ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)
એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.
અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)
કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.
*
શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…
*
હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.
– રઈશ મનીઆર
*
છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.
– બકુલેશ દેસાઈ
*
બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.
– દિલીપ મોદી
*
ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.
– રવીન્દ્ર પારેખ
*
બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.
-હેમાંગ જોષી (ભરૂચ)
*
નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.
-સ્મિતા પારેખ
*
પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.
-પંકજ વખારિયા
(ભાગ-૨ આવતીકાલે)
pragnaju said,
June 18, 2010 @ 6:47 AM
૭૬મા જન્મદિનના અભિનંદન
અને
પ્રભુ પ્રાર્થના કે આપના પર તેની કૃપા વરસતી રહે! .
……………………………………………………
આ અદભૂત તરહી મુશાયરાના ખૂબ અભિનંદન
વિડિયોમા મૂકી શકાય તો વધુ આનંદ
વિવેક said,
June 18, 2010 @ 7:05 AM
…માફ કરજો… વિડિયોગ્રાફી નથી કરી…
hina Maniar said,
June 18, 2010 @ 9:58 AM
Tahnks ! Now we feel we r not going to miss any golden moments even we r any part of the world!!
THis is one of the best birth day gift with loving friends ever !
We all r wishing happy birthday .
mahesh dalal said,
June 18, 2010 @ 11:17 AM
વાહ ભૈ લોક .. સુન્દેર આયોજન .. મજા પડિ. આવવાદો બ્જો ભાગ્.
rajesh gajjar said,
June 18, 2010 @ 1:00 PM
તુમ જિયો હજરો સાલ્…
સાલ કે દિન હો ૫૦ હજાર્…..શુભેચ્ચ્હા
ધવલ said,
June 18, 2010 @ 4:25 PM
બહુ સરસ ! ફોટાને લીધે વધારે મઝા આવી…
Pancham Shukla said,
June 18, 2010 @ 5:15 PM
મઝા આવી વિવેકભાઈ. બધાની રૂ-બ-રૂ થયા હોય એવું લાગ્યું. નવા મિડયાનો આજ રીતે લાભ આપતા રહેજો. ડિજિટલ કેમેરાનું બહોળું ચલણ અને યુટ્યુબ જેવી સગવડોને કારણે વિડિયોગ્રાફી પીરસવી પણ બહુ સુલભ બની ગઈ છે.
હાલમાં અમેરિકાની મુલાકાત લઈ રહેલા કવિશ્રી ચિનુમોદી અને અન્ય અમેરિકી કવિઓની સાથેની પળો ભાઈશ્રી ચિરાગે લીધેલા વિડિયો દ્વારા આપણને માણવા મળી એ આપણું અહોભાગ્ય. આ વિડિયો અહીં ઉપલબ્ધ છેઃ
http://glaofna.wordpress.com/2010/06/09/yaadgaar-sarjako-saathe-saanj/
Ramesh Patel said,
June 19, 2010 @ 1:18 AM
આદરણીય શ્રી ભગવતીકુમાર શર્માજી..બહુમુખી પ્રતિભાને ૭૬મા જન્મદિને આટલો
સરસ શુભેચ્છા સંદેશો આપવા બદલ અભિનંદન.
જન્મદિન મુબારક અને તેમની સાહિત્યિક સુગંધ સદા મહેકતી રહે એવી શુભેચ્છા.
સાહિત્યિક મિત્રોને રૂબરૂ મળ્યા જેટલો બ્લોગ મુલાકાતે આનંદ થયો.
.રમેશ પટેલ(આકાશદીપ)
સિન્ધુના બિન્દુથી….રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
Pinki said,
June 20, 2010 @ 10:51 AM
ભગવતીદાદાને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
Kalpana said,
June 20, 2010 @ 3:01 PM
આભાર વિવેકભાઈ. આ બધા કવિઓ થકી આપણુ હ્રદય ધબકે છે નહીઁ તો ફ્ક્ત ષ્વસતુઁ હોત. સાથે સાથે સૌ કવિઓનો આભાર.
માનનીય ભગવતીકુમાર શર્મા ને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ. પ્રભુ એમને ખુશનુમા ભર્યુ આયુષ્ય આપે એ જ અભ્યર્થના.
કલ્પના લન્ડનથી
PRADIP SHETH BHAVNAGAR said,
June 23, 2010 @ 11:57 PM
દાદાને જન્મદિન નિમીત્તે પાય લાગણ… અને ખૂબ…ખૂબ…શુભેચ્છા…
આટલો સરસ….કાર્યક્રમ યોજવા બદલ તમને સૌ….ને ખોબલે..ખોબલે..અભિનન્દન્……