રંગ કોના છે, રાગ કોના છે – હરિકૃષ્ણ પાઠક
રંગ કોના છે, રાગ કોના છે?
આ ફટાણાં ને ફાગ કોનાં છે?
ફાટ ને ફૂટ સૌ ફરેબી છે;
લૂંટમાં લાગ-ભાગ કોના છે?
અલ્પમતને અપાર તોષીને
દૂધ પાયેલ નાગ કોના છે?
હાંડીઓ ઝૂલતી હવાલાની,
તળિયાં એનાં અતાગ કોનાં છે?
રામનું નામ શુક નથી લેતા,
ને સતત રટે છે કાગ, કોના છે?
સત્યને ઠેર ઠેર ઠમઠોર્યું;
ઠેકા—ઠૈયા ને ઠાગ કોના છે?
જંગલો ને વનો ઉજાડીને
ખીલવ્યા છે એ બાગ કોના છે?
ઢોરની ચાર્ય પણ ચરી ચાલ્યા;
જાંગલે તેડ્યા જાગ કોના છે?
દેશ આખાને દોદળો કીધો,
કાળજે દીધા દાગ કોના છે?
– હરિકૃષ્ણ પાઠક
શાસકપક્ષ કોઈ પણ હોય, રાજકારણ સ્વકારણ બનતું જ નજરે ચડે છે. સમય સમયાંતરે કવિઓ પ્રજાસત્તાકને સ્વસત્તાક બનાવી બેઠેલા ભ્રષ્ટાચારીઓનો ઉધડો લેતા રહે છે. નવેનવ શેર નાની પણ ધારદાર છરી જેવા. કવિ એવા સવાલો કરે છે જેના જવાબ બધા જ જાણે છે, પણ તોય આ સવાલો અનિવાર્ય છે. કારણ કે આવા સવાલ જ લોકશાહીનો પ્રાણવાયુ છે. પોપટ ભલેને રામનામ જપવાના બદલે કાગડાનું નામ લે, પણ આપણે સવાલો પૂછવાનું બંધ કરી દઈશું તો આપણાં જંગલો-વનોને ઉજાડીને નિભ્ભર રાજકારણીઓ પોતાના બાગ ખીલવવાનું બંધ નહીં કરે. (કાગવાળા શેરમાં ‘રટે’નો સાંકડો ઉચ્ચાર કરી એને એક ગુરુ તરીકે સ્વીકારવાનું સહેજ કઠિન થઈ પડે છે.)

