આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે
રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –
આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે
બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;
આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે
મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;
આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.
– હરીન્દ્ર દવે
કવિ ઉદાસ છે, પણ એણે સૌને પુલકિત કરવા છે,ખડખડાટ હસવું છે….વિરોધાભાસથી વેદના વધુ ઘેરી બને છે. અતિશોયક્તિ અલંકાર કવિના ઉન્માદને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.
KETAN YAJNIK said,
October 10, 2016 @ 7:47 AM
ઉદાસી લોહીમાં વણાઈ ગઈ છે એટલે એના પર્યાયરરપે બીજાને કૃષિ અર્પે છેભાર ખુશી તલાશે છે
Rakesh Thakkar, Vapi said,
October 11, 2016 @ 1:24 AM
સુંદર રચના