ઠળિયો – લલિત ત્રિવેદી
કવિ! તમારી ટહુકા કરતી આંગળીઓ
ફાગણિયે મ્હોરેલી લહલહ ડાંખળીઓ!
કાગળ પર રૂમઝૂમતી આવી પૂતળીઓ
જેવું ફળિયામાં રમતી હો ઓકળીઓ!
તપ તૂટ્યાં તતકાળ કે બ્હેકી પાંસળીઓ
પરાગરસથી છલછલતી અડકી કળીઓ!
હોય નહિ સળિયો એવું એક ઘર ગોતું
મગચોખાથી રસબસતી ગોતું સળીઓ!
કળીઓ છે કે અલકમલકતી સખીઓ છે…
કાગળિયો છે કે ઝિલમિલતો ઝાકળિયો!
ઊગશે એઠાં બોરાં કે ફળશે દાતણ?
કોણે મારે આંગણ વાવ્યો છે ઠળિયો?
કવિ! તમારી સંગે સોહે એમ કલમ
જેમ કાનજી સંગે સોહે વાંસળીઓ!
– લલિત ત્રિવેદી
શીરાની જેમ ગળેથી ઉતરી જતી આજની ગઝલોથી સાવ ઉફરી ચાલતી એક રચના આજે માણીએ. આસાનીથી અથવા થોડા પ્રયત્ને સમજી શકાય એવા શેરોની વચ્ચે એબ્સ્ટ્રેક્ટ શેર પણ અહીં જોવા મળે છે. ક્યાંક થોડી કૃતકતા પણ અનુભવાય, પણ સરવાળે આ ગઝલ સ-રસ અનુભૂતિ કરાવે છે. મારું મન તો મત્લાએ જ મોહી લીધું. ફાગણિયો આવતાં જ વૃક્ષોની ડાળખીઓ લહલહ મહોરી ઊઠે છે એ કલ્પન કવિની કવિતા કરતી આંગળીઓ સાથે સાંકળી લઈને કવિએ અલગ જ કમાલ કરી છે. ડાળખીઓ માટે કવિએ ડાંખળીઓ શબ્દ પ્રયોજ્યો છે. ડાંખળીનો શબ્દકોશીય અર્થ ભલે ડાળખી જ કેમ ન થતો હોય, એનો લોકકોશીય અર્થ તો સૂકાઈ ગયેલી ડાળખી જ. એટલે કાફિયાની જરૂરિયાત ઉપરાંતનું કવિકર્મ પણ અહીં આપણને નજરે ચડે છે. પાનખરમાં સૂકાઈ ગયેલ ડાળીઓ ફાગણમાં લીલીછમ્મ થઈ જાય છે અને કોકિલના ટહુકાઓ છલકાવવાનું નિમિત્ત બને છે. બાકીની ગઝલ સહુ પોતપોતાની સમજ પ્રમાણે પ્રમાણે…
Varij Luhar said,
April 4, 2025 @ 11:20 AM
વાહ.. સરસ ગઝલ. કવિશ્રી લલિત ત્રિવેદીનું ભાષા કર્મ અનોખું હોય છે..
Vipul jariwala said,
April 4, 2025 @ 11:33 AM
તળપદી ભાષા સાથે ગઝલ નું સ્વરૂપ.
બહુજ સરસ.
“તપ તૂટ્યા તત્કાળ….” મિસરા ખરેખર કેવું સરસ ઉદાહરણ છે.
વિપુલ જરીવાલા
DILIPKUMAR CHAVDA said,
April 4, 2025 @ 12:13 PM
ઊગશે એઠાં બોરાં કે ફળશે દાતણ?
કોણે મારે આંગણ વાવ્યો છે ઠળિયો?
અદભુત અદભુત અદભુત
મજા આવી ગઈ ..
Shailesh Gadhavi said,
April 4, 2025 @ 12:19 PM
વાહ ઠળિયો
હર્ષદ દવે said,
April 4, 2025 @ 4:14 PM
વાહ… સરસ ગઝલ. એઠાં બોર અને દાતણનો સંદર્ભ જબ્બર. કવિને અભિનંદન.
Lata hirani said,
April 4, 2025 @ 4:52 PM
વાહ લલિતભાઈ
તમારી રૂમઝુમતી શબ્દપાંખડીઓ
લયની નમણી સાંકળીઓ
Kishor Ahya said,
April 4, 2025 @ 6:31 PM
ફાગણ માસમાં ડાળીઓ લહ લહે છે (એટલેકે ડાળીઓ પાંગરી ને જુમખા જેવી ડોલે છે )તેમ ટહુકા (રચના) કરતી આંગળીઓ ખીલી ઉઠે છે તેમ કહી એક કવિનું નહિ પણ સમગ્ર કવિ જગતનું માન સન્માન કવિએ વધાર્યું છે.
એક એક પંક્તિઓ એક થી એક ચડિયાતી છે.આ ઋતુમાં કબૂતર કે ચકલીઓ સળીઓ ભેગી કરી માળા બાંધે છે તેની વાત ‘હોય નહિ સળીઓ એવું એક ઘર ગોતું’ માં કહી છે. સહુ સહુ ની સમજ પ્રમાણે અર્થ અલગ હોય શકે છે.
ઉગશે એઠા બોર કે ફળશે દાતણ?આ શેર થોડો રહસ્ય વાળો છે.
બોર ખાઇ ફેંકી દીધેલા ઠળીયા માંથી આપોઆપ બોરડી ઉગી જતી હોય છે દાતણ કર્યા પછી વધેલું દાતણ જમીનમાં થોડું ઉતારી દઈએ તો બાવળ પણ થઈ જાય. કહેવત છે કે બાવળ વાવ્યા હોય તો બોરના આવે. કોણ ઠળિયો વાવી ગયું? એટલેકે બોર છે કે બાવળ?તેની કવિને જાણ નથી એવા કોઈ સંદર્ભ સાથે…આ આ શેર નો અર્થ પણ સહુ સહુની સમાજ પ્રમાણે..
છેલ્લે કવિ શ્રી લલિત ત્રિવેદીએ કલમની સરખામણી કાનજીની વાંસળી સાથે કરી વાંસળી ની જેમ કવિની કલમ શોભે છે એમ કહી કલમની ખૂબ મહત્તા દર્શાવી છે .
સરસ રચના અને સરસ આસ્વાદ.


વિવેક said,
April 4, 2025 @ 6:55 PM
@ કિશોરભાઈ આહ્યા:
વિશદ પ્રતિભાવ બદલ આભાર…
ઊગશે એઠાં બોરાં કે ફળશે દાતણ?
કોણે મારે આંગણ વાવ્યો છે ઠળિયો?
– આ શેરમાં આપ મુખ્ય બંને જ સંદર્ભ ચૂકી ગયા છો. વાત બોરની નથી, એંઠા બોરની છે અને એંઠા બોરની વાત આવે ત્યારે શબરી નજર સમક્ષ તાદૃશ થાય જ… આ સિવાય દાતણ, વાવવું અને ઊગવાની વાત આવે એટલે કબીરવડ તરત જ યાદ આવે. વાયકા મુજબ સંત કબીરે દાંતણ નાંખ્યું હતું એમાંથી વધીને આ વડ થયો છે.
ઠળિયો અહીં પ્રતીક્ષાનું પ્રતીક છે… પ્રતીક્ષા વાવવાની છે…
આશા છે કે વાત સ્પષ્ટ થઈ હશે.
આભાર
Kishor Ahya said,
April 5, 2025 @ 11:49 AM
@વિવેકભાઈ,
આપે આપેલ સ્પષ્ટતા ગમી. એઠાબોર અને દાતણ નો સંદર્ભ આપે કહ્યા મુજબ બરાબર છે પણ એઠાં શબ્દ અને દાતણ શબ્દનું કોઈ વિશેષ અર્થમાં પ્રયોજન હોય તેવું લાગતું નથી. એઠાં ની જગ્યાએ મીઠા શબ્દ પણ મૂકી શકાય. દાતણ ઉગાડી દઉં? એવું પણ કહી શકાય. આ બહાને શબરી અને સંતને કવિએ યાદ કર્યા એ સારી વાત છે .તેવી જ રીતે ઠળિયો શબ્દ પણ એકલો પડી ગયો હોય તેવું લાગે છે.
આ શેર મતલા સાથે પણ સુસંગત નથી. મને લાગે છે અહીં કવિનો પોતાનો જ કોઈ અર્થ હોવો જોઈએ.તમે આસ્વાદ માં કહ્યું તેમ એબ્સ્ટ્રેક્ટ શેર લાગે છે.
આપે સ્પષ્ટતા મૂકી ધ્યાન દોર્યું તે બદલ આપનો ખુબ ખુબ આભાર વિવેકભાઈ.

વિવેક said,
April 5, 2025 @ 12:00 PM
@ કિશોરભાઈ આહ્યા:
કવિતાની ખરી મજા જ એ છે કે એ ભાવકે ભાવકે નવ્યરૂપ ધારી પ્રગટ થાય… જે મને સમજાયું એ મારું અને જે આપને સમજાયું એ આપનું…
સ્પષ્ટતા કેવળ ધ્યાન બહાર રહી ગયેલ સંદર્ભો માટે જ હતી, બાકી દરેકનું પોતાનું અર્થઘટ્ન તો હોવાનું જ… તમામનો સ્વીકાર જ હોય!
ખૂબ ખૂબ આભાર
Kishor Ahya said,
April 5, 2025 @ 2:37 PM
હા, સરસ વાત છે, આભાર. વિવેકભાઈ.
Harihar Shukla said,
April 5, 2025 @ 6:08 PM
કવિએ કલમને વાંસળી કહીને પોતાને કાનજી બખૂબી જણાવ્યા છે. આખી ગઝલ મીઠા બોરની જેમ સ્વાદિષ્ટ
Dhruti modi said,
April 6, 2025 @ 3:24 AM
કળીઓ છે કે અલકમલકતી સખીઓ છેં…
કાગળિયો છે કે ઝિલમિલતો ઝાકળિયો !
આમ એ કવિની રચના કંઈક નવું જ લઈને આવે છે !
અલકમલકતી કળીઓને કવિએ સખીઓ સાથે સરખાવી
એ ખરેખર ખૂબ ગમી ગયું સખીઓ ભેગી થાય ત્યારે
અલક મલકની વાતો કરતી એકબીજાના કાનમાં એવું
કહેતી હોય કે સખી લજ્જાથી લાલચોળ થઈ જાય !
કવિ કળીઓની નમણી સુંદરતા પર ફિદા થયા છે
તેથી કહે છે કે કાગળ છેકે ઝિલમિલતો કાગળ છે
સુંદર રચના આનંદ થયો કવિશ્રીને અભિનંદન !