લયસ્તરો પર આજે એક રમતિયાળ ગીત સાથે યુવાકવિ ગોપાલ ધકાણના ગીતસંગ્રહ ‘અજવાળું દીઠ્યું મધરાતે’નું સહૃદય સ્વાગત કરીએ.
જતી વયે પીપળાને મેકઓવર કરાવીને ફેર જુવાન થવાના ઓરતા જાગ્યા હોવાના કલ્પનને કવિએ બખૂબી રમાડ્યું છે. વાયરો વાત વહે એ વાતને ખપમાં લઈને પીપળો પોતાના મનની વાત વાયરાના કાનમાં કહે છે, જેથીમહેંદી, કેતકી અને માલતી સુધી સંદેશો બરાબર પહોંચી જાય. ગીતનું મુખડું અને પ્રથમ બંધ બંનેમજાનાથયા છે, પણ ખરી મજા તો બીજા બંધમાં છે. એક તરફ પીપળો ડાયેટિંગ કરીને વજન ઘટાડવા માંગે છે તો બીજી તરફ બારમાસી સાથેના અફેરને છૂપાવેલો પણ રાખવા માંગે છે. હૈયું પ્રેમમાં તરબતર છે અને કાયા ભડભડ બળી રહી છે… પુરુષસહજ વાર્ધક્યવૃત્તિને કવિએ પીપળાના પ્રતીકથી કેવી ખીલવી-ખેલવી છે, નહીં!
સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં કવિસંવેદનને વ્યક્ત કરી ભાવક સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકે. પ્રસ્તુત ગીત જુઓ. આનાથી નાની ઇબારતના ગીત આપણી ભાષામાં જૂજ જ જડશે. ગીતની ભાષા પણ એકદમ સહજ અને સરળ છે. પંડિતાઈનું લેશમાત્ર પણ પ્રદર્શન કર્યા વિના કવિ અદભુત કરકસર સાથે દિલની વાત આપણી સમક્ષ યથાતથ મૂકી શક્યા છે. કવિહૃદયની ભીતર છોળ ઉછળી રહી છે. શેની છોળ અને કેમ એ વિશે ફોડ પાડ્યા વિના કવિએ એને કોણ ઝીલશે એ પ્રાણપ્રશ્ન રજૂ કર્યો છે. મુખડાના આરંભે અને અંતે ‘કોણ ઝીલે?’નો સવાલદોહરાવીને કવિએ એ વાત અધોરેખિત કરી છે, કે ભીતર છોળ ઉછળે છે એના કરતાંવધારે અગત્યની વાત એને ઝીલવાની છે. જીવનના અલગ અલગ તબક્કે આપણે સહુ અલગ અલગ પ્રકારની લાગણીઓના ફુવારા ભીતર ફૂટતા અનુભવીએ જ છીએ, પણ વધુ અગત્યનું એ છે કે એ ફુવારા તરફ આપણે કેટલા સચેત રહીએ છીએ અને એમાં ભીંજાવાનો લહાવો લૂંટીએ છીએ કે એને નજરઅંદાજ કરીને ઘાણીના બળદની જેમ કાયમના ચકરાવાઓમાં જ રત રહીએ છીએ! વાત સ્વયંની ભીતર ઉતરવાની છે,પણ સીડીના સહારે નહીં. સીધો ધુબાકો જ મારવાનો છે. અને પછી છબ્બાક કરતાંકને જે જળ ઉછળે એને ઝીલવાનાં છે. સ્વયંને ખીલવવાનું છે, પણ એય ખટ્ટાક કરીને… મતલબ અનાયાસ… પ્રયત્નપૂર્વક નહીં… અને પછી ફટ્ટાક કરતી જે ફોરમ ફૂટે એને પીવાની છે… આખા ગીતમાં ધ્રુવપંક્તિના ‘કોણ?’નો સવાલ ગૂંજ્યા કરે છે… આ કોણનો જવાબ મળી જાય તો જીવન સાર્થક થઈ જાય, ખરું ને?
ભેંત્યની તેડ્ય તો ગારાથી હોંધીએ
. માંયલીન ચ્યમ કરી હોંધવી!
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી
. ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી!!
તોય મનં ઈમ કો’ક ઉપા કરીએ
. જો થોડા ઘણા ફેર કાંય થાય
(પણ) એટલામાં તેડ્ય તો બાકોરું થઈ જઈ,
. મું હં નાખું તો એ પુરાય!
દનિયોના કીધ તારો રાશ્યો ભરૂંહો
. અવ તનજ લાજ જોઈય આવવી.
હૌના તો લેખ તમે લખો લલાટે
. પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન – કાપાય પાસા એવા પાડ્યા
. ક – મારઅ ચોમાહા રે’હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં
. એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી.
હારી થાચીન મીં તો મનનું મનાયું
. ક – આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી
. પસ મંન હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી
. તોય દેખાય તો ચ્યમની હંતાડવી?
. ભેંત્યની તેડ્ય તો…
– પ્રશાંત કેદાર જાદવ
કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને આપણે સહુ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…’, ‘જોડે રહેજો રાજ’, ‘સાજણ તારા સંભારણાં’ જેવા અનેક લોકપ્રિય ફિલ્મી ગીતો તથા ‘કુમકુમનાં પગલા પડ્યાં, માડીના હેત ઢળ્યા’, ‘કુમકુમ પગલે માડી પધારો રે’, ‘સનેડો’, ‘મેં તો થોડો પીધો ને’, ‘હમ્બો હમ્બો વિંછુડો’ તથા’વણઝારા તુ વહેલો આવજે’ જેવા અનેક ગરબાઓથી ઓળખીએ છીએ. ‘જેનું ધાવણું છોકરું રૂએ તોપણ સૂરમાં રૂએ’ એવી મનોરંજન કરાવનારી તુરી જાતિના ફરજંદ, વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિની આ રચનાઓ સિવાય એક અલગ ઓળખ પણ છે. આજની રચનાની મદદથી આ ઓળખ સાથે આજે મુખામુખ થઈએ.
કવિતાનું ઉપાદાન ભાષા છે, પણ ભાષાની તો લીલા જ ન્યારી. મા એક પણ દીકરા હજાર. ભાષા તો એક જ, પણ બોલી તો બાર ગાઉએ બદલાય. પ્રશિષ્ટ ભાષા અને તળપદી બોલીની રચનાઓના સેંકડો દાગીનાઓથી આપણો કાવ્યખજાનો સમૃદ્ધ છે, પણ બહુ ઓછા કવિઓ લોકબોલીનો વિનિયોગ કવિતાને ઉપકારક નીવડે એ રીતે કરી શકે છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિવેદનાને વાચા આપવા માટે ઉત્તર ગુજરાતની તળપદી બોલીને એ રીતે કામે લગાડી છે કે આની આ વાત શિષ્ટ ભાષામાં રજૂ થઈ હોત તો કવિતાનું પોત જ ખતમ થઈ ગયું હોત… બોલી અહીં મુખ્યનાયકની ભૂમિકામાં છે.
કવિતા સ્વયંસ્પષ્ટ હોવાથી આજે માત્ર બોલીનું સરળીકરણ જ કરીએ. ભીંતની તિરાડ તો માટીથી સાંધી શકાય, પણ માંહ્યલાને કઈ રીતે સાંધવો એ અવઢવ કવિને પીડી રહી છે. પગ કરતાં ચાદર ટૂંકી હોય એવા ટાંચા સંજોગોમાં જીવન કેમ કરી પસાર કરવું? હજી તો કવિ આ બાબતે કંઈક ઉપાય કરવાનું વિચારી રહ્યા છે, એટલામાં તડ બાકોરું બની ગઈ. શું નાંખીએ તો આ બાકોરું ભરાય એ જ પ્રાણપ્રશ્ન છે. દુનિયાના કહેવાથી જેનો ભરોસો રાખીને બેઠા હતા, એ ભગવાનને આ બદલ લાજ ન આવવી જોઈએ? સૌના લેખ એણે લલાટે લખ્યા, પણ ગરીબોના લેખ આંખોમાં લખ્યા. અને રેખાય એવી પાડી કે નસીબે બારેમાસ રડવાનું જ રહે. રડી રડીને સૂકાઈ ગયેલી આંખોનાં પાણી પાતાળે ઉતરી ગયાં છે, એને ખેંચીને બહાર આણી શકે એવું દોરડું ક્યાંથી લાવવું એ વિમાસણ કવિને સતાવે છે. અંતે હારી થાકીને કવિ મનને મનાવે છે કે કોઈ આપણું કશું કરનાર નથી, આપણે જાતે જ જાતનું ફોડી લેવું પડશે, પણ આ બધું જ્ઞાન તો ઘડી બે ઘડીભર સાંત્વના આપી શકે, રોજેરોજનું શું? ભીતરની પીડાને કવિએ કાઠા થઈ ભોંયમાં ભંડારી તો ખરી, પણ તોય એ દેખાઈ જાય તો પછી એને કઈ રીતે સંતાડવી?
આપણી સંવેદના બધિર થઈ જાય એવો કઠોર વજ્રાઘાત કરતી આવી વેદનાસિક્ત રચનાઓ સાચા અર્થમાં આપણી ભાષાનાં મહામૂલાં ઘરેણાં છે.
રમતિયાળ લયગૂંથ્યું રમતિયાળ ગીત! હૈયાના ચોરને નઠારો કહેવાની પ્રેમોક્તિ નવી નથી, પણ વાત જે મજાથી રજૂ થઈ છે, એની જ અહીં ખરી મજા છે. નાયિકાનું હૃદય આવા ‘નઠારા’ સંગ લાગી ગયું છે. ધ્રાંગધ્રાની ફલકુ નદીમાંથી પાણી ભરી એ પરત ફરતી હતી એ સમે નાયકે એનો માર્ગ આંતર્યો. કાવ્યારંભે જે નઠારો હતો એ આટલીવારમાં તો રૂપાળો લાગવા માંડ્યો છે. ગાય-ભેંસ ને વધુ દૂર જતાં રોકવા બે પગ વચ્ચે જે દોરી બાંધવામાં આવે એને દામણ કહે છે, અને દહીં વલોવવા માટે વપરાતી દોરીને નેતરું. નાયિકાનો આરોપ છે કે નાયકે વાતોમાં ભોળવીને પોતાને છેતરી છે અને દામણ દઈને એની ગતિ મર્યાદિત કરી દીધી છે, અથવા નેતરી દઈને (પ્રેમના) ધંધે વળગાડી દીધી છે. જે કર્યું હોય એ, પણ નાયકે નાયિકાને ચોતરફથી વેતરીને પોતાના માપની કરી દીધી છે. નાયકના ટેરવાના ટેભે નાયિકા એ રીતે સીવાતી ગઈ છે કે હવે એનો પોતાનો છેડોય જડ્યો જડે એમ નથી. ભોળી ન હોવા છતાં કથકના નેણઉલાળે એ વશ થઈ છે ને એને એનો ટેસડો લાગી ગયો છે. પાંપણ ભારી થઈ જવા છતાં રાતના ઉજાગરાભર્યાં અંધારા મધમીઠા લાગે છે, ને સવારે પ્રિયતમની મહેંકથી મેડો મઘમઘતો થઈ ગયેલો અનુભવાય છે…
કાગારોળ કરી કરી ઢળી પડી જીભ અને
ઝૂરી ઝૂરી પાક્યાં પાંચે આંગળીનાં ટેરવાં
બાવડાં તો દીધાં પણ બળ એમાં પૂર્યાં નહીં
સામે તાણ ચડતા ભીનારા કેમ ઝેરવા?
કોને જઈ પૂછીએ ને કાઢીએ પિછાણ ક્યાં?
. કેટલે પહોચાડે કોઈ નકશાના કેડા?
. તમાશાને મોકલ્યાં રે તેડાં
– સંજુ વાળા
માતૃભાષા દિન આવ્યો? લખો કવિતા… મધર્સ ડે આવ્યો? લખો કવિતા… વસંતપંચમી? લખો કવિતા… પહેલો વરસાદ? અતિવૃષ્ટિ? ઓછો વરસાદ? –લખો કવિતા… સૉશ્યલ મિડિયા પર પ્રસંગ પ્રમાણે રચનાઓ રેલાવતા સર્જકોનો લીલો દુકાળ છે… પ્રસ્તુત રચના જાણે કે આવા સર્જકો માટે જ લખાઈ છે! નામઠામ વગરના નેડા જોડીને સપરમો દહાડે કવિતા કરવા બેસી જવું એટલે તમાશાને તેડાં આપવાં. વિલિયમ વર્ડ્ઝવર્થે ૧૮00ની સાલમાં કહ્યું હતું: કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.
સર્જનશક્તિનો સ્રોત સૂકાઈ ગયો હોય તો શાંત ચિત્તે હાથ જોડી સરસ્વતીની આરાધના કરવી જોઈએ. ઇયત્તાના મહાસાગરની પેલે પારની ગુણવત્તાને પામવા સાધના કરવી જોઈએ. કવિતા એટલે તો તણખામાં દાવાનળ, બુંદમાં સાગર અને બીજમાં વૃક્ષ! બિનમતલબી પથારો સંકેલતાં ન આવડે એ કવિતડાં કરી શકે, કવિતા નહીં. કવિતા બળનું નહીં, સામે તાણ ચડતા ભીનારાને, ઊર્મિઓના દુર્દમ્ય ઊભરાને ઝેરવવાનું કામ છે. કવિતાના ક્ષેત્રમાં માર્ગદર્શન તો કેવળ ઉપલક સહાય છે, આ યાત્રા તો આપબળે ને આપમેળે, પોતાની કેડી પોતે કંડારીને જ કરવાની છે… કવિતા એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ પર મુસાફરી કરવાની કળા…
ગીતસંરચનામાં જેમને રસ હોય એમને આ ગીતના લયમાં પણ મજા આવશે. સામાન્ય રીતે ગીતો માત્રામેળ છંદોમાં લખાય છે, પણ કવિએ અહીં અક્ષરમેળ વૃત્ત- મનહર છંદ પ્રયોજ્યો છે. બીજા બંધમાં પહેલી બે પંક્તિમાં છલકાતી વર્ણસગાઈ ઉપરાંત ‘કરી કરી ઢળી પડી’ની લચક તથા ‘કરી,’ ઝૂરી’ની પુનરોક્તિ ગીતના લયને વધુ લવચિક બનાવે છે…
August 31, 2024 at 11:06 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ચંદારાણા
ફૂલો ઉપર ફૂલો ખડકી બાંધ્યું છે એક ગામ
વસ્તીમાં તો એક જ જણ કે સુગંધ જેનું નામ
ઝાકળનાં ટીપેટીપામાં સૂરજ સૂરજ થાય
પીગળી જાતી અંધકારની પથ્થર જેવી કાય
સીમ દીમના રસ્તા વરસે ગમ્મે ત્યારે આવી
ખોબે ખોબે મર્મર ઢોળે વનવગડેથી લાવી
સમી સાંજરે દશે દિશાથી હવા ઉઠાવી આવે
ચૂંટી-ચૂંટીને બાગબાગના સમાચાર લઈ આવે
રાત પડે ને રાસે રમતાં દેહ વગરનાં નામ
અને ઢોલના તાલે અઢળક હિલ્લોળાતું ગામ
– હર્ષદ ચંદારાણા
બબ્બે પંક્તિઓની પ્રાસસાંકળીના હિંચકે લય હિલ્લોળતું મજાનું ગીત. ગીતના પ્રથમ બંધનું કલ્પન જ કેવું પ્રસન્નકર છે! ઢગલાબંધ ફૂલોના સમૂહને કવિએ ગામનું નામ દીધું છે અને ફૂલો પર ફૂલો ખડકાતાં રચાયેલ આ ગામમાં એક જ જણની વસ્તી છે અને તે છે સુગંધ, આવા મજાના હલકાફુલકા પ્રકૃતિકાવ્યોએ જ ગુજરાતી કવિતાને મઘમઘતી રાખી છે.
કેટલીક રચનાઓ અંતરની અનુભૂતિમાંથી સીધેસીધી અક્ષરદેહ ધારણ કરી અવતરતી હોય છે. પ્રસ્તુત ગીત એવી જ એક રચના છે. રાત અને દિવસ જેમ એકમેકને કદી મળી શકતા નથી એ જ રીતે ક્યારેક જીવનમાં કોઈક સંબંધ એવોય આવે છે કે પારાવાર લાગણી હોવા છતાં જેના બે છેડા કદી એક કરી ન શકાય. અલગ અલગ પ્રતીકોના ગુંફનથી કવિએ મળવા તલસતા પણ મળી ન શકતા પ્રિયજનોની વેદનાને બખૂબી ધાર કાઢી રજૂ કરી છે. આ રચના વાંચીએ અને કવિ શ્રી વિનોદ જોશીની આ રચના યાદ ન આવે એય સંભવ નથી. અહીં ક્લિક કરો.
બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –
– ચંદ્રકાન્ત શેઠ
પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.
ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.
પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.
પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?
પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.
July 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’
મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…
– ઉદયન ઠક્કર
ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?
ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.
July 25, 2024 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?
– કૃષ્ણ દવે
કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!
પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.
વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.
કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?
દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.
હર્ષદ ચંદારાણાએ ગઝલની સરખામણીમાં ગીતો બહુ ઓછાં લખ્યાં છે, પણ એમનાં ગીતોમાં પણ વિષયવૈવિધ્ય અને ભાષાક્રીડા અછતા રહેતા નથી. જો કે આજે એમને શબ્દસુમન અર્પવાના ઉપક્રમ નિમિત્તે એવા કોઈ રમતિયાળ ગીત પર પસંદગીનો કળશ ઢોળવાના બદલે મને ગમતું એક ગીત રજૂ કરું છું.
મૃત્યુના કિનારે આવીને જીવનદર્શન પામતા મનુષ્યની અનુભૂતિની આ રચના છે. મૃત્યુ ઢૂકડું આવી ઊભું છે, પણ હજી આંખો બીડાવાને વાર હોવાથી અંધારું ગાઢું નહીં, આછું આછું છે. આ આછા આછા અંધકારંબા હાથે સમજણના કે મુક્તિના દ્વાર ખૂલી રહ્યાં છે. જીવનવાદ્ય એકધારું ઝણઝણ ઝણકી રહ્યું છે. તાર તાણીને તંગ કરીને અંધારાનો પીંજારો જીવને તારે તાર પીંજી રહ્યો છે, મતલબ અંત હવે નિકટમાં જ છે. શરૂમાં આછું આછું અંધારું વર્તાતું હતું, હવે આછું આછું અજવાળું વર્તાઈ રહ્યું છે. અજવાસ છે પણ અંધકારના વર્ચસ્વવાળો. આંખોમાં ઝળઝળિયાનું જાળું બાઝ્યું છે, જેના કારણે આછા અજવાળામાં અસ્પષ્ટપણે પૂર્વજન્મના સંસ્કાર પણ વર્તાય છે,
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
– લોકગીત
કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-
કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?
સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.
અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)
ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.
‘ઓ છેલ’ સંબોધન પરથી ખ્યાલ આવે છે કે કાવ્યનાયિકા એના મનના માણીગરને સંબોધીને આ વાત કહી રહી છે. પ્રસ્તુત રચનામાં ઝીલ એટલે ચોમાસામાં છલકાઈ આવેલ સરોવર છે કે ખૂબ પાણી વરસવાના કારણે ઝીલ જેવી થઈ ગયેલી ધરતી એ કળવું જરા કઠિન છે, પણ એના પિષ્ટપેષણમાં પડવાના બદલે ગીતનો જ સાગમટે આનંદ લેવામાં ખરી મજા છે. વિશાળ ઝીલ અથવા ઝીલ બની ગયેલી ધરતીની સ્થિર જળસપાટી બપોરના ભૂરા આકાશને બાથમાં લેતી ભાસે છે. ઝગારા મારતા લીસા અરીસા જેવા સ્થિર જળપથારમાં માછલીય હળવેથી સરકતી હોવાનો અણસારો વર્તાતો નથી. આકાશમાં ઊંચે ઊડતી એકલદોકલ સમડી સિવાય કોઈ નજરે ચડતું નથી. કાવ્યનાયિકાને કાને દક્ષિણ દિશા તરફ ધીમે ધીમે જતાં ઘુઘરિયાળ ગાડાનો રણકાર તો પડે છે, પણ નાયિકા જ્યાં ઊભી છે, ત્યાંથી એ જોઈ શકાતું નથી. ગાડું વધુ દૂર જતાં એ અવાજ પણ શાંત થઈ જાય છે.
ચોમાસાની ઢળતી બપોરનો તડકો પણ મીઠો અને ધીમી ગતિના કારણે અલસભર્યો વર્તાય છે. ઝીલના કાંઠે ઊગેલ બરુ આ નીરવ સુખને ધરાઈને માણતાં હોય એમ પાણી તરફ ઢળી રહ્યાં છે. સૃષ્ટિ આખીની વાત કરી લીધા બાદ ચતુર કાવ્યનાયિકા નાયકને ઉઘાડા ડિલે ટાઢા જળમાં આડા પડીને સંગાથનું સુખ માણવા આમંત્રે છે ત્યારે ખ્યાલ આવે કે ચોમાસુ બપોરના તળાવના સૌંદર્યની વાતો નાયકને ફોસલાવીને પાસે આણવા માટેની તરકીબ જ હતી. વાહ વાહ!
નભથી તાપ નહીં લૂ વરસતી હોય, ખેતરોમાં આગ લાગી હોય એવામાંય પ્રેમી પ્રેમરંગે રંગાયા વિના રહી શકતાં નથી. રોમેરોમે ઝાળ જાગે છે અને હૈયું પણ પ્રેમાગ્નિમાં ભડભડ સળગી રહ્યું છે, પણ ફાગણની પિચકારી અને કેસૂડાની ક્યારી ભલભલી અગન ભૂલાવી દે એવાં છે. હોળીનો અગ્નિ સપનાંઓ ફળવાની આશા લઈને આવ્યો છે. મુખડા વિનાના ચાર બંધમાં પ્રકૃતિથી પ્રિયતમ સુધીની ક્રમિક ગતિ કેવી મજાની થઈ છે!
વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં થઈ ગયેલા કવિ તરફથી આજે માણીએ પ્રેમના પરિમલનું પાણીદાર ગીત. ગીતમાં ઉતરતા પહેલાં ગીતની બાંધણી આપણું ધ્યાન આકર્ષે છે. મુખડા અને પૂરકપંક્તિઓનો અભાવ અને બે-ત્રણ નહીં, છ-છ બંધની સંરચના ગીતને પ્રચલિત ગીતોથી અલગ તારવી આપે છે. બીજું, આખાય ગીતની તમામ બેકી કડીઓનો ઉપાડ ‘સખિ’ સંબોધનથી થાય છે, (સાચી જોડણી ‘સખી’. કવિએ કદાચ ‘સખિ’ શબ્દનું વજન ત્રણ માત્રાભારના સ્થાને ગીતમાં બે માત્રા જેટલું છે, એ સૂચવવા હૃસ્વ ઇ પ્રયોજ્યો હોય એ શક્ય છે, કારણ એ સમયના કવિઓમાં છંદની જરૂરિયાત મુજબ લઘુ-ગુરુ અક્ષરોમાં લિપિભેદ કરવાનું ચલણ હતું.)
‘સખી’ સંબોધન જીવનસાથી અને કથક વચ્ચેના સ્નેહસંબંધને ઉજાગર કરી આપે છે. આઠ-નવ દાયકા પહેલાંના ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે આવું સહિયરપણું સાહજિક નહોતું. પત્ની અથવા પ્રેયસી જવે સાથે ન હોવાનો સંકેત કવિ લોક-વિલોકે જઈ બેઠી કહીને આપણને આપે છે. બે શરીર વચ્ચેના દૂરત્વ વચ્ચે પણ પ્રણયની સૌરભ કેવી પ્રસરે છે એ વાત અલગ-અલગ રીતે કરતું આ ગીત સાચે જ મનહર થયું છે.
April 26, 2024 at 11:33 AM by વિવેક · Filed under ગીત, જયંતી પટેલ
વાડામાં કૂતરી વિયાઈ
. છાણાં લેવાય નૈ.
ડેલીનો ડાઘિયો હાંફે બજારમાં એમ બેઠી’તી ચૂલાની મોર્ય,
ટાણું છાંડીશ તો તાડૂકશે બાઈજી કહેશે કે ટાંટિયો ઓર્ય,
રૂંવે રૂંવે મને લાગી છે લ્હાય,
. આવું મ્હેણું તો સ્હેવાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ
. છાણાં લેવાય નૈ.
પાદરમાં બેઠી છે પંચાયત ગામની કરીએ તો કરીએ શું રાવ?
હું રે ભોળુડી કંઈ બોલું ના બોલું ત્યાં કહેશે કે સાબિતી લાવ,
ઘૂંઘટ ઉપાડું તો ચહેરો દેખાય,
. અંદરના ડામ કૈં દેખાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ,
. છાણાં લેવાય નૈ.
– જયંતી પટેલ
સારી કવિતાની એક વિશેષતા એ છે કે સમસ્ત જનસમાજની વેદનાને એકદમ હળવાશથી વાચા આપી શકે છે. હળવીફૂલ લાગતી રચનામાંથી પસાર થઈએ અને કાવ્યાંતે હૃદયમાં કવિતામાં વ્યક્ત થયેલ પીડા ફાંસ બનીને ઘર કરી જાય એમાં જ કવિતાનું સાફલ્ય ગણાય. જુઓ આ રચના –
તાજી વિયાયેલ કૂતરીની નજીક જઈએ તો કરડી ખાય. ચૂલો પેટાવવા માટેનાં છાણાં જ્યાં પડ્યાં છે, એ વાડામાં જ કૂતરીએ બચ્ચાં આપ્યાં છે એટલે છાણાં લેવા જવું શી રીતે? ડેલીનો ડાઘિયો કૂતરો બજારમાં નવરો બેઠો કેવળ હાંફ્યે રાખે એ રીતે વહુરાણી ચૂલા પાસે બેસી રહી છે, પણ રાંધી નહીં સ્ઝકાય તો સારુ તારા ટાંટિયા ચૂલામાં કેમ ન ઓર્યા કહીને તાડૂકશે એ એ ડર એને સતાવી રહ્યો છે. પાદરમાં પંચાયત બેઠી છે એમ કાવ્યનાયિકા આપણને કહે છે ત્યારે પંચાયત શબ્દમાં પંચાતનો રણકો સંભળાયા વિના રહેતો નથી. સાસરીમાં વહુવારુઓને પડતાં દુઃખ નાની અમથી વાતના મિષે કેવી સાહજિકતાથી વ્યક્ત થયાં છે!
