મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે 'શૂન્ય'નો વૈભવ હવે !
'શૂન્ય' પાલનપુરી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for નયન દેસાઈ
નયન દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 20, 2024 at 11:43 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું,
ઝુંડ એકલતાનું આવી ક્યાંકથી ચાખી ગયું.
બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
કોણ ઉમ્બર ૫ર અધૂરી સાંજ આ નાખી ગયું ?
આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું.
આ ધુમાડો થઈ ગઈ તે સાંજ કે સ્વપ્ન હતું ?
શ્વાસના તળિયે સૂતેલું કો’ક જણ ચોંકી ગયું.
ગંધ – શબ્દો – સ્પર્શ ધુમાડો ધુમાડો થઈ જશે;
વારસાગત આ નગર નિયમ મુજબ સળગી ગયું.
લોક ધુમાડાની સાથે વાત પણ કરતું નથી;
લોક ધુમાડાના ઝાંપે આવીને અટકી ગયું.
હું નદીવત્ હું નદીવત્ મંત્રના ઉદ્ગાર હે !
સપ્તસિંધુનું ફરી મોજું મને ભીંજવી ગયું.
બારણે બાંધેલ પડછાયાનું તોરણ – સળવળ્યું;
બારણે બુઝાયેલું આકાશ કો’ ટાંગી ગયું.
ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.
– નયન દેસાઈ
નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!
Permalink
December 24, 2023 at 9:07 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
સાવ ખાલી રમત છે… ખેલું છું,
આ હવાની લિપિ ઉકેલું છું.
આવ, તડકા મને તું ઘેરી લે,
એક પડછાયો તરતો મેલું છું.
હાથ ધ્રુજે કોઈ અજાણ્યાનો,
બારણું એમ ઘરનું ઠેલું છું.
પાંપણોમાં પુરાઈ તવ યાદો,
સ્વપ્નનગરી મહીં ટહેલું છું.
સાંજ દીવાલ છે પ્રતીક્ષાની,
જૂઈની મ્હેકને અઢેલું છું.
– નયન હ. દેસાઈ
હળવે હાથે ખોલતા જાવ… અને ખોવાઈ જાવ કવિતાની કુંજગલીમાં…
Permalink
November 25, 2023 at 10:54 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે? ના… રે… ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો
ચકલીની માફક નવાય છે? ના… રે. ના
ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને
વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું
પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે?
એવું કંઈ કોઈને પૂછાય છે? ના.. રે.. ના
ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,
બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી
શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,
ચકલીને ભાગી શકાય છે? ના… રે … ના
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના
– નયન દેસાઈ
કવિતા આમ તો અમૂર્ત અગોચર પદાર્થ. પણ ક્યારેક જો કવિતાને પ્રયોગદેહ લેવાનું મન થાય તો એનું નામ નયન દેસાઈ જ હોઈ શકે. નયનભાઈએ કવિતારાણીને જેટલાં લાડ લડાવ્યાં છે એટલાં બહુ ઓછા કવિ લડાવી શક્યા છે. આ ચકલીગીત જુઓ. જે જમાનામાં મોબાઇલ નહોતા અને ચકલીઓનું આખા શહેરમાં એકહથ્થુ શાસન હતું એવા કોઈક સમયે લખાયેલી આ રચના છે. એ સમયે ચકલી લોકજીવનનો જ એક ભાગ હતો. એની ચીંચીંથી અળગા થવાનું કે રહેવાનું સંભવ જ નહોતું. એક તરફ સમગ્ર સૃષ્ટિની પટરાણી ચકલી છે અને બીજી તરફ સામેના ઘરમાં કથકના હૈયાની પટરાણી નામે સ્વીટી છે. આ બે ધ્રુવ વચ્ચે હીંચકાગતિ કરતું તોફાની ગીત અર્થની પળોજણમાં પડ્યા વિનાય મધમીઠું ન લાગે તો કહેજો.
Permalink
October 22, 2023 at 11:36 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
પ્રમેય:
અસ્તિત્વ બિંદુ છેઃ
પૂર્વધારણા :
બિન્દુનો આ વિરાટ અને એમાં આપણે
ખાલી હિંડોળા ખાટ અને એમાં આપણે
ઉદાહરણઃ
ઝાકળથી કોઈ આંખના અશ્રુ સુધીનો આ
બિન્દુનો રઝળપાટ અને એમાં આપણે.
પક્ષ:
બિન્દુથી… એક બિન્દુથી… બિન્દુ જ બિન્દુઓ
બિન્દુઓ ધડધડાટ અને એમાં આપણે
સાધ્યઃ
કો’ એક अ નું આમ આ ધસમસવું ब તરફ
વચ્ચે ક્ષણોની વાટ અને એમાં આપણે
સાબિતીઃ
નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.
– નયન દેસાઈ
‘નયનનાં મોતી’ શબ્દાંજલિ શ્રેણીમાં આ સાતમી અને અંતિમ કડી…
પ્રમેય (થિયરમ) એટલે ગણિતમાં સ્વીકૃત પદ્ધતિ મુજબ સાબિત કરાતું મહત્વનું પરિણામ. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. નયન દેસાઈએ આપણને કેટલીક પ્રમેયગઝલો પણ આપી છે. ગણિતનો વિદ્યાર્થી જે રીતે દાખલો માંડીને પ્રમેય સિદ્ધ કરે, બરાબર એ જ રીતે કવિ પણ જે સિદ્ધ કરવાનું છે એ વાત કહીને પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી –એમ પ્રમેયના અંગોને એક પછી એક ન્યાય આપતાં જઈને દાખલો અને ગઝલ બંને સિદ્ધ કરે છે.
