હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે
-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-
અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર
કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…
તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.
-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:
મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.
અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:
‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)
જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.
પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.
મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.
રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.
(ક્રમશઃ)