જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for હસ્તપ્રત
હસ્તપ્રત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 26, 2022 at 12:24 PM by વિવેક · Filed under રમણ વકીલ, સોનેટ, હસ્તપ્રત
*
વહ્યાં વેગે વર્ષો જીવનજલ સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.
વહ્યાં વર્ષો તેમાં વિવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.
વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હૃદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.
– રમણ વકીલ
ગતિ જળનો સ્વ-ભાવ છે. અહીં વાત જીવનજળની છે. જીવનજળ પણ કદી થંભતાં નથી. વેગપૂર્વક સતત વહેતાં રહે છે. ક્યાંક એમાં મલિનતા ઉમેરાય છે, તો ક્યારેલ એ શાંત અને નીતરાં સ્વચ્છ થઈ જાય છે. ક્યારેક જીવનજળ વેગ સાથે ઊંચેથી નીચે પછડાય છે તો ક્યારેક વિશાળ પટ સાંપડતાં સૌમ્ય ગંભીર થઈ વહે છે. જળની જેમ જીવનમાં પણ કોઈ દશા સ્થાયી નથી હોતી. સુખ-દુઃખની આવનજાવન ચાલુ રહે છે. આશાઓ અને મહેચ્છાઓ ક્યારેક ફળે છે, ક્યારેક નથી પણ ફળતી.
પ્રિયજનોની વિદાયના સાક્ષી બનવાની પીડા પણ જીવનનો જ એક ભાગ છે. હૃદય કઠણ કરીને ચિતાઓ સળગતી જોવી પડે છે. પ્રિયજનના અસ્થિ-ભસ્મ નદી-સમુદ્રમાં વહાવી પણ શકાય છે, પણ યાદોનું વિસર્જન કરી શકાતું નથી. એનાથી મુક્તિ મળતી નથી. હૈયું આ સ્મરણકુસુમોને આંસુઓથી સીંચી-સીંચીને જતનપૂર્વક ઉછેર્યે રાખે છે…
જળ અને જીવનજળ વચ્ચે જો કે એક બહુ મોટો તફાવત પણ છે. જળ વહી જાય ત્યાં ફરી પરત ફરી શકતાં નથી પણ જીવનજળ જે સ્મરણપુષ્પો ખીલવતાં વહી જાય છે, એ સ્મરણ વહી ગયેલી ક્ષણોમાં અવારનવાર પ્રવેશ કરવા માટેનો વિકલ્પ જીવંત રાખે છે…
Permalink
December 22, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત
(કવયિત્રીના હસ્તાક્ષરોમાં એક ઓર ગઝલ લયસ્તરો માટે)
*
અજંપો આ મોસમનો ઘૂંટાય ભીતર,
ને વાદળ ઉદાસીનાં ઘેરાય ભીતર…
આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…
કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…
અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?
ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…
– દિવ્યા મોદી
હવે આ ગઝલના કયા શેરને ગમાડીએ અને કયાને નહીં? પ્રેમ અરુઢતાથી વ્યાખ્યાયિત કરતો ચોથો શેર જો કે મને વધુ ગમી ગયો…
Permalink
October 8, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત
(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર
ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર
શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર
ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર
મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર
– પંકજ વખારિયા
પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!
Permalink
August 11, 2010 at 10:07 PM by ઊર્મિ · Filed under ગીત, વિનોદ જોશી, હસ્તપ્રત
(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)
પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…
-વિનોદ જોશી
લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું. આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂 આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે. એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.
Permalink
June 16, 2010 at 9:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ચિનુ મોદી, હસ્તપ્રત
(આગામી કાવ્યસંગ્રહની એક કૃતિ કવિનાં પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
થોડા વખત પહેલા અહીં ન્યુ જર્સીમાં યોજાયેલા ‘સર્જક સાથે સાંજ’ દરમ્યાન ચિનુભાઈને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. થોડા સમયમાં ચિનુભાઈનો કાવ્યસંગ્રહ ‘ખારા ઝરણ’ પ્રકાશિત થનાર છે, જેમાંની ઘણી ગઝલો એ કાર્યક્રમમાં સાંભળવા મળી અને અહીં મૂકવાની મંજૂરી પણ. થોડી ગઝલોમાંથી પસાર થતા એમની આ ગઝલ મને જરા વધુ ગમી ગઈ. ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા ‘ પ્રકારનાં ભાવવાળી આ ગઝલનાં બધા શે’રો આપણને હાથ પકડીને બેઠા અને ઊભા કરે છે. સડક સીધી હોય કે ન હોય પરંતુ મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો એના પર જરૂર દોડી શકે છે. બીજો શેર મને ખૂબ જ અદભૂત અને પોતીકો લાગ્યો છે. જેને મેં મારી રીતે અનુભવ્યો છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કવિતાસર્જનમાં mental BLOCK જેવું અનુભવાતુ હોય. કવિતાનો સ્વભાવ પણ કદાચ નદી જેવો જ છે, એની મેળે ખળખળ વહેવાનો. થોડો વખત એ ‘થીજી’ જાય તો ભલે, પરંતુ સ્વભાવ અનુસાર એ જરૂર અનુસરવાની અને બરફ તોડીને ફરી જરૂર વહેવાની… 🙂
Permalink
May 29, 2010 at 3:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)
*
ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર
લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર
જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર
અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર
ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર
– પંકજ વખારિયા
નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે. એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે. બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…
Permalink
November 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ અક્ષરોમાં ‘લયસ્તરો’ માટે)
*
આ તડકા મહીં એમ વર્તાય છાંયો,
કેચ્હેરા ઉપર એક ચ્હેરો છવાયો.
ને આંખો અમારી સજળ હોય તો યે,
ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.
અમારી સબરના પુરાવા ન માંગો,
ઇમારત છું એવી, નથી જેનો પાયો.
પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
શનૈ: શનૈ: કિનારો ફસાયો.
બહેતર એ છે કે શિકાયત ન કર તું,
ખફા થઈને જ્યારે સમય પણ રિસાયો.
-દિવ્યા મોદી
ભીની માટી જેવા હૈયા પર પગલાંની અમીટ છાપ છોડી જાય એ સાચી કવિતા. દિવ્યાની આ ગઝલ વાંચો અને અંદર કશુંક અમીટ પડતું ન અનુભવાય તો જ નવાઈ. તડકા વિના છાંયાનું વળી અસ્તિત્વ કેવું ? બંને સાથે જ સંભવી શકે એ ખરું પણ કદી એકમેકમાં ભળી શકે ખરા ? આપણા ચહેરા પર કેટકેટલા ચહેરા પડતા રહે છે ! પણ આપણે આપણી ઓળખ કદી ગુમાવીએ ખરા ?
શનૈ: શનૈ: જેવો સંસ્કૃત શબ્દપ્રયોગ રાજેન્દ્ર શુક્લ જેવી સાહજિક્તાથી કરીને ઉત્તમ શેર પણ આપવા બદલ કવયિત્રી શું અભિનંદનને પાત્ર નથી ?
Permalink
November 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિહંગ વ્યાસ, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગીતરચના)
*
તું આવ્યાંની વેળા
રોમે રોમે રોજ દૂઝતાં, રુઝ્યાં આજ ઝળેળા
સમેટાઈને રાખેલા વિખરાઈ ગયા છે શ્વાસ
તારે પગલે મારી ભીતર દોમ દોમ અજવાસ
ઉંબરથી ઓસરિયે વહેતા કુમકુમવરણા રેલા
જાણ થઈ છે આજ મને કે ખળખળવું એ શું
નર્યો નીતર્યો મારે ફળિયે અવસર યાને તું
વરસોના અળગા પડછાયા કરીએ આજે ભેળા
તું આવ્યાંની વેળા
-વિહંગ વ્યાસ
વિરહાસન્ન જીવન માટે મિલનની એક જ વેળા કેવી સંજીવની બની રહે છે ! વિયોગ અને પ્રતીક્ષાના અગ્નિથી રોમે-રોમે રોજે-રોજ ફૂટતા ફોલ્લા એક જ ઘડીમાં રુઝાઈ જાય છે. જે શ્વાસ માત્ર જીવવાના હેતુસર ભીતરમાં શગની પેઠે સંકોરીને રાખી મૂક્યા હતા એ આજે વિખેરાઈને ચોમેર પ્રસરી રહ્યા છે અને બહારની જેમ જ અંદર પણ અજવાળું અજવાળું થઈ રહે છે… ઉંબરે થીજી રહેલી પ્રતીક્ષા ઓસરી સુધી દડી જાય અને એના પગલે પગલે કંકુછાંટણા થાય એ જ તો મિલનનું ખરું સાફલ્ય છે… અને કવિની આખરી આરત એમના પ્રણયની ચરમસીમાની દ્યોતક છે… એ આવે એ જ એમને મન ખરો અવસર છે… કાયા નહીં, માત્ર પડછાયા એકમેકમાં ભળી જાય તોય આ સંતોષીજનને તો ઘણું…
Permalink
August 1, 2009 at 4:23 AM by વિવેક · Filed under ગઝલ, વિહંગ વ્યાસ, હસ્તપ્રત
(લયસ્તરો માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ કૃતિ)
અનાયાસ ને કલ્પનાતીત થયું છે
નરી આંખે સપનું ઉપસ્થિત થયું છે
ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે
અનુમાન તું સાવ ખોટા કરે છે
જગત સામટું ક્યાં પરિચિત થયું છે
સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે
ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
હવાનું હલેસું તો નિમિત્ત થયું છે
ખરેખર તમારા જ હોવાનું નાટક
તમારાથી થોડું અભિનિત થયું છે
-વિહંગ વ્યાસ
ઢસા (ભાવનગર)ના યુવાન કવિ વિહંગ વ્યાસ કરિયાણું, ફરસાણ અને મીઠાઈ બાંધવાની સાથોસાથ પડીકામાં ગીત-ગઝલ પણ બાંધી આપે છે. ગુજરાતીમાં સ્નાતક થયા હોવાની છાપ આ ગઝલમાં ડગલે ને પગલે ચાડી ખાય છે. અહીં જે પ્રકારના કાફિયા એમણે પ્રયોજ્યા છે એ પોતે અનાયાસ અને કલ્પનાતીત છે ! આખી ગઝલ પહેલા વરસાદના છાંટા જેવી તાજી-ભીની છે પણ છેલ્લા બે શેર યાદગાર નીવડ્યા છે. એની ઇચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી એ વાત કેવી રોચક રીતે લઈ આવ્યા છે. સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે એ સઘળું હરિઇચ્છાથી જ થાય છે. પાંદડું ઝાડ પરથી ખરે યા એ રીતે સંસારમાં જે કોઈ બીના ઘટે એ બધી પૂર્વયોજિત જ હોય છે, હવા કે હોવાપણું એ માત્ર નિમિત્ત જ છે… એટલે જ નરસિંહે ગાયું છે ને કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા…
Permalink
May 17, 2009 at 1:07 AM by ધવલ · Filed under ઊર્મિ, ગઝલ, હસ્તપ્રત
(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
– ઊર્મિ (૭ મે ૨૦૦૯)
ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે. શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !
Permalink
May 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે પંકજ વખારિયાના પોતાના અક્ષરોમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા
દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા
ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?!
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા
કેટલાં દિવસે મળી બારીમાં સાંજ !
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા
એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા
-પંકજ વખારિયા
દુલા ભાયા કાગની પંક્તિ યાદ છે?- હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… પણ આજે જમાનો જરા જુદો છે. આજે ‘આવ’ માંથી ‘ભાવ’ સાવ જ નીકળી ગયો છે. અપેક્ષાથી વિપરીત સૂકો અને સૂનો આવકાર મળે ત્યારે દરવાજેથી જ પાછા વળી જવાનું મન ન થાય ?
Permalink
May 10, 2009 at 12:40 AM by ધવલ · Filed under ઊર્મિ, ગઝલ, હસ્તપ્રત
(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.
‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.
– ઊર્મિ (૬ મે ૨૦૦૯)
સ્નિગ્ધ એકલતાની નખશિખ સુંદર ગઝલ. ગયા અઠવાડિયે મૂકેલી ઝફરસાહેબની ગુજરાતી રદીફવાળી હિન્દી ગઝલ જોઈ લઈ, એની સાથે સરખાવશો.
Permalink
April 4, 2009 at 1:00 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ, હસ્તપ્રત
(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)
*
શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.
આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.
આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.
આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?
‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?
– હર્ષવી પટેલ
કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.
ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે. ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.
મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…
Permalink
March 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)
ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે
જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે
આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે
ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે
સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે
દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે
રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે
– પંકજ વખારિયા
પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!
ગઝલ નામના કાવ્યપ્રકારની ઠેકડી ઊડાવનારાઓ… ક્યાં છો તમે?
Permalink
March 21, 2009 at 7:26 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીની એક અક્ષુણ્ણ ગઝલ એમના પોતાના હસ્તાક્ષરમાં)
*
દોસ્ત, તું સંભાળજે આવી હવાથી
ખૂબ ગમશે એને તારા ઊડવાથી.
સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !
હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
થાક લાગે છે જવા ને આવવાથી.
ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?
ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
એક પડછાયાને માણસ ધારવાથી…
– અંકિત ત્રિવેદી
અં.ત્રિ.ની ખુમારીદાર ગઝલ… આપણો આવજ આપણો પોતીકો અવાજ જ હોવો ઘટે… પડઘાનો અવાજ કદી ધારી અસર છોડી શક્તો નથી… જમાનાની હવાથી સંભાળીને ચાલવા ચેતવતી વાત પણ એવી જ સરસ થઈ છે. અને આખરી શેર વળી ખૂબ ધીમેથી ખુલે છે….
Permalink
March 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત
(આ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
*
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’
ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!
અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે.
ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!
Permalink
March 7, 2009 at 12:30 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત
(અંકિત ત્રિવેદીના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘લયસ્તરો’ માટે)
*
દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં
પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.
તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં
લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
– અંકિત ત્રિવેદી
જીવનમાં જે આભાસ છે એ કદી કામ લાગતો નથી. ખુલ્લી આંખના સ્વપ્નાં, મૃગજળ પાછળની દોડ કે અરીસાનું બિંબ- વાસ્તવમાં આ કશું ખપ લાગતું નથી એવા નક્કર સંદેશા સાથે ઊઘડતી આ ગઝલ અ.ત્રિ.ના મૂળભૂત મિજાજને સાંગોપાંગ જાળવી રાખે છે. ઈશ્વર અને દોસ્તની સરખામણી કરી બંનેની ઠેકડી ઊડાડતો શેર પણ સરસ થયો છે પણ છેલ્લા બે શેર વધુ ગમી જાય એવા છે…
Permalink
February 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ ગઝલ, એના જ હસ્તાક્ષરોમાં લયસ્તરો માટે)
એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.
જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.
ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.
એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.
આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.
જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.
– દિવ્યા મોદી
આ ગઝલ આવી સરસ, સામે તમે… હું નડું વચ્ચે તો એ કોને ગમે?
Permalink
January 24, 2009 at 12:46 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રેશ મકવાણા 'નારાજ', હસ્તપ્રત
(લયસ્તરો માટે ચંદ્રેશ મકવાણાના પોતાના હસ્તાક્ષરમાં એમનું મનગમતું ગીત)
વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.
જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં
એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી
તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?
મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી
-ચંદ્રેશ મકવાણા
વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…
Permalink
January 17, 2009 at 12:58 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ, હસ્તપ્રત
(લયસ્તરો માટે હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ હસ્તાક્ષરોમાં…)
ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.
છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.
શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.
તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?
આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.
– હર્ષવી પટેલ
A genuine poetry is one which is communicated even before it is understood. કવિતાની આ પરિભાષામાં હર્ષવીની આ ગઝલ જડબેસલાક બંધ બેસી જાય છે. એક પણ શેર એવો નથી જે હર્ષવી બોલે અને વાહ…વાહના ઉદગાર શ્રોતાજનોના મોઢેથી ન સરે… પણ પ્રથમ શ્રવણ કે પ્રથમ પઠન પછી પણ આ સંઘેડાઉતાર ગઝલમાં એવું ઘણું બધું છે જે ફરી ફરીને વાહ…વાહ કહેવા આપણને મજબૂર કરે…
Permalink
January 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમેશ પારેખ, હસ્તપ્રત
(લયસ્તરોના વાચકો માટે પતંગપર્વ નિમિત્તે રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિના હસ્તાક્ષરમાં એક અછાંદસ)
‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’
– રમેશ પારેખ
(૨૮-૧૨-૨૦૦૪/મંગળવાર)
Permalink
January 10, 2009 at 1:17 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ, હસ્તપ્રત
(એક અક્ષુણ્ણ ગઝલ ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીના પોતાના અક્ષરોમાં)
એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.
રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?
જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.
હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.
હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?
– અંકિત ત્રિવેદી
પંખી માટે સાંજના ટાણે માળાની જે અનિવાર્યતા છે એવી અને એટલી તીવ્રતા ઝંખનામાં આવે તો જ પ્રિયપાત્રને અપનાવવાની વાત લઈ આવતી એક મનભાવન ગઝલ આ સપ્તાહાંત માટે…
Permalink
October 25, 2008 at 2:13 AM by ઊર્મિ · Filed under કિશોર મોદી, ગઝલ, હસ્તપ્રત, હુરતી
(કિશોરભાઈની એક અક્ષુણ્ણ કૃતિ એમનાં હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.
હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.
ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.
અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.
છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.
– કિશોર મોદી
(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)
*
વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!!
-ઊર્મિ
Permalink
October 18, 2008 at 12:24 AM by વિવેક · Filed under ગીત, સંદીપ ભાટિયા, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે સંદીપ ભાટિયાનું એક સુંદર ગીત એમના પોતાના અક્ષરોમાં)
*
મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા
આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક
મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં
લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર
ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા
-સંદીપ ભાટિયા
અંધારું એટલે કાળાશનું હોવું નહીં, અંધારું એટલે સૂરજનું ન હોવું તે. અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. અંધારું એટલે જીવનના ધનમૂલક પરિબળોની બાદબાકી. ઊંઘમાં વ્યાપ્યા અંધારાં કહીને કવિ કેવો મજાનો કાકુ સિદ્ધ કરે છે! ઊંઘવા મથતા પણ ઊંઘી ન શકતા બાળકની નીંદરમાં વ્યાપેલ આ અંધારું -ઊંઘ નામના પ્રકાશની ગેરહાજરી- તો હવે મા મજેદાર વાર્તાઓના ટમટમતા તારાઓ પાંપણની બારસાખે બાંધે તો જ દૂર થવાનું છે… એક બાળકના મા સાથેના સંબંધની સુંદર પરિભાષા વ્યક્ત કરતું આજે બાળક બનીને માણીએ…
સંદીપ ભાટિયાની એક અદભુત ગઝલ -કાચનદીને પેલે કાંઠે- આપે વાંચી છે? અહીં ક્લિક્ કરો.
Permalink
October 11, 2008 at 2:18 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે મહેશ દાવડકરના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
આંસુઓને રોકવામાં લોહીનું પાણી થયું,
ને ડૂમો પીગાળવામાં લોહીનું પાણી થયું.
આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.
આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.
લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.
-મહેશ દાવડકર
કેટલાક ગઝલકાર કૌવત કે કૌશલ્ય ન હોવા છતાં છાપરે ગાજીને પોકારતા રહે છે તો કેટલાક સંત ગઝલકાર એક ખૂણામાં પોતાની શબ્દની ધૂણી જગાવીને બેફિકર નિસ્પૃહ સાધનામાં રત રહે છે. મહેશ દાવડકર આ સંત કોટિના ગઝલકાર છે. સુરતમાં રહે છે. મજાના ચિત્રો દોરે છે. ઓછું લખે છે પણ આછું નથી લખતા. કોઈપણ જાતની પ્રસિદ્ધિની ખેવના વિના એ કળાને માત્ર કળાની રૂએ આરાધે છે અને પરિણામે એમની ગઝલમાં એક નકારી ન શકાય એવી ચુંબકીયતા જોવા મળે છે. જુઓ આ દાદુ ગઝલ… લોહીનું પાણી થયું જેવી રદીફને જે કુશળતાથી એમણે નિભાવી છે એ ખરેખર કાબિલે-દાદ છે…
Permalink
September 5, 2008 at 12:00 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ., હસ્તપ્રત
(મહેશ રાવલના હસ્તાક્ષરમાં એમની જ એક ગઝલ કેલિગ્રાફી સ્વરૂપે)
મજલ કાપીને બેઠો છું
મને માપીને બેઠો છું
ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું
હવે શું અર્થ દરિયાનો
તરસને પીને બેઠો છું
ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું
ઉલેચી શ્વાસનો દરિયો
ઉંમર સ્થાપીને બેઠો છું
પ્રતીક્ષા છે સમયની બસ
અહીં ટાંપીને બેઠો છું
-ડૉ. મહેશ રાવલ
ડૉ. મહેશ રાવલની ગઝલો અને એમના મદમત્ત કરી દે એવા અવાજ અને તરન્નુમના કામણથી મોટા ભાગના નેટીજન પરિચિત છે જ. એમની કેલિગ્રાફીનો એક મજાનો નમૂનો એમના વ્યક્તિત્વના વધુ એક આયામના પરિચય સ્વરૂપે આજે અહીં મૂકીએ છીએ. જોગાનુજોગ ગઈએકાલે જ એમની વર્ષગાંઠ પણ હતી એટલે લયસ્તરો તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
પોતાની જાતને માપી લે એની જ સફર પૂરી થઈ ગણાય એવું અદભુત સત્ય ઉચ્ચારનાર આ કવિ પાસે કશું છાનું નથી. ઉઘાડા દ્વારથી વિશેષ ઉઘાડું શું હોઈ શકે? કવિ પાસે જે છે એ બધું જ આપી દઈને કવિ ઉઘાડા દ્વાર સમા બેઠા છે. અંદરના દ્વાર ઉઘડે ત્યારે જ બહારના અ-સીમ આકાશ સાથે તાદાત્મ્ય સધાય… ઉડવાનું કોને ન ગમે? પણ ઝંખનાને પાંખ જ ન ફૂટે તો? કવિને કોઈ અસુવિધા કે મુસીબતોનો કોઈ રંજ જ નથી. જ્યાં પાંખ ફૂટવી જોઈતી હતી ત્યાં એ ગઝલ સ્થાપીને બેઠા છે. હવે કહો, અમને ઉડતાં કોણ રોકશે?
Permalink
August 16, 2008 at 12:35 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ., હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે ડૉ. મહેશ રાવલના હસ્તાક્ષરમાં એક ગઝલ)
વખત જેમ ખુદને વિતાવી રહ્યો છું,
મને હું જ જાણે નિભાવી રહ્યો છું !
બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ખબર છે નથી કંઈ ઉપજવાનું, તો પણ
ઉલટભેર સપનાંય વાવી રહ્યો છું.
કદી સાવ સીધા, કદી આડકતરા
કદી ભાર અંગત ઉઠાવી રહ્યો છું !
જતી હોય કે આવતી હર ક્ષણોને
સહજભાવે મસ્તક નમાવી રહ્યો છું.
નથી જે મળ્યું તે અને જે મળ્યું તે
મુકદ્દર ગણીને વધાવી રહ્યો છું !
પછી એ બધા ડાઘુઓ થઈ જવાનાં
સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !
-ડૉ. મહેશ રાવલ
વખત જેમ ખુદને વિતાવવાની વાત કરતા ડૉ. મહેશ રાવલની આ ગઝલ એમના ખુદ્દારીસભર મિજાજની મુખર તસ્વીર છે. મનુષ્યની દશા સતત બદલાતી રહે છે અને આપણે ખાસ એ વિશે કરી પણ શક્તા નથી. બસ એક પછી એક તબક્કા પસાર કરીને જે મળે કે જે ન મળે એ બધાને મુકદ્દર ગણીને વધાવતા રહેવું પડે છે. ક્યારેક વાત સીધી હોય, ક્યારેક આડકતરી. ક્યારેક બોજ પોતાનો હોય ક્યારેક અવરનો- ઉઠાવતા રહેવું પડે છે, બસ…
Permalink
August 9, 2008 at 1:22 AM by ઊર્મિ · Filed under ઓડિયો, ગીત, વિવેક મનહર ટેલર, હસ્તપ્રત
(વિવેકની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
[audio:http://urmisaagar.com/saagar/audio/ShyamTaaraRange-VivekTailor.mp3]
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.
શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)
“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!
લયસ્તરોનાં સાગરમાં આપણે ઘણાં પ્રિય કવિઓનાં હસ્તાક્ષરોનાં મોતીઓ ભર્યા છે અને એમાં આપણા ઘરનાં જ કવિનાં હસ્તાક્ષરનું મોતી ના હોય એ કેમ ચાલે? ખરું ને મિત્રો?! વળી આ કવિ મહાશય પાસેથી તો એમનાં હસ્તાક્ષરની સાથે સાથે બોનસ તરીકે મેં હક્કથી એનાં સ્વરનું મોતી પણ માંગી લીધું છે (જરા દાદાગીરીથી સ્તો!)… તો ચાલો આજે સાંભળીએ આ કાવ્યનું પઠન, કવિ વિવેક ટેલરના જ અવાજમાં !
Permalink
August 2, 2008 at 5:01 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર, હસ્તપ્રત
(ફરી એકવાર ખાસ ‘લયસ્તરો’ માટે ગૌરાંગ ઠાકરે પોતાના અક્ષરોમાં લખી આપેલ એક ગઝલ)
ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.
કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.
-ગૌરાંગ ઠાકર
ઘરડાઘરો ખાલી કરાવવાનો અક્સીર કિમીયો શીખવાડતા ગૌરાંગ ઠાકરના આ શે’રને મુશાયરાના મુશાયરાઓ લૂંટી લેતો જોવાની પણ એક અલગ મજા છે પરંતુ મુશાયરા પૂરા થયા પછી રાતના એકાંતમાં આ શેરની ખરી ગહેરાઈ સમજાય ત્યારે ખબર પડે કે મૂળે તો આપણે આપણામાં કોઈને વ્હાલ જ ક્યાં વાવવા દીધું છે કદી ? વાડ વગરના વેલા જેવું જીવતા આપણને ઘરડા મા-બાપની એકલતાની વ્યથા સમજાઈ શકે એવું ક્યાં રહ્યું જ છે ? આપણે તો આખી જિંદગી સંબંધોને કાખઘોડી આપીને જ ચલાવ્યા છે. પોતાની જાતને હરાવીને એક-મેકમાં વિશ્વાસ મૂકી બે ડગલાં પણ સાથે ચાલ્યાં હોત તો આખું વિશ્વ ય જીતવું ક્યાં દોહ્યલું જ હતું ?!
Permalink
July 8, 2008 at 9:48 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી, હસ્તપ્રત
ફકીર
વહેલી પરોઢે
ફૂટપાથ પર
તસબીના મણકા ફેરવવામાં
તલ્લીન થઈ ગયેલા ફકીરના કાનમાં
ઈશ્વરે આવી ધીમેથી કહ્યું,
‘હે ફરિશ્તા
તું
મારા માટે દુવા કર
કે આવતા જન્મે
હું
આ ધરા પર
ફકીર થઈને જન્મુ !’
– પ્રીતમ લખલાણી
ફકીરી એક એવી દોલત છે કે જે ખુદાને પણ સુલભ નથી. અનાસક્તિમાં એટલુ સુખ સમાયેલુ છે કે જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં !
Permalink
July 5, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા, હસ્તપ્રત
( …ખાસ ‘લયસ્તરો’ માટે એષા દાદાવાલાના હસ્તાક્ષરમાં એક અપ્રગટ અછાંદસ કાવ્ય… )
*
એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.
પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
-એષા દાદાવાલા
એષાના અછાંદસ આજની ગુજરાતી કવિતામાં એક નવી જ ભાત પાડે છે. એના અછાંદસની ખાસ વિશેષતા એ છે કે એ આપણા રોજબરોજની જિંદગીમાંથી જ ઉંચકાયેલા છે અને ક્યાંય કવિત્વનો ભારેખમ બોજ ભાવકના માથે નાંખતા દેખાતા નથી. સરળ લોકબોલીની ભાષામાં સમજવામાં સહજ પણ પચાવવામાં અઘરા આ કાવ્યો એની ચોટના કારણે અને ભાવપ્રધાનતાના કારણે ઘણીવાર આંખના ખૂણા ભીનાં કરવામાં સફળ બને છે. એષાની કવિતામાંથી પસાર થવું એટલે એક ઘટના સોંસરવા નીકળવું અને ખાતરીપૂર્વક લોહીલુહાણ થવું….
એષાના પ્રથમ પ્રકાશ્ય કાવ્ય સંગ્રહ ‘વર્તારો’ માટે એને અગાઉથી જ શુભેચ્છાઓ…
Permalink
June 21, 2008 at 1:22 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે ઉર્વીશ વસાવડાના હસ્તાક્ષરમાં એમની અક્ષુણ્ણ કૃતિ)
*
ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.
રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.
ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.
દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.
જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
-ઉર્વીશ વસાવડા
સરળતા અને હૃદયંગમતા ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. મનુષ્ય આજે જેટલો પરિણામલક્ષી બન્યો છે એ ટલો પહેલાં ક્યારેય નહોતો. આજે સૌને પરિણામમાં રસ છે, માર્ગમાં કોનો કેવો ભોગ લેવાય છે એની કોઈને તમા રહી નથી. સરોવર પર દૃષ્ટિ છે, જળચરની ચિંતા કોણ કરે છે?
ગઝલના બીજા શેરમાં ઉર્વીશભાઈ એમની ખાસિયત મુજબ પુરાકલ્પન લઈ આવે છે. સુજાતા નામની સ્ત્રી એના મૃત પુત્રને લઈને ગૌતમ બુદ્ધ પાસે આવી ભાંગી પડે છે એની આ વાત છે. પુત્ર વિના જીવવું અશક્ય છે કહીને તથાગત પાસે પોતાના પુત્રને પુનર્જીવિત કરવાની જિદ્દ પકડતી માને કેવી રીતે સમજાવવું કે મરી ગયેલ પાછાં નથી આવતાં?! અંતે તથાગત એના પુત્રને એક શરત પર જીવાડવાનું વચન આપે છે કે એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાં જઈને લઈ આવ કે જે ઘરમાં કદી કોઈ અવસાન થયું જ ન હોય… પુત્રઘેલી સુજાતાને સાંજના છેડે સત્ય સમજાય છે કે મૃત્યુ એ જીવન સાથે જ ઘડાઈ ગયેલી અનિવાર્ય ઘટના છે…
છેલ્લા શેરમાં ફરીથી સ્વયંવરનું પૌરણિક કથાબીજ. પણ અહીં કવિ સાવ અલગ જ વાત કરે છે. અહીં ધનુષ્ય નથી તૂટતું, શરસંધાન કરનાર પોતે જ તૂટી જાય છે. કેમકે આ અર્જુન-દ્રૌપદી કે રામ-સીતાના સ્વયંવરની વાત નથી. આ વાત છે આજના યુગના ઘર-ઘરના રામાયણ-મહાભારતની. જીવન અને જીવવાની પળોજણો અંતે આપણને જ તોડી નાંખે છે અને આપણા મોટાભાગના દાંપત્યજીવન તૂટેલા ધનુષ્યને બદલે તૂટેલા મનુષ્ય જેવા ખોડંગાતા રહે છે એ જ આપણા સૌની આજની વ્યથાની કથા છે.
Permalink
February 9, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે દિવ્યા મોદીએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)
જાત સાથે ગુફ્તગૂ કરવી હતી,
એક સુંદર શાયરી કરવી હતી.
એટલે તો મનભરી ચાહ્યો તને,
કાળજાની કાળજી કરવી હતી.
પ્રેમના કારણ કદી પૂછો નહીં,
જિંદગીભર બંદગી કરવી હતી.
છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને મારે પરત કરવી હતી.
ડૂબતા આ સૂર્યને રોકો જરી,
સાંજને વાતો હજી કરવી હતી.
-દિવ્યા મોદી
દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પછી તમે આ આખી વાતને જાત સાથેની ગુફ્તેગૂ કહો યા ગઝલની શાબ્દિક વ્યાખ્યા- જાત સાથે વાર્તાલાપ-કહો એ તમારા ઉપર છે. કોઈ કહેશે કે કોઈ કોઈને શા માટે આટઆટલું ચાહે છે? પ્રેમ એટલે પોતાનું હૈયું અને પ્રિયતમ એટલે એનાથી જ ત્વન્મય થતી પોતાની જાત જ નહીં? પ્રેમની કેવી સચોટ અને સરળ વ્યાખ્યા કવયિત્રી અહીં લઈ આવ્યા છે? મનભરીને કોઈને ચાહવાનું ખરું કારણ તો પોતાના જ કાળજાની કાળજી કરવાનું છે. કાળજા સાથે કાળજી શબ્દનો વિનિયોગ અહીં કવયિત્રીની સજ્જતાનું સવિશેષ પ્રમાણ પણ બની રહે છે.
દિવ્યા મોદી સુરત શહેરની ગઝલોનું આવતીકાલનું અજવાળું છે… એની પાસે હજી ઘણી વાતો બાકી છે એટલે એ આજના ડૂબતા સૂર્યને પણ રોકી રાખવા ઈચ્છે છે… દિવ્યાને લયસ્તરો તરફથી અંતરંગ શુભેચ્છાઓ…
Permalink
January 5, 2008 at 1:17 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)
લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.
તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.
હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”
છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
-અનિલ ચાવડા
માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Permalink
December 29, 2007 at 12:50 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ, હસ્તપ્રત
(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)
શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.
મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.
સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.
શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.
આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.
-ઉર્વીશ વસાવડા
આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?
Permalink
December 22, 2007 at 12:31 AM by વિવેક · Filed under ગઝલ, વિશ્વ-કવિતા, સુધીર પટેલ, હસ્તપ્રત
(‘લયસ્તરો’ માટે સુધીર પટેલે અમેરિકાથી મોકલાવેલી હસ્તલિખિત અક્ષુણ્ણ ગઝલ)
ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !
मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !
उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !
लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !
मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !
जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !
-सुधीर पटेल
અમેરિકાનિવાસી સુધીર પટેલ આમ તો ગુજરાતી ગઝલમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પણ અહીં જોઈએ તો ખ્યાલ આવે કે હિંદી ગઝલમાં પણ તેઓ એજ હથોટી ધરાવે છે. મેં હોઠોથી કદાચ “ના” પણ પાડી હોય, પણ પ્રિયજને દિલની વાત કદાચ સાંભળી પણ લીધી હોય એવું બનેની અભિવ્યક્તિ પ્રેમના આશાવાદની જે તીવ્રતા સુધી ભાવકને ખેંચી જાય છે એ અદભુત છે.
Permalink
October 27, 2007 at 12:04 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, હસ્તપ્રત
(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।
मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।
फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।
जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।
-मुकुल चोक्सी
મહિના પહેલાં મુકુલ ચોક્સીની ‘ખબર છે તને?‘ ગઝલ પૉસ્ટ કરી હતી ત્યારે આ હિંદી ગઝલનો ઉલ્લેખ થયો હતો. જયશ્રી ભક્ત ભારત આવી હતી ત્યારે અમે બધા – હું, મિત્ર મનીષ ચેવલી, મેહુલ સુરતી અને મુકુલ ચોકસી -સહપરિવાર તાજમાં જમતા ગયા હતા. ત્યાંના ગાયકે મુકુલભાઈને જોઈને આ હિંદી ગઝલ ગાવાની શરૂ કરી અને મુકુલભાઈ સાશ્ચર્યાનંદ ઊછળી પડ્યા. લાંબા સમય પહેલાં આવી જ કોઈ સાંજે આ જ ગાયકે મુકુલભાઈ પાસે કોઈ ‘તાજા કલામ’ની માંગ કરી હતી અને મુકુલભાઈએ ત્યાંને ત્યાં જ આ હિંદી ગઝલ લખી આપી હતી. કવિના રૂદિયામાંથી તો આ રચના ભૂલાઈ અને ભૂંસાઈ ગઈ હતી પણ આ ગાયકે એ કૃતિને મરતાં બચાવી લીધી. વિસ્મૃતિની ગર્તામાં ડૂબી ગયેલી એ ગઝલ સમીસાંજનું અજવાળું બનીને બત્રીસ કોઠે ઝળહળી ઊઠી. આ આખી ગઝલ મેં એક કાગળ પર લખી લીધી. થોડા દિવસ પછી મુકુલભાઈને મોક્લી આપી અને મુકુલભાઈએ એના સ્વહસ્તે લખીને પાછી લયસ્તરો માટે મોકલી આપી, ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…
Permalink
October 20, 2007 at 12:35 AM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ, હસ્તપ્રત
(કવિશ્રી ઉશનસે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ અક્ષુણ્ણ કૃતિ)
(શિખરિણી સૉનેટ)
તમે તો આખું યે ગગન મુજને દૈ મફતમાં
દીધું’તું ! દાખ્યું’તું પ્રીત પરમનું પોત પરમ;
ઉડાઉ પ્રીતિના ધણી ! પણ મહારાં જ કરમ
ફૂટેલાં ને; એનો કરી શકું પૂરો ભોગ ન; ક્ષમા.
જુઓ ને : એને ના ભજી શકું; ન તો ભોગવી શકું;
પડી ર્.હે છે આખું વગર વપરાશે જ અમથું;
તમે તો પૃથ્વીનું ઘર દીધું મને એમ જ દઈ;
પરંતુ મારાંસ્તો કરમ ફૂટલાં છે પ્રથમથી,
તમે આપેલી તે પૃથવી ય પૂરી ભોગવી નથી;
નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ.
નહીં તો આપ્યાં’તાં અભિમુખ મને, આંખની કને
પહાડો, મેદાનો, ગગન, વગડો અર્ણવ; મને
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.
-ઉશનસ
૨૩-૦૯-૨૦૦૭
22મી સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે શ્રી રમેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઑફ વલસાડના ઉપક્રમે ‘ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીત’ પર એક કાર્યક્રમ યોજ્યો હતો. મારે ‘ઈન્ટરનેટ-ગુજરાતી ભાષાનું નવું સરનામું’વિશે અને જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ‘ વિશે બોલવાનું હતું. સાથે જ મારા કાવ્યપઠનનો કાર્યક્રમ પણ હતો. વલસાડ ઉતરીને હું મારા સંબંધીના ઘરે ગયો અને જ્યારે રમેશભાઈને મને કયા સરનામે લેવા આવવું એ સમજાવ્યું તો આકાશમાં એ દિવસે થઈ રહેલી ભારે ગાજ-વીજ અને મુશળધાર વરસાદને પણ ઝાંખા પાડી દે એવો ચમકારો એમણે કર્યો- ‘એટલે ઉશનસના ઘરની સામે?’ હું ચમક્યો. મેં મારા યજમાનને પૂછ્યું અને પાંચ મિનિટમાં હું ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનો ચરણસ્પર્શ કરી રહ્યો હતો. મારા યજમાને કવિ તરીકે મારી ઓળખાણ કરાવી પણ સિંધુ સામે બિંદુની અનુભૂતિ મને થઈ રહી હતી. એમના જ ટેબલ પર પડેલા ‘કુમાર‘નો એક અંક ખોલીને મેં મારી છપાયેલી ગઝલ એમને બતાવી અને એ ખુશ થઈ ગયા. એમના ચહેરા પરની એ ખુશી જ મારા માટે તો મોંઘેરું ઘરેણું હતું પણ હું રહ્યો લોભી જીવડો. મેં ‘લયસ્તરો’ની વાત માંડી અને એમની અપ્રગટ રચના એમના હસ્તાક્ષરમાં માંગી લીધી. બીજા જ દિવસે એમણે આ સૉનેટ ખાસ ‘લયસ્તરો’ માટે લખીને મારા સંબંધી હસ્તક મોકલાવી પણ આપ્યું… કવિવરનો આભાર માનવા માટે અમને હવે શબ્દો ન જડે તો આપ અમને ક્ષમા કરશો ને?
(દિવ્ય ભાસ્કર…. ….૦૧-૧૦-૨૦૦૭)
Permalink
September 15, 2007 at 1:29 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, હસ્તપ્રત
(ખાસ લયસ્તરો માટે મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લખી આપેલી અપ્રગટ ગઝલ)
હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને ?
હું તારી લટને કિનારે જ આવીને અટક્યો
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને ?
બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને ?
એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને ?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?
-મુકુલ ચોક્સી
આ ગઝલના છેલ્લા બે શે’ર મુક્તક તરીકે ખાસ્સા વખણાયા છે પરંતુ કદાચ એ મુક્તક લખતી વેળાએ કવિએ ભીતર કોઈ ખાલીપો વેઠ્યો હશે તેના ફળસ્વરૂપે આજે એ મુક્તકના પાયા ઉપર વરસો પછી આખી ગઝલની ઈમારત ચણાય ગઈ. ‘લયસ્તરો’ માટે આ અપ્રગટ તાજ્જી ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…
Permalink
September 8, 2007 at 1:06 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર, હસ્તપ્રત
(રઈશ મનીઆરે ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપેલ તરોતાજા ગઝલ)
હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો.
આ ગોળાકાર પૃથ્વીમાં વળી શું પૂર્વ કે પશ્ચિમ
છતાં દશદશ દિશાની અટકળે બસ દોડતો રાખ્યો.
ઉપર આકાશ કાયમ સ્થિર વ્યાપેલું ન દેખાયું
જનમભર આ ભટકતા વાદળે બસ દોડતો રાખ્યો.
મળ્યા જે એક સ્થળ પર લોક, બીજે ચીંધવા લાગ્યા
ને બીજેથી વળી ત્રીજા સ્થળે બસ દોડતો રાખ્યો.
ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.
જીવન જો આ જ પળ હો તો આ પળમાં ખૂબ શાંતિ છે,
સતત ઘૂમરાતી આગામી પળે બસ દોડતો રાખ્યો.
હતી મુજ હાજરી મારી જીવનઘટનામાં આવશ્યક,
મને તેં રસ વગર ઘટનાસ્થળે બસ દોડતો રાખ્યો
સૂકા થડ ગોઠવી સમજી ચિતા હું સૂઈ જાતે પણ
નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો રાખ્યો.
-રઈશ મનીઆર
માણસની જાતને સ્થિરતા નસીબમાં નથી. જીવન અને જીવનની ઘટમાળ એને સતત દોડતો રાખે છે. રઈશભાઈની ગઝલ આ જ વાત લઈને આવી છે પણ જે મજા છે એ એમના અંદાજ-એ-બયાંમાં છે. ખાસ લયસ્તરો માટે જ્યારે આ ગઝલ એમણે પ્રેમપૂર્વક સ્વહસ્તે લખી આપી હતી ત્યારે એ સાવ તાજી અને અપ્રગટ હતી, પણ અહીં એને હું મૂકી શકું તે પહેલાં એ “કવિતા”માં પ્રગટ થઈ ચૂકી છે.
Permalink
September 1, 2007 at 6:17 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર, હસ્તપ્રત
(ગૌરાંગ ઠાકરે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.
એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.
ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?
ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
-ગૌરાંગ ઠાકર
થોડા સમય પહેલાં જ આપણે અહીં ગૌરાંગ ઠાકરના હિસ્સાના સૂરજના અજવાસમાં ન્હાયા હતા. આજે એમણે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ એક અક્ષુણ્ણ રચના માણીએ. ઈશ્વરને વરસાદ રોકવાની વિનંતી હોય કે બાંયથી આંસુ લૂછતી ગરીબીને સાંત્વનનો રૂમાલ આપવાની વાત હોય યા હોય ભીતરની સફર પર ચાલવાના આનંદની વાત, દુષ્યન્તકુમારની યાદ આવી જાય એવી સશક્ત બયાની અહીં જોવા મળે છે એ સૂરતનું સદભાગ્ય ગણી શકાય… આભાર, ગૌરાંગભાઈ!
Permalink
August 25, 2007 at 1:43 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, હસ્તપ્રત
(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.
કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.
જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.
ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !
ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.
-નયન હ. દેસાઈ
નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !
Permalink
August 11, 2007 at 12:18 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત
(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.
ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.
કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.
આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.
થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.
-વિવેક કાણે ‘સહજ’
ગયા અઠવાડિયે એમની કઠપૂતળીની ગઝલ વાંચી. એ જ વિષયને સંલગ્ન આજે આ ગઝલ. ઉંદરડાને પ્રતીક બનાવી કવિ ભલે દિશા, લક્ષ્ય કે ઉદ્દેશ છોડવાની સલાહ આપતા હોય, ગઝલ વાંચતા જ અનુભવાય છે કે કવિ આ ત્રણેય આયામ સફળતાથી પામ્યા છે. વિવેક કાણેને ઈ.સ.૨૦૦૦નો “શયદા” પુરસ્કાર પણ મળ્યો હતો. કવિતા ઉપરાંત પ્રકૃતિનો ખોળો ખૂંદવું એ એમના લોહીમાં વણાયેલું છે. (અમારા બંનેના નામ અને કંઈક અંશે શોખ તો એકસમાન છે જ… વિશેષ આશ્ચર્યમાં એ કે એમની (૧૬-૦૩-૧૯૬૭) અને મારી (૧૬-૦૩-૧૯૭૧) જન્મતારીખ પણ એક જ છે.)
Permalink
August 4, 2007 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત
(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.
હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.
સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.
‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.
-વિવેક કાણે ‘સહજ’
પૂણે ખાતે સુઝલોન એનર્જી લિ.માં AGM તરીકે કાર્યરત્ વિવેક અનિલ કાણે ‘સહજ’ સાથે તમે વાત કરો તો એમનું તખલ્લુસ સાર્થક હોવાની પ્રતીતિ બે જ મિનિટમાં થઈ જાય. સહજતાથી એવી મુલાયમ ઢબે શબ્દો એમની અંદરથી સરે કે લપસ્યા વિના છૂટકો જ ન રહે. ટેલિફોન પર એમની ગઝલો સાંભળવાનો મોકો મળ્યો એ ક્ષણો ચિરસ્મરણીય બની રહેવાની. BE Mech અને MBA (Finance) જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવનાર, પૂણેમાં જ જન્મેલ આ મહારાષ્ટ્રિયન કવિ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવે છે. ગુજરાતી કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર (‘અનુભૂતિ’) કરવા ઉપરાંત મરાઠી સાહિત્યનો ગુજરાતી અનુવાદ કરીને એ બે ભાષાઓ વચ્ચેની સરહદ ઓગાળે છે.
‘લયસ્તરો’ માટે આ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ અમે એમના ઋણી છીએ. આજ ગઝલની વિચારધારા સાથે સંલગ્ન એક બીજી ગઝલ પણ આ સાથે જ મૂકાય એવી એમની ઈચ્છા હતી, પણ મને થયું કે ઈંતેજારની મજા જ કંઈ ઓર છે…બીજી ગઝલ આવતા અઠવાડિયે…
Permalink
July 28, 2007 at 12:51 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર, હસ્તપ્રત
(રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ ગઝલ)
જાણી ગયો છું આજ કશું જાણતો નથી
શું દર્દ ? શું ઈલાજ ? કશું જાણતો નથી.
સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.
વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.
આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.
મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.
મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.
મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.
મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.
-રઈશ મનીઆર
કશું જાણતો નથી કહીને ઘણી બધી વાત અહીં કહેવાઈ રહી છે. ગઝલના મત્લામાં રઈશભાઈનો તબીબી વ્યવસાય કવિતાની કળામાં ઓગળતો દેખાય છે. જ્યારે કોઈ અગમ્ય બિમારી સામે તબીબ પોતાના હાથ હેઠા પડતા અનુભવે છે ત્યારે કોઈ ગેબી તાકાત સામે આ લાચારી જરૂર અનુભવાય છે. આખી ગઝલ અદભુત છે પણ હું રહી-રહીને ગઝલના આખરી શે’ર સામે પાછો ફરું છું. સ્વરાજ તમે કોને કહેશો? લાલા લજપતરાય, ભગતસિંહ અને ગાંધીએ જેના બી વાવ્યા હતા એ સ્વરાજની ભાવના આઝાદીના સાંઠ વર્ષ બાદ જુઓ તો, ક્યાં આવી પહોંચી છે ! દેશની આઝાદીથી લઈને અદના આદમી સુધી સમાન હક જેવા વિશાળ ફલક પર રચાયેલી સ્વરાજની વ્યાખ્યાઓ આજે કેટલી સીમિત બનીને રહી ગઈ છે એ વાત અહીં આબાદ દર્શાવાઈ છે. આજે મનુષ્યની આઝાદીના સીમાડાઓ એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે મનુષ્યને પોતાને પોતાની જાત વિશે પોતાની જાત તરફથી કોઈ ફરિયાદ ન રહે એ પણ ખરું સ્વરાજ ગણાય… કદાચ આપણે ટૂંકા પાયા પર આટલું કરી શકીએ તોય ગાંધી-ઈચ્છ્યું સ્વરાજ પ્રાપ્ત થઈ શકે, ખરું ને? (દરેક જણ પોતાનું આંગણું સાફ કરે તો આખું વિશ્વ સાફ થઈ જાય!)
અને હા ! આ ગઝલ રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે ખાસ લખી આપી છે. કહેવાની જરૂર ખરી કે આ પણ એક સાવ નવી જ, તરોતાજા અને અત્યાર સુધી ક્યાંય પ્રગટ ન થયેલી ગઝલ છે!
Permalink
July 21, 2007 at 1:17 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, હસ્તપ્રત
(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અક્ષુણ્ણ ગઝલ)
પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.
નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.
મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.
ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.
-મુકુલ ચોક્સી.
ગઝલોના લખાવા વિશે મુકુલ ચોક્સી કહે છે, “ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્ત્વની બને છે.” દરેક કવિના જીવનમાં નિષ્ક્રિયતાનો તબક્કો જરૂર આવે છે. આવા જ એક નિષ્ક્રિયતાના દૌરમાંથી પસાર થતી વખતે સમયના ખૂબ લાં…બા પટ ઉપર લખાયેલી ચાર જ શે’રની આ ટૂંકી ગઝલ ઘણું બધું કહી જાય છે. અરે હા! આ ગઝલ મુકુલભાઈએ પોતાના હાથે ખાસ લયસ્તરો માટે લખી મોકલાવી છે અને લયસ્તરો સિવાય ક્યાંય કોઈ પુસ્તકમાં કે સામયિકોમાં આજદિન સુધી આપે આ ગઝલ કદી વાંચી નહીં હોય એની પણ અમારી ગેરંટી…
Permalink
July 14, 2007 at 12:53 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ, હસ્તપ્રત
(કિરણ ચૌહાણના સ્વહસ્તે ‘લયસ્તરો’ માટે લખેલી એક અક્ષુણ્ણ ગઝલ…)
રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.
બધાની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.
મળે, ભેટી પડે, બોલાવે મીઠી ગાળની સાથે,
તમારી જેમ નહિ, પૂરું કરે કોઈ આળની સાથે.
સજા આપી તરસ ને ભૂખથી મરવાની અમને… છટ્,
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.
તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !
– કિરણસિંહ ચૌહાણ
ગયા અઠવાડિયે કિરણ ચૌહાણની એક તાજી અને અપ્રકાશિત ગઝલ એમના સ્વહસ્તે લખેલી માણી. એ જ શૃંખલામાં આગળ વધીએ અને આજે એમની એવી જ બીજી તરોતાજા અને અપ્રગટ ગઝલ, જે એમણે ખાસ ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપી છે એ માણીએ. વિશ્વ જેમ-જેમ નાનું થતું જાય છે એમ-એમ જીવન ઝડપી થતું જાય છે. મનુષ્ય જેટલી વધુ પ્રગતિ કરે છે, સમય એટલો જ ઓછો બચે છે એની પાસે. કવિને તો એવી શંકા પડે છે કે બધા ઘડિયાળ સાથે જ પરણી ગયા છે કે શું? આખી ગઝલ સ્વયંસિદ્ધ છે પણ આખરી શે’ર ખાસ દાદ માંગી લે એવો થયો છે. (કિરણભાઈના તળપદા લહેકામાં આ ગઝલ સાંભળીએ ત્યારે ‘વાહ…વાહ’નો પનો ટૂંકો પડતો લાગે).
Permalink
July 6, 2007 at 12:08 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ, હસ્તપ્રત
‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?
તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.
અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.
સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?
અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’
– કિરણસિંહ ચૌહાણ
કેટલાક માણસો કાંદા જેવા હોય છે. તમે એમને જેટલી વાર મળો, એક નવું જ પડ ઉખડેલું જોવા મળે. તો કેટલાંક માણસો પારદર્શક કાચ સમા, ગમે ત્યારે મળો, આરપાર દેખી શકાય. માણસ તરીકે અને કવિ તરીકે પણ કિરણ ચૌહાણ પારદર્શક કાચ છે. અને એની પ્રતીતિ તમે એને મળો એટલે થોડીવારમાં થાય. પત્ની સ્મિતા, નાનકડા મસ્તીખોર પુત્ર પલ્લવ અને કિરણથી બનતા સુખી ત્રિકોણમાં પગ મૂક્યા પછી સમય કમળપત્ર પરના પાણીની જેમ સરકી જતો લાગે. કિરણભાઈના ઘરે બેસીને એમના સ્વમુખે એમની કવિતાઓના અસ્ખલિત ઝરણાંમાં તરબોળ થવાની મજા જ ઓર છે. લયસ્તરો માટે એકદમ તાજી જ લખાયેલી આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ ખૂબ આભાર, કિરણભાઈ! (ચોમાસું અને પૂરનો ભય સુરતને હજી આ વર્ષે પણ કેવો સતાવે છે એની ખાતરી આ ગઝલમાં અનાયાસ આવી ગયેલા પાણી અને પૂરના બે શે’ર પરથી થાય છે).
Permalink