ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?
-પારુલ ખખ્ખર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગઝલ

શાંતિ પછી તોફાનની વણજાર થઈ શકે,
ધોરી નસોમાં લોહીનો રણકાર થઈ શકે.
એવું નથી કે હાથમાં કરતાલ જોઈએ,
આ નેજવું પણ હાથનો શણગાર થઈ શકે.
દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી,
સાથે હતા જે એ બધા ફરાર થઈ શકે.
કોયલની લાશ સાચવી છે એવી આશથી,
આંબાના વૃક્ષમાં ફરી ટહુકાર થઈ શકે.
એવા ઘણાય હોય છે જે વાતવાતમાં,
પૂરી ગઝલ લખીને ઓમકાર થઈ શકે.
– અનિલ જોશી
પ્રમુખતઃ ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીની ગઝલો શોધવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ કદાચ વધારે થઈ પડે. પણ જેટલી ગઝલ મળે છે, એ બધી જાનદાર છે. કવિએ શિકાગો લાઇફલાઇન ઉપર ત્રણ ગઝલોનો નાનકડો સંપુટ આપ્યો છે. એમાંની આ પહેલી છે. પાંચ શેરની આ ગઝલ સમજૂતિની મહોતાજ નથી. એને એમ જ આસ્વાદીએ…
ગઝલ પોસ્ટ કરી દીધા બાદ છંદ તરફ ધ્યાન ગયું. ગઝલનો મુખ્ય સૂર ગાગાલગા લગા લલ ગાગાલગા લગા છંદ તરફનો છે, પણ કવિએ ઘણી બધી પંક્તિઓમાં ભૂલ કરી છે. રમેશ પારેખની જેમ અનિલ જોશી પણ વસ્તુતઃ ગીતકાર વધારે હોવાના કારણે ગઝલ પણ લયપ્રવાહમાં દોરાઈને લખતા હોવા જોઈએ, જેના કારણે આવી ક્ષતિઓ જન્મ લે. અન્ય ગઝલકારો પોતાના છંદદોષને છાવરવા માટે આવી રચનાઓનો ઉપયોગ ન કરે એ જ ગુજરાતી ગઝલના હિતમાં છે…
Permalink
March 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, અવિનાશ વ્યાસ, કરસનદાસ લુહાર, કાવ્યકણિકા, ગઝલ, ગની દહીંવાળા, ગીત, પુરુરાજ જોશી, પ્રિયકાંત મણિયાર, મકરન્દ દવે, મનોજ ખંડેરિયા, મેઘબિન્દુ, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, શેર, સંકલન, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે
ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…
પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…
વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!
યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!
હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-
હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,
મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-
ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.
પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.
બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.
શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…
પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..
રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !
ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.
ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?
એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!
મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:
આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.
લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:
આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.
ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:
ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!
આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.
પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…
એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…
ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.
જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !
અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
Permalink
February 28, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!
ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!
જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!
ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!
અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!
એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!
– સંદીપ પૂજારા
પ્રવર્તમાન ગુજરાતી ગઝલનો ચહેરો જેટલો ઉજ્જવળ છે, એટલો જ કાલિમાયુક્ત પણ છે. એક વર્ગ એવો છે જે ગંભીરતાપૂર્વક ગઝલસાધના કરે છે, પણ બહુ મોટો ફાલ એવો છે જે તુકબંદીને જ ગઝલ માની બેઠો છે. વળી આ વર્ગની સૉશ્યલ મિડિયા પર ઉપસ્થિતિ તથા પ્રભુત્વ એટલું બધું છે કે નવોદિતો આ તુકબંદીને જ ગઝલકાળનું એકેમેવ સત્ય ગણી લે તો નવાઈ નહીં. સત્વશીલ વાંચનના શરણે જવાના બદલે વૉટ્સએપ અને ફેસબુક યુનિવર્સિટીમાં જ સાહિત્ય ભણતાં આ કથિત સાહિત્યકારોએ તો દાટ વાળ્યો જ છે, પણ પ્રસ્તુત ગઝલનું નિશાન આવા નવશીખિયાઓ કરતાં વધારે “વિદ્યા ભણતાં વધ્યો શેર; ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો”નો સિદ્ધાંત આત્મસાત્ કરીને જીવતા સિદ્ધહસ્ત પણ આત્મરતિમાં રત સર્જકો તરફ છે. અખાના છપ્પાની જેમ જ આ ગઝલ આવા સર્જકોને સણસણતા ચાબખા મારે છે. ઈશ્વર સહુને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના…
Permalink
February 22, 2025 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
ક્યાં સંતાડું દરિયો? કાંઠા ક્યાં સંતાડું?
આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?
પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,
પણ વીંઝાતા આ સન્નાટા ક્યાં સંતાડું?
સંતાડી દઉ દીકરીનાં ઝાંઝર ને કડલાં;
પણ ભીંતે આ કંકુથાપા ક્યાં સંતાડું?
લાગી છે એને પણ જાણે હવા સમયની;
રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?
– વ્રજેશ મિસ્ત્રી
સીધેસીધી જ માણવા જેવી સરસ મજાની ગઝલ….
Permalink
February 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
તું નહીં આપે ભલે ઘાવ, ઉઝરડા તો દે,
આંસુ પણ લઈ લે, મને ખાલી તું રોવા તો દે.
જિંદગી! શેની ઉતાવળ છે, જરા કહે તો ખરી;
સામે બેસાડી તને મન ભરી જોવા તો દે!
તું કહે એવી રીતે હું પછી ઊભો થાઉં,
મારે પડવું છે એ રીતે મને પડવા તો દે.
તક જવલ્લે જ મળે છે તો આ તક તું વાપર,
આંખને આંસુ કોઈ વાર ખરચવા તો દે.
રાખ થૈ જાશે ઘડીભરમાં સ્મરણ પણ તારાં,
હૈયું સળગ્યું છે, જરા આગ પકડવા તો દે.
– જિગર જોષી
ગુજરાતી ગઝલોમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલ છંદમાં મજાની ગઝલ. ગઝલમાં જે ખરી મજા છે એ રદીફારંભે આવતા તોત્તેર મણના ‘તો’ની છે. કવિ આ ‘તો’નું વજન બરાબર નિભાવી શક્યા છે એ આનંદની વાત છે. આમ તો આખી ગઝલ સરાહનીય થઈ છે, પણ મારું મન તો આખરી શેર પર જ અટકી ગયું છે….
Permalink
February 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.
પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.
એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.
જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.
એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.
– હર્ષવી પટેલ
નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.
Permalink
February 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના!
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના…
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.
– અમૃત ઘાયલ
(૧૭-૦૫-૧૯૪૪)
આજનો ગઝલકાર પાંચ શેર લખીને ગઝલ લખાઈ ગયાની હાશ અને શ્વાસ લેતો જોવા મળે છે, પણ આ એ સમયની ગઝલ છે, જ્યારે ગઝલકાર પોતાની જાત આખી નિચોવાઈ ન જાય ત્યાં સુધી ગઝલ પૂરી થવાનો શ્વાસ લેતો નહોતો. આજથી એંસી વર્ષ પૂર્વે ૧૯૪૪ની સાલમાં લખાયેલ આ ગઝલ આઠ-આઠ દાયકા પછી પણ એવીને એવી તરોતાજા અને કદાચ વધુ સમસામયિક અનુભવાય છે. મજા તો એ છે કે અગિયારમાંથી એકેય શેર નબળો કે ડાબા હાથે લખાયેલ હોવાનું મહેસૂસ નથી થતું. આ ગઝલના અગિયારે અગિયાર શેરમાં જે જુસ્સો છે એ સાચે જ પાળિયાને બેઠા કરી શકે એવો છે.
Permalink
February 6, 2025 at 12:30 AM by વિવેક · Filed under અંજના ભાવસાર 'અંજુ', ગઝલ
હતું કામ અઘરું, કરીને બતાવ્યું;
કરી યાદ તમને હસીને બતાવ્યું!
તમારી સ્મરણશક્તિને દાદ આપું,
વચન ભૂલવાનું ભૂલીને બતાવ્યું.
ફકત જોર ઇચ્છાનું કારણમાં એના;
વગર પાંખે મેં જે ઊડીને બતાવ્યું.
ભલે લોકો ગુણગાન ગાતાં હવાનાં,
તમારા વિચારે શ્વસીને બતાવ્યું!
સહજ સ્મિત ને સાથ આંખોમાં મસ્તી;
તમે સાદગીથી સજીને બતાવ્યું.
પ્રવાહી ગુણો અવગણીને સ્વયંના,
ગજબ! આંસુઓએ ઠરીને બતાવ્યું.
હવે મન મગન એની મસ્તીમાં રહેશે;
મેં સ્પર્ધાથી બસ, દૂર રહીને બતાવ્યું.
– અંજના ભાવસાર ‘અંજુ’
પ્રવર્તમાન ગઝલકાર સ્ત્રી સર્જકોમાં અંજના ભાવસાર વિચારશીલ શેર અને છંદની સફાઈના કારણે અલગ તરી આવે છે. એમની ગઝલના પ્રમાણમાં સરળ લાગતા શેર પણ બીજા-ત્રીજા વાંચને વધુ પ્રભાવિત કરી શકે છે એ મારી પ્રત્યક્ષાનુભૂતિ છે. પ્રસ્તુત ગઝલ એનું એક ઉદાહરણ છે… બધા જ શેર મનનીય થયા છે…
Permalink
February 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રણય વાઘેલા ડો
અવકાશ હોત સહેજ અગર ફેરફારનો,
તો હું કદી ન જંગ લડત આરપારનો.
લેવો પડયો છે ભાર ન કોઈ પ્રકારનો,
આભાર માનું એટલો પરવરદિગારનો.
સહકાર કે પ્રયત્ન ન હો કંઈ બિમારના,
ત્યાં આપ દોષ કાઢશો શું સારવારનો?
આપી ફકીરી એવી કે છોડી શકું બધું,
આપ્યો દમામ જેમણે જાગીરદારનો.
હું કેવી રીતે માંડુ કદમ એના આંગણે?
ના સ્મિત, ના ઉમળકો કોઈ આવકારનો,.
કર્યો સરળ-સહજ અને નિસ્વાર્થ મેં ‘પ્રણય’,
શીખ્યો ન છળકપટ કે નિયમ હું બજારનો.
– ડો. પ્રણય વાઘેલા
ગુજરાતના તબીબોને કવિતા સાથે ઊંડો રખરખાવ હોય એમ માલમ પડે છે. લયસ્તરો પર આજના ગઝલકાર પણ એમ.ડી. (મેડિસીન) કર્યા બાદ દવાના પ્રિસ્ક્રિપ્શન સાથે ગઝલ બાંધી આપે છે. સહજ ભાષામાં લખાયેલી આ ગઝલના લગભગ બધા જ શેર હૃદયંગમ થયા છે. મત્લાના શેરમાં કવિનો મિજાજ તો છતો થાય જ છે, મહાભારતના યુદ્ધની પાર્શ્વભૂ પણ તાદૃશ થાય છે. બીજો શેર પણ ખુમારીની બુલંદીઓને તાકે છે. જીવનમાં કોઈનાય ઉપકારનો ભાર લેવા મજબૂર થવું પડ્યું ન હોવાની બાબતે સર્જક ઈશ્વરનો આભાર માને છે.
Permalink
January 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આપ અજવાળાં અમને પહેરાવો,
દૂર રહીને સૂરજ ન બતલાવો.
કોઈ બોલે નહીં તો બોલાવો,
એમને એમનામાં લઈ આવો.
કોઈ વેળા તો કોઈને એમ જ,
કોઈ કારણ વગર મળી આવો.
એકલા ટોચ પર શું કરશો, યાર?
એક બે જણને પણ ઉપર લાવો.
આપણા જેવું કોઈ છે જ નહીં,
એમ લાગે તો કૈંક બદલાવો.
એક કેવળ હૂંફાળું સ્મિત દઈ,
દુશ્મનાવટને થોડી શરમાવો.
આપ નિષ્પક્ષ છો તો એમ કરો,
કોઈ એકાદ યુદ્ધ અટકાવો.
– ગૌરાંગ ઠાકર
મેઘધનુષ જેવા સપ્તરંગી સાત શેર! દૂરનું ડહાપણ કવિને મંજૂર નથી. ડહાપણ આપવું જ છે? તો આવો, અને પ્રત્યક્ષજ્ઞાન કરાવો, અન્યથા દૂર રહીને સૂરજ બતાવી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું માંડી વાળો. પોતાના જીવનમાં કોઈ અર્થહીન ચંચુપાત ન કરે એ બાબતે તો કવિ સાબદા છે જ, પણ સાથોસાથ એ સામી વ્યક્તિ તરફ સમ-વેદના પણ એવી જ ધરાવે છે. કોઈ બોલતું ન હોય તો એમને સામે જઈને બોલાવવા કવિ આહ્વાન આપે છે. આખરે તો સમ-વાદ જ સ્વયંનો સાક્ષાત્કાર કરવાની ખરી કૂચી છે ને! ત્રીજો શેર વાંચતાવેંત નિરંજન ભગતનું ‘લાવો તમારો હાથ, મેળવીએ’ કાવ્ય યાદ આવ્યા વિના રહેતું નથી. એકલપંડે ઉન્નતિનું શિખર આંબવાના બદલે અન્યોને પણ પ્રગતિ સાધવામાં મદદ કરવાની અપીલ પણ સ્પર્શી જાય એવી છે. આપણે દુનિયામાં એકમાત્ર અને અનન્ય હોવાનો સુપિરિયારિટી કોમ્પ્લેક્ષ મનમાં ઘર કરી જાય ત્યારે કોઈ પણ ભોગે પગ ધરતી ઉપર જ રાખવાની શીખ તો સૌ કોઈએ ગાંઠે બાંધી રાખવા જેવી છે.
Permalink
January 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
આંસુમાં ખારાપણું ઓછું પડ્યું,
ખુદ મને મારાપણું ઓછું પડ્યું.
કંઈક તો ખૂટતું હતું તસ્વીરમાં,
શી ખબર તારાપણું ઓછું પડ્યું.
ઓટ શ્રધ્ધામાં હતી મારી જ, કે
તસ્બીનું પારાપણું ઓછું પડ્યું?
એમ ખંજર પીઠ પસવારે નહીં…
ક્યાંક તો સારાપણું ઓછું પડ્યું!
એક ચોથો જણ જનાજે ના જડ્યો,
આખરે યારાપણું ઓછું પડ્યું…
– જગદીપ નાણાવટી
ગુજરાતી કાવ્યાકાશમાં તબીબ કવિઓનો તોટો નથી. જેતપુરના ડૉ. જગદીપ નાણાવટી પણ એમ.ડી. મેડિસીનની પદવી ધરાવે છે અને મારા પ્રિય કવિઓમાંના એક છે. એ મને પ્રિય છે પણ એ કારણે નહીં કે અમે બંને સમાન તબીબી લાયકાત ધરાવીએ છીએ, એ કારણે કે એમની પાસે જે મૌલિકતાનો ચમકારો છે એ બહુ ઓછા કવિઓ પાસે જોવા મળે છે. કલ્પન-નાવીન્ય અને અરુઢ વાતોથી શેરની માંડણી કરવાની એમની પાસે કદાચ જન્મજાત આવડત છે. વર્ષોથી એ રોજ મને ગઝલો મોકલે છે અને હું દિલથી વાંચું છું. એમની મોટાભાગની ગઝલોના મોટાભાગના શેર પહેલ પાડ્યા વિનાના સાચા હીરા જેવા હોય છે. થોડું વિશેષ કવિકર્મ, થોડી કવાયત, થોડો વ્યાયામ અને થોડી ધીરજ ધરવામાં આવે તો કવિ અગ્રિમ હરોળમાં સ્થાન અંકે કરી શકે એમ મને કાયમ અનુભવાયું છે. પણ કવિએ કદાચ બાળાશંકરને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે- ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે!’
Permalink
January 11, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી

સાવ ટૂંકા પગારમાં જીવ્યા,
તોય કાયમ હકારમાં જીવ્યા.
ડગલે પગલે ઝૂકી ગયા જે લોક,
એ બધાયે ઉધારમાં જીવ્યા.
માત્ર પંખી ઊડે ગગનમાં બસ,
માણસો તો કતારમાં જીવ્યા.
રાત જેવી આ જિંદગી છે પણ,
ફૂલ જેવું સવારમાં જીવ્યા.
લીધું દીધું કરી કરી કાયમ,
મનની ઊંડી વખારમાં જીવ્યા.
– દિનેશ કાનાણી
લયસ્તરોના આંગણે કવિના નવા સંગ્રહ ‘ઋણાનુબંધ’ને હાર્દિક આવકાર…
અટપટી ભાષા અને અચંબિત કરનાર રૂપકોની ભરમાર વિના, સાવ સહજ-સાધ્ય ભાષામાં લખાતી સારી ગઝલોની યાદી કરવા બેસીએ તો આ ગઝ્લને અવશ્ય એમાં સ્થાન આપવું પડે. સરળ બાનીમાં આલેખાયેલ પાંચેય શેર ધ્યાનાર્હ થયા છે.
Permalink
January 10, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા

પ્રવાહમય છે સમય, આવશે—જશે, જોજે!
પ્રતીતિરૂપે દીવાલોય ઝૂમશે, જોજે!
કળીની જેમ એ હસ્તી ઉઘાડશે, જોજે!
પછીથી એમાં તને તું જ ભાળશે, જોજે!
કદી એ સ્થિતિએ તું મીટ માંડશે, જોજે!
જ્યાં આપમેળે બધું ગાશે—વાગશે, જોજે!
સરળતાથી જ બધે એ હા—ના નથી કહેતાં
જવાબ દેશે તે પહેલાં થકાવશે, જોજે!
પિયાવો રામ-રસાયણનો માંડી બેઠા છે
તું ત્યાં જશે તો જરૂર પિવડાવશે, જોજે!
અસર ને આડઅસર જાણી પાડજે અક્ષર
નહીં તો એ જ તને બહુ ડરાવશે, જોજે!
પ્રતીકો—કલ્પનોનાં જાળાં ક્યાં જરૂરી છે?
ગઝલ તો ભાવ—ભૂખી છે, નચાવશે, જોજે!
– સંજુ વાળા
લયસ્તરો પર ‘કંઈક/કશુંક/અથવા તો…’ની સંવર્ધિત આવૃત્તિને સહૃદય આવકાર…
ગઝલની રદીફ આમ તો સાવ ટૂંકી ને ટચરક છે, પણ દરેક શેરના ભાવવિશ્વ માટે એ પોષક સિદ્ધ થાય છે. આમ તો આખી ગઝલ સ્વયંસિદ્ધ છે, પણ બીજા શેરમાં અહમ્ બ્રહ્માસ્મિની આહલેક સાંભળવાનુંચૂકાય નહીં એ જોજો… (જોજે!)
Permalink
January 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા

અગમ-નિગમના એ અણસારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
અલખધણીના એક વિચારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
હોય ભલે ના સન્મુખ તોયે ડગલુંયે ક્યાં દૂર થયા છે?
ભીનાભીના કૈં ભણકારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
એક શબદ ઉચ્ચારે નહીં ને મૌન રહી સઘળું કહી દેતા,
આંખોના એકાદ ઈશારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આગ બધી અંદરની આપોઆપ જ અહીં ઓગળવા લાગી,
વરસાદી હૈયાની ધારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આમ જુઓ તો સાવ અકિંચન, સ્થાવર-જંગમ કાંઈ નથી પણ,
શબ્દોના વામન અવતારે, ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
– નીતિન વડગામા
લયસ્તરો પર કવિના તરોતાજા ગઝલસંગ્રહ ‘એકાકાર’નું સહૃદય સ્વાગત છે…
આમ તો આખી ગઝલ જ સંઘેડાઉતાર થઈ છે પણ છેલ્લો શેર મને ગઝલ વાંચી લીધા પછી પણ પકડી જ રાખે છે. સરસ્વતીના અકિંચન સાધક પાસે નથી કોઈ સ્થાવર મિલકત કે નથી કોઈ જંગમ ખજાનો. પણ દારિદ્રયના આ સહજ સ્વીકાર પછી કવિ જે વાત કરે છે એ શેરને નવી જ ઊંચાઈએ લઈ જાય છે. નિજના ગુંજામાં વામન ભાસતા શબ્દો સિવાય કશું જ ન હોવાની કેફિયત અવતાર શબ્દ સાથે જ ત્રણેય લોકને આંબી લે એવું વિરાટકાય સ્વરૂપ ધારે છે. વિષ્ણુના વામન અવતારનો કેવો અસરદાર વિનિયોગ કવિએ કરી બતાવ્યો! શબ્દબ્રહ્મમાં અપાર આસ્થા હોય એ જ કહી શકે કે શબ્દોના સથવારે પોતે ક્યાંના ક્યાં જઈ બેઠા છે, ખરું ને!
Permalink
January 4, 2025 at 11:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.
લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.
એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.
શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..
ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.
– ભરત વિંઝુડા
લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
Permalink
January 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!
અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!
એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.
વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.
Permalink
December 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
કેવો મજાથી જીવું છું, તારા અભાવમાં!
તારું સ્મરણ છે શ્વાસની હર આવજાવમાં!
તારા ગયા પછી આ સફર એવી ચાલે છે,
જાણે કે એક છિદ્ર પડ્યું ના હો નાવમાં!
દિલ શું ગઝલમાં પણ હવે તો માત્ર તું હશે,
એવું લખી દીધું છે જીવનનાં ઠરાવમાં!
તું સામે હોય એનું તો દુઃખ બમણું થાય છે,
જીવે તરસ, ને એય છલોછલ તળાવમાં!
હું તારું સ્મિત જોઈને ખોવાયો એવો કે
આવી શક્યો નહીં પછી ખુદનાં બચાવમાં.
શીખી રહ્યાં છે લોકો બધા, જોઈને મને,
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં!
– સંદીપ પૂજારા
છ શેર… બધા જ મનનીય… પ્રવાહી છંદમાં કાફિયાનો નિર્વાહ યથોચિત કરાયો હોવાથી ગઝલ વારંવાર વાંચવી ગમે…
Permalink
December 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
જિંદગી! તારા બધા રંગ ઊડી જાય કદાચ,
આ પવનમાં તો હવે દીવો ઠરી જાય કદાચ.
ખેલ તારો ફરીથી હાર સુધી જાય કદાચ,
આ હૃદય પાછું નવો ઘાવ ખમી જાય કદાચ.
વાતો વાતોમાં વળી વાત ઊડી જાય કદાચ,
એક વંટોળ ઊઠ્યો છે એ વધી જાય કદાચ.
સુખ ભુલકણું છે ઘણું, એનો ભરોસો ન કરાય,
આંગણે આવે અને નામ ભૂલી જાય કદાચ.
એનો પાલવ જો લહેરાય તો એવું પણ થાય,
સૂર્ય હો માથે અને સાંજ ઢળી જાય કદાચ.
– જિગર જોષી
સરળ બાનીમાં ધ્યાનાર્હ ગઝલ… બધા જ શેર કસદાર થયા છે…
Permalink
December 19, 2024 at 11:55 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ
આંખને દીવો મળે એવું મળ્યાં!
રાતને ચાંદો મળે એવું મળ્યાં!
રમ્ય તારા દેશમાં દાખલ થતા
પંથને પગલી મળે એવું મળ્યાં!
તેજના રોમાંચમાં કો લ્હેરતા
વૃક્ષને પંખી મળે એવું મળ્યાં!
નયનના નક્ષત્રમાં નમણી કથા!
છીપને મોતી મળે એવું મળ્યાં!
આડ અથવા વાડ ના મૂંઝવે કશું,
ઝાંઝરી જલને મળે એવું મળ્યાં!
જિંદગી તો ગીત ગાયું સાથમાં!
કંઠને કોયલ મળે એવું મળ્યાં!
હાથની સાથે જ હૈયું મોકળું!
ભાવને ભાષા મળે એવું મળ્યાં!
– ચંદ્રકાન્ત શેઠ
બાલાશંકર અને કલાપીના સમયની વાત અલગ હતી. એ સમયે ગઝલ ગુજરાતી કવિતા માટે નવ્ય કાવ્યપ્રકાર હતી અને સ્વરૂપ બાબતે પૂરતા સજાગ કે સજ્જ ન હોય એવા કવિઓએ પોતાની અધકચરી સમજના આધારે બાહ્યસ્વરૂપથી લઈને શેરિયત સુધીની સમસ્યાઓવાળી ગઝલો લખી હતી. એ સમય ગુજરાતી ગઝલના વિકાસના તબક્કાનો સમય હતો એટલે એ રચનાઓનું ઐતિહાસિક મૂલ્ય ગણાય, પણ જે સમયે ગઝલનો સૂર્ય સોળે કળાએ પ્રકાશી રહ્યો હોય એવા સમયે કોઈ સમર્થ સર્જક અપૂરતી સજાગતા કે સજ્જતાના કારણે ગઝલ નામના કાવ્યપ્રકારને યથોચિત ન્યાય ન આપી શકે એના વિશે શું કહી શકાય? ગઝલની ગળચટ્ટી જમીન પર ન ચાલવાનો નિર્ણય બહુ ઓછા સાહિત્યકારો લઈ શક્યા છે. ઉશનસ અને જયન્ત પાઠક જેવા દિગ્ગજ કવિઓ પણ ગઝલની લોકપ્રિયતાથી આકર્ષાઈ ગઝલ લખવા પ્રેરાયા હતા. એમની પાસેથી ઉત્તમ ગઝલો મળી છે એ વાતના સ્વીકાર સાથે એ પણ સ્વીકારવું પડે કે ગઝલના બાહ્યસ્વરૂપ બાબતની શિથિલતા એમના સર્જનમાં અછતી રહી શકી નથી. ઉત્તમ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ પાસેથી પણ આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલોની સાથોસાથ ગઝલ સ્વરૂપને અન્યાય કરતી રચનાઓ સાંપડી છે. પ્રસ્તુત ગઝલના સાતેસાત શેર શેરિયતની બાબતમાં તો ઉમદા છે, પણ ગઝલ સાથે અવિનાભાવી સંબંધ ધરાવતા કાફિયા જ અહીં જોવા મળતા નથી. તેર કે પંદર પંક્તિના સૉનેટને સૉનેટ ન કહી શકાય, એ રીતે કાફિયા કે રદીફ વિનાની ગઝલને ગઝલ કહી શકાય ખરું?
Permalink
December 14, 2024 at 4:06 PM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
કહે છે, બોલવાથી શું થવાનું છે?
બહાનું ચૂપ રહેવાનું મજાનું છે!
ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં,
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે!
દિલાસો આપના શબ્દોનો મારે મન,
તરુને આભ આખું ઓઢવાનું છે!
અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમઃ
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?
લખું છું એ રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!
– શૈલેશ ગઢવી
આસ્વાદ કરાવવા બેસીએ તો અડચણ ઊભી કર્યા જેવું લાગે એવી મજાની સહજસાધ્ય ગઝલ…
Permalink
November 30, 2024 at 9:29 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ

ધાર્યા કરતાં સાવ અલગ છે
આવ્યો પણ બદલાવ અલગ છે
તમે લીધો એ દાવ અલગ છે,
અમે ગણ્યા એ ઘાવ અલગ છે.
શબ્દ જુદા છે હોઠ ઉપર ને,
આંખોમાં પ્રસ્તાવ અલગ છે.
તારી વાણી, તારું વર્તન,
તું જાતે સરખાવ, અલગ છે.
જાવું છે એ ઘાટ જુદો છે,
બેઠા છો એ નાવ અલગ છે.
સહુના માથે સૂરજ એક જ,
ધૂપ અલગ છે, છાંવ અલગ છે.
પહેલાં ભાવસભર મળતાં’તાં,
હમણાંનો સદભાવ અલગ છે!
– હર્ષવી પટેલ
લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’નું સહૃદય સ્વાગત છે…
ટૂંકી બહર અને સરળ ભાષામાં કવયિત્રી કેવી મજાની ગઝલ લઈ આવ્યાં છે. કયા શેરને વધુ પસંદ કરવો એ ભાવક માટે સમસ્યા થઈ પડે એવી જાનદાર સંઘેડાઉતાર ગઝલ…
Permalink
November 23, 2024 at 11:45 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
જિંદગી લઈ જા કોઈ કોઠે મને,
સાંજ પડતાં કેમ ના ગોઠે મને?
પ્યાસ પણ ક્યાં ગઈ હવે કોને ખબર?
મૃગજળો ચાંપી દઈ હોઠે મને.
ચાહવું, હર શખ્સને બસ ચાહવું,
સત્ય સમજાવ્યું કોઈ ઠોઠે મને.
હું નગરની ભીંતમાં ભૂલો પડ્યો,
લઈ લીધો પડછાયાની પોઠે મને.
જ્યાં નશામાં જીતના ફરતો રહ્યો,
તેં હરાવ્યો સાતમા કોઠે મને.
વ્યક્ત કરવો છે મને- પણ કઈ રીતે?
છેતર્યો તેં શબ્દના ઓઠે મને.
– નયન હ. દેસાઈ
એક જમાનો હતો જ્યારે વારાંગનાઓના કોઠા સમાજનો અગત્યનો હિસ્સો ગણાતા હતા. સભ્ય સમાજના લોકો ચાલચલગત શીખવા માટે તરવરિયા યુવાનોને કોઠા પર મોકલતા હતા. પાકીઝા, ઉમરાવ જાન, સાહેબ બીબી ઔર ગુલામ, દેવદાસ જેવી અસંખ્ય ફિલ્મોએ આ કોઠાઓના વૈભવને ખૂબ મહિમાન્વિત પણ કર્યો છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સ્વાભાવિકપણે એ સમયના સંસ્કારોની નીપજ છે. સાંજ પડતાવેંત જીવને અસુખ અનુભવાવા માંડે એવા સમયે નખશિખ સજ્જન કવિને પણ કોઠો યાદ આવે છે, કેમ જાણે જિંદગીના તમામ અસુખોનો ઈલાજ ત્યાં જ ન હોય! આ તો થઈ મત્લાની વાત, પણ સરવાળે તો આખી ગઝલ જ સંતર્પક થઈ છે… નિભાવવી કઠિન થઈ પડે એવી રદીફ સાથે બખૂબી કામ પાર પાડીને કવિએ આપણને સાદ્યંત સુંદર ગઝલ આપી છે. નવા ગઝલકારો માટે સારું-નરસું નક્કી કરવું દોહ્યલું બની જાય એ હદે ચારેતરફ ગઝલોનો મહાસાગર ઉછાળા મારી રહ્યો છે, પણ સાચા અર્થમાં સારા ગઝલકારો શા માટે સારા ગણાયા એ સમજવું હોય તો આવી ગઝલો તરફ આપણી ધ્યાનની નૈયાનું સુકાન ફેરવવું પડે…
Permalink
November 22, 2024 at 10:56 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
ચાર દસકે જિંદગી થઈ સાબદી,
રે! હજી તો યાદ છે સાતે પદી.
એ જ ખંજન, સ્મિત નમણું, એ અદા –
કાંઈ પણ લાગ્યું નથી વાસી કદી.
ભેદ ભાગ્યા, ગુણને ગુણ્યા કર્યા,
શેષમાં સંતોષ, વ્હાલપની વદી.
ખળખળ્યાં, ઉછળ્યાં ઝરણ થઈ, પણ હવે
ચાલ વહીએ, ધીરગંભીર થઈ નદી.
બે હલેસાં- એક તું, ને એક હું,
આપણે તો પાર કરવી છે સદી.
– જે. કે.
કવિતા એટલે ખરા અર્થમાં દિલથી દિલને જોડતી કડી… જે વાત કવિના હૃદયમાંથી નીકળી ન હોય અને/અથવા ભાવકના હૃદય સુધી પહોંચી ન શકે એ ગમે એટલી અલંકારિક કે વિદ્વત્તાસભર કેમ ન હોય, એ કવિતા તો નથી જ. વીરપુર નજીક જેતપુર ગામમાં એમડી ફિઝિશ્યન તરીકે વર્ષોથી સેવા બજાવતા તબીબ-કવિ-ગાયક જે. કે. નાણાવટીના દિલમાંથી એમના લગ્નજીવનના ચાર દસકા પૂરા થવાનાનિમિત્તે જે વાત નીકળી એ સીધી આપણા દિલને અડી જાય એવી છે. પાંચેય શેર સરળ હૃદયંગમ બાનીમાં લખાયા છે. જેમ જેમ ગઝલ આગળ વધતી જાય છે, એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. છેલ્લો શેર તો, ભઈ વાહ!
Permalink
November 21, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંથી પાલનપુરી
જ્યાં વૃક્ષ ફૂલ ખેરવે વ્હેતાં ઝરણ ઉપર,
કોઈ લખી દો નામ એ સ્થળનું ચરણ ઉપર.
કિલ્લોલતું પરોઢ પ્રસરતું ગુલાલમાં,
જ્યાં સાત સૂરની ઝળુંબે સાંજ ધણ ઉપર.
મહેકે શકુન્તલાનો પરસ ફૂલ-પત્ર પર,
જ્યાં વ્હાલ કણ્વ ઋષિનું થરકે હરણ ઉપર.
ગુંગળાઉં છું, રિબાઉં છું ઓથાર હેઠ હું,
લઈ જાવ જ્યાં ન ધૂમ્ર હો વાતાવરણ ઉપર.
આ કાળમીંઢ ભીંત અને મ્લાન દર્પણો,
ચહેરા તળે છે આવરણ, કૈં આવરણ ઉપર.
તૂટે પીઠિકા થાકથી, ભીંસાય પાંસળી,
ખડકી છે કોણે કૈંક સદી એક ક્ષણ ઉપર?
એવો મળ્યો છે એક દિલાસો મરૂસ્થળે,
જોયા કરું છું ઊંટનો આકાર રણ ઉપર.
નિષ્પર્ણ વૃક્ષને અઢેલી આથમી ગયો,
‘પંથી’ જીવે તો કેટલું કોઈ સ્મરણ ઉપર?
– પંથી પાલનપુરી
ગઝલના મત્લા અને મક્તા વાંચતાવેંત મોહી પડાય એવા મજાના થયા છે. મત્લામાં નિસર્ગની ચાહના એના ચરમ શિખરે નજરે પડે છે તો મક્તામાં પ્રણયની નિરાશાની ચરમસીમા સિદ્ધ થઈ છે. બીજા શેરમાંના એક છંદદોષ અને વાતાવરણવાળા ચોથા શેરમાં કાફિયા-રદીફની અનિવાર્યતાને કારણે સર્જાતા ભાષાદોષ (વાતાવરણમાં-સાચું)ને અવગણીએ તો બાકીની આખી ગઝલ પણ આસ્વાદ્ય થઈ છે.
Permalink
November 16, 2024 at 11:34 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર

ચાલું છું પણ સફરમાં જરા છું, જરા નથી,
છું કેદ, તોય ઘરમાં જરા છું, જરા નથી.
એવીય છે ગતિ, જે વહે બાળપણ તરફ,
વધતી જતી ઉમરમાં જરા છું, જરા નથી.
વેરાઈ આમતેમ જરા હળવો થાઉં છું,
આ દેહની ભીતરમાં જરા છું, જરા નથી.
સંપૂર્ણ લક્ષ પણ નથી, અવગણના પણ નથી,
ઈશ્વરની પણ નજરમાં જરા છું, જરા નથી.
પીડા તો થાય છે છતાં છે સ્મિત હોઠ પર,
છેદ્યું તમે એ થરમાં જરા છું, જરા નથી.
પ્રત્યેક રાતે મરતો રહું છું જરાજરા,
હર ઊગતા પ્રહરમાં જરા છું, જરા નથી.
ફૂટેલા લીલા ઘાસમાં મારો જ અંશ છે,
દાટ્યો’તો એ કબરમાં જરા છું, જરા નથી.
– રઈશ મનીઆર
લયસ્તરો પર આજે કવિશ્રી રઈશ મનીઆરના નવ્ય ગઝલસંગ્રહ ’કેવળ સફરમાં છું’નું સહૃદય સવાગત કરીએ…
સંગ્રહમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવાનું કામ બહુ અઘરું હતું. જે ગઝલ પસંદ પડે, એ તો લયસ્તરો પર હોય જ. એક અનૂઠી રદીફવાળી ગઝલ અત્રે રજૂ કરું છું. વર્ગમાં શિક્ષક ભણાવતાં હોય કે મિત્રો ભેગાં મળીને વાતચીત કરતાં હોય, મા-બાપ કોઈ બાબતે ઠપકો આપતાં હોય કે બાલ્કનીમાં ખુરશી ઢાળીને આપણે એકલા બેઠા હોઈએ, આપણા સહુનો અનુભવ છે કે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં કદીયે સોએ સો ટકા હાજર રહી શકતાં જ નથી. આવી અધકચરી અધૂરી ઉપસ્થિતિ લઈને જ આપણે દુનિયામાંથી પસાર પણ થઈ જઈએ છીએ. આવી જરા હોવાની અને જરા ન હોવાની આંશિકતાતો તંત ઝાલીને પડકારરૂપ રદીફ પ્રયોજીને કવિએ કેવી મજાની સપ્તરંગી ગઝલ આપી છે!
Permalink
November 8, 2024 at 12:30 AM by વિવેક · Filed under અમિત ટેલર, ગઝલ
લાજ, ભય, શંકા, રિવાજોની વચાળે,
એ મને ભેટી પડ્યા’તા ભરબજારે.
આંખ છોડી આંસુઓ એવાં તે નાઠાં,
જાણે છેલ્લો ઘંટ વાગ્યો હો નિશાળે.
એ કશું મનમાં વિચારીને લજાયાં,
હુંય થાતો પાણીપાણી એ વિચારે.
દર વખતની જેમ હું ચુપચાપ બેઠો,
એમણે વાતો કરી વળતી ઈશારે.
એકટશ જોયા કરે છે પંખીડાં બે,
જેમ શંકર-પોઠિયો બેઠા શિવાલે.
વેદનાનું વિસ્મરણ કરવું જ છે તો,
કેમ ઉતારે છે ગઝલમાં છાશવારે?
માર્ગ નહીં પણ સત્યમાર્ગે ચાલતા રહી-
થાય જે કડવા અનુભવ, એ મઠારે.
– અમિત ટેલર
ईद का दिन है गले आज तो मिल ले ज़ालिम,
रस्म-ए-दुनिया भी है मौक़ा भी है दस्तूर भी है।
– કમર બદાયૂનીએ જે વાત અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ વધીને કવિ આલિંગન પૂર્ણ કરે છે. સ્ત્રીસહજ લાજ, બદનામીનો ભય, નાયિકાના વર્તાવ અંગે નાયકના મનમાં રહેલી શંકા અને ઈદ કે દિવાળી જેવા કોઈક તહેવારોનો રિવાજો -ચાર અલગ અલગ પરિમાણોની વચ્ચે પ્રિયજન ભરવચાળે નાયકને બહુપરિમાણીય આલિંગન આપે છે એની મોજ એવી સ-રસ છે કે ભાવક પણ આ દુર્નિવાર્ય ભાવાલિંગનથી પરે રહી શકતો નથી. (ત્રીજા શેરમાં છે એ માનાર્થસૂચક અનુસ્વારની મત્લામાં અનુપસ્થિતિ જો કે થોડી ખટકે છે.) છેલ્લા બંને શેર નિવારી શકાયા હોત તો રચના સાદ્યંત આસ્વાદ્ય બની હોત. છઠ્ઠો શેર ગઝલના મિજાજથી થોડો વેગળો પડી જાય છે અને આખરી શેર તો સાવ આગંતુક જણાય છે. પરંતુ એટલું બાદ કરતાં પહેલા પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે.
Permalink
November 7, 2024 at 11:15 AM by વિવેક · Filed under આર. બી. રાઠોડ, ગઝલ
તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌના વિચારમાંથી.
શોધી શકાય છે જે થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળા વિચારમાંથી.
બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે નોખા વિચારમાંથી.
પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે પાક્કા વિચારમાંથી.
એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવા વિચારમાંથી.
– આર. બી. રાઠોડ
નવું વર્ષ શરૂ થઈ ગયું છે… નવા વિચારો સાથે નવી શરૂઆત કરીએ. કવિએ પાંચેય શેરમાં બહુ જ સરળા ભાષામાં મજાની વાત કરી છે. ફરી ફરીને મમળાવવા જેવી ગઝલ…
Permalink
October 24, 2024 at 12:30 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગઝલ
બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ,
ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ!
ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં
મારામાં કોઈ થઈ ગયું છે આરપાર ગુમ.
ઘર ભુલભુલામણી છે પુરાતન મહેલની,
અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ.
પાદરના પથ્થરોને હજુ પણ પૂછ્યા કરું
કે ક્યાં થઈ ગયો છે એ ઘોડેસવાર ગુમ!
દેખાય જો મને તો સલામત રહે નહીં,
તેથી જ થઈ ગયો છે આ પરવરદિગાર ગુમ.
– અરવિંદ ભટ્ટ
પાંચ શેર. પાંચેય ટકોરાબંધ.
Permalink
October 19, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ત્રિલોક મહેતા
લાવ, તારો હાથ આપી જો મને,
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.
પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું,
લે, ઉખેડી કે ઉથાપી જો મને.
તું નસેનસમાં વહે છે રક્તવત્,
કોઈ પણ છેડેથી કાપી જો મને.
આભને પણ હું નયનમાં સંઘરું,
જો ઉઠાવી આંખ માપી જો મને.
આમ તો હું કોઈને જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.
– ત્રિલોક મહેતા
કવિના નામ સાથે આ મારો પ્રથમ પરિચય છે, પણ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ. સરળ બાનીમાં સહજ પણ સાદ્યંત મનનીય રચના. વચ્ચેના ત્રણ શેર તો અદભુત થયા છે.
Permalink
October 17, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે,
એ બહુ દૂર નીકળી ગઈ છે.
માત્ર વીંટીનો પ્રશ્ન ક્યાં છે અહીં?
હાથની એક આંગળી ગઈ છે.
નીકળી ગઈ છે ચિત્રમાંથી એ-
વ્યક્તિ બીજી તરફ વળી ગઈ છે.
એ જ દેખાય છે બધી બાજુ,
લાગે છે પ્રાર્થના ફળી ગઈ છે!
એકધારો પ્રવાસ કરવાની,
ઝંખના જિંદગી કળી ગઈ છે.
શોધતાં હાથ લાગી એકલતા,
એ પછી સાંત્વના મળી ગઈ છે.
– શૈલેશ ગઢવી
આમ તો આખી ગઝલ બહુ મજાની થઈ છે, પણ હું તો માત્ર મત્લા પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠો… પ્રિયતમના પહોંચ બહાર ચાલ્યા જવાની વાતને સાંજના ઢળવા સાથે સાંકળીને કવિએ જે કમાલ કરી છે, એ દીર્ઘકાળ સુધી સ્મૃતિપટલ પરથી દૂર થઈ શકનાર નથી… ઓછામાં ઓછા શબ્દોમાં અને સાવ સરળતમ સહજ ભાષામાં કવિએ સાચે જ જાદુ કરી દેખાડ્યો છે…
Permalink
October 12, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં
સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં
હું ઉપાડું કલમ, પછી મારા-
ભાવ તેમ જ અભાવ કાગળમાં
મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં
આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં
તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં
– હર્ષદ ચંદારાણા
અનાદિકાળથી મનુષ્યને જેટલી કવિતા આકર્ષતી રહી છે, એટલું જ આકર્ષણ કવિતાના ઉપાદાનોનુંય રહ્યું છે. કવિતા વિશે, કવિતાના સર્જન વિશે જેટલી રચનાઓ જડશે એટલી રચનાઓ કદાચ કલમ-કાગળ અને શાહી વિશે પણ મળી આવશે. પ્રસ્તુત ગઝલમાં કવિનો કેમેરા કાગળ ઉપર કેન્દ્રિત થયો છે. કાગળના રૂપકની મદદથી કવિએ નિજ ષડ્દર્શન પ્રગટ કર્યું છે. કોરો કાગળ હકીકતે તો ચિંતનની નાવ તરતી કે ડૂબતી મૂકી શકાય એવા છલોછલ તળાવ સમો છે. સાત સાગર તરી જનારો પણ સ્વયંને વ્યક્ત કરવા માટે તો કાગળમાં જ ડૂબે છે. આપણા તમામ ભાવ અને અભાવ કાગળ આગળ ખુલ્લા પડી જાય છે. મનુષ્ય દુનિયાની આગળ ગમે એવો અભિનય કેમ ન કરે, કાગળ અરીસાની જેમ એના એકેક હાવભાવને હૂબહૂ પકડી પાડે છે. (હા, કાગળ ઉપર જાત રેડવાની આ પ્રક્રિયા દુનિયાને બતાવવા માટેની કૃતક જહેમત ન હોય તો!) સ્વયંને વ્યક્ત કરવાનું સ્વપ્ન હોય તો કાગળ એને સાકાર કરનાર ભૂમિ છે.
Permalink
October 10, 2024 at 12:30 AM by વિવેક · Filed under અગન રાજ્યગુરુ, ગઝલ
આગળ વધી કે વાત હજી ત્યાં ને ત્યાં જ છે?
આવ્યો નથી જવાબ, હજી ત્યાં ને ત્યાં જ છે.
પાછળ ફરીને જોયું મેં પ્રસ્થાન સ્થાન પર,
મારી બધી નિરાંત હજી ત્યાં ને ત્યાં જ છે.
વૃક્ષો નવાં તો ખૂબ ઉગાડ્યાં છે શહેરમાં,
સુનકાર એ છતાંય હજી ત્યાં ને ત્યાં જ છે.
એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?
અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો,
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે.
નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી,
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે.
એનો અમલ જો થાય તો દુનિયા મળે ‘અગન’
કિંતુ બધાંય ખ્વાબ હજી ત્યાં ને ત્યાં જ છે.
– અગન રાજ્યગુરુ
ગઝલમાં સુનિશ્ચિત અર્થ ધરાવતી મધ્યમ કે લાંબી રદીફ વાપરવી એ દોરડા પર ચાલવા જેવું કામ છે. સહેજ્સાજ પણ ધ્યાનચૂક થાય તો સીધું ધબાય નમઃ જ થાય. પ્રસ્તુત ગઝલમાં કવિએ “હજી ત્યાંની ત્યાં જ છે” જેવી વિશિષ્ટ રદીફની લાકડી હાથમાં ઝાલીને સુપેરે રોપવૉક કરી બતાવ્યું છે. ગઝલમાં પ્રમાણમાં ઓછા માન્ય ગણાતા અકારાંત કાફિયા સાથે અનૂઠી રદીફ સાંકળીને કવિએ સાત રંગનું મજાનું મેઘધનુષ સર્જ્યું છે. બધા જ શેર સ-રસ થયા છે પણ રદીફ ઉપર વિશેષ ધ્યાન આપીને વાંચીએ તો દરેક શેર વધારે સ-રસ લાગશે.
Permalink
October 4, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
કોઈ પૃથ્વી, જળ, ગગન, વાયુ, અનલમાં ઓગળે છે,
કોઈ એવી રીતથી જાણે સકલમાં ઓગળે છે.
કોઈ કેવળ સાત રંગોની રમત જોયા કરે છે,
કોઈ બહુ સમજી-વિચારીને ધવલમાં ઓગળે છે.
કોઈ કુંતલના તિમિરથી તરબતર થઈ સૂઈ ગયું છે,
કોઈનું હોવાપણું ત્યાં એક તલમાં ઓગળે છે.
કોઈ ત્યાં તટ પર સરોવરની હવા શ્વસતું રહે છે,
કોઈના સહુ શ્વાસ સૌરભમય કમલમાં ઓગળે છે.
કોઈમાં એની ગઝલ અમથી જ ઓગળતી રહે છે,
કોઈ બસ અમથું જ પાછું એ ગઝલમાં ઓગળે છે.
– જાતુષ જોશી
ગઝલના પાંચેય શેરના દસેદસ મિસરાનો પ્રારંભ “કોઈ”થી થાય છે. આ કોઈ કોઈપણ હોઈ શકે, હું, આપ કે અન્ય કોઈ પણ. એ અર્થમાં આ ગઝલ સૌની ગઝલ બની રહે છે. દરેક મિસરાનો અંત પણ ‘છે’થી થાય છે. ગઝલમાં રદીફ અથવા રદીફનો અંશ ઉલા મિસરામાં વાપરી ન શકાય, એટલે ગઝલની પરિભાષામાં જોઈએ તો મત્લા પછીના દરેક શેરમાં તકાબીલ રદીફ દોષ થયો ગણાય. પણ કવિએ દસેય પંક્તિઓમાં આદ્યંતે સમાન શબ્દ વાપરવાની રચનાનીતિ અપનાવી હોવાથી પ્રયોગના ધોરણે આ નિર્વાહ્ય જણાય છે.
પંચમહાભૂતોથી બનેલ દેહ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. દરેક સજીવ પંચમહાભૂતોથી જ બન્યો હોવા છતાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ તરી આવે છે. માટી એક જ હોવા છતાં સૌના ઘાટ અલગ છે, પણ કોઈ કોઈ એવાય હોય છે, જે સૌમાં સમરસ થઈ સૌ સાથે સમભાવથી રહેતાં હોય છે. આ જ વાત બીજા શેરમાં સાત રંગોના સંમિશ્રણથી સફેદ રંગ બને છે એ વૈજ્ઞાનિક હકીકતનો આધાર લઈ કવિએ રજૂ કરી છે. કુંતલ એટલે વાળની લટ. એય શ્યામ અને તલ પણ શ્યામ. કુંતલ અને તલ વચ્ચેની વર્ણસગાઈ અને રંગસગાઈનો સમુચિત ઉપયોગ કરીને કવિએ કેવો મજાનો શેર સર્જ્યો છે! શેખાદમનો અમર શેર પણ યાદ આવે:
ભેલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું.
સરવાળે આખી ગઝલ મજાની થઈ છે.
Permalink
October 3, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ
ઢાળવાનું હેમ છે તો ઢાળીએ,
એક ઝરણું આંખમાંયે વાળીએ.
એટલા તારા ગમ્યા છે રાતના,
દિવસ આખો જાગવાનું ટાળીએ.
તૂટવાની શી મજા મઝધારમાં!
ભૂલમાંયે કેમ કાંઠો ભાળીએ?
આપણે તો એક મોતી પામવું,
સાત સમદરનીય રેતી ચાળીએ!
કોક દી તો એ ગગન અહીં આવશે,
આંગણામાં પંખીઓ બસ, પાળીએ.
આપણામાં જ્યોત ને જ્વાળા ઊઠે,
બાળવા જેવું બધુંયે બાળીએ.
– ચંદ્રકાન્ત શેઠ
ઉજાગરાના કારણ તો હજાર હોય, પણ કવિ પાસે જે કારણ છે એ તો સાવ અલગ જ છે, અને ઉજાગરો કરવા માટેની એમની પદ્ધતિ પણ નોખી છે. રાતના તારા કવિને એ હદે ગમી ગયા છે કે એ દિવસે ઊંઘી જવાનું પસંદ કરે છે, જેથી કરીને રાત આખી તારાઓના સૌંદર્યનું આકંઠ પાન કરી શકાય. ત્રીજો શેર વાંચતાવેંત શૂન્ય પાલનપુરીની યાદ આવે- મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા, કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં. છેલ્લા ત્રણ શેર તો સાત સમંદરની રેતી ચાળીને હાંસિલ કરેલ મોતી જેવા મૂલ્યવાન થયા છે…
Permalink
September 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પરેશ સોલંકી ડૉ.
શ્વાસ શ્રદ્ધાના સહારે ચાલે છે,
નાવ તો સઢના ઈશારે ચાલે છે.
ખેડી લે દરિયે સફર કો’ વિરલા,
કોઈ જીવનભર કિનારે ચાલે છે.
લાખ કોશિશો કરી છે સૂર્યએ,
સ્વપ્ન તોયે અંધકારે ચાલે છે.
કોઈએ ઈશ્વર નથી જોયો છતાં,
જિંદગી એના સહારે ચાલે છે.
જે ઉદય કે અસ્તને પામી ગયા,
પ્રેમપંથે એ વધારે ચાલે છે.
– ડૉ. પરેશ સોલંકી
સરળ બાનીમાં મજાની ગઝલ…
Permalink
September 21, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
તું જળ છે, તો તારી સપાટી જુએ છે,
અહીં તળ સુધી કોણ તાગી જુએ છે?
મૂલવવા સ્વયંને નથી ખુદને જોતાં
જુએ છે, તો બસ, ખુદની ખ્યાતિ જુએ છે
જુએ છે તરણ કે તરસની નજરથી,
નદીનેય કોણ આખેઆખી જુએ છે?
ફૂટેલા ઘડાને ન કુંભાર જોતો
તરત એ નવીનરવી માટી જુએ છે
મળે છે હીરા એને ક્યારેક ક્યારેક
જે પ્રત્યેક કંકર ઉઠાવી જુએ છે
– રઈશ મનીઆર
સમય સાથે માનવીય મૂલ્યોને સતત ઘસારો લાગતો આપણે સહુ જોઈ-અનુભવી રહ્યાં છીએ. માણસ મોટો થતો જાય છે એમ એમ મૂલ્યો છીછરાં થતાં જાય છે. પોતાની કાવ્યસફરના પ્રારંભે ‘કો’ ઉપરછલ્લી ગતિ ફાવી નહીં, જ્યાં ગયા ત્યાં સાવ સોંસરવા ગયા’ લખનાર કવિ આજે ‘તળ સુધી કોણ તાગી જુએ છે?’ લખવા મજબૂર થયા એ કેવી વિડંબના! સપાટીથી ઊંડે ઉતરવા ભાગ્યે જ કોઈ આજે તૈયાર છે. સ્વયંમાં કેટલું સત્ત્વ છે એની પ્રામાણિક ચકાસણી કરવાના બદલે વાડકીવ્યવહારી ફેસબુક કે ઇન્સ્ટાની પૉસ્ટને કેટલી લાઇક્સ, શેર અને કમેન્ટ્સ મળ્યાં છે એના પરથી જ આપણે આપણી જાતની સફળતાનો ક્યાસ કાઢવા માંડ્યા છીએ. જેમ સ્વયંનું એમ માણસ સામાનું આકલન પણ સમૂચુ કરવાના બદલે જરૂર મુજબનું જ કરે છે. નદી સમગ્રને નાણવાના બદલે હેતુસરનો જ સંબંધ આપણે રાખીએ છીએ. જો કે પહેલા ત્રણ શેરમાં કવિહૃદયની વ્યથા રજૂ કર્યા બાદ અંતિમ બે શેરમાં કવિઓ કરવટ બદલે છે. કુંભાર અને કંકરે-કંકરની ઉલટતપાસ કરનાર આશાવાદી અને ખંતીલા મનુષ્યોના પ્રતીકથી કવિ આપણને અમૂલ્ય જીવનપાથેય આપે છે…
Permalink
September 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
રાજદ્વારી વિચાર અજમાવું,
ખુશખબર વારતામાં લઈ આવું.
જાઉં છું કંઈક બોલવા પાસે,
એ કહે છે, પછીથી બોલાવું!
શૂળીનો ઘા સરી ગયો સોયે,
મારા મનને હું રોજ સમજાવું.
પૂરી દુનિયા છે દિલરૂબા મારી,
ક્યાં સુધી મારી બાંહ ફેલાવું?
સૌના જુદા અવાજ ને ચહેરા,
તો પછી અન્ય જેમ શું થાવું!
– શૈલેશ ગઢવી
કવિતા એટલે આઉટ ઑફ ધ બોક્સ વિચારવાની કળા. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. ગઝલમાં રાજદ્વારી વિચાર અજમાવવાની વાત આપણને બે ઘડી વિચારતાં કરી મૂકે એવી અજુગતી છે. કવિ એક તરફ રાજદ્વારી વિચારની વાત કરે છે તો બીજી તરફ વારતામાં ખુશખબર લઈ આવવાની વાત કરે છે. બે સાવ અસંબદ્ધ લાગતા મિસરા સાંધીને કવિએ કેવો મજાનો મત્લા જન્માવ્યો છે એ જોવા જેવું છે. સામાન્યરીતે કળાને ઘેરો રંગ, વિષાદનો રંગ વધુ માફક આવે છે. મિલન કરતાં વિરહની કવિતાઓ જ વધુ લોકભોગ્ય બને છે. એટલે વારતામાં ખુશખબર લઈ આવવી હોય તો રાજદ્વારી અમલ કરવો અનિવાર્ય થઈ પડે. ખાધું, પીધું ને મોજા કરીની વારતાઓ તો પરીકથામાં જ જોવા મળે, જીવનમાં તો કરુણતા જ સવિશેષ જોવા મળે. (સ્મરણ: ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે…’ નરસિંહરાવ દિવેટિયા)
સરવાળે આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે…
Permalink
September 13, 2024 at 10:54 AM by વિવેક · Filed under અરવિંદ ભટ્ટ, ગઝલ
તણખલે બાંધેલ સગપણ છોડીને ભાગી છૂટો,
પાંખથી આકાશને પરખોડીને ભાગી છૂટો.
કૈંક એવું પણ મળે ખંડેરને ફંફોસતાં
કે તમારું ઘર તમે તરછોડીને ભાગી છૂટો.
તે પછી પંપાળજો જીભથી પરિચયનો ખીલો,
ડોકમાં બાંધેલ સાંકળ તોડીને ભાગી છૂટો.
શક્ય છે કે બ્હાર નીકળવાથી દરિયો પણ મળે,
માછલીઓ, કાચને જો ફોડીને ભાગી છૂટો.
– એક ટોળું સ્તબ્ધતામાં ગુમ થઈ જાશે પછી,
ઊતરો ચિતા ઉપરથી, દેોડીને ભાગી છૂટો
– અરવિંદ ભટ્ટ
જે સગપણોને જીવસોતાં રાખીને આપણે આજીવન બંધાઈ રહીએ છીએ, એ તણખલાં જેવાં ક્ષણભંગુર છે. એને છોડીને ભાગી શકે એ સિદ્ધાર્થ જ બુદ્ધ બની શકે. પાંખથી આકાશને સાફ કરીને ભાગી છૂટવાના પ્રતીક વડે કવિ એ પણ કહે છે કે ભાગવું તો એ રીતે કે પાછળ કોઈ નક્શે-કદમ ન રહી જાય… બીજા શેરને ઘર-ખંડેરના સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને ભીતરના ખંડેરને ફફોસતા થતી આધ્યાત્મિક અનુભૂતિને પામવા કાયાનું ઘર છોડી શિવ તરફ જવા મથતા જીવના સંદર્ભમાં પણ સમજી શકાય. ત્રીજો શેર પણ સંબંધ વિશે જ છે. પરિચયના ખીલાને જીભથી પંપાળતા પહેલાં ડોકમાં બાંધેલ સંબંધની સાંકળ તોડીને આઝાદ થઈ જવું જોઈએ, કારણ કે સાચો પ્રેમ સ્વતંત્રતા વિના સંભવ જ નથી. ચોથા શેરમાં પણ બંધન અને મુક્તિની જ વાત છે. આખરી શેરમાં પણ સંબંધની કેદમાંથી મુક્ત થવાની વાત સતી અને ચિતાના પ્રતીક વડે સુપેરે કહેવાઈ છે. ટોળાંએ સ્વીકારી લીધેલ નિર્ણયને અવગણીને કોઈ ચાલી નીકળે ત્યારે ટોળાંની પ્રથમ પ્રતિક્રિયા સ્તબ્ધ થઈ જવાની જ હશે. સતીના ચિતા પરથી ઉતરીને ભાગી જવાની વાત હોય કે દુનિયાએ આપણી ઉપર લાદી દીધેલ બંધનો ફગાવીને આઝાદીનો આહલેક લગાવવાની વાત હોય, સરવાળે તો સ્વ-ઇચ્છા અને સ્વ-તંત્રતા મુજબ જીવવાની જ વાત આ મુસલસલ કહી શકાય એવી ગઝલમાં વેધક રીતે કરાઈ છે.
