એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
હરદ્વાર ગોસ્વામી

અનિલ વિશેષ : ૦૯ : શબ્દાંજલિ – વિવેક મનહર ટેલર

પુણ્ય સ્મરણ:
મનહરની વાંહોવાંહ મનોજ ગયો પછી મનોજની વાંહે રમેશ,
ઊભી બજાર સાવ ખાલીખમ લાગે નથી સરનામું ટકતું હંમેશ.
– અનિલ જોશી

*

નિતનવા વમળોથી રાખતો’તો નીતરું જે, ચાલ્યો ગયો એ અનિલ,
મોઢું વકાસી બેઠું સરવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ?

પેલ્લા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો?
પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો;
તુલસીનું પાંદડું બિયરમાં નાંખ્યું ત્યાં હોવું જેમ બન્યું મદીલ,
એમ પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે એ ઘટના જટિલ.

દરિયાનાં ગીત નથી ગાવાં કહીને ગાયાં દરિયાનાં હજ્જારો ગીત,
ખાલી શકુંતલાની આંગળી છો હોય, રાહ જોવું ન મૂકે એ પ્રીત;
સૂકી જુદાઈની ડાળ તણાં ફૂલ શોધી રહ્યાં છે કાબો વકીલ,
ડાળખીમાં પાંદડા જ હોય ના તો પાનખરેય પડતી મેલે સૌ દલીલ…

– વિવેક મનહર ટેલર
(૨૧-૨૬/૦૩/૨૦૨૫)

કવિશ્રી અનિલ જોશીને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે આ આખરી પુષ્પ મારા તરફથી… ઉપર પોસ્ટ કરેલ કવિના એક ગીતમાંથી પ્રેરણા લઈ લખેલ ગીત વડે કવિને શ્રદ્ધાંજલિ આપી અનિલ વિશેષ અહીં અટકાવીએ છીએ, કવિની એક એકથી ચડિયાતી રચનાઓ સાથે ભવિષ્યમાં પણ મળતા રહેવાના વચન સાથે…

7 Comments »

  1. Vrajesh said,

    March 28, 2025 @ 11:34 AM

    સુંદર સમાપન… સરસ ઉપક્રમ રહ્યો.. ગીત સરસ

  2. મહેક ગાંધી said,

    March 28, 2025 @ 11:39 AM

    સુંદર રચના 💖

  3. Varij Luhar said,

    March 28, 2025 @ 11:57 AM

    કવિશ્રી અનિલ જોશીને એક ઉત્તમ ગીત દ્વારા અર્પણ થયેલ શબ્દ સુમન

  4. દાન વાઘેલા said,

    March 28, 2025 @ 6:04 PM

    અનિલના ઉત્તમ ગીતો અને ભાવોર્મિની ઝલક સરસ રીતે સ્મરણવત કરાવી.

  5. Kishor Ahya said,

    March 28, 2025 @ 9:16 PM

    ‘અનિલ વિશેષ’ આપી વિવેકભાઈ એ અનિલ જોશી ને આપેલ શ્રધાંજલિ નો ભાવક મિત્રો એ પણ ખૂબ પ્રતિસાદ આપ્યો છે. આભાર વિવેકભાઈ. કલાકાર અને કવિઓ એની કૃતિ દ્વારા હમેશા અમર રહે છે.🙏

  6. કમલેશ જેઠવા said,

    March 29, 2025 @ 9:18 AM

    સુંદર રચના.

  7. Daxa sanghavi said,

    March 31, 2025 @ 9:08 AM

    કવિના ઉત્તમ ગીતો. કવિના ગીતોને વણી લઈ સુંદર ગીતાંજલિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment