કાગળમાં – હર્ષદ ચંદારાણા
છોડ ચિંતનની નાવ કાગળમાં
છે છલોછલ તળાવ કાગળમાં
સાત સાગર તરું સરળતાથી
ડૂબવાનો સ્વભાવ કાગળમાં
હું ઉપાડું કલમ, પછી મારા-
ભાવ તેમ જ અભાવ કાગળમાં
મારા મનને મળ્યો અરીસો આ
હૂબહૂ હાવભાવ કાગળમાં
આ અહીં મારી સ્વપ્નભૂમિ છે
તેથી નાંખ્યો પડાવ કાગળમાં
તારું એકાંત રાખ તું અંગત
ઢોળી દે શાહી, લાવ કાગળમાં
– હર્ષદ ચંદારાણા
અનાદિકાળથી મનુષ્યને જેટલી કવિતા આકર્ષતી રહી છે, એટલું જ આકર્ષણ કવિતાના ઉપાદાનોનુંય રહ્યું છે. કવિતા વિશે, કવિતાના સર્જન વિશે જેટલી રચનાઓ જડશે એટલી રચનાઓ કદાચ કલમ-કાગળ અને શાહી વિશે પણ મળી આવશે. પ્રસ્તુત ગઝલમાં કવિનો કેમેરા કાગળ ઉપર કેન્દ્રિત થયો છે. કાગળના રૂપકની મદદથી કવિએ નિજ ષડ્દર્શન પ્રગટ કર્યું છે. કોરો કાગળ હકીકતે તો ચિંતનની નાવ તરતી કે ડૂબતી મૂકી શકાય એવા છલોછલ તળાવ સમો છે. સાત સાગર તરી જનારો પણ સ્વયંને વ્યક્ત કરવા માટે તો કાગળમાં જ ડૂબે છે. આપણા તમામ ભાવ અને અભાવ કાગળ આગળ ખુલ્લા પડી જાય છે. મનુષ્ય દુનિયાની આગળ ગમે એવો અભિનય કેમ ન કરે, કાગળ અરીસાની જેમ એના એકેક હાવભાવને હૂબહૂ પકડી પાડે છે. (હા, કાગળ ઉપર જાત રેડવાની આ પ્રક્રિયા દુનિયાને બતાવવા માટેની કૃતક જહેમત ન હોય તો!) સ્વયંને વ્યક્ત કરવાનું સ્વપ્ન હોય તો કાગળ એને સાકાર કરનાર ભૂમિ છે.