ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
મરીઝ

હાસ્યમેવ જયતે : ૦૧ : બાપુ અને કૂતરું – રમેશ પારેખ

બાપુ કહે : ‘બ્હારવટે ચડું હું
તો ભલભલાને વસમો પડું હું
કે સોથ વાળું સહુ ગામનો હું
ડંકો વગાડી દઉં નામનો હું ‘

બેઠેલ જે બાપુ નજીક સાવ
એ કૂતરાએ સરજ્યો બનાવ
બાપુ કરે આંખ જરાક ચૂંચી:
‘ લે કૂતરાએ કરી ટાંગ ઊંચી…! ‘

થ્યાં ગોદડાં બાપુ સહિત ભીનાં
બાપુ ધગ્યા : ‘ઊતર, ગોલકીના…’

લોહી બન્યાં મારકણાં સટાક
બાપુ કૂદ્યા પાડી કરાળ હાક
હલ્લો કર્યો ને નળિયું ઉપાડયું,
ઘા એક ઝીંકી કૂતરું ભગાડ્યું.

– રમેશ પારેખ

હાસ્ય-વ્યંગ જેવો ઉત્કૃષ્ટ કાવ્ય-પ્રકાર કેમ ગુજરાતી કાવ્યમાં ઓરમાયો રહ્યો છે તે કદી નથી સમજાયું !! શુદ્ધ હાસ્ય તો કદાચ ક્વચિત જ ખેડાયું છે ! વ્યંગ તો કેટલો મોટો પ્રદેશ !!! હિન્દીમાં તો વ્યંગકાવ્યનો તોટો નથી, પણ ગુજરાતીમાં તે પણ અળખામણું !! બધા સર્જકો ઘુવડગંભીર….. દિવેલીયા ડાચાં તો બ્રિટિશ એરિસ્ટોક્રેટને શોભે – આપણે વળી એવા શા ગુના કીધા ?????

ર.પા. એ થોડે અંશે આ પ્રકાર પણ ખેડ્યો છે, અને કહેવાની જરૂર નથી કે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે….

હાસ્ય-વ્યંગની મૂળ શરત એ છે કે જીવનની સચ્ચાઈઓને વક્રદ્રષ્ટિએ જોવી. ભાષા મજબૂત હોય તો સોને સુગંધ ભળે…ચોટ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો ઓર મજબૂત રચના બને. અમારો એક પ્રિય મિત્ર છે – ડૉ જનક રાઠોડ. એ કોઈ શાસ્ત્રીય કવિ નથી પણ એ કદી-મદી જે કવિતાસમી રચનાઓ extempore કરી દેતો હોય છે તે હસાવી હસાવીને બેવડ વાળી દે તેવી હોય છે – એક ઉદાહરણ –

સિર્ફ કહને કો હી હસીનો કી શેર-ઓ-શાયરી હૈ,
વરના સંડાસ તો શ્રીદેવી ભી જાતી હૈ

– કદાચ કોઈને આ રચના ઘણી crude લાગે, સુરુચિનો ભંગ કરતી લાગે, પણ તેનું ચોટીલાપણું અને એક ઊંડાણ આ બે લીટીને અલગ જ હરોળમાં મૂકી દે છે. હાસ્ય-વ્યંગની પરિભાષા જરાક જુદી હોય છે, ઘણી ઘણી છૂટછાટો કવિ લઈ શકે છે-કવિમાં હિંમત જોઈએ !!

8 Comments »

  1. pragnajuvyas said,

    December 6, 2020 @ 10:15 AM

    રપાની સ રસ હાસ્યકવિતા
    વ્યંગ અને હાસ્ય માનવ જીવનના અવિભાજ્ય અંગ છે. હાસ્યથી મનની સ્વસ્થતા અને વ્યંગથી કરવામાં આવેલો નિર્મળ વિરોધ અસરકારક રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા લેખકો દ્વારા વ્યંગ અને હાસ્ય સમાજમાં ફેલાય, તેના દ્વારા જ જ્ઞાન, રમૂજ, સર્જનાત્મકતા અને સહનશીલતાના ગુણો સમાજમાં ફેલાય તેવા હેતુથી અનેક પ્રયાસો થયા છે.
    ડૉ.તીર્થેશ નો હાસ્યમેવ જયતે દ્વારા લયસ્તરોનો પ્રયાસ પ્રસંશનીય છે.
    મા જ્યોતિંદ્ર દવે જેવાના અનેક ઉતમ હાસ્ય લેખો કાવ્યો જેમા ઘણા ખરી રચનામા પોતા પર જ વ્યંગ હોય છે જેવા કે ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ’ ગ્રંથમાં તેમનું ‘આત્મ પરિચય’ શીર્ષકથી ૬૨ લિટીનું દીર્ઘ કાવ્ય સંગ્રહિત થયેલું છે.એ કાવ્યમાં એમણે પોતાની બધી જ વાતો વર્ણવી છે. પોતે નૃત્યમાં પણ પારંગત હતા એ વાત એમના જ શબ્દોમાં માણો.
    કર્યુ હતું એક જ વેળ જીવને,અપૂર્વ નૃત્ય મેં વિના પ્રયાસે
    હું એકદા માર્ગ પરે નિરાંતે,ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
    અર્ધી બળેલી બીડી કોક મુખે,ફેંકી હતી તે પર પાદ મુક્યો.
    અને પછી નૃત્ય કરી ઊઠયો જે,તેવું હજી નૃત્ય કર્યુ ન કોઈએ.
    આસ્વાદમા ‘કવિમાં હિંમત જોઈએ !!’ વાતે રપાએ હિંમત કરી બાપુ અંગે કાવ્યો તો કર્યા પણ તેમને ત્યારબાદ બાપુ ફોબિયા થયો હતો અને બાપુ મારશે તેવા ભયથી પીડાતા !

  2. Prahladbhai Prajapati said,

    December 6, 2020 @ 8:41 PM

    વ્યન્ગ જોર્દાર સાથે હાસ્ય્

  3. વિવેક said,

    December 8, 2020 @ 7:03 AM

    મજાનું કાવ્ય…

  4. Dhaval Shah said,

    December 8, 2020 @ 9:41 PM

    સરસ!

  5. કિશોર બારોટ said,

    December 11, 2020 @ 1:43 AM

    હાસ્ય કાવ્યોનું સુંદર ચયન.
    મોજ આવી.

  6. Shah Raxa said,

    December 11, 2020 @ 10:04 AM

    વાહ..મોજ

  7. Hiteshkumar 'Tapsvi' said,

    December 11, 2020 @ 4:51 PM

    વાહ Very Nice

  8. Hiteshkumar 'Tapsvi' said,

    December 11, 2020 @ 4:53 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment