છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માગે છે
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અનિલ જોશી

અનિલ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અભરે ભરાઈ ગયાં – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!

પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.

Comments (8)

છાંટો –અનિલ જોશી

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે…
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે…

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હુંય વાદળી રે…
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે…

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

– અનિલ જોશી

પહેલા વરસાદ વિશે તો અસંખ્ય કવિઓ લખી ચૂક્યા છે પણ પહેલા વરસાદનો છાંટો વાગવાને લઈને પાટો બંધાવવાની જરૂર ઊભી થઈ હોવાની અભિવ્યક્તિ વિશિષ્ટ અને ભાવકને સફળતાપૂર્વક ‘હૂક’ મારી જકડી લેનારી છે. પહેલા વરસાદનો છાંટો વાગે અને દાક્તર પાસે પાટો બંધાવવા જવું પડે એ છે તો અતિશયોક્તિ અલંકાર જ પણ કેવો નવીન! થોડું અલગ રીતે વિચારીએ તો પતિ સાથેના પ્રથમ મિલનની સ્નેહવર્ષાની વાત કરતી નવોઢા પણ નજર સન્મુખ દેખાય. વાત મોસમના પહેલા વરસાદની હોય કે પ્રથમ સમાગમની, પ્રેમાહત નાયિકાની રગેરગમાં દરિયાના મોજાંની જેમ લોહી વેંત-વેંત હિલ્લોળે ચડતું હોય એવો ઉન્માદ ફરી વળ્યો છે. સામાન્ય રીતે શરીરના અંગોમાં ચડતી ખાલી જીવને ચડી છે એમ કહીને કવિ પોતાના કવિકર્મનો સિક્કો મારી આપે છે.

જાતરાએ ગયેલ સાસુ-સસરા ચોમાસું શરૂ થતાં જ પરત આવી જવાના છે એટલે વરસાદનો કે મધુરજનીવર્ષાનો આનંદ ચિરંજીવી નથી એની પણ નાયિકાને પ્રતીતિ છે જ. વરસાદ અને પવનના કારણે તૂટીને જમીન પર પડેલા આંબલીના કાતરા વીણવા જવાનીય નાયિકાને ફુરસદ નથી, કેમકે સાસુ-સસરાની અનુપસ્થિતિમાં ઘરકામ એમનો ભાગ ભજવી રહ્યું છે. રોજિંદું ઘરકામ રોજિંદા આનંદમાં વ્યવધાન બને છે એ વાત આંબલીના કાતરાના પ્રતીકથી કવિએ બખૂબી ઉપસાવી બતાવી છે. આંબલીના કાતરાને સ્ત્રીની ખટાશની ઝંખના અને સગર્ભાવસ્થાને પણ સાંકળી શકાય પણ વાત પહેલા વરસાદના છાંટાની હોવાથી આપણે ગર્ભાધાન સુધી પહોંચી જઈએ એ વૈજ્ઞાનિક ધોરણે થોડું અનુચિત જણાય છે.

માબાપની અનુપસ્થિતિમાં નિતાંત મધુરજનીનું સ્વર્ગ માણવાના બદલે નાયિકાના મનનો માણીગર પણ છાપરાની જેમ મર્યાદાઓ બાંધીને બેઠો છે. એ જો આકાશની જેમ વિશાળ અને ખુલ્લો હોય તો નાયિકા વાદળી બનીને પોતાનું અસ્તિત્ત્વ એના ખોળે રેલાતું મૂકવા અધીર છે. (तेरी दो टकिया कि नौकरी मे मेरा लाखो का सावन जाय रे જેવો ઘાટ છે અહીં તો!) શબ્દાર્થને અનુસરીએ તો વરસાદનો પહેલો છાંટો પણ જો પ્રિયજનના સાયુજ્યમાં ન માણવા મળતો હોય તો પોતે માણસના બદલે મીઠાની ગાંગડી હોત તો સારું, એમ નાયિકાને થાય છે… વરસાદ પડતાં જ ઓગળી તો જવાત… તો કોઈ રંજ ન રહેત… અને ગીતને સંભોગશૃંગારની વાત તરીકે ઉકલીએ તો કહી શકાય કે પિયુના વહાલમાં પોતે મીઠાની ગાંગડીની જેમ પોતાને ઓગાળી દેવા, પિયુમાં એકાકાર થઈ જવા ઇચ્છે છે. ગાંગડી પણ સાકરના બદલે મીઠાની, કારણ કે જીવનને વધુ સ-લૂણું, બધુ સ્વાદસભર બનાવવા માટે સાકરની સરખામણીએ મીઠાની ગાંગડી વધુ ઉથોચિત પર્યાય છે.

કેવું મજાનું ગીત!

Comments (8)

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

એક મિત્રએ આ રચના વિષે વાતવાતમાં ઉલ્લેખ કરેલો તે યાદ આવતા આ રચના શોધી. મારા માટે સહિયારી રચના નવી વાત છે. ‘અમે બધાં’ ની જેમ કાવ્યમાં પણ આવા પ્રયોગ થયા છે તે નહોતી ખબર. બન્ને કવિ તો માતબર છે જ અને કાવ્ય પણ બળકટ છે.

[ આભાર – ‘ટહુકો.કૉમ ]

Comments (4)

કીડીએ ખોંખારો ખાધો – અનિલ જોશી

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત ?
લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપાંમાં અંત?
ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
ક્રાઉં, ક્રાંઉં…

આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

– અનિલ જોશી

*

અત્યારે દેશ આખો સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ચારેકોર કાગડાઓએ ક્રાઉં ક્રાઉં મચાવ્યું છે એવામાં એકાદી કીડી ખોંખારો ખાવાની હિંમત કરે એની સમાંતરે સંત-પંડિતને juxtapose કરીને કવિતાને કવિએ અનોખી ધાર કાઢી આપી છે.

કવિતાનો મજાનો અંગ્રેજી અનુવાદ પણ અહીં પ્રસ્તુત છે:

*

An ant cleared its throat

An ant cleared its throat in a neem tree swarming with raucous crows
you do not, do you, object to this?

Abandoned have bees their hives – and the saint remains oblivious?
The ant descending from the neem tree – in a drop of gum drowns?
Now, go and stick with gum the falling leaves again to the branches.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

– English Translation by Pradip N Khandwalla
(અંગ્રેજી ભાષાંતર સૌજન્ય: પોએટ્રીઇન્ડિયા)

Comments (3)

સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…

-અનિલ જોશી

શું classic ગીત છે !!!

Comments (8)

એક સવાર – અનિલ જોશી

એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
પાંખ વીંઝતો ડાળ ઝુલાવી કાકડિયો કુંભાર ઊડ્યો કે આખેઆખા જંગલમાં કલશોર.

વાદળાં હતાં તે બધાં વરસી ગયાં હવે પાણીમાં નથી રહ્યાં જૂથ;
કાગડાના માળામાં તરણાં હતાં તે કહે : ‘સૂગરીની ચાંચ, મને ગૂંથ’
કાબરચીતરી ભોય ઉપરથી સાવ અચાનક ઊડ્યાં તણખલાં અટવાયાં જઈ થોર
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

લૂગડાં માફક ક્યાંક સૂકાતું તિરાડના ચિતરામણ પહેરી કાદવિયું મેદાન;
નીલ ગગનમાં કુંજડીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પાડી ઊડતું એક વિમાન…
સ્હેજ અમસ્તી ડાળ હલી કે પડછાયાના હડસેલાથી ફર્રક કરતો ખડી ગયો ખડમોર !
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

– અનિલ જોશી

એક સવારનું આવુંં મજાનું લયબદ્ધ વર્ણન જડવું મુશ્કેલ છે… કવિના કેમેરામાં ઝાડ, સવારમાં ઊઠતાં પંખીઓ, વાદળ, મેદાનથી માંડીને વિમાન સુદ્ધા આવી જાય છે અને સરવાળે આપણને હાથ લાગે છે એક મજાનું ગીત… સવાર જ નહીં, આખો દિવસ અજવાળી દે એવું…

Comments (7)

સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,

જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !

કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

– અનિલ જોશી

ઘણા વર્ષો પહેલા અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ચાહકોના ખૂબ આગ્રહને અંતે અનિલભાઈએ પોતે આ ગીત ગાયું હતું અને મને એ હજુ યાદ છે કે ત્રણથી ચાર વાર વન્સ મોર થયું હતું. લગ્ન જેવા આંનંદના પ્રસંગે તેઓ ખૂબ અચકાતા હતા આ ગીત સંભળાવતા પરંતુ પછીથી ખૂબ ખીલેલા… ઘણા વર્ષે આ ગીત ગઈકાલે રેડિઓ પર સાંભળ્યું અને બધું યાદ આવી ગયું….

Comments (9)

સૂકી જુદાઈની ડાળ – અનિલ જોશી

સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

– અનિલ જોશી

આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…

Comments (10)

શકુંતલાની આંગળી – અનિલ જોશી

કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
.                                           કાંઇ એવું તો વન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

Comments (2)

દે તાલ્લી – અનિલ જોશી

કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું દે તાલ્લી

કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં દે તાલ્લી

કે ગીતમાં અધકચરી માણસતા વાગી દે તાલ્લી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી દે તાલ્લી

કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયા છોકરાં દે તાલ્લી

કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે દે તાલ્લી

કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી

કે ચોકમાં પીંછું ખર્યું ને લોક દોડ્યા દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા દે તાલ્લી

– અનિલ જોશી

તાલીઓની વચ્ચે કવિ એક આખી કથા ગૂંથી લીધી છે. ને કથાના દરેક મુકામે તાલી તો ખરી જ !

Comments (5)

પ્રસવ – એમિલિયા હાઉસ (અનુ. અનિલ જોશી)

પ્રસવના સમયથી આગળ
એક સ્ત્રી જેવી હે મારી જન્મભૂમિ !
તું ધીમે ધીમે ચાલે છે. તારા પગ બોજાથી ભારે છે.
અમે હવે રાહ જોઈ શકીએ એમ નથી, તારા કુદરતી
પ્રસવની. અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
જોર લગાડ. વધુ જોર લગાડ.
તેં જે વીર્યબીજને ગ્રહણ કર્યું છે
એને પૂરા સમય સુધી સહન કર. વધુ જોર લગાવ….
ફક્ત તું જ આપી શકે છે અમારી
આઝાદીને જન્મ !

– એમિલિયા હાઉસ (પૉલિશ કવયિત્રી)
(અનુ. અનિલ જોશી)

ગુલામીની વ્યથા અને આઝાદીની આશા કેવી પ્રબળ હોઈ શકે એનું રૂંવાડા ઊભા કરી દેતું ચિત્રણ આ સાવ નાનકડા કાવ્યમાં સુપેરે વ્યક્ત થયું છે. આવા સશક્ત શબ્દો અને તીવ્રતમ લાગણી કોઈ પ્રસ્તાવનાની મહોતાજ નથી…

Comments (6)

અજ્ઞાત સૈનિકની કબર – અબ્દુલ્લા પેસિઉ (અનુ. અનિલ જોશી)

કોઈ અચાનક બહારથી આવીને પૂછે:
‘અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે?’
હું એને બેધડક કહી દઉં,
‘સર, તમે કોઈ નદીકિનારે ચાલ્યા જાવ,
કોઈ મસ્જિદની બેન્ચ પર બેસી જાવ,
કોઈપણ ઘરના પડછાયા પાસે ઊભા રહી જાવ,
કોઈપણ ચર્ચના દરવાજા પાસે પગ મૂકો,
કોઈ પર્વતની શિલા ઉપર,
બગીચાના કોઈ વૃક્ષ નીચે,
અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
ચિંતા કરશો નહીં.
તમે સહેજ નીચે ઝૂકીને
ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’

-અબ્દુલ્લા પેસિઉ (ઇરાક)
(અનુ. અનિલ જોશી)

*

આ કવિતા વાંચીએ અને આપણી અંદરથી એક ચિત્કાર ન ઊઠે તો આપણા મનુષ્યત્વ અંગે શંકા કરવાની છૂટ છે… યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોતો નથી. પણ મનુષ્યજાતને એના અસ્તિત્ત્વના આરંભથી આ એક સરળ વાત સમજાણી નથી… મારા વિના આ દુનિયા ચાલશે જ નહીં એવું માનનારાઓથી કબ્રસ્તાનો ચિક્કાર ભરેલાં છે…

*

The Unknown Soldier

Whenever an ambassador goes to any country,
he takes with him a wreath of flowers for The Unknown Soldier

And if someday an ambassador comes to my land
and asks me:
‘Where is the grave of The Unknown Soldeir?’
I will tell him:
‘Sir,
On the bank of any stream,
In any place in any mosque,
In the shade of any home,
In the nave of any church,
At the mouth of any cave,
In the mountains – on any rock,
In the gardens – on any treetop,
In my country,
Under any cloud in the sky…
Do not hesitate:
Bow your head
And place your wreath of flowers
anywhere.

– Abdulla Pashew
(Translated by Omid Varzandeh from the Kurdish)

Comments (7)

યાદગાર ગીતો :૨૩: બીક ના બતાવો ! – અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

– અનિલ જોશી

(જન્મ: ૨૮-૭-૧૯૪૦)

સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Koi-Dalkhiman-kavi-anil-joshi-PU.mp3]

અનિલ રમાનાથ જોશી  કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.  જન્મસ્થળ ગોંડલ. વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ.  આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે.  મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

એક ઝાડનાં ઠૂંઠાને જોઈને કવિશ્રીને સ્ફૂરેલું આ ગીત સાવ ખાલી થઈ ગયેલા માણસની ખુમારીનું ગીત છે.  ખાલીખમ્મ ડાળખીવાળા ઝાડને વળી પાનખરનો શો ભય ?  આપણને જીવનમાં પાનખરનાં આવવાનો સતત ભય લાગે છે કારણકે આપણે આપણા હોવાપણાનો ભાર કાયમ સાથે જ લઈને ચાલીએ છીએ. માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી. પરંતુ સાચું તો એ જ છે કે આ ખાલીખમ્મ થવાનું શિખવામાં જ આપણી આખી જીંદગી ખર્ચાઈ જતી હોય છે, અને તોય એ ક્યાં શીખી શકાય છે…  જો ખરેખર શીખી શકાય તો પાનખરમાં પણ લીલાછમ્મ ઝાડની સ્મૃતિમાત્ર આપણા પાંદડા વગરનાં ઠૂંઠાપણાને હર્યુભર્યુ રાખી શકે.

જો કે, આ યાદગાર ગીતની સાથે જ એમનાં બીજાં યાદગાર ગીતોય જરૂર યાદ આવે, જેવા કે- કન્યાવિદાય(સમી સાંજનો ઢોલ ઢબુકતો), અમે બરફનાં પંખી, આકાશનું ગીત, ઝીણા ઝીણા રે આંકેથી અમને, પેલ્લા વર્સાદનો છાંટો, તુલસીનું પાંદડું, અને બીજાં ઘણાય…

Comments (9)

બાલ્ટીમોરના જંગલમાં -અનિલ જોશી

પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા

છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય  મારો ક્રોધ ?

મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

-અનિલ જોશી

કવિ જ્યાં પણ જાય, દરેક વસ્તુ, વ્યક્તિ, પ્રકૃતિ કે સૌદર્યની સરખામણી જાણે-અજાણે ‘પોતાની’ ભૂમિ સાથે કરે જ છે; જેમાંથી ક્યારેક માનવીના બોલ ન સંભળાવાની ‘આહ’ નીકળે છે તો ક્યારેક પંખીના કલરવના ધોધ વહેવાની ‘વાહ’ પણ નીકળે છે. પાણીની જેમ બધે ઢોળાયેલી જાજરમાન ગ્રીનરી જોઈને ‘વાહ વાહ’ કરી ઊઠતા કવિનાં દિલમાંથી ધૂળિયો મારગ ન હોવાની ‘આહ’ પણ નીકળી જ જાય છે.  આપણને જેમણે કેટલાંય સુંદર સુંદર તળપદાં ગીતો આપ્યા છે એવા કવિશ્રી અનિલભાઈને અમેરિકાનાં ‘બાલ્ટીમોર’ શહેરમાં ફરતા ફરતા પણ ‘ગાડી’ને જોઈને જો ‘ગાડું’ યાદ ન આવે તો જ નવાઈ લાગે…  🙂

Comments (8)

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

-અનિલ જોશી

સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે.  પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…

Comments (10)

ગીત-સરોવર – અનિલ જોશી

સાજન !
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર
એના
લય-નીતરતા કાંઠે બેસી
દેશવટો ભોગવતી
સુંદર રાજકુમારી સમી જિન્દગી
ઝરમર
ઝરમર ન્હાય !
નિર્મલ
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર.

– અનિલ જોશી

છલકાતી આંખ એ ગીત-સરોવર જેમાં (સુંદર પણ દેશવટો ભોગવતી!) જિન્દગી ઝરમર ઝરમર ન્હાય. કરૂરણતા નો કોમળતા સાથે નાજુક પ્રાસ બેસાડતું, ટચુકડુ, ગીત થવા મથતું પણ ‘કવિતા’ થઈને સંતોષ માણતું સ્નિગ્ધ કલ્પન.

Comments (5)

વાલમનો બોલ- અનિલ જોષી

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

-અનિલ જોષી

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે…

Comments (8)

તુલસીનું પાંદડું – અનિલ જોશી

મેં  તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
             ક્યાંક  છૂટાછવાયાં ઢોર ચરતાં,
ભુલકણી   આંખનો   ડોળો ફરે ને
               એમ  પાંદડામાં  ટીપાઓ ફરતાં.
મેં  તો  આબરૂના  કાંકરાથી  પાણીને કૂંડાળું દીધું.

પાણીનાં ટીપાંથી ઝગમગતા ઘાસમાં
                નભના  ગોવાળિયાઓ  ભમતા,
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈ ને
           દાંડિયો  બનાવીને  રમતા.
મેં    તો    વેશ્યાના  હાથને  સીતાનું છૂંદણું દીધું,

મેં   તો   તુલસીનું  પાંદડું બીયરમાં નાખીને પીધું.

– અનિલ જોશી

આ ગુસ્તાખ ગીતને સમજાવવાની ગુસ્તાખી કોણ કરે… તમે તમારી રીતે સમજો એમા જ મઝા છે !

Comments (4)

હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં – અનિલ જોશી

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

– અનિલ જોશી

અસ્તિત્વના ભારને સમજવા મથતો આ ગઝલનો પ્રથમ શેર મારો પ્રિય શેર છે. ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં  –  એ આજનો પાયાનો  પ્રશ્ન છે.  છેલ્લા  શેરમાં કવિએ પોતાના નામ  સાથે  શ્લેષ કરીને સરસ વાત કરી છે.

Comments (3)

બરફના પંખી – અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. 

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

– અનિલ જોશી

અ.જો. નુ આ ગીત ગુજરાતી ગીતોમાં એક સિમાચહ્ન છે. આ સાથે જ માણો અ.જો.ના બીજા બે ગીત કન્યા-વિદાય અને મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી.

Comments (1)

કન્યા-વિદાય -અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે-

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

Comments (26)

ગીત – અનીલ જોષી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

-અનીલ જોષી

Comments (7)