હરણી હાલી – પ્રિયકાન્ત મણિયાર
. હું તો મટુકી લઈને ચાલી,
સવાર પડે ને સપનાનાં મુજ ભર્યાં સરોવર ખાલી!
સરાણ ચડયા પાનાને હો પાણીની જે પ્યાસ,
અંતરમધ્યે ઊપની એવી આગ બનીને આશ,
. કોઈ મુજને પાઓ છલછલ પ્યાલી.
બપોર બળતી રોમે રોમે હવા વીંઝણો ઢોળે,
લથડ્યા ચરણો કેમ પ્હોંચવું મૃગજલની એ પાળે!
વનને મૂકી ત્હોય વેગળા, વેગ ભરીને હરણી હાલી!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો તરસની છે, પણ કઈ તરસ? રાત આખી તો ઊંઘમાં સપનાંના સરોવરો ભર્યાભાદર્યાં અનુભવાય છે, પણ આંખ ખૂલતાવેંત વિયોગની વાસ્તવિક્તા ઘેરી વળે છે. આ તરસને સરાણે ચડેલ પાનાંની પ્યાસ સાથે સરખાવીને કવિએ વાતને કેવો વળ ચડાવ્યો છે! પાનું સરાણ પર ઘસાવા ચડ્યું હોય એ સમયે પાણી ઉમેરતા જવામાં ન આવે તો પાનું ઘસાઈને તીણું થવાના બદલે ખરાબ થઈ જાય. પાનું ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય એવી જ પિયુમિલનની આશાની આગ નાયિકાના અંતરમધ્યે જન્મે છે. તરસના માર્યા ચરણો કહ્યામાં નથી, અને આવા લથડાતા પગે વાસ્તવિક્તા તો ઠીક, આભાસ સુધી પહોંચવાનું કામ પણ કેવું દુષ્કર! પણ તોય વિરહિણી હરણી જીવનજળની તલાશમાં વેગ ભરીને દોડતા રહેવાનું ત્યજતી નથી…
(ઊપનવું= ઊપજવું)
Vrajesh said,
April 25, 2025 @ 11:16 AM
વાહ.. મૃગજળની પાળ.. અને હરણી ચાલી… ક્યા બાત..
સુનીલ શાહ said,
April 25, 2025 @ 11:20 AM
સરસ કવિકર્મ..મજાનું ગીત
Nice said,
April 25, 2025 @ 12:28 PM
Nice
Dr.v..p. raval said,
April 25, 2025 @ 12:29 PM
Nice
Kishor Ahya said,
April 25, 2025 @ 7:40 PM
પ્રિયકાન્ત મણિયાર 49 વર્ષની વયે આપની વચ્ચેથી વિદાય લીધી તેને આજે 49 વર્ષ થયા (1927 તો 1956) સાત કાવ્ય સંગ્રહો આપ્યા અને લોકોની ખૂબ.વાહ વાહ મેળવી અનેક પુરસ્કારોથી સન્માનિત થયા.
તેમનું ‘હરણી હાલી ‘ ટૂંકું ગીત છે પણ આ ચાર લીટીમાં કવિ આપણાં જીવનમાં આવતા ચાર તબ્બકા બચપણ ,યુવાની, પ્રોઢ અવસ્થા, અને વૃધાવસ્થા પૈકી યુવાન અવસ્થા કેવી હોય છે તેની વાત કવિ હરણી ની ઉપમા દઈ કરે છે.
યુવાની એટલે વસંત, કોયલ નો ટહુકો, પ્રેમના મધુર દિવસો, ક્યાંય કોઈ પોતાનું કે પોતાના નું સાંભળે નહિ , અને જાણતા હોય કે મૃગજળ છે તો પણ એને પકડવા બધું છોડીને ભાગવા માંડે, એનું નામ યુવાની. ‘વેગ મૂકીને હરણી ચાલી ‘
આખું કાવ્ય યુવાનીના તોફાનથી ભરપુર છે ‘કોઈ મુજને પાઓ છલ છલ પ્યાલી ‘ વાહ! વાહ !
પ્રથમ બે પંક્તિઓ પણ ખૂબ સુંદર છે , કવિ સુંદર સપનાને ભર્યા સરોવર ની ઉપમા આપે છે.
બીજી પંક્તિ, સરાણ ચડ્યા પાના
ને ધારદાર કરવા સતત પાણી પાના ઉપર રેડવું પડે છે, કવિ કહે છે આ આગથી પાનું પાણી માટે તરસે છે, તેવીજ આગ અને આશા એમના હૈયામાં છે. કવિએ પ્રેમની વ્યાકુળતા, ઉત્કંઠા, ઉન્માદ માટે સારણ નું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે.
ખૂબ સરસ ગીત અને ખૂબ સરસ આસ્વાદ.
Kishor Ahya said,
April 25, 2025 @ 7:46 PM
Pl. read as[ 1927 to 1976 ]
Harihar Shukla said,
April 26, 2025 @ 9:23 AM
કવિ અમદાવાદમાં સૌભાગ્યવતી સ્ત્રીઓના ચૂડલા ઘડતા એટલે સરાણે ચડેલું પાનું તો આવે એમની કલ્પનામાં.
1966/67 માં ડભોઈમાં કવિ સંમેલનમાં ભાગ લેવા કવિ ગયેલા ત્યારે પ્રતાપનગર ડભોઇની ટ્રેઇનમાં એક જ ડબ્બામાં સાથે હતા. હું ત્યારે ત્યાં કવિઓને જોવા સાંભળવા ગયો હતો. એમનાં કાવ્યોનો દિવાનો હતો!