April 19, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હરીશ મીનાશ્રુ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
રસની પિયાલી ઢીંચી મત્ત બને કોણ, કોણ ફેંકાતું છોતરાની જેમ
ખાય અન્નદાતા તો રૈયતને ઓડકાર
ખાવાનાં નીકળ્યાં ફરમાન ઘણી ખમ્મા હો
થૂલીને ગણવો કંસાર અને કુશકીને
રાજીખુશીથી ગણો ધાન ઘણી ખમ્મા હો
ગંગુ તેલી ને હતો એક રાજા ભોજ રે
વેળા વીતે ને વધે વારતાનો બોજ રે
વેંઢાર્યે જાવ આવા ઇશ્વરને જીવતરમાં ભારે સંપેતરાની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
ખેતર તોળાઈ ગયાં દાણીને ત્રાજવે
ને ધરમીને ઘેર પડી ધાડ ઘણી ખમ્મા હો
આગિયાને તાપણે ટોળે વળીને લોક
હેમાળે ગાળે છે હાડ ઘણી ખમ્મા હો
ઠેકાણે લાવવાને કક્કાની સાન રે
સંતરીના પહેરાની હેઠળ જબાન રે
રાંકનાં તે ગીત કેમ ગાવાં, ભાષા તો પડી ઊંધા છબોતરાંની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
– હરીશ મીનાશ્રુ
(*સ્મરણપુણ્ય : પોપ ફ્રાન્સિસ)
ત્રણ-ચાર વર્ષ પહેલાં પોપ ફ્રાન્સિસે એક વક્તવ્યમાં પૃથ્વી અને પર્યાવરણ પર તોળાઈ રહેલા ખતરાથી બચવા માટે પૃથ્વીને સંતરાની જેમ નિચોવ્યા કરવાનું બંધ કરવાનો વિશ્વવ્યાપી સંદેશો આપ્યો હતો. કવિ એ સંદેશાને ધ્રુવકડીમાં સાંકળી લઈને કેવું મજાનું વ્યંગગીત રચે છે એ જોવા જેવું છે. ગીતમાંથી પસાર થતી વખતે કરસનદાસ માણેકની ‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’ ગઝલ અવશ્ય યાદ આવશે.
વીસ ટકા અમીરો દુનિયાના એંસી ટકા સંસાધનો વાપરે છે. બાકીના વીસ ટકા ગરીબોને તો દોઢ ટકો સંસાધન પણ નસીબ થતાં નથી. વધારે ચોંકાવનારો આંકડો તો પ્રદૂષણ બાબતનો છે. દુનિયાના એક જ ટકો અમીરો દુનિયાના બે તૃત્યાંશ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ શુષ્ક આંકડા કાવ્યસ્વરૂપ ધારે તો આવું ગીત લખાય.
શબ્દ બે ધારી તલવાર છે. યોગ્ય રીતે વાપરવામાં આવે તો જંગ જીતી શકાય અને અયોગ્ય રીતે વાપરો તો જીતેલી બાજી પણ હારી જવાય. પોતાના જ શબ્દોનો માર ખાધેલ બે પ્રિયજનની સમ-વેદનાનું આ સહિયારું ગાન છે. વાતને ઝરૂખે એક લાગણી ઝૂરી રહી છે. કોની? તો કે આપણી. મુખડાની બીજી પંક્તિમાં પરંપરા મુજબ આખું વાક્ય વાપરવાના બદલે કવિએ માત્ર એક જ શબ્દ –આપણી- વાપરીને સહિયારાભાવને કેવો અધોરેખિત કરી બતાવ્યો છે! આપણે એકબીજાને જે કહ્યું છે એ વાતો જ આપણને અલગ કરતી વાડ બની ગઈ છે. સંગાથમાં પાણીની જેમ વહેતો સમય હવે થીજી ગયો છે. એક એક પળ પણ પહાડ જેવી વિરાટ ભાસે છે. રાતરાણીની સુગંધને પીઠ પર સવારી કરાવી ગામ આખાને તરબતર કરતો વાયરો સાથમાં હોવા છતાં અભાગણી રાતરાણી એકલી ઝૂરી રહી છે. એના પમરાટનો પાગલ એની સાથે નથી ને! પડછાયા એટલે અંધારું. હોઠેથી આયખું અજવાળે એવા શબ્દોના સ્થાને પડછાયાઓ પથરાઈ રહ્યા છે. આંખોની મરણપથારી પર કદી સાથે જોયાં હશે એ સ્વપ્નો આખરી શ્વાસ લઈ રહ્યાં છે. આગિયાની પાંખ પર બેઠેલો સૂરજ મારગની માંગણી કરે એ પ્રતીક મને પૂરું સમજાતું નથી. કવિ વાતનું વતેસર થયાની વાત કરે છે કે કંઈ બીજું એ બાબતે કોઈ કવિમિત્ર કે વાચકમિત્ર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે.
સાવ ટબૂકડું પણ કેવું મજાનું ગીત! રાત્રે આકાશમાં તારાઓને ટમટમતાં આપણે સહુ જોઈએ છીએ. આ તો રોજેરોજનું દૃશ્ય છે, પણ કવિની તો દૃષ્ટિ જ અલગ. કવિના લેન્સમાંથી હજારોવાર જોયેલી વસ્તુ પણ અચંબો થાય એવી નવીન લાગે. પ્રસ્તુત રચના એનું બળકટ દૃષ્ટાંત છે. સાંજ આકાશના કોડિયાઓમાં લાલ-કેસરી રંગોનું તેલ પૂરીને આભઅટારીને શણગારે છે. સાંજના ધીમે ધીમે ઢળવા અને રાતના ધીમે ધીમે રેલાવાની ક્રિયાને કવિ રાત શરમાતી શરમાતી આવે છે એમ કહીને નવું જ પરિમાણ બક્ષે છે. અંધારું થાય નહીં ત્યાં સુધી તારાઓ ચમકતા દેખાય નહીં એ તથ્યમાં કવિને શર્મિલી વહુ નવલખ જ્યોતિ પ્રગટાવતી નજરે ચડે છે. સામાન્યરીતે વાયુ વાય એટલે દીવાની જ્યોત થથરવા માંડે અને બુઝાઈ પણ જાય. ઝબુક ઝબુક કરતા પણ ગાયબ ન થતા તારાઓમાં કવિને આ દૃશ્ય દેખાય છે. હવે તો નવરાત્રિમાં માથે ગરબો મેલીને રમવાની પ્રથા નામશેષ થવા આવી છે, પણ જે સમયે આ ગીત રચાયું હતું એ સમયે એવું નહોતું. ગરબો એટલે ઘણાબધાં કાણાંવાળું માટલું, જેની અંદર દીવડો મૂક્યો હોય અને એને માથે લઈને સ્ત્રી માતાની મૂર્તિ કે તસવીર સમક્ષ રાસ રમે. (આજે આપણે આ ક્રિયાને જ ગરબો કહેવા માંડ્યા છીએ.) આખું અંબર એક ગરબો હોય, મીઠાં તેજ વરસાવતા તારાઓ એમાં કરાયેલ નવલખ છિદ્રો હોય અને સ્વયં આદ્યાશક્તિ એને માથે મેલીને રાસ રમતી હોય એ કલ્પન ધ્યાનમાં રાખીને રાત્રે આકાશમાં મીટ માંડજો. કવિએ કેવી કમાલ કરી છે એ સમજાશે. જે રીતે ગરબામાં કરાયેલ છિદ્રોમાંથી તેજ ઝમતું તો નજરે ચડે છે, પણ તેજ રેલાવનાર દીવો નજરે ચડતો નથી એ જ રીતે નજરે ચડતા આકાશની પેલે પાર દુનિયાના આધાર સમી જ્યોત ઝબૂકી રહી છે એમ કહીને ઈશ્વર તરફ અંગૂલિનિર્દેશ કરીને કવિ ગીતને નવી જ ઊંચાઈ બક્ષે છે.
નીર નદીમાં હોય નહીં ને ગામ તણાઈ જાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…
દીવાસળીના ડીંટે અગની
. સાવે સૂનમૂન બેઠો,
સમજણની પટ્ટી પર ઘસવા
. નથી કોઈને નેઠો.
સાવ તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…
– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
દેખીતા વિરોધાભાસનું ગીત. ગીતનો ઉપાડ જ અનિવાર્ય કારણના લોપથી થાય છે. પવન સાવ જ સ્થિર હોય ત્યારે જંગલના ઝાડપાન કઈ રીતે ઝોલાં ખાઈ શકે? પણ અહીં એવું કૌતુક કવિએ સર્જ્યું છે. ષકટનો ભાર શ્વાન તાણે કહેવતને આપણા આદિ કવિ નરસિંહ મહેતા સાથે સાંકળીને કવિએ હાથ કંગન કો આરસી ક્યા જેવો આ સ્વયંસ્પષ્ટ વિરોધાભાસ આજકાલનો નહીં પણ પરાપૂર્વથી ચાલતો આવ્યો હોવાની વાતને પણ અધોરેખિત કરી બતાવી છે. વા વાયો ને નળિયું ખસ્યું જેવી વાતમાં આખું ગામ તણાઈ જાય ને તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય એ વક્રતા પણ કવિએ ભારોભાર વ્યંગ સાથે રજૂ કરી છે. દીવાસળીના પોટાશમાં ભારેલો અગ્નિ બેઠો જ છે, પણ સમજણની પટ્ટી ઉપર એને ઘસવામાં આવે તો અજવાળું થાય અને પ્રકાશ રેલાય. પણ એટલું ભાન હવે કોનામાં બચ્યું છે?
ખેર, આ તો થઈ કવિએ ગીતમાં શું પીરસ્યું છે એની વાત. ગીત કેવી રીતે પીરસાયું છે એ તરફ પણ ધ્યાન દેવા જેવું છે. લયની પ્રવાહિતા સિવાય ગીતની બાની અને શબ્દપસંદગી પણ કાબિલે-દાદ છે. બહુ ઓછા કવિઓ તળપદી બોલી આટલી પ્રભાવકતાથી પ્રયોજી શકે છે.
સ્વની માયા ન હોય એ જ માણસ પરમાર્થે જોડાઈ શકે. આભના મિષે આ વાત કવિએ કેવી સરસ રીતે કહી છે એ જોવા જેવું છે. આભને આભની પોતાની માયા નથી હોતી. માયા હોય તો એ સ્વને ત્યાગીને વેરાન હોય કે વન, આવળબાવળ હોય કે લોકો, એ પોતાની સોનલવરણી છાયા સૌ પર એકસમાન હેતથી પાથરે નહીં ગીતોમાં સામાન્યરીતે જોવા મળતાં આવર્તનો કરતાં એક આવર્તન વધુ ગૂંથીને કવિએ લયને પણ લહેકાવ્યો છે. સરવાળે આખું ગીત સુપથ્ય બની રહે છે.
સાંજ પડી ને અનામ પંખી અભિનવ અવાસ શોધે,
જીર્ણ પિંજરને પરહરીને નવતર ની શું ખોજે?
સાંજ પડી…
– રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’
વીસમી સદીના પ્રારંભકાળમાં થઈ ગયેલા અને ઓછા જાણીતા થયેલા કવિની કલમે એક સાંધ્યચિત્ર આજે માણીએ. કોઈપણ પ્રકારના પાંડિત્ય કે ભાષાડંબર વિના કવિ ઢળતી સાંજના નાનાવિધ આયામોને કવિતાના કેનવાસ પર આલેખે છે. રોજ સાંજ પડતાં પોતપોતાના માળામાં પરત ફરતાં પંખીઓને જોઈને કવિને કૌતુક થાય છે, આકાશમાં તો કોઈ કેડી કંડારાયેલ નથી, તો તેઓ કઈ ‘ગૂગલ મેપ્સ’ના આધારે પોતાનો માર્ગ જોઈ શકતાં હશે! સુરતના કવિશ્રી હરીશ ઠક્કરનો એક શેર આ ટાંકણે યાદ આવે: ‘પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં, તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.’
કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું, પણ ગીત વાંચતાવેંત મનમાં વસી ગયું. સરળતમ બાની, પ્રવાહી લય અને રસાયેલ લાગણીઓની સહજાભિવ્યક્તિના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. મનના માણીગરને દિલનો હાલ લખી મોકલવાની ઝંખામાંથી ગીત જન્મ્યું છે, પણ પ્રણયમાં સ્ત્રીસહજ સંકોચ પ્રારંભથી જ વર્તાય છે. કાગળ તો લખવો છે, પણ કોરેકોરો અને અમથે અમથો. કોરો કાગળ વાંચી શકે એ જ સાચો પ્રેમ. જીવનમાં તો અભાવનાં અંધારાં ઊતરી આવ્યાં છે. આવામાં કશાનું અજવાળું હોય તો તે કેવળ યાદોનું જ. ખેતર-વગડાથી લઈને મનની મેડી સુધી બધે જ સૂનકાર પ્રવર્તે છે. હૃદય ઝીણો ઝીણો મૂંઝારો અનુભવે છે ને આંખો ચૂઈ રહી છે, કાજળ વહી રહ્યું છે તો ભીનાં ભીનાં કાજળથી જ પ્રેમપત્ર લખીએ ને!
તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય
એમાં શણગારો સોળ ઉમેરાય
પછી બત્રીસ લખણાઓ જો આવે
તો ખોટું શું? સરવાળો સાચો કહેવાય
અલ્લડપણાની આજુબાજુમાં બેસીને, તોતડાઓ કવ્વાલી ગાતા,
લહેરખીને રાતી ને પીળી કરી જાતા,
તરસ મારી બાઘી
તે શિયાવિયા થઈને બેઠી છે જરી આઘી
નથી એટલુંયે એને સમજાતું કે છાંટવાનાં પાણી નથી રે પિવાતાં
આજ એવાં કૌતુક અમે દીઠાં
ચાખીને જોયા, તો મોટા મોટા શેઠિયાઓ
માણસ જેવા જ લાગે મીઠા
એક તો પતંગિયાંઓ પાક્કાં પિયક્કડ, ને પાંખડીએ પાંખડીએ પીઠાં
– ઉદયન ઠક્કર
લયસ્તરોના તમામ ચાહક કવિમિત્રો અને ભાવકમિત્રોને હોળી પર્વની શુભેચ્છાઓ..
પરંપરિત ગીત સ્વરૂપથી સહેજ અલગ ચીલો ચાતરતું મજાનું હોળી ગીત આજે માણીએ. મુખડા અને પૂરકપંક્તિ વિનાનું ગીત ચાર બંધથી બન્યું છે. ત્રીજો બંધ પાંચ પંક્તિનો છે અને પહેલા અને છેલ્લા બંધ સિવાય કવિએ ચુસ્ત પણ ઉન્મુક્ત પ્રાસનિયોજના સ્વીકારી છે. પ્રચલિત ગીતની ભાષા કરતાં ભાષાની રુએ પણ આ રચના ઉફરી તરી આવે છે. અને ગીતની છેલ્લી પંક્તિ તો સ્વયં એક કવિતા છે..
March 21, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
બારીમાંથી ગગન પાડતું સાદ!
. સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
. સાદ ના પાડો.
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ:
. સાદ ના પાડો.
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે ક્યા કિરણથી વનમાં?
ઘુવડનાં માળામાં આવી સૂરજ પાડે સાદ!
. સાદ ના પાડો.
. અમે દીવાલો, નથી અમારે પાંખ:
. સાદ ના પાડો.
– ચંદ્રકાન્ત શેઠ
સંવેદના ગુમાવી બેઠેલા માણસોનું રાષ્ટ્રીય ગીત બની શકે એવી અદભુત રચના. મનુષ્યનું બહારની દુનિયા સાથે પુનઃસંધાન કરી આપવાની વ્યવસ્થાનું બીજું નામ જ બારી. બારણાં કેવળ આવજા માટે વપરાય, પણ બારીનો હાથ ઝાલીને આપણે અસીમ આકાશની સફરે ઊપડી શકીએ છીએ. કંઈ એમનેમ મીરાંબાઈએ ગાયું હશે કે, ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી? દીવાલો જેવી આપણી જડ સંવેદનાની વચ્ચે ક્યાંક લાગણીની એકાદી બારી ભૂલથી રહી ગઈ હોય એને પ્રકૃતિ સાદ દઈ રહી છે, પણ આપણી પાંખો તો દીવાલોમાં જ ચણાઈ ચૂકી છે, એટલે આપણે એમ જ કહેવું પડે ને કે અમને સાદ ના પાડો! સૂનકારના સાગરમાં ડૂબી ચૂક્યાં હોય એવાં વ્હાણ છીએ આપણે. આપણાં કાન પણ પથ્થરનાં. પડછાયાના અંધારની બનેલી આપણી આંખોને તેજની જાણ કઈ રીતે હોય? ઘુવડના માળામાં આવીને સૂરજ સાદ પાડે તો કોણ સાંભળે?! પથ્થર થઈ ગયેલી ચેતનાને સંકોરતું-ઝંઝોડતું આ ગીત એના પ્રવાહી લય અને ચુસ્ત બાંધાને લઈને વધુ સંતર્પક બન્યું છે.
March 10, 2024 at 11:49 AM by વિવેક · Filed under ગીત, નંદિતા મુનિ
મારી બારીએ ઝૂકેલી ડાળી ૫૨ બેસીને
બપ્પોરે કોયલનું બોલવું-
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
ધીખતા બપો૨માં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હો૨-
આ બન્ને બાગીએ નથી રાખી-
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને,
મૂંગા ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
મળે એક પીંછું કે પાંખડી, તો હુંય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
– નંદિતા મુનિ
ઉનાળો આંગણે આવીને ઊભો છે. થોડા દિવસોમાં સૂરજદાદા આગ ઓકવું આરંભશે અને ધીખતી બપોરે ગામો અને શહેર બધે કેવળ સૂનકાર સળગતો દેખાશે. પણ આવી બળબળતી બપ્પોરે એક કોયલ અને એક ગુલમહોર – આ બે જ બાગીઓ સૂરજની આણ સ્વીકારતા નથી. કોયલ પાસે તો કંઠ છે એટલે એ નફકરી થઈ મોકળા સ્વરે ગાય છે, અને ગુલમહોર પાસે કંઠના સ્થાને રંગ છે, એટલે એ જેમ સૂરજ વધુ તપે એમ વધુને વધુ ખીલે છે. કવયિત્રીની બારી પર ઝૂકેલી ડાળ ઉપર બપોરે કોયલ જે ટહુકા કરે છે એની મદભરી મીઠાશનું મૂલ તોલી શકાય એમ નથી, કારણ આ ‘કૉમ્બિનેશન’ એમના માટે પ્રરણાદાયી સિદ્ધ થયું છે. કેવળ કોયલનું એક પીંછું કે ગુલમહોરની એક પાંખડી પણ મળી જાય તો તેઓ સૂરજ સામે ધીંગાણું માંડવા તૈયાર છે.
મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.
આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.
– વિનોદ જોશી
વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…
રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.
January 27, 2024 at 10:56 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
“આપણામાંથી કો’ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને હુકા ગડગડાવે;
“કો’ક તો જાગો, કો’ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે,
જાગવું ઝોલાં ખાય રે તંયે જાગવું ઝોલાં ખાય
મર્યને મલક જાય ખાડામાં
મર્યને મૂડી જાય ભાડામાં
મર્યને જુવાન જાય ધાડામાં
બાપદાદાના સોનલા ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડા ખૂંદી ખાય, દાગીના ગીરવે મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે
જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય
ચેતજો ખાલી નામ છે મોટાં
ચોફરતે ચળકાટ છે ખોટાં
થીર રહે ના ગોળિયા લોટા
કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપના હારે ઘેનની ગોળી પાઈને વાંહા થપથપાવે.
જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય
નપાણીયો આ રોગ છે છાનો
ખૂબ જગાડ્યો મોટડો નાનો
તોય ચડ્યો ના વીરને પાનો
દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ ન આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે
જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય
હાય હવે તો એક જ આરો
ઘૂમટામાંથી થાય હોંકારો
ગઢમાં છો ને થાય દેકારો
દાંતીયા મેલી, આભલા મેલી, કાજળ-ચૂડી- ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે
જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય
થઈ ન એકે પળ રે ખોટી
તેજ કર્યા હથિયાર, હથોટી
એકલપંડે કોટિ કોટિ
ગામની બાયું રણશીંગા લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચા સૌના બહેરા કાનના પડળ ધણધણાવે
જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય
-પારુલ ખખ્ખર
*’આપણામાંથી કોક તો જાગે’ પંક્તિ : વેણીભાઈ પુરોહિત
લયસ્તરો પર આ સપ્તાહાંત જાગૃતિકાવ્યોને સમર્પિત છે. પહેલાં આપણે મનોહર ત્રિવેદીની એક ગઝલમાણી. ગઈકાલે વેણીભાઈનું એક ગીત ‘કોક તો જાગે’ માણ્યું. ત્રણ અલગ-અલગ પેઢીના કવિઓ પાસેથી એક જ વિષય પર અલગ-અલગ રચનાઓ આપણને સાંપડે છે. વેણીભાઈના ગીતની નાનકડી ધ્રુવપંક્તિનો હાથ ઝાલીને કવયિત્રી એમના ગીત જેવું જ મસમોટું ગીત આપણને આપે છે. વેણીભાઈએ અનિયત પંક્તિસંખ્યાવાળા દરેક બંધના પ્રારંભે ચુસ્ત પ્રાસનિયોજના વાળી ત્રણ-ત્રણ ટૂંકી પંક્તિઓની ગૂંથણી વડે રચનાને દ્રુત ગતિ આપી હતી, એની સામે આ રચના ચુસ્ત સંરચના ધરાવે છે. દરેક બંધના પ્રરાંભે ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓ, સાથે લાંબીલચ્ચ પૂરક પંક્તિ અને છેવાડે નજીવા ફેરફારવાળું ધ્રુવપદ – નિયત આરોહ-અવરોહને લઈને ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. વેણીભાઈ આપણામાંથી કોક તો જાગેની આહલેક જગાવીને તું જગ્યો છે તો તું જ આગળ વધ એમ આહ્વાન આપે છે, પણ હવેનો જમાનો બદલાયો છે. કવયિત્રી જુએ છે કે આ કહેવાતા મરદમૂંછાળાઓમાંના કોઈ કદી જાગવાના નથી. છેવટે એક જ આરો બચે છે ને તે એ કે ઘુંઘટ પાછળ પોતાના અસ્તિત્ત્વને લોપીને જીવી રહેલી સ્ત્રીઓ મરદ બની, આગળ આવે. આ વિના ‘જાગવું’ કદી જાગનાર નથી.
આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!
એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!
– વેણીભાઈ પુરોહિત
ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
– રાવજી પટેલ
આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.
‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.
મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…
નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે
હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…
વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે
પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…
– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…
કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.
ચિત્ત કશે ના લાગે અમને, ક્યાય મળે ના ચેન
આઠ સમા પણ ઓછા પડતા, સમરણ ખૂટે એમ
જપ, તપ, ધ્યાન, સમાધિ, સુરતા રાતદિવસનું વ્હેણ
હરિવર! રાખો મારાં વેણ
કર્મ, વિકારો છોડ્યા, છૂટ્યા તો સમજાયો ભેદ
જેને ભાળ અલખની લાધી, એ જણ ચારો વેદ
પ્રાણ બનીને પ્રાણ હર્યા રે, જીવવુંયે જીવલેણ
હરિવર! રાખો મારાં વેણ
‘પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે
હંસારાણા શાને થાવું ‘નહીં સાંધો નહીં રેણ’?
હરિવર! રાખો મારાં વેણ
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
કવયિત્રીના કાવ્યસંગ્રહ ‘અલખ મલક અજવાળું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…
અન્ય કોઈ નહીં, કેવળ એક જ આરત છે- જીવનભર નહીં મળે તો વાંધો નહીં, બસ,અંત ઘડીએ ઈશ્વરદર્શન થવા જોઈએ. નથી ચિત્ત ક્યાંય લાગતું, નથી ચેન મળતું. રાતદિ ચાલતાં જપ-તપ વિ. માટે આઠ પહોર પણ અપૂરતાં અનુભવાય છે. અલખની ભાળ લાધે એ વ્યક્તિ સાક્ષાત્ ચતુર્વેદ છે. પ્રાણ બનીને પ્રાણ હર્યાનો યમક અલંકાર પણ પ્રભાવક થયો છે. અન્યોની સેવા કાજે પરસેવો પાડે એ પોતે તો તરે જ, અન્યોને પણ તારે. જે અધવચ્ચેથી ચલિત થઈ જાય એ પોતે તો મરે જ, અન્યોને પણ મારે.
રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.
કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.
વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…
ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.
કવિતા એટલે હિમશિલાની ટોચ- દેખાડે એના કરતાં નવ ગણું સપાટી નીચે હોય. બે પ્રિયપાત્રો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. સંબંધવિચ્છેદ થઈ ચૂક્યો છે. શી સમસ્યા છે અને વાત વિચ્છેદ સુધી કેમ પહોંચી એ બાબતમાં કવયિત્રી મૌન છે. પણ એટલું સમજાય છે કે અનેકાનેક કોશિશો બાદ નાયિકાએ હવે સંજોગો સામે ન માત્ર સમાધાન સાધી લીધું છે, પણ કૃતનિશ્ચયીપણું પણ જાહેર કર્યું છે. અઠવાડિયાના સાતે દહાડા ને દિવસના આઠે પહોર અને પળેપળની પ્રતીક્ષાને કાયમી તિલાંજલિ દઈ એણે ઓશીકા હેઠે મેલી દીધી છે. ધ્યાન રહે, ફેંકી નથી દીધી, પણ પોતાના માથાની સાવ નજીક ઓશીકા હેઠે મૂકી રાખી છે. આખરે તો સ્ત્રી છે. એનો મક્કમમાં મક્કમ નકાર કે અહમ પણ પ્રેમ સાંપડતો હોય તો એ જતો કરી શકે છે. પુરુષ આવું ભાગ્યે જ કરી શકે.
આંસુઓ તડકે સૂકવવા નાંખ્યાં છે, હૈયું ફૂંકી નાંખ્યું છે, કોઈ સાંભળી ન શકે એવી ચીસો પાડી છે અને છાતીમાં વેરાન વ્યાપી ચૂક્યું છે. વહાલની મીઠી નદીઓને ખારા આંસુઓના સાગરમાં એવી ડૂબાડી દીધી છે કે હવે ન તો એ નદીઓ ફરી કદી જડશે, કે ન તો એ મીઠાશ પુનઃ સાંપડશે. દિશાઓ કે ઋતુચક્ર –બધાં પોતાના સંદર્ભ ગુમાવી ચૂક્યાં છે. ઉપર ભલે રાખ પથરાયેલી લાગે, પણ તળે તો હજી અંગારા જેવી સદીઓની પ્યાસ અને પીડા ભડભડી રહ્યાં છે. નાયિકાએ જો કે અણગમતી વસ્તુની પેઠે એને થૂંકી દીધી છે. પગ તળે તમામ ડૂસકાં-ડૂમા સારી પેઠે કચડી નાંખ્યા છે. ખબરદાર જો, હવે આંખ ભીની થઈ છે તો!
વિનોદ જોશીના ગીતો એકીસાથે બે અલગ સ્તરે વિચરણ કરે છે. એક તો, લયાવર્તનોના વૈવિધ્ય અને ભાષા પરની પકડના કારણે એમનાં ગીત સમજાય એ પહેલાં તો ભાવકના હૈયે વસી જાય છે. લયનો કાન પકડીને ધારી ઊઠબેસ કરાવવાની કળા હસ્ત અને હૈયાગત હોવાથી એમના ગીતોનો લયનાદ અલગ તરી આવે છે. ગીતસ્વરૂપ વૈવિધ્યને એક સ્તર ગણીએ તો એમનાં ગીત અર્થગર્ભના અલગ સ્તરે પણ સમાંતર ગતિ કરતાં જણાય છે. યોગ્ય ભાવકસજ્જતા વિના આ અર્થસંકુલ ગીતો તરત હાથ આવતાં નથી. તાત્ક્ષણિક ભાવાનુભૂતિ અને પછીથી અર્થાનુભૂતિ એ કવિનો વિશેષ છે. પ્રસ્તુત રચના પણ કવિની લયસિદ્ધિની દ્યોતક છે. દોઢ પંક્તિની દરેક કડીમાં લયના ત્રણ અલગ આવર્તન અનુભવાય છે, જે ગીતને સતત આરોહ-અવરોહમાં રમતું રાખે છે.
સ્વરૂપવાન નાયિકા ઉંબરે ઊભાં છે. ઉંબરો તો આમેય ઘર અને બહાર વચ્ચેની ક્ષિતિજરેખા જ છે, છતાં કવિ અધવચ ક્રિયાવિશેષણ ઉમેરીને નાયિકાની ‘ન ઘરના-ન ઘાટના’વાળી સ્થિતિને અધોરેખિત કરે છે. ઝાલરનું વાગવું આ ‘અધવચ’ને વધુ અસરદાર બનાવે છે. દિવસ અને રાતની અધવચનો સંધ્યાકાળ એટલે ઝાલરટાણું. ઝાલર વાગે છે, નાયિકા રાહ જોઈ રહી છે પણ મનનો માણીગર દેખાતો નથી. બનવાજોગ છે કે જનારો ઝાલરટાણે આવી જવાના કૉલ દઈ ગયો હોય એટલે, જૂઠો દિલાસો દેતી ઝાલરને કવિ જૂઠડી વિશેષણથી નવાજે છે. દિવસની જેમ જ દીવડાની જ્યોત પણ ઝાંખી પડી રહી છે અને નિરાશાનાં ઘનઘોર અંધારાં ઘેરી વળ્યાં છે. અંધારા માટે કવિએ ‘ઊભાં’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જે અંધારાની અચલતા પણ નિર્દેશે છે. આ અંધારાં હવે દૂર થવાનાં નથી. હતાશ સ્ત્રીના અનવરત વહેતા આંસુઓના ઘોડાપૂરમાં આખરે સુહાગનું સિંદૂર પણ ધોવાઈ જવાની પીડાનું કરુણગાન કવિએ ગજબ કમનીયતાથી રજૂ કર્યું છે.
કયા ધોરણમાં એ તો યાદ નથી, પણ શાળામાં આ કવિતા ભણવામાં આવી અને ગમી ગઈ. એ સમયે તો ગુજરાતી વાચનમાળામાં હોય એટલી કવિતાઓ કંઠસ્થ કરી લેવાની આદત હતી. પાછળથી આ કવિતા અજિત-નિરુપમા શેઠની કેસેટ મારફતે ફરી રૂબરૂ થઈ. મને ખ્યાલ પણ ન આવે એ રીતે આ કવિતાએ જીવનમાં ઘણીવાર ટેકો કર્યો છે. માર્ગ સૂઝતો ન હોય, આગળ અંધારા સિવાય કશું નજરે ન ચડતું હોય ત્યારે-ત્યારે આ કવિતાએ ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર’ બનીને ‘અરુણ ભોર’ પ્રગટશે જ એ બાબતે હૈયાધારણા આપી છે. આજે તો ‘ગરમાળો’ અને એની ‘તાપ વધુ-ફૂલ વધુ’ની તાકાત મારી નસોમાં વહેતું રુધિર બનીને વહે છે, પરંતુ જ્યારે હું ગરમાળાના વૃક્ષથી બિલકુલ અપરિચિત હતો એ સમયે ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ મારા જીવનનો તકિયાકલામ બન્યો હતો. વેદની ઋચાની જેમ આ પંક્તિ મારા અસ્તિત્વમાં રણકતી આવી છે, રણકે છે અને રણકતી રહેશે… આ કવિતાએ મને ‘પોઝિટિવિટી’ શીખવી છે. કવિતાને અને કવિને મારી સો સો સલામ!
મારા માટે ‘‘પ્રેરણાપુંજ- રાહ ચીંધતી કવિતાઓ” કઈ એમ કોઈ સવાલ કરે તો મારા કેટલાક જવાબોમાંનો એક તે આ કવિતા. બહુ નાનો હતો ત્યારે અભ્યાસક્રમમાં આ રચના સાથે મુલાકાત થઈ હતી. જે સમયે જીવન કે કવિતા –બંનેમાં બહુ ઊંડી સમજ નહોતી પડતી એ સમયે પણ આ કવિતા ખૂબ વહાલી થઈ ગઈ હતી. એટલા સરળ શબ્દોમાં અને નાના-નાનાં વાક્યોમાં ચુસ્ત પ્રાસાવલિ સાથે કવિતા રચાઈ છે કે સહેજેય પ્રયત્ન કર્યા વિના જ આખી રચના કંઠસ્થ થઈ ગઈ હતી. આજેય ચાર બંધ તો કોઈ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને બોલવા કહે તોય કડકડાટ બોલી શકું. બાળકાવ્યમાં હોવી ઘટે એવી સરળતા સાથે આવું અદભુત ગીત રચવું એ કંઈ નાનુસૂનું કવિકર્મ નથી.
આ કવિતા મને રાહ ચીંધતી કવિતા લાગે છે એનું બીજું કારણ એ કે આ કવિતા સાચા અર્થમાં જીવતો એક માણસ મારી જિંદગીમાં હતો. જિંદગીનો બહુ મોટો હિસ્સો મેં એ માણસની સાથે વિતાવ્યો છે. એ માણસ તે મારા પપ્પા. ‘પૈસો હાથનો મેલ’ હોવાની વિભાવના એમણે ખરેખર ચરિતાર્થ કરી બતાવી હતી. પોતે લાખ તકલીફોમાં કેમ ન હોય, પણ મદદ માંગવા આવનાર કદી ખાલી હાથે ન જાય એનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એમની આ દાતારવૃત્તિનો ઘરમાં પુષ્કળ વિરોધ થતો હોવા છતાં એમણે આ સખાવતને કદી તાળું માર્યું નહોતું. આ મદદ કેવળ પૈસાની જ નહીં, તમામ પ્રકારની. આજે તો પપ્પા નથી, પણ મને ખુશી છે કે એમની કનેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું મેળવી શક્યો છું. એમની જેમ હું દરેકને મદદ કરતો ફરતો નથી, પણ પૈસાની બાબતમાં હાયવોય ન કરવાનું હું એમની પાસેથી શીખ્યો છું. ધન બાબતે એમની પાસેથી વારસામાં મળેલી સંતોષવૃત્તિના કારણે રાત મારે પડખાં બદલીને પસાર કરવી નથી પડતી. આ કવિતા મારા માટે પ્રેરણાપુંજ છે, કારણ આ કવિતા મને મારા પપ્પા સાથે મુલાકાત કરાવે છે.
આ વીરરસનું કાવ્ય અહીં પ્રેરણાકાવ્યોના સંપુટમાં શીદને ? – જવાબ થોડો અંગત છે –
ઘણી વેળા જીવનમાં એવો ત્રિભેટો આવ્યો છે કે સંઘર્ષના રસ્તે જવું કે સમાધાનના તે સમજાય નહીં…..વળી જ્યારે સમાધાનના રસ્તે જવાની કિંમત એ હોય કે અપમાનના ઘૂંટડા ગળવા પડે,સ્વ-હાનિ અથવા પ્રિયજનોની હાનિ સહેવી પડે,ઘોર અન્યાય સહેવો પડે….-આવી આકરી કિંમત હોય. મ્હાંયલો કહેતો હોય કે આ નહીં જ સહન થાય, સંઘર્ષ કર ! પરંતુ સંઘર્ષના રસ્તે પણ ઓછો હાહાકાર ન દીસતો હોય…ઓછો સાર્વત્રિક વિનાશ અનપેક્ષિત ન હોય – ત્યારે શું કરવું ? –
અંદર તો એવું અજવાળું, અજવાળું
સળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખેય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું
– માધવ રામાનુજ
ખરી પ્રેરણા અને જીવંદિશા પ્રાપ્ત કરવા બહાર ક્યાંય ફાંફા મારવાની કોઈ જરૂર નથી. આપણો ગુરુ, આપણી પ્રેરણા, આપણું અજવાળું આપણી અંદર જ વિદ્યમાન છે. અજવાળાનો ઈતિહાસ નક્કી અંધારું જ હોવું જોઈએ. અંધારા વિના અજવાળાની ઓળખ હોઈ શકે?! પછી એ અંધારું-અજવાળું બહારનું હો કે અંદરનું. ઘોર નિરાશા-હતાશા કે દારુણ દુઃખનું અંધારું ભલે બહારના કારણથી આવ્યું હોય પણ એ પ્રગટે છે અંદરથી જ. અને એને દૂર કરનારું પ્રેરણાપુંજરૂપી અજવાળું પણ બહાર ક્યાંય નથી હોતું, આપણી ભીતર જ હોય છે. આપણી ભીતરનો ફાયર ઓફ ડિઝાયર જો પ્રબળ હોય તો એ બીજાના અંધારાને દૂર કરનાર સ્પાર્ક પણ બની શકે છે.
હસ્તાક્ષર આલ્બમમાં શુભા જોષીનાં અવાજમાં શ્યામલ-સૌમિલનાં સંગીતમાં આ અજવાળું જાણે આપણા કાનને સ્પર્શતું હોય એવું લાગે છે. ભીતરનાં આ અજવાળાની અનુભૂતિ માણો, ટહુકો.કૉમ પર.
અજવાળું એ આપ અનોખું, નોખું શેં પરમાણું જી
અજવાળે અજવાળું ભળતાં ઊકલે એ ઉખિયાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
– ચંદ્રવદન ચી. મહેતા
મધ્યયુગીન ભજનપરંપરા અને આધુનિક ગીતના સંધિસ્થળે ઊભેલી રચના. આત્માના ચેતનપુંજની આ વાત છે. જ્યોતિ જ્યાંથી આવી છે, ત્યાં જ ભળી જવાની છે. પણ આ આવન-જાવનની વચ્ચે એ થોડો સમય પંચમહાભૂતની બનેલી કાયામાં બંધાય છે. આત્મા પરમ-આત્મામાં ભળે એ જ આ ઉખાણાંનો ઉકેલ છે. કવિના ‘કેમ કરી સંભાળું’નો જવાબ પણ આ જ છે.
નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
આજ તો એવું થાય….
– દેવજી રા. મોઢા
ગુજરાતી ગીતોનો બહુ મોટો હિસ્સો કૃષ્ણપ્રેમની આરતનો છે. સોળ શણગાર સજીને વનરાવનને મારગ નીકળેલી ગોપીને મનમાં ‘માધવ મળી જાય તો કેવું સારું’ના કોડ જાગ્યા છે. જીવ પ્રતીક્ષારત્ હોવાથી રોજિંદી વાટ પણ હવે લાંબી લાગે છે અને પગ ચાલતાં હોવા છતાં થંભી ગયા હોવાનું પ્રતીત થાય છે. સૃષ્ટિ પણ ચામરઢોળ કરતી હોય એમ લાડ લડાવે છે. સૂકાં પાન ખખડે એમાંય વાંસળીવાદનનો ભાસ થાય છે. ચિત્તના ચાતકને કેવળ માધવનો મેઘ જ તુષ્ટ કરી શકે એમ છે. અને માધવ જો મળી જાય તો એને લઈને આજે તો એવા આકાશમાં ઊડી જવું છે, જ્યાં વિરહનો વાયરો કદી વાય જ નહીં! પંક્તિએ-પંક્તિએ વર્ણસગાઈ, ચુસ્ત પ્રાસાવલિ, પ્રવાહી લય અને સુઘડ રજૂઆતના કારણે ગીત તરત જ હૈયે ઘર કરી જાય છે.
November 25, 2023 at 10:54 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે? ના… રે… ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો
ચકલીની માફક નવાય છે? ના… રે. ના
ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને
વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું
પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે?
એવું કંઈ કોઈને પૂછાય છે? ના.. રે.. ના
ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,
બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી
શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,
ચકલીને ભાગી શકાય છે? ના… રે … ના
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના
– નયન દેસાઈ
કવિતા આમ તો અમૂર્ત અગોચર પદાર્થ. પણ ક્યારેક જો કવિતાને પ્રયોગદેહ લેવાનું મન થાય તો એનું નામ નયન દેસાઈ જ હોઈ શકે. નયનભાઈએ કવિતારાણીને જેટલાં લાડ લડાવ્યાં છે એટલાં બહુ ઓછા કવિ લડાવી શક્યા છે. આ ચકલીગીત જુઓ. જે જમાનામાં મોબાઇલ નહોતા અને ચકલીઓનું આખા શહેરમાં એકહથ્થુ શાસન હતું એવા કોઈક સમયે લખાયેલી આ રચના છે. એ સમયે ચકલી લોકજીવનનો જ એક ભાગ હતો. એની ચીંચીંથી અળગા થવાનું કે રહેવાનું સંભવ જ નહોતું. એક તરફ સમગ્ર સૃષ્ટિની પટરાણી ચકલી છે અને બીજી તરફ સામેના ઘરમાં કથકના હૈયાની પટરાણી નામે સ્વીટી છે. આ બે ધ્રુવ વચ્ચે હીંચકાગતિ કરતું તોફાની ગીત અર્થની પળોજણમાં પડ્યા વિનાય મધમીઠું ન લાગે તો કહેજો.
November 23, 2023 at 11:29 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
નીંદર વેડીને લીધા લખલૂટ ઉજાગરા ને ઝળઝળિયાં વેડીને રાત,
છાતીમાં વાંભ વાંભ ઉઝરડા ઊછળે પણ કરવી તો કોને જઈ વાત ?
સીંચણિયું બાંધીને આંસુ ઉલેચવાની રોજ કરું અણગમતી દાડી,
ઉપરથી એટલુંય ઓછું કંઈ હોય એમ લીલીછમ રાખવાની વાડી,
વેઠી વેઠાય નહીં એવી તે વેઠ જોવા ઊમટી છે સમણાંની નાત.
છાતીમાં વાંભ વાંભ…
તોળાતી છત પર જો તાકી રહું તો લાગે ખાલીખમ આંખોનો ભાર,
મીંચી દઉં પળભર તો ખર ખર ખર ખરતો આ પાંપણમાં બાઝેલો ખાર,
અંધારું ઓઢાડી પોઢાડી દઉં હવે ઢોલિયામાં ઊકળતી જાત.
છાતીમાં વાંભ વાંભ…..
– જયંત ડાંગોદરા
પ્રિયજન છાતીમાં વાંભ વાંભ ઉછાળા મારે એવા કારા ઘાવ આપીને ગયો છે એને લઈને નાયિકાના ભાગે લખલૂટ ઉજાગરા વેઠવાનું આવ્યું છે. નાયિકાની રાતના કાળા આકાશમાં અગણિત તારાઓના ઝળહળાટનું સ્થાન ઝળઝળિયાંઓએ લીધું છે. સીંચણિયું તો બાંધ્યું છે પણ જીવતરના કૂવામાંથી મિલનના અમરતના સ્થાને ઝેર જેવાં આંસુ ઉલેચવાની ફરજ પડી છે. રોજેરોજની આવી નોકરી ગમે તો કેમ, પણ માથે પડી છે તે કરવી પડે છે. ને આટલું ઓછું હોય એમ ઘરસંસાર પણ વ્યવસ્થિત રાખવાનો. ભીતરના ભાવસંચરણનો કોઈને અણસારેય ન આવવો જોઈએ. પ્રીતમની અનુપસ્થિતિમાં છત સામે તાકી રહે તો ખાલી આંખોનો બોજ અનુભવાય છે અને આંખો મીંચે તો ખર ખર ખર ખારાં આંસુ વહેવા માંડે છે. પળ-ભર-ખર-ખર-ખર-ખર(તો)-ખાર : આ વર્ણસગાઈ એવી સરસ રીતે પ્રયોજાઈ છે કે આંસુ રીતસર ટપ ટપ ટપકતાં હોવાનું અનુભવાયા વિના રહેતું નથી.