ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું

ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું
ડૉ. મહેશ રાવલ

પિતૃવિશેષ: ૦૧ : મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.

( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)

જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.

(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

– ઉદયન ઠક્કર

“પિતૃવિશેષ”ના પહેલા પગલે ઉદયન ઠક્કરની રચના થકી પિતા નામની ઘટનાને સલામ કરીએ. આ કવિતા બહુ વર્ષોથી વાંચું છું. દર વખતે થોડી થોડી વધારે સમજાય છે. કવિતા વાંચીને કોઇક વાર રડી નાખું છું અને કોઈક વાર છાની સલામ કરી લઉં છું. એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે. એ ઘટના જ એટલી વિશાળ છે કે એનું મુલ્ય સમજાતા બહુ વાર લાગી જાય છે. અહીં કવિ કહે છે એમ ‘પ્રામાણિક વેદના’ સિવાય બહુધા આપણે એને ખાસ કશું આપી શકતા નથી. અને એટલું ય આપી શકીએ તો ઘણું. 

8 Comments »

  1. Anil Vala said,

    December 5, 2024 @ 3:47 PM

    વાહ… સરસ…

  2. Anil Vala said,

    December 5, 2024 @ 3:48 PM

    વાહ… સરસ…કવિતા…

  3. કિશોર બારોટ said,

    December 5, 2024 @ 4:52 PM

    ઉદયનજીનું મને બહુ ગમતું કાવ્ય. 👌

  4. Riyaz langda said,

    December 5, 2024 @ 9:00 PM

    👌👌👌🙏

  5. Rajan B. Bhatt said,

    December 6, 2024 @ 12:44 AM

    મારા સંપાદનમા પ્રકાશિત “શ્વાસોમા વિશ્વાસનું
    નામ પપ્પા” પુસ્તકમા આપે મોકલેલ આ કાવ્ય પહેલીવાર છાપ્યું
    છેછે..
    બહુ જ સરસ છે.

  6. વિવેક said,

    December 6, 2024 @ 4:36 PM

    હૃદયસ્પર્શી રચનાનો એવો જ હૃદયંગમ આસ્વાદ… “એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે.” – સાવ સાચી વાત… આપણામાંથી મોટાભાગના સમય પર પોતાના જનકને સમજી શકતા નથી… કમનસીબે હું પણ આ યાદીમાંનો જ એક પુત્ર સાબિત થયો છું…

    આભાર, ધવલ!
    સલામ, ઉદયનભાઈ…

  7. યોગેશ કીર્તનલાલ શાહ said,

    December 9, 2024 @ 5:37 PM

    મથુરાદાસ ૯૦ટકા જનતાના પિતાનો પ્રતિનિધિ હતો એ શું નાનીસુની વિશેષતા કહેવાય? અને ૯૦ ટકા પુત્રો પ્રમાણિક વેદના સિવાય બીજું કશું વધુ આપી નથી શકતા એ પણ હકીકત છે જ ને?

  8. ઊર્મિ said,

    December 10, 2024 @ 6:49 AM

    એકદમ જોરદાર અછાંદસ…

    પિતૄવિશેષ પોસ્ટ નિમિત્તે આગળથી ખ્યાલ આવી ગયેલો કે મથુરાદાસ પિતા છે, નહિંતર છેલ્લી પંક્તિ પહેલા ખબરેય ના પડત એટલું ચોટદાર… 👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment