા ગામ તરફ જાય છે.
જોકે હું એના પર ચાલતો નથી અત્યારે
હું બેઠો છું અહીં
અને બેઠો બેઠો પહોંચી ગયો છું ગામને પાદર.
વડલાની ડાળે હીંચકા ખાતો પવન પડી ગયો છે,
શીતળાઈની ધજા ફરફરતી નથી જરાય
મસાણમાં અડધી બાળેલી ચિતા ધૂંધવાય છે,
ને પડખે વહેતી નદીનાં ઊકળતાં પાણીમાં પરપોટા થાય છે
શંકરની દેરીનો પોઠિયો ગળતી ભણી ઉઘાડે મોં ઊંચું જુએ
તો કૂવાનાં જળ ગરેડીથી તળિયા લગ ઘૂમચકરડી ફરતાં દેખાય.
સામેની નિશાળના ખાલીખમ મેદાનમાં
કોઈ છોકરો એક પગે ઠેકે છે
એનો લંગડી દા ઊતર્યો નથી હજીય
પછી
ક્યાંથી એ દોડીને પહોંચી શકે વતનને ગામ!
ભલેને એને લઈ જતો આ રસ્તો
આંખ સામે જ પથરાઈને પડ્યો હોય અફાટ
જેના પર આખી રાત
સપનામાં ચાલ્યા કરવાનાં પગલાં પડ્યાં હોય ખીચોખીચ.
– રાજેશ પંડ્યા
વતનઝૂરાપાના અનેકાનેક અમર કાવ્યોથી વિશ્વસાહિત્ય ભર્યું પડ્યું છે. કવિએ ‘ફરી ગામડે’ શીર્ષક હેઠળ એકાધિક કાવ્ય કર્યાં છે, એમાંનું એક અહીં રજૂ કરીએ છીએ. ગામ તરફ લઈ જતો રસ્તો નજર સામે જ પડ્યો હોવા છતાં શહેર ત્યજીને એ રસ્તે ચાલીને ગામ જવાનું સંભવ બનતું નથી. કવિના મનની આંખો સમક્ષ ગામ તાદૃશ થઈ ઊઠે છે. બહુ સ-રસ રીતે કવિએ વતનવિયોગની વેદનાને વાચા આપી છે.
રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા:
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મયુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.
શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું.
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે-
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યાં કરે….!
કૈં કેટલાય યુગથી આમ જ એ મને તો
. તાક્યાં કરે…!
– ચંદ્રકાન્ત શેઠ
રાતની પીંછી દુનિયાને એકરૂપ કરી દે છે. અજવાળામાં સજીવો અને નિર્જીવોને આકાર-કદ વગેરેના કારણે અલગ અલગ ઓળખાણ સાંપડે છે, પરંતુ અંધકાર બધા વચ્ચેના ભેદભાવ ઓગાળી દે છે. જ્યારે આંખો કશું જ જોઈ શકવા સમર્થ રહેતી નથી, ત્યારે માણસ પોતાને જોઈ શકે છે. દિવસના અજવાળામાં માણસ સ્વયં ઉપર થરના થર ચડાવી રાખી જીવતો રહે છે. રાતના અંધારામાં આ તમામ થર ધોવાઈ જાય છે. રાતનું આ અંધારું એકલતાનું પણ પ્રતીક છે. કોઈ પોતાને જોઈ શકનાર નથી એની પ્રતીતિ થાય એ ઘડીએ માણસનો ખરો રંગ, એની અંદરનું હિંસક પશુ પ્રગટે છે. વિલિયમ ગોલ્ડિંગની બહુખ્યાત નવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ આ તબક્કે તરત જ યાદ આવે, જેમાં એક ટાપુ પર સભ્ય સમાજથી અળગા પડી ગયેલ તરુણો અસ્તિત્ત્વના સંઘર્ષની કગાર પર આવીને ઊભા રહે છે ત્યારે એમની અસલિયત પ્રકાશે છે. ઈશ્વરના દૂત ગણાતા બાળકોની ભીતર પણ કેવું ખતરનાક પ્રાણી જીવે છે એ જોઈને લોહી થીજી જાય છે. પ્રસ્તુત રચનામાં પણ કવિએ અંધારાને પ્રતીક બનાવીને આ સત્ય ઉપર જ પ્રકાશ ફેંકવા ચાહ્યું હોય એમ જણાય છે.