ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સોનેટ

સોનેટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નિર્મિશાંજલિ :૦૧: પુત્રને પહેલીવાર શાળાએ મૂકતી વેળા – નિર્મિશ ઠાકર

(મંદાક્રાન્તા-સૉનેટ)

ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!

– નિર્મિશ ઠાકર

(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….

હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.

વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.

Comments (4)

ઘર : ૦૨ : નવું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

નવા બંધાવેલા ઘર મહીં અમે દાખલ થયાં
અમોને લાગ્યું કે ત્યજી દઈ અમે એક તટને
બીજે કાંઠે પહોંચ્યા કઠિન પટને પાર કરીને
પરંતુ જૂનાનાં સ્મરણ પણ ક્યાં વિસ્તૃત થતાં?
હતો મોટો વાડો, રમણીય વળી આંગણ હતું,
ફુલોના ગુચ્છાથી મઘમઘ થતો બાગ પણ ત્યાં
હતો, ને બંધાઈ કંઈ વરસની ગાઢ પ્રીતથી
પુરાણા બંધોની હૂંફ તણીય ત્યાં સંગત હતી,
હવે છોડી આવ્યા જનકતણું એ ગ્રામીણ ઘર
અને આવી પહોંચ્યા નગરભૂમિના ભવ્ય ઘરમાં,
થવા માંડ્યું તેમાં સ્થગિત બધું પાછું પ્રવહિત,
નવી દષ્ટિ લાધી, નવીન વળી દશ્યો પ્રકટતાં.
અને લાગે છે કે જલકણી મટી વાદળ થયાં
નવા બંધાયેલા ઘર મહીં અમે દાખલ થયા.

– હસમુખ મઢીવાળા

‘ઘર’ સોનેટદ્વયમાંથી ગઈકાલે આપણે ‘જૂનું’ ઘર જોયું. આજે જોઈએ ‘નવું’ ઘર. ગામના જૂના અને શહેરના નવા ઘર વચ્ચેનો કઠિન પટ પાર કરીને કવિ જાણે કે એક તટ પરથી બીજા તટે પહોંચ્યા. શરીર તો નવા ઘરમાં પ્રવેશી રહ્યું છે પણ જૂના ઘરનાં સ્મરણો વિગત થતાં નથી. જે હોય તે, મૂળને વળગીને બેસી રહે એ વૃક્ષ વિકાસ ન પામી શકે. વિકસવા માટે મૂળ તો છોડવાં જ પડે. સમય સાથે નવું ઘર થાળે પડવા માંડે છે. સ્થગિત જિંદગી ફરી પ્રવાહી સમી વહેવા માંડી. અને નૂતન જીવનદૃષ્ટિ પણ લાધે છે. જળબુંદ મટીને જાણે કે વાદળમાં નવા ઘરમાં આવેલ પરિવાર પરિવર્તિત થયેલ અનુભવાય છે. મતલબ, ખાસો વિકાસ થયો છે. ગઈકાલના ‘સૅન્ડવિચ’ સૉનેટની જેમ જ આ સૉનેટમાં પણ પહેલી અને આખરી પંક્તિ કવિએ એકસમાન રાખી છે. ઘર વિશેનું આ સૉનેટ વાંચીએ ત્યારે બાલમુકુન્દ દવેનું અમર સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’ પણ યાદ આવ્યા વિના નહીં રહે.

Comments (4)

ઘર : ૦૧ : જૂનું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

ગમે તેવું તોયે ઘર જનકનું સ્વર્ગ સરખું
અહીં આ ખૂણામાં જનમ મુજ મીઠી હૂંફ ભરી
થયો બાની કૂખે, અહીં જ કર્યું પહેલું બચબચ,
બિછાનુંયે ભીનું અહીં જ કર્યું’તું, ને ઘુંટણીયું
ભર્યું’તું ને માંડ્યાં ડગ પણ અહીંથી જ પ્રથમ;
અને શાળામાં જૈ જીવન તણી બારાખડીય તે
અહીંથી ઘૂંટી’તી, અહીં જ રહી મેં મુક્ત મનથી
રચ્યું’તું ભેરુનું દળ પણ હૂંફાળું, અહીંથી જ
પળ્યો’તો વિશ્વાસે સડક પર, ને હિમ્મત ધરી
દીધું’તું મેં સ્થાપી લઘુક પણ સામ્રાજ્ય અદકું,
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ,
અને સિદ્ધિઓ સૌ સ્મરી સ્મરી હું આકંઠ હરખું
ગમે તેવું તોયે જનકઘર વૈકુંઠ સરખું.

– હસમુખ મઢીવાળા

પિતાનું ઘર ગમે તેવું હોય, એ સ્વર્ગ સમાન જ હોવાનું. ‘ગમે તેવું’ને બંને અર્થમાં લઈ શકાય, ખરું ને? જે ઘર હવે ‘જૂનું’ થઈ ચૂક્યું છે એ ઘરમાં પોતાના જન્મ અને પ્રથમ ધાવણથી લઈને જીવનની બારાખડી શીખવા, મિત્રમંડળ બનાવીને દુનિયાદારીમાં પ્રવેશવા સુધીની તમામ વાતોનું કવિ અત્રે સ્મરણ કરે છે. કવિએ જણાવ્યું નથી, પણ આજે કદાચ માતા-પિતા હયાત નથી એટલે ગત સમયની સુવાસ અને સૌ સિદ્ધિઓને સ્મરી-સ્મરીને કવિ આકંઠ હરખે છે. સૉનેટની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ લગભગ એકસરખી હોવાથી કવિ આ પ્રકારને એપોતાની રચનાઓને ‘સૅન્ડવિચ સૉનેટ’ તરીકે ઓળખાવતા હતા. આવતીકાલે આ સૉનેટદ્વયમાંનું બીજું સૉનેટ માણીશું.

Comments (4)

નયનનાં મોતી : ૦૬ : વસંત-આગમને – નયન દેસાઈ

આ તાર તાર બજતા પવનો ઊડે લ્યા!
કીડી ચઢી મલપતી સરતી થડે લ્યા !
ડાળો અવાક નીરખે સૂંઘતી હવાને,
આ કેફ કેફ ક્યહીંથી મૂળિયે ચડે લ્યા!

આકાશથી ધુમ્મસનાં નીકળ્યાં વહાણો;
એ જાય દૂર સરતાં ૠતુનાં ચઢાણો.
ટોળે વળેલ તડકા વિખરાઈ ચાલ્યા,
લ્યો ઊકલ્યાં સમયનાં લિપિ ને લખાણો.

ને આ નદી સ૨૫ શી વહેવાય લાગી,
જાણે ઊઠી અબઘડી શમણાં જ ત્યાગી
થીજેલ બેય ફરકયા નદીના કિનારા,
ચારે દિશા રણઝણી શહનાઈ વાગી

ફૂલો સજેલ ધરણી રૂપ ઊઘડે લ્યા !
ધીમે ધીમે પવનને લય આવડે લ્યા!

– નયન દેસાઈ

નયન દેસાઈના ખજાનામાં ક્યાંક એકાદ ખૂણામાં સૉનેટના એકાદ-બે મોતી પણ મળી આવે ખરાં. મૂળે ગીત-ગઝલના માણસ એટલે પારંપારિક સૉનેટમાં સહજ અપૂર્ણાન્વય (enjambment, run-off lines) પ્રયોજવાથી એ દૂર રહ્યા છે. વાક્ય એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવાના બદલે પંક્તિ પૂરતું જ સીમિત રહે છે. વાત વસંતના આગમનની હોવાથી કવિએ કાવ્યવાહન તરીકે વસંતતિલકા છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાંચમી પંક્તિમાં ‘ધુમ્મસ’ શબ્દના પ્રારંભના અપવાદ સિવાય કવિએ છંદ સુપેરે નિભાવ્યો છે. સૉનેટની ચુસ્ત પ્રાસનિયોજના પર પણ ગીત-ગઝલનો સંસ્પર્શ વર્તાય છે. પંક્તિએ પંક્તિએ પૂર્ણ થઈ જતા વાક્ય સિવાય ગીતની સહજ બોલચાલની ભાષા કાવ્યસ્વરૂપને અતિક્રમીને અહીં પ્રવેશ પામી છે. લ્યા ને લ્યોથી સૉનેટ છલકાય છે. પવનથી શરૂ થયેલ વાત પવન પર પૂરી થાય એની વચ્ચે કવિનો કેમેરા કીડીથી લઈને આકાશ સુધી સૃષ્ટિ સમગ્ર પર ફરી વળે છે.

Comments (4)

ઑસ્ટ્રેલિયા – બર્નાર્ડ ઓ’ડાઉડ (અનુ.: વિવેક મનહર ટેલર)

ઑસ્ટ્રેલિયા

હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?

અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.

– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
કવિતા જેટલી અદભુત બીજી કોઈ કળા નથી… ક્યારેક કવિતા શીરાની જેમ સીધી ગળે ઉતરી જાય અને દિલને પણ સ્પર્શી જાય એવી હોય તો ક્યારેક અબોલારાણીની જેમ સાત પડદા પાછળ છૂપાઈ બેઠેલી પણ હોય… પુરુષાર્થ કરીને આ સાતેય પડદા ચીરવામાં ન આવે તો કવિતારાણી હાથ જ ન આવે એમ પણ બને. બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે. રચનાના વિશદ અસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.

*

Australia

Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?

The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.

– Bernard O’Dowd

Comments (1)

ઊઠો ના– – મહેશ જોશી

હવે તેા ઊઠો ના મુજ હૃદયના સુપ્ત ઈસુ હે!
સૂતા રહો વિશ્રંભે, સકલ રસવું સ્પન્દિત હયે:
સ્ત્રવેલા કારુણ્યે વિફલ ઉરના કોમળ પુટે
વસો છાના, છાના; વ્યથિત થઈને આજ ઊઠવા
ચહો છો, કિન્તુ છો જગત વ્યવહારોથી અબૂઝ
હજુ પહેલાં જેવા, સજલ બનતા સદ્ય હૃદયે
અસત્યોને હાથે સત હત થતું જોઈ હજીયે!
હજુયે ચાહો છો જડ જગત ઉદ્ધાર કરવા!

હજુયે ઇચ્છા છે અમૃત અવનીમાં વહવવા?
યદિ ઇચ્છા, આવેા, પ્રભુ, મુકુટ હયાં કંટક તણા
ખીલાઓ તીણા ને ક્રૂસ અહીં ઊભા જુગજૂનાં
નવાં રૂપે, અશ્રુ હજુયે દૃગ માંહે નિધનની –
પછી રોવા. ઊઠો નહીં નહીં હવે હે પરમ સતત્,
છતાંયે જો ઇચ્છા, ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના.

– મહેશ જોશી
(૨૩-૦૯-૧૯૩૩ થી ૨૫-૦૧-૨૦૧૮)

જગવ્યવહારથી ગમે એટલું માહિતગાર કેમ ન હોય, કવિહૃદય તો સદૈવ સર્વાનુકંપાથી ભર્યુંભાદર્યું જ હોવાનું. પોતાના હૃદયમાં સૂતેલા રામને-ઇસુને ફરીથી જાગૃત ન થવા કવિ કહે છે. કહે છે, પ્રભુ! આરામથી સૂતા રહો. પહેલાંની જેમ વ્યથિત થઈ ઊઠવાની આ ઘડી નથી, કારણ કે ઈશ્વર દુનિયાના વ્યવહારોથી સાવ અજાણ છે. અસત્યોના હાથે સતને હણાતું જોઈ હજીય ઈશ્વરનું હૃદય ભીનું થઈ જાય છે. જગતનો ઉદ્ધાર કરવાની ચાહના છૂટતી નથી. વાત આમ ઈશ્વરને સંબોધીને છે, પણ સમજાય છે કે કવિ પોતાની અંદર સૂતી અનુકંપાને જ સમજાવી રહ્યા છે. કંઈ કેટલાય અવતારો અને ધર્મગુરુઓ અવનિના પટ પર આવ્યા અને ચાલી ગયા. માનવજાતિના કલ્યાણ માટે એમણે વહાવેલ અમૃત જાણે કે દરિયામાં વહી ગયું. પણ દુનિયાને અમૃતની ભેટ આપવાની ઇચ્છા હજી મરી પરવારી નથી. અહીં આવીને કવિ ઈશ્વરને ચેતવે છે કે જો ફરી અવતાર ધારવાની અને મનુષ્યોને તારવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય તો ફરી કાંટાળા મુગટ, ખીલા અને ક્રૂસે ચડવા તૈયાર રહેજો કારણ કે યુગયુગોથી આ સામગ્રી મનુષ્યોએ એમનીએમ સાચવી રાખી છે અને અલગ-અલગ રૂપે તમામ ઉદ્ધારકોને મનુષ્યો એનાથી જ નવાજતા આવ્યા છે. આ દુનિયામાં હવે અવતાર લેવા જેવો નથી એમ વારંવાર કહ્યા પછી આખરે કવિ કહે છે કે જો અવતરવું જ હોય તો એક-એક મનુષ્યના હૈયામાં તેજના ઝરા બનો એ ઉત્તમ.

Comments (6)

ધૂમકેતુ – વિવેક મનહર ટેલર

(મંદાક્રાંતા)

સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.

તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.

મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.

હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.

– વિવેક મનહર ટેલર
(૦૭/૦૧-૦૮/૦૧/૨૦૨૨)

અસંખ્ય લોકોની વચ્ચે આપણે જીવીએ છીએ. તમામની પાસે પોતપોતાની મુદ્રા છે. તમામનો આપણા જીવન પર પોતીકો પ્રભાવ પણ છે. આકાશમાં પણ અસંખ્ય તારાઓ સાથે ચાંદ-સૂરજ અને ગ્રહો વિદ્યમાન છે. આ તમામની સ્થિતિ રોજેરોજ થોડી થોડી બદલાતી હોવા છતાં આપણને એ કાયમી સ્થિર જ લાગે છે… જે રીતે ભવ્યાતિભવ્ય આકાશ એની બહુવિધતા છતાં આપણને એકવિધ લાગે છે, એ જ રીતે આપણી ચોમેર ભાતીગળ પ્રકૃતિ ધરાવતા લોકો હોવા છતાં આપણને આ તમામમાં એકવિધતા જ અનુભવાય છે.

પણ હા, ધૂમકેતુની તો વાત જ નિરાળી.. દાયકાઓમાં એકાદ ધૂમકેતુ પૂંછડિયાળા પ્રકાશ સાથે આવીને ચાલ્યો જાય છે, પણ એની આભા કંઈ એવી અનોખી અને અદભુત હોય છે કે એની છાપ આખીય આભઅટારી કરતાં સવિશેષ અને સુદીર્ઘ અનુભવાય છે… જીવનમાં પણ કોઈક વ્યક્તિ આપણને આવી મળી જતી હોય છે, જે આપણા સંસર્ગમાં બહુ ઓછું રહી ચાલી જતી હોવા છતાં એની સ્મૃતિ આપણી ચારેકોર વર્ષો સુધી વીંટળાઈને જીવ્યે જતી વ્યક્તિઓ કરતાં વધુ તીવ્રતર બની રહે છે…

Comments (18)

સ્મરણકુસુમો – રમણ વકીલ

 

*
વહ્યાં વેગે વર્ષો જીવનજલ સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.

વહ્યાં વર્ષો તેમાં વિવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.

વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હૃદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.

– રમણ વકીલ

ગતિ જળનો સ્વ-ભાવ છે. અહીં વાત જીવનજળની છે. જીવનજળ પણ કદી થંભતાં નથી. વેગપૂર્વક સતત વહેતાં રહે છે. ક્યાંક એમાં મલિનતા ઉમેરાય છે, તો ક્યારેલ એ શાંત અને નીતરાં સ્વચ્છ થઈ જાય છે. ક્યારેક જીવનજળ વેગ સાથે ઊંચેથી નીચે પછડાય છે તો ક્યારેક વિશાળ પટ સાંપડતાં સૌમ્ય ગંભીર થઈ વહે છે. જળની જેમ જીવનમાં પણ કોઈ દશા સ્થાયી નથી હોતી. સુખ-દુઃખની આવનજાવન ચાલુ રહે છે. આશાઓ અને મહેચ્છાઓ ક્યારેક ફળે છે, ક્યારેક નથી પણ ફળતી.

પ્રિયજનોની વિદાયના સાક્ષી બનવાની પીડા પણ જીવનનો જ એક ભાગ છે. હૃદય કઠણ કરીને ચિતાઓ સળગતી જોવી પડે છે. પ્રિયજનના અસ્થિ-ભસ્મ નદી-સમુદ્રમાં વહાવી પણ શકાય છે, પણ યાદોનું વિસર્જન કરી શકાતું નથી. એનાથી મુક્તિ મળતી નથી. હૈયું આ સ્મરણકુસુમોને આંસુઓથી સીંચી-સીંચીને જતનપૂર્વક ઉછેર્યે રાખે છે…

જળ અને જીવનજળ વચ્ચે જો કે એક બહુ મોટો તફાવત પણ છે. જળ વહી જાય ત્યાં ફરી પરત ફરી શકતાં નથી પણ જીવનજળ જે સ્મરણપુષ્પો ખીલવતાં વહી જાય છે, એ સ્મરણ વહી ગયેલી ક્ષણોમાં અવારનવાર પ્રવેશ કરવા માટેનો વિકલ્પ જીવંત રાખે છે…

Comments (4)

કરોળિયો અને મોર : ૦૨: મોર – નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

– નિરંજન ભગત

ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:

મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!

Comments (7)

કરોળિયો અને મોર : ૦૧: કરોળિયો – નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.

– નિરંજન ભગત

‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…

સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.

પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.

આજે ‘કરોળિયો’ની વાત કરીએ:

કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!

Comments (7)

માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

Comments (10)

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (6)

વરસાદમાં મનને – જયન્ત પાઠક

ધીમું ધીમું વરસત ઘનો, ઉત્સરે માટી ગંધ;
ભીનું ભીનું સ્પરશત હવા પ્રેરતી રોમ સ્પંદ;
ઊંડે ઊંડે ઊતરત પડો ભેદી વારિ પ્રસન્ન;
ફૂટું ફૂટું થત ભીતરનું બીજ-ચૈતન્ય છન્ન.
ફોડી પૃથ્વી-પડ નીકળતો નાનલો એક છોડ,
પ્હેરી માથે પરણ-ફૂલનો રંગબેરંગી મ્હોડ,
રૂપે રંગે રસથી વનના પ્રાન્ત દેતો ઝબોળી,
ઘૂમે જેમાં ભ્રમર-મધુમખ્ખી-પતંગોની ટોળી.

આ ખીલ્યાનો અવસર, ઋતુ પ્રાવૃષી રંગરાગી,
તેમાં મારા મન, દર મહીં કેમ બેઠું ભરાઈ
રોવે ઘેરી ગમગીની, પડ્યું કેમ રે સંકુચાઈ,
મ્હોર્યાં રૂડા જીવનવનના સૌ રસાનંદ ત્યાગી?
તું, હે મારા મન! ઊઘડી જા – એક આનંદ-સ્ફોટ!
ને તારે ના પછી ભ્રમર-મખ્ખી-પતંગાની ખોટ.

– જયન્ત પાઠક

પહેલી આઠ પંક્તિઓમાં વર્ષા ઋતુ અને પ્રકૃતિના પ્રતિસાદનું મનોહર વર્ણન છે. વરસાદ ધીમું ધીમું વરસે છે, ભીની માટીમાંથી ગંધ ઊઠે છે. આછાવરસાદવાળી હવા ત્વચાને સ્પર્શે છે ત્યારે રોમેરોમ સ્પંદન અનુભવે છે. પ્રસન્ન જળ ધરતીના પડો ભેદીને ઊંડે ઊંડે સુધી ઊતરે છે. અને ધરતીમાં છૂપાઈને (છન્ન) બેઠેલ બીજમાંથી ચૈતન્ય ફૂટું-ફૂટું થાય છે. આખરે એક નાનો છોડ પૃથ્વીનું પડ ફોડીને બહાર આવે છે. (નાનલો શબ્દ તળગુજરાતની બોલીનો સંસ્પર્શ પણ કરાવે છે!) આ અંકુર (મ્હોડ)ના માથે રંગબેરંગી પર્ણ-ફૂલનો તાજ ધીમેધીમે ખીલે-ખુલે છે. વરસાદના રૂપરંગમાં સમગ્ર સૃષ્ટિ ઝબોળાઈ જાય છે અને ભમરા-મધુમાખી અને પતંગોની ટોળી મજા લે છે.

પણ કવિનું મન કોઈક કારણોસર આ રંગરાગની વરસાદી (પ્રાવૃષી) ઋતુમાં ખીલવાના અવસરે દર મહીં ભરાઈ ગયું છે. ઘેરી ગમગીની રોઈ રહી છે. જીવનવનમાં મહોરેલ તમામ રૂડાં રસ અને આનંદ ત્યાગીને મન શા માટે સંકોચાઈ પડ્યું છે એ સવાલ કવિને થાય છે. કવિ પોતાના દુઃખી મનને જે રીતે ધરતીનું પડ ફાડીને બીજ ફણગો થઈ બહાર આવે એ જ રીતે આનંદ-સ્ફોટ સાથે ઊઘડી જવા આહ્વાન આપે છે… ભીતર આનંદવર્ષા થવા માંડે પછી ઇચ્છા-સ્વપ્નોના કીટકોની કોઈ ખોટ પડનાર નથી…

પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને અંગત તકલીફો ભૂલી જવાની શીખ આપતી કેવી મજાની આ રચના છે!

અષ્ટકમાં અ-અ બ-બ પ્રકારે ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા બાદ ષટકમાં અ-બ-બ-અ ક-ક પ્રમાણે પ્રાસપલટો પણ કવિએ પ્રયોજ્યો છે, જે સૉનેટના અનિવાર્ય અંગ ‘વૉલ્ટા’ (ભાવપલટા)ને બરાબર માફક આવે છે.

Comments (4)

વધામણી – બળવન્તરાય ક. ઠાકોર

વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી.
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છોળ ઠેલે;
ને આવી તો પણ નવ લહું ક્યાં ગઇ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણૂં સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા;
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા, શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કોણ જેવો?

– બળવન્તરાય ક. ઠાકોર

વધામણીનો પત્ર છે. પહેલી પ્રસુતિ મા-બાપને ત્યાં થાયના ન્યાયે પિયર આવેલી નવપ્રસૂતા પરિણામની પ્રતીક્ષામાં ઊંચાનીચા થતા પતિને સંતાનપ્રાપ્તિના સમાચાર આપે છે, પણ વાતમાં પૂરતું મોણ નાંખ્યા વિના ફોડ પાડવા તૈયાર નથી કે પરિણામ શું આવ્યું! સૉનેટની શરૂઆત ‘વ્હાલા મારા’ સંબોધનથી થાય છે, જેમાં બે જણ વચ્ચેનો સ્નેહ અને પત્નીનું પતિ પરનું અધિકારભાન-બંને સ્ફુટ થાય છે. કહે છે, પ્રિયે! રાતદિવસ હવે તમારી ઇચ્છા થાય છે. તમે જે અદાઓથી મારું ચિત્ત હરી લેતા હતા, એ તમામ પ્રતીતિ સાક્ષાત્ આવો અને આપો. પ્રસૂતિ વખતે તો પત્નીને એવું જ લાગ્યું જાણે નસીબ દરિયામાં ઊંડે તાણી ગયું. મૃત્યુ આંખસમીપ જ હતું, પણ દરિયાના મોજાં હળવેથી ધક્કો દઈને કિનારે પરત લાવી આણે એમ પ્રસૂતિ થઈ ગયા બાદ નવજીવન પામ્યાનો અનુભવ થયો. મૃત્યુના દરવાજે ટકોરા દઈને પાછી આવી તો ગઈ છે પણ હજી સમજાતું નથી કે ક્યાં ગઈ હતી અને શી રીતે પરત ફરી! ડિલિવરી સમયના સ્ત્રીના અનુભવને એક પુરુષકવિએ ત્રણ જ પંક્તિમાં જે રીતે આલેખ્યો છે એ કાબિલે-દાદ છે. તૂટુંતૂટું જણાતી જીવાદોરી તૂટી ન ગઈ એ માટે એ શીષ નમાવી ભગવાનનો પાડ માને છે.

કાવ્યારંભે મનના માણીગરને મળવાની તાલાવેલી પ્રદર્શિત કર્યા બાદ તુર્ત પ્રસૂતિના સમાચાર તરફ નાયિકા ગતિ કરે છે. પ્યાર અને તલસાટ બતાવી દીધા. પ્રસુતિ હેમખેમ પાર ઉતરી હોવાના સમાચાર પણ આપી દીધા. પણ પોતે જે રીતે વિરહમાં તડપે છે, એ જ રીતે બાપને તડપાવવાનું એ ચૂકતી નથી. ફરી ‘વ્હાલા’નું સંબોધન કરી પોતાનો પ્રેમભાવ દોહરાવી એ કહે છે કે, ગયા ભવના સંસ્કાર હશે તે ભલે સાચા હશે પણ અત્યારે તો સ્વપ્ન જેવા ઠાલા જ લાગે છે. માટે આપ આવો અને તરત જ કર-અધરની સાક્ષી પૂરાવો. સ્પર્શ, ચુંબન, તારામૈત્રક અને અમૃતભરી વાણીનો આકંઠ આસ્વાદ કરાવવા સત્વરે પધારવા પત્ની ઈજન આપે છે.

પત્રકાવ્ય છે તો પત્રની રીતિ દર્શાવવું પણ કવિ ચૂક્યા નથી. ‘બીજું’ લખીને જેમ આપણે પત્રમાં વાત આગળ માંડીએ, એમ પત્ની લખે છે કે, બીજું તો એ કે જે પેટ ઉપર માથું મૂકીને આપ ‘ભાર લાગે છે કે?’નો સવાલ કરતાં હતાં એ ‘નવું વજન’ હવે સમય વીતતાં ખોળામાં આવી ગયું છે.

બાળક ગોરું છે અને કમળ જેવો અંગૂઠો જ સતત ચૂસ્યા કરે છે. આવો, જુઓ અને પ્રિય (દયિત)! આપ જાતે જ કહો કે એની આંખો આપણા બેમાંથી કોના જેવી લાગે છે? કવિએ કેવી અદભુત કારીગરી કરી છે એ જોવા જેવું છે! છેક આખર સુધી બાળકની જાતિ પત્નીએ પતિથી, અને કવિએ આપણા સહુથી આબાદ છૂપાવી રાખી છે. ચૌદ પંક્તિના સૉનેટમાં છેક છેલ્લા શબ્દ પર આવીને, જ્યારે પત્ની ‘કોણ જેવો?’ પ્રશ્ન કરે છે ત્યારે છેક રહસ્યસ્ફોટ થાય છે કે દીકરો જન્મ્યો છે.

આવી કમાલ કેટલી કવિતાઓમાં જોવા મળતી હશે, નહીં!

Comments (20)

સહદેવ – ચુનીલાલ મડિયા

ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,

દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.

જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના

સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.

– ચુનીલાલ મડિયા

દાયકાઓ પછી આ સોનેટ વાંચ્યું…..સ્કૂલમાં ભણવામાં આવતું. ત્યારે જ એક સવાલ ઉઠેલો જેની થોડી ચર્ચાઓ પણ થયેલી તે સમયે – શું સહદેવ દ્યૂત વખતે ગેરહાજર હતો ?? મોટેભાગે એમ નહોતું…

પરંતુ કાવ્યને એ વાત સાથે નિસબત નથી. જે ઉપયોગમાં ન આવે તે જ્ઞાન શા ખપનું…..?? નકરા સંતાપનું જનક બને…

Comments (2)

સાથી – ડોરથી લિવસે (અનુ.: વિવેક મનહર ટેલર)

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

સંબંધમાં ક્ષણ અને વરસ વચ્ચેની વિષમતાનું સત્ય સમજાવતું આ સૉનેટ કેવું મજાનું છે, જુઓ! આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાતનો પ્રેમ જીવનભરનું ભાથું બની રહેતો હોય છે. દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. અહીં એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારનો સ્નેહાસિક્ત સહવાસ જીવનભરના ઉપવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

*

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

Comments (12)

રહ્યો હુંયે ઊભો…. – રમણીક સોમેશ્વર

(શિખરિણી)

અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે

કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.

– રમણીક સોમેશ્વર

પ્રકૃતિ પળેપળ નિતનવાં રૂપ ધારે છે, બસ, જોવા માટે આંખ હોવી જોઈએ. પહેલી નજરે જોઈએ તો આ સૉનેટ એક દૃશ્ય-ચિત્રથી વિશેષ કંઈ નથી પણ ધ્યાન આપતાં સમજાય કે કવિએ કેવી મજાની રંગપૂરણી આ ચિત્ર માંહે કરી છે! અચાનક આકાશ અને ધરતી અજાણ્યાં, મતલબ બિલકુલ નવાં લાગવા માંડ્યાં છે. શાંત ઝરણાં નજરે ચડે છે અને રુંવાં ફૂટે એમ ધરતીમાંથી ઘાસ ઊગી રહ્યું છે. ઘાસની ઉપર ઝાકળબુંદો એક સૂર્યની હજારો છબી પ્રતિબિંબતાં શોભી રહ્યાં છે. અને આ દૃશ્યનું પાન કરવાની મથામણ કવિને કોઈ પ્રશાંત અજાણી ક્ષણની અનુભૂતિમાં તાણી જાય છે. ધરતીના પળ-પળ બદલાતા રૂપને આત્મસાત્ કરવાની ક્ષણે પોતાની અંદર કંઈક સાવ અકળ વસ્તુ વિકસતી અને વિલસતી કવિ અનુભવે છે. પવનમાં વૃક્ષ મંદ-મંદ ડોલતું હોય એમ કવિ આ નૂતન અગમ્ય અનુભૂતિના પવનના ઝોકે સમય-સ્થળ બધું જ ભૂલી જઈને સમાધિસ્થ થઈ ઊભા છે… કુદરત સાથે તાદત્મ્ય અનુભવવાની પળે માણસ પોતાની અંદર જે અકળ સુખ પામે છે એની અનુભૂતિનું આ ગાન છે…

Comments (19)

ગાંધીજીને – જયન્ત પાઠક

વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી ધરા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી અગ્નિને અંકે તમે પ્રહલાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.

સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.

ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.

– જયન્ત પાઠક

ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.

અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.

શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.

Comments (7)

વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

(શાર્દૂલવિક્રીડિત)

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. પણ ઘણા લોકો માટે તન ભલે વતન છોડે, મન વતનમાં જ રહી જતું હોય છે. જયન્ત પાઠકની કવિતાઓમાં પણ વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. વરસો પછી વતન આવીને ઘર વેચી દઈ વતનથી વિદાય થતી વેળા કવિને થતી અનુભૂતિનું આ સૉનેટ છે.

વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો: http://tahuko.com/?p=19407

Comments (3)

હાસ્યમેવ જયતે : ૦૧ : બાપુ અને કૂતરું – રમેશ પારેખ

બાપુ કહે : ‘બ્હારવટે ચડું હું
તો ભલભલાને વસમો પડું હું
કે સોથ વાળું સહુ ગામનો હું
ડંકો વગાડી દઉં નામનો હું ‘

બેઠેલ જે બાપુ નજીક સાવ
એ કૂતરાએ સરજ્યો બનાવ
બાપુ કરે આંખ જરાક ચૂંચી:
‘ લે કૂતરાએ કરી ટાંગ ઊંચી…! ‘

થ્યાં ગોદડાં બાપુ સહિત ભીનાં
બાપુ ધગ્યા : ‘ઊતર, ગોલકીના…’

લોહી બન્યાં મારકણાં સટાક
બાપુ કૂદ્યા પાડી કરાળ હાક
હલ્લો કર્યો ને નળિયું ઉપાડયું,
ઘા એક ઝીંકી કૂતરું ભગાડ્યું.

– રમેશ પારેખ

હાસ્ય-વ્યંગ જેવો ઉત્કૃષ્ટ કાવ્ય-પ્રકાર કેમ ગુજરાતી કાવ્યમાં ઓરમાયો રહ્યો છે તે કદી નથી સમજાયું !! શુદ્ધ હાસ્ય તો કદાચ ક્વચિત જ ખેડાયું છે ! વ્યંગ તો કેટલો મોટો પ્રદેશ !!! હિન્દીમાં તો વ્યંગકાવ્યનો તોટો નથી, પણ ગુજરાતીમાં તે પણ અળખામણું !! બધા સર્જકો ઘુવડગંભીર….. દિવેલીયા ડાચાં તો બ્રિટિશ એરિસ્ટોક્રેટને શોભે – આપણે વળી એવા શા ગુના કીધા ?????

ર.પા. એ થોડે અંશે આ પ્રકાર પણ ખેડ્યો છે, અને કહેવાની જરૂર નથી કે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે….

હાસ્ય-વ્યંગની મૂળ શરત એ છે કે જીવનની સચ્ચાઈઓને વક્રદ્રષ્ટિએ જોવી. ભાષા મજબૂત હોય તો સોને સુગંધ ભળે…ચોટ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો ઓર મજબૂત રચના બને. અમારો એક પ્રિય મિત્ર છે – ડૉ જનક રાઠોડ. એ કોઈ શાસ્ત્રીય કવિ નથી પણ એ કદી-મદી જે કવિતાસમી રચનાઓ extempore કરી દેતો હોય છે તે હસાવી હસાવીને બેવડ વાળી દે તેવી હોય છે – એક ઉદાહરણ –

સિર્ફ કહને કો હી હસીનો કી શેર-ઓ-શાયરી હૈ,
વરના સંડાસ તો શ્રીદેવી ભી જાતી હૈ

– કદાચ કોઈને આ રચના ઘણી crude લાગે, સુરુચિનો ભંગ કરતી લાગે, પણ તેનું ચોટીલાપણું અને એક ઊંડાણ આ બે લીટીને અલગ જ હરોળમાં મૂકી દે છે. હાસ્ય-વ્યંગની પરિભાષા જરાક જુદી હોય છે, ઘણી ઘણી છૂટછાટો કવિ લઈ શકે છે-કવિમાં હિંમત જોઈએ !!

Comments (8)

બુગદામાંથી પસાર થતાં – પ્રજારામ રાવળ

સર્જ્યાં તેં આ ગિરિવર, અમે ભવ્ય અટ્ટાલિકાઓ.
તારા વ્હેતા નદ થકી વહાવ્યા જ વિદ્યુતપ્રવાહો.
તારાં પંખી; ગગન અમ આ વેગીલાં વાયુયાનો.
તારી બ્હોળી પ્રકૃતિ; નગરો શોભીતાં કૈં અમારાં.

તારી પૃથ્વી ઉપર નકશો ફેરવીએ મનસ્વી.
વીંધી પ્હાડો તુજ નીકળીએ તીર જેવા તરસ્વી.
પૂર્યો સિન્ધુ. ધરતી ઉરથી વારિ ખેંચ્યા ફુવારે.
તારાં બ્હોળાં રણ રસળવા હામ હૈયે અમારે !

કાલે જન્મ્યો મનુ વિકસતો વામનેથી વિરાટ.
વ્યાપી જાશે ત્રણ ભુવનમાં વર્ધતો એ અફાટ !
તારા મત્સ્ય સ્વરૂપ સરખો, એકથી અન્ય પાત્રે
થાતો ન્યસ્ત ક્ષણ મહિ અહો, દીર્ઘથી દીર્ઘગાત્રે !

આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?

– પ્રજારામ રાવળ

શીર્ષક પરથી સમજાય છે કે કવિ કોઈક પર્વતમાં કોરાયેલા કોઈક બુગદામાંથી પસાર થતાં હશે ત્યારે જે વિચારતંતુ હાથ લાગ્યો હશે એને ઝાલીને આ રચનાનું સર્જન થયું છે.

ઈશ્વરના સર્જનની મુખામુખ મનુષ્યોના સર્જન મૂકીને ઈશ્વરનો તાગ મેળવવાની કોશિશ એટલે આ રચના. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ પર્વતોનું સર્જન કર્યું તો અમે ભવ્ય અટારીઓ, મહેલોનું. ઈશ્વરે વહેતી નદીઓ સર્જી તો મનુષ્યે એમાંથી વીજળી મેળવી. આકાશમાં ઈશ્વરસર્જિત પંખીઓ તો માનવસર્જિત વાયુયાનો ઊડી રહ્યાં છે. ઈશ્વરે વિશાળ કુદરત રચી, મનુષ્યે શહેરો.

આટલું ઓછું હોય એમ મનુષ્ય ઈશ્વરનિર્મિત પૃથ્વીનો આખો નકશો જ જાણે બદલી રહ્યો છે. પર્વતોમાં તીર જેવા વેગથી બોગદાંઓ કોરીને માણસ આરપાર નીકળી ગયો છે. દરિયાને પૂરીને જમીનો સર્જી અને જમીનમાંથી પાણી ખેંચી કાઢ્યાં. રણને પણ નંદનવન કરવાની હામ મનુષ્યો રાખે છે.

ગઈકાલનો મનુષ્ય આજે એ રીતે વિરાટસ્વરૂપ ધારી રહ્યો છે, જે રીતે મત્સ્યાવતારમાં મત્સ્ય એક પાત્રમાંથી બીજા પાત્રમાં સતત મોટું ને મોટું કદ પ્રાપ્ત કરતું હતું. કવિએ એકસાથે વિષ્ણુના બે અવતારોને અહીં ખપમાં લીધા છે. પળવારમાં એ વિશાળમાંથી અતિવિશાળ બની શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. પણ કવિને સવાલ એ થાય છે કે આખું આકાશ જો મનુષ્યોથી ભરાઈ જશેવ તો ઈશ્વર ક્યાં રહેશે? અને કાવ્યાંતે પ્રશ્નરૂપે જ કવિ ઉત્તર પણ આપે છે કે મનુષ્ય પોતે ઈશ્વરનું જ સ્વ-રૂપ છે.

આ કવિતા લખાઈ હશે એ સમયગાળાથી આજે તો મનુષ્ય એટલો આગળ નીકળી ગયો છે કે કવિતા આપણને ગઈકાલની હોય એમ લાગે, પણ એ છતાંય કવિતાનો જે ભાવસમગ્ર છે, એ હજીય તરોતાજા અનુભવાય છે. પહેલા ચતુષ્કને બાદ કરતાં કવિએ આખા સૉનેટમાં ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા છે એની નોંધ લેવાનું કેમ ચૂકાય?

Comments (2)

(ઉષા) – મનસુખલાલ ઝવેરી

નહીં તિમિર કે નહીં ઝગમગાટ મધ્યાહ્નનો,
પરંતુ રસરાગનો મૃદુલ, મુગ્ધ, મીઠો ધરી
ધરી જ સુકુમાર આ પરમ શુદ્ધિનાં ચિહ્ન શો;
ઊઠી મધુર આળસે કુસુમસ્હોડમાંથી સરી,
હસી કંઈ અધૂકડું, ઢળી ઢળી જતી આંખથી,
સુષુપ્ત ઉર રેલતી સ્મિતસુધા સુહાગે ભરી;
અને કમળકોમળા કરથી, નીંદની પાંખથી
જગાડી ઉરના રણત્ઝણણતા બધા તારને
અડાડી નિજ અંગુલિ, અતળ મૌનની માંહ્યથી,
સનાતન વહાવતી સ્વરતણી સુધાધારને,
ઘડીક વિલસી, વિલીન પળ માત્રામાં થૈ જતી,
ઉષા ક્ષણિક જીવને કરતી શા ચમત્કારને !
ઉષા મુજ ઉરે કદા, સ્મિત સુહાગથી શોભતી,
ઊગી, વહવશે નદી ક્ષણિકતા થકી શાશ્વતી ?

– મનસુખલાલ ઝવેરી

આજે આ રચના અહીં મૂકી રહ્યો છું એ કાવ્યત્ત્વના નહીં, પણ એના સ્વરૂપે જન્માવેલા ખેંચાણના પરિણામે તથા કોઈ એક વજનદાર માણસ જે-તે સમયના સમગ્ર સાહિત્યસર્જન પર કેવો (દુષ્)પ્રભાવ પાડી શકે છે, એની વાત કરવા સબબ.

ગાંધીયુગની શરૂઆત થઈ એ પૂર્વે આપણે ત્યાં ૧૮૮૫થી ૧૯૨૦ સુધીનો ગાળો પંડિતયુગ કે સાક્ષરયુગ તરીકે ઓળખાયો હતો. બ.ક. ઠાકોર આ યુગનું એક બહુ મોટું નામ. નવા છંદ રચવાનું ગજુ ભાગ્યે જ કોઈ સર્જક ધરાવતો હોય છે, પણ બળવંતરાય ઠાકોરે અગેય ગણી શકાય એવો પૃથ્વી છંદ સર્જ્યો અને સમગ્ર ગુજરાતી સાહિત્યએ એને હોંશે હોંશે સ્વીકાર્યો પણ ખરો. બ.ક.ઠાકોરે એકલા હાથે કવિતાની વિભાવના બદલી નાંખી. કવિતામાં લાગણીની સામે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું અને હૃદયની ઉપર બુદ્ધિની સર્વોપરિતા સ્થાપિત કરી. એ કહેતા કે, ‘કાવ્ય તો અર્થપ્રધાન, શબ્દોનો ઉચ્ચાર તો ગૌણ!’

જરા ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ચૌદ પંક્તિના આ કાવ્યમાં માત્ર બે જ વાક્યો છે અને પહેલું વાક્ય તો બાર પંક્તિ જેટલું લાબું અને અટપટું. બાર-બાર પંક્તિ લાંબુ એક જ વાક્ય હોવા છતાં કવિએ છંદ સાચવવાની સાથોસાથ મહદાંશે ચુસ્ત પ્રાસયોજના સફળતાપૂર્વક નિભાવી છે, જે એમની કાર્યકુશળતાનો મજબૂત પુરાવો છે. વળી, રચના પણ ઠાકોરે શોધેલા પૃથ્વી છંદમાં જ થઈ છે. આ વ્યાયામ કરવામાં કવિતાનો ભોગ લેવાયો કે કેમ એ આપણી ચર્ચાનો વિષય નથી. કવિએ પ્રસ્તુત રચના સાથેની ટિપ્પણીમાં લખ્યું છે કે, ‘આ પ્રયોગ આપણા પ્રયોગશીલ સાક્ષરવર્ય બ. ક. ઠાકોરની સૂચનાને આભારી છે.’

Comments (6)

રાહદારી – ટોમી બ્લૉન્ટ (અનુ.: વિવેક મનહર ટેલર)

*
(શિખરિણી)

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

જ્યૉર્જ ફ્લૉઇડનું નામ આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી દઈ હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે જાહેરમાં નિર્મમ હત્યા કરી.

રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો.

રંગભેદની આ નીતિ પર કુઠારાઘાત કરવાના બદલે માત્ર હળવી ટકોર કરીને આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે એવું આ સૉનેટ છે. શ્વેત ડ્રાઇવર એની વજનદાર ટ્રક વડે (કદાચ ભૂલમાં) રસ્તે ચાલતા અશ્વેત રાહદારીને જોરદાર ટક્કર મારી બેસે છે, પણ પછી થોભીને સૉરી કહેવાના બદલે ખિખિયાટાં કરતો પસાર થઈ જાય છે. આ આખી ઘટનાને અશ્વેત રાહદારી કઈ રીતે જુએ છે, એ આ સૉનેટના ચશ્માંમાંથી આપણને જોવા મળે છે.

*
The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

Comments (3)

વાત લ્યાં કોણ માને? – હસમુખ કે રાવલ

કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?

વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.

કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.

‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.

-હસમુખ કે રાવલ

આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:

મૃત્યુ પર જીવનનો વિજય

આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.

કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.

કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.

કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.

આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-

હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત

-ઉદયન ઠક્કર

Comments (6)

લગ્નનું ઘર – ‘સનાતન’

(શિખરિણી)

કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે,
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુકસમાં
રજોટાઈ ધૂળે ધૂવળ થકી થાતાં મલિન જે;
પણે બારીમાંથી નિરખી રહી છે વાગવધૂઓ
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણિતો બે મળી રહ્યાં
બજે વાજાં સાથે સૂરબસૂર શા બ્રાહ્મણતણા
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પુરંત દૃગને
મચે ચોપાસે શાં કલબલ દધિ ગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.

– રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’
(૧૯૧૮થી ૧૯૮૭)

આપણામાંથી બહુ ઓછાંને એ વાતની જાણ હશે કે કવિશ્રી ઉશનસ્ ના મોટાભાઈ પણ કવિ હતા અને એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પણ પ્રગટ કર્યો હતો. પ્રસ્તુત સૉનેટમાં જે લગ્નપ્રસંગમાં રત ઘરનું સરસ વર્ણન કરાયું છે. કિશોરો નવા કપડાં પહેરીને છેલછબીલા થઈ ફરે છે અને નાનાં-મોટાં હોવા છતાં એક જ વયના બનીને મંડપ તળે પત્તાં રમે છે, તો નાનાં શિશુઓ સ્વભાવિક ધૂળમાં ધૂળ બનીને રમી રહ્યાં છે. તાજી પરણેલી સ્ત્રીઓ શરમના માર્યા ઉપર નજર કરી તારામૈત્રક સાધી ન શકતા તરુણ પતિઓને બારીઓમાંથી જોઈ રહી છે. તો વળી એકાદ તાજું પરણેલું યુગલ અગાશીના ખૂણે સંતાઈને પોતાનું એકાંત માણી રહ્યું છે. બેસૂરા સૂરોમાં બ્રાહ્મણ વાજાંઓના અવાજ વચ્ચે મંત્રોચ્ચાર કરે છે અને રસોડામાંથી પણ બૂમો અવારનવાર મંડપમાં આંટો મારી જાય છે. ચોરીના અગ્નિના ધૂમાડાથી આંખો તર થઈ જાય છે. સમુદ્રના ગર્જન જેવા કોલાહલથી લગ્નના ઘર ભરાઈ ગયું છે પણ જેનાં લગ્ન થવાનાં છે એ કન્યાનું હૈયું આ તમામ કલબલ-હલચલની સીમાઓ વળોટીને અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અહીં ધબકી રહ્યું છે.

(ધૂવળ-ધૂવર, ધૂળ)

Comments (3)

તમે નથી તો…! – ભાનુપ્રસાદ પુરાણી

તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?

તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?

તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?

તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.

– ભાનુપ્રસાદ પુરાણી

એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.

Comments (5)

છેલ્લું દર્શન – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !

સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. એમાંય વરસો સુધી સાથ નિભાવનાર જીવનસાથી જિંદગીના પથ પર અચાનક એકલા મૂકીને ચાલી નીકળે એની વેદના તો ભલભલાને હચમચાવી દે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ નો પોતાની જીવનસંગિનીના મૃત્યુને નિહાળવાનો અભિગમ સામાન્ય કરતાં બિલકુલ અલગ જ છે…

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો જી…

Comments

કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી હવે નાખ્યું છે, ત્યારે પણ તું જો ધારે,
મોતના મોઢેથી એને તું પરત જીવન તરફ લાવી જ શકશે.

જ્યારે એના નામનું નાહી જ નાંખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

*

સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલ રણ દૂર કરવાની સમજણ આપતી માઇકલ ડ્રાઇટનની આ રચનાનો વિશદ આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે.

*

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

Comments (1)

(નથી ‘ચોર’ હું) – ભાનુપ્રસાદ પંડ્યા

વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે!
શીકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે!
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને?
‘ચોર’ કહે લોક બધાં કુળ કેમ બોળે છે?

“ગયા ભવ થકી ગાઢ વાનરોનો સંગ, માડી!
સ્વભાવમાં થોડો ઘણો આવ્યા વિના રહે છે?
સંઘરો કરી દધિ વલખતું મટુકીમાં,
મોગરાના ફૂલ જેમ વિખેરવું ગમે છે!
પારકું-પરાયું ન લાગે, નથી ‘ચોર’ હું, મા!
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે?”

– ભાનુપ્રસાદ પંડ્યા

ગુજરાતી કવિતાઓમાં કાવ્યવિનોદ જૂજ જ જોવા મળે છે. પ્રસ્તુત સૉનેટ એનું મજાનું ઉદાહરણ છે. યશોદા માતા અને બાળ કૃષ્ણ વચ્ચેનો સંવાદ અહીં છે. ઘરોમાં ચોરીછૂપી ઘૂસી જઈ શીકાં તોડી માખણ ખાઈ જતા કાનુડાની રાવ એટલી વધી ગઈ છે કે મા જશોદા એનો ઉધડો લેવા ધારે છે. પણ કૃષ્ણ તો ‘માથેથી પકડો તો ખાંડો ને પૂંઠેથી પકડો તો બાંડો’, એ કંઈ હાથ આવે? મા એને વાનર કહે છે તો બદલામાં એ એનો પૂર્વજન્મ યાદ કરતાં કહે છે કે રામાવતારમાં વાનરોનો બહુ સંગ કર્યો હતો એની અસર રહી ગઈ છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે એ વાત યાદ આવે: ‘रामः शस्त्रभृतामहम्’ (અધ્યાય: ૧૦, શ્લોક: ૩૧) (શસ્ત્રધારીઓમાં રામ હું છું.) પોતાને ચોરકરાર આપતા આક્ષેપને રદીયો આપતાં એ કહે છે, કે આખી દુનિયા મારી જ છે. મને કંઈ પારકું-પરાયું લાગતું જ નથી…

Comments (1)

-અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી

કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. મોહન અને મોહનદાસ જેવી બે સાવ વિઅપ્રિત વિભૂતિઓને એક જ રંગે રંગવાનું કામ કવિતા સિવાય શક્ય જ નથી. એક ભાગમાં મોહન અને બીજામાં મોહનદાસ –એમ બે ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી આપી છે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર જોશી આજની ગ્લૉબલ કવિતામાં રજૂ કરે છે.

સવિસ્તાર વિશ્લેષણ અને આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.

Comments

નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા – ઉમાશંકર જોશી

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.

– ઉમાશંકર જોશી
(ઑક્ટોબર, ૧૯૨૮)

માત્ર સત્તર વર્ષની વયનો લબરમૂછિયો છોકરો એની જિંદગીની પહેલી કવિતા લખે એ કેવી હોય, કહો તો! મોટાભાગના કવિઓ આ વયે કવિતાના સ્થાને કવિતડાં જ રચતા હોય છે. જ્યારે કેટલાક જન્મજાત ‘ગિફ્ટેડ’ હોય છે. ઉમાશંકરે ૧૭ વર્ષની વયે પહેલી કવિતા લખી, એ પણ મંદાક્રાન્તા છંદમાં સૉનેટ. અને જિંદગીની પહેલી કવિતાની છેલ્લી પંક્તિમાં એમણે સાહિત્યસર્જન માટેનો જે મંત્ર આપ્યો, એ અમર થઈ ગયો…

બ. ક. ઠાકોરે ૧૮૮૮માં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ લખ્યું, જે આજદિનપર્યંતનુ સર્વશ્રેષ્ઠ સૉનેટ પણ ગણાય છે. બંને સૉનેટમાં થોડીઘણી સામ્યતા નજરે ચડે છે. પચાસ વર્ષ પહેલાં લખાયેલ ઠાકોરના સફળ સૉનેટની લબરમૂછીયા કવિની કવિતા પર અસર હોય એ નકારી ન જ શકાય. બંને સૉનેટ મંદાક્રાન્તામાં લખાયેલા છે, બંને સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે વિભાજન થયેલું છે, બંને સૉનેટ કાવ્યસર્જનની પ્રક્રિયાના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. બંનેનો પ્રારંભ ધુમસમાં થઈને દેખાતી પ્રકૃતિથી થાય છે. બંનેમાં શાંત જળની વાત છે, હળુ-હળુ વાતા પવનની વાત છે, ચાંદની અને પુષ્પોની સુવાસની વાત પણ છે. બેંને સૉનેટના ષટકની શરૂઆત ‘ત્યાં’ શબ્દથી થાય છે. બંનેમાં નાયક અર્ધનિમિલિત નેત્રે સૂતો છે અને અનાયાસે બંનેના હૃદયમાંથી કાવ્યસ્ફુરણ થાય છે. બ.ક.ઠા. કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એ સમજાવે છે, તો ઉ.જો. પ્રકૃતિ સૌંદર્યનું યથાર્થ પાન કરવામાં આવે તો હૈયું આપમેળે ગીત ગાશે એ સમજાવે છે.

બે સૉનેટની સમાનતાની સરખામણી કરવા પાછળનો હેતુ બેમાંથી એકેયને એક-બીજાથી ચડિયાતાં કે ઉતરતાં સાબિત કરવાનો નથી, ફક્ત બે પ્રથમની વચ્ચે રહેલ સામ્ય તરફ ધ્યાન દોરવું એ જ છે. બંને કૃતિ પોતપોતાના સ્થાને ઉત્તમ જ છે અને બંનેની પોતપોતાની મજા છે…

Comments (2)

ઉમા-મહેશ્વર – રામનારાયણ વિ. પાઠક

(શિખરિણી)

‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું
અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’
‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને
શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’
‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !

-રામનારાયણ વિ. પાઠક

દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું અને વિષ સહિત ચૌદ રત્નો પ્રાપ્ત થયા. ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, કલ્પવૃક્ષ, અપ્સરા રંભા તથા પારિજાત વૃક્ષ ઇન્દ્રએ લઈ લીધા, કામધેનુ ગાય ઋષિઓ લઈ ગયા, લક્ષ્મી દેવી, કૌસ્તુભમણિ, પંચરત્ન શંખ વિષ્ણુએ કબ્જે કર્યા, વારૂણીદેવી અસુરોએ રાખ્યાં, ચંદ્રમા વિહાર પર નીકળ્યા જેને પાછળથી શિવે જટા પર ધાર્યા, ધન્વન્તરી વૈદ્ય સ્વર્ગલોકમાં રહ્યા અને અમૃત માટે આખરે બધા લડી પડ્યા. હળાહળ વિષ લેવા કોઈ તૈયાર નહોતું, એ માટે ભોળા ભગવાન શંભુએ આગેકદમ કર્યા અને વિષ પીને ગળામાં ધારી લીધું અને નીલકંઠ તરીકે ઓળખાયા.

ભોળા શંભુને દેવતાઓ ઉલ્લુ બનાવી ગયા એ બાબતમાં પાર્વતી એમને વઢતા હોય એવી કલ્પનાને વિષય બનાવીને મજાનું સૉનેટ કવિ અહીં લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં જ ભોળા સ્વામી કહીને એ ઉધડો લે છે અને જેને હોઠે તમારા (પાર્વતીના) હોઠોની અનુપમ સુધાની તરસ વસતી હોય એ બીજા અમૃતની પરવા શીદ કરે એમ કહીને શિવ પોતાનો બચાવ પણ કરે છે અને પાર્વતીને મસકા પણ મારે છે. પણ પાર્વતી પણ કાચાં નથી. એ કહે છે, રહો હવે! તમને એક ઘરવાળીને જ ઠગતા આવડે છે. બીજું બધું છોડીને ઝેર જ કેમ પીધું એનો ખુલાસો કરો. ભોળાનાથ ખુલાસો કરતાં કહે છે કે સમુદ્રમંથન સમયે સાગરમાં સૂતેલા વિષ્ણુના કંઠે લક્ષ્મીનો હાથ એવો સોહી રહ્યો હતો કે મને પણ કાળો રંગ ધારવાનું મન થયું એટલે મેં ઝેર ગટગટાવીને ગળું શ્યામ કર્યું. હવે આ કાળા ગળા ઉપર આપનો હાથ કેવો વીજળી જેવો સુંદર લાગશે!

પાર્વતી પણ આખરે તો સ્ત્રી જ હતાં. એ શિવને વળગી પડે છે અને એ આશ્લેષમાં જગતભરનું વિષ સાર્થકત્વ પામે છે… કેવી મજાની વાત!

Comments (2)

આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ.: વિવેક મનહર ટેલર)

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

કવિતાના વિશદ રસાસ્વાદ માટે આપ અહીં ક્લિક કરી શકો છો.

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

Comments (4)

હૈયું મારું ઠારે રે! – દેવેન્દ્ર દવે

(મનહર)

સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!

– દેવેન્દ્ર દવે

દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.

Comments (2)

ના સહી યાતનાને?! – દેવેન્દ્ર દવે

(મંદાક્રાન્તા)

જાણી જોઈ નિજ કર થકી સ્વર્ગ શી આ અયોધ્યા
લંકાથીયે બદતર કરી! નાથને કાળ આંબ્યો!
જેનાં કાજે વચનદ્વય તેં માંગતાં માગી લીધાં
(કૂડાં કીધાં કરમ-કુલટા દાસીથી દોરવાણી…)
ત્યાગ્યો એણે વિભવ… વસિયો એકલો નંદિગ્રામે!
રામે માંડ્યાં ચરણ અડવાણે, વને વાસ વેઠ્યો!
શુંયે સૂઝ્યું કઠણ કરમે? કાં ન કાળોતરોયે
ડંખ્યો તુંને? પયસભર તેં પાત્રમાં ઝેર ઘોળ્યું?
છાનું વેઠી અવિરતપણે કોસતાં કાળ વીત્યો,
ભીનાં નેત્રે નિજ ભવનને શાંત એકાંત ખૂણે
બેઠી જાણે ભડભડ વને ચીખતી પંખિણી… ત્યાં
ઓચિંતાના પગરવ થતાં કાન માંડ્યા સફાળા.
પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’

– દેવેન્દ્ર દવે

મંથરાની ચડામણીમાં આવી જઈને કૈકયી દશરથ પાસે બે વચન માંગી બેઠી. દશરથે પ્રાણ ગુમાવ્યા. રામ વનમાં જઈ વસ્યા અને ભરત રાજગાદી પર બેસવાના બદલે વૈભવ ત્યાગીને નંદિગ્રામ જઈ વસ્યો. સ્વર્ગ જેવી અયોધ્યા લંકાથી બદતર બની. દૂધ ભર્યા પાત્રમાં જાણે કૈકયીના હાથે ઝેર ઘોળાયું. આટલી વાર્તા આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા છે અને કવિતા આપણને એ દર્શન કરાવે છે જે આપણે સામાન્યરીતે જોઈ શકતા નથી. કવિના તો ચશ્માં જ અલગ. કવિનો હાથ ઝાલીને કવિતા અહીંથી કૈકયીના અંતઃકરણમાં પ્રવેશે છે. આપણને દેખાતી ઘટનાઓની પાછળ છૂપાયેલો કૈકયીનો પશ્ચાતાપ કવિ જુએ છે. બે વચન પછી ઘટેલી અનિચ્છનીય ઘટાનોની ઘટમાળે કૈકયીને વ્યથિત કરી દીધી છે. દશરથ તો ગયા, રામ વનમાં અને ભરત નંદિગ્રામમાં શેકાયા પણ કૈકયી તો આ તમામ વરસ પોતે કરેલી ભૂલના અહેસાસની અગનઝાળમાં બળતી રહી છે. ભડભડ બળતા વનમાં ફસાઈ ગયેલ પક્ષી કેવી ચીસો પાડે એમ એનું હૈયું આક્રંદ કરી રહ્યું છે. પણ કવિતાની ઊંચાઈ ત્યાં વધે છે જ્યાં વનવાસથી પરત આવીને રામ કૈકયીને મળવા આવે છે અને રડતી જોઈને આશ્વાસન આપતાં એને મા કહીને સંબોધે છે.  કવિતા તો આ ‘મા’ સંબોધનમાં જ સંપૂર્ણ થઈ જાય છે. રામ માને આશ્વસ્ત કરતાં કહે છે કે એમના કરતાં એમની મા -કૈકયીએ- વધારે યાતના સહી છે એ વાતનો એમને પૂર્ણ અહેસાસ છે… સામાના દુઃખને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.

Comments (3)

હે જિંદગી – જશવંત લ. દેસાઈ

(વસંતમૃદંગ)

ત્યારે હતો રગરગે રણકાર રક્તનો,
પાંખો ગરુડ સમ વીંઝી ધનુષ્ય છૂટ્યાં
કો તીરે શી સતત ઝંખત આભ આંબવા,
વિશ્વજીત પદપ્રાપ્તિ નકી સમીપમાં!
સર્જી હશે પૃથવી આવડી નાનકી કાં?
દૃષ્ટિ ફરી ફરીથી કલ્પતી વ્યોમ વીંધવા!

આજે વિપર્યય કશો! ઘર કો અવાવરુ
કેરી બખોલ મહીં થર્થરતું હિયું લઈ
પાંખો સિવાઈ વળી મંદરુધિરની ગતિ
ક્યારે જશે અટકી? ભીતિ, કહીંક વૃક્ષનું
એકાદ પર્ણ ખરતું, ઘડી આખરી કો
આવી પડી! અવસ્થિતિ મહીં જીવવું રહ્યું,

ક્યારેક થાય જીવને: બસ, ઊડ ઊડ
હે જિંદગી, તદપિ તારી શી નાગચૂડ!

– જશવંત લ. દેસાઈ

વૃદ્ધાવસ્થા વીતી ગયેલા સોનેરી દિવસોને યાદ કરવાની અવસ્થા છે. સિમેન્ટનું અને શરીરનું ઘર અવાવરુ થયેલું અનુભવાય, એકલતાના પ્રતાપે હૈયું થરથર્યા કરે છે, રગેરગ અનુભવાતો રક્તનો રણકાર મંદ પડેલો અનુભવાય છે,ને ક્યારે અટકી જશે એની ભીતિ રહ્યા કરે છે, જે પાંખો ગરુડની જેમ વીંઝીને ધનુષ્યમાંથી છૂટેલ તીરની જેમ આભ આંબવાની ઇચ્છા રાખતી હતી એ પાંખો સીવાઈ ગઈ હોય એમ બંધ પડી છે; ક્યારેક વિશ્વજીત સિકંદર બનવું હાથવગું અનુભવાતું હતું ને પૃથ્વી આટલી નાની કેમ છે એવું લાગતું હતું પણ આજે એક પાંદડું પણ વૃક્ષથી ખરે છે તો ક્યાંક મારા ખરવાની ઘડી તો નથી આવી ગઈ ને એવો ફડકો પડી રહ્યો છે. મરી જવાની ઇચ્છા થાય છે પણ જિંદગીની નાગચૂડ પણ એવી છે કે જવા દેતી જ નથી…

ગઈકાલની અને આજની ભાષાની વચ્ચે ચાલવા જતાં ક્યાંક ભાષાકર્મ જરા લથડ્યું છે એ બાદ કરતાં રચના આસ્વાદ્ય થઈ છે.

Comments (2)

શૈયા – ભગવતીકુમાર શર્મા

પ્હેલાં હતી નિકટતા મગફાડ જેવી;
આશ્લેષ બીચ નવ વાયુય શ્વાસ લેતો.
શૈયા તણા ઉભય રિક્ત રહંત છેડા;
મધ્યે અદ્વૈત અનુરાગથી બદ્ધ પૂર્ણ.

થોડી તિરાડ પડી કૂમળી પાનીઓથી;
બે છોડ બીચ મૃદુ ફૂલ ખીલ્યું સુનેરી;
વાયુલહેર વહી આવી તિરાડ વાટે;
નૈકટ્ય સ્નિગ્ધ શયનેય બળોતિયાથી.

પાની મૃદુ કઠણ થૈ પછી કાળસ્પર્શે;
ભાંખોડતી પગલી ઉંબર ગૈ વળોટી.
મધ્યે વસેલ અવકાશ ખસી ગયો ને
છેડા ફરી શયનના મળવા અધીર.

કિન્તુ પડાવ કરી ચોરપગે પ્રગાઢ
હાંફી રહ્યો સમય આપણી મધ્ય પીળો!

– ભગવતીકુમાર શર્મા

વચ્ચે હવા પણ પગપેસારો ન કરી શકે એવી મગફાડ જીવી ચસોચસ નિકટતામાં પથારીની વચ્ચે આલિઅંગનબદ્ધ રહેતા નવદંપતીની પથારીના બન્ને છેડાઓ કાયમ ખાલી જ રહેતા હતા. પણ બાળકનો પ્રવેશ થયો અને વચ્ચે એક તિરાડ પડી. બંને છોડ તોય સોનેરી ફૂલના ખીલવાથી ખુશ હતા. બાળક મોટું થઈને ઘરનો ઉંબરો વટાવી જઈ પોતાની દુનિયામાં સ્થિર થઈ ગયો. પથારીના બે અલગ થઈ ગયેલ છેડાઓને ફરી એક થવા માટે અવકાશ સાંપડ્યો પણ ચોરપગે આટલીવારમાં વૃદ્ધત્વ વચ્ચે ઘર કરી ગયું છે એ વાસ્તવિક્તા કવિ જે હળવાશથી રજૂ કરે છે એ અનુભૂતિને બળવત્તર બનાવે છે…

Comments (2)

અથનું ઈતિ – ઈશ્વરચંદ્ર ભટ્ટ

(શિખરિણી)

પ્રિયે લગ્ને કીધો કર ગ્રહણ મેં કંકણ સજ્યો,
મળી દૃષ્ટોદૃષ્ટે અતળ ઉરમાં સ્પંદન ભળ્યું.
કુંવારો ને તાજો પરશ નરવો હૂંફ ભરતો,
ટળી મુગ્ધાવસ્થા મદનસરમાં મગ્ન સઘળું.

ભળી ગૈ આનંદે શ્વસુરગૃહમાં સ્વસ્થ મનથી
ન માગ્યા કે પામી વિભવ જગનાં, રંક ઘરમાં-
સ્વીકાર્યો સેવાનો વિકટ અવળો પંથ જગમાં.
નદીમાં ઉગેલી, સમદર જળે સ્વાસ ભરતી,

વસી સૌના હૈયે સરળ મનથી વર્તન કરી,
હજી તારી યાદી મનમહકતી સદગત પ્રિયે!
સ્મિતે આંજ્યાં તેણે પતિગૃહ વસી, હસ્ત ગ્રહતી,
ચઢી સ્વામીસ્કંધે, નિમીલિત દૃગે ગૈ તું નિસરી.

ચિતાભસ્મે પેખી અવનવી કશી ચીજ ગરવી,
સ્મશાનાગ્નિ સૌમ્યે ભસમ ન કર્યાં કંકણ સખી.

-ઈશ્વરચંદ્ર ભટ્ટ

એકાધિક કાવ્યસંગ્રહો, નિબંધો, પ્રવાસપત્રો, એકાંકી, ત્રિઅંકી જેવા એક ડઝનથીય વધુ પુસ્તકો આપનાર વલસાડના સર્જક શ્રી ઈશ્વરચંદ્ર ભટ્ટના નામથી આપણે લગભગ અપરિચિત છીએ. ‘સુદામો ૫૧મો’ જેવું અટપટું ઉપનામ ધરાવનાર આ કવિના સૉનેટસંગ્રહ ‘મધુસ્યંદ’ (૧૯૯૨), જેની પ્રસ્તાવના મકરંદ દવે અને ઉશનસ્ જેવા સમર્થ કવિઓએ એ લખી છે તથા કે. કા. શાસ્ત્રી, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરોએ જેના વિશે અભિપ્રાય લખી આપ્યા છે એમાંથી એક સૉનેટ અહીં રજૂ કરીએ છીએ.

‘મધુસ્યંદ’ એટલે મધનો પ્રવાહ… મધુર ઝરણ… સદગત પત્નીના સ્મરણમાં કવિએ ૫૮ જેટલા સૉનેટ રચ્યા છે, જેમાં નારીજીવનના રજોનિવૃત્તિ સહિતના લગભગ તમામ પાસાંઓ કવિએ આવરી લીધાં છે. ઉચ્ચ કવિત્વનો અભાવ છતાં આ સૉનેટસંગ્રહ આપની ભાષામાં પોતાનું આગવું સ્થાન સર્જે છે. અહીં ગરીબ ઘરમાં પરણીને આવતી અને સહુની સેવાનો વિકટ પંથ હસતે મોંએ સ્વીકારીને મૃત્યુ પામીને પતિના ખભે ચડીને સ્મશાન જતી પત્નીની લગ્નથી મરણની જીવનયાત્રા અને જે કંકણ પહેરીને એ પતિગૃહે આવી હતી, એ કંકણ મૃત્યુ બાદ સ્મશાનનો ‘સૌમ્ય’ અગ્નિ પણ ભસ્મ કરી શક્યો ન હોવાની વાતથી કવિ પત્નીના સ્મરણ કેવાં અવિનાશી છે એની વાત બખૂબી કરે છે. પત્નીની યાદને ખાખ ન કરી શકનાર અગ્નિને સૌમ્ય વિશેષણ અપાયું છે એમાં ખરું કવિકર્મ નજરે ચડે છે..

Comments (3)

પડઘા – પ્રિયવદન નૌતમરાય પાઠક

(શિખરિણી)

નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!

ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.

નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.

નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.

– પ્રિયવદન નૌતમરાય પાઠક
(જન્મ ૦૯-૧૦-૧૯૨૩, નિધન ૧૩-૧૦-૨૦૧૭)

કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.

આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…

કેવી અદભુત રચના!

Comments (3)

ફેસબુક સૉનેટ – શર્મન એલેક્સી (અનુ. વિવેક મનહર ટેલર)

આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો

આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત

જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.

તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.

– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)

ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે. ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ તો માત્ર સમાજનો આભાસ છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે જાત સુધી પહોંચવાનું જ વિસરી ગયાં છીએ. #MeToo ના આરોપનો ભોગ બનેલા અમેરિકન કવિ શર્મન એલેક્સી ફેસબુકના સંદર્ભે સોશિઅલ મિડીયાના આક્રમણ સામે લાલ બત્તી ધરે છે…

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…

The Facebook Sonnet

Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend

The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games

That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church

Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.

– Sherman Alexie

Comments

અશ્રુ – નિરંજન ભગત

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!

– નિરંજન ભગત

રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…

આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.

(પુલકમય=પુલકિત, રોમાંચિત, દોલ=હિંચકો, સ્વરપરશથી=સ્વરના સ્પર્શથી)

Comments

શ્રીભગવતી-સ્મરણ: ૦૫ : મૃત્યુને પ્રણામ

(પૃથ્વી)

મને જ હતી જાણ ક્યાં મુજ પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!

સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિ કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.

કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!

પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!

– ભગવતીકુમાર શર્મા

દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો. આ સૉનેટ પણ એમાનું જ એક છે.

સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. ગંગા જે રીતે ગુપ્ત હતી એમ જ એ પ્રેમ આપણાથી ગુપ્ત રહે છે. લાંબા સહવાસના કારણે બધું શુષ્ક અને નીરસ લાગવા માંડે છે અને પરસ્પર માટેની હૂંફમાં પણ ઓટ આવી અનુભવાય છે. સાથે તોય અલગ એવી રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને જોડી ખંડિત થાય એ ઘડીએ જ પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે અને પ્રિયજન માટે ભીતર અગાધ, તટહીન સાગર જેવો પ્રેમ હતો એ વાતનો અહેસાસ થાય છે. પોતાને આવો અહેસાસ કરાવવા માટે કવિ મૃત્યુને પ્રણામ કરે છે અને એનો ઋણસ્વીકાર કરે છે… સૉનેટને એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.

Comments (5)

કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

સૌ ભાવકોને વિનંતી કે સોનૅટ માટેનો અણગમો છોડીને આ સોનૅટ મમળાવે…..તમામ રીતે સુંદર એવું આ સોનૅટ એક પ્રખર સત્ય ગાય છે…..’ to be or not to be that is the question’ – આવા કવિશબ્દો કાળ સાથે નાશવંત હોતા નથી……

Comments (7)

રાત અને મૃત્યુ – જોસેફ બ્લેન્કો વાઇટ (અનુ. વિવેક મનહર ટેલર)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?

તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં

વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)

જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી.

ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે જોસેફ બ્લેન્કો વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું.

Night and death

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?

Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!

Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White

Comments (5)

સ્થૈર્ય – દિનેશ મોદી

(પૃથ્વી)

મકાન, ઘર, માણસો સકલ નષ્ટ સૃષ્ટિ જ્યમ!
ભૂકંપ! કશું સ્થિર ના; હલબલે સ્વયં જ્યાં ક્ષણો!
દીસે પ્રકૃતિ-રાજ્ઞી પૂર્ણ-જયી, માનવી પામર-
મહાત? કદી જીતશે મનુજ ઈશ-પ્રકૃતિને?
ભૂકંપ, કરી પૂર્ણ ધ્વંસ, જયી-હાસ્ય સાથે જહીં
દીસે પૂછંત, ‘…કોઈ વા કશું રહ્યું નથી ને બાકી…?!’

– તહીં અકળ અસ્થિરે સ્થિર કશુંક ભાળું જહીં
વિનાશ-તિમિરે રહ્યું ચમકી- કૈં ન જાણે પડી:
પરોપકૃતિ, માણસાઈ, કરુણા અહીં વર્ષતાં!
સહાનુભૂતિ ને ઉદાર-સહકાર રેલાય હ્યાં…
-અહો! અકળ, સર્વશક્ત જ ભૂકંપ છો વ્યાપક-
અબાધિત જ ધ્વંસ-શક્તિ પર આટલો અંકુશ!

ધરા-પ્રકૃતિ ના શકે ધ્રુજવી ભાવના શુભ, તો
અજેય બસ! માનવી; પ્રકૃતિ વિજયી પૂર્ણ ના…

– દિનેશ મોદી

પ્રકૃતિની વિનાશક તાકાત સામે મનુષ્યની હેસિયત શું? ભૂકંપનો એક આંચકો આવે એટલે ઘર-બાર, ઝાડ-પાન, માણસો- બધું જ ધૂળમાં મળી જાય. શું મનુષ્ય કદી ઈશ્વરને, પ્રકૃતિને જીતી શકવા સમર્થ થશે ખરો? પહેલાં ષટકમાં આ પ્રશ્ન ઊભો કરી કવિ બીજા ષટકમાં મનુષ્યમાં રહેલા પરોપકાર, માણસાઈ, કરુણા જેવા સદગુણોની વાત કરે છે, જેને પ્રકૃતિના કોઈ પરિબળ મિટાવી શકતાં નથી. પ્રકૃતિ મનુષ્યની શુભ ભાવનાને ધ્રુજાવી પણ શકતી નથી એ અર્થમાં માનવી અજેય છે અને પ્રકૃતિ પૂર્ણ વિજયી નથી જ નથી…

સૉનેટની પારંપારિક ભારઝલ્લી ગુજરાતી ભાષા અને બિનજરૂરી વિરામચિહ્નોની ભરમાર કવિતાની ગતિમાં ખલેલ પહોંચાડે છે એ ટાળી શકાયું હોત તો કૃતિ વધુ આસ્વાદ્ય બની શકી હોત.

Comments (1)

તૃણ સમ રૂપ તમામ – ભાનુપ્રસાદ પંડ્યા

(દોહરા) (લૌકિક દૃશ્ય)

કિરણ સમેટી સામટાં નિજ આથમણે કોર,
સૂરજ દેવ પધારતા સાંજ ઢળે ચોમેર.
રથ થંભાવી આંગણે છોડે ઘોડા સાત,
મુગટ ઉતારે મોજડી સતીને પાડે સાદ-
‘ઘરમાં કોઈ છે કે નહીં? શબ્દ નહીં સત્કાર?
અમ આવ્યા દન આથડી અંગે થાક અપાર.’
મલકી વીજ સરીખડું આવી ઉંબર બહાર,
તો તનડે ખીલી ઊઠે રોમે ફૂલ હજાર.
‘ઉતાવળી આવી લીયો આવો જગ આધાર!
વાળુના ઘડું રોટલા એમાં લાગી વાર.’
આંગળ ભાત્યે ઓપતો હતો રોટલો હાથ,
રન્નાદે ફૂલશું હસી રહે નીરખી નાથ.
‘ઊભાં રહેજો બે ઘડી સખી આમને આમ,
આ રૂપ આગળ રાજવણ તૃણ સમ રૂપ તમામ’

– ભાનુપ્રસાદ પંડ્યા

ચોમેર સાંજ ઢળે અને સૂરજ દેવ કિરણો સમેટી લઈને પોતાના ઘરે આવે, રથ થંભાવે, સાતે ઘોડા છૂટાં કરે, માથેથી મુગટ ને પગેથી મોજડી ઉતારે પણ સત્કાર માટે કોઈ નજરે ન ચડે એટલે પુરુષસહજ અધિકારથી બૂમ પાડે કે આખો દિવસ આથડી-થાકીને આવ્યો છું તે કોઈ આવકારો આપવા આવશે કે નહીં? રોટલા ઘડવામાં વ્યસ્ત હતી એટલે વાર લાગી એવો ખુલાસો કરતાં કરતાં, હાથમાં આંગળાની છાપ પડવાથી શોભતો રોટલો પકડીને પત્ની રન્નાદે વીજળી જેવું સ્મિત વેરતાં ઉંબર બહાર આવી ઊભે છે. સૂર્યદેવ ચિત થઈ જાય છે. કહે છે, બે ઘડી આમ જ ઊભાં રહેજો. આ રૂપની આગળ તો સમસ્ત સંસારનું રૂપ તણખલાં ભાર છે…

દેવોની ગૃહસ્થીની કેવી મજાની કલ્પના! પણ કાવ્યસૌંદર્ય અને કવિકળાની અડખેપડખે જ પુરુષપ્રધાન સમાજ અને પુરુષકવિની માનસિકતા પણ કેવી સાફ નજરે ચડે છે! દેવી-દેવતાઓના સર્જનહાર, શાસ્ત્રોના રચયિતા, મહાકાવ્યોના સર્જકો પણ પુરુષો જ એટલે એમનું વર્તન પણ એ જ રીતનું… હા, “ઊભા”ના માથે માનાર્થે અનુસ્વાર મૂકીને “ઊભાં” કહી સૂરજદેવ રન્નાદેને માન આપે છે એટલું આશ્વાસન લેવું રહ્યું… 

Comments (6)

નવી મહાપ્રતિમા – એમા લેઝારસ (અનુ. વિવેક મનહર ટેલર)

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. એ પ્રતિમા વિજયનો ગર્વટંકાર હતી, આ પ્રતિમા પ્રેમનો વિશ્વાવકાર છે…

આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.

*

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

Comments (3)

સૉનેટ : ૧૮ -વિલિયમ શેક્સપિઅર (અનુ.: વિવેક મનહર ટેલર)

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે.

*
Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

Comments (8)

ઓઝિમન્ડિસ – પર્સી બિશ શેલી (અનુ.: વિવેક મનહર ટેલર)

(શિખરિણી)

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સનયથી મોટો અને સાચો વિવેચક ન કોઈ થયો છે, ન થશે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા ૨૯ વર્ષની નાની વયે ગુડબાય કહી જનાર અમર મહાન બ્રિટિશ ગીતકવિ શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ગ્રીક નામ છે. ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો સૌથી વધુ શક્તિશાળી ફેરો હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. ’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે.

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

Comments (6)

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

(શિખરિણી)

પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
મહાકવિ હૉમરના બે મહાકાવ્યો -ઑડિસી અને ઇલિયાડ-નો જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ કિટ્સના વાંચવામાં આવ્યો. કોઈ બહુ મોટી શોધ કે જીત હાંસિલ કરી હોય ત્યારે જે ‘પ્રથમ’ની ઉત્તેજના અનુભવાય એવી જ ઉત્તેજના હૉમરના ગોપિત રહસ્યો, કાવ્યકલાની બારીકી નજર સામે આવી ત્યારે હર્ષાવેશમાં કિટ્સે આ સૉનેટ રચ્યું. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે.

કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વાત પણ કિટ્સે સૉનેટમાં બખૂબી વણી લીધી છે.

*
On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

Comments (4)