કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

સ્હવાર – ૧ – નલિન રાવળ

(અનુષ્ટુપ)

ફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્યાં,
સુંવાળાં પગલાં એનાં શોધતા તારકો પળ્યા,
વૃક્ષના ઊઘડ્યા ચ્હેરા, અંધારાં પાતળાં થયાં,
ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં.

પ્રભુની કવિતા જેવાં સુવર્ણકિરણો ફૂટ્યાં,
આંખમાં આંજીને એને દિશાઓ પાર ખૂંદવા
વાયુની અંગુલિ સાથે અંગુલિઓ ભરાવતાં
મેંય તે ચાલવા માંડ્યું, પથો સૌ ગોઠિયા મળ્યા!

તૃણની ક્ષિતિજો લીલી આંબવા દૃષ્ટિ માહરી
(લયમાં દોડતી વેગે ગીતની પંક્તિના સમી)
સ્પંદને હૂલવી હૈયું પર્ણમાં પણ થૈ ઠરી,
ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી.

ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પંખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો…વ્હેતો વ્હેતો કરી દીધો!

– નલિન રાવળ

ન-જોયા-બરાબર નિર્લેપતાથી આપણી આંખો જોતી તો હોય છે હજારો વસ્તુઓ, ઘટનાઓને, પણ એમાંથી બહુ ઓછી ચીજોને એ ઝીલે છે. સવાર તો રોજ જ થાય છે, પણ જે સવારે આપણને સવાર થતાં શું શું થાય છે એ નજરે ચડે ત્યારે સવાર કવિતા બનીને પ્રકાશિત થાય. અનુષ્ટુપ છંદમાં લખાયેલ આ સૉનેટમાં કવિએ કોઈ ઊંડી કે અઘરી વાતો કરી નથી. કવિની આંખોએ હજારો ન-જોયા-બરાબર સવારોની અડાબીડ ભીડમાંથી કોઈ એક સવારને ઝીલી આપણી સમક્ષ રજૂ કરી છે, બસ. રાતે જોયેલાં રૂપાળાં શમણાં સવારની ઝાકળમાં નાહીને વધુ રૂપાળાં થઈ ક્યાં ગયાં એનું પગેરૂ શોધવા ન નીકળ્યા હોય એમ તારાઓ પણ સવાર થતા ગાયબ થયા. રાતનો અંધારાનો નકાબ પાતળો થતા વૃક્ષોના ચહેરા હવે સાફ દેખાવા લાગ્યા છે. પ્રભાતે ફૂટતાં સૂર્યકિરણોમાં કવિને ઈશ્વરની કવિતા દેખાય છે. પછીની ત્રણ પંક્તિઓમાં કવિએ આજે આપણે જેને મોર્નિંગ વૉક કહીએ છીએ એની જ વાત કરી છે, પણ કેવી અદભુત રીતે! ઈશ્વરની કવિતા જેવા સૂર્યકિરણોને આંખમાં આંજીને, પવનની આંગળીઓમાં આંગળીઓ ભેરવીને દૂરસુદૂર જવા માટે કવિ ચાલી નીકળે છે. રસ્તા પણ જાણીતા હોવાથી ગોઠિયાઓ જેવા પ્રતીત થાય છે. કોઈ ગીતની પંક્તિ લયબદ્ધ વહી જતી હોય એમ કવિની દૃષ્ટિ લીલી ક્ષિતિજોને આંબવા દોડી રહી છે. કોઈક પંખીનો ટહુકો ગુંજે છે. સવારે પંખી ટહુકે એમાં કશું નવું નથી. પણ મનુષ્ય જ્યારે કુદરતની સાથે ગોઠડી માંડવા તૈયાર થાય છે, ત્યારે એની એ કુદરત સોહામણી લાગવા માંડે છે. પંખી મુગ્ધ થયું છે. શાથી? કવિએ આજે લાંબા સમય પછી એના કાન નરવા ને સરવા કર્યા છે એથી? શી ખબર, પણ પંખી પોતાના કંઠને પર્ણમાં વહેતો કરી દે છે… ત્રિરુક્તિના કારણે કંઠ સાચે જ વહેતો હોવાની નક્કર અનુભૂતિ થાય છે.

5 Comments »

  1. Amin Kanchan said,

    June 3, 2026 @ 11:12 AM

    સવારની આનંદ અનુભૂતિની લયાત્મક અદભૂત અભિવ્યક્તિ–

  2. Kaushal yagnik said,

    June 3, 2026 @ 11:27 AM

    ખૂબ સરસ કાવ્ય છે અવાર નવાર વાંચવા nu મન થાય

  3. Neha Purohit said,

    June 3, 2026 @ 12:27 PM

    મજાની કવિતાનો સહજ આસ્વાદ.. વાહ !

  4. Vrajesh Mistri said,

    June 3, 2026 @ 12:56 PM

    આહા… અંધારા પાતળા થયા…!

  5. વિજય રાજ્યગુરુ said,

    June 3, 2026 @ 9:22 PM

    સરસ વર્ણન
    અને
    એટલી જ સરસ ટિપ્પણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment