હૈયું ફાટ્યું કે પછી વાદળ?
હૈયામાન ખાતાએ કહ્યું- છે વાત હવે ભયજનક સપાટીથી આગળ.
વિવેક મનહર ટેલર

હું ભૂલી જઈશ – – હાન યોન્ગ ઉન (અનુ.: વિવેક મનહર ટેલર)

લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.

હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?

જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.

રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.

– હાન યોન્ગ ઉન (કોરિઅન)
(ગુજરાતી અનુવાદ વિવેક મનહર ટેલર)

આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…

મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.

*

I would forget

Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.

If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?

If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.

Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.

– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)

9 Comments »

  1. હર્ષદ દવે said,

    February 27, 2026 @ 12:56 PM

    સરસ કવિતા. અનુવાદ માટે અભિનંદન.

  2. Nehal said,

    February 27, 2026 @ 2:20 PM

    વાહ, ખૂબ સુંદર કવિતા ચયન અને અનુવાદ. અભિનંદન!

  3. Barin Dixit said,

    February 27, 2026 @ 3:28 PM

    સરસ કવિતા પેલું કહે છે ને કે કવિના શબ્દો ક્યારેય મરતા નથી કે જૂના નથી થતા ! અજરા-અમર રહે છે એની ચોટ પણ એવી ને એવી j

  4. Aasifkhan Aasir said,

    February 27, 2026 @ 5:42 PM

    સરસ અનુવાદ

  5. Kishorchandra Ahya said,

    February 27, 2026 @ 6:38 PM

    રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.
    – હાન યોન્ગ ઉન (કોરિઅન)

    દુઃખ કરતા દુઃખની કલ્પના વધુ દુઃખ આપે છે,મૃત્યુ કરતા મૃત્યુનો ભય વધારે દુઃખી કરે છે,.મનુષ્યના દુઃખનું કોઇપણ એક કારણ એક શબ્દમાં કહેવું હોય તો એ શબ્દ છે ભય. જ્યારે મનુષ્ય કોઈના પ્રેમમા પડે છે ત્યારે પણ એ પ્રેમમાં પણ છુપો ભય છુપાયેલો હોય છે કે આ સંબંધ આમ કાયમ રહેશે? બંને આ રીતે વિચારતાજ હોય ત્યારે દિન પ્રતિદિન પ્રેમ આપમેળે વધતો જાય છે, અને કેટલાક તો એકબીજામાં ઓગળી પણ જાય છે . પ્રેમનો આજ આનંદ છે, પ્રેમીની સામે અહંકાર રહેતો નથી, જે આનંદ છે તે અહંકાર વિહિન અવસ્થાનો છે! હવે આવો પ્રેમ જે પૂરા જીવનને એક કરી ભળી ગયો હોય તેને ભૂલી જવાની કવિ કોશિશ કરી રહ્યા છે!અને કહે છે

    “હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
    વિચારું છું, મતલબ ભૂલ્યો નથી”

    જેનું કદી વિસ્મરણ જ નથી થયું તેને ભૂલવું કઈ રીતે? ફિલ્મી ગીત છે *આજ પુરાની યાદોકો કોઈ મુઝે આવાઝ ન દે”
    આવાજ કોઈ નથી આપતું, પણ મનુષ્યનું મન જ પુરાણી યાદો મૂકતું જ નથી.
    એક મુક્તક છે…
    “કમબખ્ત દિલ તૈયાર જ
    નથી થતું એને ભૂલવા માટે,
    હું એને હાથ જોડું છું અને એ
    મારા પગે પડી જાય છે !!”
    આછંદસના એક પેરામાં કવિ કહે છે ,એવું નથી કે હું ભૂલી શકવા સમર્થ નથી પણ એતો મારી નિદ્રા અથવા મારું મૃત્યુ જ!”

    “જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
    તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
    એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
    અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.”

    આજ તો મનની દુવિધા છે. અંદરથી જ ભૂલવાની ઈચ્છા નથી ને યાદ પીડા આપે છે!

    મન અથવા ઇચ્છા, સામાન્યરીતે એક જ કહેવાય છે પણ મન તો આયના જેવું છે ,ઇચ્છા જે હોય તે, મન તે અંગે વિચારવા લાગે છે આમ મન ઇચ્છા ની પૂર્તિ કરવા સારા નરસા નો વિચાર કરી શું કરવું તે અંગે નિર્ણય આપે છે.
    આમ કવિની ઇચ્છા જ પ્રેમને ભૂલવાની જણાતી નથી તેથી કવિ માટે ભૂલી જવું શકય નથી. કવિની અછાંદસ રચનાં જીવનની સત્ય હકીકત છે. આવા જ કઈ કારણસર કોઈ પ્રેમી કહે છે…

    “જેટલું વિચારું છું
    એટલો એમાં ડૂબતો જાઉં છું,
    ફક્ત આંખો નહીં એની યાદો
    પણ એક સમંદર છે !!”

    સો વર્ષ પછી પણ એટલોજ પ્રસ્તુત ખુબજ સરસ અછાંદસ. શ્રી વિવેકભાઇએ કાવ્યના સરસ અનુવાદ માટે કરેલ કવિ કર્મ.. વાહ! વિશ્વ કવિતાનો પરિચય કરાવવા માટે શ્રી વિવેકભાઈનો ખૂબ ખૂબ આભાર..

    🌹🌹🌹🌹

  6. હેમાક્ષી શાહ said,

    February 27, 2026 @ 7:05 PM

    વાહ, ભાષા કોઈપણ હોય લાગણીના સૂર તો એક છે.
    Wow..english from korean and then in ગુજરાતી.

  7. હેમાક્ષી શાહ said,

    February 27, 2026 @ 7:08 PM

    વાહ,ભાષા કોઈ પણ હોય લાગણીના સૂર તો એક છે.
    Wow…English from korean and then in Gujrati.

  8. ધવલ said,

    February 27, 2026 @ 8:22 PM

    રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
    ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.

    – – કરુણ સત્ય !!

  9. jyoti Patel said,

    February 27, 2026 @ 9:49 PM

    poem perfectly states the dynamic paradox effect … supression breeds obsession
    only way forward is to stop fighting the thoughts ,
    based on poets wisdom l think consider thoughts as uninvited or unwanted guests ,who will leave soon if you don’t attend them.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment