જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ભક્તિપદ
ભક્તિપદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 10, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, રંગ અવધૂત
મારું જોબન વીતી જાય
વાલમ! આજો મારે દેશ, મારું જોબન વીતી જાય;
રાત અકારી નૈન ન મીચે, પલક પલક જુગ જાય,
સૂની સેજડી આંસુભીની, લોક વગોવે હાય!
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
રંગ ગુલાબી ચિબૂક સુકાયો, શિર પર જટા સુહાય;
અંગ ભભૂતી દેખી પેલો અનંગ દિલ હરખાય;
હૃદય-કમલની સેજ બિછાવી, ‘સોહં’ પંખો હાથ;
વાસન-વસ્ત્ર ફગાવી વાલમ! વાટ જોઉ દિનરાત.
– રંગ અવધૂત
ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.
પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.
પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?
પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.
Permalink
September 13, 2023 at 8:07 PM by તીર્થેશ · Filed under કબીર, ભક્તિપદ
ના જાને તેરા સાહેબ કૈસા ?
મહજીદ ભીતર મુલ્લા પુકારૈ કયા સાહેબ તેરા બહિરા હૈ ?
ચિંઉટી કે પગ નેવર બાજૈ સો ભી સાહબ સુનતા હૈ.
પંડિત હોય કે આસન મારૈ લંબી માલા જપતા હૈ,
અંતર તેરે કપટ કતરની સો ભી સાહબ લખતા હૈ.
ઊંચા નીચા મહલ બનાયા ગહરી નેવ જમાતા હૈ,
ચલને કા મનસૂબા નાહી રહને કો મન કરતા હૈ.
કૌડિ કૌડિ માયા જોડી ગાડિ જમીં મેં ધરતા હૈ,
જેહિ લહુના હૈં સો લૈ જૈહેં પાપી બહિ બહિ મરતા હૈ.
સતવંતી કે ગજિ મિલૈ નહીં વેશ્યા પહિરે ખાસા હૈ,
જેહિ ઘર સાધુ ભીખ ન પાવૈ ભડુઆ ખાત બતાસા હૈ.
હીરા પાય પરખ નહિ જાનૈ કૌડિ પરખ ન કરતા હૈ,
કહત કબીર સુના ભાઈ સાધો હરિ જૈસે કો તૈસા હૈ.
કોણ જાણે તારો માલિક કેવો છે ! મસ્જિદમાં મુલ્લાજી મોટેથી બાંગ પોકારે છે, તે શું તારો અલ્લા બહેરો છે ? અરે, એ તોકીડીના પગનાં ઝાંઝરનો ઝંકાર પણ સાંભળે છે…..
તું પંડિત થઈને આસન લગાવીને લાંબી માળા ફેરવતો જાપ કરે છે, પરંતુ તારા અંતરમાં તો કપટની કાતર જ ચાલતી હેાય છે. તે પણ તારા ભગવાન જુએ જ છે !
ઊંડા પાયા નાખીને તું ઊંચા ઊંચા મહેલો ચણાવે છે. તે ઉપરથી તો લાગે છે કે અહીંથી તારે એક દહાડો જવાનું જ છે એનો તને ખ્યાલ જ નથી, તને તો સદા કાળ અહીં આ દુનિયામાં રહેવાનું જ મન થતું લાગે છે.
તેં કોડી કોડી ભેગી કરીને સંપત્તિ જમા કરી છે અને તેય તું ખોદી ખોદીને જમીનમાં દાટી રાખે છે. પણ તે તો જેને નસીમે મળવાની હશે તે જ છેવટે લઈ જવાનો છે. તુ તો લેાભનો માર્યો પાપ કરતો એનો ભાર ખેચીને મરી રહ્યો છે !
અરે ! આ દુનિયામાં સદાચારી નારીને પહેરવા પૂરતું એક વાર કપડું પણ નથી; ત્યારે વેશ્યા ઘણાં બધાં વસ્ત્રો પહેરીને મહાલે છે…સાધુ-સંતને જે ધરમાંથી પેટપૂરતી ભિક્ષા પણ નથી મળતી ત્યાં દુષ્ટજનો મિષ્ટાન્નની મેાજ માણે છે !
મનુષ્યજીવને આત્મારૂપી હીરો મળેલો છે પણ તેને એનું ભાન નથી, અને તુચ્છ કોડીની પણ તેને પરીક્ષા કરતાં નથી આવડતી ( કારણ કે વિવેકનોઅભાવ છે. ) કબીર કહે છે કે હે સંતજન ! આટલું જાણી લે કે ભગવાન તો જેવાની સાથે તેવા છે.
– કબીર ( અનુ – પિનાકિન ત્રિવેદી )
Permalink
September 1, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પદ, ભક્તિપદ, હરીશ મીનાશ્રુ
કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે
દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિ૨ ૫૨ ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનો૨થ ભીડી રે
મહિયા૨ણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે
સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગો૨સગ્રાસ ન લાધે રે
મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
૨ઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધ૨ વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે
પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે
– હરીશ મીનાશ્રુ
કવિએ લખેલ વહાલેશરીનાં બાર પદોમાંનું આ દસમા ક્રમનું પદ. ગીતનો ઉપાડ નરસિંહ મહેતાના જાણીતા પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ની યાદ અપાવે છે. નરસિંહ ‘કીધું કીધું કીધું’ના ત્રણવારના પુનરાવર્તન સાથે ‘કાંઈક કામણ કીધું’ની વાત માંડે છે, ત્યાંથી સહેજ આગળ વધીને કવિ સમર્પણનું સાવ અવળું જ ગણિત માંડે છે. વ્રજમાં આજે વિપરીત કૌતુક થયું હોવાની વાતને ત્રેવડાવીને અધોરેખિત કરી દીધા બાદ કવિ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે અબળા નારીએ વહાલેશરી કૃષ્ણ ભગવાનને જ લૂંટી લીધા છે. રાધાકૃષ્ણ અને ગોપીકૃષ્ણના પ્રેમની વાતો તો હજારોવાર કહેવાઈ ચૂકી છે, પણ ખરું કવિકર્મ જ એ જે ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતમાં પણ સાવ અનૂઠો દૃષ્ટિકોણ શોધી શકે. સાક્ષાત્ ઈશ્વરને લૂંટી લેનારને કવિ ‘અબળા’ કહીને સંબોધે છે એ સમર્થ વિરોધાભાસ પણ તુર્ત જ સ્પર્શી જાય એવો છે.
…અને જીવનભર પોતાને લૂંટતા રહેનાર કાનાને લૂંટી લેવા માટેનો ગોપીનો કીમિયો તો જુઓ. માટલામાંથી દહીંદૂધ ખાલી કરી દઈ ખાલી માટલાંને દહીં ઊભરાતું હોય એમ એણે શણગાર્યાં છે. આટલું ઓછું હોય એમ કંચુકીની કસો તાણીને સ્તનોના ઉભારને વધુ આકર્ષક બનાવ્યો છે. ઈશ્વરનું ગુમાન હણવામાં આજે એ કોઈ કચાશ છોડનાર નથી. કંચવા અને કસ સાથે કસી અને તસોતસની વર્ણસગાઈમાં કવિએ મદન-મદ-મહિયારણ તથા હરિ-હણવા-હીંડીની વર્ણસગાઈઓ ઉમેરી પદને ઓર આસ્વાદ્ય બનાવ્યું છે. જો કે સમગ્ર રચનામાં આવી વર્ણસગાઈનું સંગીત આપણને સતત રણઝણતું સંભળાયે રાખે છે – લલના-લાગ-લીલા, ભરવાડા-ભાણેજડા, રઢ-રઢિયાળાં, વેણુંસોતાં-પદરેણુસોતાં, રસ-અરસપરસ વિ.
કાનજીનું મન ગોરસ પામવા તરફ છે અને મહિયારણનું મન લીલા કામવા તરફ છે. કહાન માંગે એ પહેલાં એ જ સામે ચાલીને દાણ માંગીને અવળી પ્રથા અજમાવે છે. યેનકેન પ્રકારે પણ એ કાનાથી એક ક્ષણ પણ અળગી રહેવા તૈયાર નથી. કૃષ્ણના ઓષ્ઠને ચૂમતી વાંસળી અને પગને ચૂમતી ધૂળ- ઈશ્વરની અખિલાઈને પોતાના ચુંબન-આલિંગનમાં સમાવી લેવા તરસતી-તડપતી ગોપી અરસપરસના રસ પીને અને અનુપમ દાણ લઈ-દઈને જ તૃપ્ત થાય છે. સામે સ્વયં પરમેશ્વર કેમ ન હોય, પ્રેમ અને યુદ્ધમાં તો બધું જ વ્યાજબી ગણાય, ખરું ને?
Permalink
August 4, 2023 at 11:01 AM by વિવેક · Filed under પુનમતી ચારણ, ભક્તિપદ, ભજન
ભણતી સાં મેં કાનડ કાળા રે, મીઠી મીઠી મોરલીવાળા રે!
પાંચસે તો મુંહે પોઠીડા દેજે, પાંચસે ગોણાળા,
લાંબી બાંયાળો ચારણ દેજે, ત્રિકમ છોગાળા.
ભણતી સાં મેં…
પાંચ તો મુંહે પૂતર દેજે, પાંચેય પાઘાળા,
તે ઉપર એક ધેડી દેજે, આણાત ઘોડાળા.
ભણતી સાં મેં…
કાળિયું ને ઘણી કુંઢીયું દેજે, ગાયુંનાં ટોળાં,
વાંકે નેણ વાઉવારુ દેજે, ઘૂમાવે ગોળા.
ભણતી સાં મેં…
ઊંચી ઓસરીએ ઓરડા દેજે, તલક ગોખાળા,
સરખી સાહેલીનો સાથ દેજે, વાતુંના હિલોળા.
ભણતી સાં મેં…
ગોમતી કાંઠે ગામડું દેજે, જ્યાં અમારો નેહ,
પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ.
ભણતી સાં મેં…
– પુનમતી ચારણ
પુનમતી ચારણ વિશે કોઈ વિશેષ માહિતી મળી શકી નથી, પણ પદાંતે પુનમતી ચારણ નામ લખ્યું છે એ કવિનું નામ હોવાનું ધારી શકાય. લોકગીતના ઢાળમાં રમતી મજાની રચનામાં શ્રી કૃષ્ણ પાસે કવિ જાતભાતની માંગણીઓ કરે છે. કહે છે, હે મીઠી મીઠી મોરલીવાળા કાળા કાનુડા, મને પાંચસો બળદ આપજે અને પાંચસો ગુણી અનાજ આપજે. સાથે છેલછબીલો ચારણ પતિ તરીકે આપજે. પતિ વળી એને લાંબી બાંયોવાળો જોઈએ છે, મતલબ એના હાથ વધારે લાંબા હોય, જેથી એ મહેનત કરવામાં પાછો ન પડે. પાંચ જુવાનજોધ દીકરા અને એક દીકરી જેનાં સાસરિયાં ઘોડાવાળાં મતલબ સમૃદ્ધ હોય. કાળી ભેંસો અને ટોળાબંધ ગાયો પણ આપજે. સાથે જ કવિ નેણમટક્કા કરી શકે એવી રૂપાળી વહુવારુ પણ માંગે છે, જે આ ગાય-ભેંસોને દોહી શકે, મતલબ ઘરકામમાં પ્રવીણ હોય. મોટું ઘણા ઓરડાવાળું ઘર પણ સર્જક માંગે છે. સાથે જ માંગે છે જેની સાથે વાતોના હિલોળા લઈ શકાય એવી પોતાના ‘સ્ટેટ્સ’ને બરાબર સહેલીઓ. પવિત્ર ગોદાવરી નદીના કાંઠેના ગામડામાં પોતાનો નેસ હોય એવી માંગણી કવિ કરે છે, જેથી કરીને પૂજા-અર્ચનમાં પણ સરળતા રહે. આટલું ઓછું હોય એમ સર્જક માંગ્યા મેહ વરસે એવું વરદાન પણ ઇચ્છે છે, જેથી કરીને આ સુખસમૃદ્ધિને કદી દુષ્કાળ કે પ્રતિકૂળતાનો સામનો કરવાનો ન રહે.
પહેલી નજરે માનવસહજ લોભીવૃત્તિ નજરે ચડે પણ સહેજ વિચારતાં જ સમજાય કે ભક્ત ભગવાન પાસે માંગવા બેસે ત્યારે કૃપણતા શીદ કરવી? ઈશ્વર સાથે દિલનો નાતો હોય ત્યારે જ આટઆટલી માંગ શ્વાસ જેવી સહજતાથી થઈ જાય… ઈશ્વર બધી જ માંગ પૂરી કરશે એ ભરોસો પણ આ પદનો પ્રાણ છે.
Permalink
June 2, 2023 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભજન, સરવણ કાપડી
પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે!
અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો’૨શે રે જી… અલખ સંતો ભાઈ.
શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
‘સરવણ કાપડી’ એમ બોલિયા રે જી… અલખ સંતો ભાઈ.
– સરવણ કાપડી
આપણી સમૃદ્ધ ભજનિક કવિઓની પરંપરામાં એક ઓછું જાણીતું પણ નોંધપાત્ર નામ સરવણ કાપડીનું પણ છે. સંતગુરુનો મહિમા કરતું આ ભજન સરળ શબ્દોમાં સીધું નિશાન તાકે છે. સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે. ભીતરના આંબામાં વસતી કોયલનો રળિયામણો સૂર ગુરુની મદદ વિના કોણ સાંભળી શકે? સતગુરુ જ સાબુ-પાણી વિના રુદિયાનો મેલ ધોઈ આપશે. ભીતરની હાટડીમાં અણમોલ વસ્તુઓ ભરી પડી છે, પણ એના મોલ માથે ગુરુના આશિષ હોય એવા સુગરા વિના બીજું કોઈ કરી શકનાર નથી. સાહિબને પામવા માટે શિશ ધરી દેવાની તૈયારી હોવી ઘટે, એથી ઓછી કિંમતે સાયબો મળનાર નથી.
Permalink
March 10, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, ભરત ગોહેલ ડૉ.
નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.
માલા મોતી હાથ ધરે ક્યું, છોડો સબ દિખલાવા;
હોઠ જરા ભી હિલે ન ઐસે, ભીતર ભીતર ગાવા.
નામ લિખ ક્યું કાગદ રંગે, ક્યું ખરચો રે શ્યાહી;
. નામ રતન બીજ…
નામ જપન કી બેલા કૈસી? જબ ચાહા જપ લેના;
મનમેં મંદિર, મનમેં મૂરત; મન હી મન મત્ત રેના.
ઐસી કિ૨યા કરો ના જીસસે, લોગ કરે બાહબાહી;
. નામ રતન બીજ…
૫૨મ પ્રીત કી પાવન કથની, અંતરપટ હો અંકિત:
ઐસે રટતે રહો નામ હો, જનમ જનમ કો સંચિત.
ચાહ બચે ના એક અલાવા, પિયુ રહો સો ચાહી;
. નામ રતન બીજ…
– ડૉ. ભરત ગોહેલ
મીરાંબાઈ ‘રામરતન’માં ધન પામ્યાં, આપણા કવિ ‘નામરતન’ની ગડ ઉકેલે છે. કહે છે, પ્રભુનામના રત્નને અંતરની માટીમાં એવી રીતે દાટી દો કે જોનારાને કેવળ શરીર જ દેખાય, અંદર વવાઈને ઊગવા તત્પર પ્રભુનામનું બીજ નજરે જ ન ચડે. અખાની જેમ જ કવિ માળા-મોતી વગેરે દેખાવાની તરફેણમાં નથી. એ તો કહે છે, પ્રભુનામ તો એ રીતે અંદરોઅંદર જ ગાવાનું હોય કે હોઠ જરાય હલે સુદ્ધાં નહીં. કાગળ પર પ્રભુનામ લખીને કાગળ બગાડવાની કે શાહી ખર્ચવાની ટેવ પણ અર્થહીન છે. અને ઈશ્વરનું નામ લેવા માટે તે કોઈ વેળા હોય? મન થાય ત્યારે લેવાનું હોય એ તો, કારણ મનમાં જ મંદિર પણ છે અને મનમાં જ મૂર્તિ પણ છે એટલે મનમાંને મનમાં જ નામ લેવું જોઈએ. એવું કશુંય કરવાનું જરૂરી નથી, જે જોઈને લોકો વાહવાહી કરે. પરમકૃપાળુ પરમેશ્વર સાથેની પરમ પ્રીતની પવિત્ર કથા અંતરપટ પર એમ અંકિત હોવી જોઈએ કે જનમજનમનું ભાથું બંધાય. એક ઈશ્વરને બાદ કરતાં કશાયની ચાહના ન રહે એ રીતે પિયુ પરમેશ્વરને ચાહવાનો છે. અલગારી સંતબાનીમાં આલેખાયેલ આ ગીત આજના પોચટ ભજનકાવ્યોથી સુપેરે અલગ તરી આવે છે.
Permalink
April 30, 2022 at 12:02 PM by વિવેક · Filed under દાસી જીવણ, ભક્તિપદ, ભજન
સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.
પવન રૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…
ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે…
સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએં મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…
શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….
આ રે વેળાએઁ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…
સતગુરુએ મુંને ચોરી શિખવાડી.
– જીવણ સાહેબ
દુનિયામાં કયા સદગુરુ શિષ્યને ચોરી કરતાં શીખવાડે? ગુરુ તો જ્ઞાન આપે, ઉદ્ધાર અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરતાં શીખવાડે પણ આ રચના જુઓ… આ એવા ગુરુને છે જે પોતાના શિષ્યને ઘરફોડ ચોરી કઈ રીતે કરવી એનું જ્ઞાન આપે છે… આંચકો લાગે એવી વાત છે ને? દાસી જીવણ કઈ ચોરીની વાત કરે છે એ વિશે વિસ્તારથી જાણવું હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…
Permalink
December 2, 2021 at 12:33 AM by વિવેક · Filed under કેશવલાલ હરિરામ ભટ્ટ, ગીત, ભક્તિપદ, ભજન
તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0
એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0
તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0
કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0
– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)
કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.
જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી
Permalink
November 10, 2021 at 1:44 AM by વિવેક · Filed under ગીત, નરસિંહ મહેતા, ભક્તિપદ
(રાગ : કેદારો)
સારમાં સાર અવતાર અબળા તણો,
જે બળે બળભદ્ર-વીર રીઝે;
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી?
તેણે નવ નાથનુ કાજ સીઝે. સારમાંo
મુક્તિ પર્યન્ત તો પ્રાપ્તિ છે પુરુષને,
સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે,
તે નહીં નારી-અવતાર પાખે. સારમાં o
ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ,
ગાપિકા ચરણરજતેહ વંદે;
ગેાપીથી આપનુ અધમપણું લેખવે,
નરપણું નવ રુચે, આપ નં(નિ)દ. સારમાંo
વેદ- વેદાંત ને ઉપનિષદ ખટ મળી,
જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે,
અહર્નિશ અનુભવ-સંગ લીધો. સારમાંo
સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા!
પ્રણમું હું, પ્રાણપતિ ! પાણ જોડી;
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યુ ફરે,
ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. સારમાંo
– નરસિહ મહેતા
શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની અનેક રીતોમાંની પ્રમુખ તે પ્રેમલક્ષણા ભક્તિની રીત. અને એમાંય કૃષ્ણની પ્રેમિકા-પત્ની બનવાની ઝંખા ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે. પ્રેમ ગમે એટલો ઉત્કૃષ્ટ કેમ ન હોય અને પ્રેમનો સ્વીકાર પણ ગમે એટલો સંપૂર્ણ કેમ ન હોય, સ્ત્રી અને પુરુષ જે રીતે એકમેકમાં ઓગાળી જઈ શકે છે, એ રીતે બે પુરુષ કદી એકાકાર થઇ શકતા નથી. એટલે જ પરાપૂર્વથી પુરુષ કવિઓ ઈશ્વરારાધના સ્ત્રી બનીને કરતા આવ્યા છે. નરસિંહ પણ આ જ મતના છે. દયારામની જેમ એમના પણ અસંખ્ય પદોમાં નારીભાવે સમર્પણ જોવા મળે છે.
નરસિંહ કહે છે કે લેવા જેવો કોઈ અવતાર હોય તો તે અબળાનો છે, કેમકે એના જ બળે કૃષ્ણને રિઝવી શકાય છે. વર્ણસગાઈને વધુ અસરદાર બનાવવા માટે કવિ શ્રી કૃષ્ણને બળભદ્રના વીર કહે છે એમાં સાચું કવિકર્મ ઝળકે છે. પુરુષને પણ મુક્તિ તો પ્રાપ્ત થઈ શકે છે પણ ચૌદ ભુવનનો નાથ સામે ચાલીને નોહરા કરે, આજીજી કરે એ તો સ્ત્રી અવતારને જ નસીબ થઈ શકે ને?
ઇન્દ્ર વગેરે દેવો અને મહામુનિઓને પણ ગોપીભાવ હાંસિલ નથી, પરિણામે ગોપિકાની ચરણરજ તેઓ માટે વંદનીય છે. પોતાને સ્વામીથી અલગ રાખતું પોતાનું નરપણું એમને રુચતું નથી. વેદ-ઉપનિષદોમાં જે રસ પ્રગટ થયો છે, એ તો ભાગ્યની બળવાન ભામિની સાથ-સંગાથના અનુભવમાંથી અહર્નિશ મેળવે છે. નરસિંહનું સ્વપ્ન છે કે પોતે આ ગોપીભાવ, અબળા-અવતાર પ્રાપ્ત કરે, અને એ માટે જ જેમ પેંધું પડી ગયેલું જાનવર જે રીતે પૂંઠે પૂંઠે ફર્યે રાખે એમ હાથ જોડીને તેઓ શ્રી કૃષ્ણની પાછળ પાછળ ફરી રહ્યા છે…
સરવાળે, પ્રેમલક્ષણા ભક્તિનું એક અમર પદ…
ઝૂલણાના આવર્તનોની સંગીતાત્મકતાની સાથોસાથ કવિનું ક્રિયાપદ-બાહુલ્ય, પંક્તિએ પંક્તિએ રણકતી વર્ણસગાઈઓ અને આંતરપ્રાસ વગેરે પર એક નજર કરીશું તો સમજાશે શા માટે આપણો આ આદિકવિ આટઆટલી સદીઓના વહાણાં વાઈ ગયાં હોવા છતાં હજીય કવિશ્રેષ્ઠ ગણાય છે!
Permalink
June 25, 2020 at 1:30 AM by વિવેક · Filed under અખો, પદ, ભક્તિપદ
લાજુ લાજ ન રહીએ, સહી એ
. ઐસા લાગ ગયા ન આવે રે!
નીડર હોકર જે જઈ લાગે,
. સો શામ અનેરા પાવે રે!
. લાજુ, લાજ ન રહીએ!
ગલે બાંહાંકા સુખ જયુનૂં નહીં દેખ્યા,
. સો બાહાર ફરે બુધ્યહીણી રે,
ચતુરપણાં મૂરખ હોય નીમડ્યા,
. જો તું વાત ન સમજી ઝીણી રે
. લાજુ, લાજ ન રહીએ!
બારે માસ રહે ઘૂંઘરટી,
. મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
. જો તું સાથી કંઠ ન લાગી રે!
. લાજુ, લાજ ન રહીએ!
ચલે સહિજ મેં હરતી ફરતી
. લેવે લ્હાવા – પણ લૂખી રે,
આછા અંગ દેખાવે લોકા
. પણ ભોગ બીના તું ભૂખી રે!
. લાજુ, લાજ ન રહીએ!
લટકા લાલાલનકા લ્હાવા,
. લીના નહિ જશ નારે રે,
સો ભૂલી ભામ્યની મહાભૂંડી,
. કહ્યા બહોત સુનારે રે!
. લાજુ, લાજ ન રહીએ!
– અખો
અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.
જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.
જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)
Permalink
June 19, 2020 at 12:30 AM by વિવેક · Filed under પદ, ભક્તિપદ, મીરાંબાઈ
મ્હાંને ચાકર રાખોજી,
. ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!
ચાકર રહસું, બાગ લગાસૂં,
. નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં
. ગોવિંદા – લીલા ગાસૂં રે !
. મ્હાંને ચાકર રાખોજી!
ચાકરી મેં તો દરસન પાઊં,
. સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં,
. તીનોં બાતાં સરસી રે !
. મ્હાંને ચાકર રાખોજી!
મોર મુકુટ પીતામ્બર સોહે,
. ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે,
. મોહન મૂરલીવાલા રે!
. મ્હાંને ચાકર રાખોજી!
ઊંચે ઊંચે મહલ બનાઊં
. બિચ બિચ રાખુ બારી;
સાંવરિયા કે દરસન પાઊં
. પહિર કસુમ્બી સારી રે !
. મ્હાંને ચાકર રાખોજી!
જોગી આયા જોગ કરનકો,
. તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે
. વૃન્દાવનકે વાસી રે !
. મ્હાંને ચાકર રાખોજી!
મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,
. હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો
. પ્રેમનદીને તીરા રે!
. મ્હાંને ચાકર રાખોજી!
– મીરાંબાઈ
મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.
કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…
Permalink
December 10, 2019 at 4:27 AM by વિવેક · Filed under પદ, ભક્તિપદ, મીરાંબાઈ, સૂફી
જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?
તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.
તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.
તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.
મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.
– મીરાં
ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.
મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.
Permalink
December 9, 2019 at 6:09 AM by વિવેક · Filed under કબીર, ભક્તિપદ, વિશ્વ-કવિતા, સૂફી
વ્હાલમ! આવો મારે ઘેર રે,
તમ બિન દુઃખી તન ઢેર રે.
સૌ કહે હું નારી તારી,
મને જ આ સંદેહ રે;
એક મેક થઈએ, સંગ ન સૂઈએ
ત્યાં લગી કેવો સ્નેહ રે?
અન્ન ન ભાવે, ઊંઘ ન આવે,
ઘર વન ધરે ન ધીર રે,
જેમ કામીને કામિની પ્યારી
જેમ તરસ્યાને નીર રે.
છે કોઈ એવો પરોપકારી
પ્રિયને કહી સંભળાવે રે,
‘કબીર’ હવે બેહાલ થયા છે
વણદેખ્યે જીવ જાવે રે.
– કબીર
(અનુ.: વિવેક મનહર ટેલર)
સૂફીવાદ અથવા તસવ્વુફ શબ્દ બોલતાંની સાથે આપણી નજર સામે માથે ઊંચી સફેદ ટોપી અને શરીરે લાંબો-ખુલતો સફેદ ચોગો પહેરીને નિજાનંદમાં ગોળ ગોળ ફર્યે રાખતા દરવેશની છબી આવી ઊભે. અથવા આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન જેવા ગાયકોનું સ્મરણ થાય. સાહિત્યમાં થોડોઘણો પણ રસ હોય એની નજર સામે અમીર ખુશરો, રૂમી, ગુલામ ફરીદ, મન્સુર, રાબિયા જેવા કવિઓ તરવરી ઊઠે. માન્યું કે પ્રવર્તમાન સૂફીવાદના મૂળ ઈસ્લામમાં પડેલાં છે અને સૂફી કલામ મુસ્લિમ ધર્મમાંથી લંબાયેલી ડાળ છે, પણ ભારતીય સાહિત્યનો ઇતિહાસ ચકાસીએ તો આપણે ત્યાં ઘણાં કવિઓની કલમ સૂફીવાદની વિચારધારાને મળતી આવે છે.
સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે:
૧) રુઢિચુસ્ત ઈસ્લામ ધર્મ બાહ્યાચાર અને ધાર્મિક વિધિઓના આંધળા પાલનનું સમર્થન કરે છે, જ્યારે સૂફી દરવેશ આંતરિક આંતરિક શુદ્ધિની આરત રાખે છે.
૨) સૂફી દરવેશ ઈશ્વરને પોતાની માશૂકા ગણે છે અને માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
૩) પ્રેમ અને સમર્પણ ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.
૪) સૂફીવાદમાં સૌથી ઊંચુ સ્થાન ગુરુ (મુર્શીદ/પીર)નું છે.
૫) સમર્પણ નમાઝ અને રોજાથીય ઊંચું સ્થાન ધરાવે છે.
૬) સૂફીવાદ જાતિ વ્યવસ્થામાં માનતો નથી.
૭) સૂફીવાદ સાદા-સરળ જીવનનો હિમાયતી છે.
આપણે ત્યાં જયદેવ, વલ્લભાચાર્ય, આણ્ડાળ, વિદ્યાપતિ, કબીર, લાલ દીદ, નરસિંહ, મીરાં જેવા અનેકાનેક કવિઓ થઈ ગયા છે, જેમની રચનાઓ અને જીવનશૈલીમાં આ તમામ સિદ્ધાંતો વણાયેલા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઈસ્લામિક દેશોમાં અને આપણે ત્યાં સૂફીવાદી ભક્તિવિચારધારાઓનો સમાંતરે અને સ્વતંત્રપણે વિકાસ થયો છે.
કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. પ્રભુને વહાલમ કહીને એ ઘરે બોલાવે છે, કેમ કે એના વિના આ કાયા દુઃખી દુઃખી છે. લોકોના કહેવા મુજબ કબીર ઈશ્વરની પત્ની છે પણ કબીરને આ વાત પર શંકા છે કેમ કે જ્યાં સુધી બે જણ એક ન થાય, સાથે એક સેજ પર સૂઈ ન જાય ત્યાં સુધી સ્નેહસંબંધ વળી કેવો? કેવી ચતુરાઈથી ઈશ્વરને પોતાને એકરૂપ કરી દેવા માટે કબીર ઉકસાવે છે! પ્રભુના પ્રેમમાં નથી અન્ન ભાવતું, નથી ઊંઘ આવતી, ઘરમાં રહે કે વનમાં, ધીરજ ખૂટી રહી છે અને જેમ કામીને સ્ત્રી પ્યારી હોય અને તરસ્યાને પાણી, બરાબર એ જ તીવ્રતાથી કબીરને પ્રભુની આરત છે. હવે તો કોઈ પરોપકારી મળે અને ઈશ્વરને કબીરના બેહાલ હાલની વાત કહી સંભળાવે તો ઠીક, બાકી કબીરના પ્રાણ પ્રભુદર્શન ન થવાના લઈને નીકળવા પર છે.
*
बालम आवो हमारे गेह रे,
तुम बिन दुखिया देह रे।
सब कोई कहै तुम्हारी नारी
मो कों यह संदेह रे;
इक मिक होये सेज न सोये
तब लग कैसो स्नेह रे।
अन्न न भावै नींद न आवै
गृह बन धरै न धीर रे,
ज्यों कामी को कामिनी प्यारी
ज्यों प्यासे को नीर रे।
है कोई ऐसा पर-उपकारी
पिय से कहै सुनाय रे,
अब तो बेहाल ‘कबीर’ भये हैं
बिन देखे जिया जाय रे।
– कबीर
Permalink
May 18, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, મીરાંબાઈ
નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.
જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી. અતંરo
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પીતાંબર, જરકસી જામા,
કેસર આડ કરી. અતંરo
મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલવરને વરી. અતંરo
– મીરાંબાઈ
આજન્મ કૃષ્ણઘેલી મીરાં રાધાનો સ્વાંગ લઈને કેવી મજાની રીતથી કૃષ્ણને ચાહે છે! વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી રચના છે…
Permalink
September 14, 2017 at 3:12 AM by વિવેક · Filed under અબ્બાસઅલી તાઈ 'અજનબી', ગીત, ભક્તિપદ
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.
ભીતરથી ભણકારા છૂટે વેણુના વંટોળ વછૂટે,
રોમરોમના થરથર કંપે માધવનું મન ઘેનલ ઘૂંટે.
વસંતવેલી અબિલગુલાલે રાસ રમે ને લૂમેઝૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.
ઝાંઝર મીરાં પગનું તારા કુંજગલીમાં ઝમતું ઝરણું,
રાધા વહેતી ધારા જેવી શોધે છે માધવનું શરણું.
ઝરણ શરણના વહેળા ફૂટ્યા ડૂસકે ડૂસકે ડૂમે,
મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે.
– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’
વૃંદાવનની કુંજગલીઓમાં કવિનું મન મીરાં થઈને અને તન રાધા થઈને ફરી રહ્યું છે. એક મુસ્લિમ કવિનું આ કૃષ્ણગીત છે પણ આખ ગીતનું પિષ્ટપેષણ કરવાના બદલે મારું મન એક જ પંક્તિ પર અટકી ગયું છે. નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે. – ભઈ વાહ ! આનાથી ઊંડો ને ઉદાત્ત કૃષ્ણપ્રેમ બીજો કયો હોઈ શકે? ચંદ્રમાં શ્યામ વર્ણના ડાઘ છે એટલે કવિના તન-મનને એમાંય શ્રીકૃષ્ણ નજરે ચડે છે અને એથી જ કવિ ચંદ્રમાંથી પૃથ્વી પર ઉતરી આવતા એક-એક કિરણ કિરણને ચૂમી રહ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિની કેવી પરાકાષ્ઠા!
ડૉ. અબ્બાસઅલી તાઈ… મૂળ સોનાવાડી, ગણદેવીના. ચીખલીની કોલેજમાં અધ્યપક રહ્યા. સંખ્યાબંધ પુસ્તકો અને પુરસ્કારોથી નવાજિત. જન્મે મુસ્લિમ પણ કર્મે મીરાં… શ્રીકૃષ્ણ ઉપર એમણે પી.એચ.ડી. કર્યું ને ૫૦૦થીય વધુ પ્રવચનો આપ્યાં. પોતાના કૃષ્ણપ્રેમ વિશે એ પોતે કહે છે, “હું જન્મ તથા કર્મથી ઈસ્લામ ધર્મી મુસ્લિમ વ્યક્તિ છું. મારા આ સંશોધન (પી.એચ.ડી.) પછી હજારો લોકોએ મને આ પ્રશ્ન કર્યો, ‘આપે આ જ વિષય (કૃષણ) જ કેમ પસંદ કર્યો?’ પ્રત્યુત્તર સાફ હતો, હું ભારત ભૂમિનો પુત્ર છું, જેના સંસકર અને સંસ્કૃતિથી પ્રભાવિત હોવું સ્વાભાવિક છે. જેમ કવિ રસખાને કૃષ્ણ કવ્યો લખ્યાં, કર્નાટકના ચિત્રકાર અલ્લાબક્ષાખાંએ શ્રીકૃષ્નલીલાના બહુ ભાવવાહી સુંદર ચિત્રો બનાવ્યાં, મોટા મોટા મુસ્લિમ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદોએ પણ કહ્યું, – કૃષ્ણ વિના શું ગાવું? અલ્લામા ઇકબાલે પોતાના’મનસવી’ કાવ્યમાં શ્રીકૃષ્ણના ગુણગાન ગાયાં છે.”
Permalink
February 18, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, મીરાંબાઈ
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું.
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે.
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો ભય ટાળ્યો.
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે.
– મીરાંબાઈ
Vintage wine !!
Permalink
June 21, 2014 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, લલ્લા, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि मु चू मि मिलो ना जाना
चू कु मु कु क्यों सन्देह् ॥
– लल्ला
નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યા કીધો મેં સદા આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?
– લલ્લા
અનુ. વિવેક મનહર ટેલર
*
લલ્લા કહો કે લાલ દીદ… ચૌદમી સદીના અંત ભાગમાં પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી અર્ધનગ્ન વણજારણ સાધ્વી અને કવયિત્રી યોગિની હતી… શૈવ પંથની પ્રચારક. એના વિશે વધુ જાણકારી નથી પણ એવું કહેવાય છે કે એની સાસુએ એને ત્રાસ આપી આપીને ઘરમાંથી ખદેડી કાઢી એ પછી એણે વણજારાની જિંદગી અપનાવી હતી. રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. જેમ આપને ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે.
अहम ब्रह्मास्मि । – એ આ કાવ્યનો પ્રધાન સૂર છે. હું કોણ છું નો સનાતન પ્રશ્ન લલ્લા પણ ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. આ દેહની પાછળ જીવન પૂરું થઈ ગયું. પણ આપણો ‘હું’ એ અને બ્રહ્મનો ‘તું’ – આ બે અભિન્ન છે એ તથ્ય જ વિસરાઈ ગયું. પરમબ્રહમની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું એ જ સૌથી મોટી ભૂલ છે.
*
Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’
– Lalla
(Eng. Translation: George Grierson)
Permalink
September 13, 2012 at 12:30 AM by વિવેક · Filed under બ્રહ્માનંદ, ભક્તિપદ, ભજન
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ
. (ટેક)
રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
. રે હરિ સારુ માથું ઘોળ્યું.
. રે શિરo
રે સમજ્યા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
. ત્યાં મુખ પાણી રાખી મરીએ.
. રે શિરo
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
. તે શું જીવે ભૂંડું મુખ લઈને.
. રે શિરo
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;
. જો ચડીએ તો કટકા થઈ પડીએ.
. રે શિરo
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
. બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.
. રે શિરo
– બ્રહ્માનંદ
આશરે ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૮૮માં થઈ ગયેલ મધ્યકાલિન ભક્ત-કવિ બ્રહ્માનંદ સ્વામીનું આ જાણીતું પદ છે. એકે લીટીની વાર્તા એટલી જ છે કે પ્રેમ કરવો હોય તો સંપૂર્ણ સમર્પણ જોઈએ, સંપૂર્ણથી ઓછું કશુંય ચાલે નહીં. સમજ્યા વિના હરિ ભજવા નહીં અને એકવાર હરિને વરીએ તો ભલે માથું જાય, પણ પાછી પાની કરવી નહીં એ મતલબ એક પછી એક અંતરામાં કવિ ખરલમાં મેંદી ઘૂંટતા હોય એમ ઘૂંટતા જાય છે…
Permalink
April 21, 2012 at 1:40 AM by વિવેક · Filed under ઉશનસ્, ગીત, ભક્તિપદ
બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !
-ઉશનસ્
કૃષ્ણ-ગોપીની મટકીલીલા લગભગ બધી ભાષાના કવિઓએ અવારનવાર ગઈ છે અને તોય તે એવી ને એવી તાજી જ લાગે છે. કનૈયો મટકી ફોડીને ગોરસ લૂંટી લે એ ન ગમતું હોય, એની ફરિયાદ કરતી હોય એવી ગોપીના માધ્યમથી કવિઓએ કૃષ્ણના ગુણગાન ગાયા છે.
ફરિયાદી ગોપીને અન્ય ગોપી કૃષ્ણ મહિમા સમજાવતાં કહે છે કે આ તો તારાં સદભાગ્ય છે કે જે સદા અમૃત ખાનાર છે એ કાનજી તારી કને ગોરસ માંગી રહ્યો છે. ઊંચે આભમાં રમનાર ખેલાડી આજે તારા આંગણે પોતાનો ઈશ્વરીય વેશ ત્યજીને રમવા ઊતરી આવ્યો છે. ઈ આપણો ધણી બની બેસે તોય આપણે કશું કહી-કરી શકનાર નથી પણ આ ચૌદ ભુવનનો સ્વામી યાચક બનીને આવ્યો છે.
જેની મટકી કાનજી ફોડતો નથી એ આખી રાત ગોરસ પી પી કરે તોય ખૂટવાનું નથી. અંતે ઢોળી દેવું પડે છે. વળી કાનજી એક બુંદ પણ પીએ એનો જ તો ખરો મહિમા છે. એ એક મુઠ્ઠી તાંદુલ સામે મહેલોની ભેટ ધરે છે અને એક વસ્ત્રના ચીરા સામે હજાર વસ્ત્રો પૂરે છે.
જેની ગાગર ફૂટે એનો જ ભવ ફેડાઈ જાય છે. કાનજી જેવો લૂંટારો આવે ત્યારે કશું બચાવવા જવું એ જ મૂર્ખતા છે કેમકે આ લૂંટમાં તો જે બચી જાય છે એ વ્યર્થ છે અને જે લૂંટાઈ જાય છે એ જ સાર્થક છે…
વાત ગોકુળની ગોપીની નથી, આપણા અંતર અને અંદરની ગોપીની જ છે…
Permalink
February 24, 2012 at 12:35 AM by વિવેક · Filed under આંડાલ, ભક્તિપદ, ભજન, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
આ માગશરનો મહિનો ને આ પૂર્ણચંદ્રની રાત,
ચલો સખી નાહવાને જઈએ, થઈ જઈએ રળિયાત.
ગોકુળની સુંદર કન્યાઓ ગોકુળનો છે મહિમા,
સજીધજીને ચલો સખી ! પછી જળમાં સરશું ધીમાં.
યશોદાની આંખોનો ઓચ્છવ; વનરાજ, નંદનો છોરો
ઘનશ્યામ દેહ ને કમલનયન એ : નહીં આઘો નહીં ઓરો.
ચહેરો જેનો ચંદ્ર સમો ને બધાંયનું સુખધામ
એ આપણને વરદાન આપશે : સ્તુતિમય સઘળાં કામ.
– આંડાલ
(અનુ. સુરેશ દલાલ)
ભારતીય સંસ્કૃતિના ભક્તકવિઓએ કદી કવિતા કરવા માટે કલમ નથી ઉપાડી પણ ભક્તિ એમના લોહીમાં એવી રીતે ભળી ગઈ હતી કે એમની કલમથી કે જીભેથી નકરી લયબદ્ધ કવિતા ટપકતી. તામિલ કવયિત્રી આંડાલની આ કૃષ્ણભક્તિપ્રેમની કવિતા જેટલી સરળ અને સહજ લાગે છે એટલી જ ઊંડી પણ છે. પ્રભુમિલનની આશા હોય તો કશું પણ અપૂર્ણ ખપે નહીં. માટે જ પૂર્ણચંદ્રની રાત. અને નાહવા જઈએ ત્યારે સામાન્યરીતે આપણે મેલાં કપડાં પહેરીને જતાં હોઈએ છીએ જ્યારે નહાયા પછી ચોખ્ખાં અને નવાં કપડાં ! ખરું ? અહીં જ આંડાલનું ભક્તિપદ કાવ્યત્વ પામે છે. અહીં નહાવા જવાનું છે પણ સજીધજીને. પ્રભુપ્રેમમાં તરબોળ થવા જવું હોય તો જેમ કશું અપૂર્ણ ન ચાલે, એમ જ કશું મેલું કે જૂનું પણ ન ચાલે. બધો મેલ મેલીને જવું પડે અને એમાં ઉતાવળ પણ ન ચાલે… ત્યાં તો ધીમે ધીમે સરવાનું હોય…
Permalink
February 12, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ભક્તિપદ, મીરાંબાઈ
હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય;
જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય.
સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય.
ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય?
દરદકી મારી બન-બન ડોલું, બૈદ મિલ્યા નહીં કોય;
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવળિયા હોય.
– મીરાંબાઈ
મીરાંબાઈના પદને વળી ટિપ્પણ હોય ? જાતમાં છિદ્રો થાય અને જાત પોતે બંસરી બને ત્યારે આ સૂર નીકળે….
Permalink
July 2, 2011 at 6:51 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, સંજુ વાળા
ખુલ્લી આંખે અંધ
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ…
કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
કોણ ભયો સંબંધ…
ખુલ્લી આંખે અંધ…
છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળા
નિસદિન નામ-નિશાન જરાજર
રચે ઋણાનુબંધ
ખુલ્લી આંખે અંધ…
– સંજુ વાળા
ઘણા લાંબા સમયથી આ કાવ્ય મેં ટાઇપ કરીને મૂકી રાખ્યું હતું. દર વખતે ટિપ્પણી લખવા જાઉં અને શબ્દો ન સૂઝે. આમને આમ કેટલાય અઠવાડિયા વીતી ગયા. આજે પણ ટિપ્પણી લખવા વિચારું છું ત્યારે શબ્દો નથી જડતા… ખુલ્લી આંખે અંધ ? ના પકડાતી ગંધ ?
Permalink
March 19, 2011 at 1:15 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભજન, મીરાંબાઈ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Kinu Sang Khelun.mp3]
केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!
माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?
अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?
श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…
– મીરાંબાઈ
આજે હોળીના શુભ અવસર પર મીરાંબાઈનું એક અદભુત ભજન લતા મંગેશકરના સ્વરમાં…
(ઑડિયો ટ્રેક સૌજન્ય: મનીષ ચેવલી, સુરત)
Permalink
October 30, 2010 at 1:45 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
સખી ! આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે…..સ0
પૂરો પૂરો, સોહાગણ ! સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે…..સ0
સખી ! લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે…..સ0
સખી ! મોતીડે ચોક પુરાવીએ રે,
આપણા નાથને ત્યાં પધરાવીએ જી રે…..સ0
સખી ! જમનાજીના નીર મંગાવીએ રે,
મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે…..સ0
સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે…..સ0
સખી ! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે…..સ0
– નરસિંહ મહેતા
‘લયસ્તરો’ની અનવરત મુસાફરીમાં આજે એક નવો માઇલ સ્ટૉન ઉમેરાઈ રહ્યો છે… ગયા અઠવાડિયે જ લયસ્તરોએ ૨૦૦૦ પૉસ્ટ પૂરી કરી… પણ કવિશ્રી વિપિન પરીખની કવિતાઓ મૂકવાનું થયું એટલે એ ઉજવણી પડતી મૂકી… આમેય લયસ્તરો પર મૂકાતી દરેક કવિતા પોતે જ એક ઉત્સવ છે, ખરું ને ?
ઇન્ટરનેટ ઉપર ગુજરાતી કાવ્યવિશ્વમાં આ ઘટના પહેલવહેલીવાર આકાર લઈ રહી છે એનો આનંદ છે પણ આ સફરમાં આપ સહુ અમારા હમસફર બનીને સતત સાથે ને સાથે જ રહ્યા છો એનો આનંદ સવિશેષ છે… આજની આ રળિયામણી ઘડી પર આદ્ય કવિ નરસિંહ મહેતાના આ ગીત સિવાય બીજું શું સૂજે ભલા?
ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)
Permalink
July 20, 2010 at 10:46 PM by ધવલ · Filed under ભક્તિપદ, સુન્દરમ
બાંધ ગઠરિયાં
મૈં તો ચલી
રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
છોટે જનકે પ્યાર તનિકકી
ગઠરી પટકી મૈં ઠહરી,
સુન્દર પ્રભુકે અમર પ્રેમકી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
– સુન્દરમ
શબ્દોની અદભૂત મીઠાશ અને મીરાંસમ સમર્પણથી શોભતું – પ્રેમલક્ષણા ભક્તિના સર્વોતમ પદોની પંગતમાં બેસી શકે એવું – પદ.
Permalink
May 2, 2010 at 12:30 AM by તીર્થેશ · Filed under ગની દહીંવાળા, ભક્તિપદ, ભજન
રે, આ નયનો કામ ન આવ્યાં !
બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં !
જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ,
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ;
ભિક્ષુક થઈને દ્રષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા !
રે,આ નયનો કામ ન આવ્યાં !
– ગની દહીંવાળા
ઉત્તમ ભજન-કાવ્ય…..
Permalink
March 26, 2010 at 1:17 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક, ભક્તિપદ
કીકીમાં કેદ કરી લીધા
. મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
. છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
. બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
. છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
. વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
. પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
. એમ વના થાય ના સીધા ! – મેં0
-જયન્ત પાઠક
ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!
Permalink
March 24, 2010 at 8:00 PM by ઊર્મિ · Filed under ગીત, ભક્તિપદ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં
-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
રામનવમીનાં દિવસે આપણા સૌના મનનાં તિમિરનાં તાળાં ખૂલે અને અંદર અજવાળાં પધારે એવી શુભેચ્છાઓ… 🙂
Permalink
December 7, 2009 at 1:30 AM by ઊર્મિ · Filed under અવિનાશ વ્યાસ, ઓડિયો, ગીત, ભક્તિપદ, યાદગાર ગીત
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.
રાખનાં રમકડાં o
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે,
આ મારું, આ તારું- કહીને એકબીજાને ભાંડે રે.
રાખનાં રમકડાં o
એ કાચી માટીની કાયા માટે માયા કેરા રંગ લગાયા,
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે.
રાખનાં રમકડાં o
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ.
રાખનાં રમકડાં o
– અવિનાશ વ્યાસ
(જન્મ: 21 જૂલાઈ 1912, મૃત્યુ: 20 ઑગષ્ટ 1984 )
સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ગીતા રોય અને એ.આર. ઓઝા
[audio:http://urmisaagar.com/saagar/audio/Rakh Na Ramakada.mp3]
ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય કહી શકાય એવા કોઈ ગીતકાર અને સંગીતકારનું નામ જો કોઈ પણ ગુજરાતીને પૂછો તો સૌના હોઠ પર તરત જ એક જ નામ રમતું થઈ જાય- અવિનાસ વ્યાસ. અવિનાશભાઈનું કોઈ એક જ યાદગાર ગીત પસંદ કરવું એટલે કે ચોખાનાં ઢગલામાંથી ચોખાનો માત્ર એક જ દાણો પસંદ કરવો… અને મેં તો આજે એ ઢગલામાંથી કેટલાય ચોખાનાં દાણાને વારાફરતી પસંદ-નાપસંદ કર્યે જ રાખ્યા… અને તોય જાણે ચોખાનાં બાકીનાં આખા ઢગલાને જ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગ્યું ! 🙂 એમનાં ઘણા ગીતો તો એમનાં નામની સાથે તરત જ આપણા હોઠ પર રમવા માંડે, જેમ કે; ‘માડી તારું કંકુ ખર્યું’, ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’, ‘અચકો મચકો કારેલી’, ‘કોણ હલાવે લીમડી’, ‘પંખીડાને આ પીંજરું’, ‘હે હૂતુતુતુ’, ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’, ‘કહું છું જવાનીને’ કે પછી ‘અમે અમદાવાદી’ જેવા બીજા કેટલાય ગીતો… અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ પંદર હજાર જેટલા) રચ્યા છે. આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ તરોતાજા છે, જે સિદ્ધિ જેવી તેવી તો ન જ કહેવાય. હાલરડાંથી લઈ મરશિયાં સુધીનાં એટલે કે જીવનની દરેક અવસ્થાઓના ગીતો એમણે આપણને આપ્યાં છે. ગુજરાતી સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. ગુજરાતના ઘર ઘરમાં ગવાય એવા અદભૂત ગીતોનું સર્જન કરી પોતે જ એને સ્વરબદ્ધ કરીને લોકજીભે રમતા કર્યા છે. પોતાના નામને ખરી રીતે સાર્થક કરનારી વ્યક્તિઓ જવલ્લે જ જોવા મળે છે. આપણને અગણિત અવિનાશી ગીતો આપીને કોઈ પણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિદ્ધી પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા છે.
‘રાખનાં રમકડાં’ એટલે કે આપણે. આપણે કેવા છે- ની આપણી જ વાત કવિએ આ ગીતમાં એટલી સરળ અને સુંદર રીતે વર્ણવી છે કે આપણને જ આપણી વાત સાવ નિરાળી લાગે ! ફિલ્મ ‘મંગલફેરા'(૧૯૪૯)નું આ ગીત ભારતની અન્ય ૧૮ ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે, જે ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતી સુગમ સંગીત માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ ઘટના કહી શકાય.
ઓડિયો માટે ખાસ ટહુકો.કોમનો આભાર.
Permalink
September 18, 2009 at 12:37 AM by વિવેક · Filed under ગિરીશ ભટ્ટ, ગીત, ભક્તિપદ
કીધી – એ સમરથ સાથ સગાઈ;
એની ઊંચી ઊંચી મેડી, ઊંચી છત્તર લગાઈ.
તાણો જોડ્યો, વાણો જોડ્યો, ચિત્ત જોડ્યું સાંવરિયે;
અનહદના સ્વામીને જોડ્યો, ભીતરના મંદિરિયે.
કેવી ફૂલી-ફાલી-હું થઈ, સગપણ થકી સવાઈ !
કીધી – એ સમરથ સાથ સગાઈ.
પ્રેમ-વેલ વાવી સાંવરિયે, ને મેં સીંચ્યાં આંસુ;
પરબારું મંડાયું ઘેઘૂર ઘેઘૂર એક ચોમાસું.
તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.
એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !
પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.
– ગિરીશ ભટ્ટ
મીરાંની પ્રેમલક્ષણા ભક્તિ યાદ આવી જાય એવું અદભુત ભક્તિગીત… સમર્થ સાથે સગાઈ માંડીએ એટલે ચિત્તના એક-એક તાણાવાણા એની સાથે જોડી દેવા પડે તો જ એ અનહદનો સ્વામી ભીતરના સિંહાસને આરુઢ થાય. ભવની ભવાઈ ભાંગે ને અંદરની ને અંતરની તંદ્રા તૂટે ને આંસુઓનું સીંચન થાય ત્યારે વાત આગળ વધે… અને આટલું થાય પછી તો આપણે કશું કરવાનું બાકી જ રહેતું નથી. એના કોમળ હાથે એ જ આપણને જેમ કોઈ ભીંત ઓકળતું હોય એમ આપણને એ રીતે શણગારે છે કે આપણને દરેક પળે મબલખ મળતું જણાય અને દરેક પળ સાનંદાશ્ચર્યની ભેટ બની રહે…
Permalink
August 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, મીરાંબાઈ
મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ
ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.
સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.
– મીરાંબાઈ
અદભુત અને અનુપમ કહી શકાય એ કક્ષાનું મીરાંબાઈનું આ ભક્તિપદ સ્ત્રીઓ જેના માટે જિંદગીભર મરી ફીટે છે એ જ ઘરેણાંઓના નામનો સહારો લઈ સાચાં ઘરેણાંની વ્યાખ્યા કરે છે. પદની શરૂઆતમાં જ પોતાની જાતને અબળા કહીને સંબોધી મીરાં પોતાની દુન્યવી ગરીબી છતી કરે છે પણ પછી પોતાની પાસેનાં એક પછી એક અલભ્ય ઘરેણાં બતાવીને પોતે કેટલી અમીર છે એવો વિરોધાભાસ સાધી કવિતા સિદ્ધ કરે છે.
Permalink
August 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરસિંહ મહેતા, ભક્તિપદ
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.
શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.
શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.
– નરસિંહ મહેતા
જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…
(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)
Permalink
June 19, 2009 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, મુકુન્દરાય પારાશર્ય, મુકુન્દરાય વિ. પટ્ટણી
હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?
હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?
હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?
હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?
હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?
-મુકુંદરાય પારાશર્ય
મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા. અવસાન: ૨૦-૦૫-૧૯૮૫. બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !
Permalink
January 29, 2009 at 12:08 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. ૧
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે. ૨
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે. ૩
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે. ૪
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે. ૫
– નરસિંહ મહેતા
નરસિંહ મહેતાનું આ અતિ જાણીતું ભક્તિપદ એના સશક્ત લય અને લહેકાને લીધે સહજ આસ્વાદ્ય બની રહે છે. દરેક કડીમાં એક જ શબ્દના ત્રણ-ત્રણવાર કરાતા આવર્તનને વળી કડીના અંતે એજ શબ્દ સાથે સાંકળી લેવાતા મધુરો સૂર જન્મે છે. દરેક શબ્દનું આ ત્રણવારનું પુનરાવર્તન ત્રણ લોકના સ્વામીને સમાવી લેવાનો આડકતરો ઈશારો તો નથીને? વળી મંદિર શાનું? હરિ પધાર્યા એટલે જ આ જીવતરનું કાચું ઈંટ-માટીનું મકાન મંદિર બને છે ને !
Permalink
January 2, 2009 at 12:25 AM by વિવેક · Filed under ભક્તિપદ, મીરાંબાઈ
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦
-મીરાંબાઈ
મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ. જીવને જીવન સાથે ગમે એટલી પ્રીત કેમ ન થઈ જાય, દેવળ જૂનું થાય એટલે હંસ તો ઊડી જ જવાનો… જીવન ટૂંકું અને ક્ષણભંગુર છે. શરીર ડોલવા માંડે, મોઢું બોખું થઈ જાય પણ દાંતની નિશાની મહીં રહી જવાની… આપણે તો જવાના પણ ટૂંકા આ જીવતરમાં ગિરિધરના પ્રેમનો પ્યાલો ખુદ પીએ અને સૌને પીવડાવીએ એ જ આપણી નિશાની કાયમ રહી જવાની…
Permalink
August 24, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નરસિંહ મહેતા, ભક્તિપદ
જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?
‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’
‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.
– નરસિંહ મહેતા
લયસ્તરોના વાચકવૃંદને જન્માષ્ટમી મુબારક…!
Permalink
May 2, 2008 at 2:49 AM by વિવેક · Filed under ગીત, નરસિંહ મહેતા, ભક્તિપદ
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ0
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ0
-નરસિંહ મહેતા
Permalink
March 29, 2008 at 3:14 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, સુન્દરમ, સુન્દરમ્-સુધા
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
– સુન્દરમ્
કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…
ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…
(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)
Permalink
March 24, 2008 at 11:04 PM by ધવલ · Filed under ભક્તિપદ, સુન્દરમ, સુન્દરમ્-સુધા
ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
. ઢૂંઢ ઢૂંઢ તોહે…
બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
– સુન્દરમ્
મીરાં-ભાવે મીઠી બ્રજબાનીમાં સુન્દરમે ઘણા પદ લખ્યા છે. કવિએ પોતાનું મોટા ભાગનું જીવન પરમ-તત્વની ઉપાસનામાં અર્પણ કરી દીધેલું અને એમાંથી જે નિચોડ મળ્યો એ આ પદમાં દેખાય છે. શબ્દો અને ભાવને આ સીમા સુધી લઈ જવા માટે માણસ માત્ર કવિ હોય એ ન ચાલે, આ તો જે ‘સાંકડી ગલી’માંથી સોંસરો ગયો હોય તેના જ ગજાનું કામ છે. (એક વધુ પદ અહીં જુઓ.)
Permalink
December 23, 2007 at 12:30 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo
અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo
– નરસિંહ મહેતા
દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી શેરીએ શેરીએ ફરે છે. કૃષ્ણમાં લયલીન કૃષ્ણમય ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.
Permalink
August 10, 2007 at 1:32 AM by વિવેક · Filed under દયારામ, ભક્તિપદ
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo
સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo
એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo
-દયારામ
કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…
(કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી)
Permalink
July 27, 2007 at 1:00 AM by વિવેક · Filed under દાસી જીવણ, ભક્તિપદ
વારી વારી જાઉં રે
મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર
ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?
અડસઠ તીરથ મારા ઘરને આંગણે,
નત તરવેણી ના’વું રે. – વારી0
શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?
નાથ મારાનાં નેણાં નીરખી,
હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. – વારી0
શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચું નાચું મારા નાથની આગળ,
વ્રજ થકી બોલાવું રે. – વારી0
દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં
પ્રેમે પાવન થાઉં રે. – વારી0
-જીવણદાસ (દાસી જીવણ)
ઈસવીસનની અઢારમી સદીના ઉત્તરાર્ધ (આશરે 1755)ના આ કવિ ભક્તિરસમાં એટલા તરબોળ હતા કે નામ જીવણદાસ હોવા છતાં દાસી જીવણ તરીકે ઓળખાતા. રવિભાણ સંપ્રદાયના આ કવિને પ્રભુવિરહનાં આરતભર્યાં પદ-ભજન ખાસ હસ્તગત હતા. સંતપરંપરાના કવિએ યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાભક્તિને તળપદા વાણીવળોટો, રૂપકો અને હિંદીની છાંટ સાથે સુંદર વાચા આપી છે.
Permalink
July 13, 2007 at 2:55 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભાલણ
નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.
આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.
આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?
હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ-પાય.
હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.
-ભાલણ.
ઈ.સ.ની 15 સદીના ઉત્તરાર્ધમાં પાટણના વતની ભાલણ ઘણીરીતે આપણા સાહિત્યમાં ધ્રુવસ્થાન ધરાવે છે. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક છે. બાણભટ્ટની ‘કાદંબરી’નો એમણે સંસ્કૃત ગદ્યમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. ભાલણ ‘આખ્યાનનો પિતા’ પણ કહેવાય છે. પૌરાણિક કથાઓમાંથી કથા-વસ્તુ લઈને એણે સૌપ્રથમવાર આખ્યાનો રચ્યા છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પણ એ પ્રથમ કવિ. એમનું ‘નળાખ્યાન’ ખૂબ પ્રસિદ્ધ છે. એમના પદોમાં કૃષ્ણભક્તિ અને વિશેષતઃ રામભક્તિનો રંગ ખાસ જોવા મળે છે. રામ અને કૃષ્ણની બાળલીલાઓમાં એમણે વાત્સલ્યભાવનું અદભૂત નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શીલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો એ વાત ટાંકીને ભગવાનના ચરણ પખાળવાનો મોકો આડકતરી રીતે માંગી લેતા નાવિકની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કવિએ કરી છે.
Permalink
December 20, 2006 at 1:00 AM by સુરેશ · Filed under દાસી જીવણ, ભક્તિપદ
અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.
સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ
જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ
ખીમ*ને ભાણ* રવિ* રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ
દાસી જીવણ સત ભીમ*નાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . – ગુરુ આજ
– દાસી જીવણ ( જીવણ સાહેબ)
( *= ગુરુઓના નામ )
18મી સદી ઉત્તરાર્ધના, રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ. દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા.
Permalink
December 10, 2006 at 12:35 AM by સુરેશ · Filed under ભક્તિપદ, શબ્દોત્સવ, સંત પુનીત
સમય મારો સાધજે વ્હાલા ! કરું હું તો કાલાવાલા.
અંત સમય મારો આવશે, ત્યારે નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન. – સમય મારો સાધજે વ્હાલા ….
જીભલડી મારી પરવશ થાશે, હારી બેસું હું હામ
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ. – સમય મારો સાધજે વ્હાલા….
કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર. – સમય મારો સાધજે વ્હાલા ….
આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લ્હાણ,
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ‘પુનીત’ છોડે પ્રાણ . – સમય મારો સાધજે વ્હાલા ….
– સંત પુનીત
Permalink
October 23, 2006 at 3:53 AM by વિવેક · Filed under ગીત, ભક્તિપદ, રવીન્દ્ર પારેખ
હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.
અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.
ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?
કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !
-રવીન્દ્ર પારેખ
અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…
Permalink
August 5, 2006 at 5:20 AM by વિવેક · Filed under નાથજી ગોપાળજી, ભક્તિપદ
(રાગ રામગ્રી)
વારંવાર વિચારતાં, અવગુણ એ મોટો;
કૃપણપણું જે આદરે, તેહનો ભવ ખોટો. વારંવાર. ૧
સાથે તે હ જ આવશે, સુધારે વરશે;
જો વેળાં નહિ વાવરે, પછતાવો કરશે. વારંવાર. ૨
ધરણીનું ધરણી તળે, પરહાથી કે ચઢશે;
વણીક કને જો મૂકશો, દેવાળે પડશે. વારંવાર. ૩
ઘર માંહે સાંચ્યું હશે તે, ત્યમજ રહેશે;
જમકીંકર તે પંથમાં, ધિકદિક તાં કહેશે. વારંવાર. ૪
પાપ કરી એકઠો કરે, અધર્મનો માલ;
વહુજી પુઠે ન મોકલે, એક રતી કે વાલ. વારંવા ર. ૫
ભાઈ મોકલશે નહિ, મોકલે ન કો પુત્ર;
પુત્રી મોકલશે નહિ, મોકલે નહિ મિત્ર. વારંવાર. ૬
… … … … … … … … … …
રજની થોડી વેશ બહુ, વાહશે ત્યાં વહાણું. વારંવાર. ૭
લોભે લાગ્યો પ્રાણીઓ, હા દૈવ હા દૈવ;
માતાપિતા ગુરુ ઉપરે, મને દયા તે નૈવ. વારંવાર. ૮
ધન તેડ્યું, ધર્મ છાંડીયો, માથે લીધો ભાર;
સાથે કો આવે નહિ, ચાલવું ન્યરધાર. વારંવાર. ૯
શંબલ સાથેનું કરો, દુસ્તર છે વાટ;
ઓળખીતો ત્યાંહા કો નથી, ત્યાંહા નથી તે હાટ. વારંવાર.૧૦
ઉધારે મળશે નહિ, મારગ છે દૂર;
વળોટીઓ ત્યાં કો નથી, શબદ ઓ કેસુર. વારંવાર. ૧૧
દાસપન કો રાખે નહીં, એક વીરજી સાહાય;
તેહેને સંતોખ્યાતણો, કાંઈ કરો ઉપાય. વારંવાર. ૧૨
શી અભિલાષા જનની, અથવા શી પરની;
નાથજીને આશા ઘણી, એક લક્ષ્મીવરની. વારંવાર. ૧૩
કવિ નાથજી ગોપાળજી વિશે જે છૂટક અને તૂટક માહિતી મળે છે એ પરથી એમ જણાય છે કે તેઓ ઈ.સ. 1630 થી 1710ની આસપાસના સમયગાળામાં થઈ ગયા હશે. અણહીલપુર પાટણના રહેવાસી અને જ્ઞાતે વડનગરા પટણી નાગર. 15 કડવાં (733 કડીઓ) ના ‘ચંડીપાઠ’ અને 35 કડવાં (1776 કડીઓ)ના ‘કાશીખંડ’ જેવા કાવ્યો ઉપરાંત થોડાં પદ મળી આવ્યાં છે જે અહીં પ્રસ્તુત છે. 300-400 વર્ષ પૂર્વેના ગુજરાતી સાહિત્ય વિશે આછો ખ્યાલ આ પદો પરથી મળી રહે છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ કહેવત આ પદમાંથી મળી આવી છે એમ જાણીએ તો આશ્ચર્ય ન થાય? લોભીની અહીંની ગતિથી પરલોક સુધીની અવગતિ આ પદોમાં સુંદર રીતે વણી લેવાઈ છે.
(કૃપણપણું= લોભ, વાવરે=વાપરવું, જમકિંકર= યમદૂત, ધિકદિક= ધિક્કારવાચક ઉદગાર, દૈવ= નસીબ, નૈવ= જેમ નહીં, ન્યરધાર=નિરાધાર, શંબલ=ભાથું, પાથેય, સંતોખ્યાતણો=સંતોષ આપવા તણો)
Permalink
July 22, 2006 at 12:34 AM by વિવેક · Filed under ધનો, ભક્તિપદ
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે. – રામબાણ o
મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું,
પત્ની –પુત્ર બેઉ તાણે. – રામબાણ o
મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે. – રામબાણ o
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે. – રામબાણ o
ધના ભગત ઈસ્વીસનની 19મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયાં. કેટલાક કવિ ફક્ત એક જ કવિતાથી ચિરંજીવ બની ગયાં છે. ધના ભગતનું નામ આ યાદીમાં જરૂર મૂકી શકાય. ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ – આ ધ્રુવપંક્તિ જાણે આપણા વાણીકોશમાં દૂધમાં પાણી ભળે એમ ભળી ગઈ છે.
Permalink
April 2, 2006 at 12:41 AM by વિવેક · Filed under ભક્તિપદ, મીરાંબાઈ
મેરે તો ગિરિધર ગોપાલ , દૂસરો ન કોઇ.
જાકે સિર મોર મુકુટ , મેરો પતિ સોઇ;
તાત માત ભ્રાત બંધુ , આપનો ન કોઇ… …મેરે
છોડ દઇ કુળકી કાન , કહા કરિ હૈ કોઇ;
સંતન ઢિંગ બૈઠિ બૈઠિ , લોક લાજ ખોઇ… …મેરે
ચુનરી કે કિયે ટૂક , ઓઢ લીન્હીં લોઇ;
મોતી મૂંગે ઉતાર , બનમાલા પોઇ… …મેરે
અંસુવન જલ સીંચિ સીંચિ , પ્રેમબેલિ બોઇ;
અબ તો બેલ ફૈલ ગઇ , હોની હો સો હોઇ… …મેરે
દૂધકી મથનિયાં , બડે પ્રેમસે બિલોઇ;
માખન જબ કાઢિ લિયો, છાછ પિયે કોઇ… …મેરે
ભગત દેખી રાજી હુઇ, જગત દેખી રોઇ;
દાસી મીરાં લાલ ગિરિધર , તારો અબ મોહી… …મેરે
Permalink
April 2, 2006 at 12:35 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
લક્ષ્મીવરને ભજીયે રે…
કુળને તજીએ, કુટુંબને તજીયે,
તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
જેમ તજે કંચુકી સાપ રે…
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
નવ તજીયા શ્રીરામ રે…
ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
પામી પદારથ ચાર રે…
વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
મોહનવરશું મ્હાલી રે…
તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.
Permalink