બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for મકરન્દ દવે
મકરન્દ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 15, 2024 at 10:52 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
ચાલ તારી ચાલજે તું,
ચાલ તારી ચાલજે તું
ચાલ તારી—
કેટલું માએ કહ્યું’તું? હાય, સારી
વાત કાં ભૂલી ગયો? આજે સવારે
જયાં નદીમાંથી જરા કરવા ચડી આવ્યો કિનારે
દૂર સસલું કૂદતું, જોઈ જરા
ઠેકવાનું મન થયુ, ઠેકી લીધું થોડું, ત્વરા
આવી ગઈ પગમાં, જરા ઊંચે નિહાળી
જોઉં તો બગલું ઊડે! કેવુ ઊડે! જાગી સફાળી
પાંખ મારે અંગ ત્યાં તો મા તણી
આવી શિખામણ યાદ, મારાં ઘર ભણી
પગલાં પડે ત્યાં પાંખ ફૂટે
પાંખ ફૂટે ત્યાં વળી પગમાં પડેલ કમાન છૂટે.
આ બપેાર થવા આવ્યો અને
કૂદકો મારું, પડું ઊંધો, તરફડું, ચીસ નાખું, રેતમાં સળગું
શેને હવે વળગું?
કોઈ આવી ઊંચકી લો; ઊંચકો કોઈ મને!
– મકરન્દ દવે
બાળકાવ્ય ગણી શકાય એવા સરળ નાનકડા કાવ્યમાં સંદેશો તો સ્ફટિક-સ્પષ્ટ જ છે, પણ રજૂઆતની શૈલી વધુ હૃદયંગમ થઈ છે. પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતમાં છાંદસ કવિતા છે. કવિએ ખંડ હરિગીત (ગાલગાગા ગાલગાગા) પ્રયોજ્યો છે. ગઝલપ્રેમીઓ રમલ છંદ મુજબ પણ એનું પઠન કરી શકે. મોટેથી લયબદ્ધ પઠન કરશો તો વધુ મજા આવશે.
Permalink
December 17, 2023 at 8:57 AM by વિવેક · Filed under અકબરઅલી જસદણવાલા, અનિલ ચાવડા, અમૃત ઘાયલ, કાગ, દુલા ભાયા, દુલા ભાયા કાગ, પ્રેરણાપુંજ, ભાવેશ ભટ્ટ, મકરન્દ દવે, મુક્તક, મોટા પૂજ્ય, રિષભ મહેતા, શેર, સંકલન, સંદીપ ભાટિયા, હર્ષ બ્રહ્મભટ્ટ
રવીન્દ્ર પારેખ લખે છે-
‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’
આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.
– ને એમ હું લખતો થયો…
ભાવિન ગોપાણી લખે છે –
“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ
માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.
આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ
કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે
મેહુલ જયાણી લખે છે –
થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.
આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)
આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.
મયુર કોલડિયા લખે છે –
કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.
વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..
મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?
પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)
પરબતકુમાર નાયી લખે છે-
મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)
ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.
હરીશ જસદણવાલા લખે છે-
“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)
લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.
ક્રિષ્ણા હિતેન આશર લખે છે-
કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ
બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-
તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.
વિભા કિકાણી લખે છે –
આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.
કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.
જ્યોતિ ત્રિવેદી લખે છે-
એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)
તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.
વિપુલ જોશી લખે છે –
જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)
મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.
શ્રીદેવી શાહ લખે છે-
પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.
પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..
Permalink
December 15, 2023 at 10:43 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ઉમાશંકર જોશી, કપિલરાય ઠક્કર 'મજનૂ', કાવ્યકણિકા, દિલહર સંઘવી, પ્રેરણાપુંજ, મકરન્દ દવે, મરીઝ, મુક્તક, વેણીભાઈ પુરોહિત, શૂન્ય પાલનપુરી, શેખાદમ આબુવાલા, શેર, સુન્દરમ
પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…
ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)
આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.
*
અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે
કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્
નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત
હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા
મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી
કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી
ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી
જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ
જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’
ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’
મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી
Permalink
December 11, 2023 at 9:13 AM by વિવેક · Filed under ગીત, પ્રેરણાપુંજ, મકરન્દ દવે
કોણે કીધું ગરીબ છીએ?
કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું?
એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ?
સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત!
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!
– મકરંદ દવે
મારા માટે ‘‘પ્રેરણાપુંજ- રાહ ચીંધતી કવિતાઓ” કઈ એમ કોઈ સવાલ કરે તો મારા કેટલાક જવાબોમાંનો એક તે આ કવિતા. બહુ નાનો હતો ત્યારે અભ્યાસક્રમમાં આ રચના સાથે મુલાકાત થઈ હતી. જે સમયે જીવન કે કવિતા –બંનેમાં બહુ ઊંડી સમજ નહોતી પડતી એ સમયે પણ આ કવિતા ખૂબ વહાલી થઈ ગઈ હતી. એટલા સરળ શબ્દોમાં અને નાના-નાનાં વાક્યોમાં ચુસ્ત પ્રાસાવલિ સાથે કવિતા રચાઈ છે કે સહેજેય પ્રયત્ન કર્યા વિના જ આખી રચના કંઠસ્થ થઈ ગઈ હતી. આજેય ચાર બંધ તો કોઈ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને બોલવા કહે તોય કડકડાટ બોલી શકું. બાળકાવ્યમાં હોવી ઘટે એવી સરળતા સાથે આવું અદભુત ગીત રચવું એ કંઈ નાનુસૂનું કવિકર્મ નથી.
આ કવિતા મને રાહ ચીંધતી કવિતા લાગે છે એનું બીજું કારણ એ કે આ કવિતા સાચા અર્થમાં જીવતો એક માણસ મારી જિંદગીમાં હતો. જિંદગીનો બહુ મોટો હિસ્સો મેં એ માણસની સાથે વિતાવ્યો છે. એ માણસ તે મારા પપ્પા. ‘પૈસો હાથનો મેલ’ હોવાની વિભાવના એમણે ખરેખર ચરિતાર્થ કરી બતાવી હતી. પોતે લાખ તકલીફોમાં કેમ ન હોય, પણ મદદ માંગવા આવનાર કદી ખાલી હાથે ન જાય એનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એમની આ દાતારવૃત્તિનો ઘરમાં પુષ્કળ વિરોધ થતો હોવા છતાં એમણે આ સખાવતને કદી તાળું માર્યું નહોતું. આ મદદ કેવળ પૈસાની જ નહીં, તમામ પ્રકારની. આજે તો પપ્પા નથી, પણ મને ખુશી છે કે એમની કનેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું મેળવી શક્યો છું. એમની જેમ હું દરેકને મદદ કરતો ફરતો નથી, પણ પૈસાની બાબતમાં હાયવોય ન કરવાનું હું એમની પાસેથી શીખ્યો છું. ધન બાબતે એમની પાસેથી વારસામાં મળેલી સંતોષવૃત્તિના કારણે રાત મારે પડખાં બદલીને પસાર કરવી નથી પડતી. આ કવિતા મારા માટે પ્રેરણાપુંજ છે, કારણ આ કવિતા મને મારા પપ્પા સાથે મુલાકાત કરાવે છે.
Permalink
December 6, 2023 at 7:30 AM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ખલીલ ધનતેજવી, પ્રેરણાપુંજ, મકરન્દ દવે, મનહરલાલ ચોકસી, મુક્તક, રઈશ મનીયાર, શૂન્ય પાલનપુરી, શેખાદમ આબુવાલા
કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.
અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા
* * *
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
-શેખાદમ આબુવાલા
* * *
ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
– શેખાદમ આબુવાલા
* * *
પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.
– રઈશ મનીયાર
* * *
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
– ખલીલ ધનતેજવી
* * *
જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં
– મેહુલ
* * *
જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું
– મનહરલાલ ચોક્સી
* * *
જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી
– મકરંદ દવે
* * *
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
– અમૃત ‘ઘાયલ’
* * *
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ
– ‘શૂન્ય’ પાલનપુરી
Permalink
September 6, 2023 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
જૂનો રે ડગલો જુદો નવ પડે
નવો મારે ચડે નહીં અંગ,
ઉપરણાં વણે તું નવ નવ તેજનાં
મને અહીં વાસી વળગે રંગ;
કિરણો વરસે ને કાળપ ઝગમગે.
આભમાં જોઉં તો ઠપકો આપતો
સૂરજ તપી તપી જાય,
નીચે જોઉં તો તરણું નાચતું
ભાઈ, એનું હસવું નો માય;
અમે રે માણસ, મારગ ક્યાં મળે ?
પળે પળે ઊડવાની પાંખ નંઈ,
નંઈ કોઈ મૂળનાં મુકામ,
ઊભું રે અધવાટે અંધું પૂતળું
ખેલ એનો ફૂંકમાં તમામ;
અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે.
– મકરંદ દવે
જન્મોજન્મના સંસ્કાર એટલે જૂનો ડગલો – એ નાબૂદ થતાં નથી…અને એ જ બોજો મને નવી વાત સમજવા દેતો નથી…. તારી ક્રુપાના કિરણો પામવાની મારી પાત્રતા નથી – એ કિરણોથી તો મને કાળાશ જ નસીબ છે…
“અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે…..” – બસ માણસનું જાણે આ જ પ્રારબ્ધ !
Permalink
May 20, 2022 at 11:12 AM by વિવેક · Filed under અજ્ઞાત, મકરન્દ દવે, શ્લોક
(શાર્દૂલવિક્રીડિત)
‘ના જાઓ!’ વચનો અમંગળ, ન હેતાળ ‘લ્યો, આવજો!’
રોક્યે મોટપ, ને ‘ગમે ત્યમ કરો!’ એમાં ઉદાસીનતા;
‘જો જો હો! નહિ જીવશું તમ વિના’ — એ તો બને ના બને
તેથી કૃષ્ણ, ખરાં વિદાયવચનો જાતાં મને શીખવો.
-અજ્ઞાત
(સંસ્કૃતમાંથી અનુવાદ : મકરંદ દવે)
ચાર પંક્તિનું નાનકડું મુક્તક અને એમાંય સૉનેટમાં જેમ આખરી પંક્તિમાં આવીને ચોટ લાગે એમ છેક છેલ્લી પંક્તિમાં જઈને ખબર પડે કે ગોકુળ છોડીને જતા કૃષ્ણ સાથેનો રાધાનો આ એકતરફી સંવાદ છે. કૃષ્ણ પોતાને છોડીને જઈ રહ્યા છે અને એને કઈ રીતે રોકવા એ રાધાને સમજ નથી પડતી. કોઈને ના જાઓ એમ કહેવું એ તો અમંગળ ન ગણાય? લ્યો, આવજો કહીએ એમાં પ્રેમનો અભાવ વર્તાય છે. રોકી દઈએ તો એમાં જનારની સામે પોતાની મોટાઈ દેખાઈ આવે, અને કૃષ્ણથી મોટા દેખાવું એ તો કેવળ અહંકારનો આવિર્ભાવ નહીં?! તમને જેમ ઠીક લાગે એમ કરો એવું કહીએ તો એમાં સામા તરફની પોતાની ઉદાસીનતા છલકાતી અનુભવાય. કશું ન સૂઝે અને જો જો, અમે તમારા વગર જીવી નહીં શકીએ એમ કહી દઈએ પણ સામાના ચાલ્યા ગયા બાદ જીવી ગયા તો એ વચન ખોટું ન પડે? તો કરવું શું? ખરી કવિતા તો છેલ્લી પંક્તિમાં છે, જ્યાં રાધા કૃષ્ણને જ કહે છે, કે તમને શું કહીને રોકી શકાય એ તમે જાતે જ અમને શીખવાડો… યે બાત! સદીઓ જૂના કોઈક સંસ્કૃત શ્લોકનો સિદ્ધ કવિ મકરંદ દવે એ કરેલ આ અનુવાદ છે…
લયસ્તરોના સૌથી નિયમિત વાચક પ્રજ્ઞાજુએ મૂળ સંસ્કૃત શ્લોક શોધી આપ્યો છે, જે આભાર સહ અહીં પૉસ્ટ કરું છું:
मा गच्छ!’ वचनाः अशुभाः, न उपक्रमिताः आगच्छ!’ इति।
रोक्ये मोताप, ’यथेच्छसि तथा कुरु॑ इति उदासीनता;
‘यदि एव ! नहि जीवशु तं विना ‘-तत् शक्य न शक्य
अतः श्री कृष्ण, मे सत्य विदाई शिक्षित ।।
Permalink
July 21, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
મુસીબતોની શું વાત કરવી ! મુસીબતો સૌ મતા બની છે,
અમારે તમરાં થકી જ ઘરની ભરીભરી શૂન્યતા બની છે.
તમારી સૂરત રમી રહી’તી નજર નમી તો નજરની સામે,
નજર ઉઠાવી તો એક પળમાં ન જાણે ક્યાં બેપતા બની છે !
હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,
ફળે ન તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.
કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મો-સિતમની વાતો ?
મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.
અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,
તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.
સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશી-ટીશીએ ટશિયા,
ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશા-લતા બની છે !
કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,
હવે ભિખારણ થઈને ભમતાં બની-ઠની સૂરતા બની છે. [ સૂરતા = દેવત્વ ]
– મકરંદ દવે
ઘેરી વેદના છે ભલે મૃદુ શબ્દો વપરાયા છે. કવિ સિદ્ધહસ્ત છે…શબ્દોના જાદુગર છે,ભાષાના સ્વામી છે. ” અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી, તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે. ” – આ શેરમાં રહેલી વેદના જુઓ ! મત્લો પણ અદભૂત….
Permalink
January 5, 2021 at 2:45 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
દુઃખ માટે એકબીજાને અમે આશ્વાસનો દેતા રહ્યા,
ને દુ:ખના દરિયા અમારા શ્વાસ રૂંધી નાખતા વહેતા રહ્યા,
ઉપર, જરા ઉપર, જરા માથું બહાર ભલે ટકે,
પણ દુઃખ જેવા દુઃખને કોઈ ભલા, ભૂંસી શકે ?
હાય, માનવ જિન્દગી પીડા તણા આ પારણે મોટી થતી
પીડા બનીને એક આખી વાટ પથરાઈ જતી;
ને તે છતાં, ને તે છતાં, ને તે છતાં-
પીડા તણા કાચા મસાલાથી જ નૌતમ પામતાં
જે ઘાટ, એવાં મુખ મનોહર કેટલાં નજરે તરે !
આનંદની લહેરી ઉપર લહેરી જ જ્યાં ખેલ્યા કરે.
આશ્વાસનો ! પોલાં, નકામાં, સાવ જૂઠાં,
સત્યથી જે વેગળાં, વિકૃત, વિખૂટાં
આજ છોડો, જીવ મારા, ક્યાંય સુખની શોધમાં
ના, આપણે ફરવું નથી, પણ રાતની સૂમસામ કાળી ગોદમાં
જેમ આ સૃષ્ટિ સમાતી, એમ દુઃખના અંકમાં જઈ પોઢીએ,
કોણ જાણે છે, કદાચ જગાડશે પીડા નવીન પરોઢિયે.
– મકરન્દ દવે
જિબ્રાન યાદ આવી જાય – ‘ some wounds heal with time, some wounds flare with time ‘
જો કે અહીં વાત અલગ છે – પીડાની સ્વીકૃતિની વાત છે, આશ્વાસનોની વ્યર્થતાની વાત છે. સાંઈકવિ સામાન્ય રીતે આકરા શબ્દો નથી પ્રયોજતા, પણ આ કાવ્યમાં તેઓનો પુણ્યપ્રકોપ ફાટ્યો છે…..તદ્દન વાસ્તવવાદી દર્શન…..
Permalink
July 20, 2020 at 4:03 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.
ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.
કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.
આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.
– મકરંદ દવે
જાણે રાધા અને મીરાંના મનની વાત…….
Permalink
March 24, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.
– મકરન્દ દવે
આ કવિવર માટે મને હંમેશા આદરભાર્યો પક્ષપાત રહ્યો છે. તેઓનું ગાન આત્માનું ગાન અનુભવાય છે સદાય. એક નખશીખ સચ્ચાઈનો રણકાર તેઓની કલમને સહજ છે. વાત પરંપરાગત હોય કે સાવ બંડખોરીની હોય, તેઓની વાણી પોતાની નઝાકતભરી બળકટતા ત્યજતી નથી.
Permalink
January 29, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, રોબર્ટ બ્રાઉનિંગ, વિશ્વ-કવિતા
Grow old along with me!
The best is yet to be,
The last of life,
for which the first was made,
Our times are in his hand
Who saith, “A whole I planned,
Youth shows but half;
trust God: see all, nor be afraid !”
– Robert Browning
વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.
આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિ પર રાખ તું વિશ્વાસ
સઘળું તે જ માંહી તપાસ
ભય ના રાખ તું તલભાર”
– રોબર્ટ બ્રાઉનીંગ [ અનુ. મકરંદ દવે ]
મૂળ કાવ્ય કદાચ વધુ આકર્ષક છે. વાત સરળ છે……આગે આગે ગોરખ જાગે….
Permalink
November 20, 2017 at 9:08 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.
બોરમાં તે શું ? બોલતા જ્ઞાની,
આંખો મીંચી બેસતા ધ્યાની,
તોરીલા પણ કોઈ તોફાની
ડાળને વાળી, ડંખને ગાળી
ઝુકાવે ઝકઝોર.
પીળચટાં ને તૂરમતૂરાં,
કોઈ ચાખી લે ખટમધુરાં,
લાલ ટબા તો પારેખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
ચખણી ચારેકોર.
જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
અહીં અમારે ધરતી લાલી
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ખેલતાં આઠે પ્હોર.
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.
– મકરંદ દવે
ક્ષણોમાં જીવવાની વાત કેવી ખૂબીથી આલેખાઈ છે !!! મૂઠીમાં દરિયાની રેતીને જેટલા વધુ જોરથી ભીંસીને પકડવા જઈશું તેટલી જ ત્વરાથી એ સરકી જશે….
Permalink
November 7, 2017 at 1:10 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. [ ગેહ = સ્થાન,થાનક ]
ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.
ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.
સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.
– મકરંદ દવે
સાંઈકવિની લાક્ષણિક રચના… હું તો પ્રથમ પંક્તિથી જ ઘાયલ થઇ ગયો……
Permalink
November 7, 2016 at 8:57 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો
ભાઈ,મારા ઘરની દીવાલ સહુ તૂટે.
ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ,
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા અંતરની અંધારી ખીણ;
ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ,મારા પડછાયા પંડના છૂટે.
અધખૂલી આંખમાં ઊગે સવાર
વળી,નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ
રૂપને વિરૂપમાં વિખેરે;
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે
ભાઈ,મારાં સૂતાં કમળદળ ફૂટે.
– મકરંદ દવે
આ કાવ્ય વિષે કવિએ કહ્યું છે કે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગી તેનું આ વર્ણન છે. મને આ વાતની ખબર નો’તી. મને તો કાવ્ય ગમ્યું અને એવો અર્થ સમજાયો કે જાત ને જરા છેટેથી સાક્ષીભાવે નિહાળતા ઘણા રહસ્યો સમજાય છે……
Permalink
October 30, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે, રવીન્દ્રનાથ ઠાકુર
પ્રભુ, નેણાં તમ સું જાગે ;
ભાળું નહીં મુખ રૂપાળું,
બેઠી બેઠી પંથ નિહાળું
એય મુંને મીઠડું લાગે.
ધૂળમાં બેસી બા’રે
ભિખારી હૈયું આ રે
તમારી કરુણા માંગે
કૃપા ન ચાહું, તમને ચાહું,
એય મુંને મીઠડું લાગે.
ભર્યા આ ભવમાં આજે
કંઈ સુખ લાભને કાજે
સરી ગયા સઘળા આગે,
સૂના આ સમે, ગમતા તમે
એય મુંને મીઠડું લાગે.
ચારે કોર અમી-રસાળી
ભોમકા તલસે કાળી,
રડાવી દે અનુરાગે
ક્યાં છો સાથીડા ! પામતી પીડા ;
એય મુંને મીઠડું લાગે.
– રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે
દિપોત્સવી પર્વ એ આ મધુરી સ્નેહભરી સ્તુતિ….. ” કૃપા ન ચાહું, તમને ચાહું…”- પંક્તિ બધું જ કહી દે છે.
Permalink
June 24, 2015 at 1:51 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –
ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –
વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –
કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –
આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –
એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –
એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –
– મકરંદ દવે
તદ્દન અલગ જ તરહની ગઝલ…..કટાક્ષ સૂક્ષ્મ પણ છે અને ડંખહીન પણ છે….
Permalink
April 19, 2015 at 2:47 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
પ્રાણ, તેં ગીત ગાયાં સુધા-સોમનાં,
સ્વપ્ન જોયા કર્યાં નીલઘન વ્યોમનાં,
આજ તું દેખ, ભડકા જરા ભોમના,
આંખમાં જેમને મેઘ માતો નથી
પેટ પણ તો ય ટાઢું ના થાતું-
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
આયખું અંધકારે રડે દુઃખણું,
એ ન મને કદી થાય મોંસૂઝણું,
કિરણ એકાદ પ્રગટાવ તો યે ઘણું,
આપબળનું બતાવી દે એમને
છોગલું ફરકતું રંગ-રાતું –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
વ્યર્થતા આજ વાજું વગાડી રહી,
ફૂલનાં જખ્મ ફોરમ ઉઘાડી રહી,
આજ તો ચાંદની ચીસ પાડી રહી,
લાવ, સૌન્દર્યને સફળ કરવા હવે
ભાગ્યહીણાં તણું કોઈ ભાતું ! –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !
– મકરંદ દવે
કહેવાય છે કે ‘ સત્ય સુંદર હોય છે ‘ – વિનયપૂર્વક અસંમત થાઉં છું……..સત્ય એ સત્ય છે…સુંદરતા-અસુંદરતા-કુરૂપતા પરત્વે તે નિરપેક્ષ છે.
Permalink
April 12, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
– અને ફરીથી અવાજ આવ્યો : બુઝાવી નાખો,
તમે જલાવી તે મીણબત્તી બુઝાવી નાખો !
અમે થથરતા રહ્યા સુણી, શું કરીશું, ભાળી
બહાર બેઠી મનુષ્યભક્ષી સમી તલસતી કરાળ કાળી
અઘોર રાત્રી, જરાક અજવાળું ઝૂંપડીમાં,
બહાર ભૂખી ચકોર વાઘણ તણાં શું ધીમાં
સુણાય પગલાં, અને સુણાતો અવાજ મીઠો :
‘ બુઝાવી નાખો તે મીણબત્તી !’ અહા, અદીઠો
સમર્થ કોઈ પુકાર, ને આ અમે પરસ્પર
વધાવવાને, વખાણવાને અવાજને એ સદાય તત્પર.
અરે, શું ભોળા !
તમે જલાવી તે મીણબત્તી બની છે ઓળા
બધા ભયાનક, ‘ બુઝાવી નાખો !’ અવાજ જાણે
ઊગે છે સૂરજ બનીને પ્રાણે.
સહુ વખાણે
અમે કહેતા : અવાજ આવો સુણી પ્રકાશે
જુઓ, વહાણું નવીન વાશે
પરંતુ બત્તી બુઝાવવાને અહીં ન ચાલે અમારી છાતી,
અવાજની પણ આ મીણબત્તી બને બુઝાતી.
– મકરંદ દવે
[ જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળીને ]
જે. કૃષ્ણમૂર્તિનો મુખ્ય સંદેશ હતો કે – પારકા અજવાળે પથ નહીં મળે……મળશે માત્ર આત્મવંચના. સત્ય ભાળવું હોય તો Be a light unto yourself. તેઓ તમામ પ્રકારના ધર્મ, ધર્મગુરુ, ધર્મપુસ્તકો, પંથ, સંપ્રદાય, આધ્યાત્મિક ગુરુ, અવતાર etc etc – સર્વ પ્રકારની કહેવાતી માર્ગદર્શક authorities ના પ્રખર વિરોધી હતા. આ વાક્યની ગંભીરતા સમજો – તેઓના કહેવા અનુસાર ભગવદ ગીતા ઈત્યાદીને ફેંકી દો ….. જે તમને પ્રત્યક્ષ સમજાય-અનુભવાય-આત્મસાત થાય તે જ તમારા માટેનું સત્ય. ‘તમારા માટેનું’…….-અર્થાત તે સત્ય અન્યને કોઈ જ ખપનું નહીં. કૃષ્ણનું સત્ય કૃષ્ણને મુબારક, અર્જુનનું અર્જુનને અને ગાંધીજીનું ગાંધીજીને. ગાંધીજીએ અમુક વાતની તરફેણ કરી તેથી જો તમે એમ કરવા પ્રેરાયા છો તો તે નરી મૂર્ખતા…… જ્યાં સુધી જે સ્પષ્ટતા અને નિ:શંકતાથી તમે એ સમજો છો કે શ્વાસ લેવો અનિવાર્ય છે અને શ્વાસ ન લેવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જ સ્પષ્ટતા અને નિ:શંકતાથી પ્રત્યેક સત્યાન્વેષીને જે-તે સત્યનો અંતરના ઊંડાણમાંથી સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ કંઠી બાંધીને ફરવું એ સત્યશોધનના માર્ગ આડેની સૌથી પ્રચંડ અડચણ છે.
જે. કૃષ્ણમૂર્તિ એક જ ઝાટકે આપણી વર્ષોની માન્યતાઓ અને કહેવાતી આસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. ફરીથી લખું છું- વાતની ગંભીરતા અનુભવો……આંખો બંધ કરીને વિચારો….આપણી core ને challenge છે આ. જયારે આપણે સંપૂર્ણપણે તમામ માન્યતાઓ,રૂઢિઓ,ઉછીના વિચારો, ઠાલાં રિવાજો, ભક્તિ-સમર્પણ ઈત્યાદિના ખ્યાલો વગેરે વગેરેને હ્રદયથી નિર્મૂળ કરી દઈશું ત્યારે તો આપણી યાત્રા માત્ર શરૂ થઇ શકશે !!!! આથી મોટી કોઈ ક્રાંતિ હોઈ ન શકે. આ જ કારણે જે. કૃષ્ણમૂર્તિને સાંભળ્યા-વાંચ્યા અસંખ્યએ પરંતુ તેઓની વાત જીવનમાં ઉતારનાર વેઢે ગણાય એટલા હશે…..તેઓ પોતે જ જીવનની સંધ્યાએ બોલ્યા હતા કે – I am nothing but an entertainer for people who come to listen to me.
જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ કવિના મનોભાવ આ કાવ્યમાં આલેખાયા છે – વાત તો તદ્દન સાચી લાગે છે…….પણ……..વહેવારમાં મુકવી તો……. !!! અંતિમ ચરણમાં કવિ કહે છે કે આ અવાજ પોતે પણ એક મીણબત્તી જ નથી શું ?
Permalink
March 30, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
કોઈ અદીઠ ભણી વણથંભ્યા વાયરે
જિન્દગીનો જાય છે તરાપો.
લાખ વાર તરતા રહેવાની તાકાત ભલે
એક વાર ડૂબવાનું સાચું.
મોજાંની સોડ મારી ક્યાં રે ન જાણું
હું તો મોજાંએ મોજાંએ નાચું;
દરિયો તો બદલે મિજાજ એમાં બદલાતો
ખારવાનો ખોટો બળાપો.
આઘી આઘી કળાય આથમણી કોર એને
પાસે ને પાસે પિછાણી,
પાણી પર ઝલમલતાં કિરણો, ને કિરણોમાં
ઊંડાપતાળ જોઉં પાણી;
જળની આ ચાદરમાં પોઢું, તો પ્રાણ, મને
આખું આકાશ વણી આપો !
-મકરંદ દવે
સિદ્ધહસ્ત કલમે કેવું રમ્ય ચિત્રણ કર્યું છે !!! શબ્દસૌંદર્ય એવું મનોરમ છે કે અર્થગાંભીર્યને જરાપણ હાવી થવા દેતું નથી……
Permalink
November 2, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !
બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .
ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !
બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,
બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !
– મકરંદ દવે
ભગવાન બુદ્ધની મહાભિનિશ્ક્રમણના થોડા દિ પહેલાંની અવસ્થાની આ વાત હોય તેવું નથી લાગતું ! મીરાંબાઈના શબ્દોમાં – આ હંસલાને હવે મોતી ચણવા નથી…..ઊડવું નથી…..કંઈ ગમતું નથી….બસ એકલા બેસીને ગગનને તાકવું ગમે……
Permalink
December 31, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.
સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!
આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
– મકરંદ દવે
વર્ષના અંતે આ મનોરમ અછાંદસ…….
Permalink
September 23, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.
તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !
– મકરંદ દવે
ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.
Permalink
May 19, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
બારણે બેસી નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર,
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
-મકરંદ દવે
ભક્તિમય પ્રકૃતિ…..પ્રકૃતિમય ભક્તિ
Permalink
April 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે, રિલ્કે, વિશ્વ-કવિતા
બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,
હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?
હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?
નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?
– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે
What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.
Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.
Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.
What will you do, God? I am afraid.
– Rainer Maria Rilke
મૂળ કાવ્યનો છંદમાં કાવ્યાત્મક અનુવાદ કરવા માટે કવિશ્રીએ ઘણી છૂટ લીધી છે ……મૂળ કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ વધુ સ્પષ્ટતાથી સમજાય છે … Bertrand Russel નું ઘણું જાણીતું વિધાન યાદ આવી જાય છે – ‘ God is a sweet,self-deceptive and romantic imagination of mankind. ‘
Permalink
April 7, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મકરન્દ દવે
તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.
આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.
ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .
-મકરંદ દવે
આ કાવ્ય વિષે ટિપ્પણ લખવા જેટલા સશક્ત શબ્દો મારી પાસે છે જ નહીં…….
Permalink
March 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.
ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.
આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.
– મકરન્દ દવે
ટહુકો એ પરમાત્મા રૂપી જ્યોત છે. કવિના હૈયે એક આત્મારૂપી જ્યોત ટમટમે છે. ઊગતો પ્હોર એટલે જન્મ. કવિનું હૈયું એક અજબ અજંપો અનુભવે છે…. એને ખૂબ અસ્પષ્ટ આછો અંદાજ છે કે જ્યોત ભલે બે ભાસતી હોય,પણ અગ્નિ એક જ છે. કવિની ઇન્દ્રિયો કવિને એ વિશ્વાનલનો અનુભવ કરાવવા અસમર્થ છે અને તેને પામવાની એક ધૂન સતત કવિહૈયે ધધકતી રહે છે…. આ શરીરનું પાંજરું તોડી ને આંતર્જ્યોત ઊર્ધ્વિત થશે તો જ વિશ્વાનલમાં લીન થઇ શકશે.
Permalink
February 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મકરન્દ દવે
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને?
વિચારું છું, કદાચ ઓળખીય જાઉં મને.
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.
ગમ્યું છે ખૂબ કહી જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.
સહીશ આંસુ રુદન દોસ્ત બધાં હું તારા
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
ચલો, આ વાત વધારી જવામાં માલ નથી
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
– મકરંદ દવે
સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે બે-ચાર છંદ-દોષ સામે આંખ-આડા કાન કરવા પડે… દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…
Permalink
December 3, 2012 at 8:00 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.
એકાંતે બાજતું જે આતમનું બીન,
એનો કોઈની સંગાથ તાર બાંધે !
લાખ લાખ વાર એ તો તૂટી પડે ને
તું તો તૂટે તૂટે ને ફરી સાંધે !
ઊંડો અંધાર તને મૌનમાં ડૂબાડે ને
અંદર તો નાદનાં નૂર.
બીજાની સાથ તને સંવાદે ગૂંથતો
બંધુ, એ તાર નથી બીજે,
હૈયે હજાર રમે તારો ઝંકાર,
એક પોતાનો રામ જો રીઝે;
મનમાં બેઠેલ તારા માનવીનું એકલું
સાંભળને, મીઠું : ‘ મંજૂર !’
સામે જુએ તો હશે વમળો વિષાદનાં,
સામે તો શંકાની ખાઈ,
અંતરનો સૂર તારો સેતુ બનીને વણે
સામેથી નેહની સગાઈ ;
આંકડા ભીડીને અહીં આવે આનંદમાં
સૂરના સંબંધ ભરપૂર.
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.
-મકરંદ દવે
સાંઈકવિની એક લાક્ષણિક રચના…. થોડું ધીમે ધીમે બે થી ત્રણ વાર વાંચીને મમળાવવા જેવી રચના…..
Permalink
November 16, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મકરન્દ દવે
કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા !
કોક દિન ઇદ અને કોક દિન રોજા.
માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા,
કોક દિન ઇદ અને કોક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમો ઇદ અને આવો તમે રોજા.
– મકરન્દ દવે
આ કવિતાની ધ્રુવપંક્તિ તો આજે કહેવતકક્ષાએ બિરાજમાન છે. દુનિયાની પરવા રાખીએ તો દુનિયા જીવવા નહીં દે અને રુદિયામાં વસેલા રામને ધ્યાનમાં રાખીને મસ્ત થઈ જીવતા રહીએ તો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનું નથી એવો લાપરવાહીનો ભાવ ધરાવતું આ ગીત એના સ્વરૂપની બાબતમાં પણ એ જ અભિગમ દેખાડે છે. પહેલો અંતરો બે કડીનો, બીજો ચાર, ત્રીજો છ અને આખરી અંતરો આઠ કડીનો.
Permalink
November 12, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ગુલમહોરનાં ઝીણાં ઝીણાં પાન પરે
જે પ્રભાતના મખમલિયાં કિરણો ભરત ભરે,
તે ભરત, કહો તો, આપું.
લહર લહર આ તલાવડીનાં નીર મહીં
લહેરાતાં વૃક્ષોની છાયા જે છાઈ રહી
તે ચંદનભીની આપું.
ચોગમ ચોગમ હરિયાળીની હવા શ્વાસમાં ઊભરાતી
ને ખુલ્લા આભતણા આરે આ નૌકા નયનોની તરતી,
લો,આજ ખરેખર લાગે છે કે સુંદર સુંદર છે ધરતી,
ને જન્મતણું વરદાન સહજરૂપે ઝીલી
આ ખુશ્બો જે ખીલી ખીલી,
તે ખોબે ખોબે આપું.
હા, ભીંસી દેતી ચોગરદમ દીવાલો દીવાલો ભેદી
આ મનનો આજ ફરીને મેદાનમાં આવ્યો છે કેદી,
આ બંધન રૂંધન ક્રંદન સહુ બસ મૂળ મહીંથી ઉચ્છેદી
લો, ફરી જેલના બંધ ભયાનક દરવાજે
આવીને ઊભો છે આજે
ને કહે, કહો , સહુ આપું ?
-મકરંદ દવે
અત્યંત રમણીય કાવ્ય…..અસ્તિત્વનો અદભૂત ઉત્સવ….
Permalink
October 15, 2012 at 1:50 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
ધાર્યું થતું નથી તો ભલે ,કાંઈ ગમ નથી,
એની ખુશી ગણું છું, કમાણી એ કમ નથી.
જલતી રહી હમેશ, ઠરી ક્યાંય ના નજર,
હું કેમ કહું તારી હમેશાં રહમ નથી ?
પરદા અનેકમાં શું રહી રૂપની ઝલક !
પામી જો શકે પ્રેમ તો ભારે ભરમ નથી.
આજે નહીં તો કાલ એ બની જશે ગુલાબ,
ખૂશ્બુ વિનાનો ખાલી જરા જો જખમ નથી.
આંખો તો આઠો જામ આ પીતી ધરાય ના,
ધીમેથી કહો છો કે શરાબી, શરમ નથી ?
સોનાકણી બને છે કેમ ધૂળ વાટની ?
એને ઈશારે જાઉં છું, બીજો ઇલમ નથી.
એકાદ ઘડી કાનમાં તેં ગુફ્તગો કરી,
આવે છો હવે મોત, ગુમાવ્યો જનમ નથી.
– મકરંદ દવે
Permalink
August 27, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.
હું તો નાનું હિમકણ, હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય !
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.
હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ, શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.
મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખું, મારામાં તું જ ઊમટે.
– મકરંદ દવે
તથાગતને કોઈક વિરોધીએ ભિક્ષામાં એક કેરીનો ગોટલો આપ્યો.સમસ્ત શિષ્યગણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા શિષ્યો આઘાત પણ પામ્યા… પરંતુ તથાગત પ્રસન્નચિત્તે ભિક્ષા સ્વીકારી આશીર્વચન કહી પાછા વળ્યા. સ્થાનકે જઈ તે ગોટલો શિષ્યોને વારાફરતી આપ્યો. કોઈ કશું જ બોલતું ન હતું. શિષ્યો કંઈ જ સમજી ન શક્યા. છેવટે ભગવાનના પ્રથમ શિષ્યગણમાંના એક એવા સરીપુત્તના હાથમાં તે ગોટલો આવ્યો. તેઓ તેને એક ચિત્તે જોઈ રહ્યા અને તેઓના ચહેરા પર પ્રસન્ન સ્મિત આવી ગયું. તથાગત પ્રસન્ન થઈ વિરામ કરવા સિધાવ્યા. શિષ્યો સરીપુત્તને ઘેરી વળ્યા અને આ રહસ્યમય મૌનસંવાદનું રહસ્ય પૂછ્યું….સરીપુત્તે કહ્યું – ‘ આ ગોટલામાં આખો આંબો છે….આ દાન આપનાર કેટલો ઉદાર અને મહાન હશે ! ‘
Permalink
August 19, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
કાંઈ ખોયું નથી :
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
પાત્ર જોયું નથી.
વાસનાની જ બધી તારી વેદના ,
ભય બતાવે તને ભૂત સૌ ભેદનાં,
તેં જ મનની હજી કાચ-બારી તણું
દ્વાર ધોયું નથી,
કાંઈ ખોયું નથી.
પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં
બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી.
સૃષ્ટિ તો બેય હાથે લૂંટાવી જતી,
તેથી તો છાબ એની ન ખાલી થતી,
એ જ હારી જતું હૈયું જેણે બધે
હેત ટોયું નથી,
કાંઈ ખોયું નથી.
-મકરંદ દવે
અહંભાવ ઓગાળ્યા વિના – અનંતના અણુ હોવાની અનુભૂતિ વિના આત્મજ્ઞાન શક્ય નથી.
Permalink
July 8, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ,
અને જિન્દગી તો સૂરજનું બિંબ.
આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હાસ નો કિનારો,
ઊંચા અવિનાશને ઘાટે ગમે છે મને
દુનિયાનો ડૂબતો ઉતારો ;
જિન્દગી તો જંગલમાં કુન્તાનું હેત
અને જિન્દગી તો હિંસક હિડિંબ.
કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
ઊગે કમલ શુચિ અંગે ,
ઘેરા તમસની વેદના તો તેજના
ઊછળે તરંગે તરંગે ;
જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
ને શીળી મહેકભર્યો નિંબ
જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિન્દગી તો સૂરજનું બિંબ.
[ નિંબ = લીમડો; લીંબડાનું ઝાડ.]
-મકરંદ દવે
કસાયેલી કલમ અને ચિંતન-સમૃદ્ધ ચિત્તમાંથી જ આવો ઝંકાર નીકળી શકે…
Permalink
June 17, 2012 at 7:42 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ !
આજ વાસી દઉં
મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ !
આજ બ્હારે જઉં.
જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે
તારી જ્યોતિસભા
જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે
તારી સ્મિત પ્રભા.
મારા બારણિયાં બ્હાર ત્યારે બેસી પ્રભુ !
મૂક વંદી રહું
એક ખૂણે અનંતને પ્રવેશી પ્રભુ !
ધનભાગી થઉં.
મારી નાનકડી બારી વચાળે સદા
તને જોવા મથ્યો
મારે દીવાને ઝાંખે અજવાળે વૃથા
તને ખોવા રહ્યો.
હવે એવી તે ભૂલ કદી ના રે કરું
નાથ, વસી બારી
તારી જ્યોતિ અનંતમાં હું જાતે સરું
મારો દીવો ઠારી.
-મકરંદ દવે
ઇન્દ્રિયોરૂપી બારી અને mind – મનરૂપી દીવડો….. આ બે ને અતિક્રમીને વિશ્વચેતનામાં ભળી જવાની ભાવના અહીં નાજુકાઈથી વ્યક્ત થઈ છે…..
Permalink
May 27, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
કોનો ગણવો વાંક ?
પોતપોતાનો મારગ જ્યારે
લેતો આજ વળાંક.
આજ આ છેડે નીરખી રહીશ
મૂરતિ તવ મધુર,
કોઈ ઝીણેરા તારલા જેવી
સરતી દૂર-સુદૂર;
શૂન્યમાં સૌ સરતાં ભલે
ભણતો જઈશ આંક-
કોનો ગણવો વાંક ?
વળતી નજર વીણતી જશે
કોઈ વિલાયાં ફૂલ,
ખીલતાંને હું ખોજવા કેરી
કરીશ નહીં ભૂલ;
પૂરતી મારે પાંખડી સૂકી
રહી સહી જે રાંક-
કોનો ગણવો વાંક ?
અચ્છા, તારે મારગ હસો
નિત વસંતની લીલા,
પગ ચીરીને ચાહશે મને
પેલા ખડક ખીલા;
મુખ બનીને મ્હોરશે ત્યારે
કાળજે એવું કાંક !-
કોનો ગણવો વાંક ?
– મકરંદ દવે
……અંતે તો એકલા જ ચાલવાનું છે……..
Permalink
April 30, 2012 at 3:53 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
એક એવી ઘટનાને કાજે
જિન્દગી આખી ઝૂરતા રહેવાનું
મૌનનો રાખી મલાજો.
જુગજુગનો એક એવો વાયદો
જેને લાગુ પડે ન કોઈ કાયદો
દુનિયાની નજરે તો કાંઈ નહીં ફાયદો,
એમ છતાં દુનિયાને એક એ જ ચાહે
ને દુનિયાને હેતથી નવાજે.
આંખે ઉજાગરા ને ઊંઘવું પોસાય નહીં
સૂકી આ જિન્દગીમાં કરુણા શોષાય નહીં
એના વિશે વળી કાંઈ કહેવાય નહીં,
ક્યારે આવીને ઊભા રહેશે
ને દેશે ટકોરો દરવાજે.
સૂરજ ઊગે ને વળી સૂરજ તો આથમે
એક એવી ધગધગતી ધૂણી કે ના શમે
એક લાગી લગની,બીજે તે ક્યાં ગમે ?
જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,
અત્યારે, આજે ને આજે.
-મકરંદ દવે
કવિશ્રીને કોઈએ પૂછતાં તેઓએ જણાવેલું કે આ કાવ્ય તેઓએ આમ તો શબરીના અનુસંધાનમાં લખ્યું છે, પરંતુ તેઓની પોતાની આંતરસ્થિતિ પણ કંઈક આવી જ રહે છે……
Permalink
March 19, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે,
આ તેજની સવારી કોને કારણે ?
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર,
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂરચૂર;
એવી ગૂંથેલ અહી સાચની સગાઇ
એક તારાથી પંખીને પારણે,
આ તેજની સવારી કોને કારણે ?
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી;
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે,
આ તેજની સવારી કોને કારણે ?
-મકરંદ દવે
એક ઉત્તમ ઊર્મિકાવ્ય ……
Permalink
January 29, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
નથી કોઈ મુલ્કોનો વતની રહ્યો હું
ભટકતો રહ્યો છું આ દુનિયામાં રાહી,
બન્યો બાદશાહોને મન બદગુમાની,
તુરંગોમાં નાખ્યો તો લાગ્યો તબાહી.
મને ક્યાંક રખડુની ટોળી મળી તો
થયું, ભાઈબંધી જિગરજાન ભેટી,
ખભે હાથ મૂકી અમે સાથ ચાલ્યા,
કદમ લડ્ખડ્યા તો ગયું કોઈ સાહી.
અહીં પંડિતાઈનું મડદું છે નક્કી,
નહીં તો દલીલોની બદબૂ ન આવે,
જરા લાવ પ્યાલી ભરી જિન્દગીની,
જરા ખોલ ધીમેથી ઢળતી સુરાહી.
તમે કેટલાં નામ ગોખી શકો છો ?
લો, ગોલોક, વૈકુંઠ, કૈલાસ, કેવલ,
અમે તો ગમે તેમ ધૂળે રમી આ
ધરાને ધરાહાર ચાહી ને ચાહી.
મને મોતનો ડર બતાવી બતાવી,
તમે ખૂબ મનમાની ખડકી સજાઓ,
ખુદના કસમ, માફ કરવા થશે બસ
મને એક તરણાની લીલી ગવાહી.
નખશિખ મસ્તીથી ભરી ગઝલ…..
Permalink
January 1, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.
ઘડીક ઢાંકે, ઘડીક ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.
એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને , તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.
અનિત્યતા અને પરિવર્તનશીલતાની આ વાત છે. કવિતાનું પોત ખૂબ જ બારીકીથી વણાયેલું છે. સુંદર મજાના રૂપકોમાં બ્રહ્મની વાત છે. મકરંદ દવેની આજ ખાસિયત તેઓને એક મૂઠી ઊંચેરું સ્થાન બક્ષે છે…..
Permalink
December 5, 2011 at 12:00 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે, મૃત્યુ વિશેષ
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.
ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.
સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
મારા પ્રિય કવિની મારા પ્રિય વિષય ઉપરની ગઝલ ઘણા વખતથી અહી મૂકવાની ઈચ્છા હતી. ગમન ખૂબ ગમવું, સ્મશાને મજાક સૂઝ્વી……આ વાતો કવિનું કદ સૂચવે છે-વધુ લખવું વ્યર્થ છે !
મૃત્યુ એટલે અજ્ઞાતમાં ધકેલાવું.
જો મૃત્યુ પર વિશ્લેષણ કરવા બેસું તો ‘વરસોનાં વરસ લાગે….’ , તેથી વધુ ન લખતાં જે વિચારોએ મારા મ્રત્યુ વિશેના ખ્યાલને ઘડ્યો છે તે વિચારો જ આપની સમક્ષ રજૂ કરી દઉં છું-
‘ You would know the secret of death.
But how shall you find it unless you seek it in the heart of life ?
For life and death are one, even as the river and the sea are one.
For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’
– Kahlil Gibran
‘अव्य्क्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना .’ – ભગવદ ગીતા -અધ્યાય ૨ -શ્લોક ૨૮.
‘ હે અર્જુન ! સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને માર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો આવી સ્થિતિમાં શોક શાનો ? ‘
Permalink
November 13, 2011 at 2:00 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !
કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.
ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.
વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.
હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.
Permalink
August 7, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહીં,
કદાચ મનમાં રમી જાય
તો કહેવાય નહીં.
ઉદાસ,પાંદવિહોણી,બટકણી ડાળ પરે,
દરદી પંખી ધરે પાય, ને ચકરાતું ફરે
તમારી નજરમાં ત્યારે કોણ કોણ શું શું તરે ?
આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહીં,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહીં.
ઉગમણે પંથ હતો સંગ,સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું
પછી મળ્યું, ન મળ્યું, થયું જવાટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહીં,
આ ગીત તમને ફળી જાય
તો કહેવાય નહીં.
કશું કહી ન શકાયું, ન લેખણે દોર્યું,
પરંતુ કાળજે એ ક્યાંક મૌનમાં કોર્યું
શિલાનું ફૂલ ન ખીલ્યું, ખર્યું ન, કે ફોર્યું,
આ ગીત ગુંજ વણી જાય
તો કહેવાય નહીં,
તરી નિકુંજ ભણી જાય
તો કહેવાય નહીં.
શ્રી મકરંદ દવેની એક ખાસિયત છે- શબ્દો પાસેથી ખૂબીપૂર્વક શ્રેષ્ઠ કામ લેવું. ભાગ્યે જ કોઈ શબ્દ જરૂરિયાત વગર છંદ સાચવવા વપરાયો હોય તેમ લાગે. ક્ષ્રરદેહધારી માનવીને (દરદી પંખી) અસ્તિત્વ (બટકણી ડાળ) આકરું લાગે, વિયોગના ભણકારા વાગવા લાગે, અનઅભિવ્યક્ત ભાવનાઓનો જયારે છાતીએ ડચૂરો બાઝે – ત્યારે આત્માનું ગીત એ જ એક સહારો છે…..એ જ એક સુહૃદ છે…..એ જ સુરા છે…..એ જ ગેબી સૂર છે…….
Permalink
July 10, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
ફરી ચાલો, જૂના દિવસ તણું જ્યાં ખાંપણ ધરી
હશે સૂતી ગોપા, મુજ મૃત સમું જીવન નર્યું,
અને છેલ્લે જોયો શિશુ, અબળનું નીડ વિખર્યું,
મને લાગે શાને નભ વિહરતાં ભીંસ નકરી ?
મહામુક્તિ,શાંતિજળ મુજ કને, ચોગમ ફરી
ઘણી જ્વાળા ઠરી, ઘણુંક વિષનું અમૃત કર્યું,
ગૃહે સૂતાં તેનું હજુ ન પણ કાં ઘારણ હર્યું ?
ભલે જાગ્યો જાગ્યો સ્થવિર, પણ જાતો શું થથરી?
હવે ચાલો, મારાં ચરણ, ટહુકો કંઠ, હળવે
કહો: ભિક્ષાન્નદેહિ ! સકળ નિજ ત્યાગેલ પ્રિયને
જગાડો આઘાતે ફરી, સ્વજનની નીંદર હરો;
નથી લક્ષ્મી લાવ્યો, નથી સુમુખી, લાવ્યો સુખ હવે,
છતાં આજે બંસી ફરી લગનની, શુભ્ર શયને
તમારા આત્માનો અમર વરણે દીપક ધરો !
[ ખાંપણ = કફન, ઘારણ = ખૂબ ઊંઘ લાવતું ઔષધ , સ્થવિર = સ્થિર ચિત્ત વાળો, નિશ્ચયી ]
કોઈક કારણોસર ગુજરાતી વાચકોમાં સોનેટ કાવ્યપ્રકાર બહુ લોકપ્રિય નથી થઇ શક્યો. છંદબંધન સાચવવા કરાતો કઠિન શબ્દોનો વપરાશ અને વાચનમાં સરળતાનો અભાવ વાચકને કંટાળો લાવી દે છે. પરંતુ મકરંદ દવેના શ્રેષ્ઠ સોનેટમાં ગણના પામતાં ઉપરોક્ત સોનેટની ભૂમિકા જ અતિરમ્ય છે.
ભારતીય સમાજ અંધ Hero Worship ધરાવતો સમાજ છે. અમુક પાત્રો ને કદી પ્રતિપ્રશ્ન કરવામાં ન માનતો સમાજ છે. કદાચ આથી જ યશોધરાના એક પ્રશ્નને પૂરતું મહત્વ નથી મળ્યું. આ સોનેટમાં જે ભૂમિકાની વાત છે,તેના અનુસંધાનમાં તત્પશ્ચાતનું એક દ્રશ્ય ઇતિહાસમાં આલેખાયેલું છે- ભગવાન બુદ્ધ બુદ્ધત્વ પામ્યા બાદ પ્રથમવાર પાછાં જયારે પોતાને મહેલ જાય છે અને યશોધરાને મળે છે ત્યારે યશોધરા એક સોંસરવો પ્રશ્ન પૂછે છે,” ભગવન, જે કાર્ય સિદ્ધ કરવા આપ અમને છોડીને જંગલમાં ચાલ્યા ગયા તે કાર્ય શું અમારી સાથે રહીને ન જ થઇ શકતે ?” ભગવાન ક્યાંય સુધી અનુત્તર અને નતમસ્તક ઊભા રહે છે….અંતે ધીમેથી કહે છે, “જરૂર થઇ શકતે,પરંતુ હું નબળો હતો.”
Permalink
June 19, 2011 at 12:01 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !
કાશ મારામાં એટલું બળ હોતે કે હું આ સંદેશ અનુરૂપ જીવી શકતો હોતે….!
Permalink
February 18, 2011 at 2:10 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.
ઓ દોસ્ત,વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ?
બેઠો છે ક્યાં એ બજવૈયો ? કૈં સૂર નથી,કૈં સાજ નથી.
હા,બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.
હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ,તારે કાજ નથી ?
આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.
આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.
– મકરન્દ દવે
પહેલો શેર જે.કૃષ્ણમૂર્તિના વિખ્યાત વિધાનની યાદ દેવડાવી દે છે- TRUTH IS A PATHLESS LAND. પાંચમો શેર અનુભૂતિના એક નવા જ શિખરને સર કરે છે. છેલ્લા શેરનું વિધાન-‘….જ્યાં લગની છે ત્યાં લાજ નથી.’-એક શકવર્તી વિધાન છે જે મકરંદ દવે જેવા સૂફી જ કરી શકે….અહીં કતિલ શિફાઈનું પદ યાદ આવે છે-‘મોહે આયી ન જગ સે લાજ,મૈં ઈતના જોર સે નાચી આજ,કે ઘૂંઘરૂ તૂટ ગયે….
Permalink
February 11, 2011 at 1:57 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
ચમત્કારોની દુનિયામાં ભરું છું હર કદમ, સાકી !
નિહાળું છું છલકતા જામમાં જનમોજનમ, સાકી !
હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહું
છતાં તારા ભણી લઇ જાય છે મારાં કરમ, સાકી !
નિરાલી હર અદા,હર ચાલ,હર કાનાફૂસી તારી,
તને પહેચાનું પણ રહી જાય છે પાછો ભરમ, સાકી !
કહી દઉં સાફ દુનિયાને બધી વાતો,બધા ભેદો,
કરે છે આંખથી તું ત્યાં મના કેવી મભમ, સાકી !
નથી જેણે હજુ તારાં નયનની ચોટ પણ ઝીલી,
મને સમજાવવા બેઠા અહીં તારાં નિયમ, સાકી !
સિતમ તારો ગણે જે બે ઘડી બેસી નથી શકતા,
સબરને તો નથી કાં ક્યાંય દેખાતો સિતમ, સાકી !
ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેં જામ તોડ્યો કે નથી તોડી રસમ, સાકી !
હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
મને સમજાય છે સમજાય છે તારો મરમ,સાકી !
ભરી મેહફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ,સાકી !
– મકરન્દ દવે
આગવી જ ઊંચાઈને સ્પર્શતી સૂફી ગઝલ ! આ રચના મકરંદ દવેની જ હોઈ શકે ! બીજો શેર મર્મભેદી છે. એમાં કવિએ ખૂબીથી એક ગૂઢ અર્થ છૂપાવ્યો છે – કવિ મયકદાથી શા માટે છૂટવા માંગે છે ? જો કવિ માત્ર મયકદામાં જ સાકીની હાજરી અનુભવી શકશે, અન્યત્ર નહિ, તો નશો અધૂરો કહેવાય. પરંતુ સાકીએ કર્મની-ઋણાનુબંધની- જાળ એવી આબાદ નાખી છે કે કવિના કર્મો જ કવિને છોડતા નથી. સાકી કવિને અળગો પણ નથી થવા દેતો અને એકાકાર પણ નથી થવા દેતો. આ કઠિન પરીક્ષામાંથી કવિ પાર ઉતરશે ત્યારે તે સાકી સાથે એકાકાર થઇ શકશે. અન્ય તમામ શેર પણ છેતરામણા છે-લાગે છે તેટલા સરળ નથી.
Permalink
July 18, 2010 at 1:40 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.
હું તો નાનું હિમકણ,હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય!
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.
હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ,શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.
મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખુ,મારામાં તું જ ઊમટે.
– મકરંદ દવે
અનંત સાગરમાં એક અનંત બિંદુ…..
-ખલીલ જિબ્રાન.
Permalink
March 9, 2010 at 10:17 PM by ધવલ · Filed under ગીત, મકરન્દ દવે
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.
દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.
– મકરન્દ દવે
નારી-ઘડતરની આ નમણી કવિતા મહિલા દિવસે એટલે કે ગઈકાલે મૂકવી’તી. પણ ગઈકાલે હું એક ખાસ મહિલાની સેવામાં હતો એટલે શક્ય ન થયું. તો હવે આજે પોસ્ટ કરું છું 🙂
(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર, હાસ=હાસ્ય, હુલાસ=ઉલ્લાસ)
Permalink