જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

રપા અપાર વરસે :૦૫: વરસાદ ગંજીપત્તા જેવો

હુકમના એક્કાની જેમ મૂવો ત્રાટકીને બાજી હર્રેક જીતી લે
વરસાદ સાલો ગંજીપત્તાં જેવો છે.

પત્તાની જેમ એક છાંટો એ ઊતરે ને બાજી થઈ જાય છે છકેલ
જીતવું તો ઠીક પણ હારતાંય આપણને આવડે નહીં એવો ખેલ

આપણે ઊતરીએ તે પત્તું નહીં, સંચોડું માથું કપાઈ જતું હે!

એની છે ખાસિયત એવી કે થોડું રમે ને ઝાઝો ગારો થઈ જાય
એકલા જો હોઈએ તો પત્તાંની જેમ મન આખેઆખું રે ચિપાય

બેકલાં જો હોઈએ તો લાગે કે ખેલ બહુ જામલેટ થઈ ગયો રે.

– રમેશ પારેખ

ર.પા.એ કેવળ ગુજરાતી કવિતાને જ અછો અછો વાનાં લાડ નથી લડાવ્યાં, એમણે વરસાદનેય ઓછો રમાડ્યો-ગમાડ્યો નથી. પ્રસ્તુત ગીતમાં એમણે વરસાદને ગંજીપત્તાં જેવો ગણીને ગીતની આખી બાજી ચીપી છે. વરસાદ દરેકેદરેક બાજી જીતી લેતા હુકમના પત્તા જેવો છે, એ એક છાંટો ઉતરે ને આપણી બાજી નશામાં સમતુલન જાળવી ન શકતા શરાબીની જેમ ડામાડોળ થઈ જાય છે. વરસાદની સામે જીતી તો ન જ શકાય, આપણને તો હારતાંય ન આવડે. આપણે તો પત્તું નહીં, માથું જ કાપીને ધરી દેવાનું રહે. વરસાદની ઋતુમાં એકલા રહેવામાં જોખમ. મન પત્તાંની જેમ આખેઆખું ચિપાઈ જાય-ઉથલપાથલ થઈ જાય. પણ પ્રિય પાત્ર સાથે હોય તો તો…. ખેલ જામી જ જવાનો કે ‘ની?

(સંચોડું = સમૂળગું; ગારો=કાદવ)

8 Comments »

  1. ભગીરથ પંડ્યા said,

    July 10, 2026 @ 11:29 AM

    ર પા જાતે જ કેલીડોસ્કોપ છે. એને વરસાદ રોજ અવનવા રુપે દેખાય. આજે ગંજીપત્તા જેવો લાગ્યો. વાહ! પછી ઉતરી એ કવિતા સામે આવી. બેકલાં હોઈએ તો ખેલ જામલેટ તો થવાનો જ! એમાં કંઈ બેમત ની મલે. કવિ વિવેક ટેલર ર પાના અપાર વરસાદમાં ભાવકોને પલાળી રહ્યા છે. બૉસ, સલામ!

  2. Sandip Kotecha said,

    July 10, 2026 @ 11:30 AM

    Wah….

    જામલેટ? Ra.pa. no બનાવેલ વધુ એક શબ્દ?

    એમના અન્ય બે ગમતા શેર…
    આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
    એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

    એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
    ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

  3. Amin Kanchan said,

    July 10, 2026 @ 1:08 PM

    અદભૂત કલ્પના-વરસાદ વિશે – ગંજીપાના પત્તા –

  4. Jigisha Desai said,

    July 11, 2026 @ 7:25 AM

    વાહ…ગંજીફાની રમત ને વરસાદની અદ્ભુત કલ્પના

  5. Peeyush Bhatt said,

    July 11, 2026 @ 11:55 AM

    વાહ વાહ સિવાય ર.પા. માટે બીજા ક્યા ઉદ્ગાર હોય શકે?
    ગંજીપત્તાંના ખેલથી શરૂ થઈને સીધું આપણા મન સુધી પહોંચી જાય એવી આ ગીત રચના છે.
    જિંદગી એટલે ગંજીપત્તાંની બાજી. આ વરસાદી ગીત એ જ રૂપક પર ઊભું છે. વરસાદના બહાને કવિ જિંદગીની બાજી વિશે વાત કરે છે. આ ગીતમાં લોકબોલીનો સ્વાદ ઘણાં બધા શબ્દોમાં ચાખવા મળે છે. ‘સાલો’, ‘જામલેટ’, ‘છકેલ’, ‘ચિપાય’ – આ શબ્દોને લીધે તો ગીત કાગળ પરથી ઊતરીને ઓસરીમાં બેસી જાય છે. વળી ત્રાટકવું, કપાવું, ચિપાવું વગેરે ક્રિયાપદો ય આક્રમક અને ભીના છે જેમાં વરસાદની ગતિ સંભળાય છે.

    ‘હુકમના એક્કાની જેમ મૂવો ત્રાટકીને બાજી હરેક જીતી લે’ એમ ગીતનાં ઉઘાડથી કવિ બાજીગર બની જાય છે. કહે છે કે, વરસાદનો પહેલો છાંટો કેવો? હુકમનો એક્કા જેવો. જે પડે કે તરત જ બાજી પલટાવી નાખે. બધું બદલી નાખે. મૂવો એટલે ગામઠી બોલીમાં કોઈ પ્રત્યે ગુસ્સો કે ચીડ દર્શાવતો શબ્દ એટલે એવી રીતે ત્રાટકે, ‘વરસાદ સાલો ગંજીપત્તાં જેવો છે.’ અહીં ‘સાલો’ શબ્દથી નારાજગી અને લાડ બંને બતાવે છે… વરસાદ આપણા હાથમાં નથી. ક્યારે આવશે, કેટલો આવશે, બાજી બગાડશે કે બનાવશે એની ખબર નહીં. બિલકુલ પત્તાની જેમ.

    પછી એક જ વરસાદી છાંટાથી માટીની સુગંધ, રસ્તા, મૂડ બધું ‘છકેલ’ થઈ જાય. હારજીતથી યે આગળ આ વરસાદ. ‘જીતવું તો ઠીક પણ હારતાંય આપણને આવડે નહીં એવો ખેલ.’ આપણે જિંદગીને હંમેશા જીત-હારમાં તોલીએ છીએ. પણ કવિ કહે છે કે આ વરસાદરૂપી જિંદગી એવી છે જેમાં હારવાનું પણ આવડતું નથી. કારણ કે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે ફક્ત પલળીએ છીએ, વહી જઈએ છીએ. આપણો કોઈ કંટ્રોલ જ નથી. એટલે ‘આપણે ઊતરીએ તે પત્તું નહીં, સંચોડું માથું કપાઈ જતું હે!’ આપણે તો રમનારા પણ આ ખેલમાં જો આપણે જ ‘પત્તું’ બનીને ઊતરીએ તો કપાઈ જઈએ. એટલે કે લાગણી સાથે ઊતરીએ તો ઘવાય જઈએ.

    બીજા બંધમાં કવિ વરસાદને માણસના સ્વભાવ સાથે જોડે છે. ‘એકલા જો હોઈએ તો પત્તાંની જેમ મન આખેઆખું રે ચિપાય’ અરે…એકલા હોઈએ ત્યારે વરસાદના દિવસોમાં મન ભીનું થઈને ચોંટી જાય. વિચારો એકબીજા સાથે ચિપકી જાય, નીકળે જ નહીં. સાવ ડિપ્રેશન જેવું. અને ‘બેકલાં જો હોઈએ તો લાગે કે ખેલ બહુ જામલેટ થઈ ગયો રે’ સાથે કોઈ હોય એ આનંદ જ અનેરો. જાણે ચા, ભજિયા, વાતો ‘એકદમ જામી ગયું, પૂર જોશમાં, મોજ પડી ગઈ. કવિ એ કહેવા માંગે છે કે એકલા હોઈએ તો વરસાદમાં મન “ચિપાય” જાય, પણ પોતાનું કોઈ સાથે હોય તો એનો એ જ વરસાદ ઉત્સવ બની જાય. સાથે સાથી હોય તો જિંદગીની કોઈપણ બાજી મજા કરાવી દે ને? અહીં લોકબોલીનાં ‘જામલેટ’ શબ્દમાં બાળ સહજ ગામઠી આનંદ છે. અહીં એક જ વરસાદની બે સ્થિતિ. બધી રમત આપણા ‘સાથે કોણ છે’ તેના પર છે.
    આ વિવેકભાઈ માટે…

    ‘વીણી વીણીને વીરા લાવો છો ગીત,
    પછી ઉકેલતાં આવે રે છીંક,
    એક પછી એક ફૂલ ખીલતા રે જાય
    અને તૂટતી રે મનડાં ની ભીંત….

    – પીયૂષ ભટ્ટ

  6. Vrajesh Mistri said,

    July 11, 2026 @ 1:11 PM

    વાહ… જામલેટ

  7. Peeyush Bhatt said,

    July 11, 2026 @ 4:46 PM

  8. Peeyush Bhatt said,

    July 11, 2026 @ 4:50 PM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment