રંગમાં જે ભળી નથી શક્તા,
એ પછી રાગ-દ્વેષ પામે છે.
સુધીર પટેલ

(કોઈ બપોરે) – મનોજ ખંડેરિયા

કોઈ બપોરે ભરવા બેઠી
રેશમ-દોરે ભરવા બેઠી
મોર લીલો રે ભરવા બેઠી
.                     ઘરથી નવરી થઈ

પીછું ભરતાં પાંખ થરકતી
કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી
જોતી રહી ને આંખ ફરકતી
.                     ઊંડી ઊતરી ગઈ

ઊંડા કંઈ ઘારણમાં ઊંડે
વીતી નમણી ક્ષણમાં ઊંડે
જીવતરના દર્પણમાં ઊંડે
.                     નિજને નીરખી રહી

– મનોજ ખંડેરિયા

અંજનીગીત એટલે અપ્રતિમ નજાકતનું ગરવું લાવણ્ય! અંજનીનું પોત એટલું ઝીણું છે કે કવિતા કઈ ક્ષણે સર્જાય છે એ સમજાય એ પહેલાં તો ગીત પૂરું થઈ જાય… પ્રસ્તુત રચના એનું સબળ ઉદાહરણ છે. કાવ્યનાયિકા કોઈ એક બપોરે નિરાંતના સમયમાં ઘરકામથી નવરી થઈ રેશમદોરે લીલો મોર ભરવા બેઠી છે. સ્ત્રીને નવરાશના સમયે ભરતકામ કરતી નિહાળવી એ એક લહાવો છે. મનગમતી પ્રવૃત્તિ કરતી વખતે સ્ત્રી સમાધિ ન લાગી ગઈ હોય એટલી એમાં ઓતપ્રોત થઈ જતી હોય છે. અહીં પણ એમ જ બન્યું છે. કપડામાં મોરનું પીછું ભરી રહેલ નાયિકાને મોરની પાંખ થરકતી હોવાનું પ્રતીત થાય છે. ગળાનો આકાર ઘડાયો એવામાં ટહુકો છટકી જતો સંભળાયો. ભરવાનું કામ અટકી ગયું અને નાયિકા પોતાના ભરેલા મોરને સજીવ થયેલો જોઈને સમાધિ અવસ્થામાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. નાયિકા સંત નથી એટલે પોતાની આ ઝેન કે સમાધિની સ્થિતિને ઊંડી ઊંઘમાં પોતે ઊતરી ગઈ હોવાનું કહીને વર્ણવે છે. જીવતરના દર્પણમાં ઊંડે ઊંડે એ સ્વને નીરખે છે. સજીવન થયેલ અનુભવાતું પંખી નાયિકાના ખુદને માટે સંજીવની બની રહે એ કેવી મોટી વાત!

અંજનીગીત કાવ્યપ્રકાર વિશે વધુ જાણવા માંગતા મિત્રો અહીં ક્લિક કરે.

9 Comments »

  1. Vrajesh said,

    April 26, 2025 @ 8:50 AM

    વાહ.. ટહુકો છટકે..! બહુ ગમ્યું

  2. Shilpa bhavsar said,

    April 26, 2025 @ 9:04 AM

    વાહ..ઊંડા કોઈ ધારણામાં ….એક ભરત ભરતી સ્ત્રી શું વિચારી શકે તેની સુંદર અભિવ્યક્તિ

  3. vinod raval said,

    April 26, 2025 @ 9:06 AM

    Nice

  4. Harihar Shukla said,

    April 26, 2025 @ 9:27 AM

    નકશીકામ વાળું સૂક્ષ્મ ભરતકામ, નકરી મોજ સાહેબ👌💐

  5. KAVI GIRISH SHARMA SHAGIRD said,

    April 26, 2025 @ 9:52 AM

    વાહ

  6. Harin Vadodaria said,

    April 26, 2025 @ 10:28 AM

    અદ્દભૂત! નાયિકા અને કવિ સાથે જાણે આપણે પણ ગરક થઈ ગયા!

  7. Kishor Ahya said,

    April 26, 2025 @ 5:48 PM

    સુખ એટલે શું? દરેક મનુષ્યનું અલગ અલગ મંતવ્ય,પણ એક મંતવ્ય સર્વ સામાન્ય, જૂની આનંદદાયક સ્મૃતિઓ ને યાદ કરવી, જેમ વાગોળીએ તેમ સુખ લાગે. આવા જ કોઈ સુખ ને યાદ કરતી ભરત ભરતી એક સ્ત્રી ની વાત કવિ મનોજ ખંડેરિયા તેમની રચના અંજની ગીત ‘કોઈ બપોરે ‘ માં કહે છે.

    કવિ એ લેખન પ્રવુતિ કૉલેજ સમયથી જ શરૂ કરી દીધેલ, કાયદાના સ્નાતક પછી થોડો સમય વકીલાત કરી ,ત્યારબાદ લો કૉલેજ માં ૧૯૮૪ સુધી પ્રાધ્યાપક તરીકે સેવા આપી, બાદ નું જીવન સાહિત્ય ક્ષેત્ર ને અર્પણ કર્યું. (૧૯૪૩-૨૦૦૩)કવિ સમૂહ સાથે મળી ને ગુજરાતી ગઝલ ને આધુનિક, પરિવર્તનશીલ બનાવવા માટે તેમણે આપેલ ફાળો અમૂલ્ય છે.

    તેમનું અંજની કાવ્ય વાચતા આપણને પણ આવા જોયેલા દૃશ્યો યાદ આવી જાય છે. પહેલાંના સમયમાં ભરત ગુથવું ,એ દરેક સ્ત્રી ને મન, મનગમતી વાત હતી. સખીઓ સાથે મળી વાતો કર્યે જાય અને ભરત તો ક્યારે ભરાય જાય તેની ખબર પણ ન પડે !

    ક્યારેક કોઈ વખત એકાંતમાં બપોર ની નવરાશ ની પળો હોય ત્યારે સ્ત્રી ભરત ભરવા લાગી હોય એની કવિ વાત કરે છે. ભરત ભરતા સ્ત્રી ઊંડા વિચારમાં પડી જાય છે (ઊંડા કંઈ ધારણામાં ઊંડે)
    વીતી નમણી ક્ષણમાં ઊંડે, કવિ સુખને માટે અહી નમણી ક્ષણ શબ્દો લખ્યા છે.

    ‘જીવતરના દર્પણમાં ઊંડે’

    અત્યારના જીવનમાં ચાલી રહેલા સુખ દુઃખ ને સંસાર ના વિચારો પણ સાથે ચાલે છે. આ બધા સાથે કવિ કહે છે” નિજને નીરખી રહી.’..ભરત ભરતા ભરતા સ્ત્રી પોતાને પણ જોઈ રહી છે તે સહજ વાત પણ કવિ એ કેટલી સહજતાથી કહી દીધી છે! વાહ!

    વિવેકભાઈ એ આસ્વાદ પણ ખૂબ સરસ આપ્યો છે.

    ખુબ સરસ કાવ્ય ,ખૂબ સરસ આસ્વાદ.

    🌹🌹

  8. લતા હિરાણી said,

    April 26, 2025 @ 8:02 PM

    સાંગોપાંગ સુંદર કાવ્ય.

  9. લલિત ત્રિવેદી said,

    May 1, 2025 @ 2:42 PM

    આદરણીય કવિ શ્રી મનોજ ખંડેરિયા એટલે ઋજુતા નો પર્યાય… ભાગ્યે જ આવો હુસ્નેખયાલ આવો સરસ વ્યક્ત થતો માણવા મળે. વંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment