એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !
– નિનાદ અધ્યારુ

આ મોજ ચલી – મકરન્દ દવે

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત,વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ?
બેઠો છે ક્યાં એ બજવૈયો ? કૈં સૂર નથી,કૈં સાજ નથી.

હા,બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ,તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

– મકરન્દ દવે

પહેલો શેર જે.કૃષ્ણમૂર્તિના વિખ્યાત વિધાનની યાદ દેવડાવી દે છે- TRUTH IS A PATHLESS LAND. પાંચમો શેર અનુભૂતિના એક નવા જ શિખરને સર કરે છે. છેલ્લા શેરનું વિધાન-‘….જ્યાં લગની છે ત્યાં લાજ નથી.’-એક શકવર્તી વિધાન છે જે મકરંદ દવે જેવા સૂફી જ કરી શકે….અહીં કતિલ શિફાઈનું પદ યાદ આવે છે-‘મોહે આયી ન જગ સે લાજ,મૈં ઈતના જોર સે નાચી આજ,કે ઘૂંઘરૂ તૂટ ગયે….

13 Comments »

  1. jigar joshi 'prem' said,

    February 18, 2011 @ 4:19 AM

    આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
    એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી
    બાઅદબ સલામ છે….

  2. વિહંગ વ્યાસ said,

    February 18, 2011 @ 5:19 AM

    વાહ ! તીર્થેશભાઇ મારી અત્યંત પ્રિય ગઝલ અહીં જોઇને મકરંદમય થઇ જવાયું. વલસાડ-ધરમપુર રોડ પર આવેલા નંદિગ્રામમાં કવિનાં ઓરડામાં આ ગઝલ મોટા અક્ષરે લખાયેલી છે. મત્કર્મ પરમો ભવ (ને તેમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી). હું સહુ મકરંદ પ્રેમીઓને “મરમ જાણે મકરંદા” અને “મકરંદ સમીપે” વાંચવાનો નમ્ર અનુરોધ કરુ છું.

  3. અનામી said,

    February 18, 2011 @ 6:45 AM

    આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
    એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.

    વાહ……

  4. pragnaju said,

    February 18, 2011 @ 8:07 AM

    મધુરું મધુરુંકાવ્ય
    તેમાં
    હરરોજ હજારો ગફલતમાં
    હું ભૂલી જાઉં તને, પ્રીતમ !
    ને એમ છતાં એવું શું છે
    જે પ્રીતમ, તારે કાજ નથી ?
    વાહ્
    આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
    એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.

    આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
    ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

    ચિંતન કરતા તેનો અણસાર થશે

  5. urvashi parekh said,

    February 18, 2011 @ 8:15 AM

    સરસ,
    એક પંખી ટહુકી ઉથ્યુ તો લાગ્યુ કે તુ નારાઝ નથી,
    ખુબજ સુન્દર.

  6. Girish Parikh said,

    February 18, 2011 @ 1:23 PM

    ‘મકરંદનો આનંદ’ મન ભરીને માણો અને વહેંચો! ‘મકરંદનો આનંદ’ એ નામનું પુસ્તક પ્રગટ થયું છે?
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

  7. dHRUTI MODI said,

    February 18, 2011 @ 4:04 PM

    અદ્ભુત ગઝલ.

    આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
    ઑ દેખ નમાઝી, નેન ભરી,જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

    મીરાબાઈ અને નરસિંહ મહેતાની યાદ તાજી કરવે છે. સંપૂર્ણ ગઝલ અતિસુંદર છે.

  8. sudhir patel said,

    February 18, 2011 @ 9:13 PM

    ગઝલના મિજાજને અદભૂત રીતે વ્યક્ત કરતી ગઝલ!
    સુધીર પટેલ.

  9. Maheshchandra Naik said,

    February 19, 2011 @ 1:04 AM

    કવિશ્રી મકરંદ દવેને લાખ લાખ સલામ,
    આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
    ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યં લાજ નથી
    આ શેરમા ઘણુ ભધુ કહી દીધુ છે………………
    ડો. તીર્થેશભાઈ, આપનો આભાર…….

  10. preetam lakhlani said,

    February 19, 2011 @ 9:53 PM

    કવિશ્રી મકરંદ દવે સાથે બચ્ચપનથી નાતો…. કવિશ્રી મકરંદ દવેની કલમને હરીહર સાઠે નાતો……..સલામ !!!!

  11. P Shah said,

    February 21, 2011 @ 5:35 AM

    કવિશ્રી મકરંદ દવેની એક અદભૂત રચના !
    ફરી ફરી માણવી ગમી.

  12. Gaurang Thaker said,

    February 21, 2011 @ 9:07 AM

    ખૂબ જ ગમતી રચના…વાહ વાહ આ ગઝલની પઠનની મઝા તો કઈ ઓર જ છે…

  13. Shriya said,

    December 11, 2019 @ 1:12 PM

    ખુબજ સુંદર રચના!!
    હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ !
    ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ,તારે કાજ નથી ?

    આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
    એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment