જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

(મનજી) વૃત્ત ગઝલ – રમેશ પારેખ

⁠(પ્રલંબતોટક)

હજુ આંખ ખૂલે ન ખૂલે અડધું પડધું, મનજી
થઈ જાય બધાં સપનાં ભડથું ભડથું, મનજી

નદીઓ ઉમટ્યાની ઊડી અફવા ગલીએ ગલીએ
જરી પાંપણમાં ચીતર્યું અમથું રડવું, મનજી

પડવાની અણી પર હોય છતાં ન પડે ફડકો
બનતાં બનતાં અટકી પડવું બનવું મનજી

જડ હાથ રહે જડ, ના કદી યે બનતો ઘટના
સરખું જ બધું, પથરો અથવા સસલું મનજી

પડવું, દડવું, ચડવું, ખડવું, રડવું, સડવું બસ,
આમ ક્રિયાપદભેર ક્રિયાપદવું, મનજી

ચકલા પર ઊભી રહે છે ઉઘાડી ઉઘાડી ચીસો
મળ્યું ષંઢ શહેર વિષે ભડવા બનવું, મનજી

– રમેશ પારેખ

સમર્થ સર્જક સતત નવું શું કરી શકાય એની મથામણમાં રહેતો હોય છે. ગઝલ વિદેશથી આપણે ત્યાં આવી તો પોતાના છંદ સાથે લેતી આવી, પણ આપણી કાવ્યપરંપરા પાસે તો પોતાના વૃત્તોની સમૃદ્ધ પરંપરા હતી જ… ઘણા સર્જકોએ આ બંનેનું કોકટેલ કરી જોયું છે. ર.પા.એ પણ કેટલીક વૃત્ત ગઝલો લખી છે. નવ વૃત્ત ગઝલોના ગુચ્છમાંથી નવમી ગઝલ આજે અહીં રજૂ કરીએ છીએ. સામાન્યરીતે તોટક છંદમાં સ,સ,સ, એમ કુલ બાર ગણ હોય, પણ કવિએ બે આવર્તન વધારે પ્રયોજી પ્રલંબતોટક છંદ બનાવ્યો છે. મનજીને સંબોધીને લખાયેલ આ વૃત્ત ગઝલ છંદવ્યાયામ કે ફ્યુઝન-એક્સપરિમેન્ટ ન બની રહેતાં ગઝલિયતને વરી છે એનો સવિશેષ આનંદ.

(છંદવિન્યાસ: લલગા લલગા લલગા લલગા લલગા લલગા)

14 Comments »

  1. Chavada Kalpesh said,

    August 12, 2026 @ 11:45 AM

    સુંદર ભાવવાહી રચના

  2. Lalit Trivedi said,

    August 12, 2026 @ 12:28 PM

    વંદન

  3. Vrajlal Savaliya said,

    August 12, 2026 @ 12:37 PM

    માણવા જેવી કવિતા

  4. Kishor Ahya said,

    August 13, 2026 @ 12:17 AM

    વૃત એ કવિશ્રી રમેશ પારેખની ખુબજ દર્દભરી રચનાં છે, કવિએ મનજીને સંબોધીને શેર રચ્યા છે જાણે કવિ અને કવિનું મન બંને અલગ હોય! પણ આજ ખૂબી છે! આમજ તો કવિ શ્રી રમેશ પારેખ બધાથી અલગ પડે છે! મનજી જેવી સુંદર રદિફ બધાને મન ભાવન બની જાય છે. દરેક શેર ન સમજી શકાય તેટલો ઊંડો અર્થ ધરાવે છે. છેલ્લો શેર તો ગજબ છે! ક્યાં કારણોસર કવિએ ગઝલમાં આવા તીખા શબ્દ પ્રયોગ કર્યા હશે તે કહેવું મુશ્કેલ છે.

    “ચકલા પર ઊભી રહે છે ઉઘાડી ઉઘાડી ચીસો
    મળ્યું ષંઢ શહેર વિષે ભડવા બનવું, મનજી”

    ચકલા પર ચીસો પડે છે પણ
    (ષંઢ નો અર્થ નપુસંક ) નપુસંક શહેરમાં આ ચીસો કોણ સાંભળે? હે મન મારા! કેવું શહેર મળ્યું! પુરુષત્વ વિનાના ની વચ્ચે દલાલ બનવું?

    પડવું, દડવું, વગેરે ક્રિયાપદો યોજી કવિ કહે છે.
    જીવન ક્રિયાપદો જેવું છે એ મુજબ ક્રિયા થતી રહે છે એટલેકે જીવનમાં કોઈ ખાસ વિશેષતા નથી,જાણે રોજિંદગી ક્રિયાઓ જ જીવન બની ગઈ છે!આ પણ સરસ વાત છે.

    “જડ હાથ રહે જડ, ના કદી યે બનતો ઘટના
    સરખું જ બધું, પથરો અથવા સસલું મનજી”
    કવિ અહીં જડપ્રકારના માણસોની વાત કરતા કહે છે, જે જડ જેવા છે તેને મન સસલાને મારવા ઉપાડેલ પથ્થર અને સસલું બંને વચ્ચે કોઈ ફરક નથી, એટલેકે તેને મન સજીવ નિર્જીવ સરખા જ છે. કવિએ આવું દ્રશ્ય ક્યાંક જરૂર જોયું હશે!

