જે રીતે આપે મને મોટો કર્યો,
એ રીતે ક્યારેક તો નાનો કરો.
અંકિત ત્રિવેદી

રપા અપાર વરસે :૦૩: કોઈ ન જાણે!

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા—એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એ પહેલાં દરિયો તેગું તાણે!

– રમેશ પારેખ

વરસાદ મોટો જાદુગર છે. વરસાદના કારણે દુનિયા તો વધુ ગમવા માંદે જ, જાત પણ કદાચ વધારે ગમવા માંડે? કારણ? કારણની ઉપર તો આખું ગીત ઊભુ છે, ને તોય કારણ આપે એ રમેશ પારેખ શાના? વરસતા વરસાદમાં ગામ આખું ભીંજાતું હોય એવા ટાણે અને ગામની જાણકારી બહાર તમે તમને વધારે ગમવા લાગ્યા છો એટલું કહીને કવિ ચોમાસાનો કાવ્યાત્મક ચિતાર આપે છે. નાનું ખાબોચિયું ભરાવા લાગે અને અંતે છલકાઈ જાય એને ફૂગ્ગો ફૂલતાં ફૂલતાં ફાટી જાય એની સાથે કવિ સરખાવે છે. શેરીમાંથી નીસરતા પાનીના રેલા નદી જેવા થઈ જાય છે. હવેની પંક્તિ તો જુઓ- ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે! ઓ ગૉડ! કવિએ ખાલી ગામનું નહીં, આપણા સહુનું ગજું પણ નાણી જોયું છે.

(ગારમાટીનો કૂબો- આપણી કાયા?)

8 Comments »

  1. Neha Purohit said,

    July 8, 2026 @ 11:38 AM

    વાહ! ઝીણી ધારે ભીંજવતું ગીત…

  2. Mita GM said,

    July 8, 2026 @ 12:09 PM

    વાહ, નદીયું છબીયુંમાંથી છૂટે..

  3. Dina Chhelavda said,

    July 8, 2026 @ 12:34 PM

    વાહ.. ઝરમર વરસાદમાં ભીંજવતું ગીત

  4. Bhagirath Pandya said,

    July 8, 2026 @ 12:57 PM

    વરસાદ ને ર પા બન્ને જાદુગર. ર પા ધોધંધોધ વરસે શબ્દ થઇ. ભાવક માથાબોળ પલળે જ. ઑણ ચોમાસું બેઠું ર પા નામે. મૉજ.

  5. Vrajesh Mistri said,

    July 9, 2026 @ 12:55 PM

    વાહ…. ઉપાડ તો જોરદાર.. અને ટીપા.. છાંટાવાળી લાઈનમાં કવિકર્મ તો જુઓ

  6. Peeyush Bhatt said,

    July 10, 2026 @ 12:20 AM

    વાહ, આ તો ગમતું ગીત…
    ‘ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે’ ભીનાશ ભર્યા વાતાવરણમાં ગામ અને ચોમાસાની વાત્યું માંડે છે કવિશ્રી રમેશ પારેખ. એમનું આ ગીત વાંચીએ એટલે છતનાં નેવાંમાંથી ટપકતા ટીપાંની જેમ ભીનાશ પહેલાં મનમાં અને પછી ધીરેધીરે રગે રગમાં ઊતરવા માંડે. આ ગીતનો ધબકતો લય જ એવો અનોખો અને જબરદસ્ત છે કે એકી શ્વાસે પઠન કરવાનું મન થાય.

    આ ચોમાસે આખું ગામ જાણે પલળીને તરબોળ થઈ ગયું છે. શેરી, છત, માટી, કૂબા બધું જ ભીનું. આવી તરબતર ભીનાશ વચ્ચે કવિ એક અંગત ક્ષણ મૂકે છે: “તમને તમે ગમવા માંડ્યા હો”. એટલે વરસાદ બહાર પડે ત્યારે અંદર પણ કંઈક ઝરવા લાગે. પણ એ અનુભૂતિ કોઈને કહેવાય એવી નથી, એટલે જ “બીજું કોઈ ન જાણે”.

    હવે ર.પા. નાં શબ્દોનો વરસાદ અને આ દ્રશ્ય ચિત્રો… આહા…હ…ફુગો ફૂલીને ફૂટે એમ પાણીનાં ઝીણાં ઝીણાં ખાબોચિયાં ફૂલતાં જાય અને ફૂટતાં જાય. અદ્ભુત દ્રશ્ય…પણ એ નીરખવાની દ્રષ્ટિ તો કવિની જ હોય ને?…અને આ તો, અધ…ધ…ધ…જાણે શબ્દોનાં ધોરિયા છૂટ્યાં… અને અચાનક જાણે બૂમો પાડતાં બાળકો દોડતા હોય એમ વરસાદી રેલા વછૂટ્યા, એને વારવા જાણે નદીયું ય દોડી એ પણ છબિયુંમાંથી….કેવું અદ્ભુત કલ્પન…? વળી…આગળ તો ‘ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા’ અરે, વરસાદનાં ય કેટકેટલાં નામ? જાણે કવિ ધાબે કે અગાસીએ બેસીને દરેક પ્રકારના પાણીને અલગ અલગ જોઈ, ગણી રહ્યાં છે. અને પાછું “આખા ગામનું ગજું નાણે” એવો એટલે કે ગામ આખાની તાકાત માપી લે એવો સખત વરસાદ…ભૈ વાહ, વાહ…

    હવે જેમ જેમ પાણી વધતું જાય એમ ભયથી મન પણ “વાઘરી જેવું” થઈ જાય, થાપ ખાઈ જાય. ગારમાટીના કૂબા જેવું કાચું મન પાણીની હેબતથી ડગમગે. સૌથી વિશેષ સુંદર તો આ પંક્તિ,
    “તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા — એ કોયડાસોતું છિછરું માથું ડૂબે” આ જાતને ગમવાની વાત કેવી? જ્યારે કોઈ તમને ગમવા લાગે ત્યારે પહેલા તમે પોતાને જ નવા લાગો. એ ગમવું એટલું ઊંડું છે કે તેને સમજવાનું છીછરું મન પણ એમાં ડૂબી જાય.

    ‘તમને તમે ગમવા માંડો’ એ સૌથી અજબ કોયડો છે. કારણ કે એનો જવાબ તો અંદરથી જ ઉઠે. એકલા બેસીને જાતને સાંભળવાથી આપણે પહેલી વાર પોતાને બહારથી જોઈએ છીએ. આપણે જ આપણને ગમી જઈએ. બિનશરતે ગમી જવાય. ભીના, અસ્તવ્યસ્ત, ગારમાટીના કૂબા જેવા હોવા છતાં. એટલે આ કોયડો ઉકેલવાનો તો છે જ નહીં, બસ, જીવવાનો છે. તમે તમને ગમવા માંડો એની કોઈ જ થિયરી નથી હોતી. એટલે ગામ આખું ભીંજાય એવો અનુભવ કોઈ લોજિકથી નહીં, પરંતુ લાગણીથી જ સમજાય. કેટલાક કોયડા ઉકેલાતા નથી, એ જીવી જવાના હોય પણ આપણે આપણી જાતને સાક્ષીની જેમ જોવી પડે. વરસાદને જેમ આપણે બારીમાંથી કે ઝરુખેથી જોઈએ, એમ જાતને પણ દૂરથી જોવી પડે.

    અંતિમ પંક્તિ તો ગઝબ, ‘જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એ પહેલાં દરિયો તેગું તાણે’ ટીપાથી શરૂ થયેલી વાત દરિયે, લહેરોની તેગું એટલે કે તલવારું તાણતો દરિયો સામી છાતીએ લડવા દોડે. અદ્ભુત. વરસાદ સાથે સ્વાનુભૂતિનાં ઘોંચપરોણાં એવાં છે કે તેને સમજતાં પહેલાં તો ઝીલવા માટે પહેલા દરિયો થઈ દોડવું પડે નહીંતર તો ડૂબી જ જવાય.

    ભીનાશ ભર્યા આ ગીતમાં ગામની માટીની સુગંધ છે, શૈશવની શેરી છે, અને એકાંતમાં પોતાની જાતને ગમવાની, ઓળખવાની મજા છે. આભાર વિવેકભાઈ, આ ર.પા. નાં સ્વમુખે સાંભળેલું ગીત તાજું જ થઈ ગયું

  7. વિવેક said,

    July 10, 2026 @ 11:37 AM

    પ્રતિભાવ પાઠવનાર બધા જ મિત્રો અને સહૃદય આસ્વાદ કરાવનાર શ્રી પીયૂષ ભટ્ટનો દિલથી આભારી છું

  8. Jayesh Bhatt said,

    July 10, 2026 @ 8:36 PM

    અદ્દભૂત ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment