રે શિર સાટે – બ્રહ્માનંદ
રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ
. (ટેક)
રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
. રે હરિ સારુ માથું ઘોળ્યું.
. રે શિરo
રે સમજ્યા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
. ત્યાં મુખ પાણી રાખી મરીએ.
. રે શિરo
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
. તે શું જીવે ભૂંડું મુખ લઈને.
. રે શિરo
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;
. જો ચડીએ તો કટકા થઈ પડીએ.
. રે શિરo
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
. બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.
. રે શિરo
– બ્રહ્માનંદ
આશરે ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૮૮માં થઈ ગયેલ મધ્યકાલિન ભક્ત-કવિ બ્રહ્માનંદ સ્વામીનું આ જાણીતું પદ છે. એકે લીટીની વાર્તા એટલી જ છે કે પ્રેમ કરવો હોય તો સંપૂર્ણ સમર્પણ જોઈએ, સંપૂર્ણથી ઓછું કશુંય ચાલે નહીં. સમજ્યા વિના હરિ ભજવા નહીં અને એકવાર હરિને વરીએ તો ભલે માથું જાય, પણ પાછી પાની કરવી નહીં એ મતલબ એક પછી એક અંતરામાં કવિ ખરલમાં મેંદી ઘૂંટતા હોય એમ ઘૂંટતા જાય છે…
perpoto said,
September 13, 2012 @ 9:17 AM
જુનું પદ યાદ આવે.. માંહે પડ્યાં મરજીવા જોને..
pragnaju said,
September 13, 2012 @ 9:56 AM
સરળ પંક્તીઓમા ગૂઢ વાતો સમજાવતૂં ખૂબ સુંદર ભજન
Dhruti Modi said,
September 13, 2012 @ 5:49 PM
હરિનો માર્ગ શૂરાનો છે, જો ઍ રાહ પર જવું હોય તો સર્વસ્વનો ત્યાગ કરી નીકળવું,પીછેહઠ શોભા દેતી નથી.શાળાના દિવસો યાદ આવી ગયા. આ કવિતા ભણવામાં આવી હતી.