ખુલ્લી પાંખે પિંજરમાં -વિનોદ જોશી
ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!
હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!
અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!
જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!
– વિનોદ જોશી
આજના મનુષ્યોના જીવનની વિડંબનાનું ગાન. કેદમાં હોય ત્યારે ખુલ્લી હોય અને પિંજરની બહાર હોય ત્યારે બંધાયેલી હોય એવી પાંખોનો કોઈ અર્થ ખરો? પંખી તો પ્રતિક છે, પણ આપણામાંથી કેટલા બધા લોકો આ પ્રકારની દોગલી આઝાદી કે ચાતુર્યપૂર્ણ કેદના શિકાર હશે એ આપણે જાણીએ જ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ… આજે પણ આપણા સમાજમાં મોટાભાગના પતિ’દેવ’ પત્નીને નામની આઝાદી આપીને પોતે નિયત કરેલ લક્ષ્મણરેખાની અંદર બાંધી રાખે છે… પાંખને પાંખપણું જ હાંસિલ ન હોય એવી કહેવાપૂરતી સ્વતંત્રતાનોનો શો અર્થ! પિંજરબહાર સરસ મજાની હવા હિલ્લોળે ચડી હોય અને પિંજરમાં બહાર નીકળી ન શકતા શ્વાસોની હવડ ઢગલી મોટી થયે રાખતી હોય –બારીમાંથી દેખાતા આકાશને કામવાની ઇચ્છા તો હોય પણ પિંજરામાં બે ડગલા ભરવા જેટલો અવકાશ પણ માંડ નસીબ થયો હોય એ બંદી પંખી વાદળ સાથે કઈ રીતે ગોઠડી માંડી શકે? સોનાની કેમ ન હોય, જેલ તો જેલ જ ને! પોતાનાં જ આંસુ પી-પીને જીવતા પંખીને એકમાત્ર આધાર એના પડછાયાનો છે પણ એય અધકચરો છે. અધકચરો કેમ? તો કે બે રીતે. એક, જીવતરના જેલખાનામાં પંખીનો એકમેવ સાથીદાર કેવળ પડછાયો છે, જે પોતે પ્રકાશનો મહોતાજ છે. અને બીજું, પંખીના અસ્તિત્ત્વનો આ એકમાત્ર હિસ્સો છે, જે પિંજરાની બહાર રેલાવા-ફેલાવા માટે સ્વતંત્ર છે… સળિયાવાળી પંક્તિને સાદું વિધાન ગણી લઈએ તો ઝળઝળિયાં એના પર ચડાવેલ વળ બરાબર છે, અને પડછાયાવાળી પંક્તિ આખી વાતનું કાવ્યશૃંગ છે. સરવાળે, આખું ગીત આસ્વાદ્ય છે..


Mita mewada said,
May 8, 2025 @ 11:14 AM
ખૂબ સંયમિત રીતે કરેલું કેદનું વર્ણન
જયેશ ભટ્ટ said,
May 8, 2025 @ 3:40 PM
વાહ,
જયેશ ભટ્ટ said,
May 8, 2025 @ 3:41 PM
વાહ, સરસ ગીત, કલ્પનો મસ્ત
જયેશ ભટ્ટ said,
May 8, 2025 @ 3:41 PM
સરસ ગીત, કલ્પનો મસ્ત
Shailesh gadhavi said,
May 8, 2025 @ 3:42 PM
Vaaah
Ramesh Maru said,
May 8, 2025 @ 7:40 PM
વાહ…
વ્રજેશ મિસ્ત્રી said,
May 8, 2025 @ 8:52 PM
વાહ… અદભુત લય અને અદભુત વ્યથા
Kishor Ahya said,
May 8, 2025 @ 10:09 PM
‘ખુલ્લી પાંખે પિંજરમાં ‘ શ્રી વિનોદ જોશીની આ કવિતા પૂરેપૂરી પંખીને પ્રતીક તરીકે લઈને મનુષ્યના જીવન સાથે તેને સંબંધિત કરી છે. શ્રી વિવેકભાઈ એ આસ્વાદમાં કહ્યુંછે તેમ આખી કવિતા આસ્વાધ છે. આસ્વાદમાં શેરના અર્થ શ્રી વિવેકભાઈએ બહુજ સરસ સમજાવ્યા છે.
ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!
પંખી પિંજરમાં હોય અને પાંખો ફફડાવતા હોય પણ ઊડવાની આઝાદી ન હોય તો પાંખોનો કોઈ અર્થ નથી, એવીજ રીતે મનુષ્ય આજે પોતાને આઝાદ માને છે પણ રાજકીય, સામાજિક, આર્થિક કે માનસિક (કેટલાક માની લીધેલા બંધનો) કેટકેટલા દ્રશ્ય અને અદૃશ્ય બંધનો મનુષ્ય ઉપર લદાયેલા છે, જેને લીધે કવિ મનુષ્યને પિંજરમાં પુરાયેલ પંખીની ઉપમા આપી રહ્યા છે. આઝાદી હોવા છતાં મનુષ્ય ઉપર તમામ પ્રકારના બંધનો છે ,મનુષ્ય અને સમાજ પરસ્પર સાથે જોડાયેલ છે ,જેથી મનુષ્ય પોતાની ઇચ્છા મુજબ જીવી શકતો નથી, આને માટે કવિએ પીંજરાની બહાર બાંધેલી પાંખ એવો શબ્દ પ્રયોગ કર્યો છે.
બીજો શેર
હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!
પિંજરમાં બંધ પંખીને આકાશ હવા કે વાદળ સાથે સંબંધ રહેતો નથી. અહીં કવિનો અર્થ, પંખી ની જેમ મનુષ્ય નો પણ પ્રકૃતિ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
ત્યારબાદ
અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!
કવિ કહે છે પંખીનું સાચા સોનાનું પિંજર છે જે જોઈ પંખીને ઝળઝળીયા આવે છે કેમકે આઝાદી નથી. પંખી પોતાનો પડછાયો જોઈને રાજી થાય છે કે મારા જેવું કોઈ અહીંયા છે, એવુંજ મનુષ્યનું જીવન છે. આજુબાજુ દુનિયામાં અમીરી છે જે જોઈને જેની પાસે કઈ નથી તેને આશુ આવી જાય છે. પડછાયાનો સાથ છે તેઓ અર્થ કુટુંબીજનોનો સાથ આવો કોઈ અર્થ હોય શકે.
જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!
જિંદગી તો ઈચ્છાઓ નું આભ છે, કવિ એને ઇચ્છા ના પડતર માળો કહે છે.(પંખી નું પ્રતીક હોવાથી પડતર માળો શબ્દ મૂક્યો છે)
પાંખો અને પગનો સમજણમાં નથી થતો સરવાળો. પાંખો એટલે આકાશે ઊડવાનું અને પગ એટલે જમીન ઉપરની પગલી. કવિ કહે છે આ બેહુનો સરવાળો સમજણમાં આવતો નથી એટલેકે મનુષ્યની ઈચ્છાઓ અને જમીન ઉપરની વાસ્તવિકતા બહુ અલગ છે તેથી સમજણમાં આવે તેમ નથી.છેલ્લી પંક્તિ નો અર્થ, રોજ વેઠતા અવાવરૂ ઉજ્જડ ટહુકાના ભાર! પીંજરનુ પંખી કહે છે રોજેરોજ અવાવરૂ અને ઉજ્જડ જગ્યાએ ટહુકા સંભળાય છે જેનો ભાર વેઠે છે. પંખીને પણ આવા ટહુકા કરવા છે પણ આઝાદી નથી તેથી ગળામાંથી ટહુકો થતો નથી, તેથી બીજાં પંખીના ટહુકા ભાર વેઠવા જેવા લાગે છે.મનુષ્ય માટે આ પંક્તિનો અર્થ મન ને હૃદયમાંથી અદૃશ્ય ઈચ્છાઓ આવી આવી ટહુકા કરી જાય છે પણ કવિ કહે છે આ ટહુકાનો એને ભાર લાગે છે કેમકે ઈચ્છાઓ પૂરી કરી શકાતી નથી. આ પંક્તિના અન્ય અર્થ પણ નિકળી શકે છે, કદાચ કોઈ મિત્ર પ્રિયજન કે કુટુંબીજન ની વાતો ટહુકા તરીકે લીધી હોય તેમ બની શકે.
આખું કાવ્યો પંખીને પ્રતિક તરીકે લઈને મનુષ્ય જીવન પર લીધું છે એ ખરેખર અદ્ભુત છે. વાહ! કવિ શ્રી વિનોદ જોશીને ખૂબ ખૂબ અભિનંદન. કાવ્યના અર્થ અલગ અલગ હોય શકે છે. આ ફક્ત મારું મંતવ્ય છે.
શ્રી વિવેકભાઈ એ આસ્વાદ ખૂબ જ સરસ આપ્યો છે. વાહ!
🌹🌹
Kishor Ahya said,
May 9, 2025 @ 12:13 AM
આ કાવ્ય ને સ્વતંત્ર રીતે પિંજરે પુરાયેલ પંખીની વેદના તરીકે પણ મૂલવી શકાય, ખુલ્લી પાંખે પિંજરમાં,બાંધી પાંખે બહાર આ બાંધી પાંખે બહાર. શબ્દનો અર્થ પિંજર ના પંખી સાથે બેસતો નથી, કેમકે આવું હોતું નથી, તેથી પંખીને મનુષ્ય ના પ્રતીક તરીકે મૂકી પ્રતિસાદ આપ્યો છે.
🌹🌹
Dhrutimodi said,
May 9, 2025 @ 2:56 AM
આપણી આંખ ભરાઈ આવે તો પછી આ નાનકડા પંખીને કેદ આંખોના પાણી નિચોવતી આ કેદ, કોને કહેવું ? પોતાના પડછાયાને જોઈ સાંત્વન ધરાવતું પંખીનું દુ: ખ કોઈના જાણે . જીવતર પણ ભાર સમાન લાગે છે ઈચ્છાના ભારા જેવું જીવન જીવવા લાયક નથી દૂર દૂરથી બીજા પક્ષીઓની સુણી મન ગુંગળાઈ જાય છે પણ કોણ સાંભળે ?
નાનકડું પણ મોટી સજાનું કાવ્ય !