પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
– રમેશ પારેખ

સ્વાગત-સપ્તાહ :૦૬: (કોણ આપી જાય છે?) – વિનોદ રાવલ

સ્વપ્ન જેવો ફૂલગજરો કોણ આપી જાય છે?
પૂછ મા તું પ્રશ્ન અઘરો, કોણ આપી જાય છે?

જાત જેવો બંધ કમરો કોણ આપી જાય છે?
જીવ એમાં એક અથરો કોણ આપી જાય છે?

કેસૂડાનાં ફૂલ, ટહુકા, એમાં તારું આવવું,
એકધારી મીઠી અસરો કોણ આપી જાય છે?

પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?

કોઈની સુંદર સ્મૃતિ ભુંસાઈ જાવાની ક્ષણે,
મસ્ત ફોટો સાફસૂથરો કોણ આપી જાય છે?

– વિનોદ રાવલ

લયસ્તરો પર આજે અમરેલીના તબીબ-કવિના પ્રથમ સંગ્રહ ‘હરિ આવ્યા તળેટીમાં’ને મીઠો આવકાર આપીએ…

‘કોણ આપી જાય છે’ જેવી પ્રશ્નવાચક રદીફ કવિએ બખૂબી નિભાવી તો છે જ, મત્લામાં ‘પૂછ મા તું પ્રશ્ન અઘરો’ કહીને જવાબ પણ આપી દીધો છે. છેલ્લો શેર સહેજ સામાન્ય થયો છે, પણ એ સિવાયના ચારેય શેર કેવા બળકટ થયા છે! મત્લામાં કેવળ ફૂલગજરાની જ વાત કરી હોત તો શેર કદાચ સાધારણ બનીને રહી ગયો હોત, પણ આ ફૂલગજરો સ્વપ્નનો છે એમ કહી જ્યારે કોણ આપી જાય છેનો સવાલ કવિ ઊઠાવે છે ત્યારે લાંબો સમય મનોમસ્તિષ્કના ગુંબજમાં પડઘાયે રાખે એવો સ-રસ શેર જન્મેછે!

10 Comments »

  1. Neha said,

    April 19, 2025 @ 11:26 AM

    છેલ્લા બે શેર વધુ ગમ્યા.. કાવ્યસંગ્રહને આવકાર..

  2. Balkishan Jogi said,

    April 19, 2025 @ 11:42 AM

    વાહ! સંગ્રહની તમામ રચનાઓ અનુભૂતિના સ્તરેથી નિપજી હોય એવું પ્રતીત થાય છે. એટલે જ આપણા હાર્દને સ્પર્શે છે. હાર્દિક અભિવાદન કરું છું.

  3. શૈલેષ પંડયા નિશેષ said,

    April 19, 2025 @ 12:03 PM

    વાહ.. ખૂબ જ સરસ ગઝલ… આવકાર છે…

  4. ઉમેશ જોષી said,

    April 19, 2025 @ 12:26 PM

    કાવ્ય સંગ્રહની સકળ રચનાઓ હ્રદયસ્પર્શી, અર્થસભર છે.
    પૂરો સંગ્રહ વાંચ્યો છે..

  5. Agan rajyaguru said,

    April 19, 2025 @ 12:40 PM

    વાહ ..વાહ…સુંદર ગઝલ…
    અભિનંદન રાવલસાહેબ

  6. Vrajesh said,

    April 19, 2025 @ 12:57 PM

    વાહ.. સાફસુથરી રચના.. શેર અચ્છા હે

  7. , જયેશ ભટ્ટ said,

    April 19, 2025 @ 1:02 PM

    સરસ ગઝલ અને તેની પર મસ્ત અવલોકન. કવિશ્રીને અભિનંદન તેમ જ સરસ ગઝલ ઓ જ વિવેક સરને અભિનંદન

  8. Ramesh Maru said,

    April 19, 2025 @ 2:12 PM

    વાહ…સરસ ગઝલ.

  9. Kishor Ahya said,

    April 19, 2025 @ 3:12 PM

    પ્રાથના ઈશ્વરને સંબોધીને કરવામાં આવતી હોય છે અહી કવિએ ઈશ્વરનું નામ લીધા વિના ઈશ્વરને યાદ કરતા શેરની રચનાઓ કરી છે જે ખુબજ સુંદર છે.

    મત્લાના શેરમાં કવિ સ્વપ્ન ને ફૂલ ગજરા સાથે સરખાવે છે. ફૂલ ગજરો શુભ અને સુંદરતાનું પ્રતિક છે વળી સ્વપ્ન ના જેટલું જ ટકે છે ! કવિ કહે છે આ સ્વપ્નો કોણ આપી જાય છે?

    કવિ અઘરો પ્રશ્ન ના પૂછ,એમ કહે છે કેમકે એનો કોઈ ઉતર નથી.
    ગઝલમાં બે મત્લા છે.

    આવીજ રીતે મનુષ્યના મન /શરીર ને કવિ બંધ કમરો કહે છે જેમાં પ્રવેશવું બંધ કમરામાં પ્રવેશ ન થઈ શકે તેવું છે. કવિ કહે છે જીવ એમાં અથરો ( અધિરો ) કોણ આપી જાય છે? અથરો શબ્દ આજે પણ ગામડામાં વપરાય છે. જેમકે કોઈ ખોટી ઉતાવળ કરતું હોય તો ‘અથરો થા માં ‘, એમ કહેવાતું હોય છે. શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો શરીરની ઇન્દ્રિયો દ્વારા જીવ સંસારના અને મોક્ષના ભોગ કરે છે, આથી ભોગ ભોગવવા જીવ ફરી જન્મ લેવા દોડતો રહે છે એના માટે કવિએ અહી ‘અથરો ‘ શબ્દનો ઉપયોગ કર્યો છે.

    મજાની મોસમ, કોયલ ના ટહુકા થતા હોય એવામાં કોઈ પ્રિયજન નું આગમન થાય તો કેવું ગમે?કવિ કહે છે આ સોંદર્ય કોણે આપ્યું?

    કવિ જે રચનાઓ કરે છેl ,પ્રિય ને કંઈક લખવું હોય, તેના શબ્દો ઘડીક પહેલા સૂઝતા પણ ન હોય અને ઘડીકમાં કેવું સરસ લખાય જાય! કવિ કહે છે આ કોણે કર્યું?

    છેલ્લી શેર કવિની વ્યક્તિગત અનુભૂતિ નો હોય તેમ લાગે છે કે કોઈ ની યાદ ભૂસાઈ જવાતી હોય ત્યારે તેનો સાફ સુથરો સુંદર ફોટો ક્યાંકથી મળી આવે ત્યારે કવિ કહે છે કોણે આ ફોટો મોકલ્યો? કવિને અહી પણ ઈશ્વર ની યાદ આવી જાય છે.
    અહી મસ્ત શબ્દની જગ્યાએ કોઈ પર્યાય શબ્દ હોત તો ઠીક રહેત પણ કવિએ અહી સાહજિક શબ્દ નો જ ઉપયોગ કર્યો છે.

    સમગ્ર પણે ગઝલ બહુ સુંદર છે, કવિનો ઈશ્વર પ્રત્યે નો અનુરાગ તેમાં પ્રતિપળ દેખાય આવે છે. કવિ શ્રી વિનોદ રાવલને તેમના ગઝલ સંગ્રહ ‘હરી આવ્યા તળેટીમાં ‘ ને આવકાર ને શુભેચ્છાઓ.

    વિવેકભાઈ નો સરસ આસ્વાદ કેમ ભૂલાય?

    🌹🌹

  10. Kamlesh Bhatela said,

    April 20, 2025 @ 1:39 PM

    કાવ્યસંગ્રહને ખુબ ખુબ આવકાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment