રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
‘અગન’ રાજ્યગુરુ

નીંદરા ડોળાણી – સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતીધાવણુધારા,
ધરતીધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊડે આભમાં ઓ જી રે!

લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડિયું વેડાણું, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!

કેસરે મહેકન્ત ક્યારી,
કેસરે મહેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે! –પાછલી

– સુંદરજી બેટાઈ

ઢળતી સાંજે કોઈપણ કારણ વિના મન ઘણીવાર વિષાદગ્રસ્ત થઈ જાય છે. કારણ? માનવમન અરીસાની જેમ પ્રકૃતિના પરિવર્તનોને સતત ઝીલતું રહે છે. પ્રસ્તુત રચનામાં પણ સૃષ્ટિનું વૈષમ્ય કવિમન તંતોતંત ઝીલે છે. આગલી રાતોના ઉજાગરા ઓછા હોય એમ પાછલી રાતે પણ કોઈક કારણોસર નીંદર ડહોળાઈ ગઈ હોવાનો એકરાર મુખડામાં કર્યા બાદ કારણ ચર્ચવાના બદલે કવિ પોતાનો કેમેરા કુદરત તરફ ફેરવે છે. ઉનાળો લંબાતા અને વરસાદ ન પડતાં ધરતીનાં ધાવણ ઊંડે શોષાઈ ગયાં છે ને આભમાં મેઘલ વાદળાંના સ્થાને આગઅંગાર ઊડી રહ્યાં છે. ક્યારેક જે લહેકતી-લચુંબતી હતી એ વાડીઓ આજે વેડાઈ ગઈ છે અને આંગણે ઝાંખરાં ઊગી આવ્યાં છે. છેલ્લા બંધમાં કવિકેમેરા પ્રકૃતિનો લોન્ગ શૉટ લઈ લીધા બાદ સ્વયંનો ક્લૉઝ અપ લે છે. દુકાળની પીડા કેવળ ધરતી નથી ભોગવી રહી, કવિઉર પણ ભોગવી રહ્યું છે. ધરતીથી જે રીતે વરસાદ રિસાયો છે, એ રીતે કથકથી પ્રિયજન રિસાયું લાગે છે. કેમકે એના અભાવમાં જ હૈયાની કેસર ક્યારી ઊજડી ગઈ છે અને આંખે ઘોર અંધારાં અને ઉજાગરા અંજાયા છે… આ ક્ષણે સમષ્ટિ અને વયષ્ટિ વચ્ચે સાયુજ્ય રચાય છે. જે સર્વમાં છે એ સ્વમાં અનુભવાય છે.

રચનારીતિની વાત કરીએ તો ત્રણેય બંધમાં કવિએ બંધના પૂર્વાર્ધને બેવડાવ્યો છે. પણ કેવળ બેવડાવ્યો છે એમ કહીએ તો કવિકર્મની અવહેલના કરી ગણાય. કારણ ‘ધરતીધાવણુધાર,’ ‘લ્હેકી લચુંબી મારી’ તેમજ ‘કેસરે મહેકન્ત ક્યારી’ – આ ત્રણેય વાક્યખંડ પોઝિટિવ વાઇબ્સ જન્માવે છે, પણ એને દોહરાવતાં સરવાળે તો શોષાવું-વેડાવું ને ઉજડવું જ હાથ લાગે છે. પરિણામે ભાવસંવેદનનો વિરોધાભાસ વધુ બળકટ અને તીવ્ર બને છે. આવી નાની નાની વિધા ચૂકી જવાય તો કવિને યથોચોત ન્યાય કરવાનું રહી જાય, ખરું ને?

આ ગીતને આપણે કદાચ ઉત્તમ ના કહીએ, પણ મજાનું છે એમ તો અવશ્ય કહી શકીએ.

6 Comments »

  1. Vrajesh Mistri said,

    June 4, 2026 @ 11:46 AM

    કવિએ સ્વયંનો ક્લોસ અપ સરસ લીધો

  2. Anonymous said,

    June 7, 2026 @ 6:25 PM

    સરસ

  3. Yamini vyas said,

    June 7, 2026 @ 6:26 PM

    સરસ

  4. Neha Purohit said,

    June 17, 2026 @ 3:25 PM

    મસ્ત ગીત.. બહુ ગમ્યું..

  5. dhruv kumar said,

    July 1, 2026 @ 2:28 PM

    ગીતનો મૂળ સ્વભાવ જ એ છે કે તે એક જ કેન્દ્રીય ભાવ (Central Emotion) અને તેની અવિરત પ્રવાહિતા પર નભે છે. જો કાવ્યના પૂર્વાર્ધ અને ઉત્તરાધ વચ્ચે તાર્કિક કડી તૂટી જાય, તો આખું ગીત વેરવિખેર થઈ જાય છે.
    ​૧. કલ્પન અને પરિણામનો ગોટાળો
    ​કેસરે મહેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
    આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે!

    ​જો હૃદયની (ઉરની) ક્યારી કેસરથી મહેકતી હતી અને તે ‘ઉજાડી’ (નષ્ટ થઈ/ઊજડ થઈ) ગઈ, તો એનું પરિણામ એ જ હોવું જોઈએ કે એ સુગંધ ચાલી ગઈ અથવા એ હરિયાળી બળી ગઈ. કેસરની સુગંધ કે તેની લાક્ષણિકતા સાથે આંખોના ‘ઘોર અંધારા’ને કોઈ સીધો વૈચારિક સંબંધ બેસતો નથી. કવિએ સુગંધના નાશ પામવાની કે બાગ ઉજ્જડ થવાની વાત કરવાની જગ્યાએ સીધો આંખના અંધારાનો કૂદકો માર્યો, જેનાથી પંક્તિઓ વચ્ચેનો સાયુજ્ય-સંબંધ તૂટી જાય છે.
    ​૨. ગીતના માધ્યમની મર્યાદા
    ​ “કવિ ગીતના માધ્યમને ન સમજે ત્યારે અટવાઈ જાય છે.” આ ગીતમાં કવિ સુંદરજી બેટાઈ સદંતર અટવાયા છે, કારણ કે:
    ​પહેલી કડીમાં: વ્યક્તિગત વેદના છે (નીંદરા ડોળાણી, ઉજાગરા).
    ​બીજી કડીમાં: પ્રકૃતિ અને દુકાળનું ચિત્ર છે (ધરતીધાવણધારા શોષાણી, આગઅંગાર આભમાં).
    ​ત્રીજી કડીમાં: વાડીઓ વેડફાઈ જવાની અને ઝાંખરાં ઝીંકાવાની વાત છે.
    ​ચોથી કડીમાં: અચાનક હૃદયની કેસર ક્યારી અને આંખના અંધારા આવી જાય છે.
    ​આ આખી રચનામાં કવિ એ નક્કી નથી કરી શકતા કે આ ગીત કોઈ કુદરતી દુકાળ (Famine) નું વર્ણન કરે છે કે નાયકના ભીતરી વિરહ કે એકલતાને? પ્રકૃતિના વિનાશની સાથે પોતાના હૃદયના વિનાશને જોડવાની કવિની કોશિશ બહુ અણઘડ રહી ગઈ છે. પ્રતીકો એકબીજા સાથે ઓગળવાને બદલે અલગ-અલગ ટુકડાઓ જેવા ભાસે છે.
    ​જો મહેક હતી તો તે મહેક ખોવાઈ ગઈ કે નષ્ટ થઈ એવું હોવું જોઈતું હતું—તે આ ગીતને સાચો કાવ્યાત્મક ઉઠાવ આપી શકી હોત. કવિએ પ્રાસ મેળવવા કે માત્ર ચમકૃતિ ઊભી કરવા માટે ‘અંધારાં ઘોર આંજિયાં’ મૂકી દીધું, જે પૂર્વાર્ધની કેસર ક્યારીની ગરિમાને અને તેની ઉપમાને સાવ નબળી પાડી દે છે.
    ​મોટા અને સ્થાપિત કવિઓના નામે ચાલતી આવી રચનાઓ પાછળનો ‘બૌદ્ધિક ભ્રમ’ બાજુ પર મૂકીને સ્પષ્ટ વિવેચના થવી જોઈએ..

  6. વિવેક said,

    July 1, 2026 @ 6:43 PM

    તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભાર…

    @ધ્રુવકુમાર: આપના ઘણા બધા વિગતવાર અભિપ્રાય એક પછી એક ઘણી બધી પોસ્ટ પર વાંચ્યા… આપના અભિપ્રાયોને જોતાં એટલો ખ્યાલ આવે છે કે એ આપની નહીં, AI ની ભેટ છે… આપ એક જ લીટી લખશો, પણ જાતે લખશો તો વધારે ગમશે…

    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment