આજ – પ્રહલાદ પારેખ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
. આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
. પમરતી પાથરી દે પથારી. આજ 0
આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
. મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
. મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
. ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
. હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
. આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0
-પ્રહલાદ પારેખ
ભાવનગરમાં જન્મેલા પ્રહલાદ જેઠાલાલ પારેખ (જન્મ:૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ:૦૨-૦૧-૧૯૬૨) ટૂંકા જીવનગાળામાં અવિનાશી કવિકર્મ કરી ગયા. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. આજીવન શિક્ષક. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી.
પ્રસ્તુત કાવ્યમાં રાત્રિના સૌંદર્યને એમણે સ્પર્શક્ષમ પરિમાણ આપી અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરે રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે?
(કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)
pragnaju said,
April 19, 2008 @ 11:32 AM
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
સુંદર-કદાચ
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.
કારણ
આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
————————-
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
. હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
. આવિયો તે થઈ સુરભિ-પૂર ?
વાહ્
આનંદો રે આજ આનંદ આનંદ
ઝીણી રે જ્યોતથી ઘોર તિમિરના
તૂટિયા વજજરબંધ
પંચમ શુક્લ said,
April 19, 2008 @ 6:35 PM
સુગંધના કવિનું સુગંધી ગીત. અત્યંત રોચક અને મનભાવન.
bharat said,
April 21, 2008 @ 11:17 PM
It was very difficult for a poet to exist in Gandhi Yug and yet not be affected by his philosophy. Prahlad sang songs of Nature ( esp. Rains), Love. He a romantic and ” saudareyalakshi” poet. Umashankarbhai oshi said “Prahlad AAnkh, Kaan, Naak no kavi che: Very few poets have written so vividly about Darkness.
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો · શબ્દો છે શ્વાસ મારા said,
October 13, 2009 @ 12:48 AM
[…] (રદીફ સૌજન્ય: શ્રી પ્રહલાદ પારેખ) […]
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો ! (વિવેકના શેરોનો આનંદઃ 10) « Girishparikh's Blog said,
October 12, 2011 @ 3:30 PM
[…] પ્રહલાદ પારેખના ગીતની લીંકઃ https://layastaro.com/?p=1132 Like this:LikeBe the first to like this […]