આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં
એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં
ભરત વિંઝુડા

સ્વ. રાવજીએ ન લખેલું ગીત – નયન હ. દેસાઈ

નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…

– નયન હ. દેસાઈ

સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.

રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.

19 Comments »

  1. Shah Raxa said,

    February 13, 2020 @ 2:02 AM

    વાહ….હૃદયસ્પર્શી..

  2. Sandip Pujara said,

    February 13, 2020 @ 2:04 AM

    આહ – જોરદાર
    સલામ…. નયન દેસાઈ

  3. Dilip Chavda said,

    February 13, 2020 @ 2:10 AM

    Wah
    What a song
    મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
    This line touches the heart from the depth for me
    Just Just osm song Sir
    Hat’s off tu Nayan Sir

  4. નેહા said,

    February 13, 2020 @ 2:27 AM

    આ સાચા કવિ !!
    સફળ પ્રયોગ..

  5. Pragna vashipd said,

    February 13, 2020 @ 2:50 AM

    Khub saras Kavita
    Temaj saras aasvad

  6. snehal vaidya said,

    February 13, 2020 @ 3:50 AM

    ખૂબ સરસ રચના…નયન દેસાઈને અભિનંદન… સાઇટ એડમિનને પણ ધન્યવાદ…

  7. કિશોર બારોટ said,

    February 13, 2020 @ 4:04 AM

    રાવજીની મરણોન્મુખ દશાની અનુભતીનું સચોટ એને સુંદર ચિત્રણ. વાહ..

  8. જયંત શાહ said,

    February 13, 2020 @ 5:02 AM

    અફલાતૂન કાવ્ય !!!!

  9. Rekha said,

    February 13, 2020 @ 5:42 AM

    Waah👌👌👌

  10. Dr. Rajal Sukhiyaji said,

    February 13, 2020 @ 6:43 AM

    Bahot khub 😊

  11. Shabnam said,

    February 13, 2020 @ 7:23 AM

    Ahaaa.. Adbhut.

    Salam chhe banne ne 🙏🙏🙏

  12. Poonam said,

    February 13, 2020 @ 8:45 AM

    કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
    ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
    નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…
    – નયન હ. દેસાઈ Waah Dil ko chuu liya…

  13. Anila Patel said,

    February 13, 2020 @ 9:41 AM

    રાવજી પટેલે ન લખેલુ રાવજીની જબાને-કલમે કેટલું વાસ્તવિક લાગે છે! આવી અનુભૂતિ એક સિદ્ધ કવિ જ કરી શકે અને કાવ્યમાં કંડારી શકે. અદ્ભુત રચના!!!!!.

  14. pragnajuvyas said,

    February 13, 2020 @ 11:33 AM

    ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના શબ્દોની ભૂપિજીના ઘેરા અવાજનું દર્દ કે પછી રાગ શિવરંજનીના સ્વરો નું મનમા ગુંજન સાથે ડૉ વિવેકના આસ્વાદ ‘નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.’ ની અનુભિતી થઇ.
    નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
    સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક….
    અદભુત !
    આ રચનામાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઈન્દ્રિયવ્યત્યયોની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાઓ રચે છે. ભાવતર્ક અને શબ્દસાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાતા લયની તરેહો એનું મુખ્ય આકર્ષણ છે.મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે.
    ધન્યવાદ મા નયનજી અને ડૉ વિવેક સટિક આસ્વાદ માટે

  15. Aasifkhan said,

    February 13, 2020 @ 2:15 PM

    Vaah
    ક્યાબાત નયનભાઈ અદભુત ગીત

  16. Himanshu Trivedi said,

    February 13, 2020 @ 5:18 PM

    શ્રી રાવજી પટેલ – ગુજરાતી કવિઓમાંના અગ્રહરોળમાંના એક કવિ. આભાર।
    શ્રી નયન હ. દેસાઈ – આટલી સુંદર અને અદભુત કૃતિ અને આવી ઘણી કૃતિઓ માટે આપનો આભાર…’ઘર નંબર અથવા, ને પિનકોડી અફવા…’ એવા શબ્દો હજી સાંભરે છે અને હું ઘણીવાર ગણગણું છું. અદ્યતન ગુજરાતી કવિઓમાંના આપ પણ એક અગ્રહરોળના કવિ છો અને રહેશો.
    શ્રી વિવેક ટેલર.. . વેલ, કવિ, સમીક્ષક, સહૃદય શ્રોતા – અને ખાસ તો આ સરસ મજાના ‘લયસ્તરો’ ના માધ્યમથી અમને આવી સુંદર અને અદભુત રચનાઓનો પરિચય કરાવી, આપણી માતૃભાષા માટે ગૌરવ થાય, આપણી ભાષાના સાહિત્યનો પરિચય થાય, એ માટે આપનો આભાર જેટલો માનીએ તેટલો ઓછો પડે મિત્ર. ખુબ ખુબ આભાર, જિંદગી જીવવા માટે એક સરસ કારણ આપવા માટે અને એ વારંવાર આપ્યા કરવા માટે…

  17. Himanshu Trivedi said,

    February 13, 2020 @ 5:22 PM

    શ્રી નયન હ. દેસાઈ ની કૃતિ ‘મુકામ પોસ્ટ માણસ’ મૂકી ને તેની વિષે આપણા શબ્દોથી છણાવટ કરવા માટે વિનંતી છે શ્રી વિવેકભાઈ।

  18. suresh b shah said,

    February 14, 2020 @ 12:55 AM

    gujarati kavi ne apayelu shreshth
    anjali kavya.

    hats off .
    nayanbhai. all the best .keep it up/

  19. Dr Sejal Desai said,

    February 17, 2020 @ 5:28 AM

    અતિ સંવેદનશીલ ગીત..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment