મુરલિયાં બાજે રે! – લાભશંકર ઠાકર
તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં બેઠા મારા કાન
મુરલિયાં બાજે રે!
કાન મહીં અંધારું ચમકે લીલું રે
એ લીલાશે ઊઘડે તૂરાં ગાન
મુરલિયાં બાજે રે!
તૂરાં ગાને ઊભા પગના ઓળા રે
ઝીણું ઝીણું હલતાં આઘે રાન
મુરલિયાં બાજે રે!
રાન મહીં ટીંગાતું ક્ષણનું ટીપું રે
ટટળે નીચે પલ પલ મારા પ્રાણ
મુરલિયાં બાજે રે!
તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં શોધું મારું ભાન
મુરલિયાં બાજે રે!
– લાભશંકર ઠાકર
થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું,
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)
પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…


Varij Luhar said,
February 28, 2026 @ 10:20 AM
મુરલિયા બાજે રે! વાહ ખૂબ સરસ
Pushkarray Joshi said,
February 28, 2026 @ 10:59 AM
ખૂબ સરસ.
Rama Marolia said,
February 28, 2026 @ 12:16 PM
બહુજ સુંદર રચના! જીવન નો મર્મ ભુલી બેઠેલ જીવ આત્મ તત્વ થી વિખુટો પડી ક્ષણભંગુર
વિષય માં ભાન ભુલ્યા છે
Anonymous said,
February 28, 2026 @ 3:12 PM
સરસ ગીત
Shailesh Gadhavi said,
February 28, 2026 @ 3:14 PM
સરસ ગીત
dharmendra trivedi said,
February 28, 2026 @ 4:18 PM
વાહ વાહ જોરદાર 💞
Kishorchandra Ahya said,
February 28, 2026 @ 6:20 PM
“તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં બેઠા મારા કાન
મુરલિયાં બાજે રે!” શું સરસ કલ્પનો છે! ઝાકળના ટીપામાં મોટો કમરો ! એ કમરામાં બેસી કાનુડો વાંસળી વગાડી રહ્યો છે! કમરામાં અંધારું ચમકે છે ને હળવે હળવે પગના પડછાયા હલી રહ્યા છે…વાહ! વાહ!
“રાન મહીં ટીંગાતું ક્ષણનું ટીપું રે
ટટળે નીચે પલ પલ મારા પ્રાણ
મુરલિયાં બાજે રે!”
કવિ કહે છે નીચે ઊભા ઊભા મારા પ્રાણ કાપી રહ્યા છે.ઝાકળ બિંદુ હમણાં ટપકી પડશે ને બધું ક્ષણમાં ધૂળ ધાણી થઈ જશે!
કવિ અહીં મનુષ્યના જીવન પર માર્મિક ટકોર કરે છે જીવન પણ ઝાકળ બિંદુ જેવું જ છે ઘડીકમાં હતું ન હતું થતા વાર નથી લાગતી જેથી જીવન ખુબ સજાગતાથી જીવવા કવિ કાવ્ય દ્વારા સંદેશ આપે છે.
“તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં શોધું મારું ભાન
મુરલિયાં બાજે રે”
ખુબજ સરસ કાવ્ય . શ્રી વિવેકભાઈ એ આપેલ આસ્વાદ અને કાવ્યની પસંદગી ખૂબ ગમ્યા. ધન્યવાદ.
કવિ શ્રી લાભ શંકર ઠાકોરનું ગીત મુરલિયાં બાજે રે! વાચતા ટહુકો.કોમ પર મુકાયેલ કવિયત્રી સુ.શ્રી પન્ના નાયકનું ‘ઝાકળ બિંદુ’ પર રચેલ અછાંદસ યાદ આવ્યું…
August 21, 2010
“ગુલાબની નાજુક પાંદડી પરચૂપચાપ ઝગારાં મારતું.ઝાકળબિંદુ
કશાય કસબ વિના સૂર્યે સેરવેલું ક્ષણનું કાવ્ય…”
– પન્ના નાયક
🌹🌹🌹🌹
વિવેક said,
March 1, 2026 @ 1:05 PM
સરસ મજાના પ્રતિભાવોના પુષ્પોથી આપણી કાવ્યસમૃદ્ધિને બિરદાવવા સહુનો હૃદયપૂર્વક આભાર…
Aasifkhan Pathan said,
March 3, 2026 @ 1:55 PM
વાહ ખૂબ સરસ