કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
- સંજુ વાળા

રૂબાઈથી પર – બકુલેશ દેસાઈ

સ્વાગતમ્ શરદી અને જુકામને!
તું નિકટ તો વાર શી આરામને?

કોઈ પણ કાગળ મને કોરું મળે,
સૌ પ્રથમ ઘૂંટું હું તારા નામને!

રૂપ તારું કોઈ રૂબાઈથી પર!
મા’ત દે છે તું ઉમર ખૈયામને!

શબ્દ મીંચી અર્થ તુજ પામ્યા બદલ
ઝંખુ છું ઈનામને… અકરામને…

તું પ્રવાસે સાથ દે તો ઠીક છે,
શું કરું નહિતર હું આખા ગામને!

આ કથાનક આપણું સુખાન્ત હો!
કોઈ ના બદલી શકે અંજામને!

ના, ‘બકુલેશ’, ના મરણ મકતા મહીં,
ત્યાં ન તું પહોંચી શકે ‘બેફામ’ને.

– બકુલેશ દેસાઈ

ગઝલકાર ગઝલમાં સામે ચાલીને શરદી-જુકામનું સ્વાગત કરે એવી બીના ગુજરાતી ગઝલે કદાચિત્ સર્વપ્રથમવાર જોઈ હશે. પણ આ સ્વાગત કઈ ખુશીમાં એનો ખુલાસો કવિ સાની મિસરામાં કરે છે ત્યારે બે ઘડી મનને મોજ પડી જાય એવો હલકોફુલકો શેર હાથ લાગે છે. લગભગ આખી ગઝલ તગઝ્ઝુલના રંગે રંગાયેલ છે. કોઈ મોટી મોટી વાત નથી. પ્રેમમાં આમેય મોટી મોટી વાતો હોતી નથી. પ્રણય હૃદયની સાદગીના શણગારથી જ વધુ ઓપી ઊઠે. ત્રીજો શેર વાંચીએ ત્યારે આ ગઝલ લખાઈ (૧૯૯૧) એના અગિયાર વર્ષ પહેલાં આવેલ ‘અબ્દુલ્લા’ ફિલ્મના ગીતની એક કડી ‘મીર કી ગઝલ કહું તુઝે મેં, યા કહું ખૈય્યામ કી રૂબાઈ’ અવશ્ય યાદ આવે. મક્તામાં મરણની ગૂંથણી એ બરકત વિરાણી ‘બેફામ’ની ગઝલોનું વૈશિષ્ટ્ય ગણાય છે. કવિએ પોતે મક્તામાં મરણની વાત કરવાની (કુ)ચેષ્ટા કરનાર નથી એમ કહીને કાફિયામાં બેફામને યાદ કરીને પૂર્વસૂરિને સરસ અંજલિ આપી છે.

1 Comment »

  1. Harihar Shukla said,

    September 30, 2026 @ 1:05 PM

    પહેલા શેરમાં શરદી અને જુકામ બંનેનો એક જ અર્થ થાય છે તો પુનારાવતનનું કોઈ પ્રયોજન જણાતું નથી. બીજા શેરમાં કાગળ શબ્દ નાન્યતર ગણ્યો છે. ગઝલ મને લયસ્તરોની કક્ષાની ના લાગી. માફ કરશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment