અનિલ વિશેષ : ૦૪ : અછાંદસ – કવિનું અકાળે મૃત્યુ
સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા દીવાનખાનામાં
પિયાનોની કાળી અને ધોળી ચાલનાં પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ એકાએક અટકી પડી.
કાનમાં સન્નાટો ભરાઈ ગયો
અમે બે મિનિટની દાબડીમાં
મૌન ગોઠવીને ઊભા રહ્યાં.
પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.
આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.
– અનિલ જોશી
માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.
મીના છેડા said,
March 23, 2025 @ 12:56 PM
મિત્ર વિવેક,
પ્રથમ તો અનિલ જોશીના આ અછાંદસનો પરિચય કરાવ્યો એ બદલ આભાર! પણ એથી વધુ વાત એ પણ કે જે રીતે રસાસ્વાદ કરાવ્યો છે અને એથી જે અછાંદસનો ઉઘાડ આવ્યો છે એ જોરદાર છે… કવિના શબ્દોનો અર્થ સાકાર કરવાની ક્ષમતા ફલીભૂત થઈ છે! અદ્ભુત!
વ્રજેશ મિસ્ત્રી said,
March 23, 2025 @ 5:21 PM
વાહ સરસ પ્રતીકો ગોઠવ્યા છે! સુંદર રચના
DILIPKUMAR CHAVDA said,
March 23, 2025 @ 7:44 PM
વાહ જોરદાર
આસ્વાદ વાંચતા વધુ મોજ પડી
Jigisha Desai said,
March 24, 2025 @ 7:40 AM
ખૂબસરસ…..
આસ્વાદ વાંચવાની મજા પડી…
Jigisha Desai said,
March 24, 2025 @ 7:40 AM
ખૂબસરસ…..
આસ્વાદ વાંચવાની મજા પડી…
Kishor Ahya said,
March 24, 2025 @ 8:56 PM
કવિ એ સર્જક છે સર્જક ની ખોટ હમેશા રહે છે સ્વ.અનિલ જોશી એ કાવ્ય સ્વરૂપે પાઠવેલ શ્રદ્ધાંજલી આબેહૂબ તેઓને પણ લાગુ પડે છે હા, કબૂતર નથી ને સાડાપાંચ થઈ ગયા છે એ હકીકત સ્વીકારવી જ પડે. ખૂબ મજાના કવિના શબ્દો છે આસ્વાદ પણ સરસ છે.
Kishor Ahya said,
March 24, 2025 @ 11:53 PM
અનિલ જોશીની અછાંદસ કવિતા ‘કવિના અકાળ મૃત્યુ’ “શબ્દ સરોવરના હંસ ! તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.’ અનિલ જોશી જાણે જીવિત વ્યક્તિ સાથે બોલતાં હોય તેવા શબ્દો હદયને સ્પર્શી જાય છે. કવિતા નો આસ્વાદ પણ માણવા જેવો છે.

પીયૂષ ભટ્ટ said,
March 25, 2025 @ 12:24 AM
અદ્ભૂત, કવિના મૃત્યુને સામાજીક શિષ્ટાચાર અને દંભના અલગ અલગ પ્રતીકો પ્રયોજી ધારદાર બનાવ્યું છે. અછાંદસમાં શબ્દોનો વિવેક વિન્યાસ અહીં જે અદ્ભુત રીતે થયો છે અને પૂર્ણ સંયમથી લાઘવયુકત સૌંદર્ય મૃત્યુની ઘેરી કરૂણતા નિપજાવે છે. તે વિવેકભાઇ એ પૂર્ણ વિવેકથી ઉઘાડ્યું છે.
પીયૂષ પ્રણામ.