અનિલ વિશેષ : ૦૩ : ગીત – દરિયાનાં ગીત નથી ગાવાં
દરિયાનાં ગીત નથી ગાવાં,
દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
લયથી હું રેબઝેબ રેલાતી જાઉં મારા ખૂટે દિવસ નહીં રાત
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ અને વીસરાતી ચાલી આ જાત!
હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન, તમે આવો તો કૈંક હવે દીપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનના બોલ, હું તો કેડીનો રઝળુ શણગાર!
સાજનનાં પગલાંની ભાતને હું ઝીલવા સળીઓનાં નીડ નહીં લીંપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.
– અનિલ જોશી
પાંચમા ધોરણના દિવાળી વેકેશનમાં મેં કવિતા લખવાની શરૂઆત કરી હતી એટલે કવિતા એ પહેલેથી જ મને આકર્ષતી હશે એ વાત તો નક્કી જ, પણ અનિલ જોશીની આ રચના મારા માટે એટલા માટે ખાસ છે કે આ ગીતે મને સાચા અર્થમાં કવિતાના પ્રેમમાં પાડ્યો. આ ગીત મને વરસો સુધી કંઠસ્થ રહ્યું. હજી આજેય મુખડું અને પહેલો બંધ હું અડધી રાતેય આંખ મીંચીને લલકારી શકું એટલું આ ગીત મારા દિલની નિકટ છે. આશ્ચર્ય તો એ છે કે લયસ્તરોની વીસ-વીસ વરસની સુદીર્ઘ યાત્રા દરમિયાન આ ગીત પોસ્ટ કરવાનું મને કદી સૂઝ્યું જ નહીં. મુખડામાં દરિયાની સાપેક્ષે આંસુનું ટીપું મૂકીને કવિએ બિંદુને સિંધુ સમકક્ષ પહોંચાડવાનું જે કવિકર્મ કર્યું છે એણે પહેલી જ બોલે બેટ્સમેન ક્લિન બોલ્ડ થઈ જાય એ રીતે પહેલા વાંચનમાં જ મારી વિકેટ પાડી દીધી હતી. દુનિયાની કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રિયજનની આંખમાં આંસુનું ટીપું જોવા તૈયાર ન જ હોય. પ્રિયજનની આંખોમાં આવતું આંસુ દરિયાથીય વિશાળ લાગતું હોવાથી નાયિકા દરિયાનાં ગીત ગાવાં તૈયાર ન થાય એ વિભાવના પૂરી સમજાયા વિના પણ મને સ્પર્શી ગઈ હતી. કામ કરતી વ્યક્તિ પરસેવે રેબઝેબ થાય એ તો સમજાય પણ જેના હાથમાંથી વાસણની જેમ તમામ કામ પડી ગયાં હોય એવી કામધામ અને જાત વિસારે પાડીને બેઠેલ નાયિકા લયથી રેબઝેબ થઈ જાય એ રૂપકના પ્રેમમાંથી હું આજેય મુક્ત થઈ શક્યો નથી… આ ગીત વિશે લખવા બેટઃઓ છું ત્યારે આ ગીતે મારા બાળમાનસ પર પાડેલ પ્રભાવ અને એની આજ દિનપર્યંત જીવંત રહેલ અસર મને સમજાઈ રહી છે… આભાર, અનિલ જોશી! ગીતો સાથે તમે મારું જે સગપણ બાંધી આપ્યું, એ હવે આ જન્મે તો તૂટવાથી રહ્યું…
સુનીલ શાહ said,
March 22, 2025 @ 1:06 PM
વાસણની જેમ પડ્યા.. કયા બાત..
વાહ કવિ..!
Shailesh Gadhavi said,
March 22, 2025 @ 1:06 PM
વંદન

Gopal jayantilal Dhakan said,
March 22, 2025 @ 1:13 PM
અદ્ભુત ગીત શોધી લાવ્યા….આ જ લયસ્તરોની ખાસિયત છે. અનિલ જોષીના બીજા ગીતોની અપેક્ષા છે.
કિશોર બારોટ said,
March 22, 2025 @ 1:26 PM
અતિ ઉમદા ગીત.
Varij Luhar said,
March 22, 2025 @ 1:28 PM
જે ગીતે આપને કવિતાના પ્રેમમાં પાડ્યા એ ગીત ખૂબ સરસ છે.
કવિશ્રીની દિવ્ય ચેતનાને વંદન
DILIPKUMAR CHAVDA said,
March 22, 2025 @ 3:07 PM
વાંચતા વાંચતા પણ પ્રેમની અનુભૂતિ કરાવે એવું ગીત
દમયંતી બારોટ said,
March 22, 2025 @ 3:47 PM
સાચે j પ્રેમ માં પડી જવાય એવી રચના.
Tnx 4 sharing Dr Sab
Harin Vadodaria said,
March 23, 2025 @ 9:08 AM
ઊત્તમ દિવ્ય પ્રણય ગીત!
Ramesh Maru said,
March 24, 2025 @ 4:42 PM
વાહ…
પીયૂષ ભટ્ટ said,
March 25, 2025 @ 12:14 AM
વિભિન્ન પ્રકારના કાવ્ય સ્વરૂપોમાં ગીત એ મારો પ્રથમ પ્રેમ રહ્યો છે. આથી સ્વાભાવિક રીતે જ મને ગીતો આકર્ષે છે. પ્રસ્તુત ગીત અગાઉ કયાંક વાંચેલું અને ગમી ગયેલું પણ એ વિસરાઈ ગયેલા ગીતને ફરી આજે અહીં માણવા મળ્યું એ સદભાગ્ય. સરસ આસ્વાદ સાથે ગીતની મધુરતા વિવેકભાઇ એ ખોલી છે. વાહ, સરસ મજાનું ગીત.
Kishor Ahya said,
March 25, 2025 @ 2:06 PM
દરિયાના ગીત નથી ગાવા

દરિયો તો મારા સાજન ની આંખ જોયું ટીપુ.
વાહ! આવી ઉપમા ભાગ્યેજ સાંભળવા મળે.
આવી એક પ્રેમિકા મારે પણ હોય એવી ઇચ્છા થાય તેવું, પ્રેમિકાના શબ્દોથી સજાવેલું આ ગીત છે પણ શબ્દો કવિના છે વિચાર થાય કે કવિના મનમાં આવા સુંદર શબ્દો આવ્યા તેનો એકજ અર્થ ,આવા જ પ્રેમની તલાશમાં સૌ કોઈ છે અને એ સ્વભાવિક છે
ખૂબ સુંદર, ફરી ફરી ને વાંચવાનું મન થાય તેવી આ અછાંદસ કૃતિ આપવા બદલ અનિલ જોશી અને વિવેકભાઈ નો ખુબ ખુબ આભાર.