રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઘર – હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman

આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો:
આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્
કે છળી બેઉને, રહે કાળ પોતે વહેતો.

હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું,
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.

આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.

ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.

આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને,
એ તરસે છે, તલખે છે એવું મન આપું.

આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે,
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું,
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે,
આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

– હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman )

બે પંક્તિઓ પર ધ્યાન ખેંચીશ –

તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.

અને –

ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

– બસ, આ જ જાણે કે કાવ્યનો સાર છે.

વોલ્ટ વ્હીટમેનના કાવ્ય કરતાં ઘણું જુદું છે પણ થોડી આભા છે ખરી…

Comments (1)

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને
તારાં સાગરનેત્રોની દિશામાં પાથરું છું.

ત્યાં સર્વોચ્ચ ઉજાસમાં મારું એકાંત લંબાઈને પ્રજ્વળી ઊઠે છે,
ડૂબતા માણસની જેમ તેના હાથ તરફડે છે.

સાગર કે દીવાદાંડી પાસેના કિનારા જેવી ગંધવાળી
તારી અવિદ્યમાન આંખોની આરપાર હું
પાઠવું છું રક્તિમ સંકેતો.

તું રાખે છે માત્ર ગહન અંધકાર, ઓ મારી અતીતની સંગિની,
તારા આદરમાંથી કવિચત્ છલકે છે ત્રસ્ત કિનારો.

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને, હું તારાં સાગરનેત્રોમાંથી છલકતા દરિયામાં ફેંકું છું મારી ઉદાસ જાળોને.

હું તને પ્રેમ કરતો હોઉં એ ક્ષણના અમારા અંતરાત્મા
માફક ચમકતા પ્રથમ તારાઓને
રાત્રિનાં પંખીઓ ચાંચથી ટોચે છે.

રાત્રિ તેની છાયાઘોડલી ૫૨ સવા૨ થઈ
રેવાલ ગતિએ ચાલે છે.
ભૂરી પર્ણ-ઝૂલોને ખેરતી.

– પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

પાબ્લો નેરુદના પ્રણયકાવ્યો સમગ્ર વિશ્વમાં સુખ્યાત ! અંગત રીતે મને ગમતો કવિ, પણ તેઓની રાજકીય વિચારધારા જરાપણ ન સમજાય… હશે…આપણી નિસ્બત કવિતા સાથે છે…

વિદેશી ભાષાની કવિતાઓનો સમજાવી થોડી મુશ્કેલ હોય છે-તેનું ક્લેવર આપણી કવિતા કરતાં ખાસું નોખું હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈ સ્પષ્ટ સંદેશ આપવા અથવા તો કોઈ કેન્દ્રીય વિચાર ને વ્યક્ત કરવા માંગતા હોય તેવું નથી હોતું, પણ તેઓ એક ભાવવિશ્વ સર્જે છે અને તેમાં ભાવક પોતાની રીતે તરબોળ થઈ શકે. અહીં ઢળતી સાંજે સાગરતટે બેઠેલો એક કલાન્ત નિરાશ પ્રેમી બહાર જે જુએ છે અને અનુભવે છે તેને પોતાના આંતરિક જગતના પરિપ્રેક્ષ્યમાં કવિતામાં કહે છે….તર્કસંગતતા ન પણ હોય, અમુક ઉદ્ગાર મને નથી સમજાતાં, પણ કવિ સાથે એક ભાવનાત્મક ઐક્ય હું અનુભવી શકું છું……

Comments (3)

યાદ નથી – હરીન્દ્ર દવે

આજે તો તમારી યાદ નથી, કોઈની કશી ફરિયાદ નથી,
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી.

ભુલાઈ ગઈ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણે,
એ રૂપને દેખી જાગેલો ઉ૨સાગરમાં ઉન્માદ નથી.

કોઈની કહાની સાંભળતાં કોઈનાં નયન ચાલ્યાં નીતરી,
ને કોઈને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી.’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી.

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર,
એને શી તમા એ મૃગજળની જેને મંઝિલનો નાદ નથી?

– હરીન્દ્ર દવે

હું તો મત્લા પર જ જાણે અટકી ગયો !!! – કેવી ઘેરી વેદના…..

ગાલિબનો અમર શેર યાદ આવી ગયો –

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

( तवक्को – અપેક્ષા,આશા )

Comments (1)

નથી હોતી – હરીન્દ્ર દવે

હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી !

જીવનપુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે ?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.

ઘણી બેચેન ગાળું છું હું તુજ ઇતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.

એ મંઝિલ ક્યારની ગુજરી ગઈ, બેધ્યાન હમરાહી !
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.

તમારી યાદના રંગીન વનની મ્હેકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.

પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.

કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રદ્ધા નથી હોતી.

– હરીન્દ્ર દવે

લગભગ બધાં જ શેર ખૂબ જ મજબૂત 🙏🏻 – મક્તામાં બહુ મજા ન આવી…

Comments (2)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજ૨ જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

ફરી વખત – મીરાંબાઈ યાદ આવે –

” ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ”

આપણે પોતે જવાબદાર હોઈએ છીએ આપણી કુંઠિત દ્રષ્ટિના…. આપણો ઘૂંઘટ/આપણું પર્ણ આપણે ખસેડવાનું છે…

Comments (2)

સ્મિત – હ્યૂ શીલ – અનુ.- હરીન્દ્ર દવે

દસ કે વધુ વર્ષ પહેલાં
એક પુરુષે મારી સામે સ્મિત કર્યું,
ત્યારે મને કશી જ ગમ ન પડીઃ
માત્ર તેના સ્મિતનું સૌજન્ય અનુભવાયું.

એ પુરુષનું શું થયું એની મને જાણ નથીઃ
પણ હજી ટકી રહ્યું છે એ સ્મિતઃ
એને ભૂલી નથી શકતી એટલું જ નહીં,
જેમ એનો વધુ વિચાર કરું છું એમ એ વધુ નિકટ લાગે છે.

એના માટે મેં લખ્યાં છે ઘણાં પ્રેમગીતો,
ઘણી યે પરિસ્થિતિમાં એને વણી લીધો છે;
કેટલાકે વેદનાને જોવા પ્રયત્ન કર્યો છે,
કેટલાકે હર્ષને.

વેદના પણ ઠીક છે અને હર્ષ પણઃ
એ બધાથી ૫૨ એક જ વસ્તુ રહે છે – પેલું સ્મિત,
એ સ્મિત કરનાર માણસ મને હજી મળ્યો નથી
પણ એના સ્મિતના સૌજન્ય માટે હું કૃતજ્ઞ છું.

– હ્યૂ શીલ ( ચીની ભાષા ) – અનુ.- હરીન્દ્ર દવે

ઘણીબધી રીતે અર્થઘટન શક્ય છે – સામાન્ય વાચ્યાર્થ પણ યોગ્ય જ છે…. કદાચ આવું કંઈ બન્યું જ ન હોય અને માત્ર વિશફુલ થિન્કિંગ જ હોય કવયિત્રીનું…. કદાચ સાવ ભિન્ન વાત પણ હોય અને એ સ્મિત કોઈ બીજા માટે હોય જે કવયિત્રી પોતા માટે સમજી બેઠી હોય… કવયિત્રીની કલ્પનાના ઘોડાઓ દોડવા માટે એટલા આતુર હતાં કે એક સ્મિત થયું-ન થયું અને વછૂટ્યા સીધા હણહણતા…… જે પણ હોય – ન હન્યતે યાદ આવી જાય…. પાકિઝાનો ટ્રેનના ડબ્બાનો અમર સિન યાદ આવી જાય – “ આપ કે પાંવ દેખે……”

Comments (2)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
.                         આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
.                         ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
.                         હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
.                         કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને કહો રે
કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

– હરીન્દ્ર દવે
(૧૯૬૧)

કાનકુંવરના પરાક્રમો અને ફરિયાદો હદપાર વધી ગયા હોવાનું પ્રતીત થતાં યશોદા માતા એને સીધો કરવા માટે શુદ્ધ હિંદુસ્તાની શૈલીમાં થાંભલા સાથે બાંધી રાખવાની સજા કરી પોતાના કામમાં પરોવાઈ ગયાં. એ પછીની ક્ષણોને કવિનો કેમેરા કેવી અદભુત રીતે ઝીલે છે એ જુઓ! ગીત બહુ જાણીતું છે પણ માખણ જેવું મુલાયમ છે અને વારંવાર મમળાવવું ગમે એવું છે…

Comments (3)

બગાવત – હરીન્દ્ર દવે

તારા જન્નતની હતી કેટલી ખ્વાહિશ કે ખુદા!
મેં સદા શિશ નમાવીને ઇબાદત તો કરી;
જેવું ટકરાયું ધરા પર, મેં ઉઠાવ્યું મસ્તક,
હું ફર્યો ના, અને કાબાની દિશાઓ તો ફરી.

મારા જીવનને નવા રંગથી ઘડવા લાગ્યો,
મારાં આંસુની સજાવટ મેં બધી દૂર કરી;
મારી આંખોમાં નવાં તેજ સમાયા એથી,
મારી દૃષ્ટિથી ક્ષિતિજો એ બધી દૂર સરી.

મેં ગતિ રોકી હતી કાળની એવી રીતે,
કોઈ સૌંદર્ય જો ખીલ્યું તો એ કરમાયું નહીં;
મારા ઉપવનની નવી રસ્મ મેં એવી પાડી,
કોઈ જો ફૂલ હસ્યું, તો પછી મુરઝાયું નહીં.

મારે હાથે જે જલી જિંદગી કેરી શમ્આ,
કોઈ વાયુના સુસાટાથી એ બુઝાઈ નહીં;
મેં રચ્યું ગીત નવા ઢાળથી જીવન કેરું,
એ પછી કોઈએ મૃત્યુની કથા ગાઈ નહીં.

મેં ઘડી મારી રીતે મારી આ જન્નત જેમાં,
કોઈ ઈશ્વરની અમર્યાદ હકૂમત ન રહી;
કબ્ર સૌ સળવળી ઊઠી, અને સૂતા જાગ્યા,
કોઈને કાંઈ ન પૂછ્યું, ને કયામત ન રહી.

મારી સ૨મસ્ત જવાનીનો નવો રંગ હતો,
પ્રેમની યુગથી પુરાણી એ કહાની બદલી;
રાજમાર્ગોને તજી કેડી અજાણી પકડી,
લ્યો, જમાનાની એ પાબંધ ૨વાની બદલી.

