આકાશમાં કવિતા – પ્રદીપ ખાંડવાલા
સાંજે
બાલ્કનીમાં બેઠો બેઠો
સૂર્યાસ્તને જોતો હતો
આકાશમાં કશુંક ધૂંધળું જોયું.
વધુ ધ્યાનથી જોયું
અક્ષરના મરોડ જોયા
ચિહ્નવિરામો જોયાં
શબ્દો અને પંક્તિઓ?
એમને ઝાલવા
હાથ લંબાવ્યા
પણ આકાશ સુધી
તે કેમ કરીને પહોંચે ?
બારીકાઈથી જોવા
ચશ્માં પહેર્યાં
દૂરબીન પણ અજમાવ્યું,
મેં જોયું કે ત્યાં શબ્દો હતા
પણ અર્થ ન સમજાયો
શબ્દો વચ્ચે વચ્ચે
શૂન્યો હતા
જે પ્રભાવક લાગ્યા
ઉમદા લાગ્યા
આ તો કાવ્ય જ હોઈ શકે
કોઈ પવિત્ર ભાષામાં.
પછી કાવ્ય બોલ્યું:
મને માણવું હોય તો
ઉપર આવ
આકાશનું પહેલું પગથિયું ચઢ
પછી નિસરણી મળી જશે
શબ્દો તો પ્રાચીન છે
નહીં ઊકલે
પણ અર્થ માણી શકીશ!
– પ્રદીપ ખાંડવાલા
મોનાલિસાનું ચિત્ર જોતી વખતે આપણને ચિત્રકારે વૉટર કલર વાપર્યા હશે કે ઓઇલ કલર, સાદો કેનવાસ પેપર વાપર્યો હશે કે કોઈ બીજો વગેરે વિચાર આવતા નથી. આપણે ચિત્રનો આસ્વાદ કરીએ છીએ ત્યારે ચિત્ર બનાવવામાં કામ લેવાયેલ સાધનો વિશે વિચારતાં નથી. વાદ્યસંગીત કે શાસ્ત્રીય ગાયકી પણ શબ્દોની અનુપસ્થિતિમાં આપણને અકલ્પનીય આનંદનો અનુભવ કરાવી શકે છે. એ જ રીતે કવિતાનું ઉપાદાન સાધન છે પણ સાચી કવિતા એ જ, જે વાંચતી વખતે ભાવકનું ધ્યાન કવિએ પ્રયોજેલા શબ્દો પર ન જતાં ભાવક કવિના ભાવપ્રદેશમાં વિહરણ કરવા માંડે.
પ્રસ્તુત રચનામાં કાવ્યનાયક બાલ્કનીમાં સૂર્યાસ્ત હોવા બેઠા છે. આજના નગરજીવનમાં એક તો મોટાભાગની બાલ્કનીમાંથી સૂર્યાસ્ત કે સૂર્યોદયના દર્શન નહીં થાય અને થતાં હોય તો આપણી પાસે સમય નથી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો. પ્રકૃતિ સાથેના ‘કનેક્શન’થી કાવ્યારંભ થાય છે એ વાત સૂચક છે. સૂર્યાસ્ત ટાંકણે આકાશમાં કશુંક અસ્પષ્ટ નજરે ચડે છે. ધ્યાનથી જોતાં કવિને એમાં કોઈક જાતનું લખાણ નજરે ચડે છે. લખાણ ઉકેલવા માટે કવિ શક્ય ઉપાય અજમાવે છે, પણ શબ્દોનો અર્થ સમજાતો નથી. ઊલટું શબ્દો વચ્ચે જે અવકાશ પ્રકૃતિએ છોડ્યો છે એ કવિને વધુ રોચક અને ઉમદા લાગે છે. ખરી વાત છે, ખરી કવિતા હંમેશા બે શબ્દો વચ્ચેની જગ્યા- between the lines- જ રહેલી હોય છે. કવિતા ખુદ કવિતાને પામવાનો રસ્તો પણ સૂચવે છે. એક ડગલું કવિતાની દિશામાં ભરવામાં આવે તો કવિતાને પામવાનો રસ્તો આપોઆપ જડી આવશે. શરત બસ એ જ કે કવિતાને પામવાના નિર્ધાર સાથે પહેલું ડગલું ભરવું પડે. સાચી કવિતા આપોઆપ સમજાઈ જતી હોય છે.