ઢળતાં ઢળતાં ઢળી – ચંદ્રકાન્ત શેઠ
ઢળતાં ઢળતાં ઢળી
. આંખ આ કયા ઊંડાણે વળી? –
નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
. મોતીની રઢ ફળી ! –
હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્વાસે,
ગગન આખુંયે રોમ રોમમાં
લખ લખ અકળ ઉજાશે,
. હદ અનહદમાં ગળી! –
– ચંદ્રકાન્ત શેઠ
ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…
આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!


ઉર્વી પંચાલ ઉરુ said,
February 26, 2026 @ 8:15 AM
અદ્ભુત
Varsha l. Prajapati said,
February 26, 2026 @ 12:03 PM
કેટલું સરસ ગીત! ભાવ અને ભાષાનું સહજ સરળ સંયોજન સર્જતું ગીત!💐
Varsha l. Prajapati said,
February 26, 2026 @ 12:04 PM
ખૂબ સરસ રચના
shabnam khoja said,
February 26, 2026 @ 12:59 PM
ખૂબ ગહન રચના અને એટલો જ ઉમદા આસ્વાદ 💐💐
Neha Purohit said,
February 26, 2026 @ 1:30 PM
જવલ્લે જ માણવા મળે એવી કૃતિ..
આભાર લયસ્તરો..
જયેશ ભટ said,
February 26, 2026 @ 1:31 PM
વાહ
જયેશ ભટ્ટ said,
February 26, 2026 @ 1:31 PM
ખૂબ સુંદર રચના
Meena Parekh said,
February 26, 2026 @ 4:15 PM
વાહ સરસ
Kishorchandra Ahya said,
February 26, 2026 @ 7:58 PM
જીવનની એક વિસ્મયતા છે , જેને સમાધિ પ્રાપ્ત થઈ છે તે પૈકી કોઈ કવિ હોય અથવા ક્યારેક અનુભવની ઝલક મળી ગઈ હોય તેવા કવિ જ આવી સુંદર રચના લખી શકે, અને કવિ શ્રી ચંદ્રકાંત શેઠની આ, તેમજ બીજી રચનાઓ વાચતા લાગે છે કે કવિ આધ્યાત્મિક ખોજી છે, તેઓને જીવનમાં જરૂર ક્યારેક અનુભૂતિની ઝલક મળી હશે.
અનુભવની તો શી વાત કરવી..
કવિશ્રી પ્રીતમદાસ કહે છે ને..
“પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને,
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને..”.
મીરાબાઈ કહે છે..
“લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે……. .. પગ ઘુઘરા બાંધ મીરા નાચી રે…”
અહા ..કેવી વાત હશે !જ્યાં રાજકુળની બધી આન બાન શાન છોડી, બધી સાંસારિક મર્યાદા છોડી મીરાબાઈ ભક્તો સાથે નાચવા લાગ્યા ! ….
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ નાની એવી બે ચાર લાઈનોમાં આપણને સમાધિ પ્રાપ્ત પછી થતા અનુભવોની વાત કરે છે.
હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્વાસે,
ગગન આખુંયે રોમ રોમમાં
લખ લખ અકળ ઉજાશે,
હદ અનહદમાં ગળી! –
શ્રી વિવેકભાઈ એ ખૂબ સરસ આસ્વાદ લખ્યો છે.
“સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય.”
વાહ!ગીતનો એક એક શબ્દ તોલી આસ્વાદ આપ્યો છે ,આભાર વિવેકભાઈ.
જીવનની સાચી સિદ્ધિ , જીવનનું એક માત્ર લક્ષ્ય, જીવનની સફળતા માત્ર એક વાક્યમાં કહેવી હોય તો,એ છે…’અનહદમાં વિશ્રામ કરવો.’ આ વિશ્રામ એટલે અસ્તિત્વ સાથે એકરાગતા થઈ જવી. પોતાની જાતને અસ્તિત્વથી જુદી ન માનવી. મીઠું જેમ પાણીમાં ઓગળી જાય છે તેમ પોતે આ અસ્તિત્વમાં ઓગળી જવું, એટલેકે પોતાનું હોવું માત્ર શરીર રૂપે જ હોય, માનસિક અવસ્થા ‘હું પણું ‘ અહંકાર નું ઓગળી જવું. આ છે ગીત ‘ઢળતાં ઢળતાં ઢળી’ માં કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ કહે છે તે સમાધિ અવસ્થા.
કવિ શ્રી – ચંદ્રકાન્ત શેઠ (૧૯૩૮-૨૦૨૪) ની એક કૃતિ ‘ક્યાં છો ચંદ્રકાંત?’ વાંચવા જેવી રચના છે જે ઓગસ્ટ ૨૪ ના બ્લોગ પર છે.
🌹🌹🌹🌹
વિવેક said,
February 27, 2026 @ 11:19 AM
સમય ફાળવીને બ્લૉગ ઉપર પ્રતિભાવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર… સવિસ્તર પ્રતિભાવ બદલ શ્રી કિશોર આહ્યાનો દર વખતની જેમ ખાસ આભાર… કિશોરભાઈ લયસ્તરો સાથે પડછાયો બનીને કદમ કદમ પર સાથ આપે છે એ અમારા માટે આનંદ અને ગર્વની વાત છે… આભાર!
Anonymous said,
February 27, 2026 @ 12:41 PM
વાહ, સુંદર રચના+ આસ્વાદ 👌
Poonam said,
March 30, 2026 @ 4:21 PM
ઢળતાં ઢળતાં ઢળી
આંખ આ કયા ઊંડાણે વળી? –
ચંદ્રકાન્ત શેઠ 👌🏻