વિશાળ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી આ વાતને તેઓએ ગઝલ-ગણિતથી રજૂ કરી છે. વાત પૂર્વધારણાથી શરૂ થાય છે, અને સાબિતી પર જઈને અટકે છે. નયન દેસાઈની પ્રયોગગઝલ છે એટલે એબ્સર્ડિટી કે એબ્સ્ટ્રેક્ટેશનથી અલિપ્ત તો હોય જ નહીં. કાવ્યાર્થથી વિશેષ આ રચનાઓ કાવ્યાનુભૂતિની રચનાઓ જ હોવાની. પોતપોતાની ક્ષમતા મુજબ એમાંથી આચમન કરી લઈએ એ જ ઉચિત.
Permalink
October 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under નયન દેસાઈ, સોનેટ
આ તાર તાર બજતા પવનો ઊડે લ્યા!
કીડી ચઢી મલપતી સરતી થડે લ્યા !
ડાળો અવાક નીરખે સૂંઘતી હવાને,
આ કેફ કેફ ક્યહીંથી મૂળિયે ચડે લ્યા!
આકાશથી ધુમ્મસનાં નીકળ્યાં વહાણો;
એ જાય દૂર સરતાં ૠતુનાં ચઢાણો.
ટોળે વળેલ તડકા વિખરાઈ ચાલ્યા,
લ્યો ઊકલ્યાં સમયનાં લિપિ ને લખાણો.
ને આ નદી સ૨૫ શી વહેવાય લાગી,
જાણે ઊઠી અબઘડી શમણાં જ ત્યાગી
થીજેલ બેય ફરકયા નદીના કિનારા,
ચારે દિશા રણઝણી શહનાઈ વાગી
ફૂલો સજેલ ધરણી રૂપ ઊઘડે લ્યા !
ધીમે ધીમે પવનને લય આવડે લ્યા!
– નયન દેસાઈ
નયન દેસાઈના ખજાનામાં ક્યાંક એકાદ ખૂણામાં સૉનેટના એકાદ-બે મોતી પણ મળી આવે ખરાં. મૂળે ગીત-ગઝલના માણસ એટલે પારંપારિક સૉનેટમાં સહજ અપૂર્ણાન્વય (enjambment, run-off lines) પ્રયોજવાથી એ દૂર રહ્યા છે. વાક્ય એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવાના બદલે પંક્તિ પૂરતું જ સીમિત રહે છે. વાત વસંતના આગમનની હોવાથી કવિએ કાવ્યવાહન તરીકે વસંતતિલકા છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાંચમી પંક્તિમાં ‘ધુમ્મસ’ શબ્દના પ્રારંભના અપવાદ સિવાય કવિએ છંદ સુપેરે નિભાવ્યો છે. સૉનેટની ચુસ્ત પ્રાસનિયોજના પર પણ ગીત-ગઝલનો સંસ્પર્શ વર્તાય છે. પંક્તિએ પંક્તિએ પૂર્ણ થઈ જતા વાક્ય સિવાય ગીતની સહજ બોલચાલની ભાષા કાવ્યસ્વરૂપને અતિક્રમીને અહીં પ્રવેશ પામી છે. લ્યા ને લ્યોથી સૉનેટ છલકાય છે. પવનથી શરૂ થયેલ વાત પવન પર પૂરી થાય એની વચ્ચે કવિનો કેમેરા કીડીથી લઈને આકાશ સુધી સૃષ્ટિ સમગ્ર પર ફરી વળે છે.
Permalink
October 20, 2023 at 11:35 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
અમે ઊભા એવા સમય તટ પે જ્યાં ગગન પડછાયો પાથરતું રહે,
ટહુકે શબ્દો ને ગઝલ ઊડતી પાંપણેથી ઘેન ઝરમરતું રહે.
પુરાણી યાદોના નીરવ ઝરૂખે કોઈ સદા વ્યાકુળ બની ફરતું રહે,
ક્ષણો થીજેલી સૌ બરફ સમ ને મન હઠીલું સૂર્ય કોતરતું રહે.
અજાણ્યા રસ્તાઓ પરિચય સૂંઘે, લોકનું ટોળુંય કરગરતું રહે,
છતાં દોડી જાયે નગર રઝળું, રોજ એને કોણ આંતરતુ રહે?
સમુદ્રોનાં મોજાં વહન કરતું, આપણું હોડીપણું તરતું રહે,
કિનારે શ્વાસોના છળકપટનું દૃશ્ય ઝાંખુ સાથમાં સરતું રહે.
છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…
– નયન દેસાઈ
કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.
Permalink
October 19, 2023 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નયન દેસાઈ
*
અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?
– નયન દેસાઈ
ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.
એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.
અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.
કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !
Permalink
October 18, 2023 at 11:30 AM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
ચંદુ ક્યાંકથી જાણી લાવ્યો
કે પાણી પર ચીતરી શકાય છે
સમજાવ્યો લાખ તોય માન્યો નહીં એ
પાણીની ભાષા કૈં શીખી શકાય છે ?
ચંદુ આપણાથી વાદળાં પર ચાલી શકાય છે ?
રસ્તા પ૨ સ્વીટીના હસવાનો અવાજ બાજુના મકાન સુધી પહોંચે છે
પણ નદી કિનારે બે વ્હાણ કરે વાતો આપણા કાન સુધી પહોંચે છે ?
પડછાયો ભોંય પર ખોડી શકાય છે ?
ચંદુ આપણાથી ભીંતો પર દોડી શકાય છે ?
પાંદડાની નસનસને સૂંઘે પવન પછી ૠતુઓનાં નામ એને આપી દેવાય છે
ફૂલ ઉપર ઝાકળનાં ટોળાંઓ બેસે એ ભોળા પંખીને દેખાય છે
કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?
– નયન દેસાઈ
સ્વગતોક્તિ કાવ્ય છે. કવિ જાતને સમજાવે છે જાણે કે – જે શક્ય નથી તેની પાછળ ગાંડા શીદને કાઢવા ? પ્રેમિકાનો એકરાર હોય કે પછી કોઈ સ્વજન પાસે રાખેલી કોઈ વાંઝણી અપેક્ષા હોય….કે પછી એકલતા સામે ફરિયાદ હોય….મન માને કે ન માને – વાસ્તવિકતા સ્વીકારવી જ રહી….
Permalink
October 17, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નયન દેસાઈ
*
લાંબુ ને લાંબુ ને લાંબુ ને લાંબું ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.
આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.
વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તક્તા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.
ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.
બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.
ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ!
– નયન દેસાઈ
આ ગીતનુમા રચનાનું શીર્ષક કવિએ ‘એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા’ રાખ્યું છે, એટલે એ બાબતે વિચારવાની ફરજ પડે. નયન દેસાઈના ગજવામાંથી તો ગુજરાતી કવિતાએ આ પૂર્વે કદી સાંભળ્યા જ ન હોય એવા અનેક શબ્દોના મોતી જડી આવશે, જેમ કે સંભોગસિમ્ફની ગઝલ, ગઝલ: નાર્કોલેપ્સી, હાઈબ્રીડ ગઝલ, મેટામોર્ફૉસિસ ગઝલ, ભૌમિતિક ગઝલ, ખગોલિય ગઝલ, ક્યૂબીઝમ રચના, ફોનેટિક ગઝલ વગેરે વગરે. ઓગણીસસો સિત્તેરના દાયકામાં હિંદી સિનેમામાં સ્ટિરિયોફોનિક સાઉન્ડના શ્રીગણેશ થયા એટલે એ સમયે આ શબ્દ લોકોને ટિપ ઑફ ધ ટંગ હોય એમાં કોઈ નવાઈ નથી. સ્ટિરિયોફોનિક એટલે અલગ-અલગ દિશાઓમાં જન્મેલા અવાજને અલગ-અલગ દિશાઓથી વહેતો કરવાની પદ્ધતિ જેના કારણે અવાજમાં ત્રિપાર્શ્વીય પરિમાણ ઉમેરાય અને અવાજ નૈસર્ગિક અવાજની વધુમાં વધુ નજીક હોવાનું પ્રતીત થાય. પ્રસ્તુત રચના વાંચવા માટેની નહીં, મોટા અવાજે લલકારવાની રચના છે, કારણ કે તો જ રચનામાં કવિએ ગોપવેલ અવાજની ત્રિપાર્શ્વીયતાનો ખરો અનુભવ કરવો શક્ય બનશે. ષટ્કલના આવર્તનો તો કવિએ યથોચિત જાળવ્યા છે, પણ આવર્તનસંખ્યામાં શિથિલતા સેવી હોવાને લઈને કેટલીક પંક્તિ નિર્ધારિત માપ કરતાં ટૂંકી તો કેટલીક લાંબી રહી ગઈ છે. પણ આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?
‘લાંબુ ને લાંબુ ને…’ કહીને કવિ વાત જ્યારે ચોવડાવે છે ત્યારે લાંબુ સંજ્ઞા સાચા અર્થમાં ચાક્ષુષ થાય છે. માણસમાત્રને નામનો મોહ હોય છે. પોતાનું નામ દુનિયામાં વધુને વધુ મોટું થાય એની ઝંખના અને યત્નોમાં એ જીવન વીતાવે છે. એટલે કવિ અધધધ કહીને આશ્ચર્ય પ્રગટ કરે છે. નામને, પ્રતિષ્ઠાને જેટલું વધારે બાઝીશું એટલું જ વધારે દાઝવાનું થશે. લોહીમાં ધડડડ ડામ જેવા અનૂઠા કલ્પનથી કવિ ડામને પણ આબાદ ચરિતાર્થ કરી શક્યા છે. પ્રથમ પંક્તિમાં એક જ શબ્દની ચાર વારની પુનરોક્તિ બાદ બીજી પંક્તિમાં કવિ દ્વિરુક્તિ-બદલાવ-દ્વિરુક્તિની આંતરપ્રાસ સાંકળી યોજે છે. પણ એ પછી આખી રચનામાં આંતર્પ્રાસ સાંકળી રચતા શબ્દો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાંથી ચોથામાં એટલા તો સાહજોક રીતે ઢોળાય છે કે એમાંથી ઊઠતો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરતો રહે છે. અર્થની દૃષ્ટિએ પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને બખિયા મારીને કવિતાનું કપડું સીવવાની કળા કવિને હસ્તગત હતી. શબ્દમાંથી જન્મતા અર્થ સિવાય શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી તેઓ અર્થ જન્માવી શકતા હતા… માણસ ઉર્ફેથી લઈને અનેક રચનાઓમાં નયન દેસાઈની આ કાબેલિયત આપણી સાથે મુખામુખ થતી રહે છે.
સરવાળે જે અલગ-અલગ પ્રકારના અવાજોના સંમિશ્રણથી રચાતી એકરસ અનુભૂતિ છે એ જ છે ખરી કવિતા.
Permalink
October 16, 2023 at 7:26 PM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
એની એવી છે ટેવ સીધું કૈના વિચારે
અને બદલે છે હરએકનાં નામઃ
પાંદડાને લીલુંછમ જંગલ કહે
અને પંખીને ટહુકાનું ગામઃ
ફૂલોને જુએ તો ઝાકળ થૈ જાય
અને આંખો ભીંજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
તોડીફોડીને કાચ આયનો બનાવે છે
અને ચીતરે છે ચહેરાના ભાવ,
સૂરજના ડૂબવાનો અર્થ કરે એવો
આ તો બારીમાં સાંજનો પડાવ
પાંપણમાં પૂરેલી રાત વેચી વેચી
તડકાઓ વાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
કાંઠો જુએ તો કહે : એકલતા ગાય છે
વહેવાના સંદર્ભો સાવ જુદા બોલે છે
ખારવાનાં ડૂબેલાં ગીત કરી એકઠાં
પેટીની જેમ પછી પરપોટા ખોલે છે
દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
– નયન દેસાઈ
નયનભાઈ સિવાય આવી કવિતા કોણ કરી શકે…!! એક હળવી શૈલીમાં લખાયેલી પરંતુ તેમાં આવી સરસ અર્થગંભીર પંક્તિ કેવી સહજતાથી ભળી જાય છે !!! —
“દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ”
નયનભાઈની આ જ ખૂબી હતી. થોડું એવું લાગ્યા કરે કે ગુજરાતી કાવ્યજગત નયનભાઈને ઉચિત સન્માન ન આપી શક્યું…. નયનભાઇને પણ એ વાત થોડી ખટકતી-એકવાર ભગવતીકુમાર શર્મા આગળ હૈયાવરાળ ઠાલવી પણ હતી. પણ મસ્તમૌલા જીવને એવો ખટરાગ સદે નહીં… પાછા પોતાના અસલ મિજાજમાં આવી ગયા હશે…. અંગત રીતે મારા ગમતા કવિ ! તેઓને વાંચવા કરતાં સાંભળવાનો લ્હાવો વિશેષ ! એક વખત કવિસંમેલનમાં જરા ઢીલો દૌર ચાલતો હતો અને ભાવકો થોડા કંટાળ્યા હતાં – નયનભાઈ માઈક પર આવ્યા….. કોઈ પ્રસ્તાવના વગર સીધું જ બોલ્યા – ” મને કોલેજમાં એક છોકરી બહુ ગમતી, એ આખી દુનિયાની સૌથી સારી છોકરી હતી. એનો એક બાપ હતો, તે આખી દુનિયાનો સૌથી ખરાબ બાપ હતો…..” – આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું….અને પછી નયનભાઇ રંગમાં અને ઓડિયન્સ પણ રંગમાં….
ખોટ સાલશે…..
Permalink
October 16, 2023 at 11:01 AM by વિવેક · Filed under નયન દેસાઈ, પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.
નયન હ. દેસાઈ.
જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.
જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.
રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.
લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.
Permalink
December 26, 2020 at 12:30 AM by વિવેક · Filed under નયન દેસાઈ, શેર
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન હ. દેસાઈ
નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી એમની ગઝલનો એક શેર આપણે જોઈએ. એબ્સર્ડ એટલે જેમાંથી દેખીતો અર્થ તારવવો તો મુશ્કેલ હોય પણ એક અનૂઠી અનુભૂતિ ચોક્કસ કરાવે એ. આ મત્લામાં એકપણ ક્રિયાપદ તો નથી જ, પણ ચૌદ જ શબ્દોના બે મિસરામાં પાંચ-પાંચવાર ‘આ’ વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપીને કવિ આપણને જિગ-સૉ પઝલ પૂરી કરવાનું આહ્વાન પણ આપે છે. આખી ગઝલ જ દૃશ્ય ગઝલ છે, અને એમાં શિરમોર છે આ મત્લા. અહીં બે પંક્તિની સાંકડી ગલીમાં એક-એક કરતાં સાત-સાત દૃશ્યો સાથ-સાથ છે. બધા સાથે દર્શક સર્વનામ ‘આ’ લગાડાયું છે, એટલે જેની વાત થઈ રહી છે, એ સાવ નજીકમાં છે, કદાચ અડી શકાય એટલું. પહેલું દૃશ્ય ‘આ’ વ્યક્તિનું છે. બીજું ‘આ’ ટોળાંનું. ‘लोग साथ आते गये और कारवाँ बनता गया।’ શેર અડધે પહોંચ્યો નથી ને એનો પ્રસાર છેક વયષ્ટિથી સમષ્ટિ સુધી થઈ ગયો! ત્રીજું-ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં-બીજા સાથે સંકળાયેલ અનુભવાય છે. વ્યક્તિ બોલે એ શબ્દો પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ધુમાડાની જેમ જ ટોળાંનો અવાજ કદી સ્પષ્ટ હોતો નથી ને તુર્ત જ વિખેરાઈ પણ જાય છે. એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી, એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે… ઉલા મિસરામાં દૃશ્યગતિ અ-બ-અ-બ જેવી આવજા કરતી દેખાય છે, તો સાની મિસરામાં એ એક જ લીટીમાં સુરેખ થતી નજરે ચડે છે. આંખો, આંખોને દેખાતાં દૃશ્યો અને દૃશ્યો શેનાં તો કે ઊંડી કરાડોનાં. સામસામે ઊભેલાં દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે, જે શબ્દો જેવા સાફ હોવા ઘટે, પણ ટોળું એ ધુમાડા જેવી શૂન્યતા, અસ્થિરતા, અનિશ્ચિતતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ વળી ઊંડી પણ છે… અર્થાત્, નજર સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે ભલે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ જ છે… અને આ તો એબ્સર્ડ ગઝલનો શેર છે. ગાયના આંચળની જેમ એને દોહીને અર્થનું દૂધ તારવવાના બદલે એને માત્ર અનુભવવાની કોશિશ કરીએ તો? કદાચ તોય આ શેર આસ્વાદ્ય બની રહે છે…
ટૂંકમાં, કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને અહીં નિતનવા દૃશ્યો રચે છે. કેલિડોસ્કૉપ યાદ આવે – ફેરવો એટલીવાર નવી ડિઝાઇન!
Permalink
February 13, 2020 at 1:08 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.
ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.
પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…
કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…
– નયન હ. દેસાઈ
સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.
રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.
Permalink
June 19, 2019 at 3:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.
સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?
ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.
બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.
અમથું થયું કે ‘જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ’
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.
– નયન દેસાઈ
Permalink
August 23, 2018 at 2:09 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!
સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!
ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!
અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!
અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?
જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !
– નયન દેસાઈ
નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ગઝલ અને ગીતોમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા છે એટલું કદાચ જ કોઈ કવિ લાવી શક્યા હોય પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નથી… આ ગીત જુઓ અને નક્કી કરો…
Permalink
August 22, 2018 at 8:52 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?
સ્તબ્ધતા ટોળે વળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.
દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.
થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા ?
હાથમાં મારું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું ઝરૂખેથી અતીતના જોઉં જન્મો પાછલા.
– નયન હ. દેસાઈ
Permalink
June 1, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
પનઘટે છલકાતી ગાગર સાંભરે
દી’ ઊગે ને રોજ સહિયર સાંભરે
છેડલો ખેંચી શિરામણ માંગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે
ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે
ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે
સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે
કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે
તાણ ભાભુજીએ કીધી’તી નકર,
કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે?
મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!
-નયન હ. દેસાઈ
નયન દેસાઈની આ મજાની મુસલસલ ગઝલનો આસ્વાદ ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:
આપણામાં કહેવત છે કે પિયરનું કૂતરું યે વહાલું લાગે.સાસરિયું ખારું છે,પિયરિયાની યાદ સતાવે છે, એવું બોલનારી ઘણી સ્ત્રીઓ મળી આવશે.આ કાવ્યની ભરવાડણ જોકે જુદું બોલે છે.
‘સાસરું’ નામ પડતાંવેંત ભરવાડણને ત્રણ વાનાં સાંભરે છે,ત્રણેય પ્રસન્ન કરી મૂકે તેવાં છે: ગાગર સૂકીભઠ નહિ પણ છલકાતી છે. (સુખસમૃદ્ધિની રેલમછેલનું સૂચન.)દી’ આથમતો નહિ પણ ઊગતો છે.(યૌવનકાળનું સૂચન.) સાંભરે છે તે વઢિયારી સાસુ નહિ પરંતુ હસમુખી સહિયર.(આનંદી અડોસપડોસનું સૂચન.)
શિરામણ એટલે નાસ્તો.નાનકડો દિયર વાસીદું વાળતી ભાભીનો છેડલો તાણીને હકપૂર્વક શિરામણ માગે,એ પરિવારમાં પ્રેમ તો હશે જ ને!
પિયરમાં રાત્રિ સૂમસામ છે.સાસરું સાવજની ત્રાડથી થરથરતું.ભરવાડણને તેના ભણકારા સંભળાય છે. (રાત્રિએ ત્રાડ પાડતો સાવજ જાતીયતાનું પ્રતીક હોઈ શકે.પિયરમાં એ સાવજ ક્યાંથી હોય?)
ભરવાડણ આડે પડખે તો થઈ છે, પણ નીંદર આવતી નથી.સાસરિયામાં ‘નીંદર બાથમાં લઈ લેતી હતી.’ (‘પતિ બાથમાં લઈ લેતો હતો’ એવું લખવું અશ્લીલ લાગે.) શૃંગાર રસનું ઉદ્દીપન કરવાનું હોવાથી ‘દેહ’ શબ્દ ખાસ મુકાયો છે.
સાંજ ટાણે પતિ ફળિયેથી સાદ દેતો હતો,તે ભરવાડણને સાંભરે છે.સ્ત્રીસહજ લજ્જાને કારણે સાદ કોણ દેતું હતું,તે કહ્યું નથી.કુળમર્યાદાને લીધે સામો સાદ ન દેવાય, માટે ભરવાડણ આંખોમાં મલકી લેતી હતી. પ્રસંગ મંગલ હોવાથી એને ‘અવસર’ કહ્યો છે.
‘ભાભુ’ એટલે ભાભી અથવા દાદી.પિયરિયે આવેલી યુવતી જાણે ફરીથી છોકરી બની જાય છે, છણકો કરીને કહી દે છે,’મારે મહિયર આવવાની હોંશ નહોતી,આ તો તમે બધાં પાછળ પડેલા માટે આવી છું!’
છેલ્લા શેરમાં આપણને જાણ થાય છે કે ભરવાડણ આ બધું પોતાની માતાને સંબોધીને કહેતી હતી. કરી શકાયો તેટલો ઉત્તાપ તેણે સહન કર્યો, હવે પતિના ગામ ભણી ચાલતી થાય છે. વધુ રોકાવાની દાનત હતે,તો બેગ-બિસ્તરા બાંધીને આવતે.વેળાસર ઉચાળા ભરવા હતા, માટે પોટલું (બચકું) લઈને આવી છે.
ભરવાડણને કોણ સાંભરે છે? ક્યાંય સુધી આડીઅવળી વાતો કર્યે રાખી: ગાગર સાંભરે,સહિયર સાંભરે,દિયર સાંભરે,પાધર સાંભરે,નીંદર સાંભરે…અંતે હૈયે હતું તે હોઠે આવી જ ગયું: આયર સાંભરે! (ભરવાડ અને આયર જુદી જાતિઓ છે. આ કાવ્યનું શીર્ષક હોવું જોઈએ, ‘પિયર ગયેલી આયરાણીની ગઝલ.’)
આ કાવ્ય ગઝલના આકારમાં રચાયું છે.ગઝલનો સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક શેર વડે સ્વતંત્ર કાવ્ય સર્જાવું જોઈએ. અહીં તેવું થતું નથી. જોકે આપણને મમ-મમથી કામ છે, ટપ-ટપથી નહિ. આપણે હરખભેર કહી શકીએ કે આ એક ઉત્તમ કાવ્ય છે.
-ઉદયન ઠક્કર
Permalink
May 7, 2018 at 9:27 AM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
પહેલાં પવન્ન પછી ધીંગો વરસાદ
પછી ડાળખીથી પાંદડું ખરે
એમ આવે છે યાદ કોઇ અરે !
થોડું એકાંત પછી મુઠ્ઠીભર સાંજ
પછી પગરવનું ધણ પાછુ ફરે
એમ આવે છે યાદ કોઇ અરે ! પહેલાં…
બારી ઉઘાડ એવી ઘટના બને
કે આંખ પાણીની જેમ જાય દદડી,
બારણે ટકોરાઓ એવા પડે કે
પછી વાણીની જેમ જાય દદડી,
આગળી ફટાક દઇ ખૂલે ઝૂલે ને
પછી થોડી વાર તરફડાટ કરે
એમ આવે છે યાદ કોઇ અરે… પહેલાં…
પંખીના ટોળામાં આછો બોલાશ બની
ટહુકાઓ જેમ જાય ભળી,
અંધારુ પગ નીચે દોડીને આવે
ને અજવાળું જાય એમાં ઓગળી
આકાશે વાદળીઓ તૂટે – બને
ને પછી સોનેરી રાજહંસ તરે
એમ આવે છે યાદ કોઇ અરે… પહેલાં…
– નયન હ. દેસાઈ
નજાકત ભરેલું નમણું ગીત……
Permalink
March 23, 2018 at 1:32 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.
લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઊંબર ને ભાંગ્યાં કમાડો.
તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.
હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.
ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, હથેળી ને એમાં તિરાડો.
કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો
– નયન હ. દેસાઈ
જેમ વિશ્વ કવિતામાં એમ જ ગુજરાતી કવિતામાં સમય સમયાંતરે વહેણ બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી તરફ ગઝલનું પ્રયાણ થયું એ પછી વચ્ચે ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, પ્રયોગો – આમ ગઝલ અલગ અલગ નવી ફ્લેવર ચાખવાની કોશિશ કરી ચૂકી છે. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ ગઝલો પણ લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.
આ ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી ગઝલ છે. કવિ આખી ગઝલમાં ક્રિયાપદોનો ભાગ્યે જ પ્રયોગ કરે છે. અને ‘આ’ એકાધિકવાર -૧૭ વાર- વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપણને આપે છે અને કહે છે કે આ ટુકડાઓ ગોઠવીને જિગ-સૉ પઝલ પૂરી કરો. આખી ગઝલ એક રીતે જોઈએ તો દૃશ્ય ગઝલ છે. કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને એક નવું જ દૃશ્ય રચે છે. કેલિડોસ્કૉપને જેટલીવાર ફેરવો, એક નવી જ ડિઝાઇન સામે આવે, એવું જ કંઈક આ ગઝલ વિશે કહી શકાય.
એક જ શેર હાથમાં લઈએ:
આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
એક શેરમાં સાત દૃશ્યો એકબીજાની બાજુબાજુમાં મૂકી દેવાયા છે. બધા જ દૃશ્યો સાથે ‘આ’ લગાડાયું છે એટલે જે પણ કંઈ છે એ આપણી આંખોની સામે એકદમ નજીક છે, કદાચ અડી શકાય એટલું નજીક. પહેલું દૃશ્ય આ વ્યક્તિનું છે. બીજું આ ટોળાનું. સમજી શકાય છે કે ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા’ની વાત કવિને અભિપ્રેત છે. ત્રીજું અને ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં અને બીજા દૃશ્ય સાથે જોડાયેલ છે. વ્યક્તિ બોલે એ શબ્દો છે પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ટોળાંનો અવાજ ધુમાડા જેવો છે, એ સાફ નથી, તરત વિખેરાઈ જાય છે, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. બીજા મિસરામાં કવિ ભાવકને પણ સાંકળી લે છે અને બે સામસામે ઊભેલા દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરે છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે પણ ટોળું એ અનિર્ણાયકતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો પડેલી નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ અહીં ઊંડી પણ છે… અર્થાત્, ભલે સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ છે… ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી… એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે…
આખી ગઝલને આ રીતે ખોલી શકાય…
Permalink
March 7, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યા આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યા આયે ન બાલમ.
ચાર દીવાલોની બગિયાંમાં ઝૂલત એકલતાનો ઝૂલો;
બાબુલ મોરા સુખી ડારન પે ફૂલ લગાવ્યા આયે ન બાલમ.
આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.
સંગ હમારે પડછાયો ખેલાત હૈ હમ તો ઊબ ગઈ સજની;
ઈક ઈક પલ દસ્તકમેં હમને દાવ લગાવ્યા આયે ન બાલમ.
સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;
છત પૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યા આયે ન બાલમ.
શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાય હૂઈ હૈયા પર;
ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યા આયે ન બાલમ.
– નયન દેસાઈ
નવતર પ્રયોગ !!!!!!!
Permalink
December 1, 2015 at 3:00 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
લંબચો૨સ ઓ૨ડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
આ ક્ષિતિજથી તે ક્ષિતિજના બંધ દરવાજા થયા
કોઈ ઇચ્છે તોય અહીંથી બા’૨ ક્યાં નીકળાય છે.
ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થૈ ગઈ
કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે?
યાદ આવે છે ગણિતશિક્ષકના સોટીઓના સૉળ
સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે
હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડીઊભી
જિંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે?
– નયન દેસાઈ
Permalink
May 24, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો.
નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે ? પ્રમાણીને કૈં કહો.
કોઈ ડૂબે તો કેટલું ? ડૂબી જવાનો મર્મ ?
તળિયાને ક્યાંક તટ ઉપર તાણીને કૈં કહો !
વહેવું ધ્વનિ કે અર્થ ગતિ કે કોઈ સ્થિતિ
ખોબો ભરો કે અંજલિ નાણીને કૈં કહો !
નયન દેસાઈ
ચાર જ શેરની એક અદભુત ગઝલ… પાણી-જાણી-નાણી જેવા ચુસ્ત કાફિયાઓમાં કવિએ કેવું કમાલનું કામ કર્યું છે ! કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કોયડો બની જાય છે…
Permalink
November 30, 2011 at 11:54 PM by ધવલ · Filed under ગીત, નયન દેસાઈ
એવા ટહુકાવત્ બનતા બનાવ બનાવ
સૂરતમાં પોપટ બોલે
હવે સોનાનું પાંજરું ઘડાવ ઘડાવ
સૂરતમાં પોપટ બોલે
બાઈ! મારે લીલાં પીંછાંને ઝીણું આભ, આંખોથી ઝરમર ઝરે
મેં તો વાસંતી પગલાંને સૂંઘ્યાં ને કંકુની ખરખર ખરે
ફૂલ ફેંકીને ઝાકળ ઉઠાવ ઉટાવ
સૂરતમાં પોપટ બોલે
બાઈ! મેં તો કળીઓના પગરવને સાંભળ્યો ને પાંદડાઓ છાંયો કરે
આંગણે આવેલા અવસર આ કેવા કે,
પંખી ખુદ પારધીનો પીછો કરે
તારી આંખની કટારી લગાવ લગાવ
સૂરતમાં પોપટ બોલે
– નયન દેસાઈ
નયનને કલ્પનોનું વરદાન છે. સામાન્ય કવિ પોપટ-પાંજરું-ફૂલ-ઝાકળ-પંખી-પારધી એવા કલ્પનો વાપરે તો ચવાઈ ગયેલા લાગે પણ અહીં એના એ જ કલ્પનો મઝાના ખીલી ઊઠે છે. ગીત શું કહે છે એ સમજાય પહેલા જ આ ગીતની મીઠાશ, એનો માહોલ તમને અડકી લે છે.
Permalink
December 8, 2010 at 12:50 AM by ઊર્મિ · Filed under અંગત અંગત, ગઝલ, નયન દેસાઈ, મુક્તક, રિષભ મહેતા
કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું. ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી. શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા. એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ ! રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી. ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-
તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…
અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છે… ચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું. મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો. કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…
સ્વર-સંગીત: રિષભ મહેતા
[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]
હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?
કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.
એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.
– નયન દેસાઈ
સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો. ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું. જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા. દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે. અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે. કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…
Permalink
October 15, 2010 at 2:05 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ
હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ
શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ
ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ
-નયન હ. દેસાઈ
સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!
Permalink
June 7, 2010 at 10:09 PM by ધવલ · Filed under ગીત, નયન દેસાઈ
પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ
બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…
નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે… સૂરતનો…
– નયન દેસાઈ
સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? 🙂
Permalink
December 13, 2008 at 1:19 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, યાદગાર ગઝલો
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
– નયન દેસાઈ (જન્મ: ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬)
સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Nayan Desai-Manas urfe.mp3]
નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.
લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે. માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…
આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.
વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?
આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…
શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….
Permalink
November 18, 2008 at 10:03 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.
વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.
રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.
– નયન દેસાઈ (એસ.એસ.સી.!)
માણસ પોતાની જાતને કઈ રીતે જુએ છે એનાથી એની જીવનદ્રષ્ટિનો અંદાજ આવે છે. પોતાની જાતને ઓળખ્યા સિવાય બીજું કાંઈ જાણવું શક્ય નથી. રમેશ પારેખે પોતાની જાતને સાંકળી લેતી અનેક ગઝલો લખી છે. (એમણે પોતાના સંગ્રહનું નામ પણ ‘છ અક્ષરનું નામ’ આપેલું!) ચંદ્રકાંત શેઠનું ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ પણ યાદ આવે છે. ગઝલ વાંચો તો એક ધરતી-સરસા માણસનું પ્રમાણિક ચિત્ર ઉપસી આવે છે.
Permalink
September 27, 2008 at 1:41 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, કિસન સોસા, ગની દહીંવાળા, ગુણવંત ઠક્કર, ગૌરાંગ ઠાકર, જય નાયક, દિલીપ ઘાસવાલા, ધ્વનિલ પારેખ, નયન દેસાઈ, પ્રજ્ઞા વશી, પ્રફુલ્લ દેસાઈ ડૉ., પ્રમોદ અહિરે, બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, મહેશ દાવડકર, રઈશ મનીયાર, રતિલાલ 'અનિલ', સાહિત્ય સમાચાર, સુનીલ શાહ
(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)
ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:
ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?
મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.
ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.
કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.
રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.
(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)
-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.
જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.
રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.
ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;
પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.
સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.
પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.
પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.
બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.
નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,
કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.
(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)
રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.
ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.
સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !
-રઈશ મનીઆર, વિવેક ટેલર
Permalink
August 29, 2008 at 1:41 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
(… …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત… …)
હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે
શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે
ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?
આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.
-નયન દેસાઈ
હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…
સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…
Permalink
July 25, 2008 at 11:00 PM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, મહેશ દાવડકર
(… …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત… …)
બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ
સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:
રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં –
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.
Permalink
February 2, 2008 at 12:30 AM by વિવેક · Filed under અમર પાલનપુરી, આસીમ રાંદેરી, એચ. એન. કેશવાણી 'અચલ', કિરણસિંહ ચૌહાણ, કિસન સોસા, ગૌરાંગ ઠાકર, દિલીપ મોદી, ધ્વનિલ પારેખ, નયન દેસાઈ, નિર્મિશ ઠાકર, બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, મંગળ રાઠોડ, મનુબેન ચોક્સી, મહેશ દાવડકર, મુકુલ ચૉકસી, રઈશ મનીયાર, રતિલાલ 'અનિલ', રમેશ પટેલ, રવીન્દ્ર પારેખ, વિજય સેવક, શેર, સંકલન
(“ગઝલે સુરત”…. …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)
૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…
ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા
દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી
હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા
શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ
વધુ આગળ વાંચો…
Permalink
August 25, 2007 at 1:43 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ, હસ્તપ્રત
(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)
મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.
કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.
જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.
ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !
ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.
-નયન હ. દેસાઈ
નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !
Permalink
July 16, 2007 at 11:07 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો
ઉદાહરણ : જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો
પક્ષ: ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો
સાધ્ય: પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો
સાબિતી: ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો
– નયન દેસાઈ
નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !
Permalink
May 29, 2007 at 9:24 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.
બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.
ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.
કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.
– નયન દેસાઈ
બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે… બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો.
Permalink
October 30, 2006 at 11:45 PM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…
અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું
ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું
સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું
નયન દેસાઈ
કવિ નયન દેસાઈ જીવનની ભાતીગળ વાતોને કળાત્મક રીતે લાક્ષણિક શબ્દોમાં ઢાળીને કહેવાની હથોટી ધરાવે છે. આ પહેલી નજરે અસ્પષ્ટ ભાસતા ગીતમાં આપણા ‘હોવાપણા’ની વાત નયનભાઈ અભૂતપૂર્વ સહજતાથી લઈને આવ્યા છે. આપણું હોવું શું છે એ પ્રશ્નનો ઉત્તર તો એ ધ્રુવપંક્તિમાં જ આપી દે છે… બે હાથ જોડીને રોવું, એ જ છે આપણું હોવું…
માંહ્યમાં કંઈ ન હોય તો આંસુ અને માંહ્ય માલામાલ હોય તો પીડા, આજ છે આપણી દ્વિધા. અભરે કે સભરે, માણસો સદાકાળ તરફડતા જ રહેશે કારણકે તન-મન-શ્વાસ અને એ રીતે આ જીવનનો રસ્તો કંઈ આસાન નથી… એ તો તાપ સમો આકરો કે પર્વત સમો દોહ્યલો અને બાકી હોય ત્યાં દુર્ગમરીતે ખડકાળ છે. પડછાયાની પાછળ દોડવાથી નથી કશું હાંસિલ કે નથી કશું મળવાનું એને પાણી પાઈ પાઈને પોષવાથી…
જીવનને ફૂલની પાંદડી સમું નાજુક અને સુંવાળું ગણીએ તો એનો રસ ચૂસવા માટે કૈંક ભમરા ટાંપીને જ બેઠા છે એ ભૂલાવું ન જોઈએ. ફૂલના નસીબમાં માત્ર સુવાસ જ ક્યાં છે, ડાળ પરના કાંટા પણ તો છે… ઝાકળ પોતે ક્ષણાર્ધ માટેની વાસ્તવિક્તા છે, જે પ્રભાતના પહેલા કિરણ સાથે જ વિલોપાઈ જશે… અને દર્પણ એટલે આભાસ… આપણું હોવાપણું એટલે ઝાકળ સમી ક્ષણભંગુરતાને દર્પણના આભાસથી જોવાની અર્થહીન ચેષ્ટા….
આપણા સંબંધો પણ આપણા હોવાપણાની જેમ જ શિથિલ છે… એ ઢીલા પડી ગયા છે… પરસ્પર આળ ચઢાવવાની ઢીલાશથી વધુ ચુસ્તતા આપણે જવલ્લે જ કોઈ સંબંધોમાં અનુભવીએ છીએ કેમકે આપણા સંબંધોના સૂર્યમાં સ્નેહની ઉષ્મા નથી… એમાં છે ઔપચારિક્તાની બર્ફિલી ટાઢક. વહેતા પાણીને પાણીથી ધોવાથી શું વળે? આપણું હોવું પણ શું આવું જ અર્થહીન નથી?
Permalink
September 9, 2006 at 6:29 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…
નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…
મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…
નયન દેસાઈ
Permalink
July 16, 2006 at 6:42 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં
ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
મૂળ વાલોડના પણ હવે મારા સુરતના જ હમવતની નયન દેસાઈ એમના ટૂંકા કદ અને ઊંચી લાગણીઓથી બધાથી નોખા જ તરી આવે. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં જ. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતાં તે હજી પણ કાચા હીરાઓને પહેલ પાડે, પાડે ને પાડે જ -. નવોદિત કવિઓને નિયમિતપણે વર્ષોથી છંદ શીખવે છે! ગુજરાતમિત્રના સાહિત્ય વિભાગના તંત્રી. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! (જન્મ: 22-02-1946. કાવ્ય સંગ્રહો: ‘માણસ ઊર્ફે દરિયો ઊર્ફે’, ‘મુકામ પોસ્ટ માણસ’, ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’, ‘અનુષ્ઠાન’ અને ‘સમંદરબાજ માણસ’. સમગ્ર કવિતા: “નયનનાં મોતી”.)
Permalink
May 10, 2006 at 10:18 AM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
– નયન દેસાઈ
નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.
આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.
Permalink
September 26, 2005 at 10:53 PM by ધવલ · Filed under નયન દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શેર, સંકલન
સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.
એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા
બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી ગયું.
-નયન દેસાઈ
(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )
Permalink
July 30, 2005 at 10:16 PM by ધવલ · Filed under નયન દેસાઈ, મુક્તક
આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું
-નયન દેસાઈ
Permalink