પરખોડી શબ્દએ મને મૂંઝવ્યો. કોઈ શબ્દકોશમાં એનો અર્થ મળ્યો નહીં, પણ દુલા ભાયા કાગના એક ભજનમાં એ જડી આવ્યો:
સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં
જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે
આ બે ઉદાહરણા પરથી ‘પરખોડવું’ એટલે સાફ કરવું એમ મને સમજાયું. કવિનો ખુલાસો પણ જોઈએ: ‘અમારા નાઘેર પંથકમાં ( વેરાવળ, પાટણ,માંગરોળ, કોડીનાર વગેરે) આ શબ્દનો વપરાશ બહુ સામાન્ય છે. મેં પણ લોકસાહિત્ય શબ્દકોશ સુધી પ્રાપ્ત બધું ફંફોસી નાખેલું. કશે આ શબ્દ ન મળલો. પરખોડવુંનો અર્થ તમે બરાબર પકડ્યો છે. માત્ર ઝાપટિયું કે કપડાંનાં નેપકિન જેવા કટકાઓથી સાફ કરવું એટલે પરખોડવું. ખાસ કરીને ઝાપટી અને વાળવું, કોશમાં ઝાપટિયું શબ્દ છે. સાવરણીથી પણ ઝાપટી તો શકાય, પણ એમાં પિચ્છાં ખરી જાય તો? કાગબાપુ વખતે ખજૂરીની સાવરણી આવતી તેમાંથી પિચ્છા ન ખરતાં. પાંખનો સંદર્ભ ઇંગિત કરવાની કોશિશ.’
Permalink
September 7, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.
ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.
નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!
– શૈલેશ ગઢવી
મારી પાસે કોઈ પણ સંગ્રહ આવે એટલે સૌપ્રથમ હું પ્રસ્તાવના કોણે કોણે લખી છે એ જોઈ લઉં અને કવિની કેફિયત વાંચી લઉં. કવિની કેફિયત પરથી કવિનો વ્યાપ કેટલોક હશે એનો અંદાજ આવી જાય. પછી પ્રસ્તાવનાઓ ઉપર ઉપરથી વાંચી જાઉં. અને પછી સંગ્રહ વાંચવો શરૂ કરું… મોટાભાગનાં ગીત-ગઝલોમાં પહેલી બે પંક્તિ નક્કી કરી દે કે આખી રચના વાંચવી કે આગળ વધવું.
જેમની સાથે અગાઉ ભાગ્યે જ કોઈ સંપર્ક થયો હતો એવા એક કવિમિત્રએ એમનો પ્રથમ ગઝલસંગ્રહ મોકલાવ્યો. પાછળના કવરપેજ પર ભરત વિંઝુડાની પ્રસ્તાવનાના અંશનું પ્રથમ વાક્ય હતું: ‘ગઝલમાં પોતીકો અવાજ લઈને આ કવિ આવે છે.’ ભરતભાઈ પ્રિય કવિ છે, પણ આજકાલ દરેક પ્રસ્તાવનાકારને દરેક સર્જનમાં સર્જકનો ‘પોતીકો અવાજ’ જ સંભળાય છે. હૈયે હામ રાખીને સંગ્રહની પહેલી ગઝલ વાંચી અને પછી તો બસ… ઘણા લાંબા સમય પછી એવો સંગ્રહ હાથ લાગ્યો, જેણે મને એકી બેઠકે આખો સંગ્રહ વાંચવાની ફરજ પાડી અને પહેલો શેર વાંચીને આગળ વધી જવાના બદલે દરેકે દરેક ગઝલ અને દરેકે દરેક શેર ધ્યાન દઈ વાંચવા માટે મજબૂર કર્યો…
પ્રસ્તાવનામાંથી મળતી માહિતી મુજબ ૯૬ ગઝલોમાં કવિએ ૨૬ છંદ વાપર્યા છે, જે સાચે જ સરાહનીય કહેવાય. પ્રથમ સંગ્રહ છે એટલે ક્યાંક ક્યાંક છંદદોષ અને ભાષાની શિથિલતા તથા શેર પૂરો કરવાની ઉતાવળ નજરે પડે છે. તદોપરાંત છંદવૈવિધ્ય માટેનો વ્યાયામ કેટલીક જગ્યાએ વ્યાયામ જ બનીને રહી જતો પણ દેખાય છે, પણ સરવાળે આખો સંગ્રહ સંતર્પક થયો છે અને આગામી ગઝલો વધુ બુલંદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દૃષ્ટિગોચર થાય છે…
સાચા અર્થમાં આ સંગ્રહમાં એક નવ્ય સર્જકનો ‘પોતીકો અવાજ’ સંભળાયો…
કવિશ્રી શૈલેશ ગઢવીને પ્રથમ ગઝલસંગ્રહ ‘થોડાંઘણાં કબૂતર’ માટે ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…
Permalink
August 24, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.
કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.
આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.
આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.
શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.
– જાતુષ જોશી
સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.
Permalink
August 16, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.
હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.
કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.
સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.
જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.
– ચંદ્રકાન્ત શેઠ
સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

Permalink
August 3, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!
કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!
માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!
ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!
ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!
– હરજીવન દાફડા
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…
Permalink
August 2, 2024 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.
આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?
સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!
કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.
મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.
– જાતુષ જોશી
થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.
Permalink
August 1, 2024 at 10:45 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.
ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.
સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.
એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.
આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?
– મયંક ઓઝા
માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.
Permalink
July 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under કિરણ જોગીદાસ 'રોશન', ગઝલ
પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!
મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.
એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.
એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.
તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.
અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.
Permalink
July 13, 2024 at 4:02 PM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે
અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે
દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે
ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?
છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે
– હર્ષદ ચંદારાણા
કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:
આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)
लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)
Permalink
July 12, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા
બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા
તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા
તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા
મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા
– સુરેન્દ્ર કડિયા
માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.
Permalink
June 28, 2024 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.
તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.
આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.
હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.
અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની,
અહીંયા તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.
સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને!
‘ઘાયલ’નો બોલ ઊપડ્યો એનો ન ઉપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.
– અમૃત ઘાયલ
વિન્ટેજ વાઇન.
Permalink
June 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી,
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી.
વળગી શકે નહીં પણ કાયમ ખભો એ આપે,
ઘરની દીવાલો પી લે આંખોનું ખારું પાણી.
વર્ષોથી એ રહે છે, જાકારો ક્યાંથી આપું?
દુઃખ-દર્દ સાથે મારી યારી છે બહુ પુરાણી.
પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી,
ચહેરો અસલ બતાવે જો દુઃખતી રગ લે જાણી.
મિસરારૂપે કલમથી રેલાઈ મૂંગી ચીસો,
સમજ્યું ના કોઈ પીડા, સૌએ ગઝલ વખાણી.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
લયસ્તરો પર સર્જકના પ્રથમ ગઝલસંગ્રહ ‘પહેલી સવાર છે’ નું સહૃદય સ્વાગત…
મત્લાની હકારાત્મકતા સ્પર્શી જાય એવી છે. જિંદગીનું તો હરહંમેશ હરએક સ્વરૂપે સ્વાગત જ કરવાનું હોય. માણસને પોતાના આંસુ લૂંછવા માટે વર્ષોની સાથી દીવાલોનો ટેકો લેવો પડે એ વાત એકલતાની પીડાને કેવી ધાર કઢી આપે છે! બાકીના ત્રણેય શેર પણ આસ્વાદ્ય થયા છે.
Permalink
June 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા

*
પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે?
અનાયાસ આખી ગઝલ નીપજે છે.
પ્રતીક્ષા કરી જોઈ હોડી બનીને
પરંતુ ન કાંઠો, ન જલ નીપજે છે.
પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં
ન ડાળી, ન પર્ણો, ન ફલ નીપજે છે.
પ્રતીક્ષા કરું છું વસંતોની જ્યારે
પ્રથમ પાનખર પણ અસલ નીપજે છે
હતી આ સરોવરને કોની પ્રતીક્ષા?
ફરી ને ફરીથી કમલ નીપજે છે.
– હર્ષદ ચંદારાણા
હર્ષદ ચંદારાણા એટલે રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘પોતાની પ્રતિભાના વેગથી, આંતરિક સામર્થ્યથી પોતાના બાયોડેટાની બહાર સતત વિસ્તરતી રહેતી’ વ્યક્તિ. થોડા દિવસ પહેલાં ૧૬ જુન, ૨૦૨૪ના રોજ કવિશ્રી હર્ષદ ચંદારાણા એમનો અ-ક્ષરદેહ પાછળ છોડીને પરલોક સિધાવ્યા… લયસ્તરો તરફથી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…
કવિને શબ્દાંજલિ નિમિત્તે શરૂઆત પ્રતીક્ષા ઉપર લખાયેલી એક મજાની મુસલસલ ગઝલથી કરીએ. પાંચેય શેર સંતર્પક થયા છે.
*

Permalink
Page 1 of 49123...»Last »