પીળું પાંદડું – નીતિન વડગામા
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં:
બોલ, હવે કેટલુંક રહેવાનું જીવતરના જર્જર મકાનમાં?
એક દિ’ અમેય કૂણાં પગલાં પાડીને
તારી કૂખનેય કેવી ઉજાળી’તી?
કેટલીય આંખ્યુંમાં ટાઢક ઉગાડવાને
લીલપવરણી જાત બાળી’તી.
પાંદડાંએ કામણ કીધું’તું વેરાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.
નસમાં પીળાશ આજ વ્હેતી દેખીને અમે
ઉકેલ્યું આયખાનું પાનું,
પંખીની જેમ હાથ અમને પણ લાગ્યું છે
હળવેથી ઊડવાનું બ્હાનું.
પાંદડાંએ સમજાવી દીધું’તું સાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.
– નીતિન વડગામા
કહે છે કે કવિતા કહે ઓછું અને છૂપાવે વધુ. મુખરતાને કાવ્યાનુભૂતિમાં વ્યવધાન ગણવામાં આવી છે, પણ આ ગીત જુઓ… કવિએ કશું જ મોઘમ રાખ્યા વિના જે કહેવું છે એ પાંદડાને પ્રતીક બનાવી સીધેસીધું જ કહ્યું છે. પરંતુ પ્રવાહી લય અને સુસ્પષ્ટ બયાનીના કારણે કેવો અલગ જ ઊઠાવ આવ્યો છે! સીધી બાત, નો બકવાસનું પણ આગવું સૌંદર્ય છે, ખરું ને! ટૂંકમાં કહી શકાય કે તમામ સ્થાપિત નિયમોને ચાતરીને આગળ વધી જાય એ કવિતા…
KAUSHIKKUMAR SHANTILAL patel said,
January 24, 2025 @ 12:43 PM
વાહ… મુખરતા ફળી છે…. સુંદર ગીત..⚘
કિશોર બારોટ said,
January 24, 2025 @ 12:47 PM
બહુજ સુંદર ગીત.
કવિને અભિનંદન.
લતા હિરાણી said,
January 24, 2025 @ 1:09 PM
બહુ સુંદર નાજુક નમણું ગીત…
સુનીલ શાહ said,
January 24, 2025 @ 2:31 PM
મઝાનું ગીત..
શૈલેશ ગઢવી said,
January 24, 2025 @ 5:36 PM
સુંદર ગીત.
Nitin Vadgama said,
January 24, 2025 @ 11:11 PM
વાહ ! ગીતને સુંદર રીતે ઉઘાડી આપ્યું. આનંદ…આનંદ…
Varij Luhar said,
January 31, 2025 @ 2:25 PM
વાહ.. સરસ ગીત