    શરૂ ના શેર પણ મજાના છે મીઠા સ્વપ્નો ચાલતા હોય અને ઊંઘ ઊડી જતી લાગે ત્યારે આંખ ખુલે ન ખુલે ત્યાતો ચાલતા સ્વપ્નો અદૃશ્ય થઈ જાય ! સપના ભડથું ,ભડથું એવો શબ્દ પ્રયોગ કવિ કરે છે . સ્વપ્ન ચાલ્યા જાય એતો જાણે સમજ્યા પણ કવિને સ્વપ્ન યાદ રહેતા નથી! તે બાબત ગમગીન કરતી હોય તેમ પ્રયોજેલ ભડથું ,ભડથું શબ્દ પરથી લાગે છે.

    નદીઓ ઉમટ્યાની ઊડી અફવા..
    આ શેરમાં કવિ અફવાઓ કેવી ઊડે છે તે વિશે જણાવે છે આંખમાં એક આંસુનું બુંદ ક્યાં ન ટપક્યું કે શેરીમાં અફવા ફેલાય ગઈ! નદીઓ છલકાણી!

    પડવાની અણી પર હોય છતાં ન પડે..
    ક્યારેક કોઈ સંકટ આવ્યું કે આવવાનું, ધ્રાસ્કો પડ્યો કે પડશે, એ નક્કી જ હોય ત્યારે તેમ બનતા અટકી પડે એવું પણ બનતું હોય છે મન મારા! જીવનમાં આવો અનુભવ વતા ઓછા અંશે બધાને થતો જ હશે. અને એમાંથી ઉગારી જવું એ મનુષ્ય ઉપર ઈશ્વરના અદૃશ્ય આશીર્વાદ! આવીજ કોઈક ગહન વાત કહ્યા વિના કવિએ આ શેરમાં ક્હી દીધી છે!

    ખૂબ મજાની ગઝલ છે . શ્રી વિવેકભાઈએ વૃત ગઝલ વિશે આસ્વાદમાં મજાની સમજ આપી છે અને સરસ મજાની ગઝલ પસંદ કરી છે.

    🌹🌹🌹🌹

  5. Suresh Parmar said,

    August 17, 2026 @ 2:56 PM

    🌹👍🙏 ખૂબ સરસ.

  6. DILIP DHOLAKIYA SHYAM said,

    August 17, 2026 @ 3:51 PM

    વાહ..વાહ..🎉🎉

  7. Mehul Bhatt said,

    August 17, 2026 @ 3:56 PM

    વાહ 👌 લાજવાબ

  8. Harihar Shukla said,

    August 17, 2026 @ 4:25 PM

    સરસ સરસ ગઝલ અને પાછું ક્રિયાપદવું.

  9. kamlesh shukla said,

    August 17, 2026 @ 4:51 PM

    ઉમદા રચના અને કિશોરભાઈ દ્વારા એનો એટલો જ સરસ આસ્વાદ.

  10. Meena Parekh said,

    August 17, 2026 @ 5:27 PM

    સરસ. કિશોરભાઈએ સરસ પ્રકાશ પાડ્યો.

  11. Preeti pujara said,

    August 17, 2026 @ 10:15 PM

    રમેશ પારેખની આ ગઝલમાં ‘મનજી’ને સંબોધીને કવિએ માણસની અંદરની અસમંજસતા, નિષ્ક્રિયતા અને ખાલીપાને સહજ ભાષામાં વ્યક્ત કર્યો છે. આંખ પૂરેપૂરી ખૂલે એ પહેલાં જ સપનાં ભાંગી પડે છે—આ ભાવથી ગઝલની શરૂઆત જ એક ઉદાસ અને વ્યંગમિશ્રિત વાતાવરણ ઊભું કરે છે.

    ગઝલની વિશેષતા તેની લોકબોલીની ભાષા અને શબ્દરમત છે. ‘અડધું પડધું’, ‘ભડથું ભડથું’, ‘અમથું રડવું’ જેવા પ્રયોગો ભાવને વધુ જીવંત બનાવે છે. ‘પડવું, દડવું, ચડવું, ખડવું, રડવું, સડવું’ જેવી ક્રિયાપદોની હારમાળા જીવનની સતત ચાલતી, પણ અર્થહીન ગતિને વ્યક્ત કરે છે.

    ‘જડ હાથ’, ‘પથરો અથવા સસલું’ અને ‘ઉઘાડી ચીસો’ જેવા પ્રતીકો દ્વારા કવિ માણસની સંવેદનહીનતા અને શહેરજીવનની જડતા સામે કટાક્ષ કરે છે. ખાસ કરીને અંતિમ શેરમાં આખા શહેરને જાણે ચીસો સંભળાતી હોવા છતાં નિષ્ક્રિય ઊભેલું બતાવીને કવિએ સામાજિક સંવેદનાના ક્ષયને અસરકારક રીતે રજૂ કર્યો છે.

    આમ, સરળ શબ્દો, અનોખી શબ્દરમત, લય, વ્યંગ અને ઊંડા જીવનબોધના કારણે આ ગઝલ રમેશ પારેખની આગવી કાવ્યદૃષ્ટિનો સુંદર પરિચય કરાવે છે.

  12. વિવેક said,

    August 18, 2026 @ 10:55 AM

    તમામ પ્રતિભાવકોનો ખૂબ ખૂબ આભાર…

    રચનાનું સુગ્રથિત આકલન કરવા બદલ શ્રી કિશોર આહ્યા તેમજ સુશ્રી પ્રીતિ પૂજારાનો ખાસ આભાર

  13. jyoti Patel said,

    August 23, 2026 @ 11:08 AM

    So nice, intimate ghazal.
    Vivekbhai has explained the unique hybrid nature of this ghazal beautifully.

  14. વિવેક said,

    August 23, 2026 @ 11:28 AM

    @ Jyoti Patel:

    Thanks a lot for this appreciation… means a lot

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment