નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !
ડૉ. મહેશ રાવલ

વીણેલાં મોતી – પુષ્કરરાય જોષી

કાગળની હોડીમાં બેસી-
સાત સમંદર તરવા બેઠો.

જિંદગીની સેજ કાંટાળી હતી,
ફૂલ માફક તોય સંભાળી હતી.

ચાંદ દેખાયો નહીં તો શું થયું!
તારકોએ રાત અજવાળી હતી.

જિંદગી જામથી છલોછલ છે,
પ્યાસ તોયે રહી અધૂરી છે.

રાહમાં તો પથ્થરો આવ્યા કરે,
કિંતુ ઝરણું ક્યાં કદી રોકાય છે!

વાદળાં ટોળે વળે છે સાંજના,
શૂન્યતા ઘેરી વળે છે સાંજના.

વાત સાદી કિંતુ ક્યાં સમજાય છે?
જે થવાનું તે જ અંતે થાય છે.

કાળ લાગે શબ્દ સામે વામણો,
શોક જ્યારે શ્લોકમાં બદલાય છે.

દોસ્ત! ભરતી-ઓટ શો સંબંધ છે,
રેત પર પગલાં છતાં અકબંધ છે;
આ સમંદર એ નથી બીજું કશું,
આંસુનો તૂટી પડેલો બંધ છે.

– પુષ્કરરાય રેવાશંકર જોષી

લયસ્તરો પર કવિના કાવ્યસંગ્રહ ‘દિવ્યઘોષ’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી કેટલાક શેર અને એક મુક્તક અત્રે પ્રસ્તુત કરીએ છીએ…

4 Comments »

  1. Varij Luhar said,

    March 29, 2025 @ 10:42 AM

    સરસ શેર.. કાવ્ય સંગ્રહનું સ્વાગત

  2. Shailesh Gadhavi said,

    March 29, 2025 @ 12:51 PM

    બહુ સરસ સંકલન, સંગ્રહનું સહૃદય સ્વાગત

  3. Ramesh Maru said,

    March 29, 2025 @ 2:11 PM

    વાહ…સરસ સંકલન.
    સ્વાગત છે કવિનું.

  4. Jayesh Bhatt said,

    March 29, 2025 @ 9:25 PM

    સ્વાગત સહ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment