ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ઉદયન ઠક્કર
ઉદયન ઠક્કર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 6, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય
દોસ્ત, પત્રનો લય પકડીને, ગાઈ કરીને, અને બને તો તબલાં લઈને વાંચ.
લયનાં અમને સવાસાત જનમોનાં જૂનાં જૂનાં વળગણ, લયમાં નાવું, લયનાં દાતણ, લયને લઈને રોજ દિશાએ જાવું. લયથી અમને પ્રેમ સ્ફુરે, ને વીર્ય સ્રવે તે લયમાં લયમાં, લયભાષામાં વિચાર આવે, લયને લઈને કૈંક અગોચર, કૈંક મજાનાં સરોવરોમાં અમે ડુબાડી ચાંચ.
લયનું પાછું અલકમલક છોડીઓ જેવું—કામ્યગાત્ર પંક્તિને ચૂમી લઈ ગાઢો આશ્લેષ ભરીને, લઈ ગાઢો આશ્લેષ ભરીને ચૂરેચૂરા કરી નાખીએ એવું, લય પણ કૂદી ઊછળી આવે, લય આવે ને ના પણ આવે એવું : અલકમલક છોડીઓ જેવું. અક્ષરમેળ વૃત્ત બહુ prudish. માત્રામેળની સાથે flirting
કરતાં કામાતુર કવિને ખાસ ન આવે આંચ.
અમે ડુબાડી ચાંચ,
બને તો તબલાં લઈને વાંચ.
– ઉદયન ઠક્કર
લગભગ ૧૯૭૮ની સાલમાં કવિએ જાણીતા અભિનેતા દર્શન જરીવાલાને ઇન્લેન્ડ લેટરમાં એક પત્ર લખ્યો હતો તે આ. માત્રામેળ અને અક્ષરમેળ છંદોનું બાવીસ વરસના યુવાનને એ સમયે આકર્ષણ પણ ખૂબ હતું અને કૌતુક પણ. અને એ વય વળી અંગાંગમાં પૌરુષી અંતઃસ્ત્રાવોના ઘોડા હણહણવાનો, એટલે એ બંનેની અસર આ રચનામાં નજરે ચડે છે.
‘ગીતગુંફન’ પુસ્તક તૈયાર કરતો હતો, ત્યારે એક નામાંકિત ગીતવિશ્લેષક અને ગીતકારના અર્વાચીન ગુજરાતી ગીત વિશેના પોણીબસો પાનાંના પુસ્તકમાં આ રચનાનો આધુનિક ગીત તરીકે આસ્વાદમૂલક પરિચય કરાવાયેલ જોયો. એમણે લખ્યું છે કે ‘આખીય રચના પ્રથમ દૃષ્ટિએ ગીત ન પણ લાગે, છતાં એમાં ગીતાભાસ જણાય છે…. …આખુંય રચનાતંત્ર આમ તો પત્રશૈલીનું હોવા છતાં એના લક્ષ્યાર્થ ગીતના શિલ્પ સ્થાપત્યને બરાબર માફક આવે છે એમ હું માનું છું.’ આ રચનાને ગીતના શિલ્પસ્થાપત્યને માફક આવતી રચના કહી શકાય કે કેમ એ બાબતે મેં કેટલાક સંનિષ્ઠ ગીતકવિઓ સાથે વિમર્શ કર્યો. કોઈને આ રચનામાં ગીત ન દેખાયું. મૂળ સર્જક ઉદયનભાઈએ પણ આ રચના ગીત હોવા વિશે સાશ્ચર્ય ઇનકાર કર્યો. મારા મતે આ રચનાને કટાવ છંદમાં રચાયેલ ગીતનુમા ઊર્મિકાવ્ય જ કહી શકાય.
હશે, આપણને તે મમમમ સાથે કામ કે ટપટપ સાથે? કવિએ એક પત્ર લખ્યો છે, અને ડોક્ટર દવાના પિસ્ક્રીપ્શન સાથે દવા કઈ રીતે લેવી એ સૂચના આપે એમ એમણે સૂચના પણ આપી છે કે આ પત્ર એમનેમ વાંચવાનો નથી, એનો લય પકડીને ગાઈને વાંચવાનો છે અને શક્ય બને તો તબલાં લઈને વાંચવાનો છે. મતલબ, આપણે લય અને સંગીત –ઉભયની મદદ લઈને આ પત્રમાં આગળ ગતિ કરવાની છે. મૂળમાં આ પત્ર એક સમર્થ સર્જકે ગીતકવિઓના વધી ગયેલ ઉપદ્રવ સામે લાલ બત્તી દેખાડવા લખ્યો જણાય છે. લય અને સંગીત જ કેવળ ગીતના પ્રાણ નથી, પણ આપણે તો લયનાં સવાસાત જન્મોનાં જૂનાં જૂનાં વળગણ ન હોય એમ લયમાં જ નહાઈએ છીએ, લયમાં જ દાંતણ પણ કરીએ છીએ અને લયમાં જ ટોઇલેટ પણ જઈએ છીએ. આપણી આખેઆખી રોજનીશી લયગ્રસિત છે એમ કહી કવિ કટાક્ષ તો કરે જ છે, પણ સાથોસાથ અગોચર મજાનાં સરોવરો સુધીનો સફળ ફેરો પણ કરાવે છે. લયને કવિ અલકમલક છોડીઓ સાથે પણ સરખાવે છે. છોકરીઓના સ્વભાવનું વર્ણન તો કરે જ છે, પણ પુનરોક્તિનો સહારો લઈને પોતે જે કહેવું છે એને અધોરેખિત કરીને દૃઢીભૂત પણ કરે છે. વાત અલકમલક છોડીઓની છે, પણ ગાઢ આશ્લેષમાં લઈ ચૂરેચૂરો કરવાની વાતમાં ધૃતરાષ્ટ્ર અને ભીમનો સંદર્ભ પણ નિહિત છે. કામ્યગાત્ર પંક્તિ અને કામાતુરતાની વાત કરતા બાવીસ વર્ષના છોકરડાના મનમાં એ સમયે મહાભારતનોએ સંદર્ભ ન પણ હોય, પણ કવિતાની ખરી મજા જ એ છે કે કવિએ એને કાગળ પર છૂટ્ટી મૂકી નથી કે એ સ્વૈરવિહારે નીકળી નથી પડી. વધુ પડતી જોરજબરી કરવા જાવ તો લય ભાંગીય જાય, ખરું ને? ગીતને માફક ન આવતા અક્ષરમેળ વૃત્તને પ્રુડિશ અને માફક આવતા માત્રામેળ સાથે ફ્લર્ટિંગ કહીને કવિ એક તરફ ગીતની લાક્ષનિકતા તો સૂચવે જ છે, પણ સાથે જ કામ્યગાત્ર જેવી સુશ્લિષ્ટ ભાષા સાથે અંગ્રેજીની ભેળસેળ કરતા ‘કામાતુર’ ગીતપ્રેમી કવિને ‘ખાસ ન આવે આંચ’ કહીને ભાષાની ભેળના ભયસ્થાન પણ નિર્દેશે છે.
Permalink
July 27, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’
મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…
– ઉદયન ઠક્કર
ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?
ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.
Permalink
May 31, 2024 at 11:52 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત, લોકગીત
દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
– લોકગીત
કવિશ્રી ઉદયન ઠક્કરની માતબર કલમે આજે આ ગીત માણીએ-
કચ્છનો વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય,અને તાળવેથી વાણી.આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે: મને વાગડમાં કેમ પરણાવી?
સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે.(બેડું માથા પર જેને ટેકે મુકાય તે ‘ઈંઢોણી.’ કૂવામાં સીંચવાનું દોરડું તે ‘સીંચણિયું.’ પથારીનો પગ તરફનો ભાગ તે ‘પાંગત.’) ઓશિકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું= પગથી માથા સુધી કામ જ કામ. સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાંક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય. વાગડ સૂકોભઠ વિસ્તાર હતો- જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો. દીકરી સંદેશો મોકલે છે- હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે- થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ.
અહીં કેટલાંક પદ હેતુપૂર્વક બેવડાવાયાં છે. ‘દાદા હો દીકરી, દાદા હો દીકરી’ (દાદા હોંકારા પર હોંકારા દે.) ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ (વારે વારે ઘુમરડી લેતી સાહેલીઓ.) ‘દીએ દળાવે મુને, દીએ દળાવે મુને’ (એટલું બધું દળાવે કે એક વાર કહેવાથી ન સમજાય.) ‘ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ’ (કામ બે વાર ન ચીંધે તો સાસુ શાની?) ‘ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ’ (કૂવાકાંઠે નિસાસા પર નિસાસા.) ‘ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા’ (કાકલૂદી.) ‘કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી’ (દાદાને પડતા ધ્રાસ્કા.)
ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કોન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’- અંધારી રાતો હવે પૂરી થઈ, એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.
(આસ્વાદ: ઉદયન ઠક્કર)
Permalink
March 24, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
હવે હઠ છોડી ઊતરોને હેઠા,
કે ચોરટાઓ ‘ખૂલ જા સમ સમ’
કહી સરસરાટ ચિત્તડામાં પેઠા
…મહિલા–વિભાગનું પાનું ખોલીને, તમે છાપું વાંચો છો બેઠા બેઠા?
તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય
એમાં શણગારો સોળ ઉમેરાય
પછી બત્રીસ લખણાઓ જો આવે
તો ખોટું શું? સરવાળો સાચો કહેવાય
અલ્લડપણાની આજુબાજુમાં બેસીને, તોતડાઓ કવ્વાલી ગાતા,
લહેરખીને રાતી ને પીળી કરી જાતા,
તરસ મારી બાઘી
તે શિયાવિયા થઈને બેઠી છે જરી આઘી
નથી એટલુંયે એને સમજાતું કે છાંટવાનાં પાણી નથી રે પિવાતાં
આજ એવાં કૌતુક અમે દીઠાં
ચાખીને જોયા, તો મોટા મોટા શેઠિયાઓ
માણસ જેવા જ લાગે મીઠા
એક તો પતંગિયાંઓ પાક્કાં પિયક્કડ, ને પાંખડીએ પાંખડીએ પીઠાં
– ઉદયન ઠક્કર
લયસ્તરોના તમામ ચાહક કવિમિત્રો અને ભાવકમિત્રોને હોળી પર્વની શુભેચ્છાઓ..
પરંપરિત ગીત સ્વરૂપથી સહેજ અલગ ચીલો ચાતરતું મજાનું હોળી ગીત આજે માણીએ. મુખડા અને પૂરકપંક્તિ વિનાનું ગીત ચાર બંધથી બન્યું છે. ત્રીજો બંધ પાંચ પંક્તિનો છે અને પહેલા અને છેલ્લા બંધ સિવાય કવિએ ચુસ્ત પણ ઉન્મુક્ત પ્રાસનિયોજના સ્વીકારી છે. પ્રચલિત ગીતની ભાષા કરતાં ભાષાની રુએ પણ આ રચના ઉફરી તરી આવે છે. અને ગીતની છેલ્લી પંક્તિ તો સ્વયં એક કવિતા છે..
Permalink
December 27, 2023 at 5:13 PM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગાલિબ, મિર્ઝા ગાલિબ, શેર
આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. તેની ઉજવણીરૂપે આ તેમના શેર:
ઇશ્રતે-કત્ર: હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના
(ઇશ્રત-આનંદ, કત્ર:- ટીપું,દરિયા- નદી)
જળબિંદુ એકલું ન રહી શકે, (કોહેઝનના ગુણને લીધે) બીજા બિંદુઓ સાથે મળતું મળતું ઝરણું રચે, જે નદીમાં જઈને મળે.જળબિંદુને નાના હોવાનું મોટું દુ:ખ હોય.જ્યારે તે હદની બહાર જઈને બેહદને મળે,સીમ વળોટીને નિ:સીમને મળે,ત્યારે તેને આનંદની પ્રાપ્તિ થાય.આમ જળબિંદુનો અજંપો જ તેનું ઓસડ બની જાય.અહીં જળબિંદુ જીવાત્માનું રૂપક છે.
તુઝસે કિસ્મત મેં મેરી સૂરતે કુફ્લે-અબ્જદ
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના
(કુફ્લ-તાળું, અબ્જદ-વર્ણમાળા)
એવાં તાળાં તમે જોયાં હશે,જે વર્ણમાળાના અક્ષરો (કે આંકડા) સીધી રેખામાં ગોઠવાતાંવેંત ખુલી જાય.ગાલિબ પ્રેયસીને કહે છે કે મારી કિસ્મત એવી જ છે: બધી વાતે મેળ પડ્યો કે તરત આપણે છૂટા પડી ગયાં! ‘થા લિખા’- ‘વર્ણમાળામાં લખેલું’ અને ‘કિસ્મતમાં લખેલું’ એમ બન્ને અર્થ ગાલિબે જાળવ્યા છે.તાળી માટે લખાયેલા શેર તો ઘણા સાંભળ્યા છે, પણ તાળા માટે લખાયેલો શેર આ પહેલો જ!
શૌક હર રંગ, રકીબે-સરોસામાં નિકલા
કૈસ તસવીર કે પર્દેમેં ભી ઉરિયાં નિકલા
(શૌક-તીવ્ર અભિલાષા, રકીબે-સરોસામાં- સરસામાનનો વિરોધી, કૈસ-મજનૂ, ઉરિયાં-નગ્ન)
મજનૂએ પ્રેમના પાગલપણામાં પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં, એટલે ચિત્રના પડદા પર મજનૂ નગ્ન દર્શાવાય એ સ્વાભાવિક છે. ‘પડદામાં રહેવું’ એટલે ઢંકાયેલા રહેવું. વક્રતા જુઓ- પડદા પર હોવા છતાં મજનૂ પડદા વિનાનો છે! આ પુરવાર કરે છે કે પ્રેમ સાધન-સામગ્રીથી પર છે. ‘હર રંગ’માં એટલે દરેક સ્થિતિમાં. ગાલિબ ઉસ્તાદ છે, ચિત્રની ઉપમા અપાઈ હોવાથી તે જાણીબૂઝીને ‘રંગ’ શબ્દ પ્રયોજે છે.
ન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતા
ડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?
ગાલિબ કહે છે, જ્યારે કશું નહોતું ત્યારે ખુદા હતા, જો કશું ન હતે તોય ખુદા હતે. મારી હયાતીએ મને ડુબાડ્યો, હું ન હતે, તો શું હતે? જવાબમાં વાચક બોલી ઊઠે,’ખુદા હતે!’ ગાલિબ વાચકને મોઢે બોલાવવા ઇચ્છે છે,કારણ કે એક મુસલમાન થઈને પોતે ન કહી શકે કે હું ખુદા હતે.’તો ક્યા હોતા?’- આનો એવોય અર્થ નીકળે કે ‘હું ન હતે તો શો ફરક પડતે?’ આવા ગહન વિચાર રજૂ કરનાર ગાલિબે પોતાને વિશે એક શેરમાં કહ્યું છે, ‘ગાલિબ, અમે તને ઋષિ સમજતે,જો તું આવો દારૂડિયો ન હતે,તો!’
-ઉદયન ઠક્કર
( સૌજન્ય – ઉદયન ઠક્કર )
Permalink
September 22, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત, લોકગીત
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં
મેં તો આભનાં કર્યાં કમાડ
મોરી સૈયરું! અબોલા ભવ રિયા
મેં તો અગર ચંદણના ચૂલા કર્યા
મેં તો ટોપરડે ભરિયાં ઓબાળ. મોરી..
મેં તો દૂધનાં આંધણ મેલિયાં
મેં તો ચોખલા ઓર્યા શેર. મોરી..
એક અધ્ધર સમળી સમસમે,
બેની, મારો સંદેશો લઈ જા. મોરી..
મારા દાદાની ડેલીએ જઈ કેજે,
તમારી દીકરીને પડિયાં છે દુ:ખ. મોરી..
દીકરી! દુ:ખ તે હોય તે વેઠીએ
દીકરી, સુખ તો વેઠે છે સૌ. મોરી..
દાદા! ખેતર હોય તો ખેડીએ,
ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય? મોરી..
દાદા!કૂવો રે હોય તો તાગીએ,
ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય? મોરી..
દાદા!ઢાંઢો રે હોય તો વેચીએ,
ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય? મોરી..
દાદા! કાગળ હોય તો વાંચીએ,
ઓલ્યાં કરમ વાંચ્યાં કેમ જાય? મોરી..
કવિ શ્રી ઉદયન ઠક્કરની કલમે આ લોકગીતનો રસાસ્વાદ માણીએ: (થોડું ટૂંકાવીને)
સ્ત્રીને સાસરવાસમાં સહેવી પડતી વિપદા વિશે ઘણાં લોકગીતો ગવાયાં છે. આ ગીતની નાયિકા નવે ઘરે ઠરીઠામ થવાની કઠણાઈને રૂપકથી આબાદ ઝીલે છે, ‘ડુંગર કોરીને ઘર કર્યાં.’ સમથળ ભૂમિ ન બચી હોય, ડુંગર ખોદીને કુટિર બનાવવી પડી હોય, એ સંકટ તો જેણે વેઠ્યું હોય તે જ જાણે.વળી કમાડ આભનાં છે, અર્થાત્ છે જ નહિ. આપણે કહીએ છીએને, ‘ઉપર ગગન અને નીચે ધરતી.’ આગળના બે શબ્દો સૂચક છે,’મેં તો.’ આ પરિસ્થિતિ માત્ર નાયિકાની છે, પરિવારનાં બીજાં સૌ તો સુરક્ષિત છે.
ફરિયાદ કરવી કોને, તો કે સહિયરોને. પાણી સીંચતાં, ભારો બાંધતાં કે ગરબો ગાતાં સખીઓ સામે હૈયું ઠાલવી શકાય. કુટુંબજીવન તો ઠીક, દાંપત્યજીવન પણ વણસ્યું છે, ભવ આખાના અબોલા થઈ ગયા છે. પરણ્યાને રીઝવવા નાયિકા અછોવાનાં કરે છે. અગર-ચંદનના ચૂલે બળતણ (ઓબાળ) ભરે છે, દૂધ-ચોખા ઓરીને ખીર રાંધે છે. પથ્થર પર પાણી.
પોતાની પીડાનો સંદેશો પિયરિયાને મોકલવો કેમ? ગામ છોડીને તો નીકળાય નહિ. ફોન-તાર- ટપાલનો એ જમાનો નહિ. પત્ર લખી શકાય તેવું અક્ષરજ્ઞાન પણ નહિ. હા, જતા-આવતા પ્રવાસીને કાને વાત નાખી શકાય. નાયિકા સમળીને સંદેશો આપે છે. (‘અ લિટલ બર્ડી ટોલ્ડ મી.’) કાલિદાસના યક્ષે મેઘને સંદેશો આપ્યો હતો. સંદેશો કેવો કરપીણ હશે કે સાંભળીને સમળીય સમસમી ગઈ! સાસરિયા સાથે સ્નેહ ન રહ્યો હોવાથી, નાયિકાને સમળી ય પરિવારજન (‘બેની’) લાગે છે. સંદેશો દાદાને આપવાનો છે. લોકગીતમાં ‘દાદા’ એટલે પિતા.
હવે દાદા અને દીકરીના સામસામા સંદેશા સાંભળીએ. દાદા સહાય કરવા દોડી આવ્યા હશે? ના રે ના. જમાનો એવો હતો કે પાલખીમાં સાસરે ગયેલી સ્ત્રી ઠાઠડીમાં જ પાછી નીકળી શકે. (પિયરભેગી થાય તો ભાઈઓની મિલકતમાં ભાગ માગે, એવો અંદેશો હશે.) દાદા ઠાલાં આશ્વાસનો આપ્યે જાય છે: સુખ તો સૌ વેઠે, તું દુ:ખ વેઠીને બતાવ. (સુખ સાથે ‘વેઠવું’ ક્રિયાપદ નવતર અને સુખદ લાગે છે.) દીકરી ચચ્ચાર પ્રશ્નો પૂછે છે, જેનો દાદા ઉત્તર આપી શકતા નથી. ખેતર ખેડાય પણ ડુંગર કેમ ખેડાય? ખેડૂતની સ્ત્રીના જાતઅનુભવમાંથી આવેલું આ દ્રષ્ટાંત છે. કૂવાનું માપ લઈ શકાય, સમદરનું કેમ લેવાય? સહેવાય તેટલું સહી લીધું, હવે પાણી માથાની ઉપર આવી ગયું છે. કરમન કી ગતિ ન્યારી. ન જાણે ભાગ્યમાં શું લખાયું છે? લોકગીત લખનાર કોઈ એક સ્ત્રી નહિ પણ સ્ત્રી-સમુદાય હોય. એક ટીખળી સ્ત્રીએ કહ્યું: બળદ (ઢાંઢો) હોય તો વેચીએ, પરણ્યાને કેમ વેચાય? નિરુત્તર રહેતા પીડાના પ્રશ્નો સાથે ગીત વિરમે છે.
– ઉદયન ઠક્કર
Permalink
February 24, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય
(મનહર)
વકીલને વડચકું ભરી કહ્યું ન્યાયાધીશે,
‘અરજીની સાથે અખબાર કેમ આપ્યું છે?
તાણીતૂસી બંધાયેલા નાગાપુગા માણસનું
ચાર કોલમ ભરીને, ચિત્ર જેમાં છાપ્યું છે?’**
વકીલ તો શિયાવિયા થઈ ગયો, ન્યાયાધીશે
કારકૂનને કહ્યું કે ‘અલ્યા, આમ આવ તું!
ચિત્રમાં શું ચીતર્યું છે? ચિત્ર નીચે શું લખ્યું છે?
અદાલતમાં સહુને વાંચી સંભળાવ તું.’
કારકૂન કહે, ‘બધા રસોઈયા ભેગા મળી,
ઉતારતા હોય જેમ બટાકાની છાલને,
ચાર કસાઈઓ અહીં ભેગા મળી ઉતારે છે,
કસોકસ બંધાયેલા માણસની ખાલને.
પચીસ સદી પહેલાં ન્યાયમૂર્તિ સિસેમિસ
લાંચ લેતાં, રાજાજીને હાથે ઝડપાયેલો,
માફ કરો, આગળ વાંચી શકાય એવું નથી,
એનો અંત, નામદાર, આવી રીતે આવેલો.
એની ઉતરડાયેલી ખાલનું બેસણું કરી,
રાજાજીએ ખાસ, મોટી ખુરશી બનાવેલી,
નવા ન્યાયમૂર્તિ એ જ ખુરશીએ બેઠા બેઠા
ચુકાદાઓ આપે એવી રીત અપનાવેલી.’
ન્યાયાધીશ ગાજ્યા,’તેં તો મારું અપમાન કર્યું!’
વકીલ કહે કે ‘કેમ ગાંઠનું ઉમેરો છો?
પચીસ સદી પહેલાં થઈ ગયો સિસેમિસ,
બંધબેસતી પાઘડી શું કામ પહેરો છો?’
ચિત્ર જોઈ ન્યાયાધીશ થઈ ગયા રાતાપીળા,
‘તને ત્રણ મહિનાની કેદ ફટકારું છું!’
અદાલત દંગ, પેલા વકીલેય રાખ્યો રંગ,
‘આપની સજાના શિરપાવને સ્વીકારું છું.’
– ઉદયન ઠક્કર
* ‘અમુક ન્યાયાધીશો ભ્રષ્ટ છે’ એવું કહેનાર વકીલને વરિષ્ઠ અદાલતે ઈ.સ. 2020માં અદાલતના તિરસ્કાર બદલ ગુનેગાર ઠેરવ્યો હતો.
** સંદર્ભ : ‘સિસેમિસની ચામડી ઉતરડવી’, ચિત્રકાર: જેરાર્ડ ડેવિડ
લયસ્તરો પર કવિશ્રી ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સહૃદય સ્વાગત છે. આ સંગ્રહ આજે હાથ આવતા સંગ્રહોથી ઘણી રીતે ભિન્ન તરી આવે છે. મોટાભાગની રચના એકાધિક સંસ્કૃત વૃત્તોમાં રચાઈ છે. આજની કવિતાથી વિપરીત ઘણાં દીર્ઘકાવ્ય અહીં જોવા મળે છે. હળવા વ્યંગનો આશરો લઈને તીખા ચાબખા ફટકારવામાં મદદગાર મનહર છંદ કવિને સવિશેષ પ્રિય છે. ગઝલોને બાદ કરતાં મોટાભાગની રચનાઓમાં કવિએ મુક્તપદ્યને કાવ્યસ્વરૂપ તરીકે પસંદ કર્યું છે. ભારતીય પુરાકથાઓથી લઈને વિદેશી પુરાકથાઓ, ગુજરાતી અને ભારતીય વ્યક્તિવિશેષોથી લઈને વિદેશી વ્યક્તિવિશેષ, પ્રખ્યાત ચિત્રો-પ્રસંગો વગેરેને કેન્દ્રસ્થાને રાખીને કવિએ ગુજરાતી કાવ્યધારાથી સહેજે અને સાવ જ અલગ પડી જતાં બિલકુલ અનૂઠાં કાવ્યો રચ્યાં છે. સંગ્રહમાં સમાવિષ્ટ રચનાઓમાંથી ઘણી રચનાઓ લયસ્તરો પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. આજે એક નવી રચના સાથે ઘરોબો કેળવીએ.
પ્રસિદ્ધ ચિત્રકાર જેરાર્ડ ડેવિડના વિખ્યાત ચિત્રયુગ્મ ‘ધ જજમેન્ટ ઑફ કેમ્બિસિસ’ તથા ‘ધ ફ્લેયિંગ ઑફ સિસેમિસ’ પ્રસ્તુત કાવ્યનાં કેન્દ્રબિંદુ અથવા સ્રોત છે. આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે પર્શિયાના રાજા કેમ્બિસિસ બીજાએ લાંચ લેતા પકડાયેલ સિસેમિસ નામના ન્યાયાધીશની ચામડી જીવતેજીવ ઉતરડાવીને ન્યાયાધીશ માટેની ખુરશી પર એ મઢાવી દીધી, જેથી દરેક ન્યાયાધીશે એના પર બેસીને જ ન્યાય આપવાનો રહે અને ખોટું કામ કરતાં પહેલાં એ લાખવાર વિચારે. અઢી હજાર વર્ષ વહી ગયાં. સિસેમિસની ખુરશી સમય સાથે નાશ પામી હોય એમ ન્યાયાધીશ કે ન્યાય લાંચ લેતાં કે ખોટું કરતા અચકાતા નથી, કારણ કે હવે એકેય શાસક ભ્રષ્ટાચારવિરોધી રહ્યો નથી. થોડા સમય પહેલાં ન્યાયાધીશોને ભ્રષ્ટ કહેનાર એક વકીલને સુપ્રિમ કોર્ટે સજા ફટકારી એ હકીકતને જેરાર્ડ ડેવિડના ચિત્ર અને એના ઇતિહાસ સાથે સાંકળી લઈને કવિએ કેવી મર્મસ્પર્શી રચના આપી છે!
Permalink
August 17, 2022 at 8:56 PM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
એક હતી બકરી.નામ એનું અસ્મિતા.
તેજતર્રાર સ્વભાવની.
વાતેવાતે શિંગડાં ભેરવે.
મગદૂર છે કોઇની કે અટકચાળું કરી જાય?
બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ.
એ ભલી ને એનું ઘર ભલું.
શું પોતાનું નામ, એ પણ ભૂલી ગઈ.
એક દિવસ અસ્મિતા ચરવા ગઈ.
જતાં જતાં ભટુરિયાંને કહેતી ગઈ,
‘ હું સાદ કરું તો જ બારણાં ઉઘાડજો.
મારી બોલાશ ઓળખજો.’
તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જ
જીવતાં રહે છે આ જંગલમાં.
અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ.
‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું.
બોલ્યુંઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં….
ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં.
વુલ્ફ હસ્યું.એના દાંત દેખાયા,
યલો યલો, લોંગ લોંગ.
અસ્મિતા મોડે મોડે પાછી આવી.
એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે.
બોલીઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં….
પણ હવે કોણ ઉઘાડે બારણાં?
-ઉદયન ઠક્કર
વારતા બકરી અને વરુની છે પણ અભિપ્રેત કંઈક બીજું છે – એક વાચ્યાર્થ તો સ્પષ્ટ છે જ – બકરીનું નામ અસ્મિતા અને વરુ એટલે ભોગવાદી પાશ્ચાત્ય સંસ્ક્રુતિ.
જરા બાજા અર્થમાં જોઈએ તો આપણી તમામ વ્રુત્તિઓ,આવેગો,વાસનાઓને વિવેકબુદ્ધિ નામના બારણાં હેઠળ જગન્નિયંતા દ્વારા સુરક્ષિત રખાઈ છે. વરુ એ છાકટાપણું છે,અનિયંત્રિત ઉન્માદ છે – જો આપણે બારણાં ઉઘાડી સંયમની પાળી તોડી તો વિનાશ મીનમેખ…..
Permalink
August 12, 2022 at 10:19 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
(ચીની કવિની ડાયરીમાંથી)
સ્ટીલ મિલના ફર્નેસ રૂમમાં મને નાખવામાં આવ્યો ત્યારે મારી વય વીસની હતી.દિવસ આખો કોલસા સવાલો પૂછે અને રાતે શરીર જવાબ દઈ દે. ચાદરની આડશે હું કવિતા લખતો હોઉં અને મારો પડછાયો કફન વણતો હોય.
છઠ્ઠે મહિને મારી હસ્તપ્રતો જપ્ત કરાઈ.સિક્રેટ પુલીસને સમજાય નહિ કે મેં લખ્યું છે શું? મામલો નિષ્ણાતો પાસે ગયો. તે પણ મુંઝાયા.
લોકો કહે છે, તમારી કવિતાઓ સમજાતી નથી.
હું કહું છું, માટે જ તો જીવતો છું.
– ઉદયન ઠક્કર
સંવેદનતંત્ર લકવો મારી જાય એવી ધારદાર રચના. દુનિયાના સેંકડો દેશોમાંથી કવિએ એકમાત્ર ચીન પસંદ કર્યો એનું કારણ શું હોઈ શકે? પ્રખર સામ્યવાદ અને માનવસ્વાતંત્ર્યના મૂલ્યોનો સદંતર હ્રાસ કદાચ. જે હોય તે. સ્ટીલ મિલની ભઠ્ઠીમાં કવિને કૂમળી વયે જોતરી દેવામાં આવ્યા હતા. આખો દિવસ કોલસા સાથે પનારો પાડવાનો અને રાત્રે શરીર જવાબ દઈ દે એ વાતને કવિએ કેવી માર્મિક કાવ્યાત્મક બોલીમાં રજૂ કરી છે! કોઈ જોઈ જાય તો સજા થઈ જવાની ભીતિને લઈને કવિ રાત્રે ચાદરની આડશમાં કવિતાઓ લખતા હોય ત્યારે મૃત્યુ શ્વાસે-શ્વાસે વધુ ને વધુ નજીક આવતું હોવાનું અનુભવતા. છ મહિને વાત બહાર આવી. હસ્તપ્રતો સિક્રેટ પોલીસે જપ્ત કરી લીધી. એમને ન સમજાયું તે નિષ્ણાંતોને મેદાનમાં લવાયા. એમનેય કવિતાઓ ન સમજાઈ. કવિતાનું તો ભઈ, એવું જ હોય ને! ‘ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત; કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.’
કવિ કહે છે કે એની રચનાઓ સત્તાધીશોને સમજાતી નથી, એટલે જ હસ્તપ્રતો જપ્ત થઈ ગયા બાદ પણ તેઓ હજી જીવંત છે. અન્યથા કવિતામાં રહેલ વિરોધ અને વિગ્રહ નજરે પડતાવેંત કવિના પ્રાણ ચીની શાસકોએ ખેંચી લીધા હોત ખોળિયામાંથી.
Permalink
July 7, 2022 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
એક બાજુ
માથામોઢ ઓઢીને ઈયળ પોઢણ કરે છે,
પીઠે ઢાલ લઈને ગોકળગાય રણે ચડે છે,
જાંબુડીના પોલાણમાં પોઢેલી પદમણીને ફળ ધરે છે કંસારો,
મત્સ્યની ફૂંકથી ઊઘડે છે સમુદ્રનાં તળ,
કાચબો કાચબીને ઢીંક મારે છે,
પરવાળાના મહેલમાં હણહણે છે જળઘોડા,
વ્હેલ ગીતો ગાય છે,
સાગરની પાંખડીઓ ખીલે ને વિલાય છે,
પર્વત કાઢે છે ધૂમ્રગોટ, ખોંખારીને,
ધૂમકેતુ પુષ્પવૃષ્ટિ કરે છે,
ઓતરાદા આકાશમાંથી અજવાસની કૂંડીઓ રેલાતાં ધરતી ધારણ કરે છે દંતકથાનો ગર્ભ…
અને બીજી બાજુ
પેલી છોકરી ક્યારની
ગાલ પરના ખીલની ફિકર કરે છે.
– ઉદયન ઠક્કર
સહઅસ્તિત્વ ધરાવતા બે વિરોધી પાસાંઓ કવિએ juxtapose કર્યા છે. પહેલી બાજુમાં કવિને વધુ રસ છે એટલે એનું દર્શન કવિ બહુ નિરાંતવા જીવે આપણને કરાવે છે. ઇયળ, ગોકળગાય જેવા સૂક્ષ્મ જીવોની દિનચર્યાથી શરૂ થતી વાત અંતે વિરાટતમની વ્યાખ્યા સમા સાગર-પર્વત-ધૂમકેતુ અને નોર્ધર્ન લાઇટ્સ પર જઈને વિરમે છે. તખ્તા પર આગવી ભાત પાડીને રજૂ થતા કળાકારોની જેમ કવિએ સજીવસૃષ્ટિના અલગ-અલગ જીવોને અહીં સાવ અનૂઠી રીતે પ્રસ્તુત કર્યા છે. સાગરના મોજાંની ચડઉતરમાં કવિ પુષ્પની પાંખડીઓને ખીલતી-વિલાતી જુએ છે. પર્વત પર મંડરાતા વાદળો કોઈ ખોંખારીને ધુમાડાના ગોટા કાઢતું હોય એવા ભાસે છે. ધૂમકેતુની પૂંછડીમાં કવિને પુષ્પવૃષ્ટિ નજરે ચડે છે. નોર્ધર્ન લાઇટ્સને ઓતરાદા આકાશમાંથી રેલાતી અજવાસની કુંડીઓ કહીને કવિએ બાહોશ કવિકર્મની અભૂતપૂર્વ સાહેદી પુરાવી છે. પૃથ્વીના ઉત્તર (અને દક્ષિણે) છેડે સર્જાતી પ્રકાશપુંજની અલૌકિક રમત માનવીને પરાપૂર્વથી મોહિત કરતી આવી છે અને અનેક માન્યતાઓ-દંતકથાઓને જન્મ પણ આપ્યો છે.
એક તરફ બ્રહ્માંડના દૂરાતિદૂરના છેડો અને બીજી તરફ સમુદ્રના ઊંડામાં ઊંડા તળને આલેખીને કવિએ પ્રકૃતિના સમૂચા સૌંદર્યને કલમના લસરકાઓ વડે આબાદ ચીતર્યું છે તો કવિતાના નાનકડી ત્રણ પંક્તિ અને એક વાક્યના બીજા ભાગમાં એક છોકરીને પોતાના ગાલ પરના ખીલની ફિકર કરતી બતાવીને કવિ વિરમી જાય છે અને કવિતા ત્યાંથી જ આગળ વધે છે. સમષ્ટિથી શરૂ કરી કવિનો કેમેરા વયષ્ટિ પર કેન્દ્રિત થાય છે અને તલ જેવડા નાના ભાગ પર આવીને અટકે છે. પ્રકૃતિના અસીમ સૌંદર્ય અને નિજી ચિંતાની પ્રકૃતિના વિરોધાભાસમાંથી જે કવિતા જન્મે છે એ લાંબા સમય સુધી સ્મરણપટ પર રણઝણ્યા કરે એવી સબળ છે…
Permalink
January 29, 2021 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય, નઝમ
નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારા થયા છે લગ્ન,
તેડાવ્યા તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’
એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’
મારે ભણી ગણી હજી ડોક્ટર થવું હતું,
કહેવાતો મારો વર- હતું ભીખાજી એનું નામ-
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે- પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.
અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે,બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે,જન્મટીપ છે.’
મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઇકોર્ટમાં*
નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીને ફગાવી દઉં છું હું!’
હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા,મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ…’ ‘મરાઠા’એ પણ લખ્યું,
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ,વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત,સાચી હોવા છતાં,કોણ માનશે?
કહેવાતો મારો વર ગયો જીતી અપીલમાં,
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.
ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ. **
– ઉદયન ઠક્કર
*ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઇકોર્ટ,૧૮૮૫
**રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો.
********
સુરતમાં રખમાબાઈ હૉસ્પિટલનો રુક્કો દાયકાઓ સુધી ચાલ્યો હોવાના અમે સાક્ષી છીએ… સમય સાથે તાલમેળ મેળવવામાં નિષ્ફળ જતાં આજે એ હૉસ્પિટલની હાલત બહુ સારી નથી રહી. એમની જીવનકથા વર્ણવતી આ કવિતા આજે માણીએ… બંને દિશા અને દશામાં નસીબમાં કેદ જ છે એમ સૂચવતી આખરી પંક્તિ આખી વાતને કવિતાના સ્તર પર લઈ જાય છે… છંદ હોય પણ પ્રાસ ન મેળવાયા હોય એવા આ કાવ્યપ્રકારને અંગ્રેજીમાં blank verse કહે છે, ગુજરાતીમાં શું કહીશું?
ડૉ. રખમાબાઈ રાઉત. જન્મ ૧૮૬૪ની સાલમાં મુંબઈમાં. મા વિધવા હતી, જેણે રખમાબાઈના લગ્ન ૧૧ વર્ષની વયે કરાવી દીધાં. જોકે આણું વાળવામાં આવ્યું નહોતું એટલે તેઓ માતા સાથે જ રહ્યાં હતાં. ૧૮૮૭ની સાલમાં એમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નના હક માટે કૉર્ટ કેસ કર્યો. દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં પુરુષ પત્નીને ત્યજી દે, છૂટાછેડા આપે કે એકાધિક સ્ત્રીઓને ભોગવે એ વાત સામાન્ય હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ ભારતીય પરિણીતા હતાં, જેમણે છૂટાછેડા માટે અદાલતમાં લડી લેવાનું નક્કી કર્યું. એમની દલીલ હતી કે લગ્નસમયે પોતાની વય બહુ નાની હોવાથી, પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં અને આમ, મરજી વિરુદ્ધ કરાવી દેવાયેલાં લગ્ન નામંજૂર કરવા. સમગ્ર ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો. થૂ-થૂ થઈ રહ્યું. લોકમાન્ય ટિળક જેવા મોટા સમાજવાદી નેતાએ એમના વિરુદ્ધ પોતાના અખબારમાં લાંબી ઝુંબેશ ચલાવી હતી. એમના મતે રખમાબાઈનું આ વલણ ‘હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ’ હતું. ટિળકે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે ‘ચોર, ધુતારા અને હત્યારા’ જેવો વ્યવહાર કરવો જોઈએ.
અદાલતે રખમાબાઈની વાતને અવગણીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો જેલવાસો એમ બે વિકલ્પ આપ્યા. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરાવાયેલ લગ્ન એમને માન્ય નહોતાં. પોતાની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં એમણે લડાઈ મૂકી નહીં. એમણે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો. આ પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા. રખમાબાઈએ કદી બીજા લગ્ન ન કર્યાં.
આ મુકદ્દમો સીમાચિહ્ન બન્યો. એના કારણે ભારતમાં કન્યાની લગ્ન માટેની વય નક્કી કરતો કાયદો ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ ૧૮૯૧’ પસાર થયો, જે મુજબ લગ્ન માટે કન્યાની વય ૧૦થી વધારીને ૧૨ કરાઈ. આજે આ વાત મોટી નહીં લાગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ દસ વર્ષની છોકરીને લગ્ન અને સેક્સની ફરજ પડાય અને બાર વર્ષની છોકરીને એમાંથી પસાર થવાનું થાય એ બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર ગણાય.
છૂટાછેડા પછી ૧૮૮૯માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં. ૧૮૯૪માં સ્નાતક થયાં. એ સમયે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી. રખમાબાઈએ પરદેશમાં પણ આવા પક્ષપાતી કાયદા સામે પણ અવાજ ઊઠાવ્યો. અને બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી. આમ, રખમાબાઈ MD ડિગ્રી મેળવનારાં અને પ્રેક્ટિસ કરનારાં પ્રથમ ભારતીય મહિલા તબીબ બન્યાં હતાં. શરૂમાં મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યા બાદ તેઓ સુરત સ્થાયી થયાં અને ૩૫ વર્ષ સુધી તબીબી સેવા બજાવી.
(માહિતીસ્ત્રોત: બીબીસી ગુજરાતી)
એક નાનકડો સુધારો:
બીબીસી ગુજરાતી ભલે રખમાબાઈને આ માન આપે પણ હકીકતમાં કાદમ્બિની ગાંગુલી અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી MDની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ કરનાર ભારતના પ્રથમ મહિલા તબીબો હતાં.
(હકીકતદોષ બાબત ધ્યાન દોરવા બદલ કવિમિત્ર શ્રી મકરંદ મુસળેનો આભાર…)
Permalink
November 5, 2020 at 12:28 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય, ચંદ્રકાન્ત શેઠ
છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?
રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?
પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?
હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?
ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?
– ચંદ્રકાન્ત શેઠ
ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:
પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર
આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.
હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.
અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)
કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?
શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?
-ઉદયન ઠક્કર
Permalink
October 7, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગીત
આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?
તડકાનો પાક સોળ આની આવ્યાની ચાર ચકલીએ આપી વધામણી
લણવાને ચૌદ લોક એકઠું થિયું ને પછી લ્હેરખીએ લેવડાવી લાવણી
વાદળના માથા પર આવ્યો છે દાવ અને ઝરણાંઓ સંતાવા દોડે
સરવર તો પહેલેથી કાચ્ચો પાપડ, પણે બેસીને મોઢું મચકોડે
કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી !
મારું જો માનો તો દેવદારનું ઝૂલવું જમણી હથેળીમાં વાવજો
આપના વિચારોમાં વગડો ના આવે, તો એના વિચારોમાં આવજો
આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?
– ઉદયન ઠક્કર
નાજુક નમણું ગીત…..
Permalink
July 31, 2020 at 12:30 AM by વિવેક · Filed under આઝાદ નઝમ, ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય
(વનવેલી)
મારા પ્યારા મણિલાલ*
યાદ છે? હું
આલુ ખરીદતી હતી.
નાતાલમાં**
ત્યારે તમે દુકાનમાં એકાએક
આવી ચડ્યા
મારી અને તમારી એ
પહેલી જ મુલાકાત.
એ પછી તો નિત નવા
બહાનાં ગોતીને જતા –
આવતા થયેલા તમે
મારે ઘેર
પ્રેમની હતી ઉંમર
મારા રુદિયામાં ડર
ધરમ જુદો ખરો ને…
તમને ભરોસો હતો
બાપુ મોટા મનના છે
માની જશે, હોંશે હોંશે
તમે ચિઠ્ઠી લખી હતી
બાપુનો ઉત્તર મળ્યો,
‘બ્રહ્મચર્યનું શું થયું?
શાદી ? અને તેય પાછી
મુસલમાન છોકરી સાથે?
તમારાં છોકરાં કયા
ધરમનાં કહેવાશે?
શું કહ્યું તેં?
હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા?
ધરમ શું લૂગડું છે
કે ઉતારી ફેંકી દીધું?
એના માટે ઘર ત્યજો,
લગ્ન ત્યજો, પ્રાણ ત્યજો !
તું કહે છે કે હું બાને
પૂછી જોઉં? નહીં પૂછું.
એનું બાપડીનું દિલ
ભાંગી જશે.
– તારો બાપુ.’
મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્માયે ડરી ગયા?
મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારા માટે.
સુખી રહો એની સાથે
આશ્રમે બેસીને ગાજો:
ઈશ્વર અલ્લાહ તેરો નામ!
બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ?
સબકો સન્મતિ દે ભગવાન.
તમારી, એક વેળાની..
– ઉદયન ઠક્કર
* ગાંધીજીના પુત્ર
** દક્ષિણ આફ્રિકા
મહાન આત્મા પણ આખરે તો મનુષ્ય જ હોય છે અને માનવસહજ ભૂલોથી પર હોતા નથી એ વાત મહાત્મા ગાંધીના સુપુત્ર મણિલાલ ગાંધીની નિષ્ફળ પ્રણયકથાનો સંદર્ભ લઈ કવિએ બખૂબી ટાંકી છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે એમના સહયોગી યુસુફ ગુલના પરિવાર સાથે એમનો પરિવાર ખૂબ હળીમળી ગયો હતો. ગાંધીજીએ ‘સર્વધર્મ એકસમાન’નું સૂત્ર બાળકોને શીખવ્યું હોવાથી બાળપણથી જેની સાથે રમતા આવ્યા હતા એવી, યુસુફ ગુલની પુત્રી ફાતિમા સાથે મણિલાલ પ્રેમમાં પડ્યા ત્યારે એમને ગળા સુધી ભરોસો હતો કે બાપુ કદી ના નહીં કહે. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકા છોડી ભારત આવ્યા એના બે જ વર્ષમાં મણિલાલ ફરી આફ્રિકા પહોંચી ગયા, આશ્રમનો વહીવટ કરવા કે ફાતિમાથી અલગ રહેવું અશક્ય લાગતું હતું એટલે એ તો એ જ જાણે. મણિલાલે બાપુને નાના ભાઈ રામદાસ મારફતે પોતાની ઇચ્છાની જાણ કરાવી ને જવાબમાં વીજળી ત્રાટકી. બાપુ ન માત્ર આંતર્ધમીય, આંતર્જાતીય લગ્નમાં પણ માનતા નહોતા. દોસ્ત તરીકે લખું છું કહીને દોસ્તના સ્વાંગમાં ધર્મચુસ્ત બાપનો પત્ર મણિલાલને મળ્યો, જેની વિગતો કવિએ કાવ્યમાં યથાતથ ઉલ્લેખી છે. ભારતમાં પોતાની છાપ ખરડાશે એવા ભયના લીધે અને રુઢિચુસ્ત વિચારોના ગુલામ હોવાના નાતે બાપુએ ચૌદેક વર્ષ લાંબી પ્રણયકથાનો ધ્વંસ કર્યો અને તાબડતોબ હિંદુ છોકરી શોધીને મણિલાલને પરણાવી દીધો. એ અલગ વાત છે કે પછીથી બાપુ હરિલાલને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરતાં કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં પણ અટકાવી શક્યા નહોતા. ૧૯૩૦ પછી બાપુના ધર્મવિષયક વિચારોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું પણ ફાતિમા અને મણિલાલ કદી એક થઈ શક્યા નહીં, આ ઐતિહાસિક હકીકત સાથે બાપુની સૌથી પ્રિય પ્રાર્થનાને જોડી દઈને કવિ આપણને સ્તબ્ધ કરી મૂકે છે. અંતે તમારી, એક વેળાની… માં તમારી પછી વપરાયેલ અલ્પવિરામચિહ્નના કારણે વાક્યાર્થમાં જે દાબ આવે છે, એ વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં ખપ લાગી શકે એવું ઉદાહરણ છે.
Permalink
February 26, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.
પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?
– ઉદયન ઠક્કર
સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..
Permalink
November 7, 2019 at 1:42 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
કોઈએ કહ્યું છે:
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?
‘ મરવું’ માંથી વાસ આવે છે
બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,
કોહવાતા લાકડાની,
મરઘાના ખાતરની,
વરસોથી ન ખૂલેલા, હવડ, હવાબારી વગરના
સંબંધની,
‘લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,
હવે શ્રીફળ પધરાવો, ચાર બાજુએ ચાર ચાંદલા કરો,
અક્ષત લગાડો, હાથમાં ચકીને ત્રણ વખત માથે અડાડો,
કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા…મિ…’–ની વાસ આવે છે ‘મરવું’ માંથી.
કૂંપળમાંથી કોલસો
વ્હેલમાંથી તેલ
—કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’
ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,
પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,
ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,
યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું,
તોયે સાલું હેં હેં કરતું ઊભું જ છે, અમર,
આ ‘મરવું’
જોઈએ ત્યારે મારું વા’લું ન મળે,
આડે હાથે મુકાઈ જાય.
ગોતો કેરોસીનના બળબળતા ઉજાસમાં,
રેલવેના આટેપાટે,
છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ,
એકવીસ માળ બાવીસ વાર ચડો
ને ઊતરો,
પણ ગુમ
‘ઠીક ત્યારે, જેવી હરિ ઇચ્છા’ કહીને મન મનાવી લો
ત્યાં જ હસતું હસતું
તમારી બગલમાં સોપારીની જેમ ઊપસી આવે
અને પૂછે,
‘હાઉક! મને ગોતતા હતા?’
– ઉદયન ઠક્કર
માવજત તો જુઓ !!!!!
Permalink
October 17, 2019 at 2:15 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ઊર્મિકાવ્ય
૧.
આજની છે ઘડી રળિયામણી, કે વગડામાં
કીર,કોયલ,કપિ,મૃગ,મોર બધાં અધ્ધરશ્વાસ!
ગોઠડી એક પછી એક નવી માંડે વ્યાસ
૨.
“સુન્દ-ઉપસુન્દ અસુર ભાઈ હતા,બન્નેમાં
એવો તો સંપ હતો,હેત કરી નવરાવે,
એકબીજાને વળી તાણ કરી ખવરાવે
જેઠનો માસ હતો,લૂ કહે કે મારું કામ!
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
વાયુનું વાળુ ને પાણીનું શિરામણ કરતા
શિખરે ઊભા રહી નામ રટણ પણ કરતા
ઇન્દ્રને ફાળ પડી ફાળ ભરીને આવ્યા,
– સ્વર્ગ છે ગપ,અને વૈકુંઠ શું છે? મોટું ગપ!
ખાઓ,પીઓ ને કરો લ્હેર,મૂકો તપની લપ!
પાંચ-દસ સુંદરી આપી ને સુરા યે રસબસ
એકના બે ન થયા કે ન થયા ટસથી મસ…
બ્રહ્મા પ્રકટ્યા તે પળે વાયુની ડૂંટીમાંથી!
– માગી લો,માગી લો,જે જોઈએ તે માગી લો!
સુન્દ-ઉપસુન્દે તો માગ્યું કે અમર થઈ જઈએ!
– ના હોં, એ તો ન મળે,બીજું કશું પણ માગો!
હાથમાં હાથ પરોવીને કહ્યું બન્નેએ:
– એકબીજાથી જ મરીએ,ન કોઈ ત્રીજાથી!
– ‘ઠીક,’ બ્રહ્માએ કહ્યું સમજી વિચારીને, ‘ભલે!’ ”
૩.
સરવા કાનેથી કથા સાંભળીને શુક પૂછે:
– ને પછી શું?ને પછી શું?ને પછી શું?ને પછી…
૪.
“ધોડતા,ધરણીને ધમરોળતા ભાઈ,ભાઈ!
પળમાં સિંહ થતા વ્યાઘ્ર,તપસ્વીઓને
દાઢમાં રાખતા,દેવોને દબાવી દેતા
રાજવીઓને કચડ ખાતા ભચડ યક્ષોને”
૫.
પાંખ ફેલાવીને ચકરાઈ રહ્યાં છે ગીધો
૬.
“હાવરાબાવરા દેવો ગયા બ્રહ્મા પાસે
વિશ્વકર્માએ તો તિલ તિલ લઈને રત્નોથી
રૂપના પાતળા પર્યાય સમી એક કન્યા
રચી નવરાશથી, ને એને કહ્યું: હે ભદ્રા,
સુન્દ-
ઉપસુન્દ સમીપે જઈને ફૂટ પડાવ!
કહ્યું કન્યાએ, ‘પિતાજી,હું જરા પરકમ્મા
દેવતાઓની કરી લઉં…’ ને એ ફરવા માંડી
જોતાંજોતાં વળી એને વળી જોતાંજોતાં
શિવ ચતુર્મુખ થયા છે,એવું પુરાણો કહે છે”
૭.
આંખને કાણી કરીને કોઈ બગલો બોલ્યો:
– વાત તો સાચી કે ભગવાન બધું જુએ છે
૮.
“મ્હેકની જેમ પવનમાં એ મરકતી આવી
અડખે પડખેથી સરકતી ને થરકતી આવી
ઝાલ્યો કર એકે,ઝુંટાઝૂંટ થઈ,બીજાએ
ઝપઝપાઝપ ત્યાં થયા ખાંડા-ખડગના ઝટકા
ભલ્લ,ભાલોડાં,ભમરભાલા,ગદાના ભટકા
જોતજોતાંમાં અસુર બેલડી કટકે કટકા”
૯.
પશુ-પંખીથી અલગ બેસી રહેલો માણસ
ધાર કાઢી રહ્યો છે ધીરે ધીરે છૂરાની:
– કોણ આ સુન્દ હતો?ધ્યાન નહોતું મારું…
પશુ ને પંખી સહુ તાકી રહે માણસને
– અને ઉપસુન્દ વળી કોણ હતો,એ ક્હેશો?
પશુ ને પંખી સહુ તાકી રહે માણસને
– ઉદયન ઠક્કર
————
સંદર્ભ: મહાભારત,આદિપર્વ
મહાભારતના આદિપર્વમાં સુન્દ અને ઉપસુન્દ બે ભાઈઓની ઉપકથા આવે છે. બંને ભાઈઓ… સૉરી, વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. માત્ર સૃષ્ટિની તમામ સુંદર વસ્તુઓ પાસેથી તલ-તલભાર સૌંદર્ય લઈને બ્રહ્માએ વિશ્વકર્મા કને જે સુંદરીનું સર્જન કરાવ્યું એનું નામ તિલોત્તમા હતું એટલી હકીકત હું ઉમેરી દઉં છું. ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાતા ગઝલનો છંદ લઈને કવિએ મીની-ખંડકાવ્ય રચ્યું છે, અને એને નવ ખંડોમાં વહેંચી દીધું છે. માત્ર એક પંક્તિથી લઈને ઓગણીસ પંક્તિઓ સુધીની અનિયત પંક્તિસંખ્યા આ ખંડોમાં જોવા મળે છે.
મહાભારતની આ ઉપકથા શું આ બે ભાઈઓના મૃત્યુ સાથે સાચે જ પૂરી થઈ ગઈ હતી? કે સુન્દ અને ઉપસુન્દ કદી મર્યા જ નથી? આપણે બસ, આ જ સમજવાનું છે,…
Permalink
July 12, 2019 at 1:12 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, લિન્ડા પાસ્ટન, વિશ્વ-કવિતા
મારા પતિ ગઈ કાલના ભોજન માટે
મને ‘એ’ આપે છે,
ઈસ્ત્રીકામ માટે ‘અધૂરું’
અને શૈયાસુખ માટે ‘બી પ્લસ.’
મારો દીકરો કહે છે કે હું ‘સાધારણ સારી’ છું,
‘સાધારણ સારી’ માતા,
પણ મહેનત કરું તો સુધરી શકું.
મારી દીકરી ‘પાસ/ફેલ’માં માને છે.
મને કહે છે- ‘પાસ.’
એ લોકોને હજી ખબર પડી નથી
કે હું ‘ડ્રોપ આઉટ’ થવાની છું.
– લિન્ડા પાસ્ટન
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)
આ મજાની કવિતાનો અનુવાદ કરાવનાર કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં જ આ કવિતાનો આસ્વાદ પણ માણીએ:
‘ગૃહિણીની કામગીરી બાબત નુકતેચીની કરવાનો અધિકાર જાણે કુટુંબના દરેક સભ્ય પાસે હોય છે.’પંખા પર મહિનાની ધૂળ ચડી ગઈ છે’ ‘છાપું ક્યાં મૂક્યું છે?’ ‘પાછા વટાણા?’ ‘કેબલમાં સ્ટાર સ્પોર્ટ નખાવવાનું તને કેટલી વાર કહ્યું?’ ગૃહિણી જાણે વિદ્યાર્થિની અને બાકી બધાં પરીક્ષકો. પરીક્ષા રોજેરોજ લેવાય. કોઈ ‘એ,બી, સી’ પ્રમાણે ચકાસે, કોઈ ‘નબળું, સાધારણ સારું, ઉત્તમ’ પ્રમાણે, તો કોઈ ‘પાસ-નપાસ’ કરે.
‘પરિવારના બીજા સભ્યોને પણ પડકારોનો સામનો કરવો પડે છે, પણ પરીક્ષકો ઘરની બહારના હોય છે- ઓફિસ કે કારખાનાના માલિક, શાળા કે કોલેજના શિક્ષક. ગૃહિણીના પરીક્ષકો ઘરની અંદરના હોવાથી પરિવારમાં તાણ ઊભી થાય છે.ક્યારેક લાગે કે ગૃહિણીનું સ્વમાન સચવાતું નથી.
‘શાળા કે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીને ‘ડ્રોપ આઉટ’ કહેવાય. અંતિમ પંક્તિમાં ગૃહિણી રહસ્યસ્ફોટ કરે છે કે તે ડ્રોપ આઉટ થવાની છે. શું તે ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ ઘર ત્યાગવાની હશે? કે પછી ‘હોમ મેકર’ની ભૂમિકા નકારીને કેરિયર-વુમન બનવાની હશે? કે પછી કુટુંબની વ્યક્તિઓના નકારાત્મક માપદંડ અવગણવાની હશે? ટૂંકા કાવ્યમાં કવયિત્રી બંધનમાંથી મુક્તિ તરફ ગતિ કરે છે. તેમનો સ્વર મક્કમ હોવા છતાં કટુ નથી.’
એ સાથે જ, આ કવિતા વિશે કવિશ્રી સંજુ વાળાનો પ્રતિભાવ પણ મમળાવવા જેવો છે: ‘કવિતા થવા માટે ઊંડા ચિંતનમનનયુક્ત દર્શન કે અનુભૂતિજન્ય આગવા પરિવેશ જ હોય એવું નથી. કયારેક સાધારણ અને વ્યવહારું ઘરઘરાવ બાબતો પણ યોગ્ય ભાષાભિવ્યક્તિ મળે તો કવિતા થઈને ઊભી રહેતી હોય છે.‘
Permalink
June 12, 2019 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે
એવું કોઈએ કહ્યું
ત્યારે હું રામકૃષ્ણ લૉજમાં રાઇસ પ્લેટ જમતો હતો
મારે વિચારવું જોઈતું હતું
દીકરો ? કે દીકરી ?
પણ મેં વિચાર્યું
વેઇટર ઠંડી ઠીબરા જેવી ચપાટી મૂકી ગયો છે
સાલો હાડકાંનો હરામી છે અને જીભનો છૂટો
આ વખતે એણે ટીપ ગુમાવી
પણ આજે જયારે મન એકલું છે
અને શાંત પણ
ત્યારે વિચારું છું
એની રૂંવાટી પરનું કાંચન
એણે બાળકની રૂવાંટી પર પણ છાંટ્યું હશે ?
શું એનું બાળક પણ શુભ્ર અને ઉન્ન્તગ્રીવ હશે ?
પછી મૂરખની જેમ વિચારું છું
શું એ બાળકની આંખમાં
મારી વ્યાકુળતાનો અંશ હશે ?
ભઈ શું સમય હતો
કે એકેએક દિવસ
અત્તરની શીશી નહીં
પવાલું લઈને ઊગતો
એની છબી છવાયેલી રહેતી
મારા પૂર્ણ આકાશ પર
વિસ્તારપૂર્વક કહું તો
મધ્ય આકાશમાં કેશ
પૂર્વમાં સાઠ અંશને ખૂણે ભ્રૂકૂટિ
પચાસ અંશ પર આંખો
ત્રીસ પર ઓષ્ઠ
અને ક્ષિતિજે ચિબુક
(પહેલી-પહેલી પ્રેમિકાનું વિરાટરૂપદર્શન
સમજી ગયા ને ?)
એના સુવર્ણ અશ્વત્થમાં [ અશ્વત્થ = પીપળો ]
શતકંઠે કલશોર થતો હતો
એમાંનો હું એક ‘ચીં’ હતો
મારો કશોય સ્વરવિશેષ નહોતો
પણ વૃક્ષને ઘસાઈને
તેજ આવતું
એમાં ઝગમગીને મને આભાસ થતો કે ના
હું પણ દેવચકલી છું સોનેમઢેલ.
જો કે હસવાની વાત તો એ છે મહેરબાન
કે વર્ષો સુધી નજરને
એનો ચહેરો જોવામાંથી જ નવરાશ ન મળી
બંદા એના ચહેરાની ચુંગાલના બંદી હતા !!
(સારો શબ્દપ્રયોગ છે નહીં –
ચહેરાની ચુંગાલના બંદી !)
એ સ્કર્ટ પહેરતી કે પંજાબી ?
કોણી મેલથી કાળી રહેતી ?
કેટલી જોડી ચપ્પલ રાખતી ?
રૂમાલ ખોઈ નાખતી ?
મહીને એક વાર વૅક્સિંગ કરતી ?
ડીઝાઇનર બ્રા પહેરતી ?
પહેરતી કે નહીં ?
મને ખબર નથી, મને ખબર નથી.
એના ચહેરાથી અલાવા મને કોઈ કશી વિગતની ખબર નથી
તંગ સમય હતો
એના ચહેરાના પરિઘ બહાર
લટાર મારવા જઈ શકી
ન દ્રષ્ટિ
ન અટકળ
એવો વિચાર જ ન આવ્યો
કે કરમાતી બપોરે
ગ્રીવાની મ્હેક કેવી ખીલતી હશે ?
વાંસો ઉઝરડાઈ જાય
એવા તીક્ષ્ણ હશે એના ન્હોર ?
કામનાથી ઉદ્દીપ્ત અવાજ
કાળીયાકોશીની જેમ
ફફડતો હશે ?
હાથ ફેરવવા દેતી હશે
સાથળની ખિસકોલીઓ ?
મહેરબાન, સમ ખાવા પૂરતો
આવો વિચાર પણ ન આવ્યો
તોય જલસો હતો સાહેબ !
મુગ્ધ અને પહોળી આંખના દિવસો હતા
ટેકરીએથી તળેટીનાં બળબળતાં જંગલો દેખાય એમ
આજે
એ સ્મરણો આકર્ષક દેખાય છે.
– ઉદયન ઠક્કર
આ કવિ હંમેશા આંખના ખૂણા ભીના કરી દે છે…..આડીતેડી વાતોમાં ઘેઘૂર વેદના છુપાયેલી છે. રજૂઆતની આ પદ્ધતિ આપણે ઘણીવાર પ્રમાણમાં જૂની નવલકથાઓમાં જોઈ છે. પ્રથમ વાંચને સંપૂર્ણ ભેદ ન ખૂલે. બીજી-ત્રીજી વારે દરેક punchline સમજાય…..
Permalink
May 28, 2019 at 3:52 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ત્રિપદી
એક કલરવતી કેડી પર ચાલ્યા
હાં રે ગમતાને હારે રાખી ને
જો ઇશારાની એડી પર ચાલ્યા !
એક ઠેસે કમાડ ખોલીને
ઝીણું ઝરણું રણક ઝણક ચાલ્યું
પહાડ જેવો પહાડ ખોલીને !
કેટલી ખુશખુશાલ જગ્યા છે !
પીપળે હીંચવું કે આંબલિયે ?
એ વિના ક્યાં કોઈ સમસ્યા છે…
ના કોઈ ભીંસ ના કોઈ અડચણ
કંઠમાં વાયરાની વરમાળા
આંખમાં ઓસબિંદુનું આંજણ
વાયરામાં વહી જતા પહાડો
જોઈને ખીણના વળાંકોને
પાણીપાણી થઈ જતા પહાડો !
હે જી ઝીણાં ઝરણ મળી આવ્યાં
ટહેલતાં ટેકરીએ અલગારી
સોનવર્ણા સ્મરણ મળી આવ્યા !
– ઉદયન ઠક્કર
Permalink
May 24, 2019 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
મારા રોજના રસ્તા ઉપર એક મોચી
કૅન્સલ થયેલા બસસ્ટૉપની જેમ બેઠો છે
સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી
ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી
ઊખડી ગઈ છે
રસ્તાને ખૂણે મોચી
વીરગતિ પામનારના પાળિયા પેઠે
ખોડાઈ ગયો છે
અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે
તે ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે
રાત્રે શરીરને બહેલાવવા જાય તો
બદનમાંથી બૂ આવતી હોવાથી
બજારભાવ કરતાં રૂા. ૨/- વધારે ચૂકવવા પડે છે
ફાજલ સમયમાં ચામડાની પેટી-બેટી બનાવતા રહી
પોતાની આવક ઉપર કેમ નથી લાવતો ?
પણ ના, જિંદગીના પગ પાસે બેસીને
નમ્ર થઈ ગયો છે
ઊંચે નજર કરી શકતો નથી
મોચીને નિવૃત્ત થવાની સવલતો અપાતી નથી
રસ્તાને ખૂણે તમને મોચી બેઠેલો ન દેખાય
તો સમજવું
કે જરા મોટા ગામતરે ગયો હશે.
– ઉદયન ઠક્કર
કવિનો કેમેરા માત્ર કુદરતના કે સ્ત્રીઓના સૌંદર્ય પૂરતો સીમિત હોતો નથી. એ સમાજના દરેક ખૂણામાં ફરી વળે છે અને અને એવા દૃશ્યો આપણી સમક્ષ તાદૃશ કરે છે, જે અન્યથા આપણે અચૂક ચૂકી જ જવાના હોઈએ. શહેરની ફૂતપાટ પર કોઈ બસસ્ટૉપ પાસે કે કોઈ ઝાડ નીચે અડ્ડો જમાવીને કોઈ મોચી બેઠો હોય અને બૂત-ચંપલ રિપેર કરીને રૂપિયા-બે રૂપિયાની આમદની કરી માંડ ગુજરાન ચલાવતો આપણે બધાએ જ લગભગ જોયો હશે પણ જ્યાં સુધી આપણી ચપ્પલની પટ્ટી તૂટી ન જાય કે બૂતમાં ખીલી ભોંકાય નહીં ત્યાં સુધી એના અસ્તિત્વ તરફ આપણે નજર નાંખતા નથી. એનું સ્થાન આપણા જીવનમાં કૅન્સલ થયેલા બસસ્ટૉપ જેવું છે. કવિ ઉદયન ઠક્કર મોચી વિશે એક અદભુત કાવ્ય લઈ આવ્યા છે. વિષય કરતાંય વિષયની માવજત એક સામાન્ય અવલોકનને ઉમદા કવિતાની કક્ષાએ લઈ જાય છે. અછાંદસ કવિતાઓને ડાબા હાથનો ખેલ ગણતા આજના કવિઓએ આ કવિતા પાસેથી અછાંદસ કવિતા કોને કહેવાય એના પાઠ ભણવા જોઈએ…
Permalink
January 11, 2019 at 1:26 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
‘ભાઈશ્રી,
કોઈ પુસ્તક વાંચીને, સંતના સમાગમથી કે પછી ચમત્કારિક અનુભવથી જીવન બદલાઈ જાય.
તમારે આવું થયું છે? તમારા જીવનનો વળાંક કયો?
લિ. સંપાદક’
સંપાદકશ્રી,
તમે માથેરાન ગયા છો?
સ્ટેશનની બહાર ટાંપીને બેઠું હોય
એનું નામ બજાર
જૂતા પગના માપના ન હોય
તો પગ જૂતાના માપના કરી નાખે
એનું નામ બજાર
સકારામ તુકારામ પોઇંટથી શરૂ થાય
અને પૈસા ખૂટે ત્યાં પૂરું થાય
એનું નામ બજાર
લાલ માટીનો રસ્તો
બજારથી મોં ફેરવી લઈને
વગડે જાય
વગડો એટલે
સેલ્લારા લેતી સિસોટી
તડકાને ટપ ટપ ટીપતો કંસારો
જીભ કાઢીને હસતી જાસવંતી
શિખાઉ ભગવાને બનાવ્યા હોય
એવા ગલગોટા
સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
જેનું નામ…ખોવાઈ ગયું છે
વગડો એટલે
ફૂલ વતી બોલતા ભમરા
સીમ વતી બોલતાં તમરાં
સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
…વાતની શરૂઆત કોણ કરે?
સંપાદકશ્રી,
બજારથી વગડે જતો મારગ
મારા જીવનનો વળાંક છે
-ઉદયન ઠક્કર
સંપાદન આજકાલ મૂલ્યહીન બની ગયું છે. કોઈકના મનમાં વિચાર આવે કે મિત્રતા વિશે એક સંપાદન કરવા જેવું છે એટલે એ પત્રો દ્વારા, સોશ્યલ મિડિયા દ્વારા વાત વહેતી મૂકે કે આ વિષય પર તમારા લેખો, કવિતાઓ લખી મોકલાવો. સર્જકોમાં તરત જ પ્રેરણાનો જુવાળ આવે અને ઢગલોક લેખ-કાવ્યો સંપાદકને વિના મહેનતે ઘર બેઠાં મળી જાય. સામે ચાલીને મંગાવ્યું હોય એટલે ‘સાભાર પરત’ તો કરી ન શકાય એટલે જે આવ્યું એ બધું પ્રેસમાં પહોંચી જાય અને એક પુસ્તક બજારમાં તરતું થઈ જાય. સંપાદકના છોગામાં વળી એક પીછું ઉમેરાય. જાતમહેનત અને વિશદ સંશોધન કરવા જેટલો રસ અને સમય ભાગ્યે જ કોઈ પાસે છે. સાચો સંપાદક તો મહીસાગરમાં ઝંપલાવીને મોતી લઈ આવે છે.
ઉદયન ઠક્કર આવા સંચાલકોને એક સણસણતો તમાચો મારે છે… સલામ કવિ!
Permalink
December 13, 2018 at 10:49 PM by ધવલ · Filed under અછાંદસ, અછાંદસોત્સવ, ઉદયન ઠક્કર
મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.
હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.
શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.
( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)
પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.
(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)
જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.
(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)
તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.
– ઉદયન ઠક્કર
આ કાવ્ય કોઈને સમજાવવું પડે એવું નથી. કથા આ કાવ્યમાં સહજતાથી વહે છે. વચ્ચે કવિની ટિપ્પણી પણ એટલી જ સહજતાથી આવે છે. અને છેલ્લે ઉઘડે છે કવિતાનું હાર્દ. આધુનિક કથા-કાવ્યો આપણે ત્યાં ઓછા જ છે. ‘કથા-કાવ્ય’ને ખાલી ‘કથા’ થઇ જતા રોકાવું એ એક અઘરી કળા છે. અહીં એ કળા તમે બખૂબી નિહાળી શકો છો. ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો .. આ કવિતા માટે એનાથી ઓછું કાંઈ ચાલશે નહિ, ને એનાથી વધારે આ કવિતાને કાંઈ ખપશે નહિ.
Permalink
September 12, 2018 at 2:19 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુ:ખ :-
ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે.
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે
યરવડાના કેદી સમો;
ઉતારનારને મળી જાય
આઝાદી.
હતું મારી પાસે પણ એક—
ન બાંય, ન બટન
સાલું સાવ સેવાગ્રામી!
એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.
બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો.
ખોલ્યો ડરી ડરીને
પારકા પ્રેમપત્રની જેમ.
ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ,
બદામી દોરાનું બારીક ભરતકામ,
બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે…
ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.
ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ!
ધબ્બો મારીને પડોશી બોલ્યા,
‘હવે તું માણસમાં આવ્યો ખરો!’
બીજાં બધાં તો ઠીક,
પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી.
પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ
મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની.
રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે.
એકસાથે બન્ને તો ક્યાંથી મળે—
સેંથી અને ટાલ
કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ
રેશમ અને પતંગિયું.
ફળિયે પીંજારો બેઠો હોય
હવામાં ઊડતા જતા હોય રૂના પોલ
એવો હળવો હતો હું;
પુરાઈ ગયો એકાએક, કોશેટામાં.
કાલ રાતે મને સપનું આવ્યું.
સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય,
‘એ . . . ઈ, જરીપુરાણા ચિરાગ આપો . . .
બદલામાં નવાનક્કોર લો . . .’
. . . ક્યાં હશે એ અસલનો ચિરાગ?
હજીયે નજર ફરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં—
ક્યાંક પેલું જૂનું પહેરણ…
પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી ઝભ્ભો
ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ.
– ઉદયન ઠક્કર
કવિના લાક્ષણિક અંદાઝમાં કરુણાસભર વ્યંગ……
Permalink
October 30, 2017 at 10:20 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, વિજય નામ્બિસન, વિશ્વ-કવિતા
વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી
નાકા પરની દુકાને ગયાં
પાઉં ખરીદવા
દુકાનદારે પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’
પછી એલિઝાબેથ ઉમાન્ચેરી પોતાને ઘરે ગયાં
એલિઝાબેથ ઉમાન્ચેરી
મેજ સામે બેઠાં
કવિતા લખવા
કવિતાએ પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’
એલિઝાબેથ ઉમાન્ચેરી
બોલ્યાં, ‘હા’
પછી કવિતા પોતાને ઘરે ગઈ.
-વિજય નામ્બિસન
(અંગ્રેજીમાંથી અનુવાદ,ઉદયન ઠક્કર )
કાવ્યનો આસ્વાદ કવિ ઉદયન ઠક્કરના જ શબ્દોમાં :-
ફૂટબોલની રમતમાં સ્ટ્રાઈકર દડાને એક દિશામાં મોકલવાનો અભિનય કરીને બીજી દિશામાં મોકલે, અને અસાવધ પળે ગોલ ઝીંકી દે.સરળ લાગતી આ રચનામાં પણ એક શબ્દફેર વડે કવિતા સિદ્ધ કરાઈ છે.
કવિતાના પહેલા ખંડમાં,શેરીનો દુકાનદાર પૂછે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પોતાની શેરીમાં ઓળખાવાથી કંઈ ‘વિખ્યાત’ ન થવાય. તમે અને હું વિખ્યાત કવિઓ નથી,તોય પોતાની શેરીમાં તો જાણીતા છીએ.વળી દુકાનદારને રસ હોય ઘરાકને ખુશ કરવામાં. પાઉં લેવા આવેલી એલિઝાબેથને દુકાનદાર મસ્કો ચોપડે છે.વખાણ કોને ન ગમે? શિયાળની પ્રશંસા સાંભળીને પેલા કાગડાના મોંમાંથી પૂરી છૂટી ગઈ હતી. લિફ્ટમાં દાખલ થતાંવેંત અરીસામાં ચહેરો ન જુએ એવાને મેં તો હજી જોયો નથી.દુકાનદાર સાથેની વાતચીતથી એલિઝાબેથ પોતાને ‘ક્વીન એલિઝાબેથ’ માનતી થઈ જાય છે.
બીજો ખંડ આમ તો પહેલા જેવો જ છે.એલિઝાબેથ મેજ સામે બેઠી છે, કવિતા લખવા,ત્યાં નાનકડો ચમત્કાર થાય છે. કવિતા ખુદ બોલી પડે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પેલીના માથા પર હજી ‘વિખ્યાત’નું ભૂત સવાર છે, કહે છે,’હા,હા,હું જ!’ હવે બીજો ચમત્કાર થાય છે- કવિતા મોં ફેરવીને જતી રહે છે.
દરેક કવિતા એક નવો પડકાર છે,દરેક વેળા શૂન્યમાંથી સર્જન કરવું પડે છે.મોટા કવિને ગ્રેસના માર્ક મળતા નથી. જેના માથામાં રાઈ ભરાઈ જાય,જે નવું વાંચવાનું મૂકી દે,પ્રયોગો કરવાનું મૂકી દે,તેનો સાથ કવિતા મૂકી દે છે.દયારામનું પદ છે,’વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’ લાભશંકર ઠાકરે શબ્દફેરે કહ્યું,’કવિવર નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’
જે કવિતા માટે ખરું છે તે સર્વ ક્ષેત્રો માટે ખરું છે.કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુનને કાબાઓએ લૂંટી લીધો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોને ચિત્રપટ બનાવ્યું હતું,’રોકી.’ બોક્સિંગ ચેમ્પિયન બન્યા પછી મોજમજામાં પડી ગયેલો રોકી, એક નવાસવાના હાથે કુટાઈ જાય છે.
આ નાનકડી કવિતામાં (શીર્ષક સાથે) ૫૭ શબ્દો છે,જેમાંથી ૨૦ શબ્દો છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ ઉમાન્ચેરી.’ જ્યારે કવયિત્રી પોતે આટલી બધી જગા રોકે,ત્યારે કવિતા તો બહાર જ જતી રહેને!
-ઉદયન ઠક્કર
Permalink
June 21, 2017 at 4:01 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, પ્રકીર્ણ
દૃશ્ય :
મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.
નેપથ્યે :
પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…
આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.
મેઘધનુષ્ય :
ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)
પાંડોબા :
ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)
મેઘધનુષ્ય :
સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને
કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!
બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…
તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!
પાંડોબા :
વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.
મેઘધનુષ્ય :
ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા
પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.
આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’
– ઉદયન ઠક્કર
એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !
Permalink
April 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
મેં પલાંઠી અચલ પસંદ કરી,
શ્વાસોએ દડમજલ પસંદ કરી.
કેટલે જાશો લાખા વણજારા?
સાંઢણીઓ વિકલ પસંદ કરી.
ઊભી પળપળ ધરીને વરમાળા,
ને અમે પણ સકલ પસંદ કરી.
આપણે ચેલકા હુડિનીના,
એટલેસ્તો ગઝલ પસંદ કરી!
સ્હેજ એવી ને સ્હેજ તેવી તું!
તોય અદલોઅદલ પસંદ કરી.
– ઉદયન ઠક્કર
આપણું ભીતર આપણા બહાર સાથે બહુધા તાલમેલ ધરાવતું નથી એમાંથી જ અશાંતિ ઉત્પન્ન થતી હોય છે. આપણી અંદર કોઈક ઠરીઠામ થઈ સ્થિર થવા ઇચ્છે છે પણ જિંદગી દડમજલના રસ્તે ઘસડી જાય છે. અશક્ત થઈ ગયેલી ઇચ્છાઓ લઈને આપણે ક્યાં સુધી પહોંચી શકીશું એ વાત લાખા વણજારાના ઐતિહાસિક પ્રતિક સાથે કવિએ સ-રસ સાંકળી છે. પણ ખરી કમાલ તો દુનિયામાં સર્વકાલીન શ્રેષ્ઠ જાદુગર ગણાતા હુડિનીના કમાલ સાથે ગઝલને juxtapose કરીને કરી છે. જીવનમાં જે ક્ષણ આવી એ તમામને વધાવી લેવાની વાત કરતો શેર તો શિરમોર થયો છે.
Permalink
October 15, 2016 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, પાબ્લો નેરુદા, વિશ્વ-કવિતા
પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું
એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી
અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર
એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં
એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી
અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ
– પાબ્લો નેરુદા
(અંગ્રેજી પરથી અનુ. ઉદયન ઠક્કર)
કવિશ્રી ઉદયન ઠક્કરના જ શબ્દોમાં આસ્વાદ પણ માણીએ:
પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડેછોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે. ‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.’વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.
‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા. જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે.
‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃ તિનું?
-ઉદયન ઠક્કર
Fable of the Mermaid and the Drunks
All those men were there inside,
when she came in completely naked.
They had been drinking: they began to spit.
Newly come from the river, she knew nothing.
She was a mermaid who had lost her way.
The insults flowed down her gleaming flesh.
Obscenities drowned her golden breasts.
Not knowing tears, she didn’t cry tears.
Not knowing clothes, she didn’t have clothes.
They blackened her with burnt corks and cigarette butts,
and rolled around laughing on the tavern floor.
She did not speak because she couldn’t speak.
Her eyes were the color of distant love,
her twin arms were made of white topaz.
Her lips moved, silently, in a coral light,
and suddenly she left by that door.
Entering the river she was cleaned,
shining like a white rock in the rain,
and without looking back she swam again
swam toward emptiness, swam toward death.
– Pablo Neruda
Permalink
August 29, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે
એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?
અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’
બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે
ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’
– ઉદયન ઠક્કર
મક્તાનો શેર આખી ગઝલને ઊંચકી કાઢે છે……
Permalink
May 16, 2016 at 3:34 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, દુહા
લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ
સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય
ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ ?
કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ
સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય
રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !
જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ
સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જો કે, થડકો હોય
– ઉદયન ઠક્કર
પ્રત્યેક ‘દુહો’ એક અલગ કહાની કહે છે….. નવતર પ્રયોગ…
Permalink
April 17, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગીત
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
. ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
. પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
. ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
. રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
– ઉદયન ઠક્કર
મજા આવી ગઈ !! ગુજરાતી કવિઓ અમુક વિષયો પ્રમાણમાં ઓછા ખેડે છે, જેમકે લગ્નેતર સંબંધ. તેમાંય વળી સ્ત્રીપાત્ર-કેન્દ્રી લગ્નેતર સંબંધ ઉપર ગુજરાતી કાવ્ય મેં પહેલીવાર જ વાંચ્યું ! નાયિકાને પતિ વ્હાલો નથી એવું નથી, પરતું એક અન્ય ચહેરો પણ ચિત્તાકાશમાંથી કેમે હટતો નથી. તે સ્વગત બબડે છે – મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે. બંધન ગમતું નથી, મર્યાદા સમજાય છે પણ સહેવાતી નથી.
ઉન્નતભ્રૂ [ highbrow ] લોકોનું નાકનું ટેરવું ચડી જાય એવી બિન્ધાસ્ત રજૂઆત જવલ્લે જ જોવા મળે છે. મહદઅંશે લોકો હૃદયના નિખાલસ ભાવને નિરપેક્ષ રીતે observe કરવાને બદલે દંભના કવચમાં વધુ સલામતી અનુભવે છે. પ્રેમ કદી કોઈ બંધનમાં બંધાતો નથી તેમજ કોઈને બંધનમાં બાંધતો નથી એવી વાતો પાંચ માણસ વચ્ચે કરીને પોતાની છબી ચમકાવવી એ એક વાત છે અને જયારે પત્ની ખરેખર………………
Permalink
March 11, 2016 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ઢોલ નગારે લોકો ત્રૂઠા
જલતરંગના ભાયગ રૂઠાં
સંતુલન આબાદ સાચવ્યું
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં!
આંગળીઓ, એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?
વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં
મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઉઠાં!
(ત્રૂઠા= સંતોષ પામ્યા)
-ઉદયન ઠક્કર
કવિ ભલે એમ કહેતા હોય કે પાંચ બાણ ને પાંચે બૂઠાં પણ અહીં પાંચ શેરમાંથી એક પણ શેર બૂઠો થયો નથી. કવિને જો કે વનપ્રવેશના સંદર્ભ સાથે પંચેન્દ્રિય અભિભૂત છે એ સમજી શકાય છે. ઘોંઘાટપ્રેમી જનતા જલતરંગ જેવા સંવેદનશીલ વાદ્યનો આનંદ ઊઠાવી શક્તી નથી એના સંદર્ભે પણ કવિ આપણી બુઠ્ઠી થતી જતી સંવેદના તરફ જ અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે. વાહ કવિ !
Permalink
July 26, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે
રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા
‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઈને મેં પૂછ્યું, ‘કુમળો એક… અંતરાત્મા રાખું કે?’
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, ‘રાખને દસ-બાર…’ જેવી વાત છે
વાતેવાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે?
કોણ છે તું? ઓળખી લે જાતને, નહિ તો કૂદકો માર, જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
પંચતંત્રની છ વાર્તાઓ ગઝલના છ શેરમાં ગૂંથીને કવિ લઈ આવ્યા છે. એ બધી વાર્તાઓને આજના પરિપ્રેક્ષ્યમાં મૂકીને કવિ અખાની જેમ ચાબખાવેધ સાધી શક્યા છે…
Permalink
June 16, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,
કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની,
બેદરકારીને કારણે,
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..
ગુજરાતી
વાંચતી–લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની : કાનુડાએ
કોની મટકી ફોડી ? -એમ પૂછો તો કહેશે,
જેક એન્ડ જિલની…..
ગોતીને પાછી લાવનારને માટે,
ઇનામ…
એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.
– ઉદયન ઠક્કર
વાતમાં દમ છે. હવે આ દિવસો દૂર નથી. સારી ગુજરાતી મીડીયમની સ્કૂલ microscope લઈને શોધવી પડે એવી હાલત છે. મને જો કે આ વાતનો અંગત રીતે હરખ-શોક કશો નથી. હું તો આને ઉત્ક્રાંતિનો નિયમ માનું છું….. જો કે ઘણાં લોકો આ વાતે ખૂબ વ્યથિત પણ હોય છે.
Permalink
May 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
વાતેવાતે શેનું મોડું થાય છે ?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે ?
મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે.
થાય સીધાં કામ આ વરસાદમાં ?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે
શેરને તું શ્લોક માફક બોલ મા !
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે ?
રોકતાં રોકી તો લીધી આ ગઝલ,
ફેફસાંમાં વાવાઝોડું થાય છે
– ઉદયન ઠક્કર
સાયન્ટિફિક ગઝલ એમ કહીને સંબોધવાનું મન થાય એવી ગઝલ… પહેલા શેરમાં બાયોલોજી… બીજામાં ઝૂલોજી… ત્રીજા-ચોથામાં ફિઝિક્સ… છેલ્લા શેરમાં વિજ્ઞાનની કોઈ શાખા ભલે નથી, પણ ફેફસાં તો આવી જ ગયા…
જો કે આવું કશું ન વિચારો તો પણ આ ગઝલ સાવ અનૂઠી ફ્લૅવરવાળી અને વારંવાર વાગોળવાનું (બાયોલોજી!) મન થાય એવી છે !
Permalink
November 30, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
. આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
અવાજ-૧
. એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
. અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
. ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
. ઊંડે તાણી જાય છે, મારા
. શ્વાસો
. ક્રમશ:
. તૂટે છે.
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી
અવાજ-૨
. મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
. જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
. દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
. મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
અવાજ-૩
. શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે !
. રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે !
. જાણે પંખી ડાળ મૂકીને જાત હવામાં ફેંકે જી !
. અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી !
સમૂહ
. પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
– ઉદયન ઠક્કર
Permalink
July 22, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ, ગીત
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.
મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
– ઉદયન ઠક્કર
આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Permalink
March 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે
વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
ગત રવિવારે કવિશ્રી ઉદયન ઠક્કરને રૂબરૂ મળવાનો-માણવાનો લ્હાવો મળ્યો. કવિ જે રીતે સામાન્ય વાતચીતમાં અત્યંત સહજતાથી અને પટુતાથી વ્યંગબાણ છોડતા હતા તે કળા અદભૂત હતી. હસાવતા હસાવતા વિચારતા કરી મૂકવાની તેમની ખાસિયત અવિસ્મરણીય હતી ! તેઓનું તેઓની આજુબાજુના વિશ્વનું અવલોકન માત્ર તલસ્પર્શી હતું એટલું જ નહિ પણ તેમાં કવિ-દ્રષ્ટિની આગવી સંવેદનશીલતા પણ હતી. પ્રસ્તુત ગઝલ તેઓની એ કળાનો જીવતો-જાગતો નમૂનો છે……
Permalink
February 23, 2013 at 11:44 PM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં
ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં
મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’
પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં
કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં
બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’
– ઉદયન ઠક્કર
રમતિયાળ ગઝલ ……
Permalink
January 15, 2013 at 9:15 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
બંસુરીનો નાદ-મંજુલ મૂકીને
શ્રેષ્ઠ બનવા, સ્થાન અનુકૂલ મૂકીને,
હરકોઈને જાવું પડતું હોય છે
આખરે પોતાનું ગોકુલ મૂકીને.
બસ, ગઝલ બે કાંઠ છલકાતી રહી,
માણસો ચાલ્યા ગયા, પુલ મૂકીને.
જોખમી સ્વપ્નો તળે ભીંજાઈ જો,
છત્રીનું રોજિંદુ વર્તુલ મૂકીને !
આટલા ટહુકા? ને તે પણ શ્હેરમાં?
કોણ ‘પુશ્તુ’ બોલે કાબુલ મૂકીને?
ચકલીઓનું વૃંદ ચાલ્યું સાંજના,
ચાંચમાં તડકાના તાંદુલ મૂકીને.
– ઉદયન ઠક્કર
ગઝલ એક છે પણ કથાઓની વણઝાર છે.
પહેલા બે શેર(કે એક મુક્તક)માં કવિ જન્મભૂમિ મૂકીને કર્મભૂમિમાં જવાની કપરી જરૂરતને વણી લે છે. (અમારા જેવાઓ વળી એમાં ભારત છોડીને આવવાના દુ:ખનો દિલાસો પણ શોધી લે છે.)
નદી છલકાઈ જાય, પૂરની નોબત આવે તો પુલને અસલામત ગણીને બંધ કરી દેવામાં આવે છે. જે નદી માટે સત્ય છે એ ગઝલ માટે પણ સત્ય છે ? સીમા ઓળંગી જાય તો ગઝલ પણ શું એટલી જ જોખમી થઈ જાય?
જોખમી સ્વપ્નોમાં તરબતર થાય તો માણસ કદાચ ઊઘડી પણ જાય. પ્રાર્થના કરો કે એ છત્રી ઘરે જ ભૂલી જાય !
ગઝલનો સૌથી કોમળ પ્રયોગ હોય તો એ છે – ચાંચમાં તડકાના તાંદુલ. તાંદુલ શબ્દ આવે એટલે સુદામા અને એમની નાનકડી પોટલી યાદ આવ્યા વિના રહે ? આખા દિવસના વિરહ પછી બચ્ચાઓને મળવા પાછી જતી ચકલીઓ માટે આનાથી વધારે પ્રસન્ન-ચિત્ર દોરવું અશક્ય છે.
ને છેલ્લે વાત ગઝલના ટાઈટલ-શેરની. કાબુલીવાલાની અમરકથાની વાત છે. નાનકડી છોકરીની મીઠી વાતો કાબુલીવાલાને માતૃભાષા (અને પોતાની દીકરી) ય ભૂલાવી દેવા સક્ષમ હોય છે. (જો આ વાર્તા વાંચે ઘણો સમય થઈ ગયો હોય -અને રડવાની તૈયારી હોય- તો કાબુલીવાલા વાંચવા અહીં ક્લીક કરો.)
Permalink
August 28, 2012 at 10:19 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, મુક્તક
કોડિયા પર સૂર્ય તડક્યો, ‘તારી કોને છે ગરજ?
નૂરની નબળી નકલ! જા, જા, ને બીજું કંઈ સરજ…’
ઝંખવાઈને કોડિયું કહે, ‘મુલતવી રાખો, હજૂર
આ ચુકાદો, આજ રાતે, આપવાની છે અરજ’
– ઉદયન ઠક્કર
Permalink
September 5, 2011 at 11:10 PM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
પ્રેમાનંદની ચોટલીને
સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરો
હવે ગણો
કેટલાં માથાં એની ઉપર નીકળી શક્યા છે?
*
બધાને હતી આમ તો
બાકીનાએ રોકડી કરી લીધી
દાઢીના દોઢસો
ચોટલીના ચારસો
*
રોજ રાતે ઊગે
ટમક ટમક
સપનાના લયમાં
સવારે
ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે
*
સુંવાળા ચહેરા સહેલા હોય
હાથ ફેરવીએ તો હાથમાં કશું ન આવે
દાઢીનો વાળ ઝાલી
છલાંગી શકાય
અર્થોને પેલે પાર
જોકે પડી જાય
ભૂલકાંઓ તો
*
ગુફામાનવને પણ હતી
એ પીંછી બોળતો
સાબુમાં નહિ
રંગોમાં
ભીંતો ચીતરતો
આપણે ભીંત ભૂલ્યા છીએ
બોળી બેઠા છીએ
– ઉદયન ઠક્કર
ઉદયન મોટા ગજાની વિનોદવૃત્તિનો માલિક છે. એનો વ્યંગ સુંવાળો છે ને ધ્યાનથી ન વાંચો તો તદ્દન ચૂકી જાવ એવો સૂક્ષ્મ છે. સર્જનશક્તિને પહેલા એ ખૂબીથી દાઢી સાથે સાંકળી લે છે. તે પછી એનો ઉપયોગ કરીને વિનોદ-વ્યંગની મીઠી ચાસણી પાડે છે. આટલો સૂક્ષ્મ વિનોદ કાવ્યમાં ભાગ્યે જ દેખાય છે.
તા.ક. આખી કવિતાની સમજ ઉમેરી છે.
(૧) કવિતા ઘટતી જતી સર્જનાત્મકતા (creativity) પર વ્યંગ છે. પ્રેમાનંદની ચોટલી અને સિતાન્શુની દાઢીને જોડતી રેખા – સર્જનાત્મકતા એક લેવલ – સુધી બહુ ઓછા લોકો પહોચી શક્યા છે. આ પહેલી કણિકાથી કવિ સર્જનાત્મકતાને દાઢી સાથી સાંકળી લે છે. બાકીની કવિતા માટે દાઢી=સર્જનાત્મકતા એવું સમજવું.
(૨) સર્જનશક્તિ આપણા બધા પાસે હતી પણ, મોટાભાગના લોકો પૈસા પાછળ દોડવામાં ખરા સર્જનને ભૂલી જાય છે.
(૩) ઢાંકણીમાં પાણી લઈને દાઢી કરવાનો પહેલા રીવાજ હતો. એને સાંકળીને રોજ રાત્રે ઉગતી દાઢી, સવારે ઢાંકણીના પાણીમાં ડૂબી મરે એવું કલ્પન રચ્યું છે. અર્થ એવો પણ થાય કે રોજ રાત્રે કલ્પના-સપના-સર્જનમાં રચતા આપણે, સવારે ક્રૂરતાથી એનું ‘વિમોચન’ કરી નાખી ‘રુટિન’ જીંદગીમાં લાગી જઈએ છીએ.
(૪) નો અર્થ આ સંદર્ભે સીધો સમજી શકાય એમ છે.
(૫) ગુફમાનાવો પણ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરતા. એ ય ગુફાચિત્રો બનાવતા (- જો કે એ દાઢીથી નહોતા બનાવતા!). પણ આપણે, આટલા આગળ વધ્યા પછી ઓછા સર્જનાત્મક થતા જઈએ છીએ. Creativityની દાઢી બોડાવી જીંદગીની ધૂંસરી ખેચે રાખીએ છીએ.
Permalink
July 23, 2011 at 1:58 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
કમળદળને ભીંજાવીને અમે પણ જોઈ લીધું છે
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે.
તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે
હથેળીમાં છુપાવીને અમે પણ જોઈ લીધું છે.
કદી વિદ્યુતપ્રવાહોથી રમત સારી નથી હોતી
જરા નજરો મિલાવીને અમે પણ જોઈ લીધું છે.
કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું
કદીક એમાં જ આવીને અમે પણ જોઈ લીધું છે.
ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.
જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે.
કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.
અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.
– ઉદયન ઠક્કર
લાંબી રદીફની ગઝલની મોટી મુશ્કેલી એ હોય છે કે મોટા ભાગે એ રદીફ ગઝલમાં લટકણિયું બનીને રહી જતી હોય છે. શેરમાંથી રદીફ કાઢીને વાંચીએ એટલે તરત જ અહેસાસ થાય કે કવિએ જે વાત કહેવાની હતી એ તો આગળની દોઢ પંક્તિમાં પૂરી જ થઈ ગઈ છે અને આ રદીફ એમાં કંઈ નવું ઉમેરી શક્તી નથી… પણ ઉ.ઠ.ની આ ગઝલના આઠે આઠ શેર રદીફ ઢાંકી દઈને વાંચો તો રદીફની અનિવાર્યતા અને એના વિના શેરની અધૂરપ તરત જ સમજાય છે…
Permalink
March 8, 2011 at 11:42 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝુલવા દે.
આપણે તો ભલો એક કેદાર ને આપણો તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ બાજી રહ્યું, બાજવા દે.
આંખ મીંચીને ક્હેતા તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરના પોપચાં સૂર્યના ટાંકણે-ટાંકણે ખૂલવા દે.
વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે.
– ઉદયન ઠક્કર
ઊર્મિ-ઉડ્ડયનથી નરસિંહના સૂરને અડકી લેતી ગઝલ.
Permalink
July 8, 2010 at 12:54 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં
મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા
હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા
કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં
જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.
સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં
– ઉદયન ઠક્કર
દરેક યુગને એક મહાત્માની અને એક અખાની જરૂર પડે જ છે. સમાજ ગમે એટલો સુસંસ્કૃત અને સાક્ષર ભલે ને થઈ જાય, બદીઓથી બચીને ચાલતા એને આવડતું જ નથી. અખો છ પદના છપ્પામાં ચાબખા મારતો હતો, બરાબર એવી જ અસર ઉદયન ઠક્કર અહીં બબ્બે મિસરાના શેરમાં ઉપજાવે છે. આપણને અતિની આદત એવી પડી ગઈ છે કે એ બિમારી હોવાની સમજણ પણ નથી રહી… ક્યારામાં માપસરનું પાણી નાંખવાના બદલે આપણે છોડ સડી જાય એ હદે આપણો ભક્તિભાવ બતાવીએ છીએ. હકીકતે તો આપણા આ રીતિ-રિવાજોને તડકે મૂકવા જેવા છે…
અત્યારે ફૂટબોલ ફીવર એની ચરમસીમાએ પહોંચ્યો છે. જર્મનીમાં એક ઑક્ટોપસ ટીમની હાર-જીતનો ફેંસલો કરે છે અને દુનિયાભરની ટીવે ચેનલ્સ અને અખબારો આ ઑક્ટોપસબાબાના દર્શન ખુલ્લા મૂકે છે… આ ગઝલ આવા જ ધૃતરાષ્ટ્રો માટે લખાઈ છે…
Permalink
June 21, 2010 at 2:55 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.
કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.
પૃથ્વી તો સ્હેજે ફૂદરડી ફરતી, રમતી નીકળી
ધીરે ધીરે થઇ ગઇ આદત ને ચીલો થઇ ગયો.
પાણી પ્રગટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે…
જોઇને દર્પણમાં, છોગાળો-છબીલો થઇ ગયો
માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો
સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું
અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો
– ઉદયન ઠક્કર
પ્રકૃતિના મૂળભૂત તત્વો – હવા,પાણી,પ્રુથ્વી,સૂર્ય,માટી – ની એકબીજાની સાથેની પ્રતિક્રિયાને મસ્તીખોર રીતે રજૂ કરતી ગઝલ. એક રીતે જુઓ તો સૃષ્ટિના સર્જનને જાણે માણસ મોટો થતો હોય એમ વર્ણવ્યું છે. પહેલા શેરમાં જન્મ, પછી બોલતા શીખવું, ચાલતા શીખવું, જુવાન થવું, સમયની થાપટ ખાવી અને છેવટે દુનિયાદારી શીખવી.જોકે, ગઝલની ખરી મઝા તો આવો લાંબો વિચાર કર્યા વિના જ આસ્વાદવામાં છે.
હંમેશની જેમ ઉ.ઠ.ની આ ગઝલ પણ તાજા કલ્પનોની લ્હાણી કરતી આવે છે અને હસતા – ને વિચારતા – કરી જાય છે.
Permalink
May 4, 2010 at 9:33 PM by ધવલ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
સાંજે અમે બે પાછા વળતાં ત્યારે
અમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયા
પડછાયા એકમેકને અડીને ચાલતા
અમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છે
એમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશે
એવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીં
એમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.
પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.
આ બે સુંદર પડછાયા એકમેકને મળી આવ્યા
એ અમને વિરલ યોગ જેવું લાગતું.
પડછાયાઓ ઉપરછલ્લી બધી વિગત ભૂંસી નાખતા
અને બે જ બાતમી લઈને રજૂ થતા:
(૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી
– ઉદયન ઠક્કર
મનમાંથી જરૂર વગરની વિગતોને ભૂંસી નાખો, પ્રેમ ઉપસી આવશે.
Permalink
April 30, 2009 at 10:30 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે
એમની ટક-ટક ભલે વેળા-કવેળા હોય છે
હાથ ઝાલી, સાચવી ટાણું, ઊભેલા હોય છે
ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર
આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે
એક દિવસ એમને હળવેકથી હડસેલજો
સંવતોનાં બારણાં તો અધખૂલેલા હોય છે
લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે
સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે
– ઉદયન ઠક્કર
સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે. કમનસીબે મોટા ભાગના માણસો ઘડિયાળને સમયની હાથકડી સમજીને જીવે છે. એક સાચી ક્ષણે તમે જરા હળવેકથી હડસેલો તો સમય ખુદ તમને ગત દિવસોના બધા રહસ્યો કહેવા તૈયાર જ હોય છે. એટલી રાહ જોવાની કદાચ આપણી જ તૈયારી હોતી નથી.
Permalink
February 25, 2009 at 10:30 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, સોરઠા
જોગી બેઠો આસને, જાગ્રત કરવા પ્રાણ
એમાં થઈ મોકાણ : ઊલટાનો પગ સૂઈ ગયો
*
છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું
*
લખચોરાશી ચૂકવી લીધેલું આ પાત્ર,
ભરશે એમાં માત્ર પાણી તું સુધરાઈનું ?
*
કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો
– ઉદયન ઠક્કર
બે લીટીમાં નટખટ ફિલસૂફીને વણી લેતા રમતિયાળ સોરઠા તરત જ ગમી જાય એવા છે. સૂક્ષ્મ વિનોદદ્રષ્ટિ અને શબ્દોનો ચબરાક ઉપયોગ એક ક્ષણમાં જ સ્મિત-વિજય કરી લે છે.
Permalink
July 18, 2008 at 12:56 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ, વર્ષાકાવ્ય
ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
મોસમની હિલચાલ જ છે આશાવાદી :
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડિલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે !
– ઉદયન ઠક્કર
ઉદયન ઠક્કરની આ ગઝલ વરસાદી ગઝલોમાં શ્રેષ્ઠતમ ગણી શકાય. ચાર શેર અને ચારેય અદભુત. વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જે તીવ્રતાથી આ ગઝલના પહેલા શેરમાં અનાયાસ ઊઘડી આવી છે એ न भूतो, न भविष्यति છે. કવિને વરસાદમાં ભીંજાવું તો છે પણ ઠેઠ અંદર સુધી. ભીંજાવાની શક્યતાનો વ્યાપ કવિ રોમ-રોમથી વધારી અંતરાત્મા સુધી લંબાવે છે એમાં આ શેરની ચમત્કૃતિ છે. રેઈનકોટ, છત્રી ભીંજાવાની આડે આવે એ તો સમજી શકાય પણ ખુદનું શરીર જ જો વ્યવધાન ભાસે તો? આકંઠ ચાહનાની આ ચરમસીમા છે, પછી ભલે તે વરસાદ માટે હોય, પ્રિયતમ માટે હોય કે ઈશ્વર માટે હોય.
વરસાદ ગમે તે સ્વરૂપે આવે એ ગંભીરતા, પાકટતા લાવે છે. ઊઘાડી નિર્વસન ધરતીને એ લીલું પાનેતર પહેરાવી અલ્લડ અવાવરૂ કન્યામાંથી ગૃહિણી બનાવે છે તો ફિક્કા પડતા જતા નદીના પોતને એ ફેર ગાઢું કરી આપે છે. વરસાદની ઋતુ આ રીતે ભારે આશાવાદી લાગે છે. ગઈકાલ સુધીની ઉચ્છંખૃલ ષોડશી આજે સત્તરમા વાને ઊભેલી ઠરેલ યુવતી ભાસે છે એ વરસાદનો જ જાદુ છે ને !
(શર=તીર)
Permalink