સ્વાગત-સપ્તાહ :૦૭: છેલ્લો મુકામ – હરિહર શુક્લ
અંતરાયો દૂર કરવાના તમામ,
પહાડની ટોચે જઈ લેવો વિરામ.
કોઈનું લેણું, ન દેણું કોઈનું,
કોઈ શાહુકાર, ના કોઈ ગુલામ.
એટલે કાબૂ મહીં આવ્યો નહીં,
એષણાના અશ્વને ક્યાં છે લગામ?
હુંય રગદોળાઈ સોનું થઈ ગયો,
વિસનગરની ધૂળને સો સો સલામ.
મહેલ હો તો હું કરી દઉં, પણ ‘હરિ’-
ઝૂંપડીને કેમ કરવાની લિલામ?
એક-બે ડગલાં ભરી આગળ, “હરિ’;
જોઉં પાછળ, છોડ્યો મેં છેલ્લો મુકામ?
– હરિહર શુક્લ
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘મૌન પણ સંભળાય છે’નું સપ્રેમ સ્વાગત…
સરળ ભાષામાં સુંદર મજાની ગઝલ. આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ મહાભારતની ઉપકથાનો સંદર્ભ આગળ વધારતો શેર મને સવિશેષ સ્પર્શી ગયો. ગરીબ બ્રાહ્મણને ત્યાં એંઠી પતરાળીમાં આળોટતાં નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું હતું. બાકીનું અડધું અંગ પણ સોનાનું થઈ જાય એ આશાએ નોળિયો યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં આળોટવા આવે છે પણ સફલા થતો નથી. ત્યાગનો મહિમા સમજાવતી આ મહાકથાને કવિ એક કદમ આગળ વધારે છે એમાં વાતને સાર્થક્ય સાંપડે છે. નોળિયાનું તો અડધું જ શરીર સોનાનું થયું હતું, પણ વતનની ધૂળમાં આળોટવાથી કવિની આખી કાયા કંચનની બની ગઈ છે… વતનનો મહિમા કેવી અદભુત રીતે અને કેવી સહજતાથી કવિએ કર્યોપ છે!
Dipak Peshwani said,
April 20, 2025 @ 12:27 PM
વાહ વાહ હરિહર દાદા.. સંગ્રહ અવતરણના વધામણા.. મજાની ગઝલ..
Harihar Shukla said,
April 20, 2025 @ 12:30 PM
આપના લયસ્તરોમાં મારી એક વધુ ગઝલને સ્થાન આપવા બદલ ખુબ આભાર

વિસનગર વાળા મારા શેરનો આસ્વાદ પણ સ્વાદિષ્ટ!
Neha said,
April 20, 2025 @ 12:36 PM
છેલ્લા ત્રણ શેર વધુ ગમ્યા.. અભિનંદન કવિ !
વ્રજેશ મિસ્ત્રી said,
April 20, 2025 @ 1:10 PM
વાહ.. વતનપ્રેમ
Varij Luhar said,
April 20, 2025 @ 1:21 PM
વાહ.. ખૂબ સરસ
Vinod Manek 'Chatak' said,
April 20, 2025 @ 1:46 PM
સરસ ગઝલ…
Vinod raval said,
April 20, 2025 @ 3:51 PM
Saras
Kishor Ahya said,
April 20, 2025 @ 6:41 PM
કવિ શ્રી હરિહર શુકલ ‘હરિ ‘ ના ગઝલ સંગ્રહ ‘મૌન પણ સંભળાય’ છે નું સ્વાગત છે.
કવિના આત્મકથાત્મક શેર થોડા મીઠાસ વાળા છે સામાન્ય રીતે આત્મકથાત્મક શેરના અર્થ જલદી સમજાય જાય તેવા હોતા નથી આમાં વ્યક્તિગત, અંગત અનુભવોની વાતો હોય છે, જે અગમ્ય શબ્દોથી પ્રતીત થતા હોય છે.
કવિ અહી જે વાત કરે છે તેમાં ઝૂપડીને લીલામ કરવાની વાત આ પ્રકારની લાગે છે.
છેલ્લો મક્તા નો શેર એકાદ બે ડગલાં આગળ જાવ પછી બે ડગલાં પાછળ જોવ હરિ , છોડ્યો મે છેલ્લો મુકામ એનો અર્થ કવિ સાંસારિક માયા થી છૂટી ટેકરી પર મુકામ ઈચ્છે છે પણ જવાબદારી , માયા વગેરેને કારણે વારંવાર પાછું જોવું પડતું હોય, એવો અર્થ હોય શકે. આગળ નો શેર આ વાત ને સમર્થન આપતો દેખાય છે .”મહેલ હોત તો હું કરી દઉં” (વહેચવાનું થતું હોય તેને વહેચી દેત) પણ આ ઝૂંપડી એટલેકે સાધારણ નાનું મકાન ને વેચી(લીલામ) કરીને પણ શું કરું?
ગઝલ વાચતા કવિ આધ્યાત્મિક પ્રકૃતિના છે તે સ્પષ્ટ જણાય આવે છે. પ્રથમ શેર માં જ કવિ કહે છે કોઈ દેવું નહિ કોઈ લેણું નહિ હે! મજાના ટેકરી ઉપર વિરામ કરીએ!,(ઝૂંપડી બાંધીને ભગવાનનું ભજન કરીએ)
એક અન્ય શેરમાં વિસનગરની ધૂળ ની મહત્તા બતાવી તેનાથી પોતે પણ સોનાના થઈ ગયા છે તેમ કહી કવિએ ઋણ ઉતાર્યું છે.વિવેકભાઈ એ આસ્વાદ માં સોનાના અર્ધા અંગ વાળા નોળિયા ની વાત બહુ મજાના અર્થ વાળી છે. જીવનમાં અપેક્ષા કે લાલચ ન હોય તો ઈશ્વર વગર માંગ્યે બધું જ આપી જ દે છે.
બીજા એક શેરમાં કવિએ મહત્વાકાંક્ષા ને લગામ વિનાના અશ્વ સાથે સરખાવી છે. કવિ કાબૂ કરવા થાક્યા પણ લગામ વિનાનો અશ્વ કાબૂમાં આવે? બહુજ સમજવા જેવી વાત કવિએ કરી છે, મહત્વકાંક્ષા જરૂરી છે પણ લગામ હોવી પણ જરૂરી છે નહીતો જીવન મહત્વકાંક્ષા પૂરી કરવામાં જતું રહે છે અને એકઠો કરેલ સામાન અહી જ પડ્યો રહે છે.
બધા શેર અર્થ સભર છે તે ગમતી વાત છે કવિને ગઝલ સંગ્રહ માટે અભિનંદન. આસ્વાદ પણ મજાનો છે.
Ramesh Maru said,
April 21, 2025 @ 8:43 AM
વાહ…મજાની ગઝલ.આસ્વાદ પણ. કિશોરભાઈએ ગઝલને વધાવી એ પણ વિશેષ ગમ્યું.
vinod raval said,
April 21, 2025 @ 10:02 AM
સુંદર ગઝલ…
kantilal babulal sopariwala said,
April 21, 2025 @ 11:23 AM
ખૂબસુંદર શુક્લ સાહેબ ની રચના
ઓપ આપ્યો ગઝલ નો ને રાગ આલાપ્યો
ત્યાગ નો
મનોહારી ભાવ સાથે ની રચના ખુબજ
ઉત્કૃષ્ટ બની છે
આભાર સહ ………કે બી