રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના,
રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો.
-કુતુબ ‘આઝાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અમૃત ઘાયલ

અમૃત ઘાયલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કવિની સનદ) – અમૃત ઘાયલ

અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.

તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.

આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.

હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.

અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની,
અહીંયા તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.

સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને!

‘ઘાયલ’નો બોલ ઊપડ્યો એનો ન ઉપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન.

Comments (3)

પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

સાકી ! – અમૃત ઘાયલ

કહીં છે લ્હેર લીલા, ક્યાંક કાળો કેર છે સાકી !
કહું શું કે જગતમાં કેટલું અંધેર છે સાકી !

અહીં દુઃખ એ જ છે મોટું, સમજમાં ફેર છે સાકી !
અને તેથી હૃદય સાથે હૃદયને વેર છે સાકી !

દુખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી !
છતાં કે’વું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી !

જવાનીને હું વશમાં રાખું તો કેવી રીતે રાખું ?
અચાનક ઊઠતા તોફાનની એ લ્હેર છે સાકી !

કહું તો ક્યાં કહું? કોને કહું? જઈ વાત અંતરની,
જગતમાં ધૂમ આજે બુદ્ધિની ચોમેર છે સાકી !

જગતની ખાનગી વાતોથી કંટાળી ગયો છું હું,
મને તું ત્યાં લઈ જા, જ્યાં બધું જાહેર છે સાકી !

નહીં મસ્તી, નહિ સાહસ, નહિ પૌરુષ, નહિ ઓજસ,
અમારી જિન્દગી ને મોતમાં શો ફેર છે સાકી?

પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા,
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી !

કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ઘાયલ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી !

– અમૃત ઘાયલ

અમૃતના ટીપાં !!!!

Comments (1)

(કારણ મને ગમે છે) – અમૃત ઘાયલ

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

– અમૃત ઘાયલ

હજારથી વધુ કવિના ૪૭૦૦થી વધુ કાવ્યો જે વેબસાઇટ ઉપર હાજર હોય, એ વેબસાઇટ ઉપર સો ટચના સોના જેવી આટલી વિખ્યાત ગઝલ, જેને ગાઈ-ગાઈને ગુજરાતીઓએ હૃદયસ્થ કરી નાંખી છે, એ આજદિન સુધી કયા કારણોસર મૂકવાની રહી ગઈ એમ અગર આપ અમને પૂછશો તો અમે કહીશું કે કારણ નહીં જ આપું, કારણ અમને ગમે છે…

Comments (6)

શું કરું! – અમૃત ઘાયલ

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું !
અધવચે અટકું નહીં તો શું કરું !

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું !

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું ?
શબ્દ છું, છટકું નહીં તો શું કરું !

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,
હું મને ખટકું નહીં તો શું કરું ?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહીં તો શું કરું !

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહીં તો શું કરું !

ઊંચક્યું જાતું નથી ‘ઘાયલ’ જરી,
શીશ જો પટકું નહીં તો શું કરું !

– અમૃત ઘાયલ

 

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં……. – એવું લાગ્યું કે જાણે શાયર મારા દિલમાં ઝાંકી શકે છે !!!

Comments (3)

અનોખો તાલ રાખે છે – અમૃત ઘાયલ

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

– અમૃત ઘાયલ

જૂનું એટલું સોનું.

(જઈફી= જૈફી, વૃદ્ધાવસ્થા)

Comments (5)

(સવાયો છું) – અમૃત ‘ઘાયલ’

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

– અમૃત ‘ઘાયલ’

અધધધ અગિયાર શેરની ગઝલ… બહર ટૂંકી પણ કમાલ તો જુઓ… એક્કેક શેર ઘાયલના મિજાજ જેવા જ અદ્દલોદ્દલ જાનદાર.. બધા જ શેર વિચારવિસ્તાર કરી શકાય એવા બિંદુમાં સિંધુ સમા…

Comments (8)

ને એક છે ઉતારો – અમૃત ‘ઘાયલ’

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.

મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,
કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો?

મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.

જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?
મે’માન છે હજારો ને એક છે ઉતારો.

દે તેજ ફાવે તેવી સાકી શરાબ મુજને,
હું તો છું આગને પણ પાણી કરી પીનારો.

જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?

દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.

એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.

ઊગીને પાથરે ના કંઈ તેજ જે જગત પર,
મારી નજરમાં ‘ઘાયલ’ એ તારો છે તિખારો.

– અમૃત ઘાયલ

કહેવાતું કે ઘાયલ જેટલા કાફિયા જડી આવે એ બધા પર શેર કરતા એટલે ગઝલો બહુધા લાં..બી થતી. જીવનવીણા, સાકી-શરાબ જેવા ભરતીના બે’ક શેરોને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ અફલાતૂન. મનુષ્યના પતન માટે બીજું કોઈ નહીં, મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે અને જાતમાંથી નીકળી શકાય તો કિનારા તો ચારેતરફ છે જ છે વાળી વાત ઘાયલ જ આવી સહજતાથી કરી શકે. ગેસ્ટહાઉસ જેવા દિલમાં ઉતારાની વાત હોય, કે ગમથી કદી છૂટકારો મળનાર ન હોવાની સ્વીકૃતિની વાત હોય- ઘાયલ લાજવાબ છે. કિનારો સ્વયં ડૂબનારને શોધે એ શેર તો સર્વકાલીન શ્રેષ્ઠ છે.

એક આડવાત… મનુષ્યહૃદયના ભાવોને ભાષા નડતી નથી હોતી એટલે એક જ ભાવ લગભગ કોપી-પેસ્ટ કર્યો ન હોય એવી રીતે ઘણીવાર અલગ-અલગ ભાષાની કવિતામાં જોવા મળતી હોય છે. ‘જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે’ – આ પંક્તિ જુઓ… કંઈ યાદ આવે છે? ‘દિલ સે’ ફિલ્મમાં ગુલઝાર આ જ લખે છે,’દિલ હૈ તો દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા.’ ગુલઝાર શું ઘાયલમાંથી ઊઠાંતરી કરવા ગયા હશે? ના… લાગણીઓની સમાનતાની જ આ કમાલ છે.

Comments (3)

વલોપાત વગર – અમૃત ઘાયલ

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર.

આ મજા કોણ ચખાડત મને આઘાત વગર ?
તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.

સાકિયા ! પીધા વગર તો નહીં ચાલે મુજને !
તું કહે તો હું ચલાવી લઉં દિનરાત વગર.

કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,
એક દિવસ ન ગયો હાય, અકસ્માત વગર.

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

કામમાં હોય તો દરવાન, કહે ઊભો છું !
આ મુલાકાતી નહીં જાય મુલાકાત વગર.

અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિંતુ,
ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર.

લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર,
કોઈ ચમકી નથી શકતું એ ઝવેરાત વગર.

આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

– અમૃત ઘાયલ

Comments (3)

ખેલ ખેલમાં – અમૃત ‘ઘાયલ’

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં,
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી,
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ,
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

– અમૃત ‘ઘાયલ’

સરળ શબ્દોમાં એક ક્લાસિક રચના….

Comments (2)

યાદગાર મુક્તકો : ૧૦ : અમૃત ઘાયલ

મુક્તકોની મહેફિલ હોય અને મુક્તકોના રાજા જ હાજર ન હોય તો કેમ ચાલે? બાઅદબ, બામુલાહિજા હોંશિયાર… શહીદ-એ-ગઝલ અમૃત ઘાયલની સવારી આવી પહોંચી છે…

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ઘાયલની
બાઅદબ, બામુલાહિજા, હુશિયાર…

આંખમાં ખુમાર લઈ આવી પહોંચેલા આ શાયર પોતાની શાયરીની તાકાતથી સુપેરે વાકેફ છે. એ જાણે છે કે કવિતા મડદાને પણ બેઠા કરી શકે છે.

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

તાકાત હોવી અને તાકાતથી માહિતગાર પણ હોવું આ બેવડું સદભાગ્ય તો હનુમાનને પણ હાથ નહોતું. આ માત્ર શાયરના અને શાયરીના જ વશની વાત છે. અને ઘાયલ તો ન માત્ર પોતાની શક્તિથી માહિતગાર છે, એમના પોતાની જિંદગી વિશેના વિચારો પણ સ્પષ્ટ છે…

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

ભલભલા ચમરબંધીનેય એ સાચું કહેતાં અચકાતા નહીં. સૌરાષ્ટ્ર જ્યારે અલગ રાજ્ય હતું અને ઉછંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રીશ્રી તથા ધારાસભ્યો સમક્ષ કાવ્યપઠન કરવા જવાનું હતું પણ પૂર્વસંમતિ લેવામાં આવી ન હોવાના કારણે ઘાયલે નકાર પકડાવ્યો. સરકારી નોકર હોવાની ચીમકી આપવામાં આવી ત્યારે ઘાયલે કહ્યું, ‘ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ભલે સરકારી નોકર હોય, ઘાયલ નથી.’ શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે એમના શાસનથી અસંતોષ હોવાના કારણે ઘાયલે એમના મોઢા પર જે મુક્તક સંભળાવ્યા હતા એમાંનું એક:

થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !

– અમૃત ‘ઘાયલ’

Comments (5)

ટેવાઈ જાયે છે – અમૃત ઘાયલ

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,
વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણયવાતો કદી છાની નથી રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

જુદાઈમાં વલણ શું પૂછવું અશ્રુ-ઘટાઓનું !
ઘડી ઘેરાઈ આવે છે, ઘડી વિખરાઈ જાયે છે.

જીવનમાં એક એવી આંધી આવે છે પ્રલયકારી,
દીપક હો જેટલા ઉરમાં બધા ઓલાઈ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોનાં મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન !

Comments (3)

નીકળ્યા ! – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !

એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’, એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’

ખરા સોના જેવી આ ગઝલ બે શબ્દોની મહોતાજ નથી. એ એટલી વિખ્યાત છે કે લયસ્તરો પર એ હશે જ એવા વિચારમાં કદી પૉસ્ટ જ ન કરી.

Comments (4)

કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

– અમૃત ‘ઘાયલ’

કચ્છ એટલે મૂળે તો રણપ્રદેશ. પાણીની અછતનો પ્રદેશ. પણ જે ભૂમિમાં પાણી ઓછું છે ત્યાંના આદમી પાણીદાર છે. અજાણ્યાને પણ પોતીકો ગણતા કચ્છી માંડુની અસલી તાસીર કવિએ કલમના લસરકે દોરી આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ ગમશે.

Comments (5)

કરી લીધી – અમૃત ઘાયલ

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

-અમૃત ઘાયલ

Comments (7)

બાકી છે – અમૃત ‘ઘાયલ’

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

-અમૃત ‘ઘાયલ’

એક વધુ ક્લાસિક…..

Comments (7)

દૂર બહુ એ દિવસ નથી – અમૃત ઘાયલ

મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !

વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.

મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.

પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.

‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.

– અમૃત ઘાયલ

આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…

Comments (6)

દરિયો -અમૃત ‘ઘાયલ’

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.

દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.

કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.

ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.

પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !

જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !

ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.

બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !

– અમૃત ‘ઘાયલ’

દરિયાની ‘દરિયા-ગીરી’ની પોલ ખોલતી ગઝલ 🙂

Comments (7)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગુપત, પ્રગટ – અમૃત ઘાયલ

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘટ શું છે !

– અમૃત ઘાયલ

ઘાયલસાહેબની એક લાક્ષણિક ગઝલ….

Comments (7)

ગઝલ – અમૃત ઘાયલ

કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.

પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો એના જ ઈશારે ઊભો છું.

આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શુ કહેશે ! બસ એ જ વિચારે ઊભો છું.

આ દરિયાદિલી દરિયાની હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું.

સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું !
જાકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું.

સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત દશા મારીય હવે,
કાલે ય મજારે ઊભો’તો આજે ય મજારે ઊભો છું.

જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઈ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ આવીને મિનારે ઊભો છું.

– અમૃત ઘાયલ

ગમે એટલી નવી ગઝલો  કેમ ન વાંચીએ, જૂની ગઝલ અને જૂની શરાબનો નશો કંઈ ઓર જ હોય છે !!

Comments (5)

(અણનમ બનાવીએ) – ઘાયલ

સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નત મસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.

ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.

આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.

જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.

આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
‘મનમેળ’ને જ નાવનો માલમ બનાવીએ.

એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

‘ઘાયલ’- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.

– અમૃત ઘાયલ

જીંદગીને સરળ કરી નાખે એવી સલાહ, ‘ઘાયલ’ના શબ્દોમાં.

Comments (11)

ગઝલ – અમૃત ઘાયલ

વાત ગોળગોળ છે,
પ્રાણ ઓળઘોળ છે.

હૈયું છે હચુડચુ,
દૃષ્ટિ ડામાડોળ છે.

ભીંજવે છે કોણ આ ?
છાંટ છે ન છોળ છે !

કૈં નથી,અમસ્તી આજ,
આંખ લાલચોળ છે.

હાથ લાવ,શેકીએ,
હાથ ટાઢાબોળ છે.

શ્વાસ છે તો છે સિતમ,
પીઠ છે તો સોળ છે.

કલરવોનું શું થયું?
કેમ કાગારોળ છે !

માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.

મોક્ષમાં યે શાંતિ ક્યાં ?
વ્યર્થ શોધખોળ છે.

– અમૃત ઘાયલ

નાનીશી છીપમાં છૂપ્યાં પાણીદાર મોતીઓ !
ઘાયલ અને શેખાદમ-લાઘવના મહારથીઓ !

Comments (8)

નથી શકતો – ઘાયલ

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

Comments (12)

મુક્તક – ઘાયલ

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે,
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

– ઘાયલ

Comments (4)

વહેંચાઇ જવામાં લિજ્જત છે – અમૃત ‘ઘાયલ’

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

– અમૃત ‘ઘાયલ’

આખી જીંદગી લિજ્જતપૂર્વક જીવનારા ઘાયલસાહેબને શેનામાં લિજ્જત આવે છે ?

Comments (11)

ખોટ છે બસ આટલી – ઘાયલ

શાયર પ્રતિજ્ઞાબદ્ધ છું, લાખોમાં એક છું,
ઈમાનદાર પણ છું હું, નેકી છું – નેક છું
‘ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.

– ઘાયલ

Comments (13)

સુખ – અમૃત ‘ઘાયલ’

કોઈની   છોડી  હવે  ના  છૂટશે
આ  કસુંબો  પી  કસેલી  ભેઠ  છે
સુખ ગણી જેને પ્રસંશે છે જગત
એ  અમે  છાંડી  દીધેલી એંઠ છે

– અમૃત ‘ધાયલ’

( ભેઠ=કમર પર બાંધવાનું કપડું, એંઠ=એઠું)

Comments (5)

આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું – ઘાયલ

શબ્દની આ૨પા૨ જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદ૨ બહા૨ જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકા૨ જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મા૨મા૨ જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહા૨ જીવ્યો છું.

હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

– અમૃત ઘાયલ

ઘાયલ એટલે ખુમારી. ઘાયલ એટલે વાવાઝોડું. ઘાયલ એટલે ધારદાર. ઘાયલની ગઝલમાંથી એકની પસંદગી કરવી બહુ અઘરી છે. આ ગઝલ એમના મિજાજનો બખૂબી પરિચય આપે છે અને ‘ઘાયલની ગઝલ’નો ‘ટ્રેડમાર્ક’ જુસ્સો પણ ધરાવે છે. પોતાના ઉપનામનો એમણે હંમેશા જ બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમણે ગઝલક્ષેત્રે અવનવા પ્રયોગો પણ બેશૂમાર કરેલા. એક ઘાયલ જ બુલંદ અવાજે કહી શકે, સર્વથા શાનદાર જીવ્યો છું !

Comments (5)

શાયર છું – ‘ઘાયલ’

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.

સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.

હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.

બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.

ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.

ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

– ‘ઘાયલ’

ખૂમારીનું બીજુ નામ એટલે ‘ઘાયલ’ … એ જ શાયર થી શંકર બધુ ય હોવાનો દાવો કરી શકે !

Comments (6)

આવું છું – ઘાયલ

સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (14)

તે ગઝલ – ઘાયલ

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે  ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

– ઘાયલ

ઘાયલની ગઝલની વ્યાખ્યા કરતી ગઝલ. કલ્પનો એ યુગના છે એટલે થોડા અલગ લાગી આવે છે. સમય સાથે ગુજરાતી ગઝલ કેટલી બદલાઈ છે એનો ખ્યાલ આ ગઝલ વાંચતા આવે છે. પહેલો અને છેલ્લો શેરનો અવારનવાર જોવામાં આવે છે પણ આખી ગઝલ ઘણા વખતે જોવામાં આવી.

(માલમી=નાવિક, navigator)

Comments (9)

યુક્તિ – ઘાયલ

કામમાં એક પેરવી લઉં છું,
યુક્તિથી તૃપ્તિ સેરવી લઉં છું.
થાય છે જ્યારે ઈચ્છા પીણાની,
હોઠ પર જીભ ફેરવી લઉં છું.

– ઘાયલ

Comments (4)

ગઝલ – ઘાયલ

કુંતલ
બાદલ

કીકી
કોયલ

આંસુ
હલચલ

જીવન
જંગલ

સંશય
સોમલ

શાયર
પાગલ

સારસ
‘ઘાયલ’

– ‘ઘાયલ’

જયારે ગુજરાતી ગઝલ પરંપરાગત માળખામાં જકડાયેલી હતી ત્યારે ‘ઘાયલે’ આવા પ્રયોગો કરેલા. કદાચ આજદિન સુધી લખાયેલી સૌથી ટૂંકી બહેરની ગઝલ છે. (જાણકારો શું કહો છો ?)

બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો આ ગઝલ ફ્રોઈડના વર્ડ એસોશીએશન ના પ્રયોગોની યાદ અપાવે છે. વર્ડ એસોશીએશન ટેસ્ટ માં દર્દીને એક શબ્દ કહેવામાં આવે છે (દા.ત. પાણી) અને એના પરથી તરત જ મનમાં જે શબ્દ આવે, જરાય વિચાર કર્યા વિના, એ દર્દીએ કહેવાનો હોય છે. (દા.ત. પાણી સાંભળીને કોઈ કહેશે તરસ, તો કોઈ કહેશે દરિયો, તો વળી કોઈ કહેશે પ્યાલો) અને એના પરથી દર્દીના મનમાં ઊંડે દબાઈ ગયેલી યાદોને બહાર કાઢી શકાય છે. અહીં ગઝલના દરેક શેરમાં બે શબ્દ મૂકીને શાયર આવી જ રમત રમતા હોય એવું નથી લાગતું ?!

(કુંતલ=વાળની લટ, સોમલ=ઝેર)

Comments (18)

શબ્દને – ઘાયલ

શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.

મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.

સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.

શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.

શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.

મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.

પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.

– ઘાયલ

ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે ! અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં.

આડવાતમાં, ગઝલને તદ્દન જુદા અર્થમાં જુઓ તો ઘાયલસાહેબ ઉંઝાજોડણીની છાલ કાઢતા હોય એવું નથી લાગતું ?! આ અર્થ મનમાં રાખીને ગઝલ ફરી વાંચી જુઓ 🙂 🙂 🙂

Comments (7)

લે ! – અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

– અમૃત ‘ઘાયલ’

ઘાયલસાહેબની આ રચનાનો …આ પડખું ફર્યો, લે ! શેર તો ખૂબ જાણીતો શેર છે. પરંતુ આખી ગઝલ તો હમણા જ વાંચવામાં આવી. આખી ગઝલ જુઓ તો ઘાયલસાહેબની ‘રેંજ’નો ખ્યાલ આવે… અને ‘નિમજ્જન’ જેવો શબ્દ એ કેવી અદભૂત રીતે ગઝલમાં લઈ આવ્યા છે એ તો જુઓ ! આ ગઝલ જોઈને અનાયાસ જ ડીલન થોમસનું ગીત Do Not Go Gentle Into That Good Night યાદ આવી ગયું. એમાં પણ ઘાયલસાહેબના શેરની જેમ જ મોત સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની વાત બહુ ઉમદા રીતે મૂકી છે.
(નિમજ્જન=ડૂબકી મારવી)

Comments (7)

કહેવાય નહી – અમૃત ઘાયલ

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

આ ગઝલ મોકલવા માટે આભાર વિરલ બુટાણી.   

Comments (4)

શબ્દોત્સવ – ૭: મુક્તક – અમૃત ઘાયલ

જર  જોઇએ,  મને  ન ઝવેરાત જોઇએ,
ના  જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે  તો દોસ્ત તારી મુલાકાત  જોઇએ.

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં  જામ,  આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. 

( એક મુશાયરામાં પ્રવેશ વખતે બહુ જ દાદ મેળવેલ મુક્તક )

*

ઉલ્લાસની   ઉમંગની  અથવા  વિષાદની,
ફરિયાદની   હો  વાત, કે હો વાત યાદની;
થાતી  નથી  મુરખને કોઇ વાતની  અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

અમૃત ઘાયલ

Comments

રણમાં બાવળ – અમૃત ‘ઘાયલ’

જીવનનાં જળ
ખૂબ અનર્ગળ

કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ

આગળ પાછળ
આવળ બાવળ

ડગલે પગલે
દ્રષ્ટિના છળ

માથે લટકે
મણ મણની પળ

મેરુઓ પણ
મનન ચંચળ

એના વચનો
ડોકના આંચળ

એક જ ઈશ્વર
એ પણ અટકળ!

‘ઘાયલ’ જીવન
રણમાં બાવળ

– અમૃત ‘ઘાયલ’

મારા મતે ટૂંકી બહેરની ગઝલ લખવી એ ખૂબ અઘરું કામ છે. બે ચાર શબ્દોમાં જ અર્થસ્ફોટ થવો જોઈએ અને કાફિયો પણ સચવાવો જોઈએ. ચંદ જ શબ્દોમાંથી ઘાયલસાહેબ એક જ ઈશ્વર, એ પણ અટકળ! અને કૂંપળ કૂંપળ, કણસે ઝાકળ જેવા સુંદર શેર કોતરી આપે છે. આગળ શેખાદમની એક ટૂંકી બહેરની એક ગઝલ નીર છું રજુ કરેલી એ અહીં સાથે માણવા જેવી છે.

Comments (1)

શાયર છું – ઘાયલ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

– ધાયલ

Comments (12)

શાનદાર જીવ્યો છું – ‘ધાયલ’

ખૂબ     અંદરબહાર     જીવ્યો     છું
ઘૂંટેઘૂંટે      ચિકાર      જીવ્યો      છું

હું  ય  વરસ્યો    છું   ખૂબ  જીવનમાં
હું  ય   બહુ   ધોધમાર   જીવ્યો   છું

બાગ   તો   બાગ,    સૂર્યની    પેઠે-
આગમાં    પુરબહાર    જીવ્યો    છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા     શાનદાર     જીવ્યો    છું

-‘ઘાયલ’

Comments (3)

આશા-નિરાશા – ‘ધાયલ’

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

– ‘ઘાયલ’

Comments (2)

વિરહના ત્રણ શેર

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
-સૈફ પાલનપુરી

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
-ઘાયલ

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે

Comments (2)

વાત -ઘાયલ

વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.

-‘ઘાયલ’

Comments (1)

જીવન – અમૃત ‘ઘાયલ’

જીવન જેવું  જીવું છું,  એવું  કાગળ પર  ઉતારું છું;
ઉતારું   છું,   પછી   થોડું   ઘણું   એને   મઠારું   છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને   તું   જીવે   છે,  હું   જીવીને  વિચારું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (7)