મારી જન્નત કે જહન્નમ આ, મુબારક હો મને,
વ્યર્થ મુજ કાજ તું ભાવી કોઈ સરજીશ નહીં;
જિંદગીનેયે જરૂરત હજી મારી લાગે,
આસમાનોને કહી દો કે હું આવીશ નહીં.

– હરીન્દ્ર દવે

શીર્ષક જ સઘળું કહી દે છે !! ‘ કાબાની દિશાઓ ફરી….’ એ તો જાણીતી પંક્તિ છે જ, પણ અંતિમ ચરણ પણ જોરદાર છે….

Comments (1)

હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી – હરીન્દ્ર દવે

હવે થાકી ગયો, સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.

ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.

બધાં દશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી.

મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.

હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.

તમે અદૃશ્ય રહી બાજી ૨મો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.

ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.

જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.

– હરીન્દ્ર દવે

ફરિયાદ છે, ચીખ છે, આંસુ છે – પણ ખુમારી છે !!!!

Comments (1)

હોવી જોઈએ – હરીન્દ્ર દવે

મારા કવનમાં ભિન્ન કલા હોવી જોઈએ,
મારા નશામાં નોખી સુરા હોવી જોઈએ.

લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ,
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઈએ.

આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત,
બાકી હજીયે મારી કથા હોવી જોઈએ.

એ શર્ત ૫૨ કબૂલ છે કાનૂન સૃષ્ટિના,
હું બંડ પણ કરું તો રજા હોવી જોઈએ.

ફૂલો ઉદાસ છે અને કંટક ખીલી રહ્યા,
રણમાં વસંત કેરી હવા હોવી જોઈએ.

તારા ખરી ખરીને નિમંત્રણ દઈ રહ્યા,
મારીયે એક ખાલી જગા હોવી જોઈએ.

અટકી રહ્યો’તો શ્વાસ તે પાછો ફરી ગયો,
વાતાવરણમાં એની હવા હોવી જોઈએ.

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ.

સચવાઈ જાય કોઈની શરમિન્દગીની લાજ,
મિત્રો, શમા વિનાની સભા હોવી જોઈએ.

– હરીન્દ્ર દવે

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ…….. અફલાતૂન…..

ફૈઝ યાદ આવી જાય –

क़फ़स उदास है यारो सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

પિંજર ઉદાસ છે, યારની કોઈ ખબર નથી. કોઈ હવાને કહો કે જ્યાં યારનો જીક્ર થાય છે ત્યાંથી વહીને અહીં સુધી એ જીક્રની ખુશ્બુ લેતી આવે…..

Comments (3)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજર જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

આપણી સીમા/મર્યાદા આપણે જ નક્કી કરીએ છીએ, અન્યનો કોઈ કસૂર હોતો નથી.

ઓ દેનેવાલે તુંને તો કોઈ કમી ન કી
અબ કિસ કો ક્યા મિલા યે મુકદ્દરકી બાત હૈ

Comments (1)

હું ખેલતો નથી ! – હરીન્દ્ર દવે

સમેટો શેતરંજ, કે હવે
હું ખેલતો નથી !

હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,
મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?
આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.

આ મારા માયાલોકમાં
કહો, હું ટહેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,
હવે ભિડાવવા કોઈને રાત જાગવી નથી,
ખેર હો તમારા વ્યૂહની, ન મારો રાહ એ:

કોઈનું સૈન્ય શું, હું
કાંકરીએ ઠેલતો નથી,
સમેટો શેતરંજ, કે
હવે હું ખેલતો નથી !

હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :

હતો શિકારી વનમાં એ
શિકારે સ્હેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

– હરીન્દ્ર દવે

 

એવો મુકામ આવી જાય છે કે જ્યાં પછી કોઈ ફરક નથી પડતો. નાજુક એવા લાગણીના સંબંધને કોઈક જયારે taken for granted લઈ લે છે ત્યારે આવી અવસ્થા આવી જાય છે. ” મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો ? ” – આથી વધુ સંબંધ-મૃત્યુની સાબિતી શું હોઈ શકે ! પ્રેમાળ હૈયાને ઠેસ પહોંચાડવાથી ઘોર અન્ય કોઈ અપરાધ નથી.

મુકુલભાઈ યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા…..”

Comments (3)

યાદ નથી….- હરીન્દ્ર દવે

વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!

ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.

પળમાં વરણાગી ને પળમાં વેરાગી
–સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર-સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.

હરીન્દ્ર દવે

 

કવિ સામે આખું જગત છે, પણ કવિને એનું ભાન નથી. અન્યમનસ્ક અવસ્થાએ ભટક્યા કરે છે….ખોળિયે માત્ર શ્વાસ ચાલે છે, માંહ્યલો ક્યાંક નોખે જ છે….

Comments (2)

(કો’ક વાર થાય) – હરીન્દ્ર દવે

કો’ક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે
કા’ન દોરી ખેંચીને તું ઝુલાવે
અમથી હું આંખ મીચું, કાન રહું માંડી
કે હાલરડું ગાવું તને ફાવે!

સ્હેજ જરા અટકો જો ઝોલો, તો ખોયાને
બે હાથે ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઈ વાર મેલી જો દોરી
તને બેસવા દઉં ન લેશ હેઠો,
કંટાળી મારે મને ધબ્બા ને કાલીકાલી
વાણીથી છો ને ફોસલાવે…

અમનેય આવડે છે મરકલડાં આણતાં
ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કદંબડાળ બેસીએ કે
મંદિરમાં બની જઈએ આરસ
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઈ
હળવે હળવે તું પાસ આવે…

– હરીન્દ્ર દવે

Role-reversal કોને ન ગમે? કાનુડાને હિંચવવા આખી દુનિયા સદાની તૈયાર… પણ કવિને કોઈક વાર વિચાર આવે છે કે પોતે ફૂલના હિંડોળે સૂઈ જાય અને કાનુડો એને હિંચકે તો કેવું! પાછું અમથું સૂઈ રહેવાનું નથી… આ તો કવિ છે! એ ઈશ્વરની કસોતી કરતાંય અચકાય શાનો? ઈશ્વરને હાલરડું ગાતાં આવડે છે કે કેમ એ જાણવા એ અમથી અમથી આંખ મીંચીને કાન માંડે છે. વળી ઝોલો અટકવો ન જોઈએ એ બીજી શરત છે. હિંચકો જરાક અટક્યો નથી કે જે રીતે બાળકાનુડો યશોદાનું ઉપરાણું લેતો’તો એ જ રીતે કવિ પણ ખોયો ઝાલીને બેઠો થઈ જશે. થાકી જાય, કંટાળી જાય, ધબ્બા મારે કે કાલી-કાલી વાણીથી ફોસલાવવા કરે તોય કૃષ્ણ જેવા કૃષ્ણને પણ થાકીને બે પળેય દોરી મેલીને હેઠો બેસવા નહીં દેવાનું નક્કી જ છે. જે રીતે સ્મિતના મરકલડાં આણીને કાનાએ હોકુળને ઘેલું કર્યું હતું, એવાં મરકલડાં આણતાં કવિને પણ આવડે છે. કવિનેય ગોરસ ખાવાનાં ને કદંબડાળે બેસવાનાં ને મંદિરમાં કાનુડો ચંદન-ધૂપ લઈ પૂજવા આવે તો આરસ બનીને સ્થિર પ્રતીક્ષા કરવાના ઓરતા છે..

આવી કવિતા હોય તો સર્જનહારને પણ કવિને હિંડોળવાનું મન થઈ જાય એ નક્કી!

Comments (7)

નથી રહ્યો…..- હરીન્દ્ર દવે

દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.

શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.

ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.

જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.

-હરીન્દ્ર દવે

મત્લાનો શેર જ એટલો મજબૂત છે કે જકડી જ લે….જો કે બધા જ શેર મજબૂત છે. સિદ્ધહસ્ત શાયર….

Comments (1)

જોઈતું મરણ – હરીન્દ્ર દવે

કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.

– હરીન્દ્ર દવે

ફેસબૂક ઉપર આ શેર વાંચ્યો તો ज़ौक़ યાદ આવી ગયા –

अब तो घबरा के ये कहते हैं कि मर जाएँगे
मर के भी चैन न पाया तो किधर जाएँगे

પછી પ્રશ્ન થયો – ” જોઈતું મરણ કેવું આવે ? ” શું કવિ ચોક્કસ કારણથી અથવા ચોક્કસ કાળે મૃત્યુ થાય એમ ઈચ્છે છે ? એવું તો નથી લાગતું. “જોઈતું મરણ” એટલે કદાચ એક ચોક્કસ ઘટના/વ્યક્તિ/સ્મરણ/પરિક્લ્પના/સંબંધ/નબળાઈ/અપૂર્ણતાની ભાવના થી કાયમી મુક્તિની ઝંખના હોઈ શકે…..

Comments (3)

ભૂલ – હરીન્દ્ર દવે

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત….

Comments (3)

હૈયા સુધી ગયાં – હરીન્દ્ર દવે

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !

શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,
સંકેત આપણા જો જમાના સુધી ગયા.

જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,
કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.

સાવ જ અજાણ્યા એક વખત જે હતા, હવે
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં..

– હરીન્દ્ર દવે

પ્રત્યેક શેર પાણીદાર…મક્તો સવિશેષ ગમ્યો….શક્યતાના પ્રદેશની વાત છે.

Comments (2)

આજ હું ઉદાસ નથી થાતો – હરીન્દ્ર દવે

આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.

આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.

ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે ?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની ?

– હરીન્દ્ર દવે

 

પ્રેમની ભાષા કાલાતીત છે…..

Comments (1)

મોરપિચ્છ મોકલજો – હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

 

મને કદી નથી સમજાતું – માધવ પાછા ફરીને એકકેવાર વૃંદાવન કેમ ન જ ગયા ?? શું સંદેશ અભિપ્રેત છે એ નિર્ણયમાં ???

Comments (1)

ઉખાણું – હરીન્દ્ર દવે

દૂધે ધોઈ ચાંદની
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.

-હરીન્દ્ર દવે

વધુ એક કલાસિક…..સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ….

Comments

અમોને નજરું લાગી ! – હરીન્દ્ર દવે

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !

– હરીન્દ્ર દવે

truly masterclass………કોઈ ગૂઢાર્થની ઝંઝટમાં પડ્યા વગર મમળાવ્યા કરવું ગમે તેવું ગીત……

Comments

વાત નથી – હરીન્દ્ર દવે

તમારી આંખથી ખરતા સમયની વાત નથી,
નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી.

બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા,
ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી.

સમય મળ્યો છે તો ચાલો સમય ભૂલી લઈએ,
ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી.

થયો છું એટલો પાગલ કે સાનભાન નથી,
છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી.

એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી,
સવારસાંજમાં મરતા સમયની વાત નથી.

– હરીન્દ્ર દવે

સમયની વિભાવનાને લાગણીની ભીનાશથી ઝાંખેરી થઇ ગયેલી દ્રષ્ટિએ જોવાઈ છે……સમયને ફિલોસોફરની દ્રષ્ટિએ નહીં પણ મજનૂની દ્રષ્ટિ એ જોવાયો છે….

Comments (3)

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.

– હરીન્દ્ર દવે

Comments (3)

મારા માધવને દીઠો છે ક્યાંય? – હરીન્દ્ર દવે

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?

યમુનાનાં વહેણ તમે મૂંગાં છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ?
વહી જતી આ લેરખી વ્યાકુળ કરે અહીં, સરતી આ સાંજનો ઉજાસ.
બ્હાવરી વિભાવરીનાં પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી ન્હાય..
મારા માધવને…

ઊડતું આવે જો અહીં મોરપિચ્છ તો તો અમે સાચવશું સુંવાળા રંગ,
મારી તે મોરલીના આભમાં ઊગે છે એક શ્યામના તે નામનો મયંક.
જળમાં તે તેજ એવું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય..
મારા માધવને…

– હરીન્દ્ર દવે

મૂળથી અળગાં થઈ ગયાની વેદના ઉજાગર કરતું મજાનું ગીત. સૂર વાંસળીથી, ભક્ત ઈશ્વરથી અને કવિ શબ્દથી અળગાં થઈ જાય ત્યારે આવી પીડા થાય. કૃષ્ન સાથે સંલગ્ન પ્રતીકો વિરહવ્યથાના પોતને ઘાટો કરતા જાય છે. પ્રભુના પ્રેમની ટપાલ લઈને મોર્પિચ્છ ઊડતું આવે તો જીવનમાં શ્યામ નામનો ચંદ્રોદય થાય છે અને એનું તેજ ભીતર એવું રેલાય છે કે તળિયે ખોવાઈ ગયેલો હરિવર પણ જડી આવે છે… વાત મૂળથી છૂટાં થઈ જવાની સમજ અને તરણાંના સહારે ભવસાગર પાર કરી જવાની તત્પરતાની જ છે.

Comments (6)

આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

– હરીન્દ્ર દવે

કવિ ઉદાસ છે, પણ એણે સૌને પુલકિત કરવા છે,ખડખડાટ હસવું છે….વિરોધાભાસથી વેદના વધુ ઘેરી બને છે. અતિશોયક્તિ અલંકાર કવિના ઉન્માદને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.

Comments (2)

કેફ – – હરીન્દ્ર દવે

તારા વિખરાયા વાળને સમાર નહીં
સહેજ મને જોવા દે થાક આ સવારનો
સૂરજનું રૂપ ઓર નીખરે છે, દેખ એનો
ચહેરો વાદળની આરપારનો

સાંજના જે કોરો હતો શેઢો સવારે
જેમ લીલા અંગરખાને પહેરે !
વરસાદી નેહ આખી રાત ઝીલી લીધો,
એની ભીની સુવાસ હજી ચહેરે,
આવનારી ભરતીનો કેફ એમાં છલકે છે,
હોયને ભલે આ સમો ઝારનો…

આખી રાત હેત તણા પડદા વચાળે
થયું મોસૂંઝણું સૂતરનો ધાગો,
મટકું માર્યું ન સારી રાત છતાં અડકીને
કિરણો કહે છે હવે જાગો,
સાવ રે સપૂચા જિતાઈ, જાંણીજોઈ
ખેલી જુઓને દાવ હારનો….

– હરીન્દ્ર દવે

પ્રથમ બે પંક્તિઓએ જ મને ઘાયલ કરી નાખ્યો…રળિયામણું ગીત…..

Comments (5)

ઈશારો – હરીન્દ્ર દવે

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

નેહથી મેં ઝાઝી વાત માંડી,
તો વળતામાં આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલો મેં જઈ દીધાં,
વ્હાલાએ એક ફોરમનો પ્યાલો પાઈ પીધો,
લાખેણી જીદ મારી ચાલી ના,
એક એના સ્મિતમાં સો વાત થૈ કબૂલ રે…

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

સપનું મેં રાતભરી જોયું,
ને એણે એક મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી,
એણે લીધું હાથમાં સુકાન, બેડો પાર,
એક રે સિતારો મેં માગ્યો’તો,
આપ્યું એણે આખું આકાશ આ અમૂલ રે…

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ રે…

– હરીન્દ્ર દવે

જગન્નીયંતાને સંબોધીને લખાયેલું એક ઉત્તમ ભજન/ઊર્મિકાવ્ય…..

Comments (5)

જાયે છે – હરીન્દ્ર દવે

ઘણી વેળા ત્રિભેટા પર જે પથ ફંટાઈ જાયે છે,
બધેબધ જઈ શકું, એ ખ્યાલે ત્યાં અટકી જવાયે છે.

પ્રભુ એવું કરે નિ:શ્વાસમાં એની અસર ના હો,
લઉં છું શ્વાસ તો એક આગ ઉર ઠલવાઈ જાયે છે.

હું ઝંખું કે સમેટી લઉં મિલનની આ ક્ષણો હમણાં,
જરા અડકું છું ત્યાં નાજુક સમય વિખરાઈ જાયે છે.

કદી એને મૂલવવાની મને રસમો ન આવડતી,
ફકીરી હાલમાં જે થોડું ધન સચવાઈ જાયે છે.

હવે લાગે છે બાકી જિંદગીનો રાહ ટૂંકો છે,
કે હમણાં હમણાં લાંબા શ્વાસ બહુ લેવાઈ જાયે છે.

– હરીન્દ્ર દવે

બીજો શેર અદભૂત છે. ત્રીજો અત્યંત નાજુક વાત કહી જાય છે. ત્રીજો શેર એક દ્રષ્ટિએ મરીઝના પેલા અત્યંત જાણીતા શેર ‘…….એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે’- ના પ્રતિશેર જેવો છે. રસ પીવામાં જલ્દી ન કરાય…… નહિતર રસ રસ રહે જ નહિ. પરમાનંદની ક્ષણોને અડાય !!!!! જો એવી ગુસ્તાખી કરો તો તે તરત જ અલોપ થઇ જાય. ઉતાવળે રસ પીવા કોશિશ કરી જુઓ, જામમાં પીણું જ રહી જશે……..રસ ઊડી જશે. ચોથો શેર નબળો લાગ્યો.

Comments (2)

સ્વપ્ન – લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

એનો વિચાર કરતાં
મારી આંખો મળી ગઈ
અને એ આવ્યો :
જો મને ખબર હતે કે આ
માત્ર સ્વપ્ન છે
તો હું કદી જાગી ન હોત.

– લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

જાપનીઝ કાવ્ય તેના લાઘવ માટે પ્રખ્યાત છે. ઉર્દુના શેરની જેમ ગાગરમાં સાગર ભરે જાપનીઝ કવિઓ…. આ ટચૂકડા કાવ્યમાં નઝાકત સાથે વાંઝણી ઝંખનાની ઉત્કટતા ઝલકે છે.

Comments (5)

સાંજ – પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

આપણે આ સંધ્યા પણ ગુમાવી,
આ સાંજે જયારે નીલ રાત્રિ પૃથ્વી પટે ઊતરી
ત્યારે કોઈએ આપણને આંકડિયા ભીડી ફરતાં ન જોયા

મારી બારીએ મેં જોયો
દૂરના પર્વતો પરનો સાંધ્ય ઉત્સવ.

કવચિત સૂર્યનો એક
મારા હાથ વચ્ચેના સિક્કાની માફક સળગી ગયો.
તને પરિચિત એવા વિષાદમાં ડૂબેલા
આત્મા વડે મેં તને યાદ કરી.

તું ક્યાં હતી ત્યારે ?
બીજું કોણ હતું ત્યાં ?
શું કહેતું હતું ?
જયારે હું ઉદાસ છું અને તું દૂરસુદૂર છે એ અનુભવું છું
ત્યારે જ કેમ આ પ્રેમ એક સપાટામાં મને ચકરાઈ વળે છે ?

હંમેશાં હંમેશાં તું સાંજમાં ઓસરતી જાય છે –
જ્યાં સાંધ્ય પ્રકાશ સ્મારક પ્રતિમાઓને ભૂંસતો જાય છે ત્યાં.

-પાબ્લો નેરુદા – અનુ.-હરીન્દ્ર દવે

એક ભાવવિશ્વ સર્જાય છે જયારે આપણે આ કાવ્યને બે-ત્રણ વાર ધીમેથી વાંચીએ છીએ ત્યારે….. ઉદાસી ઘેરી વળે છે…..વિખૂટી પડી ચૂકેલી પ્રિયતમા જાણે વધુ ને વધુ દૂરને દૂર સરકતી જાય છે……

Comments (3)

નેણ ના ઉલાળો – હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી લિયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ !
લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં અવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
પાછળ વંકાઈ રહે ડોક,
આવી ફજેતી ના હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.

-હરીન્દ્ર દવે

ઘણીવાર એમ થાય કે અમુક કવિઓ જો થયા જ હોત તો આવા રળિયામણા ગીત કોણ લખતે !!!!!

Comments (9)

કહેવાય નહીં – હરીન્દ્ર દવે

આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.

આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.

હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.

હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો,
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં.

એથી તારા સાથનો મહિમા વધી જાતો હશે,
ચાલનારો હું,છતાં મારા સુધી પ્હોંચાય નહીં.

તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે,
ને કિનારે નાવ પહોચી જાય તો કહેવાય નહીં.

– હરીન્દ્ર દવે

Comments (6)

વ્હાલમને આવવાની વાર – હરીન્દ્ર દવે

હજી વ્હાલમને આવવાની વાર
તમે જંપો, હે પોપચાં, લગાર;
મારી સાથે કાં રાતભરી જાગો ?

હજી વ્રેહથી વીંધાય અંગ આખું
તમે શીદને રડો,લ્યો,છાનાં રાખું,
રે કેમ મારી પીડા ઉછીની તમે માંગો ?

ગણતાં થાકું છું હું તો આભના તારલિયા
તમે કીકીમાં કેમ રહો ઝીલી,
આઘું ઠેલાતું રહે વ્હાણું ને આજ મારી
રાત રાણી કેમે નહીં ખીલી !
હજી કિરણોને ફૂટવાની વાર,
તમે જંપો, હે પોપચાં, લગાર;
મારી સાથે કાં રાતભરી જાગો ?

વ્હાલમને આવવાની વેળા થશે ને
મારી રાતડીનાં ઊઘડશે ભાગ્ય,
એને હૂંફાળે સંગ જાગવાની ઝંખનાનો
ગુંજરશે જયારે એક રાગ,
ત્યારે પળમાં બિડાશે બેઉ દ્વાર
તમે જંપો, હે પોપચાં, લગાર;
મારી સાથે કાં રાતભરી જાગો ?

– હરીન્દ્ર દવે

કેવું અદભૂત ભાવવિશ્વ સર્જાયું છે !!

Comments (1)

વિરહ – હરીન્દ્ર દવે

કૈં કેટલાયે કાળથી
રચવા મથું હું શબ્દનો એક તાજ
ને એવી કો મુમતાજને સ્મરણે
મને જે આ ઘડી લગ ના મળી !
મુમતાજ
– કે જેની ફક્ત છે કલ્પના એ – ના
સ્મરણમાં રોનકી આલય રચું છું અવનવા
એકાંતના પાયા ઉપર.

એને વિરહ તડપી રહું
જેના મિલનનું ભાગ્ય તો ખૂલ્યું નથી !

– હરીન્દ્ર દવે

જેટલી લાગે છે તેટલી સરળ રચના નથી – ખરી વેદના એ છે કે મારા ભાગ્યે એવી કોઈ મુમતાજ પણ નથી કે જેના વિરહમાં હું તડપું….. કેવી ઘોર એકલતા !!!!

Comments (4)

કહું – હરીન્દ્ર દવે

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

– હરીન્દ્ર દવે

Comments (8)

નથી –

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

– હરીન્દ્ર દવે

Comments (2)

નથી – હરીન્દ્ર દવે

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

-હરીન્દ્ર દવે

તદ્દન નોખી ભાતની ગઝલ…… જાણે કવિ સ્વગત બોલતા હોય તેવું લાગે છે. વેદના ઘેરી છે….છેલ્લા બે શેરમાં સૂર બદલાય છે. બે ઘડી વિચારમાં પાડી દે છે છેલ્લા બંને શેર…..

Comments (2)

મેળો આપો તો એક માનવીની સંગ – હરીન્દ્ર દવે

મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

હરીન્દ્ર દવે

સિદ્ધહસ્ત કવિની ખૂબી જ એમાં છે કે તે એક તીરથી સાત તાડના વૃક્ષો વીંધે… આ કાવ્ય ક્યાંથી ઉઘડે છે તે જુઓ- અર્થપૂર્ણ એક સંબંધ કવિ પ્રાર્થે છે. થાકેલી આંખો અંજાતી તો નથી પરંતુ કદાચ છેતરાઈ પણ જાય….. સતર્કતા થોડી ઢીલી મૂકાઈ પણ જાય….. ઈશ્વરે જે અફાટ માયા પાથરી છે તેમાં કવિને રસ નથી – એ તો ‘ટીપેથી પાય તો ધરાઉં’ એમ કહે છે…..અંતે કવિ આ સમગ્ર લીલામાં રહેલા એક સાતત્યને પિછાણે છે અને એક અનુત્તર પ્રશ્ન સાથે વિરમે છે….

Comments (4)

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે

નખશિખ નઝાકતથી ઓપતું મધુરું ઊર્મિકાવ્ય……એકદમ લાક્ષણિક હરીન્દ્ર દવે……

Comments (2)

ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝાકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પરશુ તો સાકાર, ન સ્પરશુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

કેવું મજાનું ગીત… “ચરણ રુકે ત્યાં કાશી” તો રુઢિપ્રયોગની કક્ષાએ પહોંચી ગયેલી ઉક્તિ છે. ઝાકળબુંદમાં ગંગા જોવાની વાત પર “મન ચંગા તો કથરોટમેં ગંગા” યાદ આવ્યા વિના ન રહે. પણ મને જે વાત ગમી ગઈ એ છે ‘મુજ ધ્રુવ વ્યાપે સચરાચર’… આપણે નિત્ય પ્રવાસી હોઈએ તો આપણે અટકી જઈએ ત્યારે ધરતી પોતે ચાલવા માંડે. અને કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં… ધ્રુવ તરફ… અને ધ્રુવ ક્યાં? તો કે જે દિશામાં કદમ ઉપાડીએ એ જ દિશામાં… સચરાચર ! ક્યા બાત હૈ!

Comments (5)

અણચિંતવી દાદ – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

અદભૂત અનુભૂતિનું કાવ્ય…….કાવ્યના ભાવવિશ્વમાં ડૂબકી મારી જોવા જેવી છે……આંખો બંધ કરી ધીમે ધીમે ગણગણી જુઓ…….

Comments (2)

પ્રેમ – હરીન્દ્ર દવે

‘ પ્રેમ મુજ તુજ પરે – ‘

કંઈ અનાદિ સમયથી
ઘણા રૂપમાં
મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
અને આજ પણ
હર પળે
ગુંજતો એ જ શબ્દધ્વનિ :
‘ પ્રેમ મુજ તુજ પરે .’

પણ કદી આટલા કાળમાં
તું પિછાણી શકી
મર્મ એ વાક્યનો ?
મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
ધૂંધળા ધૂંધળા આવરણથી
ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.

પ્રેમ મુજ
એ મનેય અગોચર કોઈ લાગણી,
જેની તંત્રી પરે
એક મોહક છતાં જેની સ્વરલિપિ છે
શોધવાની હજી,
એ બજે રાગિણી.

હું અનાદિથી એના રહસ્યો મથું જાણવા;
એટલે વિવિધ રૂપે રહું જન્મતો;
તુંય કાં તો મને
એ જ કારણે મળતી રહી હર સમે.

-હરીન્દ્ર દવે

‘ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું………

Comments (5)

મમ નિર્વાણ પછી – રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?

હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !

મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?

એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???

Comments (5)

પાલવ અડક્યાનો મને વ્હેમ છે – હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

Comments (5)

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે

Comments (5)

વ્યાખ્યા -એરિક ફ્રાઇડ

કુત્તો
જે મરણ પામે છે
અને જે જાણે છે
કે એ મરણ પામે છે
કુત્તાની માફક.

અને જે કહી શકે
કે એ જાણે છે
કે જે કુત્તાની માફક
મરે છે
એ માણસ છે.

-એરિક ફ્રાઇડ (જર્મની)
(અનુ. હરીન્દ્ર દવે)

आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । (આહાર, નિદ્રા, ભય, મિથુન આ બધું મનુષ્યો અને પ્રાણીઓમાં સરખું જ છે.) ફક્ત વિચારશક્તિ જ બંનેમાં ભેદ પાડે છે. પ્રાણી જાણે છે કે એ પ્રાણી તરીકે જ જન્મ્યા છે, એમ જ જીવે છે અને એમ જ મૃત્યુ પામે છે. પણ માણસ?

માણસ જન્મે તો છે માણસ સ્વરૂપે પણ માણસ થઈ રહેવું અને માણસની મોતે મરવું બહુ જ દોહ્યલું છે. રેટ-રેસમાં જીવતા આપણે બધા મહદાંશે કૂતરાની મોતે જ મરીએ છીએ…

Comments (6)

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

મને બહુ લાંબા સમયથી એક પ્રશ્ન થયા કરતો હતો કે કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા જાય છે ત્યાર પછી તેઓ કદી પાછા વૃંદાવન આવતા નથી કે નથી કદી રાધાને મળતા. આવું કેમ ??  આમ તો સમગ્ર કૃષ્ણાવતાર અને મહાભારત mythological literature છે,છતાં શું કોઈ ગ્રંથમાં આ અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા છે ખરી ? મારી રીતે મેં થોડી શોધખોળ કરી,પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મૂળ મહાભારત તેમજ ભાગવતમાં રાધાના પાત્રનો કોઈ ઉલ્લેખ જ નથી. વિદ્વાનોના મતાનુસાર રાધાનું પાત્ર આશરે પાંચમી સદીની આસપાસ પ્રથમવાર ભીંતચિત્રોમાં દેખાય છે. તે પહેલા તેનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકત જે પણ હોય તે,  પરંતુ રાધા વગર કૃષ્ણની કલ્પના સુદ્ધા થાય ખરી !!!!

આ ગીતનું ખૂબ સુંદર સ્વરાંકન ટહુકો.કોમ પર ઉપલબ્ધ છે.

Comments (6)

દેવનું કાવ્ય – કૃત્સ ઋષિ

(અનુષ્ટુપ)

देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।

પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.

-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)

કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:

અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.

વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.

Comments (6)

ના આવડે – હરીન્દ્ર દવે

તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
વાંકાબોલા આ વેણ મેલ રે વ્હાલમ,
મને ઝીણું સાંભળતા ના આવડે .

ટોળામાં સાંતેલો સૂર થૈ વિખૂટો
કોઈ વીખરેલી લહેરખીને ગોતે,
પડદાની ઘૂઘરીમાં ભાત ક્યાં પડી છે
કદી મારી’તી ચાંચ જ્યાં ક્પોતે,
કાચી રે માટીનાં ઘડતર ને તોય અહીં
પળપળમાં ગળતાં ના આવડે .

મારે એકાન્ત મને વસવા દો, આછરે
લગાર અહીં ડહોળાયાં નીર,
સાગરમાં વરસીને વાદળ ઝાંખે છે
નેહતરસી આ ભોમને લગીર,
કાળી માટીમાં ફૂટ્યાં તરણાંની જેમ
મને કિરણોમાં બળતાં ના આવડે .

-હરીન્દ્ર દવે

બહુ જ હસીન અંદાઝમાં કવિએ જાણે પ્રેમિકાને હળવો ઉપાલંભ આપ્યો છે ! મનમેળ વિનાના મેળા કરતાં તો અલગારી જીવ ને એકાંત વ્હાલું….. ખૂબ નાજુકાઈથી પરંતુ સ્પષ્ટ રીતે પ્રેમી પોતાની પ્રાથમિકતા વ્યાખ્યાયિત કરી દે છે…..એક અંગ્રેજી કવિતા છે – crowded desert [ કવિનું નામ યાદ નથી ]- જેમાં આ જ ભાવ ને કેન્દ્રમાં રખાયો છે.

Comments (8)