પ્રેમની વાર્તા – જયન્ત પાઠક
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.
– જયન્ત પાઠક
પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !
( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )
pragnaju said,
January 7, 2008 @ 9:56 AM
‘પ્રેમની વાર્તા’ વાંચતા સ્મૃતિમાં કાંઈક કેટલાએ પ્રસગો,વાર્તાઓ,કાવ્યો આવે પણ જે રીતે જયન્ત પાઠક પોતાના અછાંદસમાં સરળ રીતે વાત કહે છે ત્યારે લાગે છે પ્રેમ આપણી સહજ વૃતિ છે.તે બધા ધર્મોનો સાર છે.લવ, ઈશ્કે હક્ક અને નોષ્કામ પ્રેમ …તેમાં પ્રેમાસ્પદ પાસે કાંઈક પણ મેળવવાની આશા રાખવાની નથી બસ તેના સુખ માટે આપવાનું છે ત્યારે ફરિયાદનો તો પ્રશ્ન જ ક્યાં છે? ફક્ત આટલી જ પંક્તિ સમજી લઈએ-જાણી લઈએ-માની લઈએ………………………..
રાજમહેલના રંગરાગમાં વનવાસનો વેશ પણ હોય;
એક બાગે વફાનું કાવ્ય …
સાકી સુરા ને જામની છે વાર્તા.
બેકસ અને બદનામની છે વાર્તા.
લો સૂરજ ઉગતાઁ શરૂ આ થઇ ગઇ,
દિન રાત ને સુબ્હ શામની છે વાર્તા
દીપક પતંગા નુ મિલન જોઇ લો,
મહોબ્બત ના અંજામની છે વાર્તા.
લયલા અને મજ્નુ શીરી ફરહાદ ની,
મહોબ્બત મા નાકામની છે વાર્તા.
…તે પ્રેમની વાર્તા ન………..થી.
ભાવના શુક્લ said,
January 7, 2008 @ 12:19 PM
જીંદગીની સમ-વિષમ હકીકતો જ્યારે વાર્તાસમ બની રહે તેજ જાણે પ્રેમની વાર્તા
જે નક્કર હકીકતના શબ્દે શબ્દે ક્યારેય મુક્તિ ન મળે તે જ જાણે પ્રેમની વાર્તા
જિવંત ત્વચાની જેમ ક્યારેય ઉઝરડી નથી શકાતી ક્ષણો તે જ જાણે પ્રેમની વાર્તા
હથોડા જેવી વાગ્યાજ કરે અને લોહીજેવુ દેખાયા વગર કઈક દદડતુજ રહે તે જ જાણે પ્રેમની વાર્તા
અઢી અક્ષરનો પ્રેમ વામનના એવા વિરાટ પગલા જેવો કે ક્યાય કશુ માપ્યા વગરનુ બાકી ના રહે..
વિવેક said,
January 8, 2008 @ 1:17 AM
સુંદર રચના… પ્રેમ એવો પદાર્થ છે જે પામવા મથો તો અકળ રહે અને આપવા ચહો કે સકળ બને.
Pinki said,
January 8, 2008 @ 3:34 AM
હા, પ્રેમની વાર્તામાં તો કોઈ પણ વળાંક અને અંત આવે,
પણ અંતે તો રહે છે પ્રેમ , પ્રેમ અને પ્રેમ……….
કારણ,
“આપણી વાર્તા તો પ્રેમની વાર્તા”