આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.
ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.
અંકિત ત્રિવેદી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for જયન્ત પાઠક
જયન્ત પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 8, 2024 at 10:59 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.
ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.
સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.
પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.
– જયન્ત પાઠક
સંસ્કૃતિ એ આપણી આદિમતાની ઉપર ચડાવેલ ઢોળ છે. ઢોળ ઉતરી જાય તો સાચી પ્રકૃતિ પ્રગટ થાય. સમાજના ઢાંચામાં યંત્રવત જીવન જીવતા મનુષ્યોને સમય સમયે એના આદિમ સંસ્કારો સાદ દે છે, પરિણામે આપણે વેકેશન લઈને જંગલ-પર્વત-નદી-સમુદ્ર-રણના ખોળે રમણ કરવા પહોંચી જઈએ છીએ. પ્રસ્તુત રચનામાં કવિ વનમાં જાય છે ત્યારે એમને ઘણા દિવસે વેકેશન લીધું એવી નહીં, પણ ઘણા દિવસો પછી સ્વગૃહે પરત ફર્યાની અનુભૂતિ થાય છે. વનમાં પહોંચતાવેંત કથક સભ્ય સમાજે પહેરાવેલ વાઘાં ત્યજીને અસલ વાતાવરણમાં આદિવાસીની જેમ વિહાર કરવો આદરે છે.
સૉનેટના બીજા ચતુષ્કમાં કથક પ્રકૃતિના નાનાવિધ જીવો સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સહિયારે છે. નિજની અસલિયત સાથે મુખામુખ થવા મળે એથી વધારે અસરદાર આસવ બીજો શો હોઈ શકે? વાત આદિમતાની અનુભૂતિની હોય અને જાતીય આવેગોનો પ્રાદુર્ભાવ ન થાય એ કેમ બને? નાની નાની ટેકરીઓ પર ઉગેલાં વૃક્ષોમાં કવિને હાથથી પસવારતાં સ્તનો પર થતાં રોમાંચ જેવા ભાસે છે. બે ટેકરીઓની વચ્ચેથી દ્રુત ગતિએ ગીત ગાતાં ગાતાં ગૂઢ ખીણમાં ઉતરતા ઝરણાંમાં કવિને સંભોગની ચરમસીમાએ થતો સ્ફોટ અનુભવાય છે. છાપરા અને ભીંતા વિનાના આ નિવાસમાં સૂર્ય પણ શરમ નેવે મૂકીને અંધારા સાથે ક્રીડા કરે છે.
આપણા કાવ્યસાહિત્યમાં આ પ્રકારની અભિવ્યક્તિ જૂજ જ જોવા મળે છે.
Permalink
July 18, 2024 at 11:13 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!
બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;
હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!
કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;
વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!
કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!
એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!
અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !
– જયન્ત પાઠક
કવિતાની એક મજા એ કાળજયી હોય એ પણ ખરી. જયન્ત પાઠકની આ વ્યંગ રચના દાયકાઓ પૂર્વે લખાઈ હોવા છતાં આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે, જેટલી લખાઈ ત્યારે હશે. કદાચ આજે તો તો તંતોતંત પ્રસ્તુત ગણાય. પોતાના અને પોતાના લખાણના વખાણ કરવાં એ જ આજે મોટાભાગના સર્જકો માટે જીવનહેતુ બની ગયો છે. કવિએ અખાની જેમ વક્રોક્તિ સાથે આવા સર્જકોનો ઉધડો લીધો છે. કવિએ ભલે રચનાને જુનવાણી ઢબની રચના કહીને કેમ ન ઓળખાવી હોય, રચના પૂર્ણપણે સમસામયિક હોવાનું વર્તાય છે. પ્રાસનિયોજના અને કટાવ છંદના પ્રવાહી વહેણના કારણે રચનામાં ઓર નિખાર આવ્યો છે.
Permalink
February 5, 2022 at 12:55 PM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય
રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!
– જયન્ત પાઠક
પરાપૂર્વથી અંધારું કવિઓને આકર્ષતું આવ્યું છે. જયન્ત પાઠક શ્યામસુંવાળું જેવા નમણાં વિશેષણથી સીસમ જેવા અંધારાને નવાજે છે. શ્યામ જેવો ગાઢો અંધકાર રેશમ જેવો સુંવાળો પણ છે અને વધુ ઘટ્ટ થાય ત્યરે એ સીસમ જેવો ઘન હોવાનું પણ અનુભવાય છે. પ્હો ફાટતાં પ્રકાશના કિરણની કરવતથી સીસમ જેવું અંધારું વહેરાતાં અજવાળું જાણે કે રજ-રજ થઈને ખરે છે અને સૃષ્ટિમાં ધીમે ધીમે અજવાસ જે રીતે પથરાય છે એને કવિનો કેમેરા આબાદ ઝીલે છે. કીકીના કાજળમાં કલવાઈને એ ટપકું થઈને ઝળકે છે ત્યાં જઈને કવિતા પૂર્ણ થાય છે.
Permalink
December 9, 2021 at 3:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, જયન્ત પાઠક, માતૃમહિમા
ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.
રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.
– જયન્ત પાઠક
મેશનું ટપકું કરે એ તો મા જ… કેવી મીઠી મધુરી વાત! આ અછાંદસ વિશે વધુ કંઈ કહેવાની જરૂર ખરી?! મા તે મા, બીજા બધા વગડાનાં વા ! જયન્ત પાઠકનાં અછાંદસ કાવ્યો મને હંમેશા સોંસરવા ઉતરી જતા લાગ્યા છે!!
હું નાની હતી ત્યારે મમ્મીને આંગણું લીંપતા અને ઓટલી પર ઓકળીઓ પાડતા ખૂબ જ જોયેલી… અને પેલી ભીની ભીની લીંપણ ઉપર પગલીઓ પણ ખૂબ પાડેલી… પણ પછી મમ્મીનું અનુકરણ કરીને ઓટલીઓ પણ ઘણી લીપેલી… ખાસ કરીને દિવાળીમાં સાથિયો પાડવા માટે.
Permalink
November 13, 2021 at 12:53 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
ધીમું ધીમું વરસત ઘનો, ઉત્સરે માટી ગંધ;
ભીનું ભીનું સ્પરશત હવા પ્રેરતી રોમ સ્પંદ;
ઊંડે ઊંડે ઊતરત પડો ભેદી વારિ પ્રસન્ન;
ફૂટું ફૂટું થત ભીતરનું બીજ-ચૈતન્ય છન્ન.
ફોડી પૃથ્વી-પડ નીકળતો નાનલો એક છોડ,
પ્હેરી માથે પરણ-ફૂલનો રંગબેરંગી મ્હોડ,
રૂપે રંગે રસથી વનના પ્રાન્ત દેતો ઝબોળી,
ઘૂમે જેમાં ભ્રમર-મધુમખ્ખી-પતંગોની ટોળી.
આ ખીલ્યાનો અવસર, ઋતુ પ્રાવૃષી રંગરાગી,
તેમાં મારા મન, દર મહીં કેમ બેઠું ભરાઈ
રોવે ઘેરી ગમગીની, પડ્યું કેમ રે સંકુચાઈ,
મ્હોર્યાં રૂડા જીવનવનના સૌ રસાનંદ ત્યાગી?
તું, હે મારા મન! ઊઘડી જા – એક આનંદ-સ્ફોટ!
ને તારે ના પછી ભ્રમર-મખ્ખી-પતંગાની ખોટ.
– જયન્ત પાઠક
પહેલી આઠ પંક્તિઓમાં વર્ષા ઋતુ અને પ્રકૃતિના પ્રતિસાદનું મનોહર વર્ણન છે. વરસાદ ધીમું ધીમું વરસે છે, ભીની માટીમાંથી ગંધ ઊઠે છે. આછાવરસાદવાળી હવા ત્વચાને સ્પર્શે છે ત્યારે રોમેરોમ સ્પંદન અનુભવે છે. પ્રસન્ન જળ ધરતીના પડો ભેદીને ઊંડે ઊંડે સુધી ઊતરે છે. અને ધરતીમાં છૂપાઈને (છન્ન) બેઠેલ બીજમાંથી ચૈતન્ય ફૂટું-ફૂટું થાય છે. આખરે એક નાનો છોડ પૃથ્વીનું પડ ફોડીને બહાર આવે છે. (નાનલો શબ્દ તળગુજરાતની બોલીનો સંસ્પર્શ પણ કરાવે છે!) આ અંકુર (મ્હોડ)ના માથે રંગબેરંગી પર્ણ-ફૂલનો તાજ ધીમેધીમે ખીલે-ખુલે છે. વરસાદના રૂપરંગમાં સમગ્ર સૃષ્ટિ ઝબોળાઈ જાય છે અને ભમરા-મધુમાખી અને પતંગોની ટોળી મજા લે છે.
પણ કવિનું મન કોઈક કારણોસર આ રંગરાગની વરસાદી (પ્રાવૃષી) ઋતુમાં ખીલવાના અવસરે દર મહીં ભરાઈ ગયું છે. ઘેરી ગમગીની રોઈ રહી છે. જીવનવનમાં મહોરેલ તમામ રૂડાં રસ અને આનંદ ત્યાગીને મન શા માટે સંકોચાઈ પડ્યું છે એ સવાલ કવિને થાય છે. કવિ પોતાના દુઃખી મનને જે રીતે ધરતીનું પડ ફાડીને બીજ ફણગો થઈ બહાર આવે એ જ રીતે આનંદ-સ્ફોટ સાથે ઊઘડી જવા આહ્વાન આપે છે… ભીતર આનંદવર્ષા થવા માંડે પછી ઇચ્છા-સ્વપ્નોના કીટકોની કોઈ ખોટ પડનાર નથી…
પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને અંગત તકલીફો ભૂલી જવાની શીખ આપતી કેવી મજાની આ રચના છે!
અષ્ટકમાં અ-અ બ-બ પ્રકારે ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા બાદ ષટકમાં અ-બ-બ-અ ક-ક પ્રમાણે પ્રાસપલટો પણ કવિએ પ્રયોજ્યો છે, જે સૉનેટના અનિવાર્ય અંગ ‘વૉલ્ટા’ (ભાવપલટા)ને બરાબર માફક આવે છે.
Permalink
October 14, 2021 at 1:19 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
શબ્દોનું શું કામ,
અમારે બાવનબા’રો રામ !
માળામણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિગાન
ઝાંઝપખાવજવાદન નર્તન દર્શનમુખ અભિરામ
ખટપટ ખોટી તમામ
અમારે બાવનબા’રો રામ !
ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ !
– જયન્ત પાઠક
એકબીજા સાથે આસાનીથી પ્રત્યાયન થઈ શકે એ માટે ક્રમશઃ વાણી અને ભાષાની શોધ થઈ પણ શબ્દો અભિવ્યક્તિનું એકમાત્ર ‘લગભગ સંપૂર્ણ’ સાધન હોવા છતાં લાગણીઓને યથાતથ રજૂ કરવામાં એ ભાગ્યે જ સફળ નીવડે છે. સમર્થ કવિ આ વાત સમજે છે એટલે જ કહે છે કે શબ્દો મારે કોઈ કામના નથી કેમકે ઈશ્વર તો બાવન અક્ષરોની બહાર વસે છે, માળામણકા વગેરે તમામ ખોટી ખટપટ છે. એનો વાસ શૂનશિખર પર છે. (શૂન શિખર ગઢ લિયો હૈ મુકામ, યોં કહે દાસ કબીર.) જે આવા ત સમજતા નથી એ ચોર્યાસી લાખ ફેરાની સંતાકૂકડી રમતા રહે છે, બાકી ભીતર બહાર બધે એ એક જ છે એટલું જાણી લો તો આઠે જામ ઉત્સવ જ છે.
‘ગુરૂ બાવન અક્ષર સે બારા’વાળી વાત આપણા સાહિત્યમાં ઘણીવાર જોવા મળે છે. જયન્ત પાઠકની જ અન્ય કવિતામાં એ લખે છે, ‘ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં, લખાયેલું તે ભીતર વાંચું નામ!’ ગંગાસતી ગાય છે: ‘એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર.’ સતી લોયણ કહી ગયાં: ‘જી રે લાખા અક્ષર બાવન બારૂની જ નામ કહીએ જી.’
Permalink
January 30, 2021 at 1:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી ધરા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી અગ્નિને અંકે તમે પ્રહલાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.
સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.
ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.
– જયન્ત પાઠક
ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.
અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.
શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.
Permalink
January 16, 2021 at 1:00 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શાર્દૂલવિક્રીડિત)
એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.
કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.
ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.
આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!
– જયન્ત પાઠક
જીવન ઘણીવાર વતન મૂકાવે છે. પણ ઘણા લોકો માટે તન ભલે વતન છોડે, મન વતનમાં જ રહી જતું હોય છે. જયન્ત પાઠકની કવિતાઓમાં પણ વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. વરસો પછી વતન આવીને ઘર વેચી દઈ વતનથી વિદાય થતી વેળા કવિને થતી અનુભૂતિનું આ સૉનેટ છે.
વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો: http://tahuko.com/?p=19407
Permalink
May 14, 2020 at 2:01 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.
ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં
પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!
રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી
રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું!
– જયન્ત પાઠક
વિશ્વાસ પ્રેમનો શ્વાસ છે, પણ એ શ્વાસમાં ગૂંથાય છે ધીમે-ધીમે. ઊગતા સૂરજ જેવો તરોતાજો શીતળ પ્રેમ પ્રિયપાત્રના હાથમાં આપતી વખતે થોડો ડર તો હોય જ કે, ક્યાંક બપોર પહેલાં આ સૂરજ આથમી ન જાય! સામું પાત્ર પોતાના આ પ્રેમને સાચવે જ એવી કોઈ તીવ્ર અપેક્ષા અહીં નથી. અહીં તો માત્ર એટલી જ ઝંખના છે કે સાંજ સુધી આ સૂરજ એ સાચવી શકે તો સારું, ક્યાંક ભરબપોરે આંખમાં સાંજના વિષાદી ઓળા ન ઊતરી આવે! બાગમાં ફૂલો ખીલે છે, ખરે છે અને અત્તર બનાવવા માટે આગમાં પણ ઓરાય છે. નાયકે પોતાની પંચેન્દ્રિયોનું પુષ્પ, પોતાનું ફૂલ જેવું સુકોમળ જીવન નાયિકાને હાથ દીધું છે. જીવન નદી જેવું છે. નદીનું પાણી ગમે એટલું મીઠું કેમ ન હોય, વાંકાચૂકા વહેણના અંતે સાગરમાં ભળીને ખારાં થવું એ જ એનું ગંતવ્ય છે. સહજીવનની નદીમાં પણ ખારાશ તો ઉમેરાશે જ પણ અસંખ્ય ભૂલભૂલામણી અને અણધારી આફત અને કસોટીઓથી ભરેલો દરિયા સુધીનો પંથ સાથે કાપી શકાય તો સારું એટલી જ નાયકની આરત છે. પ્રેમ રેશમની દોર જેવો નાજુક છે. જરા જોર કરશો તો તૂટી જશે. મોત અણધાર્યું આવીને અધવચ્ચેથી ખેંચી જાય એ અલગ વાત છે, પણ એવું કમનસીબ ન હોય તો છેક સુધી આ નાજુક દોરી સચવાય તો સારું એવી ઝંખનાને વ્યક્ત કરતું સરળ સહજ બાનીનું આ લયબદ્ધ ગીત વાંચતાં જ સ્પર્શી જાય એવું છે.
Permalink
December 9, 2018 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અછાંદસોત્સવ, જયન્ત પાઠક
રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !
– જયન્ત પાઠક
લાંબા લાં…બા અછાંદસ કાવ્યોમાં પોતાના અસ્તિત્વનો ખાલીપો રેડ્યે જનાર કવિઓ માટે આ અછાંદસ કાવ્ય લાલ બત્તી ધરે છે. અહીં, એક પણ શબ્દ, સૉરી, એક અક્ષર પણ વધારાનો નથી. સાવ પાંચ જ પંક્તિઓ અને ૧૨ જ શબ્દોમાં કવિએ અદભુત કામ કર્યું છે…
કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !
Permalink
September 29, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી
ચિતારે રંગ પ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.
ચિતારે રંગ પ્યાલીઓ ભરી….
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….
લૂછતા વાદળ પોતે ઉઘડ્યા
ઈન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….
– જયન્ત પાઠક
સર્જનહારે સૃષ્ટિને કેવી કળાથી સર્જી છે એનો અદભુત ચિતાર આ ગીત આપે છે..
શાળામાં ભણવામાં આવતું ત્યારે જ આ ગીતના મજબૂત લયે દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લીધા હતા. ગીત એમ જ મોઢે થઈ ગયું હતું. મારું ખૂબ જ પ્રિય ગીત પણ આજદિન સુધી લયસ્તરો પર જ નહોતું!
Permalink
March 30, 2017 at 9:18 AM by તીર્થેશ · Filed under ગઝલ, જયન્ત પાઠક
એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.
બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.
પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી
ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.
હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.
-જયંત પાઠક
Permalink
August 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.
– જયન્ત પાઠક
વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.
જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!
Permalink
August 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(પયાર)
પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.
વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.
– જયન્ત પાઠક
વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?
Permalink
March 19, 2013 at 1:30 AM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
– જયન્ત પાઠક
જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.
Permalink
November 6, 2012 at 8:00 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
કયાં ગયા એ લીલાછમ પ્હાડ
ને અંધકારભર્યાં વન
નદીઓ જલ-છલોછલ?!
પહાડોમાં દવ
વનોમાં પંખીઓનો કલરવ
નદીમાં તરણીઓ તરલ?!
સ્મરું છું
– સ્મરણોય ક્યાં રહ્યાં છે હવે પ્હેલાં જેવાં
પહેલાં જેવો હું ય ક્યાં છું?!
– જયન્ત પાઠક
પહેલા એવું લાગે કે આ કવિતામાં કવિ વન, નદી, પહાડો વિશે ફરીયાદ કરે છે. પણ એ વાત ખોટી ઠરે છે. કવિને ખ્યાલ આવે છે કે જે સ્મરણો માટે વલોપાત હતો એ પણ પહેલાં જેવાં નથી રહ્યાં. અને સૌથી છેલ્લી પંક્તિમાં કવિને ખ્યાલ આવે છે કે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા. આપણને બધું અલગ લાગવાનું કારણ જ કદાચ આ છે : આપણે પોતે જ બદલાતા જઈએ છીએ.
Permalink
September 15, 2012 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
પછી તો પ્હાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
અને ઢંકાયાં સૌ શિખર, ખીણ, ઉત્તુંગ તરુઓ
તળાવો યે ડૂબ્યાં અતલ તલમાં આવરણનાં
ભુંસાઈ ગૈ દ્યાવાપૃથિવી વચમાંની સરહદો !
હવે આજુબાજુ, અધસ-ઊરધે એકરૂપ સૌ;
મને ના દેખાતો હું, ન સ્વજન ઊભાં સમીપ તે;
અવાજોમાં આછા પરિચિત લહું સર્વ ગતિને
સદેહે સ્વર્લોકે વિચરું ચરણે ધારી ક્ષિતિને !
સૂણું આહા ! વાદ્યધ્વનિ વહત ધીમા અનિલમાં
સૂરો ગંધર્વોના, લય લલિત વિદ્યાધરતણા;
મૃદંગોના ઘેરા પ્રતિધ્વનિ શું વાતાવરણમાં !
હું રંગદ્વારે છું સ્થિત ભવનના વાસવ તણા !
ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !
– જયન્ત પાઠક
પાવાગઢના પર્વત પર વરસતા વરસાદના અમૂર્ત સૌંદર્યને કવિએ અહીં જાણે કે શબ્દોના કેમેરા વડે મૂર્ત કરી દીધું છે. પહાડો જાણે નીચે આવી ગયેલાં વાદળોને ઓઢીને ઊભા હોય એમ લાગે છે અને આ વાદળોમાં સ્વર્ગ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ શિખર-ખીણ-વૃક્ષો-તળાવો બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! પાસે ઊભેલાં સગાં તો ઠીક, પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ છે જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસે છે. ઇન્દ્રલોકના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ અનુભૂતિ આ સૌંદર્યાન્વિત સૉનેટને કવિતાની ઊંચાઈ બક્ષે છે…
(જલદો = વાદળો, ઉત્તુંગ = અત્યંત ઊંચું, દ્યાવાપૃથિવી = સ્વર્ગ અને પૃથ્વી, અધસ-ઊરધે = નીચે-ઉપર, સ્વર્લોક = સાત માંહેનો એક લોક, ક્ષિતિ = પૃથ્વી, વાસવ = ઇન્દ્ર)
Permalink
July 12, 2012 at 1:00 AM by વિવેક · Filed under અછાંદસ, જયન્ત પાઠક, મૃત્યુ વિશેષ
જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.
મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.
મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.
મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.
– જયંત પાઠક
મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…
Permalink
June 16, 2012 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
નભના ઘનઘોર કાનને
ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે;
કર ભાલો વીજળી સમો ઝગે,
પગ ગાજે પડછંદ ડાબલે.
તિમિરો ગુહકોટરે સૂનાં
અહીંથી ત્યાં ભયભીત ભાગતાં;
પગ અધ્ધર લૈ વટી જવા
હદ મૃત્યુની, શિકારીની તથા.
પવનો વનની ઘટા વિશે
થથરે સ્તબ્ધ છૂપાછૂપા જુએ
બચવા દૃગથી શિકારીનાં
દૃગ મીંચી ત્રસ્ત તારકો !
પડ્યું લો, ઘાવથી છાતી સોંસરા
ઊડી છોળો, તરબોળ દ્યો-ધરા !
– જયન્ત પાઠક
ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા. ચોમાસાની કાજળઘેરી રાતના ફાટફાટ સૌંદર્યનિબદ્ધ આ કવિતા વિશ્વકવિતાની કક્ષાએ બેસી શકે એમ છે.
આકાશના ઘનઘોર જંગલમાં વરસાદ હાથમાં વીજળીનો ભાલો લઈ ઘોડે ચડી શિકારે નીકળ્યો છે. વાદળોનો ગગડાટ એના ઘોડાના ડાબલા સમો સંભળાય છે. ગુફા અને કોતરોમાં એકબાજુ અંધારું પોતે ભયભીત થઈને ભાગતું ભાસે છે તો બીજી તરફ પવન પણ છુપાઈને મૃત્યુની હદ પણ વટી જવા આતુર આ શિકારીને નિહાળી રહ્યો છે. વરસાદની રાતે વાદળોના કારણે નજરે ન ચડતા તારાઓને કવિ જાણે વરસાદની આંખમાં આંખ પરોવી શકતા ન હોય એમ આંખો મીંચી ગયેલા કલ્પે છે… અને તીર જેવો વરસાદ ધરતીની છાતી સોંસરો નીકળી જાય છે. કેવું મનહર દૃશ્ય…
(કાનન = જંગલ, ગુહકોટર = ગુફાની કોતર, દૃગ = આંખ)
Permalink
October 28, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયન્ત પાઠક
(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.
(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !
(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !
– જયન્ત પાઠક
જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.
Permalink
October 19, 2011 at 7:28 PM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
ચાનક રાખું ને તોય ચૂકું :
ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું !
ચાખી ચાખીને મેં તો ભોજનીયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
. દૂધનો દાઝેલ, છાસ ફૂંકુ !
અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
. લીલાને સળગાવે સુકું !
છોડું છેડો તો એક, દુજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
. પડઘા લાંબા ને વેણ ટુકું !
– જયન્ત પાઠક
ગમે તેટલી કાળજી રાખવા છતાં પોતાની અંદરની મર્યાદાને કવિ ઓળંગી શકતા નથી.
Permalink
April 30, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત પાઠક
કોઈને ના આપવું, લેવું નહીં,
મારે નામ દાન કે દેવું નહીં.
મૌન મારું – શાપ કહો વરદાન કહો,
એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.
છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.
એવું તો ક્યાંથી બને આ લોકમાં,
ચાહવું ને દર્દને સ્હેવું નહીં !!
મૃત્યુથી યે આ અનુભવ આકરો,
જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.
– જયન્ત પાઠક
ઉત્તમ કહી શકાય એવા પાંચ શેર… ઊર્મિકાવ્યો, સૉનેટ અને ગીતનો કવિ ગઝલ ખેડે ત્યારે છંદ તરફ દુરાગ્રહી નજરે ન જોઈએ તો આવી શેરિયતભરી કવિતા જન્મે જે નખશીખ ગઝલકારોને પણ જવલ્લે જ હાંસલ હોય છે !
Permalink
March 7, 2011 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
પાસે પારિજાત
રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
ઓળખાણ રોજ વધે થોડું થોડું
આંગણે આવીને આપી જાય
સવારે સવારે
. ટહુકા બે-ચાર
હું ય સામે સંભળાવું એકાદ-બે ગીત-કડી
-પાડોશીની સાથે મારે વાડકી-વ્હેવાર!
– જયન્ત પાઠક
આ નાનકડી કવિતા આટલી મીઠડી કેમ લાગે છે ? એનું કારણ છે અનુભૂતિની સચ્ચાઈ, જે કદી મનને અડકી ગયા વિના રહેતી નથી.
કવિતા એટલે શું કોઈ પૂછે તો બેફીકર કહેવું – કવિતા એટલે તો અનુભૂતિને અવતરવા માટેની શંકર-જટા.
Permalink
February 24, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, જયન્ત પાઠક
કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.
મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.
મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.
– જયંત પાઠક
Permalink
January 5, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, જયન્ત પાઠક
હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !
તું તારે ખેંચ્યા કર, છૂટવા હું હાર્યે ખેંચાવું,
આ પા તે પા દશે દિશામાં તું જાશે ત્યાં જાઉં,
આ ચરણો, આ ગતિ, હવે ક્યાં, પિયા, રહ્યા છે મારાં !
તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા,
એકમેકમાં ઓતપ્રોત, ક્યાં જોવા હવે જુદારા !
એક વૃક્ષનાં પંખી ? ના, ના… એક જ બીજ-જવારા !
– જયંત પાઠક
Permalink
November 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ખેલ મેં દેખા ખેલનહારા !
અલકમલક સે આયા બાદલ
. બરસત અનરાધારા.
વીજચમક કી પ્રકટ આરતી
ગરજન ઘોર નગારા;
ચલત પવન કી બજત નાગિણી
જલાધારી જલધારા,
. શિવમંદિર સંસારા !
ભમરા ગુંજે કમલ ફૂલ મેં :
ગણ મહિમનસ્તુતિ ગાવે;
નદિયાં નાગ-ફણાસી ફૈલી
ડમરુ બિપિન બજાવે;
. સો નટરાજ નિહારા !
– જયન્ત પાઠક
વરસાદના ખેલમાં ખેલનહાર પણ નજરે નથી ચડતો? અને વરસાદની લીલા પણ કેવી! એક પછી એક કલ્પન કવિ સાવ અનોખી રીતે પેશ કરીને આંખ આગળ આખું માતીલું ચોમાસું લઈને આવી ચડે છે… આજ કવિ ક્યારેક એમ પણ કહે, અજબ કરામત કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી…
નાગિણી= નાગ આકારનું એ વાદ્ય; બિપિન= ઉપવન, વાટિકા;
Permalink
September 11, 2010 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !
અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !
હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;
બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.
– જયન્ત પાઠક
યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…
Permalink
June 26, 2010 at 1:42 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.
કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.
તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.
અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !
– જયન્ત પાઠક
ગઈકાલે જ આંસુ વિશે શ્રી ઉશનસે લખેલ એક સૉનેટ માણ્યું. આજે આંસુ વિશે જ એક બીજું સૉનેટ જયન્ત પાઠકની કલમે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.
આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે…
Permalink
June 22, 2010 at 10:25 PM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
અરધા ડુંગર, અરધી રેતી,
વચમાં વચમાં, થોડીક ખેતી.
થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટાં!
વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.
રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.
સૂનો મહેલ, છતોને માથે
કાળ લટકતો ઊંધે માથે.
ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.
ભાલા, તીર, બખ્તર ને ઢાલ:
સંગ્રહસ્થાને કેદી કાળ !
– જયન્ત પાઠક
રાજસ્થાન કવિઓને ખૂબ આકર્ષે છે. એકવિધ રેતીના દરિયાને પોતાનું સૌંદર્ય છે. કથાઓ અને કારસ્તાનોના આ પ્રદેશમાં એકએક પથ્થરની નીચે ઈતિહાસ દબાયેલો પડેલો છે. આ કાવ્યમાં જ.પા. થોડા શબ્દોમાં રાજસ્થાન નામની દંતકથાત્મક ઘટનાને દેહ આપવામાં સફળ રહે છે.
Permalink
April 2, 2010 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયન્ત પાઠક
રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !
– જયન્ત પાઠક
કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !
Permalink
March 26, 2010 at 1:17 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક, ભક્તિપદ
કીકીમાં કેદ કરી લીધા
. મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
. છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
. બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
. છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
. વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
. પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
. એમ વના થાય ના સીધા ! – મેં0
-જયન્ત પાઠક
ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!
Permalink
December 10, 2009 at 2:00 AM by ધવલ · Filed under ઓડિયો, ગીત, જયન્ત પાઠક, યાદગાર ગીત
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર.
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીયે ને
પીયે માટીની ગંધ મારા મૂળ,
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
– જયંત પાઠક
સંગીત : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
[audio:http://urmisaagar.com/saagar/audio/vagda-no-swash-JayantPathak.mp3]
જયંત પાઠક (જન્મ:૨૦-૧૦-૧૯૨૦, અવસાન:૧-૯-૨૦૦૩)નો જન્મ ગોઠમાં (પચંમહાલ) થયેલો પણ કર્મે એ પૂરા સૂરતી. વડોદરામાં અભ્યાસ ને પછી મુંબઈમાં થોડો વખત ‘જન્મભૂમિ’માં કામ કર્યા પછી એ સૂરતની કોલેજમાં આધ્યાપક તરીકે જોડાયા ને છેવટ સુધી સૂરતના થઈને રહ્યા. કવિના સંસ્મરણો ‘વનાંચલ’માં વાંચો તો કવિના મૂળનો બરાબર ખ્યાલ આવે. એમણે શરૂઆતમાં ગીત, સોનેટ વધારે કર્યા. આગળ જતા ગઝલ અને અછાંદસ ખૂબ લખ્યા. આમ કવિતા બધા રૂપો સાથે એમને ઘરોબો. (કાવ્યસંગ્રહો : મર્મર, સંકેત, વિસ્મય, અંતરીક્ષ, અનુનય, મૃગયા, શૂળી ઉપર સેજ, દ્રુતવિલંબિત )
જે માટીમાં કવિ ઉછર્યા એ માટી, વગડા અને વાયરાને માટે કવિએ લખેલું આ પ્રેમગીત છે. કહે છે કે માણસને તમે એની જનમભોમકામાંથી બહાર કાઢી મૂકી શકો, પણ માણસમાંથી એની જનમભોમકાને કદી બહાર કાઢી મૂકી શકાતી નથી. જનમભોમકા માણસનો શ્વાસ બનીને હંમેશા એની સાથે જ રહે છે. અંગે અંગે વસી ગયેલાં ને રસી ગયેલા વગડા, નદી, પહાડો, માટી, વનનું આ ચિરંતન ગાન ‘વનાંચલ’ના રાષ્ટ્રગીત સમાન છે.
ગાયકી અને સંગીત વિષે મારું જ્ઞાન સીમિત છે. પણ આ ગીત એટલું સરસ થયું છે કે મારા જેવો પણ સમજી શકે કે મેહુલના સંગીતે આ ગીતને ખરા અર્થમાં જીવંત કરી દીધું છે અને અર્થને એક વધારે આયામ આપ્યો છે.
Permalink
May 26, 2009 at 1:45 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક
(પૃથ્વી)
અહો જલની ઉગ્રતા !
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.
અહો જલનું માર્દવ !
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળવા બની
હથેલી મહીં પુષ્પની જેવું ઝીલાઈ, વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.
અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
વિનષ્ટિ સૃજને કશો પ્રગટ તાહરો વૈભવ !
– જયન્ત પાઠક
જળના બે આંત્યંતિક સ્વરૂપોને સામસામે ગોઠવી કવિ મજાનું કાવ્ય કરે છે ! મૂશળધાર વરસીને કાંઠા તોડી પર્વતના શિખરોને ય તહસ-નહસ કરી નાંખી રેતી-રેતી કરી દે એવું સમસ્ત સૃષ્ટિના ધબકારા અટકાવી દે એવું જળનું સ્વરૂપ એક સામે છે તો બીજી તરફ હળવેથી જેમ ફૂલ હથેળીમાં ઝીલાય છે એ રીતે ધરતીમાં ભળી જઈ એક બીજને નવાંકુરિત કરી નવી જિંદગી જન્માવતું ઋજુદિલસ્વરૂપ છે… બંને સ્વરૂપે ઈશ્વરનો જ ખરો વૈભવ પ્રગટ થાય છે…
(અદ્રિશૃંગ = પર્વતની ટોચ; ગ્રાવા = પર્વત, પથ્થર; ચરાચર = જડ-ચેતન; વિનષ્ટિ= વિનાશ)
Permalink
January 25, 2008 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત પાઠક
ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.
નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.
પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.
આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.
પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.
-જયન્ત પાઠક
આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…
(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)
Permalink
January 6, 2008 at 11:34 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.
– જયન્ત પાઠક
પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !
( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )
Permalink
November 28, 2007 at 1:37 AM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !
– જયન્ત પાઠક
કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે.
Permalink
October 22, 2007 at 11:11 PM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
સંતો પ્રેમઘટા ઝૂક આઈ.
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો..
મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
પ્રગટ પ્રેમગહરાઈ – સંતો…
ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
ભેદ ગયા ભૂંસાઈ – સંતો…
– જયન્ત પાઠક
અંદરના આનંદને વ્યક્ત કરવા સિવાયના કોઈ કારણ વિના આ ગીત લખ્યું હોય એવું તરત જ દિલને લાગે છે. હિન્દી શબ્દોનો પ્રયોગ મીરાંના પદમાં આવે એટલી જ સહજતાથી અહીં પણ આવે છે. નકરા આનંદથી નીતરતું આ ગીત મોટેથી ગાઈને વાંચો તો જ લયની ખરી મઝા આવે એમ છે.
Permalink
March 19, 2007 at 1:33 AM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
– જયન્ત પાઠક
કવિતા લખવાની પ્રક્રિયા પર કવિઓએ ઘણું લખ્યું છે. કવિ હોવા વિષે મારું પ્રિય કાવ્ય છે સમુદ્ર. આગળ વિવેકે તો સર્જનની પ્રક્રિયા બયાન કરતા ઉત્તમોતમ શેર-પંક્તિઓનું મઝનું સંકલન કરેલું ( ભાગ એક અને ભાગ બે ) એય અહીં ફરી મમળાવવા જેવું છે.
Permalink
December 29, 2006 at 11:12 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;
મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !
– જયન્ત પાઠક
આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.
Permalink
March 7, 2006 at 1:02 PM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
એક એવી તે પ્રીત અમે કીધી
ઘૂંટમાં આખી પિયાલી પીધી!
પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.
એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી!
એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી!
– જયન્ત પાઠક
Permalink
January 8, 2006 at 9:55 PM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય
રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!
– જયંત પાઠક
જયંત પાઠકના બીજા કાવ્યો પણ માણો – માણસ અને ના રસ્તા કે ના ઝરણાં.
Permalink
September 27, 2005 at 7:55 PM by ધવલ · Filed under ગઝલ, જયન્ત પાઠક
રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.
પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડે, પડે ભૈ, માણસ છે.
-જયંત પાઠક
Permalink
July 23, 2005 at 3:15 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !
-જયન્ત પાઠક.
Permalink