મારે તને કહેવું જ રહ્યું – ડોરોથિયા ગ્રોસમેન (અનુ.: વિવેક મનહર ટેલર)
મારે તને કહેવું જ રહ્યું,
કે એવી પળો આવે છે
જ્યારે સૂર્ય મારા પર
ઝાલરની જેમ આઘાત કરે છે,
અને મને બધું જ યાદ આવી જાય છે,
તારા કાન પણ.
– ડોરોથિયા ગ્રોસમેન
(અનુ.: વિવેક મનહર ટેલર)
એક શબ્દથી કામ પતી જતું હોય તો બે શબ્દ ન વાપરે એનું નામ કવિતા. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે કવિતા એટલે ગાગરમાં સાગર. પ્રસ્તુત કવિતામાં સર્જકે જે કહેવું છે એ એક જ વાક્યમાં કહી દીધું છે. ‘મારે તને કહેવું જ રહ્યું’ એમ જ્યારે કથક કહે છે ત્યારે કહ્યા વિના ચાલશે જ નહીં એવો જે આંતરિક પ્રવેગ (ઇનર ફૉર્સ) આપણને અનુભવાય છે, એની ખીંટી ઉપર જ આખી રચના ઊભી રહી છે. નાયિકાને શું કહેવાની ફરજ પડી છે? તો કે એવી ‘પળો’ જેમાં સૂર્ય પોતે ઝાલર ન હોય એ રીતે પોતાના પર અથડાતો પ્રતીત થાય છે. થોભો. આ કોઈ એક પળ કે પ્રસંગની વાત નથી. આ વાત છે ‘એવી પળો’ની. મતલબ, નાયિકા સાથે આવું અવારનવાર બને છે. મંદિરમાં ઝાલરટાણે મોગરી (હથોડી) ઝાલર પર આઘાત કરે અને ઝાલર રણકી ઊઠે અને વાતાવરણમાં એ રણકાર ક્યાંય સુધી તરંગાતો રહે એ ઘટનાથી આપનામાંથી મોટાભાગના અવગત હશે જ. અહીં કાવ્યનાયિકા ઝાલર છે અને સૂર્ય મોગરી છે. સૂર્ય એટલે અજવાસનું મૂળ. અજવાસની ચરમસીમા. અસ્તિત્ત્વનું અજવાળું અસ્તિત્ત્વ સાથે રણકાય છે, દૃશ્ય પહેલાં સ્પર્શમાં અને પછી શ્રુતિમાં પરિણમે છે. ઇન્દ્રિયવ્યુત્યયના કારણે આખરે એ રણઝણાટ આપણા હોવાનો હિસ્સો બની જાય છે. સમાધિમાં બેઠેલ કોઈ તપસ્વીને અચાનક પરમ સત્યનું તેજ લાધે એ રીતે સ્મરણનો સૂર્ય ઝળહળી ઊઠ્યો છે. કાવ્યારંભે આપણને એમ લાગે કે નાયિકાની સામે કે સમીપે બેઠેલ વ્યક્તિને કશુંક કહેવા જઈ રહી છે. પણ કવિનો કેમેરા યાદ પર ફોકસ થાય છે ત્યારે ખ્યાલ આવે કે બે જણ એકબીજાથી અલગ થઈ ગયા છે અથવા ખૂબ દૂર છે. બધું જ યાદ આવી જાય છે કહીને ‘તારા કાન પણ’નું ઉમેરણ કરી કવયિત્રી અટકે છે. સામાન્યરીતે આપણે કોઈકને યાદ કરીએ ત્યારે મોટી કે અગત્યની વાતો જ યાદ આવે, પણ અહીં કવયિત્રીએ સહેતુક ‘કાન’ને ખપમાં લીધા છે. ઝાલરના વાગવા સાથે તો એનો સીધો સંબંધ છે જ, સાથોસાથ નાયિકાના ‘બધું જ’ની યાદી સાચેસાચ સુવાંગસંપૂર્ણ હોવાની પ્રતીતિ પ્રણયકેલિમાં સામાન્યરીતે ઉપેક્ષિત રહેતા અવયવના એકમેવ ઉલ્લેખથી થાય છે… પ્રણયના સાક્ષાત્કારનું નાનકડું ઝેન કાવ્ય જાણે!


viral vyas said,
May 31, 2026 @ 9:13 AM
Dorothea’s poem well explained, sir
વિવેક said,
May 31, 2026 @ 10:55 AM
I have to tell you
I have to tell you,
there are times when
the sun strikes me
like a gong,
and I remember everything,
even your ears.
– Dorothea Grossman
Vrajesh Mistri said,
May 31, 2026 @ 11:27 AM
વાહ.. ઝાલર… સરસ પ્રતીક
Nirja parekh said,
May 31, 2026 @ 12:08 PM
ખરેખર ગાગરમાં સાગર
Amin Kanchan said,
May 31, 2026 @ 1:15 PM
બિંદુમાં સિંધુ
Kishor Ahya said,
May 31, 2026 @ 7:43 PM
ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં સૂર્યની ગરમીનું એક અનેરું મહત્વ હોય છે લોકો સૂરજ નીકળતાં જ સૂર્યસ્નાન લેવા ઘરની બહાર બેસી જાય છે આવીજ એક સવારે નાયકા સૂર્ય કિરણો માણતી હશે ત્યારે નાઈકાને જે અનુભવ થયો તે ટચૂકડા કાવ્ય દ્વારા કવિયત્રીએ વ્યક્ત કર્યો છે.
” એવી પળો આવે છે
જ્યારે સૂર્ય મારા પર
ઝાલરની જેમ આઘાત કરે છે,
અને મને બધું જ યાદ આવી જાય છે,
તારા કાન પણ.”
જ્યાંરે સૂર્યના રેશમી કિરણો નાઇકાને સ્પર્શે છે, ત્યારે ઝાલર વાગતી હોય એમ નાઇકાનું શરીર રોમાંચ અનુભવે છે ને આ રોમાંચની સાથે એને જિંદગીની નિજી પળોમાં માણેલો રોમાંચ યાદ આવી જાય છે, “બધું જ યાદ આવી જાય છે!” “ને યાદ આવે છે નાયકના કાન પણ!”
અહીં કવિયત્રી અટકે છે, અને અર્થ ભાવક પર છોડે છે. મને લાગે છે એ હશે નાઇકાના અંગત પળોની કોઈ વાત ! જે પળોમાં નાઇકાએ નાયકનો કાન જોરદાર પીસી દીધો હશે! “ને યાદ આવે છે નાયકના કાન પણ!”
જીવનમાં અંગત પળોની વાત કવિયત્રીએ કેટલી ટૂંકી સરળ ભાષામાં વ્યક્ત કરી છે! મારે તને કહેવું જ રહ્યું – ડોરોથિયા ગ્રોસમેનની વિશ્વ સ્તરે ખૂબ પ્રસંશા પામેલી રચના છે.
શ્રી વિવેકભાઇએ હંમેશની જેમ સરસ આસ્વાદ આપ્યો છે, સરસ કાવ્ય લાવ્યા છે ને અનુવાદ પણ સરસ આપ્યો છે.
🌹🌹🌹🌹
વિવેક said,
June 3, 2026 @ 10:39 AM
તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભારી છું
Harshad Dave said,
June 3, 2026 @ 12:57 PM
Sun strikes me like a gong… અહીં ઝાલર એ સૂર્યનું પ્રતીક છે. મંદિરમાં ઝાલર ટાણું એ સંધ્યા સમયના પર્યાય તરીકે પ્રયોજાય છે. ક્ષિતિજે ડૂબતો સાંજનો સૂર્ય નાયિકા પર ઝાલરની માફક પ્રહાર કરે છે જે રણઝણાટ આધ્યાત્મિક અનૂભતિ કરાવતો હોવા છતાં અત્યારે તે અનેક સ્મૃતિઓને ધણધણાવે છે. પ્રણયના કલરવ સામે ઝાલરનું રણઝણવું કોલાહલ બની જાય છે. પણ નાયિકાને એ કાન યાદ આવે છે જેણે પોતાની સાથે જ ઝાલરનો આધ્યાત્મિક સ્વર ઉદ્ભવતો અને વિલીન થતો ઝીલ્યો હોય. અનેક ગોષ્ઠિઓ ઉપરાંતની આ જે ક્ષણો છે -સાંજનું દૃશ્ય અને ઝાલરનો ધ્વનિ નાયિકાને આઘાત આપે છે. જે ઈન્દ્રિય વ્યત્યય સંવેદનો સાથે અનુભવ્યા છે એટલે બધાં સાથે ‘તારા કાન પણ..’ યાદ આવે છે. જે સ્વર તારા કર્ણપટલ પર મધુર આધ્યાત્મિક સ્મૃતિરૂપે સચવાયેલો હશે તે મારા માટે પ્રહાર બનીને ઝીંકાય છે.
દરેક ભાવક પોતાની રીતે કવિતા માણતો હોય છે. મેં મારી ભાવકતા પ્રમાણે માણીને આનંદ મેળવ્યો છે. સરસ કવિતા, અનુવાદ અને આસ્વાદ માટે અભિનંદન.
Harshad Dave said,
June 3, 2026 @ 2:08 PM
Sun strikes me like a gong… અહીં ઝાલર એ સૂર્યનું પ્રતીક છે. મંદિરમાં ઝાલર ટાણું એ સંધ્યા સમયના પર્યાય તરીકે પ્રયોજાય છે. ક્ષિતિજે ડૂબતો સાંજનો સૂર્ય નાયિકા પર ઝાલરની માફક પ્રહાર કરે છે જે રણઝણાટ આધ્યાત્મિક અનૂભતિ કરાવતો હોવા છતાં અત્યારે તે અનેક સ્મૃતિઓને ધણધણાવે છે. પ્રણયના કલરવ સામે ઝાલરનું રણઝણવું કોલાહલ બની જાય છે. પણ નાયિકાને એ કાન યાદ આવે છે જેણે પોતાની સાથે જ ઝાલરનો આધ્યાત્મિક સ્વર ઉદ્ભવતો અને વિલીન થતો ઝીલ્યો હોય. અનેક ગોષ્ઠિઓ ઉપરાંતની આ જે ક્ષણો છે -સાંજનું દૃશ્ય અને ઝાલરનો ધ્વનિ નાયિકાને આઘાત આપે છે. જે ઈન્દ્રિય સંવેદનો સાથે અનુભવ્યા છે એટલે બધાં સાથે ‘તારા કાન પણ..’ યાદ આવે છે. જે સ્વર તારા કર્ણપટલ પર મધુર આધ્યાત્મિક સ્મૃતિરૂપે સચવાયેલો હશે તે મારા માટે પ્રહાર બનીને ઝીંકાય છે.
સરસ કવિતા, અનુવાદ અને આસ્વાદ માટે અભિનંદન.
વિવેક said,
June 3, 2026 @ 5:51 PM
@ હર્ષદ દવે:
સરસ મજાના પ્રતિભાવ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું