આ શેર કંઈ અગમ્ય અને ઓછો રહે તો બસ,
બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.
હેમેન શાહ

મિસ જૂલિયટીનું પ્રણયગીત – રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.

– રાવજી પટેલ

આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.

‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.

3 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    January 20, 2024 @ 12:15 PM

    ક્યા બાત….

    આસ્વાદને લીધે ઘણી મજા આવી…
    ખૂબ ખૂબ સુંદર ગીત

  2. ASHVIN SOLANKI said,

    January 20, 2024 @ 1:01 PM

    મોજ પડી ગઇ

  3. કિશોર બારોટ said,

    January 20, 2024 @ 1:47 PM

    શ્રીજીએ પાની પંપાળી એ પણ પાંપણથી!
    વાહ રાવજી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment