અનિલ વિશેષ : ૦૫ : ગદ્યકાવ્ય – એક ક્ષણ
બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….
– અનિલ જોશી
બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…