કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કરસનદાસ લુહાર

કરસનદાસ લુહાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૩

ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…

પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…

વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!

યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!

હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-

હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,

મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-

ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.

પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.

બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.

શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…

પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..

રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !

ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના

નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.

ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?

એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:

આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.

લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:

આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.

ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:

ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!

આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.

પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-

ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !

ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.

જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

Comments (12)

પિતૃવિશેષ: ૦૭ : મને જવાબ આપો….- કરસનદાસ લુહાર

ભાગવતના આદિ જળમાં
છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,
ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા
ગૃહસ્થીઓની આંખોમાં જાગતો…
નિદ્રસ્થોને શાપતો,
સવાર-બપોર, સાંજ, રાત…
માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો
અષ્ટંપષ્ટં પ્રલાપતો…
ભારેખમ મોં,
ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ
ખભે જનોઈનું ઝૂંડ
ગળામાં રુદ્રાક્ષની માળા
ચરણમાં શ્યામ પાદુકા
દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ

શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા
–આ બધી નિશાનીઓના

વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક

મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!

– કરસનદાસ લુહાર

નિ: શબ્દ કરી મૂકતી રચના…

કોઈ જ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (9)

ટેકરીને – કરસનદાસ લુહાર

ઊભી થા આળસુની પીર અલી ટેકરી!
.                        ચાલ, હવે ઝાલકોદા’ રમીએ;
પોરો ખાવાને ભલે બેઠો પવન
.                        ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!

ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
.                        નાખ પથ્થ૨ની સાંકળોને તોડી,
ઘાસલ મેદાનોમાં એવું કંઈ દોડ,
.               અરે એવું કૈં દોડ,
.                        સરે લીલાછમ દરિયામાં હોડી!
ઝરણાંના ઘૂઘરાઓ પગમાં બાંધીને
.                        ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
.                                                         – ઊભી થા૦

તું કહે તો વાયુ થઈ ડાળી ૫૨ બેસું
.                        ને મર્મ૨નું જંતર હું છેડું :
ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો
.                        આખો આષાઢ તને રેડું,
સૂરજ ફેંકે છે કૂણાં કિરણોનાં તીર
.                        ચાલ, સામી છાતીથી એને ખમીએ!
.                                                         – ઊભી થા૦

– કરસનદાસ લુહાર

સંવેદન તો દરેક અનુભવે… પણ જનસંવેદનથી મનસંવેદન નોખું તરી આવે ત્યારે કદાચ કવિતા થાય. પ્રકૃતિ તો એના નાનાવિધ સ્વરૂપે આપણા સહુની સન્મુખ સતત આવતી જ રહે છે, પણ જેનું હૈયું સચરાચરના સ્પંદ અનુભવતું હોય એ જ એની સાથે ગુફ્તેગૂ માંડી શકે. અહીં લીલીછમ ટેકરી સાથે કવિ મજાની ગોઠડી માંડે છે. સર્જન થયું એ દિવસથી ટેકરીના નસીબમાં સ્થિરતા સિવાય બીજું કશું લખાયું જ નથી. પણ કવિ એને આળસુની પીર કહીને ઊભા થવાનું આહ્વાન કરે છે. ને આટલું ઓછું હોય એમ પકડદાવની રમત રમવા પણ નિમંત્રે છે. વહેવું જેની નિયતિ છે એવો પવન ભલે થાક ખાવા બેઠો હોય, પણ આપણે તો લહેરખીની જેમ ભમીશું એમ કહીને કવિ ટેકરીને લલચાવે પણ છે. સદીઓથી એક જ સ્થાને બેસી રહેવાનો થાક અને માથે પડેલા પથ્થરો જાણે બાંધી રાખતી સાંકળ ન હોય એમ એને તોડીને ઘાસના મેદાનોમાં ટેકરી દોડતી હોય ત્યારે લીલાછમ દરિયામાં તરતી હોડી જેવી જ ભાસશે ને! પણ ટેકરીને સજીવન થઈ રમતમાં જોડાવાની ઇચ્છા જો હજીય ન થતી હોય તો કવિ બાળકને ચોકલેટથી લલચાવીએ એમ પ્રલોભનો પણ આપે છે. ટેકરીના કહેવા પર કવિ વાયુ થઈ ડાળી પર બેસીને પર્ણોની મર્મરનું જંતર વગાડી એને રાજી કરવા પણ તૈયાર છે અને ટેકરીને વરસાદમાં નહાવાની ઇચ્છા હોય તો આખો અષાઢ એના પર રેડી આપવા પણ તત્પર છે. ટેકરી સાથેની રમત જોઈ ન શકતો સૂરજ તડકાના તીર ફેંકે છે. ચોમાસાની ઋતુમાં આ કિરણો કૂણાં જ હોય એ તો બરાબર પણ ટેકરીની સાથે ભાઈબંધી કરી હોવાથી કવિ ટેકરીની સાથે મળીને આ કિરણોનાં તીર સામી છાતીએ સાથે ઝીલવા માંગે છે એ વાત આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી.

Comments (5)

મારો ઉજાસ થઇને – કરસનદાસ લુહાર

આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,
આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને.

અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?
જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને.

ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,
આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને.

સુંવાળી કામનાઓ લીંપીં દે લોહીમાં તું,
આ જંગલી ફૂલોની આદિમ સુવાસ થઇને.

તારું તમસ લઇને હું ખીણમાં પડ્યો છું,
ને તું શિખર ચડે છે મારો ઉજાસ થઇને.

લોબાન-ધૂપ જેવી પ્રસરી છે લાગણીઓ,
કોઇ ફકીર કેરો લીલો લિબાસ થઇને.

ઘરથી તે ઘર સુઘીના રસ્તાઓ છે વિકટ કે,
ભૂલો પડ્યો હું ઘરમાં ઘરનો પ્રવાસ થઇને.

– કરસનદાસ લુહાર

Comments (2)

હું – કરસનદાસ લુહાર

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !

છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !

કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !

મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !

સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!

ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !

– કરસનદાસ લુહાર

ઘણા વખતે આટલી સરસ રચના જડી !!! પ્રત્યેક શેર જુઓ !!!

Comments (2)

કોણ હતું એ ? – કરસનદાસ લુહાર

તળાવનાં પાણીની ઉપર કોનાં છે આ કોરાં કુમકુમ પગલાં ?
પરવાળાની પાનીવંતું કોણ હતું એ કહો, કાનમાં કાંઠે ઊભાં બગલાં

જળ કરતાં જણ હશે પાતળું, ઝળહળ જળળળ જળ-કેડી આ કોરી ?
તળનાં જળને એમ થયું કે આજ સપાટી ઉપર કોઈ ફૂલ રહ્યું છે દોરી ?

લયબદ્ધ છતાં લજ્જાળું કોણે ભર્યાં હળુળુ હવા સરીખાં ડગલાં ?
પરવાળાંની પાનીવંતું કોણ હતું એ – કહો, કાનમાં કાંઠાનાં હે બગલાં !

– કરસનદાસ લુહાર

ફક્ત એક જ અંતરાવાળું અલ્લડ ગીત… તળાવનાં પાણી પર અંકાતા ચિત્રની વાત પણ કેવી અસરદાર ! સાવ ટચુકડા ગીતમાં સતત સંભળાયા કરતો ‘જ’કાર, ‘ળ’કાર અને ‘હ’કાર ગીતનું જળની ગતિ સાથે કેવું સાયુજ્ય સ્થાપે છે !

Comments (3)

કબર જેવું – કરસનદાસ લુહાર

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

જન્મનું ઝભલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું.

ઘરતણો પાયો જ્યહીં ખોધ્યો હતો,
ત્યાં કબર જેવું ચણાતું જોઉં છું.

ઝંખનાની આ નદીના પૂરમાં,
લાશ જેવું શું તણાતું જોઉં છું.

સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા,
સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું !

– કરસનદાસ લુહાર

દરેક જન્મ એ હકીકતમાં મરણની શરૂઆત જ હોય છે. મૃત્યુને કેન્દ્રસ્થાને રાખી લખાયેલી મુસલસલ ગઝલ… છેલ્લા શેરમાં સ્પર્શ, શ્રવણ અને દૃષ્ટિ આ ત્રણેય ઇન્દ્રિયના વ્યત્યયના કારણે શબ્દાતીત સંવેદન સર્જાય છે…

Comments (6)

આપણી વચ્ચે રહે છે – કરસનદાસ લુહાર

એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.

તેજ જેવા તેજનો પર્યાય પોતે –
થઇ તમસમય આપણી વચ્ચે રહે છે.

ઉષ્ણ શ્વાસોથી ઊભય સંલગ્ન તેથી –
આર્દ્ર વિસ્મય આપણી વચ્ચે રહે છે.

ગીત બેઉ કંઠથી શેં એક ફૂટે ?
કોઇ ક્યાં લય આપણી વચ્ચે રહે છે !

જે વિજયને બાનમાં રાખી ઊભો છે,
એ પરાજય આપણી વચ્ચે રહે છે.

આથમી ચૂકેલ વચ્ચોવચ્ચતાનો,
કોઇ આશય આપણી વચ્ચે રહે છે.

આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે.

– કરસનદાસ લુહાર

જ્યારે બે માણસ સાથે ઊભા રહે તો એમની વચ્ચે એક આખું વિશ્વ રચાતું હોય છે.  પણ જો બેનો સૂર પૂરો ન મળે તો બન્ને વચ્ચે ઘેરો રંગ ઝમતો જાય છે. છેલ્લા બે શેર ખાસ ધારદાર થયા છે :  વચ્ચેનું બધું આથમી જવા છતાંય એક ઈચ્છા તગતગ્યા કરતી હોય છે. ઘણી વાર કશુંક ખૂટતું હોવાનો ભ્રમ અને ભય જ આપણને કોરી ખાતો હોય છે.

Comments (12)

એક ચોમાસું – કરસનદાસ લુહાર

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર !
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !

– કરસનદાસ લુહાર

કાલે એક ચોમાસું ગીત વાંચ્યું, આજે એક ચોમાસું ગઝલ… ટૂંકી બહરની અને ઓછા શેરની આ ગઝલમાં કવિ મનભરીને વરસ્યા છે. બે અંતિમ છેડાની સરખામણીઓમાં વિરહની વેદનાને ધાર મળે છે અને એ ધારને ઓર તીક્ષ્ણ બનાવે છે ચોમાસાંની મૂલભૂત મિલનની ઋતુમાં થતી વાત. અંતિમ શેરમાં અલકાપુરી અને રામાદ્રિની વાતમાં કવિ કાલિદાસના મેઘદૂતને પણ અછડતું સ્પર્શી લે છે…

Comments (4)

એવું એકાદ કોઈ ગામ હોય ! -કરસનદાસ લુહાર

એવું એકાદ કોઈ ગામ હોય…!
.           ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
.             અને નક્શામાં જેનું ના નામ હોય !

સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
.                    સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
.                    હાજરાહજૂર આપોઆપ !
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
.                  સૂરજની ખોજ અવિરામ હોય !
.                    એવું એકાદ કોઈ ગામ હોય !

ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
.              ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
.                  ત્રાટકતું હોય કોઈ હેલીએ !
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
.               જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
.                      એવું એકાદ કોઈ ગામ હોય !

-કરસનદાસ લુહાર

ક્યાંય શું બચ્યું છે આવું એકાદું ગામ હજી? ચીંધી શકાય એવી દિશામાં ન હોય અને નક્શામાં કશો ઉલ્લેખ પણ ન હોય એવી વાત કરીને કવિ કયા ગામની વાત કરી રહ્યા છે? ચર્ચાને અવકાશ આપીએ…?

Comments (7)

એક ટેકરી – કરસનદાસ લુહાર

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

– કરસનદાસ લુહાર

એક ટેકરી પર પડતા પહેલા વરસાદનું કવિએ અદભૂત માદક વર્ણન કર્યું છે. વર્ણન એવુ સુંદર છે કે જાણે કવિ પહેલા પ્રેમનું વર્ણન કરતા હોય એવું લાગે છે … તમે જાતે જ ટેકરીની જગાએ ‘છોકરી’, નાહીની જગાએ ‘ચાહી’ અને જળ/ચોમાસાની જગાએ ‘પ્રેમ’ મૂકીને ગીત વાંચી જુઓ !

Comments (4)

નથી – કરસનદાસ લુહાર

તારી ઊંચાઈ કોઈ દિ’ માપી શક્યો નથી,
ને એટલે હું તુજમહીં વ્યાપી શક્યો નથી;
મારી નજરમાં છે હજુ યે મારી મૂર્તિઓ,
તેથી તને હું ક્યાંય પણ સ્થાપી શક્યો નથી.

– કરસનદાસ લુહાર 

Comments (4)